Opinion Magazine
Number of visits: 9694932
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હાંરે અમે ગ્યાં’તાં હો રંગના ફુવારે ….

કનુ સૂચક|Opinion - Opinion|24 March 2015

મનમંજૂષામાં ૬૫-૬૭ વર્ષ પહેલાં બાળપણ અને નાનકડું ગામ ગલિયાણા અને પછી જસદણની સ્મૃિતઓ સચવાઈને પડી છે. ભાદર, ભાદર કાંઠે ધરોખડામાં, ઘેલો નદી અને તેની આજુબાજુએ પહાડો અને વનરાઈઓમાં અમારાં પગલાંની છાપ તો ભૂંસાઈ ગઈ હશે, પરંતુ હજુએ હૃદયમાં તો કોતરાઈને પડી છે. કેટલાંક કૂવાઓમાં તાગ લેવાં જતાં પથ્થરોએ છોલેલાં હાથપગમાંથી વહેલાં રુધિર પાણીમાં ભળ્યાં હશે અને ‘કોઈનું લોહી વહ્યું અહીંયાં ….’ જાણ્યા વગર તે કૂવાઓ પણ પૂરાઈ ગયા હશે.

એનાથી પણ પહેલાં અમરેલી શહેરથી ખૂબ દૂર નહીં તેવા સીમાડે, ભાણામામાના ખેતરમાં જતાં ગાડું ચલાવવાનું, ભેંશની સવારી કરવાની, રસ્તામાં આવતાં કોઈનાં ખેતરમાં ઘૂસી, મન ભરી માંડવી ઉખેડવાની અને ખાવાની, ખેતર પહોંચી શેરડીના સાંઠા કાપવાના અને નાનકડી ભારી બનાવી, માથે ઉપાડી ચિચોડે પહોંચાડવાની, અને જાણે મસમોટું કામ કર્યું હોય તેમ શેરડીનો રસ પીવાનો. દિવાળીમાસી ઊકળતી કડાઈમાંથી ગોળ કાઢી ઠારી આપે તેનો ટેસડો કરવાનો.

સૌથી વધુ અને અદ્દભુત આનંદ તો નિરભ્ર આકાશમાં ડૂબતો સૂરજ જોવા સ્થિર થઈ જવામાં આવતો. એ વયમાં પણ આકાશમાં રચાતી સંધ્યાની રંગલીલા જોવી ગમતી. હૃદયમાં શાંતિની અનુભૂતિ સમજાતી નહીં તોયે ખૂબ આનંદ આપતી. રાતે રામજી મંદિર કે શિવમંદિરમાં આરતી ટાણે ઢોલ કે ઝાલર – જે હાથમાં આવે તે વગાડવાનાં. આ સમજણ આવ્યાં પછીના જીવનનો પ્રથમ દાયકો.

પછી મુંબઈમાં છ દાયકાએ ઘણું આપ્યું. ઘણું ભુલાવ્યું. ગુમાવ્યું, પરંતુ મારામાં સતત જીવતું ગામડું સંઘર્ષ હોય કે વાવાઝોડું, આજ પણ અક્કબદ્ધ છે. હવે ગામડાંઓએ નવાં રૂપ ધારણ કર્યાં છે. ઘણું બદલાઈ ગયું છે, બદલાઈ રહ્યું છે. સમય સાથે જીવનપ્રવાહો ન બદલે તો જ નવાઈ. સ્થિર રહે તે જીવન ન રહે, તે જડ કહેવાય.

આવાં અનેક વિચારો વચ્ચે દિલીપભાઈ અને શોભના દેસાઈનું નિમંત્રણ સ્વીકાર્યું અને વાપી શહેરથી થોડાં દૂર આવેલાં તેમના નાનકડાં ગામ સોનવાડા પહોંચ્યાં. આમ તો પારડી અને તે પંથકમાં આવેલાં આ વિસ્તારો દેસાઈ લોકોથી ભરપૂર હતાં. હજુ પણ છે. ધીમે ધીમે નવી પેઢીના યુવાનો વધુ કમાણી અને સુવિધા ખાતર શહેરો તરફ સ્થળાંતર કરી ગયા. સોનવાડા ગામ પણ તેમાં અપવાદ નથી. દેસાઈ ઉપરાંત અનેક જાત,ધર્મના લોકોનો અહી વસવાટ છે, પરંતુ હજુએ અહીં ગામડું જીવે છે. મલકના માનવીઓમાં સરળતા અને વહાલ હજુ ય ધબકે છે. છૂટાછવાયાં માટીથી બનેલાં ખોરડાં, આવકાર આપતી ઓકળી પાડેલી ભીંતો અને માટી લીપેલા સ્વચ્છ ઓરડા અને ઓસરી. ચોખ્ખા ઘી નીતરતા જુવારના રોટલા અને ઉભરાતી તાંસળીમાં માખણ તરતી છાશ. માટીના ચૂલામાં બળતણ સંકોરતી ગૃહિણી ઊના રોટલા સાથે હેત પીરસતી આજે પણ જોવા મળે. શહેરોમાં રહી હોજરી સંકોચી બેઠેલાં અમે એ માણીએ તો પણ કેટલું ! મોટી તાવડીમાંથી ઊતરેલ ચાંદાનું અરધિયું તો શું, પાવલું ખાતાએ પેટ ફાટે.

સોનવાડાની સોનેરી સવાર તો જરૂર જોવી જ છેના નિર્ણય સાથે, દિલીપ-શોભનાનાં સુંદર નિવાસ સ્થાનમાં – જૂનાને વધારી નવું બનાવ્યું છે, આરામથી સૂઈ ગયાં. દિલીપ-શોભના એટલે ગામડું મનભર રાખી જીવતાં મુંબઈનાં માનવી. બન્ને વચ્ચે અને બધાં વચ્ચે તેમનો પ્રેમ સોનચંપાની જેમ મહેંકે છે.

ગાઢી ઊંઘમાંથી સવારે કૂકડાઓએ નહીં, મોરલાઓના ગહેકાટે જગાડ્યાં. ઓસરીમાંથી મોરલાઓ તો દેખાય પરંતુ સાથે આખું જંગલ અને ખેતરો આંખમાં પ્રવેશે. અંધારાને ધકેલતો સ્વચ્છ પવન અને શ્યામરંગી વાદળોની રમત, સ્વચ્છતાની વ્યાખ્યા સમજાવે જ નહીં, મનને પણ સ્વચ્છ કરી, આપણાં સમગ્રને સ્વચ્છમાં ઓગાળી દેતી ઘટના બને. આ પ્રસન્નતાના પર્યાય હોય જ નહીં, અને હોય તો પણ એ વિચારવા પણ મન ન કરે.

પદત્રાણ પગમાં વીંટીને નીકળી પડ્યાં. શુદ્ધ હવાનો કેફ, અમારાં જેવાં શરીરે વૃદ્ધમાં પણ ચેતનાનો પારાવાર પૂરે. ચાસ પાડેલાં ખેતરોની ધારે ધારે, આમ્રમંજરીઓ, બોરડીમાં બોર અને લુમ્બઝુંબ આમલીના કાતરાઓ નજરમાં આવે પણ પરોઢને ચીરતાં કોકરવર્ણ કિરણોને તળાવની ઊંચી પાળેથી જોવાની ઇચ્છા અમને રોકાવા દે તો ઊભાં રહીએ ને ! સરોવરની પાળ પર પહોંચ્યાં ત્યારે અમે અચંબાથી દિગ્મૂઢ, વાચારહિત અને વિસ્ફારિત નેત્રે ઘનગુલાબી રંગના કમળોનાં ઉપવનને જોઈ રહ્યાં. સૂરજ પણ આ દૃશ્ય જોવાં મંથર ગતિએ આવે છે અને ચાલે છે. સ્વર્ગ શું આથી સુંદર હોઈ શકે !

આજે હોલિકાદહનનો તહેવાર અને અમારાં મનમાંથી ગ્રંથિત ગાંઠોનો ઉકેલનો દિવસ. બીજો દિવસ સૌન્દર્ય રંગધામમાં પ્રવેશ. આ બન્ને દિવસ પળેપળ અમે ફૂલો સાથે, પશુપંખીઓ સાથે, હેતાળ માનવો સાથે સંગ કરતાં રહ્યાં. બાળક જેમ નિષ્કારણ ચહેકતાં રહ્યાં. મનગમતાં સ્નેહમેળે મહાલતાં રહ્યાં.

ભુવનમોહન સ્થળે સાથે ન આવી શકેલાં સ્નેહીઓને તક મળે ફરી લાવવાનો નિશ્ચય કર્યો, જેથી અમને પણ આ રંગરંગ ફુવારે ફરી ભીંજાવા મળે.

https://www.facebook.com/kanubhai.suchak/posts/10204945432929153

Loading

ભગતસિંહ નાસ્તિક હતા ! શા માટે ?

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|23 March 2015

આઝાદી આંદોલન દરમિયાન મહાત્મા ગાંધી જેટલી જ જો કોઈને લોકપ્રિયતા મળી હોય તો તે ભગતસિંહને મળી હતી. દેશને આઝાદી અપાવવાના ઉદ્દેશમાં સામ્યતા છતાં વૈચારિક રીતે ગાંધીજી અને ભગતસિંહ બે અંતિમ ધ્રુવ સમાન હતા. ગાંધીજી અહિંસક માર્ગે આંદોલન ચલાવતા હતા અને ભગતસિંહ હિંસક આંદોલન સાથે સંકળાયેલા હતા. આ તેમની વચ્ચેનો જાણીતો, છતાં ઉપરછલ્લો વૈચારિક ભેદ છે, પણ આ બે મહાન વિભૂતિ વચ્ચે મુખ્ય ભેદ એ હતો કે ભગતસિંહ મૂળભૂત રીતે સામ્યવાદી વિચારધારાથી આકર્ષાયેલા હતા, જ્યારે ગાંધીજીને સામ્યવાદના ઉદ્દેશો ગમતા, પરંતુ હિંસક ક્રાંતિની વાત સાથે તેઓ સહમત થઈ શકતા નહોતા. આ ઉપરાંત ગાંધીજી અને ભગતસિંહ વચ્ચેનું સૌથી મોટું અંતર એ હતું કે ગાંધીજી ઈશ્વરની અબાધિત સત્તામાં માનતા હતા, જ્યારે ભગતસિંહ ઈશ્વરના અસ્તિત્વનો જ ઇનકાર કરતા હતા. ગાંધીજી ધાર્મિક વૃત્તિના હતા, જ્યારે ભગતસિંહ પૂરેપૂરા નાસ્તિક હતા!

ભગતસિંહને રોલમોડલ માનનારા યુવાનો ભાગ્યે જ તેમના નાસ્તિકપણાથી પરિચિત હોય છે, કારણ કે તેમના ઈશ્વર અને ધર્મ પ્રત્યેના અણગમાની ચર્ચા મોટા ભાગે ટાળવામાં આવે છે. આવતી કાલે ૨૩મી માર્ચના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીને ૮૪ વર્ષ પૂરાં થશે. આ નિમિત્તે ભગતસિંહના વ્યક્તિત્વના આ અવગણાયેલા પાસા અંગે જાણીએ.

જેલવાસના દિવસોમાં જ ભગતસિંહે એક દીર્ઘ અને આત્મકથનાત્મક લેખ લખેલો, 'હું નાસ્તિક કેમ છું?', જે તેમની શહાદત પછી જૂન-૧૯૩૧માં લાલા લજપરાયે શરૂ કરેલા 'ધ પીપલ' નામના સાપ્તાહિકમાં પ્રસિદ્ધ કરાયો હતો. ભગતસિંહને કેટલાક મિત્રો ટોણાં મારતા હતા કે તને પ્રસિદ્ધિ મળી ગઈ છે એટલે તું તોરમાં આવીને ઈશ્વરની અવગણના કરે છે. જો કે, આ લેખમાં ભગતસિંહે લખ્યું છે, "હું સાવ બિનપ્રસિદ્ધ હતો ત્યારે ય નાસ્તિક જ હતો … વર્ષ ૧૯૨૬ના અંત સુધીમાં મને વિશ્વાસ પડી ચૂક્યો હતો કે કોઈ સર્વશક્તિમાન, સર્વોપરી તત્ત્વ કે જેણે બ્રહ્માંડની રચના કરી, નિર્દેશન કર્યું, નિયમન કરી રહ્યો છે, તે માન્યતા આધારહીન છે."

ભગતસિંહે ઈશ્વર અને બ્રહ્માંડના સર્જન બાબતે શંકાઓ વ્યક્ત કરીને આસ્તિકોને સણસણતા સવાલો પૂછતાં લખ્યું છે, "જો તમે એવું માનતા હો કે સર્વશક્તિમાન, સર્વજ્ઞા, સર્વોચ્ચ ઈશ્વરે પૃથ્વી કે બ્રહ્માંડનું સર્જન કર્યું તો મહેરબાની કરીને સૌથી પહેલાં એ જણાવો કે ઈશ્વરે આવી દુનિયાનું સર્જન જ કેમ કર્યું, જે પીડા-વ્યથા અને તીવ્ર ગરીબીથી ભરેલી છે, જ્યાં એક પણ વ્યક્તિ શાંતિથી એક પળ જીવી શકતી નથી." આગળ લખ્યું છે, "હું પૂછું છું કે શા માટે તમારો સર્વશક્તિમાન ઈશ્વર કોઈ વ્યક્તિને પાપ કે ગુનો કરતી હોય તે પહેલાં તેને રોકી શકતા નથી? ઈશ્વર માટે તો તે બાળરમત હશે ને. શા માટે તેણે યુદ્ધખોરોનો સફાયો ન કર્યો? શા માટે તેણે તેમના મગજમાંથી યુદ્ધનો ઉન્માદ જ ભૂંસી ન કાઢયો? … હું પૂછું છું કે શા માટે તે મૂડીવાદી વર્ગોના હૃદયમાં પરગજુ માનવતાવાદ ઉમેરતો નથી કે જેથી ઉત્પાદન પ્રણાલીના ખાનગી અંકુશો તે છોડી દે અને મજૂરી કરતી સમગ્ર માનવજાતને નાણાંની બેડીઓમાંથી મુક્તિ મળે?"

ધાર્મિક પ્રચારકો અને સત્તાધારીઓ વચ્ચેની ગંદી સાંઠગાંઠને ખુલ્લી પાડતાં ભગતસિંહ લખે છે, "આ બધા સિદ્ધાંતો અને શાસ્ત્રો એ વિશેષાધિકાર ભોગવતા વર્ગોની ઉપજ છે. તે લોકો આવા સિદ્ધાંતો-શાસ્ત્રોના ઓથે પોતાની સત્તાને વાજબી ગણાવે છે, સંપત્તિ એકઠી કરે કે પચાવી પાડે છે …"

ભગતસિંહનો આ આખો લેખ શોધીને વાંચવા જેવો છે. ભગતસિંહની જેમ નાસ્તિક બનવું કે નહીં, તે દરેકે પોતાની રીતે નક્કી કરવાનું હોય, પણ આજકાલ લેભાગુઓ જે રીતે મેસેન્જર ઓફ ગોડ બનવા વલખાં મારી રહ્યા છે તેવા સમયમાં વાસ્તવવાદી બનીને વિચાર્યા કે પછી પ્રશ્નો પૂછયા વિના નહીં ચાલે.

સૌજન્ય :  ‘સમય સંકેત’ નામક  લેખકની કટાર, “સંદેશ”, 22 માર્ચ 2015

e.mail : divyeshvyas.amd@gmail.com

Loading

માને સૂવા દો !

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|23 March 2015

આઠ મહિના પહેલાં શિવાનીના બાપુજીની બીમારીનું નિદાન થયું હતું કે એમને પ્રોસ્ટેટ કેન્સર છે. આમ પણ, અત્યાર સુધી આખા પરિવારમાં કેન્દ્રરૂપ ‘બાપુજી’ જ રહ્યા હતા ને એમાં આવી આટલી મોટી માંદગી ! ઘરના, બહારના મિત્રો કે સગાંવહાલાં સૌને મોઢે બસ, બાપુજીનું જ નામ. ‘એમની તબિયત કેમ છે ?’; ‘બધા રિપોર્ટ્સ આવી ગયા ?’; ‘ડૉક્ટર શું કહે છે ?’; ‘કિમોથેરાપી લેવી પડશે ?’ બધા જાણે આ બધી બાબતોના નિષ્ણાત હોય એ રીતે વાતો કરતા. આ સૌમાં જો કોઈ મૂંગે મોઢે પોતાનું કામ કર્યા કરતું હોય તો એ હતી એની મા.

પહેલેથી એ તો હાંસિયામાં ધકેલાયેલી જ હતી, ને હવે વળી એને પૂછવાની શી જરૂર કે એણે બે કોળિયા મોંમાં નાખ્યા કે નહીં ? બપોરના એ ઘડીક આડે પડખે થઈ કે નહીં ? રાતના એ સૂઈ શકી કે બાપુજીની સેવામાં જ રાત પૂરી થઈ ગઈ ? જો કે કોઈ આવું પૂછે એવી એને અપેક્ષા જ નહોતી.

‘કેમ, સારું રાંધી ને ખવડાવતાં જોર પડે છે ? ઘરમાં કોઈ દિવસ કોઈ ચીજનાં ઠેકાણાં જ ન હોય ! કરે છે શું તું આખો દિવસ ? આમ ફુવડ ને ફુવડ જ રહી ! આળસ અને એદીપણાનીયે કોઈ હદ હોય ને ?’

વર્ષોથી બાબુજીનાં આવાં વાક્બાણો સહન કરતી આવેલી મા એમના ડરથી થરથર ધ્રુજતી રહેતી. વળી માંદગીએ બાબુજીને વધુ ચીડિયા બનાવી દીધા હતા.

‘હવે મારે બ્રશ કરવાનું છે કે આમ સુવડાવી જ રાખવાનો છે ?’; ‘ચા–નાસ્તો કંઈ મળશે કે ભૂખ્યા જ રહેવું પડશે ?’

‘આખી રાત પગ દુ:ખે છે, પગ દુ:ખે છે બૂમો પાડી; પણ તને થયું કે લાવ, પગ દબાવી દઉં ?’

પથારીનો ત્યાગ કરે ત્યારથી મા ચાવી દીધેલા રમકડાની માફક ફેરફૂદરડી ફર્યા કરતી. બાબુજીને કે બીજા કોઈનેયે કદી વિચાર ન આવ્યો કે હવે એની પણ ઉમ્મર થઈ છે, એને પણ જરાક આરામની જરૂર હોઈ શકે. હા, શિવાનીનો જીવ મા માટે બળતો; પણ બાપુજીને પોતાનું કોઈ કામ કરવા માટે મા સિવાય બીજા કોઈની સેવા ફાવતી નહીં. એટલે ધીમે ધીમે કરતાં એણે પણ પિયર આવવાનું થોડું ઓછું કરી નાખ્યું હતું. દેખવું ય નહીં ને દાઝવું ય નહીં.

નાનો ભાઈ અને ભાભી મા–બાપુજીની સાથે જ રહેતાં એટલે એમની થોડી સેવા મળતી ખરી. બાકી મોટા ભાઈને એમનો પરિવાર મુમ્બઈ અને એમનાથી નાની બહેન શીલા અમદાવાદ. બન્ને દૂર રહ્યે રહ્યે જાણે મા–બાપની બહુ ફિકર કરતાં હોય એમ સલાહ–સૂચનો આપ્યા કરતાં.

મોટો કહેતો, ‘ડૉક્ટરને સરખું પૂછી જુઓ ને ! એ કહેતા હોય તો બાબુજીને હૉસ્પિટલમાં દાખલ કરી દો. ખરચાની ચિન્તા નહીં કરતાં. હું અહીંથી મોકલી દઈશ.’

તો વળી શીલા કહેતી, ‘શિવાની, માને કહેજે, બાબુજીની બરાબર કાળજી રાખે. બિચારા કેવા થઈ ગયા છે ! મા એમને મુકીને જરા ય આઘીપાછી ન થાય હં !’ શિવાનીને થતું : અહીં આવીને જુઓ તો ખબર પડે કે બપોરે ત્રણ વાગી જાય તો ય માને બિચારીને જમવાનું યાદ નથી આવતું. રાત–દિવસ બાપુજીને ગરમ તેલનું માલીશ કરી કરીને એના હાથમાં ફોલ્લા પડી ગયા છે. એનું ધ્યાન કોણ રાખશે ?

છેલ્લા અઠવાડિયાથી બાબુજીને નર્સિંગ હોમમાં દાખલ કર્યા હતા. શિવાનીને થયું કે હાશ, હૉસ્પિટલમાં તો નર્સ દર્દીની દેખરેખ રાખે એટલે માને થોડોક તો આરામ મળશે ! પણ નર્સ પાસે ઈન્જેક્શન અને દવા લેવાનાં, બી.પી. ચેક કરાવવાનું. એ સિવાય બધું મા જેમ ઘરે કરતી એ જ રીતે એણે હૉસ્પિટલમાં કરવાનું એવું બાબુજીનું ફરમાન હતું. ‘ઘરનું માણસ કરવાવાળું હોય તો પછી ભાડૂતી માણસોની મદદ શા માટે લેવી,’ એમ તેઓ સૌને કહેતા.

બે દિવસ પહેલાં સાંજે ચાર–સાડાચારે શિવાની મા માટે આદુ–ફૂદીનાવાળી ચા લઈને ગઈ ત્યારે એણે જોયું કે હજી તો માનું ટિફીન એમનું એમ પડેલું હતું અને એ બાબુજીના શરીરે હળવે હાથે માલીશ કરી રહી હતી. શિવાનીએ પુછ્યું, ‘આ શું મા ? હજી સુધી જમી નથી ?’

ફિક્કું હસીને માએ કહ્યું, ‘ખાવાનું, ટિફીનમાં હોય કે પેટમાં, શો ફરક પડે છે ? પણ તારા બાબુજીને મારા માલીશ કરવાથી ફરક પડે છે. જો એમને ઊંઘ પણ આવી ગઈ છે.’

બે દિવસ પછી બાબુજીને હમ્મેશને માટે ઊંઘ આવી ગઈ. મોટાભાઈ અને શીલા સમાચાર સાંભળીને દોડી આવ્યાં. શીલાએ રડી રડીને ઘર માથે લીધું તો મોટાભાઈએ માને વાંસે હાથ ફેરવીને આશ્વાસન આપ્યું. શિવાનીએ આખો વખત માની ચિન્તા સતાવી રહી હતી.

‘મા, ભાવે કે ન ભાવે પણ બે કોળિયા તો ખાઈ લે ! જરા પગમાં જોર રહે !’

‘મા, બેઠા બેઠા કમર દુ:ખી જશે. થોડીવાર લાંબો વાંસો કરી લે ને !’

પણ માએ બે હાથ જોડી ધરાર ના પાડી દીધી. સાંજ સુધી લોકોની અવર–જવર એકધારી ચાલુ જ હતી. આવનારાને પાણીનું તો પૂછવું પડે ને ! શિવાની પાણી લેવા રસોડામાં ગઈ ત્યાં પાછળ જ શીલા આવી.

‘શિવાની મા પણ કમાલ છે ! આ સમય છે સૂવાનો ? આડોશી–પાડોશી ખરખરે આવ્યા છે ને એ બેઠી બેઠી ઝોકાં ખાય છે ! મને તો એવી શરમ આવી ! એ તો સારું થયું, કોઈનું ધ્યાન નહોતું ત્યારે મેં એને ઢંઢોળીને કહ્યું કે, તારાં નસકોરાંનો અવાજ આવે છે.’

શિવાનીએ આ સાંભળતાં જ કંઈક ખુશ થઈને કહ્યું, ‘હેં ? માને ઊંઘ આવે છે ?’

એ ભાગીને ગઈ. એણે અને નાની ભાભીએ ટેકો દઈને માને ઊભી કરી. તેને બેડરૂમમાં લઈ જઈ ધીમે ધીમે માથે હાથ ફેરવી એણે માને સુવડાવી. થાક, ઉજાગરા અને રડી રડીને થાકેલી માની આંખો ઘડીભરમાં મિંચાઈ ગઈ. શીલા ધમધમાટ કરતી આવી, ‘શિવુ, મેં તને માને જગાડવાનું કહ્યું ને તેં તો એને સુવડાવી દીધી !’

શિવાનીએ રૂમનું એ.સી. ચાલુ કર્યું ને ધીમેથી શીલાને બહાર લઈ આવીને કહ્યું, ‘આઠ આઠ મહિનાથી માએ ધરાઈને બે ટંક ખાધું નથી ને રાતોની રાતો સૂતી નથી. આજે એ શાન્તિની નીંદર માણે છે ત્યારે હું પ્રભુને પ્રાર્થના કરીશ કે માને નિરાંતની ઊંઘનું વરદાન આપે. બલકે, હું તો કહીશ કે મારા ભાગની નીંદર પણ માને મળે.’

બોલતાં બોલતાં શિવાનીનો કંઠ ભરાઈ આવ્યો.

(મન્નૂ ભંડારીની હિન્દી વાર્તાને આધારે)

તા. 16 ડિસેમ્બર, 2014ના ‘ભૂમિપુત્ર’ પાક્ષીકના છેલ્લે પાનેથી, લેખિકા અને ‘ભૂમિપુત્ર’ના સૌજન્યથી –

સમ્પર્ક : બી–401, ‘દેવદર્શન’, હાલર, વલસાડ– 396 001

ઈ–મેઈલ : avs_50@yahoo.com

●

સૌજન્ય : ‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ દસમું – અંકઃ 318 – March 22, 2015

Loading

...102030...3,8433,8443,8453,846...3,8503,8603,870...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved