દરેક સ્વતંત્ર દેશને પોત પોતાનો ઇતિહાસ અને રાજકારણ હોય છે અને સેંકડો-હજારો વર્ષની તવારીખો જુદા જુદા યુગોમાં વહેંચાતી આવી છે. ભારત વર્ષ અનાર્યો અને આર્યોની ભૂમિ રહી ચૂકી છે અને પછી તો રઘુ વંશ, યાદવ વંશ, મૌર્ય, ગુપ્ત, ચાલુક્ય, મોગલ અને રાજપૂત જેવા અસંખ્ય રાજ્વન્શીઓનાં શાસન હેઠળ ઉન્નતિ -અધોગતિના ચકડોળમાં ચડઉતર કરતું કરતું છેવટ બ્રિટીશ સામ્રાજ્યની ધૂંસરી નીચે બેએક સદીઓ પોતાની અસ્મિતાને જેમ તેમ જીવિત રાખી પણ શક્યો. સ્વાતંત્ર્ય મેળવ્યાને છ દાયકા વટાવ્યા ત્યાં તો વિશ્વની મહાસત્તાઓની પંગતમાં બેસવાની લાયકાત ધરાવતું પણ થયું છે.
વિશ્વ ઇતિહાસને સમજવા અને ચર્ચવા માટે ઇસ્વી સન પૂર્વે અને ઇસ્વી સન એવા બે કાલ ખંડ વ્યવહારમાં ખૂબ જાણીતા છે. ભારત હવે મોદી પૂર્વે અને મોદી યુગ એવા નવા કાલ ખંડને પ્રચલિત કરવાનું ગૌરવ લઈ શકે તેમ છે. મારો જન્મ મોદી પૂર્વે 64માં – એટલે કે નહેરુ યુગના મંડાણ થયાં તે ટાંકણે થયેલો. છેલ્લા સાડા ત્રણ દાયકાઓથી ભારતની પ્રગતિને પાંચ હજાર માઈલ દૂરથી જોવાનું નસીબ થયું છે, પરંતુ જન્મભૂમિની મુલાકાતે અવારનવાર આવવાનું થતું હોવાથી કેટલીક સારી-નરસી બાબતોનો પ્રત્યક્ષ અનુભવ પણ લેતી રહી છું. ઓક્ટોબર મહિનામાં સ્વદેશ આવવાનું થયું ત્યારે મને ભાન થયું કે હું મોદી યુગમાં પહેલી વખત દેશમાં પગ મૂકું છું અને મારા હૃદયના ધબકારા વધી ગયા.
દુબઈમાં એક અખબારમાં આવેલ સમાચાર પર નજર ઠરી અને મારી તો છાતી ગજ ગજ ફૂલી. એ સમાચારમાં જણાવેલ : ભારતની સરકારે ઈઝરાઈલ પાસેથી 500 મિલિયન ડોલરના એન્ટી ટેંક મિસાઈલ્સ ખરીદ્યાં. દુનિયામાં કુલ શસ્ત્રોનું વેંચાણ થાય છે તેના 29% શસ્ત્રો અમેરિકા વેંચે છે તો ભારત પણ કંઈ કમ ઊતરે તેમ નથી, એ દુનિયાનો પ્રથમ નંબરનું શસ્ત્રો ખરીદનાર રાષ્ટ્ર હોવાનું ગૌરવ લે છે. એક પણ વિરોધ પક્ષની અડચણ વિના મળેલ સત્તાનો અસરકારક ઉપયોગ કરવાની નેમ ધરાવતા વડાપ્રધાન મોદીની નેમ છે કે રશિયા પાસેથી ખરીદેલાં શસ્ત્રો કાઢીને તેને સ્થાને 250 બિલિયન ડોલરના નવાં શસ્ત્રો બનાવશે અથવા ખરીદશે. આખર ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધને ખાળવાની જવાબદારી દેશની આમ પ્રજાએ સોંપી છે તો કંઈક તો કરવું પડે ને? આપણી પાસે એક એકથી ચડિયાતાં વિનાશક અત્યાધુનિક શસ્ત્રો હોય તો જ આ બે પાડોશી દેશો સખણા રહે ને, ભાઈ?
બાકીની વિમાની મુસાફરી દરમ્યાન વિચારતાં લાગ્યું કે ખરેખર જો કોઈ પણ દેશની સીમાઓની સુરક્ષા તેના પાડોશી દેશો સાથે સતત સશસ્ત્ર સંઘર્ષ કરતા રહેવાથી જ થતી હોય, તો જ્યારથી આધુનિક શસ્ત્રોની શોધ થઈ ત્યારથી બસ, બે દેશો વચ્ચે શાંતિ અને અમન જ ન પ્રવર્તતું હોત ? આ જે કરોડો રૂપિયાના શસ્ત્રો ખરીદવાના આયોજનો થાય છે એ બતાવે છે કે આગલી સરકારોની માફક હાલની સરકારને પણ સીમા સુરક્ષા માટે સશસ્ત્ર હુમલા કે સશસ્ત્ર બચાવ સિવાય કોઈ વિકલ્પનું નથી જ્ઞાન-ભાન કે નથી કોઈ અહિંસક અને શાંતિમય રાહ અપનાવવાની ઈચ્છા. ગાંધીજીએ કહેલું કે અહિંસા એ સબળ માનવીનું હથિયાર છે, નબળાનું નહીં. તો ભારતના પાડોશી દેશો કે ખુદ ભારત પાસે એવા સબળ દ્રષ્ટિબિંદુ અને કર્મબળની અપેક્ષા શી રીતે રાખવી ?
અહીં એક વાત નોંધી લઉં, ભારતે ઇઝરાયેલ સાથે ટેકનોલોજીના ક્ષેત્રે પણ કંઈ -પ્રદાનના કરારો કર્યા છે જે સારી વાત છે. બાકી આમ જુઓ તો ઇઝરાયેલ પોતાના અરબ પાડોશી દેશો સાથે સરહદી ઝઘડાઓનો નિવેડો લાવવા છ એક દાયકાથી નાની મોટી લડાઈઓ કર્યા જ કરે છે, અને માનશો? એ દેશને શસ્ત્રોની અને આર્થિક સહાય સહુથી વધુ અમેરિકા પાસેથી મળે છે. આ તો ઇઝરાયેલ મોતના સામાનની આયાત અને નિકાસ બંને કરે છે અને જેમ પેલેસ્તાઈનના સૈનિકો અને આમ પ્રજા જાન ગુમાવે છે તેમ જો ભારત પણ ચીન અને પાકિસ્તાન સાથે લડાઈ કરતું રહે તો કમસે કમ અમેરિકાની શસ્ત્રોની ખરીદી પેટે આપેલ રકમ ભારત પાસેથી થોડી ઘણી વસૂલ તો કરી શકે.
ચીન સાથે ભારતને સદીઓથી સાંસ્કૃિતક અને વ્યાપારી સબંધો રહ્યા છે. આમ છતાં ચીનની વિસ્તૃતીકરણની નીતિને પરિણામે ભારતની સરહદો ઓળંગીને કેટલોક ભૂ ભાગ પોતાના દેશ ભેગો કરી નાખવાના પેંતરા રચાયા જ કરે છે. ચીનના વડા પ્રધાન એક તરફથી ભારતને હાઈ સ્પીડ ટ્રૈન દોડતી કરવા મદદ કરવાનું વચન આપે અને બીજી બાજુ એનું જ લશ્કર ઘુસણખોરી કરે એ તો ચોરને કહેતું ચોરી કર અને શેઠને કહે તું જાગતો રહે એ ન્યાય થયો. કુશળ અને દીર્ઘ દ્રષ્ટિવાળા રાજનીતિજ્ઞ હોય એ ચીનના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાટાઘાટો કરીને કાયમી ધોરણે શાંતિ કરારો કરી શકે અને તેના પાલન માટે આંતરરાષ્ટ્રીય દરમ્યાનગીરી સ્વીકારીને આ પ્રશ્નનો ઉકેલ લાવીને જ જંપે.
રહી વાત પાકિસ્તાન સાથેના વિવાદની. કોઈ મા-બાપ પોતાનાં પુખ્ત વયનાં સંતાનોને બાપનું ઘર નાનું પડે ત્યારે પ્રેમથી સમજાવીને જુદા જુદા ઘરમાં રહેવાની સુવિધા કરી આપે અને સંપત્તિની વહેંચણી પરસ્પરની સમજુતીથી કરી આપે તો એવા કુટુંબો વચ્ચે મીઠા સંબંધો જળવાઈ રહે. કેટલાક ભાઈઓ વચ્ચે બહારની કોઈ વ્યક્તિની દખલગીરીથી કે ભાંડરુ વચ્ચે સંપત્તિ માટેની લાલચથી ઝઘડો થાય અને મનદુઃખથી જુદા પડે ત્યારે તેમની વચ્ચે ભાગ્યે જ સુમેળ સધાય અને તેવા કુટુંબમાં મા-બાપ અને તેમના સંતાનો હંમેશને માટે લડતા-ઝઘડતા જ જીવન પૂરું કરે એવું આપણે જોયેલું છે. ભારત-પાકિસ્તાનની રચના ઉપર કહી છે તેમાંની બીજા નંબરની પરિસ્થિતિથી થયેલી હોવાને કારણે હવે આ બંને દેશોને યાવત્ ચંદ્ર દિવાકરૌ લડ્યા કરવાનું જાણે વરદાન મળ્યું છે. ભારતના રાજ્યકર્તાઓનું શાણપણ તો ત્યારે સાબિત થશે જયારે તેઓ કાશ્મીરનો પ્રશ્ન શાંતિમય વાટાઘાટો દ્વારા ત્યાં રહેતી પ્રજાના હિતમાં લાવશે અને એક મગની બેફાડ જેવા બંને દેશો વચ્ચે ફરીને સાંસ્કૃિતક, કળા અને વ્યાપારી કરારો થાય અને કાયમ માટે જળવાય.
“પાકિસ્તાન કાશ્મીર પ્રશ્ને જરા ય મચક આપતું નથી અને એ લોકો જ હુમલા કરે છે એટલે ભારત સરકાર શું કરી શકે?” એ દલીલ હવે બંને દેશોની સલામતી અને કોમી એખલાસ જાળવવા માટે પાંગળી છે. સવાલ એ છે કે આ બાબતે લવાદી તરીકે કયા દેશની કુમક માગી શકાય? યુ.એન.ના મુખ્ય સભ્ય દેશો તો સ્વ હિતને ધ્યાનમાં રાખીને બીજા દેશોમાં સશસ્ત્ર લડાઈઓ થતી રહે એ પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહે છે જેમ અમેરિકા ઈઝરાયેલને ટેકો આપતું રહે છે, તેમ જ વળી. વધુમાં તેઓ શાન્તિદળ પણ ટેંક પર સવાર થયેલ સૈનિકોને મશીનગન સાથે બુલેટ્સના હારડા પહેરાવીને મોકલે છે એટલે યુ.એન. પાસેથી શાંતિ સ્થાપવા દરમ્યાનગીરીની અપેક્ષા રાખવી એ જાણે રાવણને તેના રાજ્યમાં સ્ત્રીઓનું અપહરણ કરનારાઓને સમજાવવાનું કામ સોંપવા બરાબર છે. જવાહરલાલ નહેરુની 125મી જન્મ જયંતીના વર્ષે તેમણે ભારતને આપેલ ધર્મ નિરપેક્ષતા અને બિન જોડાણની નીતિ તથા પંચશીલના સિદ્ધાંતોને પુન: સમજીને ભારતે જાતે જ એવી વિદેશ નીતિને અમલમાં લાવવી રહી જેને કારણે 500 મિલિયન ડોલર જેટલું જંગી ખર્ચ અને હજારો સૈનિકો તથા નિર્દોષ પ્રજાજનોની હત્યાનું પાપ પણ ન લાગે.
e.mail : 71abuch@gmail.com
![]()


Nehru marked the 20th century with his presence.
Nehru died at the precise moment we set foot in Muzaffarabad, the capital of PoK.