Opinion Magazine
Number of visits: 9772279
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંદુ હોવું એટલે શું ?

મેઘનાદ દેસાઈ|Opinion - Opinion|24 April 2015

બાઇબલમાં કહેવાયું છે કે, કેવળ એક પાપી પોતાના દોષ માટે પશ્ચાત્તાપ કરે તો પણ, સ્વર્ગમાં આનંદ-આનંદ વ્યાપી રહેશે. વિ.હિ.પ.ને કદાચ આ લાગુ નહિ પડે, પરંતુ આનંદના સમાચાર એવા છે કે વિહિપે પશ્ચાત્તાપ કરવા માંડ્યો છે. એને છેવટે ભાન લાધ્યું છે કે, જો દલિતો સનાતન ધર્મ છોડીને અન્ય સમતાવાદી ધર્મોમાં જતા રહેતા હોય તો, તેની પાછળનું એક માત્ર કારણ હિંદુધર્મમાં રહેલી અસ્પૃશ્યતા છે. જે ઘરમાં પાછા આવવાનું આમંત્રણ આપવામાં આવે છે, તેમાં તેને માણસ તરીકે ના ગણતા હોય તો ‘ઘરવાપસી’ની કોઈને જરૂર પડે ખરી?

ઘણા બધા દલિતોએ હિંદુધર્મ છોડી દીધો છે તેની કોઈને નવાઈ ના લાગવી જોઈએ. નવાઈ તો એની લાગવી જોઈએ કે હજી સુધી આટલા બધા દલિતો હિંદુ ધર્મને કેમ વળગી રહ્યા છે? હિંદુ રાષ્ટ્રવાદીઓમાં એક બાબતે હજી ગોટાળો પ્રવર્તે છે. આપણને વારંવાર એવું કહેવામાં આવે છે કે, હિંદુધર્મ તો ઘણો સહિષ્ણુ હોઈ સેક્યુલર વિચારસરણી તેની નસેનસમાં વહે છે. એટલે તો હિંદુ ભારત અને સેક્યુલર ભારત વચ્ચે કશીયે ભેદરેખા દોરી ન શકાય.પરંતુ, વાસ્તવમાં હિંદુધર્મની ઉક્ત સહિષ્ણુતા તો એક મોટો ભ્રમ છે; સત્યથી ઘણી વેગળી છે.

હા, હિંદુધર્મ કદાચ સહિષ્ણુ હશે પણ હિંદુ સમાજ તો અસહિષ્ણુ અને અસમતાવાદી છે. ભલેને અદ્વૈતનું  આપણે ગૌરવ લેતા હોઈએ પરંતુ, એક તરફ શૂદ્રો તથા અતિ શૂદ્રો પ્રત્યે ધિક્કાર અને બીજી તરફ બ્રહ્મ (ઈશ્વર) હરેક જીવમાં વસે છે, એવી આપણી ધાર્મિક માન્યતા; ઉભય વચ્ચે કેમનો મેળ ખાય તે સમજાતું નથી! હિંદુ સમાજ તેના બહુ મોટા સમૂહ સાથે ક્રૂર વર્તન કરે છે. ભગવદ્દગીતાનું વલણ પણ એવું છે. એમાં પણ આ પૂર્વગ્રહ દ્રષ્ટિગોચર થાય છે. દા.ત., સવર્ણોમાં વસતા ગુણો અને અવર્ણોમાં રહેલા ગુણોનો ઉલ્લેખ અને બંને વચ્ચે સરખામણી. આપણા વિદ્વત્તાસભર, ઉત્કૃષ્ટ કોટિના વેદો તથા ઉપનિષદો દ્વારા પીરસવામાં આવતી આધ્યાત્મિકતા કે જેનાં વખાણ કરતાં આપણે થાકતા નથી, તેમાં પણ દલિતો અને ખાસ તો દલિત મહિલાઓ પ્રત્યેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, તેનું બયાન સૂગ ઉપજાવે તેવું છે. એમની સાથેનો વ્યવહાર સદા ય ઘૃણાજનક રહ્યો છે. દલિત મહિલાઓને આપણે હંમેશ ઉપભોગની ચીજો જ ગણી છે; ગરિમાવંત મનુષ્યો નહિ. શૂદ્રો પ્રતિ પણ એવો જ વ્યવહાર રહ્યો છે. ભારતમાં ખુદ દેશવાસીઓનો બહુ મોટો હિસ્સો હંમેશ માટે ઉપેક્ષિત રહ્યો છે; તેમની ભારે અવગણના કરી છે. તેમને બંધુ-ભગિની ગણ્યાં નથી.

હિંદુત્વ વિચારધારાનો પ્રચાર બહુધા બહુમતીએ અને તેમાંયે ખાસ તો બ્રાહ્મણોએ કર્યો છે. જેમને નીચલી જાતિઓ ગણવામાં આવે છે તેઓ હિંદુ માઇથોલૉજી અને ફિલસૂફી વિશે શું વિચારે છે તથા કેવી માન્યતા ધરાવે છે, તેની ક્યારે ય ચર્ચા કરવામાં આવી નથી. જ્યોતિબા ફુલે જેવા આધુનિક વિચારસરણી ધરાવતા ચિંતકે કડક શબ્દોમાં બ્રાહ્મણવાદી વિચારધારા વિરુદ્ધ લખ્યું છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે તો  બ્રાહ્મણવાદી વિચારસરણીની ટીકા કરતાં લખાણો સતત લખ્યાં છે. એમનું ‘ક્રિટિક ઑફ ભગવદ્દગીતા’ વાંચો તો આ વિચારસરણી અછૂતો પ્રતિ કેવું વલણ ધરાવે છે ને તેમને કેવા માને છે, તેનો ખ્યાલ આવશે. બાબાસાહેબે તેમના સમગ્ર જીવન દરમિયાન એનો વિરોધ કર્યો ને છેવટે જ્યારે તે હિંદુઓને આ બાબતે સભાન કરવામાં સફળ ના જ થયા, ત્યારે તેમણે હિંદુધર્મનો ત્યાગ કર્યો અને સમતાવાદી બૌદ્ધધર્મ અપનાવ્યો.

ગાંધીજીએ તો હિંદુઓને ‘અસ્પૃશ્યતા હિંદુધર્મનું કલંક છે’ એવું કહ્યું તથા તેની ભ્રષ્ટતા કેટલી ભયંકર છે, તે હિંદુઓને ગળે ઉતારવા ભગીરથ પ્રયાસો પણ કર્યા હતા. ડૉ. આંબેડકર અસ્પૃશ્યોને થતા અન્યાય સામેની લડતના એક ભાગ રૂપે અસ્પૃશ્યોને માટે અલગ મતાધિકારની માગણી કરતા હતા. ગાંધીજીને લાગ્યું કે આને લીધે તો હિંદુઓમાં સવર્ણ-અવર્ણ જેવા ભાગલા પડી જશે તથા સ્વાતંત્ર્યલડતમાં દલિતો ટેકો નહિ આપે એટલે, તેમણે એનો વિરોધ કર્યો તથા યરવડા જેલમાં આમરણ ઉપવાસ પર બેઠા. પરિણામે ડૉ. આંબેડકર પણ સવર્ણ હિંદુઓ પર અસ્પૃશ્યતાનિવારણ માટેનું દબાણ લાવવામાં સફળ ના થયા. હિંદુઓએ દલિતોના વિકાસ અર્થે ‘હરિજન સેવકસંઘ’ની સ્થાપના તો કરી પણ એના ઉદ્દેશોની પરિપૂર્તિ માટે જવલ્લેજ સક્રિયતા દાખવી. આઝાદી મળ્યે હવે ૬૭ વર્ષો થાય છે. તેમ છતાં, દલિતો તથા આદિવાસીઓ માટેની અનામત જોગવાઈ હજી ચાલુ રાખવી પડી છે, જેનો પોતાને સવર્ણ ગણતા હિંદુઓને નથી કશો સંકોચ થતો કે નથી કશી શરમ !

હિંદુસમાજના સદ્દ‌નસીબે મુસ્લિમ શાસકો પણ ભારતમાં તેમના છ સૈકા જેટલા દીર્ઘ શાસન દરમિયાન જાતિપ્રથાને સ્પર્શ્યા નહિ, અડક્યા નહિ ને તેને જૈસે થે રાખી. હા, તેમણે અસ્પૃશ્યોનું ધર્માંતર તો કર્યું પણ હિંદુ સમાજને તો તેમણે યથાવત જ રાખ્યો અને બ્રિટિશરોએ તો ધર્માંતર કરતાં પણ વધારે ખરાબ કામ કર્યું. તેમણે નાતજાત કે એવા બીજા કોઈ પણ ભેદ રાખ્યા વિના ભારતમાં સૌને માટે આધુનિક શિક્ષણ મેળવવાની તકો ને સુવિધાઓ ઊભી કરી આપી. તેમનો આવો અભિગમ તો હિંદુસમાજમાં એક બહુ ક્રાંતિકારી પગલું બની ગયું. કારણ  હિંદુસમાજમાં આજ લગી માત્ર ઉપલી બે જાતિઓને જ ભણવાનો હક હતો; બાકીને નહિ. જો બ્રિટિશરો આવું પગલું ભરીને આધુનિક શિક્ષણ અને તેની સાથે આધુનિક વિચારસરણી ના લાવ્યા હોત, તો શ્યામજી કૃષ્ણવર્મા સંસ્કૃત વિદ્વાન ના બની શક્યા હોત અને મોહનદાસ કરમચંદ ગાંધી બૅરિસ્ટર પણ ના બન્યા હોત. હકીકતે તો ક્રિશ્ચિયાનિટીએ નહિ, પણ બ્રિટિશરોએ જે આધુનિક શિક્ષણ આણ્યું તેણે, હિંદુસમાજ સામે મોટો પડકાર ફેંક્યો છે.

દક્ષિણ ભારતમાં પ્રસ્તુત આધુનિક શિક્ષણે આણેલ ક્રાંતિની ભારે અસર થઈ છે. ‘જસ્ટિસ પાર્ટીએ પક્ષે’ બ્રાહ્મણ વિરોધી ઝુંબેશ ઉપાડી તેણે અને ત્યાર બાદ પેરિયારની દ્રાવિડ ઝુંબેશે દક્ષિણ ભારતને ઉત્તર ભારત કરતાં સાવ જુદું સ્વરૂપ બક્ષ્યું છે; તેની કાયાપલટ કરી નાખી છે. ફક્ત ઉત્તર ભારત એનું એ જ રહી ગયું છે. હિંદુત્વ-ઝુંબેશનો અડ્ડો BIMARU રાજ્યોમાં જ છે.  વળી, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતમાં વધારે ઊંચો છે.

જાતિ (જ્ઞાતિ) પ્રથા હિંદુ સમાજને અલગ-અલગ ટુકડાઓમાં વિભાજિત કરી નાખે છે. વિ.હિ.પ. ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનાં સ્વપ્ન જોઈ રહી છે. પરંતુ, એક વરવું સત્ય વિસારે ના જ પડાય અને સતત ધ્યાનમાં રાખવું પડે કે હિંદુ હોવું એટલે વિભાજિત હોવું, ટુકડા હોવું; એક અખંડ રાષ્ટ્ર નહિ. અને માત્ર ને માત્ર અખંડ ભારત, રાષ્ટ્રને વિ.હિ.પ.થી બચાવી લેશે એમાં લગીરે શંકા નથી.  

અનુવાદ ઃ ફાધર વિલિયમ

(મૂળ લેખ ‘બીઇંગ અ હિંદુ’, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, તા. ૨૯-૩-૨૦૧૫)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2015; પૃ. 07

Loading

કાછલિયા પરિવાર

પ્રીતિ સેનગુપ્તા|Opinion - User Feedback|24 April 2015

હલ્લો, વિપુલભાઈ, કેમ છો તમે ? કાછલિયા પરિવાર પરનો તમારો નિબંધ … વાંચ્યો. એક પરિવારની એ અદ્દભુત તવારીખ છે અને તમે કહ્યું છે તેમ આવા બીજા પણ ઘણા પરિવાર હશે નહીં ?

આ પરિવાર વિશેની માહિતી અપીલકારી એટલી જ આદરપાત્ર છે.

ગાલિબભાઈના કિસ્સામાં પણ એમના માતાપિતા અને પિતામહે એ જ મૂલ્યપ્રણાલી બરકરાર રાખી હશે તેમ લાગે છે.

રિપબ્લિક ઑફ સાઉથ આફ્રિકા(દક્ષિણ આફ્રિકા)નો પ્રવાસ ત્રણ વાર કર્યો છે. અને હું એ મુલકને ખૂબ એટલે કે ખૂબ જ ચાહું છું.

હું મારી રીતે, મારે ધોરણે પ્રવાસ ખેડતી હોઉં છું, અને ‘કૉમ્યુિનટી’ને ધોરણે મળવાનું જવલ્લે જ કરતી હોઉ છું. પણ દક્ષિણ આફ્રિકામાં હિંદી મૂળના લોકોનો કંઈક ઇતિહાસ જાણું છું. એટલે કે મો.ક. ગાંધીની જેમ અન્યાયને પડકારવાની અપાર હિંમત જેમણે દાખવેલી એવા લોકો વિશે જાણવા હું હંમેશા એક ખેંચાણ અનુભવું છું.

આવજો.

યુ.એસ.એ.

Loading

પ્રેમાનંદને પગલે-પગલે

જયંત ઉમરેઠિયા|Opinion - Literature|24 April 2015

ભલે પ્રેમાનંદના પેંગડામાં આપણો પગ ન જાય, પણ એને પગલે પગલે ચાલીને એને તથા એની ઉપલબ્ધિઓના ભંડારને તો જરૂર પામી શકાય. આપણા સમયમાં એને મૂકીને જોઈ-જાણી મૂલવી તો શકાય જ. કંઈક આવા જ ઉદ્દેશ સાથે આ પરિકલ્પનાને સાહિત્ય અકાદેમી, દિલ્લીના ગુજરાતી ભાષાના કન્વીનર સિતાંશુ યશશ્ચંદ્રે સાહિત્ય અકાદેમી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, આકાશવાણી વડોદરા, ત્રિવેણી, વડોદરા, બળવંતરાય પારેખ સેન્ટર ફૉર સિમેન્ટિક્સ અને વડોદરા, સુરત અને નંદુરબાર શહેરના નાગરિકો, એમ સહુને સાથે લઈને કાર્યરૂપ આપ્યું. તારીખ સાત ફેબ્રુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધી ‘પ્રેમાનંદ મહોત્સવ’નું આયોજન કર્યું.

વડોદરા શહેરની સ્વાગત-સમિતિની રાહબરી હેઠળ આ મહોત્સવનો આરંભ મ.સ. યુનિવર્સિટીના પ્રેમાનંદ હૉલમાં થયો. શરૂઆતમાં પ્રેમાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ અને પછી કેટલાક બાળ- પ્રેમાનંદો (શાળાનાં બાળકો પ્રેમાનંદ બનીને આવ્યાં હતાં.) સાથે સહુ આખ્યાનનાં કડવાંઓ ગાતાં-ગાતાં યુનિવર્સિટી કૅમ્પસમાં ફર્યા. ઉદ્દઘાટન સત્રમાં લૉર્ડ ભીખુભાઈ પારેખ તથા કેતન મહેતાએ ટૂંકાં વ્યાખ્યાન આપ્યાં. ભીખુભાઈએ કહ્યું કે : ‘વ્યક્તિ કરે તે વ્યાખ્યાન અને આખ્યાન એટલે સમગ્ર પ્રજાની અભિવ્યક્તિ. આ સમય વ્યાખ્યાનનો છે.’ કેતન મહેતાએ કહ્યું કે મને કોઈ વિદેશમાં ભારતની ઓળખાણ પૂછે, તો હું કહું છું : ‘આ સ્ટોરી ટેલર્સનો દેશ છે. અહીં કેટકેટલી કથાઓ જનમાનસમાં રમે છે.’ સિતાંશુભાઈએ ‘પ્રેમાનંદને પગલે-પગલે’ મહોત્સવ અંગેની ભૂમિકા આપી તથા એ વિશે એમણે રાજેશ પંડ્યાએ તૈયાર કરેલી પિસ્તાલીસ પૃષ્ઠની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું, જેમાં પ્રેમાનંદનાં જીવન, કવન અને સંશોધન વિશે રસપ્રદ માહિતી કડવાંઓ સાથે છાપવામાં આવી છે.

ઉદ્દઘાટન બેઠકમાં ચંદ્રકાંત ટોપીવાળાએ બીજવક્તવ્યમાં પ્રેમાનંદનાં આખ્યાનોમાં આજની જે સિનેમેટોગ્રાફી, ક્લોઝ અપ્સ સાથે જોવા મળે છે, તેની વાત કરી. પ્રથમ બેઠકમાં ભીખુભાઈ પારેખની   અધ્યક્ષતામાં હેમંત દવેએ કવિનો સાંસ્કૃિતક સંદર્ભ તે વખતના બજાર સાથે જોડી આપ્યો. રાજેશ પંડ્યાએ પ્રેમાનંદ તથા એમના પુરોગામીઓના સુદામા ચરિત વિશે વાત કરી. આ ઉપરાંત આ ત્રિદિવસીય મહોત્સવમાં ચંદ્રકાંત શેઠે કુંવરબાઈનું મામેરું, ચિનુ મોદીએ નળાખ્યાન, જયદેવ શુક્લે પ્રેમાનંદની કાવ્યબાની તથા ભરત મહેતાએ પ્રેમાનંદનો સમાજ – ત્યારનો, આજનો એ વિષય પર ચર્ચા કરી.  હિમાંશી શેલતે પ્રેમાનંદની કવિતામાં માનવ-વેદનાનું નિરૂપણ વિષય પર વાત કરતા એમાં વ્યક્ત થતી દમયંતી જેવાં  સ્ત્રી-પાત્રોની પીડા અંગેના સંદર્ભો ખોલ્યા – તો શરીફા વીજળીવાળાએ પ્રેમાનંદનાં આખ્યાનોમાં નારીનાં જે વિવિધ રૂપો જોવા મળે છે, તેની વાત કરી.

આ ઉપરાંત ગુજરાતની વૈકલ્પિક કથનકળાઓ જેવા વિષય પર દલપત પઢિયારે પાટપરંપરાની વાત કરી, તો ભગવાનદાસ પટેલે ભીલી લોકાખ્યાનોનો પરિચય આપ્યો. ભીમજીભાઈ ખાચરિયાએ સૌરાષ્ટ્રના  લોકજીવનમાં વણાયેલી કથનકલા અંગે વિગતે વાત કરી. કથનકલાનો ભારતીય પરિપ્રેક્ષ્ય એ વિષય પર જ્યોતીન્દ્ર જૈને દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુિત સાથે વ્યાખ્યાન આપ્યું, એમાં એમણે બંગાળના પોટૂઆ – (ચિત્ર દ્વારા કથા કહેનારા) વિશે રસપ્રદ વાતો કરી, એમણે કહ્યું કે આ પોટૂઆ ચિત્ર દ્વારા ગામડાંઓમાં ૨૬-૧૧ જેવી ત્રાસવાદી ઘટનાનું પણ નિરૂપણ કરે છે. આ ઉપરાંત પ્રો. રતન પારીમુએ કથનકલાનાં અન્ય પાસાઓ પર પ્રકાશ પાડ્યો. મનપસંદ પદ, મનપસંદ કડવું વિષય પરની બેઠક અત્યંત જીવંત અને રસપ્રદ રહી. મહેન્દ્રસિંહ પરમારે કુંબરબાઈનું મામેરુંની નાટ્યાત્મકતા સાસુ જે પહેરામણી લખાવે છે તે લખો .. લખો … લખોનાં આવર્તનો સાથે રજૂ કરી. આ ઉપરાંત અજય રાવલ, કિશોર વ્યાસ, વસંત જોશી, મીનળ દવેએ પોતપોતાને ગમતાં પદ અને કડવા અંગે રસાળ શૈલીમાં વાત કરી.

પ્રેમાનંદ પર મહોત્સવ હોય અને સંગીતમય નાટ્યપ્રસ્તુિત ન હોય એવું કેમ બને. સાત ફેબ્રુઆરીની સાંજે વાસ્વિક હોલ ખાતે ઉદયન ઠક્કરે પ્રેમાનંદનાં આખ્યાનોમાં હાસ્ય અને શૃંગાર વિશે રજૂઆત કરી. અમદાવાદના કલાકારો કમલેશ ચૌહાણ, નિરાલી જોશી, હર્ષિલ રૉય, ભાવેશ ગજ્જર, ઉર્વશી શ્રીમાળી તથા પ્રવીણ પંડ્યાએ ‘પહેલો પર્ફૉર્મર પ્રેમાનંદ’ની ગીત-સંગીત અને વાચિક સાથે પ્રસ્તુિત કરી, જેમાં પ્રમાનંદનાં ઓખાહરણ, સુદામા ચરિત તથા નળાખ્યાનનાં રસસ્થાનોને રેખાંકિત કરવામાં આવ્યાં. આઠ ફેબ્રુઆરીએ ચં.ચી. મહેતા નાટ્યગૃહમાં માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાએ પરંપરાગત શૈલીમાં પ્રેમાનંદનાં આખ્યાનોમાંથી ગાન પ્રસ્તુત કર્યું, જે અદ્દભુત હતું. મંજરી પટવર્ધન-મૂળેએ કથકનૃત્યના માધ્યમથી ‘કુંવરબાઈનું મામેરું’ રજૂ કર્યું, અંતે ફણિશાઈ ચારીના દિગ્દર્શનમાં પ્રવીણ પંડ્યા લિખિત ‘પછી સુદામાજી બોલિયા’ ભજવાયું જેમાં પ્રેમાનંદ પાત્ર સ્વરૂપે તખ્તા પર આવી સુદામાને અને પોતાને આજ સાથે જોડે છે, સોનાની દ્વારિકાની બહાર દ્વારિકાધીશને મળવા આવતો સુદામો આજે પણ ક્યાં શાસક સુધી પહોંચ્યો છે – આ સમસ્યા સુદામાના પાત્રમાં મહેશ ચંપકલાલે ભાવનાત્મક રીતે ઊપસાવી.

દસ તારીખે આ પ્રેમાનંદને પગલે-પગલે ચાલતી યાત્રા સુરત પહોંચી. અહીં ભગવતીકુમાર શર્માના માર્ગદર્શન હેઠળ સુરત શહેરનાં સાહિત્યકારો, કલારસિકો અને નગરજનોએ આ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો. એક દિવસીય પરિસંવાદમાં હિમાંશી શેલત, શરીફા વીજળીવાળા, રવીન્દ્ર પારેખ, જનક નાયક, બકુલ ટેલર, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દક્ષેશ ઠાકર સહુએ ઉત્સાહભેર ભાગ લીધો. ત્યાંથી આ યાત્રા અગિયાર ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર પહોંચી. અહીંના ગુજરાતી સમાજે સાહિત્યકારોનું હેતભર સ્વાગત કર્યું. શહેરની લાઇબ્રેરીમાં કાર્યક્રમ યોજાયો. સિતાંશુ યશશ્ચંદ્રે અહીંના નાગરિકોને અહીં પણ પ્રેમાનંદ સાહિત્યસભા રચવા સૂચન કર્યું. અમદાવાદના કલાકારોએ ‘પહેલો પર્ફોર્મર પ્રેમાનંદ’ની રજૂઆત કરી .. પ્રેમાનંદે જ કહ્યું હતું :

ઉદર નિમિત્તે સુરત સેવ્યું, સેવ્યું, ને ગામ નંદુરબાર,
નંદીપુરામાં કીધી કથા, યથા બુદ્ધિ અનુસાર.
બુદ્ધિમાને કથા કીધી, કરનારે લીલા કરી,
ભટ પ્રેમાનંદ નામ મિથ્યા, શ્રોતા બોલો જે હરિ.

આમ, સાહિત્ય અકાદેમી, દિલ્લી, મ.સ. યુનિવર્સિટી, ત્રિવેણી, આકાશવાણી વડોદરાના માધ્યમથી કન્વીનર સિતાંશુ યશશ્ચંદ્ર તથા ગુજરાતના સાહિત્ય સમાજ તથા પીયૂષ ઠક્કર, બિજલ ઠક્કર, નિખિલ મોરી, ઇંદુ જોશી જેવા કાર્યકરોએ આ કાર્યક્રમ સુપેરે પાર પાડ્યો, મહાકવિ પ્રેમાનંદને ફરી સાંપ્રતમાં મૂકી આપ્યા.

પ્રાચ્યવિદ્યા મંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2015; પૃ. 11

Loading

...102030...3,8553,8563,8573,858...3,8703,8803,890...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved