Opinion Magazine
Number of visits: 9771920
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી અને આંબેડકર બંને પોતપોતાની જગ્યાએ સાચા : નારાયણ દેસાઈ

સુનીલ જાદવ|Gandhiana|6 April 2015

૨૦૧૨માં રાજકોટ ખાતે યોજાયેલી ગાંધીકથાના દિવસો દરમિયાન આ મુલાકાત લેવાઈ હતી. એ સવારે ગાંધીકથામાં, એમણે બહુ ઓછા ગાંધીવાદીઓ છેડવા ચાહે એવા ‘ગાંધી અને આંબેડકર’ વિષયને છેડ્યો હતો. એટલું જ નહીં, પરંતુ ખૂબ જ તટસ્થ રહી તેમણે એ બંને મહામાનવોને પોતપોતાની જગ્યાએ સારા ઠેરવ્યા હતા. ગાંધી-આંબેડકર વિવાદના અભ્યાસુ અને પ્રેમી એવા મેં કથા પૂરી થયા પછી તરત જ તેમને મળી ઇન્ટરવ્યૂ માટે સાંજનો સમય માગ્યો હતો. તેમણે હોંશભેર હા ભણતાં મળવાનું થયું, ત્યારે ગાંધીનો ખોળો ખૂંદનાર આ ‘બાબલા’(નારાયણ દેસાઈ)નો ખોળો મારો દીકરો તથાગત ખૂંદી રહ્યો હતો, એનો આનંદ અને મારા અનેક અઘરા, અટપટા અને વિવાદાસ્પદ પ્રશ્નોના તેમણે જે નિર્ભીકતા અને આગવી છટાથી જવાબો આપ્યા હતા તેનો પણ આનંદ, એમ બેવડા આનંદની તેમની આ મુલાકાતનું વીડિયો રેકૉર્ડિંગ કરી મૂકી રાખેલું, જે એમની ચિરવિદાય નિમિત્તે અંજલીરૂપે અહીં અક્ષરશઃ ઉતારું છું.

સુનીલ જાદવ : આપે આજે સવારે ગાંધીજી અને બાબાસાહેબ આંબેડકરના સંબંધોની વિસ્તૃત છણાવટ કરેલી. આપે આંબેડકરને જોયેલા ?

નારાયણ દેસાઈ : પૂના કરાર વખતે જોયેલા. તેમની સાથે વાતચીત કરવાનો કે વધારે મળવાનો પ્રસંગ બનેલો નહીં.

સુ.જા. : હું બાબાસાહેબને મળ્યા હોય તેવા લોકોના ઇન્ટરવ્યૂ કરું છું.

ના.દે. : મારે તેમની (બાબાસાહેબ આંબેડકર) સાથે વાત થઈ હોય કે ઇન્ટરવ્યૂ આપી શકું તેવી કોઈ વાતચીત થઈ નથી. મારે તેમના વિશે જે પ્રતિભાવો આપવાના હતા, તે મેં કથામાં આપ્યા જ છે. એનાથી વધુ મારે કશું તેમના (આંબેડકર) વિશે કહેવાનું નથી. હું એમ માનું છું કે તેમના સ્ટૅન્ડને તેમનાથી મતભેદ ધરાવતા લોકો સમજતા નથી, અને એમના સ્ટૅન્ડ પર પણ બહુ તથ્ય હતું, તે લોકોને સમજાવવાની જરૂર છે, એ વાત મેં કથામાં કરી, પણ બે મળીને જ (ગાંધી-આંબેડકર) વિષય (અસ્પૃશ્યતા) પૂરો થઈ શકે. એકલા કાયદાથી પણ ન થાય અને કાયદા વિના પણ ન થાય. બંને વસ્તુ જોઈએ. બાપુ એક કહેતા અને પેલા (આંબેડકર) બીજું કહેતા. પણ સમકાલીન લોકોને મતભેદો થોડા વધારે દેખાતા હોય. એમના પછીના લોકો થોડી તટસ્થતાથી જોઈ શકે તો … અથવા તો અત્યંત પછી એવા પાકા ચેલા થઈ જાય કે સૂરજ કરતાં રેતી વધારે તપે, એવું બને. એમને પછી બધું ભેદ જ ભેદ દેખાયા કરે એવું પણ બને. પણ હજુ મને આંબેડકરના પ્રસંશકો એવા ઘણા મળે છે કે જે ગાંધીજીની સારી વાતો માનવા તૈયાર નથી, કારણ કે એને એવા ગાંધીવાળા ય મળે છે, જેને આંબેડકરની સારી વાતો માનવાની તૈયારી ન હોય. મારું એમ માનવું છે કે એ બંને (ગાધીવાદીઓ અને આંબેડકરવાદીઓ) પોતપોતાનું નાનાપણું એમાં વ્યક્ત કરે છે. પોતાનાથી મતભેદ ધરાવતા માણસના વિચારમાં કાંઈક તથ્ય હોય, તો તે સ્વીકારે તેનું નામ મોટાઈ, બાકી મેં જે વર્ણન કર્યું છે, તે બહુ ઓછું કરીને કર્યું. બહુ જ કડક ભાષામાં ઇંગ્લૅન્ડની પબ્લિકની સામે ગાંધીજીની તેમણે (આંબેડકરે) નિંદા કરી. ગાંધીજીએ કહ્યું કે એમના મનમાં જે એમણે ધારેલું છે, મારે વિશે એને (અંગ્રેજોને) એ કહી દે છે, કારણ કે એ કાંઈ (ગાંધી) સવર્ણોના પ્રતિનિધિ તરીકે નહોતા ગયા.

એમણે (ગાંધીએ) કાંઈ હરિજનસેવાનાં કામો ઓછાં નહોતાં કર્યાં.

પછી શું થઈ ગયું કે ‘હરિજન’ શબ્દ જ ન જોઈએ. આકાશવાણીમાં હરિજન શબ્દ બોલવાની મનાઈ કરી દીધી. મારું માનવું છે કે એ મૂર્ખાઈ છે, કારણ કે એના કરતાં સારો શબ્દ બનીને મળ્યો ન હોત. પણ આપણા સમાજમાં જ્યાં સુધી અસ્પૃશ્યતા છે, ત્યાં સુધી કોઈ પણ સારો શબ્દ વપરાયો તો એ તિરસ્કારોને યોગ્ય જ બનશે. કારણ શું છે ? મને ખબર છે ને ‘આ તો બી.સી. છે.’ પણ એ નિંદા કરવા માટે જ ‘આ બી.સી. છે’ એમ કહે છે. પણ હવે બી.સી. છે એ શબ્દ ચાલે, ‘હરિજન’ શબ્દ ન ચાલે. એનો કોઈ અર્થ જ નથી રહ્યો. દક્ષિણ ભારતની એક ભાષામાં હરિજન શબ્દનો અર્થ ખરાબી થાય છે, માટે આખા દેશની બધી ભાષાઓમાંથી હરિજન શબ્દ કાઢી નાખવો, એનો કોઈ અર્થ નથી. પણ હકીકત છે કે દેશ આખામાં અસ્પૃશ્યતા તો છે જ. એટલે એ શબ્દ આપણે ત્યાં નડે છે અને અસ્પૃશ્યતા છે, ત્યાં સુધી કોઈ પણ સારું નામ આપવાથી શું? સારું નામ આપવાથી કાંઈ વ્યવસ્થા થોડી સુધરવાની છે? હજુ ય શહેરમાં મકાન ભાડે આપતાં પહેલાં નાત-જાત પૂછે છે. અને નથી જ રહેવા દેતા. આ અસ્પૃશ્યતા છે જ. હવે ટ્રેનમાં બેસીએ, તો તમારી જાત કઈ ? એ પૂછતા નથી અને ઘરે જઈ નહાતા નથી. તે તો ટેક્નોલૉજીએ વિકાસ કર્યો. એમાં કાંઈ ગાંધીનું પરાક્રમ નથી. ને એવું તો થાય. સમાજ છે તો બદલાય. પણ મનથી બદલવાની જરૂર છે. એ બાપુએ કહ્યું, આપણું મન નહીં બદલાય ત્યાં સુધી આપણે આ કેવી રીતે કરીશું ?

સુ.જા. : તો બીજો વિકલ્પ શું ? ગાંધી અને આંબેડકર તો ગયા, છતાં અસ્પૃશ્યતા હજી ય છે જ. હવે શું કરવું ?

ના.દે. : એક તો મેં વિકલ્પ કહ્યો એ આપણા હાથમાં ન હોય તો આપણા પછીની નવી પેઢીના હાથમાં હોય … અને તે છે આંતરજ્ઞાતીય વિવાહ. બીજો વિકલ્પ એ છે કે એક જ્ઞાતિના લોકો બીજી જ્ઞાતિના લોકોની સેવામાં અપમાન સહન કરીને પણ જોડાય. અપમાન તો જો ગરીબ લોકો ઉજળિયાત લોકોની સેવામાં જશે તોયે એમને સહન કરવાં પડશે. અને આ લોકો(અસ્પૃશ્યો)ની સેવામાં જશે તો પણ સહન કરવાં પડશે.

મરાઠીમાં એક ગીત છે કે તમે ગમે તેટલું કરો પણ જનતા તો તમને છેવટે વીંછીનો ડંખ મારશે જ. એમ થશે જ. આપણી પ્રજા એવી છે. પણ મારે એને જ્ઞાતિ(જાતિવ્યવસ્થા)માંથી બહાર કાઢવાનો છે. એમ સમજીએ તો જ કામ કરી શકાશે.

સુ.જા. : તમારા મનમાં અસ્પૃશ્યતા-નાબૂદી વિશે કાંઈ આયોજન છે ?

ના.દે. : મને તો એમાં ગાંધીજીએ ફર્સ્ટ ક્લાસ આપવાની ના પાડી દીધેલી. મારાં લગ્ન નક્કી કર્યાં તો તે હાજર ન રહ્યા. પછી કહ્યું કે સેકન્ડ -ક્લાસ તો આપવો પડશે. કારણ કે તેણે બીજી જાતિમાં લગ્ન કર્યાં છે. એટલે તને હું સેકન્ડ ક્લાસ આપી શકીશ. ફર્સ્ટ ક્લાસ નહીં આપું.

મારો કોઈ છોકરો જો દલિતમાં પરણશે તો હું એને આવકારીશ. પરણવું કે ના પરણવું એ છોકરા કે છોકરીનો વિષય છે. એ મા-બાપનો વિષય નથી. મારા બાપુ તો બહુ વહેલા ગુજરી ગયેલા, હું ઘણો નાનો પણ અનાવિલ જાતિમાં જન્મેલો હતો. એટલે બહુ નાનપણથી માગાં આવતાં. એનો મોટો ફાયદો એ કે મહાદેવ દેસાઈનો છોકરો છે એટલે પૈસા નહીં માગે એટલી ખાતરી હતી. અને અનાવિલ લોકોને તો લાખ રૂપિયાનો આંકડો આપવાનો હોય, પણ આ નહીં માંગે. આટલા માટે બીજો કોઈ ગુણ જુએ નહીં. ભણ્યો છે કે નહીં એ જુએ નહીં. બસ, આને છોકરી આપીએ. અને એટલે જ મેં મારી માને કહી દીધેલું કે જો એટલું કહી રાખું છું કે જેને પરણવું હશે એને હું પરણીશ. તું એમાં નક્કી કરનારી નથી. હું નક્કી કરીશ. તારે એ માટે તૈયાર રહેવું. અને એટલું તને કહી દઉં કે હું અનાવિલ જ્ઞાતિમાં તો નહીં જ પરણું. મારાં મા-બાપેય અનાવિલ નથી. મેં એનો દૃઢ નિર્ણય કર્યો. પણ એ તો મારો વ્યક્તિગત વિષય છે. મેં જેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો, એ નિર્ણય કર્યા પછી એને મારો પહેલો પ્રશ્ન એ હતો કે તારો બાપ કોણ છે ? એટલે કે મેં તો એની ચિંતા પણ નહોતી કરી કે તે કયા પરિવારમાંથી આવે છે. ત્યારે એણે મને એમ કહ્યું કે કૉંગ્રેસમાં એ છે. જ્યારે એ પછી એ એક પ્રદેશના ચીફ મિનિસ્ટર બન્યા. નવ વર્ષ સુધી રહ્યા. પણ એણે કદી કશું કહ્યું નહોતું. કૉંગ્રેસમેન છે એટલું જ. પણ મને તો એ પણ ખબર નહોતી કે એ કોણ છે. મારે એને પરણવું હતું. મારા સસરા સાથે લગ્ન નહોવાં કરવાં.

સુ.જા. : દલિતો પાસે આપની શું અપેક્ષા છે ?

ના.દે. : દલિતો પાસે, મને એમ લાગે છે કે પોતે દલિત છે એનું જેટલું વિસ્મરણ કરે એટલું વધુ સારું. પોતે માણસ છે. દલિત નથી. પણ સતત એમના ધ્યાનમાં હોય છે કે અમે દલિત છીએ, માટે અમને આ અન્યાય થયો … અન્યાયો તો થતા હોય છે. પણ અમે દલિત નહીં, અમે તો માણસ છીએ અને માણસ તરીકે અમારા જે હક હશે તે અમે મેળવીશું. જ્યાં સુધી આપણે પોતે, અમે ગુલામ છીએ … એમ જ્યાં સુધી દેશ માને છે. ત્યાં સુધી દેશ ગુલામ જ રહે. પણ અમે ગુલામ નથી. એટલું મનમાં હોય તે દેશ ગુલામી કાઢી શકે. તેમ દલિતપણું પણ આપણે તો જ કાઢી શકીએ, જો આપણને મનથી દલિતપણું છોડીએ. એ કરી શકાય. મુશ્કેલ છે. હું સાબરમતી આશ્રમમાં ઊછર્યો એટલે બાર-તેર વર્ષનો થયો, ત્યાં સુધી મને ખબર જ નહોતી કે કયો મિત્ર દલિત છે અને કયો સવર્ણ. બલકે એનાથી મોટો હું બાવીસે’ક વર્ષનો થયો, ત્યારે ફરીથી મારે સાબરમતી આશ્રમમાં રહેવાનું થયું અને મારી એક વર્ષગાંઠે મારી બાએ કહ્યું કે તારા મિત્રોને તું નાસ્તા માટે બોલાવજે. એટલે મેં મારા મિત્રોને નાસ્તા માટે બોલાવ્યા. નાસ્તો થઈ ગયો. થોડા દિવસ પછી એક ભાઈબંધે આવીને કહ્યું કે મારે તારો ખાસ આભાર માનવાનો છે. મેં કહ્યું શું છે? મારો ખાસ દોસ્તાર મને કહે છે કે જિંદગીમાં પહેલી વાર સવર્ણને ત્યાં મેં નાસ્તો કર્યો. મેં કહ્યું તું દલિત છે ? મને તો કાંઈ ખબર નથી. મેં તને દલિત તરીકે બોલાવ્યો જ નહોતો, મારા મિત્ર તરીકે બોલાવેલો. પણ એને મનમાં એમ હતું કે એને કોઈ સવર્ણએ નાસ્તા માટે પણ કદી બોલાવ્યો નથી. મનમાંથી વૃત્તિ જાય એ જરૂરી છે. મને હતી જ નહીં. મને ખબર જ નહોતી. એનું કારણ જૂનો બાપુનો આશ્રમ હતો. એનું વાતાવરણ. એ સમયનો હરિજન આશ્રમ, જે આજે ય ચાલે છે. તેમાં એવું વાતાવરણ (ભેદભાવવાળું) નહોતું. અત્યારે તો હરિજન આશ્રમમાં આ કોણ હરિજન છે અને કોણ નથી તે એક જ ક્રાઇટેરિયા ડિફરન્સથી નક્કી થાય છે કે આ સારા અને આ ખરાબ. આવી વ્યાખ્યા થઈ ગઈ છે, જે સાવ ખોટી છે. સારા-નરસા તો બધી જ જગ્યાએ હોય છે.

સુ.જા. : ધર્મ સંદર્ભમાં તમારું શું કહેવું છે ? હમણાં ‘રૂપાલાવિવાદ થયો …’ ઢોલ, ગવાર, પશુ શુદ્રનારી …’ એ સંદર્ભમાં તમારું શું માનવું છે. ધર્મમાં કાંઈ સુધારા થવા જોઈએ. અસ્પૃશ્યતા-નાબૂદીના સંદર્ભમાં …?

ના.દે. : ધર્મમાં સુધારણાઓ કરવી જોઈએ કે જેને આજે ઑર્ગેનાઇઝ્ડ ધર્મ કહે છે, હિંદુ, ઇસ્લામ, બૌદ્ધ, ક્રિશ્ચિયન કે પારસી ધર્મ એ ધર્મ હવે કાળબાહ્ય થઈ ગયા છે. હવે એ આજના કાળને માટે યોગ્ય રહ્યા નથી. એને બદલે સ્પિરિચ્યુઆિલટી, એને બદલે આધ્યાત્મિકતા હોવી જોઈએ. અને અધ્યાત્મ માણસમાં સૌને સમાન ગણે છે. એટલે એ આધ્યાત્મિક હોય. ધર્મ આજે તો ભેદ ઊભા કરે છે, અને ભેદ ઊભા કરે તે ધર્મ, ધર્મ ન કહેવાય. એ તો અધર્મ જ કહેવાય. મારું તો માનવું છે કે જેટલો વહેલો માણસ આ સમજશે કે ધર્મનો જમાનો ગયો … ધર્મનો જમાનો એટલે અધ્યાત્મનો જમાનો ગયો એમ નહીં, માણસાઈનો જમાનો ગયો એમ નહીં, એ બધું તો જોઈશે જ. પણ એ બધું અધ્યાત્મમાં આવશે. ધર્મના નામે પણ એ બધું ચાલતું હતું. પણ હવે ધર્મને નામે એના બાહ્ય સંસ્કારો જ રહ્યા છે. એટલે તમારી ઉપાસનાની પદ્ધતિ કઈ છે ? તમે પૂર્વમાં પૂજા કરો છો કે પશ્ચિમમાં ? એનાથી તમારો ધર્મ નક્કી થાય છે. હું ઇચ્છું તો ચોટલી ને દાઢી બંને રાખી શકું અને નહીં તો બંને શેવ કરી શકું. પણ એક ધર્મ નક્કી કરી આપે? અથવા તો તમે કયા મા-બાપને ઘેર જન્મ્યા છો, એમાંથી એ નક્કી થાય. દુનિયા આખીમાં આ જાતિ જેવી વસ્તુ છે જ નહીં. એ હિન્દુસ્તાન સિવાય બીજે નથી. અને લોકો મને પૂછે છે કે આ ‘કાસ્ટ’ એટલે શું ? મારે તો અનેક દેશોમાં ફરવાનું થયું છે. એમ જ પૂછે છે કે કાસ્ટ શું છે ?

છતાં આપણે ત્યાં એ એટલી બધી જડ છે કે તે પાકિસ્તાનમાં પણ છે અને બાંગ્લાદેશમાં પણ છે. આપણા જ દેશના બે ભાગલા પડ્યા. પણ લાહોરની એક કૉન્ફરન્સમાં હું ગયો હતો, એના પહેલાં આયોજકોએ મને કહ્યું કે તમને જે વિષય ગમતા હોય તે સૂચવો. એ સમયે પાકિસ્તાનના પ્રતિનિધિઓ વધુ હતા. કારણ કે કૉન્ફરન્સ લાહોરમાં હતી. એ લોકોએ સૂચવ્યું કે ‘કાસ્ટ ઇન પાકિસ્તાન.’ મને બહુ નવાઈ લાગી કે ઇસ્લામમાં કાસ્ટ ? મેં પૂછ્યું કે તમારો તો ઇસ્લામી દેશ છે. પાકિસ્તાનમાં કાસ્ટ ? મને બહુ ખબર નથી ત્યારે તેમણે કહ્યું કે અમારે ત્યાં આ બહુ રિયલ પ્રશ્ન છે. અમારે શેખ, શૈયદ અને અવૈસી એ ત્રણ જાતિ છે અને એ જાતિમાં પણ ભેદ  છે. છતાં હિન્દુધર્મ કરતાં બરાબરીનો ભાવ ઇસ્લામમાં અનેક ગણો વધારે છે. પ્રાર્થનામાં આ લોકો ઊંચ-નીચના ભેદ ગણતા નથી. ગમે તે માણસ મસ્જિદમાં પહેલો આવે તે પહેલો અને પછી રાજા આવે તો તે પછી બેસે આવી વ્યવસ્થા તેઓ કરે છે. ખાવાપીવામાં પણ એક જગ્યાએ બેસવાનું છતાં તેમને ત્યાં કાસ્ટ છે …! બાંગ્લાદેશમાં પણ છે. અને હિન્દુસ્તાનના લોકો હવે ઇંગ્લૅન્ડ કે બીજા દેશોમાં જાય છે, ત્યાં પણ જાતિ ટકાવી રાખે છે. અમેરિકામાં પણ જાતિ ટકાવે છે.

સુ.જા. : પણ મારો પ્રશ્ન એ છે કે બાબાસાહેબ ‘મનુસ્મૃિત સળગાવી, રૂપાલાએ હમણાં સુંદરકાંડનો પેલો બ્લૉક કહ્યો. ‘ઢોલ ગંવાર પશુ …’તમે એવું ઇચ્છો છો કે આમાં કાંઈ સુધારો થવો જોઈએ ?

ના.દે. : અમે એવું ઇચ્છીએ છીએ કે એ વસ્તુ એ ગ્રંથોમાંથી નીકળી જવી જોઈએ, સુધારો નહીં, નાબૂદ કરવી જોઈએ. એ ગ્રંથોમાં તે જમાનામાં ચાલતું હશે એટલે એમણે કહ્યું હશે. અત્યારે એ કલંકરૂપ છે. અમે આ વિષય લઈને નીકળ્યા નથી એટલે કહેતા નથી. પણ અમારો મત આવો છે. અને કોઈ પણ માણસનો ધર્મ હોય … આમ તો તેમણે (રૂપાલાએ) શૂદ્ર વિશે કહ્યું હશે પણ નારીવાદીઓ ઊકળ્યા નથી … તેમણે પણ વિરોધ કરવો જોઈએ. પણ હવે તો એ બહુ જૂનું થઈ ગયું છે.

સુ.જા. : પણ સંતો-મહંતો ધારે તો આ બધું ધીમું પડે અને કાંઈક પરિવર્તન આવે એવું તમને નથી લાગતું ? કારણ-કે આ જે  ભેદભાવ છે તે વિચારના છે. મૂળ તો …

ના.દે. : ભેદભાવ વિચારના નથી, આચારના છે, વિચાર તો કોઈ દિવસ વિભાજનને સ્વીકારે જ નહીં. કોઈ વિચારના ભેદભાવ નથી. આચારના જ છે અને આચાર એટલો બધો રૂઢ થઈ ગયો છે કે બદલાતો નથી. કોઈ વિચાર એમ કહી જ ન શકે કે માણસ કરતાં માણસ નીચો છે, કહી શકે જ નહીં. એટલે વિચારના ભેદ છે જ નહીં. આચારના છે. એ આચાર બદલવા જોઇએ. એ આચાર આપણે કેટલા બદલી શકીએ એમ છીએ એ આપણા પર છે. પણ હવે એના માટે નારાયણ દેસાઈ કાંઈ બીજી વાર લગ્ન કરવા નહીં જાય. હું હવે અસ્પૃશ્ય છોકરીને જ પરણીશ એવું હું કંઈ હવે નહીં કહી શકું. મારો છોકરો જો એ રીતે લગ્ન કરવા તૈયાર હોય … વિષય એનો છે. એ જો કરતો હોય તો એને આશીર્વાદ આપવા હું રહીશ. મહાદેવ દેસાઈ અને દુર્ગા દેસાઈ એ બે અનાવિલ જ્ઞાતિમાં પરણેલાં અને મારા કુટુંબનું એક જાતિનું એ છેલ્લું લગ્ન છે. મારાં મા-બાપ પરણેલાં તેર વર્ષની ઉંમરે. ત્યાર પછીના અમારાં બધાં જ લગ્નો વિવિધ જાતિમાં થયાં છે. અમે જાતિને માનતા જ નથી. હું ઓરિસ્સામાં પરણ્યો છું. અને એના બાપ (મારા સસરા) કોણ છે એવું પણ જાણતો નહોતો એવાને પરણ્યો છું. અને એની કઈ જાતિ છે એ હજુ ચોક્કસપણે મારે માટે કહેવું મુશ્કેલ છે, એવી જાતિ છે. લોકો ખરે કહે છે. ખરે એટલે કોણ ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર – શેમાં આવે એ નક્કી નથી. આપણે ત્યાં બ્રહ્મક્ષત્રિય એટલે કોણ ? એમ તેઓ બ્રાહ્મણ માટે ખરા કે ક્ષત્રિય માટે ખરા કે બીજા માટે ખરા …? આપણે ત્યાં દેસાઈ કહે તો દેસાઈ બ્રાહ્મણ હોય છે, ક્ષત્રિય હોય છે, વૈશ્ય હોય છે. શૂદ્ર હોય છે. ગુજરાતી હોય છે અને મરાઠી પણ હોય છે. ઉપરાંત કન્નડ-કર્ણાટકમાં બધે છે. કારણ કે તે ટાઇટલ છે, જાતિ નથી. એમ જુદું- જુદું હોઈ શકે. પરંતુ અમે બે ય તો જુદી જાતિમાં પરણ્યાં અને અમારા ત્રણેય દીકરા પણ પોતાની જ્ઞાતિમાં નહીં પણ જુદી-જુદી જ્ઞાતિમાં પરણ્યાં. એના છોકરા પણ અલગ-અલગ જ્ઞાતિમાં પરણ્યાં. અમે કોઈ નિશ્ચિત જાતિમાં નથી પરણ્યાં એટલે કે અમે કોઈ જાતિમાં માનતા નથી, એટલું તો અમે અમારા આચરણ દ્વારા સિદ્ધ કર્યું જ છે. કોઈ દલિત કહેવાતી જાતિની છોકરી સાથે પરણ્યું નથી આમાં, પણ એથી અમારે પરણવું છે અને અમારે જાતિવાદ તોડવો છે માટે જ એ જાતિની છોકરી શોધીશું એવું નહીં, પણ સંજોગો પ્રમાણે કોઈ અંત્યજ છોકરીને પરણે તો ય અમને વાંધો નથી.

સુ.જા. : દલિતો જે ધર્માંતરણ કરે છે તે યોગ્ય વિકલ્પ છે ? તમને એ યોગ્ય રસ્તો લાગે છે ?

ના.દે. : ધર્માંતરણ સમાજના દબાણમાંથી બચવા માટેનો પ્રયાસ છે. પણ ધર્માંતરણ કર્યા પછી પણ હિંદુ ઉચ્ચ વર્ણીય સમાજ એ લોકોની સાથે સમાન વ્યવહાર કરતો નથી. વિરોધ પ્રગટ થાય છે. હિંદુ ધર્મની આ વ્યવસ્થા (ઊંચ-નીચ) સામે વિરોધ પ્રગટ થાય છે, પણ એથી વધારે કાંઈ થતું નથી. હું તો આ ધર્માંતરણ કોઈ પણ પ્રકારનાં ન થવા જોઈએ એમ માનનારો છું.

તો ધર્મો એવા છે કે એમાં માણસ માનતો થાય તો જ એને મોક્ષ મળે એ છે. ઇસ્લામ અને ક્રિશ્ચિયન. બીજા ધર્મો તો એમ નથી માનતા, આ લોકો માને છે. મેં એક વાર એ લોકોને મારા વિદ્યાલયમાં બોલાવેલા, હું અલગ-અલગ ધર્મના લોકોને મારા વિદ્યાલયમાં એટલા માટે બોલાવું છું કે જેથી તેમના ધર્મમાં રહેલી સારી સારી બાબતો જાણવા મળે. પછી પ્રશ્નોત્તરી થાય. અમારા છોકરાઓએ પ્રશ્ન પૂછ્યો કે મહાત્મા ગાંધીને મોક્ષ મળવાનો અધિકાર ખરો કે નહિ ? કારણ કે તેઓ ઈશુ ખ્રિસ્ત જેવા જ કે તેની બરાબરીના ગણાય. તેમણે કહ્યું કે ગાંધીજીને મોક્ષ ન મળે. કારણ કે તે ખ્રિસ્તી નથી.

આવું માનવું એ જડતા છે. મોક્ષનો અધિકાર તો જેણે મોહનો ક્ષય કર્યો હોય તેને મળે. આ તો તમને તમારા ધર્મનો મોહ છે.

સુ.જા. : યુનિવર્સિટી કે કૉલેજના અભ્યાસનાં પુસ્તકોમાં દલિતો માટેના અપમાનજનક શબ્દો આવે છે, તે સંદર્ભે આપનો શો મત છે ?

ના.દે. : એ પુસ્તકો જરા જોવા પડે. દા.ત. ‘સાપના ભારા’(ઉમાશંકર જોશીનું એકાંકી સંગ્રહ)માં જે એકાંકી છે તે સંપૂર્ણપણે અસ્પૃશ્યતાનો વિરોધ કરે છે. પણ એ નાટકમાં એક કરતાં વધારે વખત પેલાં શબ્દ વપરાયો છે. એ એવા જમાનામાં આવ્યું છે કે જે જમાનામાં અસ્પૃશ્યો માટે એ જ શબ્દ વપરાતો હતો. તે વખતે તેમણે લખ્યું છે. તેમણે તેને તિરસ્કારપૂર્વક નથી લખ્યો.

સુ.જા. : પણ અત્યારે એ શબ્દ કેટલા વાજબી ?

ના.દે. : અત્યારે તો દલિતોએ તેને તિરસ્કારનો શબ્દ બનાવ્યો છે, માટે પ્રશ્ન થાય છે … બાકી એ જમાનામાં તો એ શબ્દ વપરાતો હતો. બાકી નાટક તો એ પ્રથાનો વિરોધ કરવા માટેનું છે. દલિતો આ વાત સમજે તો તેનો વિરોધ ન કરે. પણ તેમણે આ શબ્દને લઈને એક સારા નાટકને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પાઠ્યક્રમમાંથી કઢાવ્યું. હું એમ માનું છું કે એ યોગ્ય નથી.

સુ.જા. : એ શબ્દ અભ્યાસક્રમમાં રહે એવું તમે ઇચ્છો છો ?

ના.દે. : રહે કે ના રહે એનાથી શું ફેર પડે છે. કશો ફેર નથી પડતો.

સુ.જા. : પણ કાયદો તો ના પાડે છે, એ શબ્દના ઉચ્ચારણની ?

ના.દે. : કાયદો શું કામ બન્યો ? કારણ કે તમે શબ્દને મહત્ત્વ આપ્યું. એટલે કાયદો બન્યો. કાયદો એવા શબ્દો પાઠ્યપુસ્તકમાં વાપરવા નહીં, એની ના પાડે છે. પાછળથી એ લોકો(ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેટલાક દલિત અધ્યાપકો)એ આંદોલન કર્યું કે આ (સાપના ભારા) કાઢો. વાઇસ ચાન્સેલર ગભરાઈ ગયા, એટલે અભ્યાસક્રમ બદલી નાખ્યો. ગુજરાત યુનિવર્સિટીએ નથી બદલ્યો. છતાં બે ય જગ્યાએ છોકરાઓ તો ભણે જ છે. એ લોકોએ નક્કી કર્યું કે તે નાટક (‘સાપના ભારા’નું એકાંકી) છોડી દો. હવે એ નાટક છોડવું એટલે ગુજરાતી ભાષાનું એક સારું નાટક છોડવું, નાટકની દૃષ્ટિએ પણ એક સરસ નાટક ગુમાવ્યું. મને તો શબ્દ અંગે આ જ ચીડ છે. એમાં મને તો આળાપણું લાગે છે. આ આળાપણું ન હોવું જોઈએ. પણ તો સામા પક્ષે એવી એવી ઉદારતા દાખવવી જોઈએ. ગુજરાતી ભાષાને એટલું નુકસાન તો નુકસાન.

સુ.જા. : આપણે કોઈ કૃતિની વાત નથી કરતા. કૃતિ તો ઉત્તમ હોય જ. એને તો આપણે નુકસાનેય ન કરીએ. પણ જ્યારે એ રિપ્રિન્ટ થાય ત્યારે પેલા શબ્દની જગ્યાએ દલિત કે એવો બીજો શબ્દ મૂક્યો હોય, તો ન ચાલે?

ના.દે. : ‘દલિત’ શબ્દ શું ઓછો ઘૃણાસ્પદ છે ? મને તો દલિત શબ્દ બિલકુલ ગમતો નથી. દલિત શબ્દ તમને ફાવે, પણ હરિજન શબ્દ ન ફાવે. આ બે શબ્દના અર્થ જરા કરી જુઓ. ‘ભગવાનનો માણસ’ એ શબ્દ ન જોઈએ, કાઢો …! પણ, ‘દબાયેલા માણસ’ એ શબ્દ સરસ છે. અરે, દલિત તરીકે કોઈ ઓળખાણ ભલા કરાવતું હશે ? એ શબ્દથી તો શરમાવું જોઈએ. પણ અમને દલિત શબ્દ ખપશે, ‘હરિજન’ શબ્દ નહીં ખપે … એ ભાવ ઈન્ફીરિઓરિટી કોમ્પ્લેક્ષનો છે. આ ઈન્ફીરિઓરિટી કોમ્પલેક્ષને લીધે આ શબ્દ નથી જોઈતો ને આ શબ્દ જોઈએ છે એમ કહે છે, બાકી જો શબ્દના જ અર્થ જો જોવા હોય તો હરિજન શબ્દ જરૂર દલિત શબ્દ કરતાં વધારે ચડિયાતો છે અને ગાંધીજીએ એ શબ્દ વાપર્યો હતો, તે એક દલિત માણસે સૂચવ્યો હતો તેથી વાપર્યો છે. ગાંધીજીએ પોતે આ શબ્દ વાપર્યો નહોતો. તમને આ શબ્દ નથી ગમતો તો હરિજન વાપરો. આપણા સંતોએ આ શબ્દ વાપર્યો છે. અને એ નરસિંહ મહેતાએ વાપર્યો છે અને ત્યાર પછીના સંતોએ વાપર્યો છે. ગાંધીજીએ કહ્યું કે તમે સૂચવતા હોય તો હું આ શબ્દ વાપરીશ. એણે તો છેવટે સુધી, છેલ્લા દિવસ સુધી ‘હરિજનફંડ માટે પૈસા આપો’ એમ હરિજનફંડ જ કહ્યું. હજુ ય અમારા મોઢે હરિજન સિવાય બીજો શબ્દ નીકળતો નથી. કારણ કે અમે એ જ શબ્દ સાંભળ્યો છે. પણ શબ્દનો અર્થ જો જોઈએ તો મને દલિત કરતાં હરિજન શબ્દ ઘણો વધારે સારો લાગે છે. બે ય ન ગમતા હોય તો ત્રીજો શબ્દ કાઢો. ‘માનવ’ શબ્દ વાપરો. જેમાં પછી કોઈ ઊંચનીચના ભેદ જ ન રહે. પણ માનવ, તો બીજા બધાને પણ માનવ જ કહેવા પડે. પણ માનવતામાં પણ કોઈ એમ કહેશે કે આ મનુમાંથી માનવ શબ્દ બન્યો છે અને મનુસ્મૃિતમાં તો બીજાં પણ એવાં વાક્યો છે, જેનો વિરોધ કરી શકાય. આવું એમાંથી કાઢી શકાય. આપણો ઇતિહાસ એવો છે કે એમાંથી ઘણો કાદવ કાઢી શકાય અને એ કાઢવા જેવો જ છે, પણ એનો તિરસ્કાર કરવાથી આપણે એને અધોરેખિત કરીએ છીએ. અન્ડરલાઇન કરીએ છીએ. એ ન કરવું જોઈએ. એ શબ્દનાં વધારે તિરસ્કાર કરવાથી આપણે એને વધારે મહત્ત્વ આપી દઈએ છીએ. એ ન થવું જોઈએ.

સારું, ચાલો ઊઠીશું ? 

રાજકોટમાં કરેલી છેલ્લી ગાંધીકથા (જૂન ૨૦૧૨)

સ્થળ : રાષ્ટ્રીય શાળા, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનો ઉતારો

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2015; પૃ. 07-10

Loading

માત્ર ભારતમાં જ બની શકે :

આશા બૂચ|Samantar Gujarat - Samantar|6 April 2015

ભારત અનેક અજાયબીઓ, વિરોધાભાસી વિચારો, રીત-રિવાજો અને અદ્દભુત ઘટનાઓથી ભરપૂર મુલક છે. આજે જ્યારે આપણા આ મેઘધનુષ જેવા વિવિધ ધર્મ, ભાષા, ખોરાક, પોષાક, તહેવારો અને સંસ્કૃિતના જનક અને ધારક એવા દેશને એકરંગી બનાવવા, કેટલાક ટૂંકી બુદ્ધિના લોકો પ્રયાસ કરે છે, ત્યારે કેટલીક વિગતો પર દ્રષ્ટિ નાખવી રસપ્રદ થઇ પડશે.

સહુ પહેલાં દેશને દાયકાઓથી એક સૂત્રે બાંધનારું મનોરંજનનું જગત જોઈએ. ફિલ્મ ‘બૈજુ બાવરા’નું અત્યંત લોકપ્રિય ગીત, ‘મન તડપત હરિ દરશનકો આજ’ આટલાં વર્ષો પછી પણ લોકપ્રિયતા જાળવી શક્યું છે. તેના સંગીત નિર્દેશક નૌશાદ, ગીતકાર શકીલ બદાયુની અને ગાયક મહમ્મદ રફી હતા. ફિલ્મ ‘કોહિનૂર’ના પ્રચલિત ગીત ‘મધુબનમેં રાધિકા નાચે રે’માં પણ ઉપરોક્ત ગીત-સંગીતકાર અને ગાયકની ત્રિપુટી અને એ ગીતના દ્રશ્યનો અદાકાર હતા દિલીપકુમાર (યુસુફ ખાન). એ ફિલ્મના દિગ્દર્શક હતા એસ. યુ. સની જે મુસ્લિમ હતા. આમ એ બધા કલાકારો અને દર્શકો કે શ્રોતાઓ ધર્મનો ભેદ જાણ્યા વિના મનોરંજન કરતા અને લોકો એકરસ થઈને માણતા. એ માત્ર ભારતમાં જ બની શકે.

બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયનું રચેલ રાષ્ટ્ર ગીત ‘વંદે માતરમ’ ગવાયું અને બિસ્મિલ્લા ખાનની શહનાઈના સૂર સાથે લાલ કિલ્લા પર થયેલ પ્રથમ ધ્વજવંદન થયું, ત્યારે સહુ ‘ભારતીય’ તરીકે ગૌરવ અનુભવતા હતા. એ વાત સર્વવિદિત છે કે બિસ્મિલ્લા ખાન વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં શહનાઈ વગાડતા તે પણ અત્યંત ભક્તિપૂર્વક; અને ત્યાંથી ઊઠીને નમાઝ પઢવા જાય ત્યારે ભાવ વિભોર બનીને ઈબાદત પણ કરતા. એ.આર. રહેમાનનાં સંગીત નિર્દેશનમાં ગવાયેલું રાષ્ટ્રગીત સહુથી વધુ પ્રિય રહ્યું છે. ઘણાં વર્ષો પહેલાં માન્ચેસ્ટરમાં બિસ્મિલ્લા ખાને  શહનાઈ પર, લક્ષ્મી શંકરે અને આસિત દેસાઈએ પોતાના મધુર કંઠ દ્વારા ‘વૈષ્ણવ જન તો’ અને ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ એક જ વર્ષમાં સંભળાવેલાં, એ રોમાંચક અનુભવ ભૂલ્યો ભૂલાય તેમ નથી.

બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે મિર્ઝા ગાલીબના જીવન પરથી બનેલી ફિલ્મના દિગ્દર્શક હતા પારસી સોહરાબ મોદી, તો તેમાં અભિનય આપ્યો ભારત ભૂષણે, અને તેની ટી.વી. સીરિયલ બનાવી ગુલઝારે (સંપૂર્ણ સિંહ – જાતે સીખ), જયારે સંગીત આપ્યું પ્રખ્યાત ગઝલ ગાયક સ્વ. જગજીત સિંહ (તે પણ સીખ). આવા અનેક ધર્મના કલાકારોના સુમેળથી રચાયેલી રચના લોક હૃદયમાં કાયમી સ્થાન મેળવે એ પણ માત્ર ભારતમાં જ બની શકે. આ તો થઈ માત્ર સીને જગત અને સંગીત જગતમાંની ધાર્મિક સુસંગત સુરાવલીના ઉદાહરણો. રાષ્ટ્રપતિ પદથી માંડીને લશ્કરના વડાઓ, સરકારી ઉચ્ચ અમલદારો, શિલ્પ-સ્થાપત્ય અને ચિત્રકળાના ક્ષેત્રે, અને એવા તો અસંખ્ય વ્યવસાયોમાં એક કરતાં વધુ ધર્મના લોકોએ સાથે મળીને દેશને ઘડ્યો, સુરક્ષિત રાખ્યો, વહીવટ ચલાવ્યો અને સુસંસ્કૃત રાખ્યો, એ વિષે ભારત ગૌરવ લઈ શકે તેમ છે. કેમ કે એ પણ ભારતમાં જ બની શકે.

હવે એ સિક્કાને ઊથલાવીને બીજી બાજુ જોઈએ તો દેખાશે કે ભારતનાં મંદિરોની માસિક આવક -અસ્ક્યામત : તિરુપતિ બાલાજી – 1 હજાર 35 કરોડ, વૈષ્ણોદેવી – 400 કરોડ, રામકૃષ્ણ મિશન – 200 કરોડ, શિરડી સાંઈબાબા – 100 કરોડ, જગન્નાથપુરી – 160 કરોડ, દ્વારિકાધીશ – 50 કરોડ, સિદ્ધિ વિનાયક – 27 કરોડ, વૈદ્યનાથધામ દેવગઢ – 40 કરોડ, અંબાજી ગુજરાત – 40 કરોડ, ત્રાવણકોર – 35 કરોડ, અયોધ્યા – 140 કરોડ, કાલી મંદિર કોલકતા – 25 કરોડ, પદ્મનાભમ – 5 લાખ કરોડ; અને એ જ મંદિરોની બહાર રોગ ગ્રસ્ત, અપંગ અને નિર્ધન માનવ મૂર્તિઓ હાથ લંબાવીને બેઠી હોય છે. એ પણ ભારતમાં જ બની શકે.

મંદિરોની વાર્ષિક આવક 80 લાખ કરોડ રૂપિયા અને આખા ભારત દેશનું બજેટ માત્ર 15 લાખ કરોડ હોય, છતાં પ્રજાને કે રાજાને એ સ્થિતિ માન્ય રહે એ પણ ભારતમાં જ બની શકે.

એમ મનાય છે કે દેશમાં આવકવેરો ભરી શકે, તેટલું કમાનારા ઓછા છે અને જે કમાય છે તેમાંના કર ઓછા ભરે છે. તો સવાલ એ થયા વિના ન રહે કે મંદિરોમાં એ જ ગરીબ અને ધનવાન લોકો પૈસા આપતા હશે ને? આપણે એક પ્રયોગ કરી જોઈએ, મંદિરની દાન પેટીની બાજુમાં એ ગામમાં શાળાનું મકાન બાંધવા, દવાખાનામાં સાધનો ખરીદવા કે લોકોને જાજરૂ બાંધવા લોન આપવા માટે એક જુદી પેટી રાખી જોઈએ અને રાત્રે જોઈએ કે કઈ પેટીમાં વધુ ભાર છે. સ્માર્ટ ફોન પર ફોટા લેનારા લોકો જ પરલોકની કાલ્પનિક વાતો, ગયા જન્મનાં કર્મનાં ફળ અને આવતા જન્મ માટે પુણ્યની કમાઈ, સ્વર્ગ-નરકની લાલચ અને ભય, પાપ-પુણ્યનાં મૂલ્યો વગેરે માન્યતાઓને વશ થઈને મંદિરમાંની પથ્થરની મૂર્તિને વાઘા પહેરાવવા અને નગદ નાણું મૂકીને માથું નમાવવા પ્રેરાય છે અને મંદિરની બહાર નાગાં-ભૂખ્યાં માનવની મૂરતને પાઈ પૈસો પધરાવીને ચાલતા થઇ જાય છે. વાહ રે મહાન ધર્મ ! … એ પણ ભારતમાં જ બની શકે.

શિક્ષિત મહિલાઓ અને પુરુષો ધર્માન્ધતાનો પ્રછન્ન રીતે ફેલાવો કરનાર રાજકીય પક્ષોને ખુલ્લેઆમ ટેકો આપે અને બાપુઓ-સંતોનાં ચરણોમાં ભેટ-સોગાદો ધરે. મોબાઈલ અને કમ્પ્યુટર ગળે લટકાવીને ફરનાર યુવાનો લગ્ન માટે કરિયાવર માગે અને મત મેળવવા સર્વ ધર્મ અને જ્ઞાતિનાં બાળકો-યુવાનોને શિક્ષણની સમાન તકો આપવાનાં વચનો આપે અને પોતાનાં દીકરા-દીકરીને અન્ય ધર્મ કે જ્ઞાતિનાં બાળકો – યુવાનો સાથે મૈત્રી અને લગ્ન ન કરીને મર્યાદા જાળવવાનું કહે, એટલું જ નહીં, એમ ન કરે તો ‘ઓનર કિલિંગ’ એટલે કે આબરૂ જાળવવા મોતને ઘાટ પણ ઉતારે. − એ પણ ભારતમાં જ બની શકે.

આવા તો કેટકેટલા વિરોધાભાસો તરફ નજર જાય તેમ છે, અને જો કોઈનું ધ્યાન દોરીએ તો કહેશે, ‘અહીં તો એમ જ ચાલે.’ એવો સમય આવ્યો છે કે અખબારો, ટેલીવિઝન ચેનલ્સ અને અન્ય પ્રચાર-પ્રસાર માધ્યમો શોધી શોધીને એવા કિસ્સાઓ સમાજ સામે મૂકવા લાગે જે આ લેખના પ્રથમ ત્રણ ફકરાઓમાં દર્શાવેલ છે. એક સવર્ણ શિક્ષિકાનો ભૂતપૂર્વ દલિત કોમનો વિદ્યાર્થી કે જે ડોક્ટરની પદવી મેળવે તે એમની જ સારવાર કરી જીવન બચાવી પોતાનું ઋણ ફેડે એવા અસંખ્ય બનાવો બને છે. કોમી રમખાણો વખતે હિંદુ કોમના લોક મુસ્લિમ સ્ત્રીઓ-બાળકોને પનાહ આપી જાનના જોખમે બચાવ્યાનાં ઉદાહારણો માત્ર દેશના ભાગલા વખતે જ નહીં, આજે પણ જાણવા મળે છે (જો કે કોમી રમખાણો હજુ પણ થાય છે એ દુખદ બીના છે, પણ અહીં માનવતાનું પ્રદર્શન ઈંગિત છે).

અબળા ગણાતો નારી સમુદાય પોતાના ગામ-રાજ્ય કે દેશના હિત ખાતર અહિંસક લડાઈ કરીને અધિકારોનું રક્ષણ કરે એવા બનાવો સ્વાત્રન્ત્ર્ય સંગ્રામ સમયે બનતા તેમ હજુ પણ બને છે. તો આવી અનેક ઘટનાઓને પ્રકાશમાં લાવવામાં આવે અને ‘એ પણ ભારતમાં જ બની શકે’ એ હકીકત તરફ ધ્યાન દોરવામાં આવે, તો આજે બે જ્ઞાતિ, કોમ અને ફિરકાઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવીને ફાટફૂટ પડાવવાનાં યંત્રો કામ કરી રહ્યાં છે, તેમના પ્રચાર સામે જે કારણસર ભારતનો પ્રાણ હજુ ધબકતો રહ્યો છે અને સદીઓ સુધી ટકી રહેશે, એ વિષે જાગૃત લોકોની આંખ ખુલ્લી રહે અને એખલાસભર્યું જીવન જીવવા ધરપત મળતી રહે.

આ કામ નાનાં નાનાં બાળકો અને યુવાનોને જ સોંપી શકાય. તેમને રોજ-બ-રોજના જીવનમાં અસંભવ લાગતી બીનાઓ કે ઘટનાઓમાં બે કે વધુ સમૂહના લોકો કેવાં કેવાં અકલ્પનીય કામ કરીને કુટુંબ, પડોશ, ગામ અને સમગ્ર સમાજને માનવતાથી રસાળ બનવાતા રહે છે એ જોવાની દ્રષ્ટિ આપીશું તો જ પેલા ‘તે અને આપણે’ વચ્ચેની દીવાલ ચણવા કોમી અને અન્ય ભેદભાવ ભરી વાતોનું ઝેર ફેલાવે છે, તેની સામે આવનારી પેઢી ઝીક ઝીલી શકશે.

e.mail : 71abuch@gmail.com

Loading

બરાકના રાજમાં બુકરની યાદ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|5 April 2015

અમેરિકાના પહેલા અશ્વેત રાષ્ટ્રપ્રમુખ તરીકે બરાક ઓબામા પહેલી વખત ૨૦૦૯માં ચૂંટાયા, ત્યારે તેમની સામે હારનારા ઉમેદવાર જોન મૈકેને એક શાનદાર વાત કરી હતી, "સદી પહેલાં જ્યારે બુકરે વ્હાઇટ હાઉસમાં પગ મૂક્યો ત્યારે જ બરાક ઓબામાના અમેરિકન પ્રમુખ થવાનાં બીજ વવાઈ ગયાં હતાં!" આ બુકર એટલે બુકર ટી. વોશિંગ્ટન, એક અશ્વેત અમેરિકન શિક્ષણકાર, જેમણે અમેરિકામાંથી રંગભેદને નાબૂદ કરવા માટે શિક્ષણના યજ્ઞ થકી આજીવન એક શાંતક્રાંતિ ચલાવી હતી.

બુકર અમેરિકાના એવા પહેલાં આફ્રિકન-અમેરિકન / અશ્વેત નાગરિક છે, જેમને અમેરિકાના પ્રમુખ દ્વારા વ્હાઇટ હાઉસમાં આમંત્રિત મહેમાન બનવાનું બહુમાન પ્રાપ્ત થયેલું. એટલું જ નહીં, એપ્રિલ-૧૯૪૦માં અમેરિકાની ટપાલ ટિકિટ પર સ્થાન મેળવનારા તેઓ પહેલા અશ્વેત નાગરિક બનેલા. એમ તો તેમની છાપવાળો અડધા ડોલરનો સિક્કો પણ ચલણમાં મુકાયો હતો.

પાંચ એપ્રિલ, ૧૮૫૬ના રોજ અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં જન્મેલા બુકર ટી. વોશિંગ્ટનનો આજે જન્મદિવસ છે. માત્ર અમેરિકન જ નહીં વિશ્વભરના અશ્વેત અને પછાત-વંચિત લોકોના પ્રેરણામૂર્તિ એવા બુકરની જિંદગી કેવી સંઘર્ષમય હતી, તેના વર્ણન માટે માત્ર એક જ વાત કાફી છે કે તેઓ ગુલામ પરિવારમાં પેદા થયેલા અને એ પણ કોઈ ગોરા પુરુષ થકી, જેનું નામ તેમને આજીવન જાણવા મળ્યું નહોતું. તેમની અટક સાવકા પિતા પાસેથી 'ઉપકાર' રૂપે મળેલી!

બુકર આમ તો મવાળવાદી ગણાતા હતા, કારણ કે તેમને ઉગ્ર-લોહિયાળ સંઘર્ષ કરતાં શિક્ષણની શક્તિ પર વધારે ભરોસો હતો. બાળપણથી જ ભણવામાં હોશિયાર એવા બુકરને પહેલેથી સમજાઈ ગયું હતું કે રંગભેદને નેસ્તનાબૂદ કરવો હોય અને અશ્વેત લોકોને પણ ગોરાઓના સમકક્ષ બનાવવા હોય તો શિક્ષણ વિના ચાલવાનું નથી. અલબત્ત, શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન મેળવીને કોઈનું ભલું થઈ શકે નહીં, અશ્વેતોની નવી પેઢીને શિક્ષિતની સાથે સાથે આર્થિક સ્વાવલંબનના પાઠ ભણાવવા અત્યંત જરૂરી છે, તે અંગે પણ તેઓ સભાન હતા અને એટલે જ એમણે માત્ર પચીસ વર્ષની યુવાન વયે ટસ્કેજીમાં શૈક્ષણિક સંસ્થા સ્થાપી ત્યારે શિક્ષણની સાથે ઉદ્યોગને પણ એટલું જ મહત્ત્વ આપ્યું હતું. ટસ્કેજીમાં અશ્વેત વિદ્યાર્થીઓને ઉદ્યોગ-વ્યવસાયનું વ્યાવહારિક જ્ઞાન મળે, એ માટે વિશેષ કાર્યશાળાઓ ઊભી કરી હતી. અબ્રાહમ લિંકન, બુકર, કાર્વર, માર્ટિન લ્યુથર કિંગ જેવા અનેક મહાનુભાવોના પ્રયાસો પછી એક અમેરિકન અશ્વેત આજે વ્હાઇટ હાઉસમાં રાજ કરી શકે, એટલો સક્ષમ થયો છે.

બુકરના જન્મદિવસે અશ્વેતના ઉદ્ધારની સાથે શિક્ષણની ચર્ચાપણ કરવી જ રહી. અમેરિકામાં વસતી એક ગુજરાતી યુવતીએ તાજેતરમાં ગુજરાતના એક વિચારપત્રમાં અહેવાલ લખ્યો છે, જેમાં અમેરિકામાં શિક્ષણ ક્ષેત્રની બદહાલતનો આછો ચિતાર મળે છે. આ અહેવાલમાં ૧૨મી માર્ચ, ૨૦૧૫ના રોજ ન્યૂ યોર્ક શહેરની લગભગ ૨૦૦ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ કરેલા વિરોધ-પ્રદર્શનની વાત છે. પબ્લિક સ્કૂલના શિક્ષકોના મૂલ્યાંકન માટે રજૂ થયેલા ખરડાના વિરોધમાં લોકોએ દેખાવો કર્યા હતા. શિક્ષણના નામે બાળકો પર લદાતા બોજ અને શિક્ષણના ખાનગીકરણ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.

આશા રાખીએ બરાકના રાજમાં બુકરના શિક્ષણ અંગેના વિચારો, જે ગાંધીજીના વિચારો સાથે ઘણું સામ્ય ધરાવે છે, તેને ફરી યાદ કરીને અનુસરવામાં આવે.

… અને આપણે ત્યાં ? વાત છોડો ને યાર ! 

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કોલમ, “સંદેશ”, 05 અૅપ્રિલ 2015


http://sandesh.com/article.aspx?newsid=3060726

Loading

...102030...3,8623,8633,8643,865...3,8703,8803,890...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved