ખો ખો
બાકી તો બીજું શું થાય છે ? ખો ખોની રમત્યું રમાય છે.
વાંસળીના કંઠમાં તો ડૂમો ભરાય અને સાંબેલા માલકંસ ગાય છે
હું એને આપું ને ઈ અમને આપે ને એમ જ હાલે છે વહેવાર
એક વાર સમ્બન્ધો રાખવાનું શીખો ને રોજ રોજ ઉજવો તહેવાર
સાચુકલાં ફૂલને તો ખરવું ય પડે છે પણ પ્લાસ્ટિકનાં ફૂલનું શું જાય છે ?
બાકી તો બીજું શું થાય છે ? ખો ખોની રમત્યું રમાય છે.
ઊંચા ઝરુખાને પાયાનું પૂછ્યું તો આખ્ખું મકાન કહે ચુપ
ચોપડિયું છાપીને વેચી નાખી ને તમે વાંચ્યા કરો છો હજી પ્રુફ ?
ક્વોલિટી બોલિટી મારી ફરે હવે રેતીમાં ભીંત્યું ચણાય છે.
બાકી તો બીજું શું થાય છે ? ખો ખોની રમત્યું રમાય છે.
કાબરના કલબલમાં કોયલની વાણીને આપે છે કોણ વળી દાદ ?
સંસદમાં જેમ કોક સાચુકલા સાંસદનો સાંભળતું કોઈ નથી સાદ
સાચું કહું, બોસ, મને આખ્ખી ને આખ્ખી આ સિસ્ટમમાં ખામી જણાય છે
બાકી તો બીજું શું થાય છે ? ખો ખોની રમત્યું રમાય છે.
સૌજન્ય : કવિ કૃષ્ણ દવેના ફેસબુકિયા પાન પરેથી.
![]()


એ દિવસ હતો સોમવાર, એપ્રિલ ૩૦, ૧૮૬૦. વોટરલૂ સ્ટેશને ઉતરનાર એ મુસાફર હતા મહીપતરામ રૂપરામ નીલકંઠ. ઉંમર વર્ષ ૩૧. એ જમાનામાં દરિયાઈ રસ્તે મુંબઈથી લંડન સુધીની મુસાફરી કરતાં તેમને ૩૫ દિવસ લાગેલા. સાથે એક બ્રાહ્મણ રસોઈયો હતો અને લગભગ એક વર્ષના પરદેશવાસ દરમ્યાન ચાલે તેટલું પીવાનું પાણી અને સીધું-સામાન હતાં ! પાછા ફરતાં મહીપતરામ પેરિસ એક અઠવાડિયું રોકાયા હતા. ત્યારે જકાત અધિકારી પહેલાં તો માનવા તૈયાર નહોતો થયો કે સાથેની સિરોહીમાં પાણી છે. કહે : ‘પાણી લાવવાનું શું કામ છે? પેરિસમાં બહુ પાણી છે.’ પછી ચાખી જોયું ત્યારે જ તેને ખાતરી થઈ અને પાણી સાથે મહીપતરામને પેરિસમાં દાખલ થવા દીધા. સીધું-સામાન તો જાણે સમજ્યા, પણ એક વરસ પીવા માટે ચાલે એટલું પાણી મહીપતરામ સાથે લઈ કઈ રીતે ગયા હશે?