Opinion Magazine
Number of visits: 9558422
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝૂંપડપટ્ટી વિશે હેવાલ

રઘુવીર ચૌધરી|Poetry|14 October 2014

‘ગુજરાતમાં આશરે ૪૬ લાખ જેટલી
ઝૂંપડપટ્ટીઓ છે,
જે ૨૦૧૭ સુધીમાં ૫૨ (બાવન) લાખ થશે.’
− આ અખબારી સત્યમાં
મારી ઓળખીતી ઝૂંપડપટ્ટીનો સમાવેશ ન પણ હોય.
તેથી એને વિશે બે વાનાં કહેવાં ઘટે.
દોઢસો વર્ષ પહેલાં એને ગુલબાઈએ વસાવી
ત્યારે એ ઝૂંપડપટ્ટી નહોતી કહેવાતી.
કહેવાતી હતી હરીભરી ટેકરી, ગુલબાઈની.
ગાયિકા હતી ગુલબાઈ, રહેતી ટેકરીની ટોચે.
એના સંગીતની લહરીઓ શહેર કોટડાને ડોલાવતી.
શેઠિયા-વેઠિયા સહુ જોયા કે
આખી ટેકરી ગાય છે
ને ઝાડપાન પર ચાંદની વાય છે.
આશા ભીલના દૂરના સગા મારવાડના રાજાએ
યક્ષ કિન્નર ને ગંધર્વ વિશે સાંભળેલું.
માની લીધેલું કે ગુલબાઈ ઈરાની પરી છે.
રાજા છૂપા વેશે આવ્યો
ટેકરીની પરકમ્મા કરી ઝાડને છાંયે છાંયે
પહોંચ્યો છેક ટોચે.
ચંદ્ર જેવા મુખવાળી પરી
પોતાના અજવાળામાં ગાતી દેખાઈ :
પધારો મારે દેશ, કેસરિયા …
થોડા દિવસમાં દીવાન રાજપત્ર લાવ્યા : ‘પધારો …’
ગુલબાઈનો રસાલો પહોંચ્યો મારવાડ.
ગઢના કાંગરે બાંધેલાં તોરણ ને ધજાના તાલ આલાપ,
પરદેશીના ગાને પ્રજાને નાચતી જોઈ રાજા ખુશખુશાલ.
‘આપું સાત ગામ !’
‘ગામને શું કરું મહારાજ ?’
આપો તો આપો સાત સૂર જેવી
સાત ગંધર્વકન્યાઓ.
એમના કુટુંબકબીલા સાથે
વસાવીશ મારે ટેકરે.
ગમે તો રહે,
નહીં તો રુમઝુમ પરત આવતી હોળીએ.’
રાજા-પ્રજા સહુએ મંછા પૂરી કરી ગુલબાઈની.
વિદાય આપી સરોવર કિનારેથી.
સહુને સદી ગયો કુબેરના ભંડાર જેવો ફળફૂલનો બાગ.
સંગીત સાથે ભળ્યું નર્તન અને સુખિયાનું કીર્તન.
શેઠિયા-વેઠિયાનાં માનપાન વધ્યાં ગુલબાઈની ટેકરીએ.
કોઈએ કદર કરી, કોઈએ પગલાં પૂજ્યાં
જીવતરની રાત પૂરી થઈ,
પ્રભાતની પરી ઊડી ગઈ.
પણ ટેકરી ગુલબાઈની જ કહેવાઈ.
સડકોથી ઘેરાતી ગઈ ટેકરી,
એની ઝૂલ કપાતી ગઈ.
નવી પેઢી ટેકરીને હોલીવૂડ કહેતી થઈ.
વસ્તી સાત હજાર થઈ.
હું એને વસાહત માનતો હતો
પણ છાપવાળાએ સંખ્યામાં ફેરવી દીધી, ૪૬ લાખની !
ભારે ઉત્સવઘેલી છે આ વસ્તી.
એને ગાતાંનાચતાં જોવા ચીટકી જનારા સડકની ધારે
કચરો જોઈ નાકનાં ટેરવાં ચઢાવે;
કચરો નહીં, વસ્તી જાય એવી આગાહી કરે.
કોઈક કવિ વિમાસે :
સાત લાખ સેવાગ્રામને જાણનારો,
ભારતના પરાધીન ભૂતકાળને લંબાતો જોનારો
કોઈક કવિ જુએ કે
નાનામોટા રંગબેરંગી ઉકરડાઓની આક્રમક
વાસમાંથી પ્રાણવાયુ ખેંચીખેંચીને
ઊજવે છે એકએક તહેવાર આ વસાહત.
ભૂખને ભરી દે છે ઉજાણીના ઉમળકાથી.
કોઈ પર્વ પારકું નથી, તહેવાર ટૂંકો નથી.
એમને ગુરુ હોય છે સહિયારા
પણ દેવદેવી આગવાં.
જીપને ઊડતા અશ્વ જોડી રથ બનાવે.
એમાં વરરાજા બિરાજે.
વિદેહ ગુરુનું પણ ફૂલેકું ફરે ધામધૂમથી.
ભીડમાં અટવાતા કારવાળા શાહુકાર,
વરધોડાના દમામ જુએ, ન પણ જુએ, બબડે.
નાચતી મૂર્તિઓ જાણે માણસો.
ઘાટ ઘડાય, પછી રંગાય
મેઘધનુષી ફુવારાથી.
ગણપતિની સભાઓ ભરાય સડકને કિનારે
એકએક દેવ વિનાયક થવા લલચાય.
શંકર સુવન ભવાનીનંદન.
રિદ્ધિસિદ્ધિનાં અંકિત વંદન.
રંગરૂપનો મંડપ સહુનો નોખો, દેખો.
વાદ્યવૃંદને મળી રહે નિજ ગણેશ, બાપ્પો,
આ સરનામે …
કામદાર સહુ કલાકાર થઈ
લાખ કમાય, અડધા મહેફિલમાં વહી જાય.
જગા હોત તો વાહન ખરીદી શકાત.
પસાર થતાં વાહનો બાળકોને અડકી જાય છે
ક્યારેક બે પૈડાં વચ્ચેથી પસાર થઈ જાય,
એ ચાલવા કરતાં દોડે વધુ
પોલીસથી નહીં, શિક્ષકથી ડરે.
ગણતરી શીખે રમતમાં.
અહીં દૂધપીતીનો રિવાજ નથી.
કન્યાઓ વયસ્ક થાય
ઓઢણીનું પાનેતર બની જાય.
હોળી પહેલાં લગ્નગીત ગવાય.
‘ભવની ભવાઇ’માં એમનું સમૂહનૃત્ય ફિલ્માય.
પડોશના ચૉકમાં નવરાત્રિ ઊજવાય
ત્યાં પાંચસાત ગોપીઓ ટોળે વળીને રમવા જાય
પુરુષવર્ગ જોવામાં તન્મય થાય
પણ મહિલા આગેવાનથી ન સહેવાય.
‘તો આ ચાલ્યાં પાછાં નાચતાંકૂદતાં.’
લડાય નહીં, નાતો છે કામધંધાનો.
ગાઈ લેશે ઘર પાસે
નાચી લેશે સડક પર.
સડક મોટી કરનારા મથે છે વર્ષોથી,
ઝૂંપડાં ખસેડાય, પાછાં આવી ઊભાં થાય.
કાચબાની જેમ જાત બચાવી લે.
એક વાર સ્થપતિ છાત્રો વહારે ધાયેલા,
લેખકો-બેખકોય સાક્ષી બનેલા.
ઝૂંપડાં કહો કે ઘર, જાતે ખસ્યાં એ ખોટું.
વરસાદ હતો એ સાચું.
ગટર બનીને વહેતી સડકને સુકાવા દો નામદાર
પછી જાતે આવીને જુઓ પળવાર
વકીલો પાસે ઇતિહાસ હશે, ભૂગોળ નથી.
કુદરત સામે કેસ ન થાય.
હસી લીધું, કામ ચલાવ્યું કાયદેસર.
જીત્યાં ઝડપથી જનારા.
સડક ફૂલીને પહોળી થઈ.
વસાહત બેવડ વળી ઊંધી ધકેલાઈ.
લડીઝગડી ઊંઘી ગઈ.
ગરીબને કેટલી જગા જોઈએ ?
પછી તો નગર મહાનગર જાહેર થયું,
ચાલનારાં ઘટ્યાં, વાહનો વધ્યાં.
રોડનાં બજેટ બેવડાંતેવડાં થયાં.
ચૂંટણીઓ આવી ને ગઈ.
અને એક બપોરે
ઊથલપાથલ કરતાં યંત્રોની ભીડ જામી ગઈ.
સીલ થયા સડકના બેઉ છેડા.
આરંભાયું યંત્રોનું આરોહણ
ટૂંકી ટચુકડી કાચી દીવાલો પર.
છાપરાં ચગદાયાં,
પથરા કતરાયા સૂડી-સોપારીની જેમ.
મારું-તારું ભૂલી બધાં જોતાં જ રહ્યાં સાક્ષીભાવે.
બપોરની આળસ છોડી
પોલીસ અધખૂલી આંખે સાવધ હતી સ્વબચાવમાં.
વસ્તીમાંથી કોઈએ કાંકરીચાળોય ન કર્યો.
તળે ઉપર થતું બધું જોઈ રહ્યા ભાવ વિના
કે ભાન વિના.
અગાઉ જોયેલાં માઠાં સપનાંથી
આ કંઈ વધુ ન હતું.
એક વટેમારગુ પસાર થયો
ઘમસાણ વચ્ચેથી.
વાગે તો ભલે વાગે.
યંત્રોના ક્રૂર અવાજમાં
ચગદાતો માનવીય સન્નાટો
જેમની આંખોમાં હતો
એમને એ ઓળખતો હતો.
ગુલબાઈના ઘરાનાની આ દશા ?
બીજી બપોરે
કાટમાળના પડખે
વૃદ્ધની ખાટલી પાસે
રડ્યાંખડ્યાં સગાં સાથે ઊભેલા
સેવાભાવી દાક્તર પૂછે છે પીડા વિશે.
ડોસા યાદ કરીને કહે :
રાતે ગુલબાઈ આવ્યાં હતાં.
બધાનાં ખબરઅંતર પૂછતાં કહે :
‘ક્યાં ગયા બધા ફૂલછોડ ?
જે તાપમાં ખીલી રાતે મહેકતા હતા.’
દાક્તર સમજ્યા નહીં, ધારી લીધું :
મરુભૂમિની પરીનું નામ હશે ગુલબાઈ.
પછી તો ડોસાને દોઢસો વરસનો ઇતિહાસ
યાદ આવ્યો અવળસવળ.
દાક્તરને રસ પડ્યો.
એ બીજા દિવસે પણ આવ્યા.
ડોસા એમની ઓરડીના કાટમાળમાંથી
આખી ઇંટો જુદી પાડતા હતા,
વચ્ચે કપાયેલી પછીતો ને દીવાલોનાં
બાકોરા જોતા હતા
ભૂતકાળમાં ડોકિયું કરતા હોય એમ.
એક છોકરો તૂટેલા મંગળસૂત્રનો દોરો હલાવતો
જે મળે એને પૂછતો હતો : જોઈ મારી માને ?
તૂટેલી દીવાલની ચૂનાવાળી કપાયેલી ઇંટો
દાંતિયાં કરતી હતી.
યંત્રોએ અડફેટ ન લીધેલા નાનકડા મંદિરની
ધજા સાથે ફાટેલો પતંગ ફરકતો હતો.
ત્રીજા દિવસે સૂકા નાળાની ભેખડો જેવી જગાએ
નાનીનાની છાબડીઓમાં હાટડીઓ શરૂ થઈ.
ડોસાએ રોડાં પાથરી થોડીક જમીન સમથલ કરી હતી.
રાતે ફોરાં પડ્યાં ત્યારે
એ મંદિરના ટૂંકા ઓટલે ટૂંટિયું વાળી સૂઈ ગયેલા,
દાક્તરને પાછા બોલાવી કહે :
વરસાદ આવશે તો ખાબોચિયાં ભરાશે.
છોકરાં લપસી પડશે.
સડક વેળા સર થાય તો સારું.
એની ફૂટપાથ પર બે ઘડી પડી રહેવાય.
મંદિરનું કશું કહેવાય નહીં,
એના પાયા હચમચી ગયા છે.
પૂજારી તો સૌથી પહેલાં ખસી ગયેલો,
સાહેબોને સલામ કરીને.
એને ઢોલ વગાડતાં આવડે છે.
વરઘોડાના મૂરતને કેટલી વાર ?
પેલા વરરાજાનું છાપરું તૂટ્યું છે.
એ તો ચોકીદાર છે સૂના બંગલાનો.
અમે તો બધાં ઢોળાવ પર વસેલાં.
ગુલબાઈની અસલ જમીન તો વેતરાઈ ગઈ
બંગલાઓમાં.
મોટા બંગલામાં એક ઓરડી માળીની,
બીજી ચોકીદારની.
કાયદેસર કશું નથી
પણ કોટની અંદરની ઓરડી નહીં તૂટે.
પેલા માળીએ દુકાન કરેલી કાગળનાં ફૂલોની.
એમાંથી કમાઈને મુંબઈ ગયો.
ફૂલેકાનો ઘોંઘાટ ડોસાને ગમે છે.
વાહનોની ખોડંગાતી આવજા વધે છે.
ઢોલ, ત્રાંસાં, શરણાઈના અવાજમાં
ડોસાનું મન નાચે છે, ત્યાં
મંદિરના ધૂપમાં ધૂણી ભળે છે.
ફુગ્ગાવાળો છોકરો ડોસાની પાસે આવીને
રણુજાના રાજાનો હેલો ગાવા લાગે છે.
ડોસા એની સાથે મનોમન જોડાય છે.
છોકરાનું ગજવું ખાલી છે.
માગવાથી કશું મળ્યું નથી લાગતું.
છોકરો ફરી એક આંટો મારી આવે છે.
મંદિરના પાયા પાસે સુકાયેલા ખાબોચિયામાં
છોકરો છાતીસરસો ફુગ્ગો દબાવી
ઊંઘી જાય છે.
ડોસા જાગે છે.

સૌજન્ય : “કવિલોક”, મે-જૂન 2014; પૃ. 08-11

Loading

મુદ્રણને પગલે આવ્યાં વિરામ ચિહ્નો

દીપક મહેતા|Opinion - Literature|14 October 2014

મુદ્રણને પગલે ગુજરાતીના લેખનની રીતમાં કેટલાક ફેરફાર ધીમે ધીમે થયા. અગાઉ હસ્તપ્રતોમાં શબ્દો છૂટા પાડયા વગર સળંગ લખાણ લખાતું હતું. આને પરિણામે લખાણ ઉકેલવામાં તથા તેનો અર્થ બેસાડવામાં કેટલી મુશ્કેલી પડે છે તે હસ્તપ્રતોના અભ્યાસીઓ જાણે છે. અંગ્રેજી મુદ્રણ જોઈને ગુજરાતી મુદ્રણમાં શબ્દોને છૂટા પાડવાનું પહેલેથી જ શરૂ થયું. જો કે શબ્દોને છૂટા પાડવા માટે શરૂઆતમાં અંગ્રેજી કરતાં જુદો રસ્તો અપનાવ્યો હતો.  ૧૭૯૭ની બોમ્બે કુરિયરની જાહેર ખબરોમાં તેમ જ ફરદુનજી મર્ઝબાજીએ શરૂઆતમાં છાપેલાં પુસ્તકોમાં બે શબ્દો વચ્ચે મધ્યરેખાબિંદુ (ઇન્ટર પોઇન્ટ) મૂકીને શબ્દો છૂટા પાડયા છે. પ્રાચીન લેટિનમાં આ ઇન્ટર પૉઇન્ટનો ઉપયોગ જોવા મળે છે. બહેરામજી છાપગર કે ફરદુનજી મર્ઝબાનજી પ્રાચીન લેટિનથી પરિચિત હોય એવો સંભવ નથી. તેમણે આ ઇન્ટર પૉઇન્ટનો ઉપયોગ કયાંથી અપનાવ્યો હશે એ જાણવાનું આજે શક્ય નથી. જો કે થોડાં વર્ષો પછી શબ્દોને છૂટા પાડવા માટે ઇન્ટર પૉઇન્ટને બદલે ખાલી જગ્યા-સ્પેસ-નો ઉપયોગ શરૂ થઈ ગયો હતો.

બીજો ફેરફાર થયો તે વિરામ ચિહ્નોના ઉપયોગનો. હસ્તપ્રતોમાં એક માત્ર પૂર્ણવિરામ સિવાય બીજું કોઈ વિરામ ચિહ્ન વપરાતું નહીં. પૂર્ણ વિરામ માટે પણ ઊભો દંડ (।) વપરાતો. કવિતામાં બે દંડ ( ।। ) પણ વપરાતા. સળંગ લખાતા લખાણમાં આ દંડને કારણે વાક્ય કયાં પૂરું થયું તે સમજાતું. પણ તે સિવાય બીજાં કોઈ વિરામ ચિહ્નો વપરાતાં નહીં. ૧૮૨૧માં સુરતમાં છપાયેલા બાઈબલના નવા કરારના અનુવાદમાં માત્ર એકવડા અને બેવડા દંડ જ વપરાયા છે, બીજાં કોઈ વિરામ ચિહ્નો વપરાયાં નથી.

ભારતની બીજી ભાષાઓની જેમ ગુજરાતીએ પણ ધીમે ધીમે અંગ્રેજીમાં વપરાતાં વિરામ ચિહ્નો  અપનાવ્યાં છે. હિંદીએ બીજાં બધા ચિહ્નો અપનાવ્યાં પણ પૂર્ણવિરામને માટે અધોરેખાબિંદુ(.)ને બદલે અગાઉનો દંડ વાપરવાનું ચાલુ રાખ્યું છે. ગુજરાતીમાં પણ શરૂઆતમાં પૂર્ણવિરામ માટે અધોરેખાબિંદુનું ચિહ્ન વપરાયું નથી. શબ્દોને છૂટા પાડવા માટે વપરાતા મધ્યરેખાબિંદુ સાથે તેની સેળભેળ થઇ જાય એ બીકે એમ થયું હશે. એટલે શરૂઆતમાં પૂર્ણવિરામ માટે અધોરેખાબિંદુને બદલે ફુદરડીની (*) નિશાની વપરાય છે. આ ફુદરડી અક્ષરના માપની જ રહેતી તેનાથી નાની નહીં અને તેની આકૃતિ અક્ષરોથી તરત જુદી પડે એવી હતી. પછી મધ્યરેખાબિંદુનો ઉપયોગ બંધ થયો એટલે સોળભેળની બીક રહી નહીં અને તેથી ફુદરડીને બદલે પૂર્ણવિરામને માટે (.)નું ચિહ્ન વપરાવા લાગ્યું. અંગ્રેજીમાં વપરાતાં બીજાં વિરામ ચિહ્નો તે પછી ધીમે ધીમે વપરાતાં થયાં. છેલ્લા કેટલાક દાયકાઓમાં અંગ્રેજી મુદ્રણની ગતિ, ખાસ કરીને અમેરિકામાં, બને તેટલાં ઓછાં વિરામ ચિહ્નો વાપરવા તરફની છે. પણ આપણે ૧૯મી સદીમાં બ્રિટિશ અંગ્રેજીમાંથી વિરામ ચિહ્નો અપનાવ્યાં ત્યારે મુદ્રણમાં તેમની જે બહુલતા હતી તેને જ આજ સુધી વળગી રહ્યાં છીએ.        

અંગ્રેજી મુદ્રણ જોઈને આપણે બીજી બે વાત પણ અપનાવી. પહેલી તે ગદ્ય લખાણ સળંગ ન લખતાં તેમાં પેરેગ્રાફ પાડવાની. અલબત્ત, શરૂઆતમાં પેરેગ્રાફ લગભગ સ્વેચ્છા મુજબ (આર્બિટ્રરીલી) પડાતા. પણ પછી ધીમેધીમે ભાવ, વિચાર કે મુદ્દા સાથે પેરેગ્રાફનો સંબંધ બંધાયો. તેવી જ રીતે પદ્યની બાબતમાં પંક્તિ અને કડીને સળંગ ન છાપતાં જુદાં પાડીને છાપવાનું આપણે અપનાવ્યું. પદ્યની પંક્તિનું માપ સાધારણ રીતે ગદ્ય લખાણના માપ કરતાં નાનું રાખવાનું – પંક્તિને ઇન્ડેન્ટ કરવાનું આપણે અપનાવ્યું. પંક્તિ જુદા જુદા માપની હોય તો તેમને આરંભે અથવા અંતે અલાઇન કરવાનું વલણ પણ અપનાવ્યું. બે પેરેગ્રાફની જેમ બે કડી વચ્ચે પણ વધુ જગ્યા-સ્પેસ-રાખવાનું શરૂ કર્યું. હસ્તપ્રતોના જમાનામાં આમાંનું કશું નહોતું.

(વધુ હવે પછી)

સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 13 અૉક્ટોબર 2014 

Loading

સુચરિતાનું વીણાવાદન

દીપક મહેતા|Opinion - Literature|14 October 2014

(ગયા સોમવારે [06 અૉક્ટોબરે] મનુભાઈ પંચોળી દર્શકની નવલકથા ‘દીપનિર્વાણ’ની નાયિકા સુચરિતાની વાત રજૂ કરતી એકોક્તિનો પૂર્વાર્ધ રજૂ કર્યો હતો. આજે એનો ઉત્તરાર્ધ, જન્મશતાબ્દી ટાણે દર્શકને આદરાંજલિ સાથે. વીણાવાદિની યુવતીનું રાજા રવિ વર્માનું ચિત્ર અહીં કેવળ પ્રતીકાત્મક રીતે રજૂ કર્યું છે તેની નોંધ લેવા વિનંતી.)

હા, સુદત્ત બોલ્યો ખરો કે ‘આનંદ, સુચરિતા તારી હં – તારી.’ પણ અરે! એ તે ક્યારે? ભસમ સૌ થઈ ગયું પછીથી. ત્યારે નંદીગ્રામ ભસ્મીભૂત થઈ ચૂક્યું હતું. પિતાજીએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. હજારો સૈનિકોએ જાન ખોયા હતા. અરે! સુદત્તના જીવનની પણ એ છેલ્લી ઘડી હતી. હું તો ત્યારે તેને વારવા ગઈ હતી. તે મારા પરના રોષને લઈને આખું નંદીગ્રામ છિન્નભિન્ન કરી રહ્યો હતો. તેથી તે માગે તો મારુંયે મોત તેને ચરણે ધરવા ગઈ હતી. પણ ત્યારે જ તેના કહેવાથી મને ખબર પડી કે સાધ્વીની નહિ, પણ મને વિહારિણીની દીક્ષા આપવામાં આવી છે. ત્યાં સુધી હું તો એમ જ માનતી હતી કે મને સાધ્વીની દીક્ષા અપાઈ છે અને તેથી હવે આ ભવે તો હું ક્યારે ય આનંદની થઇ શકીશ નહિ. જો કે મેં દીક્ષા લીધી ત્યારે પિતાજીએ જે આશીર્વાદ આપ્યા તે સાંભળીને મને અચંબો થયેલો. તેમણે કહેલું : ‘ચિરસૌભાગ્યવતી થા, બહેન.’ તેમના એ શબ્દો પાછળ રહેલું રહસ્ય તો મને સુદત્તે કહેલી વાત પછી જ સમજાયું. અને ખરેખર, એ આશીર્વાદ છેવટે સાચા પડયા. હું આ જન્મમાં સદેહે આનંદની બની શકી. હા, તમે કદાચ મને પૂછશો : “સુચરિતા! બીજું બધું તો ઠીક, પણ તેં તારી જાતને અને તારી દીક્ષાને છેતરી નથી? ભલે તને દીક્ષા વિહારિણીની અપાઈ હોય, તેં તો એમ જ માનેલું ને કે તું સાધ્વી બની ગઈ છે. તેં અષ્ટાદશ વ્રતો પણ લીધેલાં. દીક્ષાથી નહિ, તો ય મનથી સાધ્વી બન્યા પછી તું ફરી સંસારી બની તે યોગ્ય કહેવાય? તેં ન તો સુદત્તને આપેલું વચન પાળ્યું, ન તો ધર્મને આપેલું વચન પાળ્યું.”

સાચી વાત કહું? મેં ઉતાવળમાં સુદત્તને વચન આપી દીધું એ જ મારી ભૂલ હતી. આજે મને થાય છે કે સુદત્ત જ્યારે પદ્મપાણિની મૂર્તિનું સર્જન કરી રહ્યો હતો ત્યારે જ મૂર્તિ અનવદ્ય થશે તો ય હું તને પરણવાની નથી એમ કહેવાની હિંમત હું કેમ ન કરી શકી? મહાકાશ્યપની પુત્રીમાં આટલી હિંમત ન હોય? પણ જીવનમાં એકાદ ભૂલ પણ ન કરી હોય એવો કોઈ કાળા માથાનો માનવી છે ખરો? હું જેને ચાહતી હતી તે આનંદની પત્ની બની શકું એમ નહોતું, અને જેને ચાહતી નહોતી તે સુદત્તની પત્ની હું બનવા માગતી નહોતી. ત્યારે પણ આનંદ સાથે લગ્ન થઈ શકે તેમ હોત તો મેં એ રસ્તો જ લીધો હોત. મેં ઘેનભરી અવસ્થામાં સુદત્તને વચન આપ્યું હતું એમ તો પિતાજી પણ સ્વીકારતા હતા. પણ તેમનું કહેવું હતું કે એક વાર વચન આપ્યું તો મારે તે પાળવું જ જોઈએ. મને ક્યારેક વિચાર આવે છે કે મારા વચનને ધાર્મિક પ્રતિજ્ઞા જેવું સ્વરૂપ પિતાજીએ ન આપ્યું હોત તો? સુદત્તને આપેલું વચન પૂરું ન કરવું પડે એટલા ખાતર મેં દીક્ષા લીધી. મનમાં જાગેલા વૈરાગ્યને કારણે નહિ. એટલે છેવટે જો સુદત્ત મને વચનમાંથી મુક્ત કરતો હોય એટલું જ નહિ, હું આનંદની બનું એમ સાચા હૃદયથી ઇચ્છતો હોય, અને આનંદ પણ મને સ્વીકારવા તૈયાર હોય, ધર્મના આચારનો પણ કશો બાધ નડતો ન હોય, અને આત્રેયદાદા અને ગુરુ શીલભદ્ર જેવા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ વડીલોના આશીર્વાદ મને મળતા હોય, તો હું વિહારિણી મટી ફરી સંસારિણી બનું એમાં ખોટું શું છે? મેં સુદત્તને વચન આપ્યું એ ભૂલની પૂરતી શિક્ષા શું મેં ભોગવી નથી? એક વાર સુદત્તે મને કહેલું : ‘સુચરિતા, મેં તને આટલી દુચરિતા નહોતી ધારી.’ પણ મને લાગે છે કે માણસના આચરણને, તેના ચરિતને સારું અને ખરાબ એવાં બે ખાનાંમાં વહેંચી શકાતું નથી. સંજોગો તેને સારું કે ખરાબ ઠેરવે છે. હા, મેં સુદત્તને આપેલું વચન ન પાળ્યું. હા, હું તેની બનવાને બદલે આનંદ તરફ ઢળી. હા, મેં દીક્ષાનો ત્યાગ કરી ફરીથી ગૃહસ્થ જીવન સ્વીકાર્યું. પણ આ બધું શું મને દુચરિતા ઠરાવી શકે એમ છે? એક સ્ત્રી તરીકે, એક વ્યક્તિ તરીકે મને મારી મરજી મુજબની પસંદગી કરવાનો હક્ક તો હોય ને? મને સુદત્ત ન બાંધી શકે તેમ પિતા મહાકશ્યપ પણ ન બાંધી શકે. મારા સિવાય બીજું કોઈ મને બાંધી ન શકે.

હા. આજે સિત્તેર વરસ પછી મનુદાદા અંગે એક-બે ફરિયાદ કરવાનું રોકી શકતી નથી. પહેલું તો, સુદત્તને મારી નાખવાની ખરેખર જરૂર હતી? તેને થયેલો પશ્ચાત્તાપ તો સાચા હૃદયનો હતો. પેલા જંગલી મૈનેન્દ્ર માટે કૃષ્ણાને શોધી લાવ્યા તેમ સુદત્ત માટે પણ કોઈ કલાભક્ત કન્યા કેમ શોધી ન લાવ્યા મનુદાદા? તો અમે ચારે પરસ્પરનાં મિત્રો બનીને નંદીગ્રામનું નવનિર્માણ કરવામાં લાગી ગયા ન હોત? આવી અટપટા પ્રસંગોની ઘટમાળમાંથી પસાર થયા પછી છેવટે આનંદ અને હું એકમેકનાં થઈ તો શક્યાં. પણ એક વાત કહું? જેમ કોઈ બાપ બાળકને પહેલાં સારી પેઠે માર મારે અને પછી તેને મીઠાઈ ખાવા આપે તેવું કંઈક મનુદાદાએ અમારી સાથે કર્યું એમ મને લાગે છે. આથી મીઠાઈ ખાતી વખતે પણ કોઈ કોઈ વાર અગાઉ ખાધેલી ધોલ યાદ આવે અને મીઠાઈ મોળી લાગે એવું કૈંક મને લાગે છે, ક્યારેક.

પણ અમારી વાતને મનુદાદાએ ‘દીપનિર્વાણ’ એવું નામ આપ્યું છે. નિર્વાણ શબ્દનો મૂળ અર્થ, વાચ્યાર્થ, તો થાય છે ‘બુઝાઈ જવું.’ પ્રાચીન ભારતમાં પ્રગટેલો ગણતંત્ર રાજ્યનો એક દીપ બુઝાઈ ગયો તેની આ વાત. પણ બૌદ્ધ ધર્મની પરિભાષામાં ‘નિર્વાણ’ શબ્દનો અર્થ વધુ ગૂઢ અને ગહન છે. આ સંસારમાં દુઃખ શા માટે છે? કારણ રાગ, દ્વેષ, અને મોહના ત્રિવિધ તાપ આપણને બાળે છે. આ ત્રિવિધ તાપ જ્યારે બુઝાઈ જાય, શમી જાય, ત્યારે દુઃખનો અંત આવે છે, સંપૂર્ણ શાંતિ મળે છે, પરમ આનંદ મળે છે. આવી શાંતિ, આવો આનંદ, એ જ નિર્વાણ. માણસ માત્ર માટે એ છે અંતિમ પ્રાપ્તિ. એ પ્રાપ્ત કર્યા પછી બીજું કશું મેળવવાનું રહેતું નથી. મારા, આનંદના અને સુદત્તના જીવનમાંના ત્રિવિધ તાપ પણ અંતે બુઝાઈ ગયા છે. અમારા દુઃખનો અંત આવ્યો છે. સુદત્ત તો હવે રહ્યો નથી, પણ આનંદના અને મારા જીવનમાં સંપૂર્ણ શાંતિ છે. અને મારા જીવનમાં તો હવે પતિ રૂપે આનંદ પણ મળ્યો છે. એનું જ બીજું નામ છે નિર્વાણ. તમને થતું હશે : વીણા વગાડતાં વગાડતાં આ બધું ક્યાંથી, ક્યારે શીખી આ છોકરી? મહાકાશ્યપની પુત્રીને, આનંદની સહચરીને, આટલું તો આવડે જ ને?

મારા પિતા મહાકાશ્યપે અંતે યજ્ઞ કરતાં શરીર હોમ્યું હતું. અને હવે તો મનુદાદા પણ સદેહે આપણી વચ્ચે નથી. ત્યારે એ બંને વિષે ફરિયાદ કરવી એ મને ન શોભે. જે વિધિનિર્મિત હતું તે થયું. અને હા, ક્યારેક વિચારું છું ત્યારે મને થાય છે કે ગોવર્ધનરામ ત્રિપાઠીની કુમુદસુંદરી કરતાં, કનૈયાલાલ મુનશીની મંજરી કરતાં, પન્નાલાલ પટેલની જીવી કરતાં તો હું વધુ નસીબદાર નીવડી. ન મારે કુમુદની જેમ આનંદને બીજી સ્ત્રી સાથે પરણાવવો પડ્યો. ન મારે મંજરીની જેમ આનંદ વગર તરફડતાં જીવ કાઢવો પડ્યો. ન મારે જીવીની જેમ આનંદનો સાથ મેળવતાં પહેલાં ગાંડા થવું પડ્યું. વીણાના તારમાંથી કેવા સૂર કાઢવા તે વીણા પોતે નક્કી નથી કરી શકતી. એ નક્કી કરે છે તે તો તેનો બજવૈયો. અને મારા બજવૈયાએ મને એ ત્રણ સખીઓ જેટલું સહન કરવાની ફરજ તો નથી પાડી. તો  ચાલો, આનંદે મને પહેલી વાર જોઈ ત્યારે વીણા વગાડતી હતી તેમ આજે પણ હું વીણા વગાડવા લાગું. અને હા, મારું વીણા વાદન સાંભળતી વખતે આંખો બંધ કરી દેજો. મને નહિ, મારા માંહ્યલાને જોશો ત્યારે જ મને સાચી રીતે જાણી શકશો.

સૌજન્ય : ‘ફોકસ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 13 અૉક્ટોબર 2014

Loading

...102030...3,8663,8673,8683,869...3,8803,8903,900...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved