Opinion Magazine
Number of visits: 9552680
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક બહિષ્કૃત લેખકની હત્યા …

મેહુલ મંગુબહેન|Opinion - Literature|4 February 2015

આપણી તકલીફ એ છે કે આપણને પેરિસની ઘટનામાં જેટલો રસ છે તેટલો દેશની ઘટનામાં નથી.

તામિલનાડુમાં ચાર વર્ષ અગાઉ લખાયેલી નવલકથા માટે પેરુમલ મુરુગન [Perumal Murugan] નામના એક લેખક ધરાર બહિષ્કૃત થયા છે. તેમણે પોતાનાં તમામ પુસ્તકો પાછા ખેંચી લઈ ' પોતે હવે લેખક તરીકે મૃત્યુ પામે છે' તેવી ઘોષણા કરી છે, ત્યારે આપણે અભિવ્યકિત સ્વાતંત્ર્યના આ તમાશા-એ-હિંદના નઘરોળ સાક્ષી સાબિત થઈએ છીએ

તારીખ ૧૨ જાન્યુઆરી, ૨૦૧૫. સ્થળ સોશિયલ મીડિયા ફેસબુકની વોલ. આ દીવાલ પરની પોસ્ટ આ મુજબ છે : મરી ગયો પેરુમલ મુરુગન. એ ઈશ્વર નથી કે ફરીથી આવશે પાછો. એવા કોઈ પુનર્જન્મમાં એને વિશ્વાસ પણ નથી. હવે એ ફક્ત પી. મુરુગન છે. ફક્ત એક શિક્ષક. એને એકલો છોડી દો.

આ પોસ્ટ એક લેખકે પોતાના મોતની કરેલી સત્તાવાર જાહેરાત છે. લેખક પેરિસનો કાર્ટૂનિસ્ટ નથી. લેખક પેશાવરનો પીડિત નથી. લેખક આઈ.એસ.આઈ.એસ.ના આતંકવાદનો ભોગ બનેલો નથી, લેખક તમિલ ભારતીય છે. તે આપણા દેશની અસહિષ્ણુતાનો પીડિત છે. એમ.એફ. હુસેનથી લઈને વેન્ડી ડોનિગર સુધીના લોકોની જેમ, સમાજના એક વર્ગની દંભી માનસિકતાનો ભોગ બન્યો છે. લેખક દલિત સમુદાયમાં જન્મેલો છે. લેખક એક સરકારી કોલેજમાં તમિલ ભાષાનો વિદ્વાન પ્રોફેસર છે. અનેક સાહિત્યિક કૃતિઓ ઉપરાંત નિષ્ઠાવંત શૈક્ષણિક પ્રદાન તેમના નામે બોલે છે. આ લેખકનું નામ છે પેરુમલ મુરુગન. પેરુમલ મુરુગન તમિલ સાહિત્યમાં પ્રતિષ્ઠિત નામ છે. ૪૮ વર્ષના આ લેખકે ભારતીય સાહિત્યને તમિલ ભાષામાં ચાર નવલકથાઓ, ત્રણ વાર્તાસંગ્રહો અને ત્રણ કાવ્યસંગ્રહ આપ્યા છે. તેમનું સાહિત્ય ઇતિહાસ પ્રત્યે સંવેદનશીલ છે, દેશની સૌથી ક્રૂર એવી જાતિપ્રથા સામે મુખર અને સર્જનાત્મક છે. પોતાની એક નવલકથા બાબતે થયેલા આકરા અને અકારણ વિરોધથી વ્યથિત થયેલા પેરુમલ મુરુગને આખરે પોતે લેખક તરીકે મૃત્યુ પામે છે તેવી જાહેરાત કરી છે. શું છે આ આખી ઘટના?

૨૦૧૦માં તેમની નવલકથા 'માતોરુભાગાન' પ્રકાશિત થઈ. આ નવલકથાને લોકોનો અને વિવેચકોનો પણ જોરદાર આવકાર મળ્યો. આ નવલકથા એક નિસંતાન ખેડૂત દંપતીની વાર્તા છે. નવલકથાની પૃષ્ઠભૂમિ છે ૨૦મી સદીનો ઈરોડ અને નમક્કલ પાસેનો એક કસબો તિરુચેરગોડે. તિરુચેરગોડે એ જગ્યા છે જ્યાંથી પેરિયાર ઈ.વી. રામાસ્વામીએ જાતિપ્રથા તથા કુરિતિયો સામેના પ્રખ્યાત દ્રવિડિયન આંદોલનની શરૂઆત કરેલી. નવલકથા સંતાનહિન સ્થિતિ અને તેને લીધે થતાં ભેદભાવ પર પ્રહાર કરનારી છે. વાર્તામાં ઘટના એવી બને છે કે સંતાનહિન મહિલાને સંતાન પ્રાપ્ત થાય અને વંશવેલો જળવાઈ રહે તે માટે તેના પરિવારજનો તેને અજાણ્યા માણસ સાથે સંબંધ બાંધવા મજબૂર કરે છે. આમાં એક એવી ધાર્મિક પરંપરાની કલ્પના છે જેમાં એક રાત માટે બે સ્ત્રી-પુરુષ પરસ્પર સહમતીથી સંબંધ બાંધી શકે છે. સ્ત્રી સાથે સંબંધ બાંધનાર આવા અજાણ્યા માણસને ભગવાનનો દૂત ગણાવાની પરંપરા છે અને આવા સંબંધ થકી જન્મનાર બાળકને 'સામી પિલ્લે' યાને કે ભગવાનનું સંતાન ગણવામાં આવે છે. બસ, આટલી જ વાત પર વિરોધ છે. સ્થાનિક ગોંડર સમુદાયના લોકો પોતાની સ્ત્રીઓનું આ પાત્ર થકી અપમાન કરવામાં આવ્યું હોવાનું હાલ કહી રહ્યાં છે. અલબત્ત, લેખક પેરુમલ મુરુગન પોતે પણ આ સમુદાયમાંથી જ આવે છે.

હકીકત જાણે એમ છે કે, આ પુસ્તક ૨૦૧૦માં પ્રકાશિત થયેલું છે અને તેનો વિરોધ ૨૦૧૪ના અંત અને ૨૦૧૫ની શરૂઆતમાં થઈ રહ્યો છે. આ પુસ્તક સંતાનહિન સ્ત્રીની વેદના અને તેને લીધે ઊભા થતાં ધાર્મિક-સામાજિક ભેદભાવોને ઉજાગર કરે છે અને લોકોની સામાજિક માનસિકતા પર પ્રહાર કરે છે. પુસ્તક પતિ-પત્નીના સંબંધો અને બાળક પેદા કરવા માટેની લગ્નસંસ્થા ઉપર પણ પ્રહાર કરે છે. મુદ્દો એ છે કે, આટલાં વર્ષ સુધી આ પુસ્તકનો વિરોધ ન થયો અને હવે શું કામ? એવું એટલા માટે કેમ કે ૨૦૧૩માં આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ 'વન પાર્ટ વુમન' પ્રકાશિત થયો. આ વેળાએ રાજકીય લાભ ખાટનારાં પરિબળો અચાનક મેદાનમાં આવ્યાં. સ્થાનિક ગોંડર સમુદાયને ભડકાવવા માટે પુસ્તકના ચોક્કસ ભાગોની ૧૦,૦૦૦થી વધુ પ્રતો પત્રિકા સ્વરૂપે વહેંચવામાં આવી અને લેખક પોતાના નાનકડા શહેરમાં જ જાણે કે બહિષ્કૃત થઈ ગયા. આ પુસ્તક સામેનો આયોજનબદ્ધ વિરોધ મૂળે તો દક્ષિણપંથી વિચારધારા ધરાવતાં અમુક સંગઠનોનો છે. આ સંગઠનોએ અનેક દિવસો સુધી ધરણાં યોજ્યાં. લેખકે નવલકથામાંથી તિરુચેરગોડે નામ હટાવવાની તૈયારી બતાવી પણ તો ય વિરોધ ચાલુ જ રહ્યો. પુસ્તકના ચોક્કસ પાનાં મહિલાઓને આપીને તેમનો પુસ્તકવિરોધી મત ઊભો કરવામાં આવ્યો અને લેખકના નાનકડા શહેર નમક્કલમાં જડબેસલાક બંધનું આયોજન પણ થયું. આખરે લેખકને શહેર છોડીને ભાગવું પડયું.

તામિલનાડુનું સ્થાનિક રાજકારણ આમાં ભળેલું છે. સ્થાનિક સરકારી તંત્ર દ્વારા સમાધાનના પ્રયાસોની આડમાં લેખક પાસેથી બિનશરતી માફી તથા તમામ પ્રતો પાછી ખેંચવાનું લખાવવામાં આવ્યું હોવાના પણ સમાચાર છે. પેરિસના કાર્ટૂનિસ્ટને મુદ્દે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની દુહાઈ દેનારા અનેક લોકો આ વેળાએ ફરકતા નથી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે અનેક દિવસોથી ત્રસ્ત થયેલા લેખક પેરુમલ મુરુગને પ્રકાશકોનું નુકસાન પોતે વેઠીને તમામ પુસ્તકો બજારમાંથી પાછાં ખેંચી લેવાની તથા જેમની પણ પાસે તે હોય તેમને સળગાવી દેવાની અપીલ કરી દીધી.

આ બાબતે વિખ્યાત ઇતિહાસકાર રામચંદ્ર ગુહા સહિત અનેક લોકોએ પેરુમલ મુરુગનને પોતાનો ટેકો જાહેર કર્યો છે. ગુહાએ કહ્યું કે પેરુમલ મુરુગનનું લેખક તરીકે મોત તમિલ અને ભારતીય સાહિત્ય માટે એક અત્યંત દુઃખદ ઘટના છે. મહારાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગલે, આલોચક નિરંજના રોય સહિત અનેક લોકોએ પેરુમલ મુરુગનને પોતાનો ટેકો જાહેર કર્યો છે અને ઘટનાની નિંદા કરી છે. જો કે, હકીકત તો એ છે કે, પેરુમલ મુરુગન હાલ તો બહિષ્કૃત ખાનાબદોશ છે. તેમના પોતાના શહેરનું એ રીતે કોમી ધ્રુવીકરણ કરી દેવામાં આવ્યું છે કે તેઓ ત્યાં રહી શકશે કે કેમ એ જ મોટો પ્રશ્ન છે.

તેમના પ્રકાશક તેમની પડખે છે અને આ બાબતે અદાલત સુધી જવા તૈયાર છે પણ ૪૮ વર્ષની ઉંમરે પ્રતિબદ્ધ રીતે સાહિત્યિક ઉપાસના કરનાર લેખકની વ્યથાનું શું? લેખકે કરેલી પોતાના મોતની જાહેરાત જો ખરેખર સાચી પડશે તો આપણી દંભી સભ્યતાએ એક સર્જકની હત્યા કરી એમ જ ગણાશે.

e.mail : mmehul.sandesh@gmail.com

સૌજન્ય : ‘વિગતવાર’ નામક લેખકની કટાર, “સંદેશ”, 21 જાન્યુઆરી 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3033936

Loading

કેટકેટલા વેશ ?

રમણ વાઘેલા|Poetry|3 February 2015

કેટકેટલા વેશ ?  • રમણ વાઘેલા

કેટકેટલા વેશ ?
નહીં શરમ લવલેશ !
જમ્બૂરા, કેટકેટલા વેશ ?
જળની વચ્ચે ઝાલર બાજે, મંદિર વચ્ચે માણસ !
થળની વચ્ચે કંકર વાગે, તિમિર વચ્ચે કાનસ !
પડ્યો પનારે દેશ !
જમ્બૂરા, કેટકેટલા વેશ ?
દિવસ ઊગે તો રાત કહે તું, રાત પડે તો દિવસ,
સુણીના હો એવી વાત કહે તું, જૂઠની કેટલી ચીવટ ?
નિત્ય નગુણ વેશ !
જમ્બૂરા, કેટકેટલા વેશ ?
વિગત વિનાની ભાત ચીતરી, જન્નતને તું મા’ત કરે,
એક ઈશના દેશની વચ્ચે, રામ રહીમને સાદ કરે.
કયો સમજવો વેશ ?
જમ્બૂરા, કેટકેટલા વેશ ?

૬૫૨/૨, સેક્ટર ૮, ગાંધીનગર – ૩૮૨ ૦૦૭

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2015, પૃ. 17

Loading

વિચારજગતના ઝળહળતા સૂર્યનો અસ્ત

બીરેન કોઠારી|Profile|3 February 2015

વિદેશમાં રહેતા ભારતીય મૂળના કોઈ નાગરિકે મેળવેલી નાની કે મોટી સિદ્ધિ બદલ તેના ભારતીય મૂળનું અહીં રહીને મિથ્યા ગૌરવ લેનારા આપણા લોકોએ, ખાસ કરીને ગુજરાતી પ્રસાર માધ્યમોએ ઘરઆંગણે ઝળહળતા આ આંતરરાષ્ટ્રીય સિતારાને ધરાર અવગણ્યો. અંગ્રેજી અખબારોમાં પાનાં ભરીને તેમનું પ્રદાન લખાયું હોવા છતાં એક પણ ગુજરાતી અખબારમાં રજની કોઠારીના અવસાન વિષે ચાર લીટીની નોંધ સુધ્ધાં ભાગ્યે જ જોવા મળી. આને અવગણના ગણો, ઉપેક્ષા ગણો કે અજ્ઞાન, સરખું જ છે. આવા માહોલમાં આ લેખ રજની કોઠારીના વ્યાપક પ્રદાનની ઝલક આપે છે, રજની કોઠારીનું અવસાન થયું એ જ દિવસે પાંચ પાંચ દાયકાના તેમના સહયોગી અને અગ્રણી સમાજવિજ્ઞાની ધીરુભાઈ એલ. શેઠની મુલાકાત લઈને લખાયેલો આ લેખ ૨૨ જાન્યુઆરીના ’ગુજરાત મિત્ર’માં પ્રકાશિત થયો હતો.

બૌદ્ધિકોની વ્યાખ્યા એક જ લીટીમાં આપવાની હોય તો મોટા ભાગના લોકો કહી શકે, ‘બૌદ્ધિકો એટલે પોતાના એકદંડિયા મહેલમાં બેસીને બૌદ્ધિકો દ્વારા, બૌદ્ધિકો માટે, બૌદ્ધિકોનું સંશોધન કરતા લોકો.’ આનો સીધો અર્થ એ થાય કે તેમને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય બાબતોનું જ્ઞાન હોઈ શકે, પણ સ્થાનિક સ્તરની સમસ્યાઓનો તેમને ભાગ્યે જ અંદાજ હોય. પણ સોમવાર, તા. ૧૯ જાન્યુઆરીના રોજ અવસાન પામેલા રજની કોઠારીએ સમાજવિજ્ઞાન અને રાજકીય વિજ્ઞાન ક્ષેત્રે અનેક આગવાં સંશોધનો તેમ જ અભ્યાસ દ્વારા આ અને આવી અનેક ગેરસમજણોને ખોટી પાડીને દેશવિદેશમાં તેમ જ સ્થાનિક સ્તરે પથદર્શક કામ કર્યું. તેને લઈને વીસમી સદીના અનોખા સમાજવિજ્ઞાની તરીકે તેમની ઓળખ બની.

પાલણપુરના હીરાના વેપારી પરિવારના એકના એક નબીરા રજની કોઠારીને વારસાગત વેપારમાં રસ ન હતો, એમ પરંપરાગત અભ્યાસમાં પણ રુચિ ન હતી. થોડો સમય તે આઈ.એન.એ.(આઝાદ હિંદ ફોજ)ની રાજકીય પાંખ સાથે સંકળાયા. કૌટુંબિક વેપાર સાથે તે પરાણે સંકળાયા, પણ તક મળતાં જ તેને છોડીને પોતાની રુચિ મુજબનો અભ્યાસ કરવા માટે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં જોડાયા. લંડનથી આવ્યા પછી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં તેમને નિમણૂક મળી. યુનિવર્સિટીનું આંતરિક રાજકારણ રજની કોઠારી જેવા પ્રતિભાશાળી વ્યક્તિત્વને મૂરઝાવી નાંખનારું હતું, પણ અહીં તેમને એક એવો પરિચય થયો, જેના થકી તેમની પ્રતિભાને પોષક વાતાવરણ મળતું રહ્યું. એમ.એસ.યુનિવર્સિટીના ગણિત વિભાગના પ્રોફેસર રાવજીભાઈ પટેલને ઘેર અનૌપચારિક ચર્ચાબેઠકો યોજાતી હતી, જેમાં વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ ભાગ લેતા. ‘રેનેસાં ક્લબ’ તરીકે ઓળખાતી આ બેઠકમાં અનેક અવનવા વિષયો પર દીર્ઘ ચર્ચાઓ, તર્ક, દલીલો-પ્રતિદલીલો થતી અને સમજણનું એક નવું જ વિશ્વ ઊઘડતું. આગળ જતાં પોતપોતાના ક્ષેત્રમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કરનાર ધીરુભાઈ શેઠ, ધવલ મહેતા, પ્રકાશ દેસાઈ, નીતિન ત્રિવેદી, તરુણ શેઠ, માધવી દેસાઈ વગેરે ત્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતા. તેમના ઉપરાંત ભીખુ પારેખ, ઈકબાલ ગુલાટી, બી.જી.શાહ પણ અહીં નિયમિત હાજરી આપતા. અહીં થતી ચર્ચાઓમાંથી જે વિચારનવનીત નિપજતું તેનાથી પ્રાપ્ત થતી અંતરદૃષ્ટિ રજની કોઠારીને પોતાના અભ્યાસલેખોમાં ઘણી ઉપયોગી થઈ પડતી. આ સમયગાળામાં તેમણે લખેલા અમુક સંશોધનલેખો ખૂબ વખણાયા. ખાસ કરીને પ્રતિષ્ઠિત સાપ્તાહિક ‘ઇકોનોમિક વીકલી’(આગળ જતાં ‘ઇકોનોમીક એન્ડ પોલિટીકલ વીકલી’)માં પ્રકાશિત ‘ફોર્મ એન્ડ સબસ્ટન્સો ઇન ઈન્ડિયન પોલિટિક્સ’ તેમ જ ‘ક્વેસ્ટ’માં લખેલા ‘ડાયરેક્ટ એક્શન ઇન પોલિટિક્સ’ અને ‘મીનિંગ્સ ઑફ ડેમોક્રેસી’ આજે પણ પોલિટિકલ સાયન્સના ક્ષેત્રમાં પાયારૂપ ગણાય છે. વડોદરા(પૂર્વ)ની ચૂંટણીના તેમણે જે તે સ્થળે જઈને ક્ષેત્રનિરીક્ષણ દ્વારા કરેલા અભ્યાસથી તૈયાર કરેલા લેખો એ પ્રકારના સૌ પ્રથમ લેખો હતા, જેમાં તૈયાર આયાતી રીતોને બદલે શુદ્ધ ભારતીય પર્યાવરણના સંદર્ભે ચૂંટણીનો અભ્યાસ કરાયો હતો. એ જ રીતે મોડાસાની ચૂંટણીનો અભ્યાસ પણ તેમણે પોતાના વિદ્યાર્થી (અને આજના ખ્યાતનામ સમાજવિજ્ઞાની) ઘનશ્યામ શાહ દ્વારા કરાવ્યો. ચૂંટણીના અભ્યાસીઓમાં આજે પણ આ અભ્યાસલેખો સીમાસ્તંભ જેવા લેખાય છે.

અલબત્ત, યુનિવર્સિટીના આંતરિક રાજકારણવાળું સામંતશાહી વાતાવરણ તેમની પ્રતિભાને ગૂંગળાવનારું હતું. આથી તે બહાર જવાની તકની તલાશમાં હતા, જે તેમને ૧૯૬૩માં મળી અને તે મસૂરીની ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યૂિનટી ડેવલપમેન્ટ’માં જોડાઈ ગયા. આ દરમિયાન તેમણે ભારતભરમાં ફરીને, ક્ષેત્રીય નિરીક્ષણો દ્વારા પોલિટિકલ સાયન્સના ક્ષેત્રે પોતાના માટે એક આગવી સંશોધનપદ્ધતિ વિકસાવી, જે આગળ જતાં ભારતમાં એક નવા પોલિટિકલ સાયન્સના રૂપે વિકાસ પામ્યું. ત્યાર પછીના વરસે રજની કોઠારીએ દિલ્હીમાં ‘સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટી’(સી.એસ.ડી.એસ.)ની સ્થાપના કરી, જે આગામી વરસોમાં તેમના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી સંસ્થા તરીકે ઓળખ પામવાની હતી. સી.એસ.ડી.એસ.ના આરંભથી જ, એટલે કે પાંચ દાયકાથી તેની સાથે સંકળાયેલા અગ્રણી પોલિટીકલ સાયન્ટિસ્ટ ડી.એલ. શેઠ સાથેની વાતચીત દરમિયાન રજની કોઠારીની કાર્યશૈલી અને અભિગમ વિશે અહોભાવ વિનાની, આંતરદૃષ્ટિયુક્ત, અનેક નક્કર તેમ જ અંતરંગ વાતો જાણવા મળી, જેનો અર્ક અહીં પ્રસ્તુત છે.

વિચારના સ્તરે કામ કરનાર વ્યક્તિનું કાર્યકર્તા તરીકેનું પાસું સામાન્ય રીતે એટલું સબળ નથી હોતું, એ જ રીતે કાર્યકર્તાઓ વિચારના સ્તરે એક હદથી આગળ ભાગ્યે જ પહોંચી શકતા હોય છે. પણ રજની કોઠારીમાં આ બન્ને બાબતોનો વિરલ સંગમ હતો. તે માનતા કે સિદ્ધાંત અનુભવજન્ય હોવો જોઈએ, તેને હવામાંથી તૈયાર પકડી લેવાનો ન હોય. કેમ કે, મોટે ભાગે નવી બાબતો મુખ્ય ધારામાંથી નહીં, પણ હાંસિયામાં રહેતા લોકો પાસેથી મળતી હોય છે. તેમના આવા અભિગમને કારણે પોલીટિકલ સાયન્સના સ્થાપિત ખ્યાલોથી અલગ એક નવા જ પ્રકારની વ્યાખ્યા તેમના કામ થકી બની.

રાષ્ટ્રનિર્માણ અને કૉંગ્રેસ પક્ષ જેવા વિષયના અભ્યાસ દરમિયાન કૉંગ્રેસ પક્ષના બદલાતા જતા તેવર તેમ જ રાજકારણમાં બની રહેનારી જ્ઞાતિની મહત્ત્વની ભૂમિકાને પિછાણી લેનાર આરંભિક સંશોધક રજની કોઠારી હતા. કોંગ્રેસ એ કોઈ પક્ષ નહીં, પણ પ્રથા યા પ્રણાલિ છે, એ તેમણે અનેક અભ્યાસો અને નિરીક્ષણો દ્વારા છેક ૧૯૭૦માં પ્રકાશિત પોતાના પુસ્તક ‘પોલિટીક્સ ઇન ઇન્ડિયા’માં પ્રતિપાદિત કરી દીધું હતું. એ પછી ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના સંદર્ભે તેમણે ‘ઍન્ડ ઑફ ધ એરા’ શીર્ષકથી આંખો ઉઘાડનાર લેખ લખીને સત્તાધીશોનો ખોફ વહોરી લીધો. પરિણામે તેમણે રાતોરાત દેશ છોડી જવાની નોબત આવી.

તેમના દ્વારા સ્થપાયેલી સી.એસ.ડી.એસ. ખરા અર્થમાં લોકશાહી અભિગમ ધરાવતી સંસ્થા બની રહી, જે તેમના મુક્ત વિચારોનો વ્યાવહારિક અમલ હતો. પરિવર્તન વિના કોઈ પણ બાબતને સમજી ન શકાય, અને સમજ્યા વિના કશું પરિવર્તન ન થઈ શકે, એવા વિચારને કારણે અનેક બાબતો કેવળ ટેબલખુરશીની ચર્ચાઓમાં મર્યાદિત ન રહેતાં ફીલ્ડવર્કના સ્તરે પણ વિસ્તરી. બન્ને પાસાંઓને અહીં સરખું મહત્ત્વ આપવામાં આવ્યું. સંસ્થાકીય હોદ્દાઓની ભરમાર ઊભી કરવાને બદલે અહીં કાર્યને કેન્દ્રમાં રાખવામાં આવ્યું. જડ નિયમો અને આચારસંહિતાનાં ચોકઠાંથી પણ તેને મુક્ત રાખવામાં આવ્યું. પરિણામે અનેક મહત્ત્વનાં સામાજિક અને રાજકીય સંશોધનો અહીં હાથ ધરાયાં તેમ જ અનેક પ્રતિભાશાળી સંશોધકો અહીંના મુક્ત વાતાવરણમાં પાંગર્યા. આશિષ નાન્દી, ડી.એલ. શેઠ, રામાશ્રય રાય, શિવ વિશ્વનાથન, હર્ષ સેઠી, સુધિર કક્કડ, ગિરિ દેશીંગકર, બશિરુદ્દીન એહમદ જેવા અનેક સમાજવિજ્ઞાનીઓએ સંશોધનને નવા આયામ આપ્યાં અને બહુવિધ સ્તરે મહત્ત્વનાં સંશોધનો કર્યાં. અનિલ ભટ્ટ, ઘનશ્યામ શાહ, ઋષિકેશ મારુ જેવા રજની કોઠારીના એક સમયના વિદ્યાર્થીઓ પણ આગળ જતાં સી.એસ.ડી.એસ. સાથે સંકળાયા અને તેમણે અનેક મહત્ત્વનાં સામાજિક-રાજકીય સંશોધનો કર્યાં.

આવા અભિગમને કારણે ‘સી.એસ.ડી.એસ.’ સતત વિકસતું રહ્યું. ‘વિચારશાળા’ તરીકેની તેની ખ્યાતિ વૈશ્વિક સ્તરે પ્રસરી. ભારતનું તો એ અગ્રણી કેન્દ્ર બની રહ્યું. રજની કોઠારીનું સ્પષ્ટ દર્શન તેની પાછળ હોવા છતાં તે વ્યક્તિકેન્દ્રી ન બની રહે તેની તકેદારી તેમણે રાખી. પરિણામે રાજીવ ભાર્ગવ, પીટર ડિસોઝા, આદિત્ય નિગમ, યોગેન્દ્ર યાદવ જેવા પ્રતિભાશાળીઓની બીજી પેઢી પણ તેમાં તૈયાર થઈ શકી. આવાં અનેક (‘પ્રાદેશિક’નહીં એવાં) સ્વતંત્ર કેન્દ્રો  ઊભાં કરવાની તેમની ઈચ્છા હતી. સુરતમાં આઈ.પી. દેસાઈ દ્વારા સ્થપાયેલું ‘સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ’ આ પ્રક્રિયાના વ્યાપક હિસ્સારૂપે હતું. શરૂઆતથી જ આઈ.પી. દેસાઈ અને રજની કોઠારી આ દિશામાં કાર્યરત રહ્યા.

પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પી.યુ.સી.એલ.) સાથે પણ રજની કોઠારી આરંભથી સંકળાયેલા હતા. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યાને પગલે થયેલા શીખોના સામૂહિક હત્યાકાંડ પછીના દસ જ દિવસમાં અસરગ્રસ્તો, તેમના પાડોશીઓ, સંબંધિત પોલીસ અધિકારીઓ, સૈન્યના લોકો તેમ જ રાજકીય નેતાઓની તેમણે અને તેમના સહયોગીઓએ લીધેલી મુલાકાતો પર આધારિત તૈયાર કરેલો ‘હુ આર ધ ગિલ્ટી?’ નામનો અહેવાલ પી.યુ.સી.એલ. દ્વારા પ્રકાશિત કરાયો હતો. તત્કાલીન સરકાર દ્વારા જેને સ્વયંભૂ પ્રગટેલો જનાક્રોશ ગણાવાયો હતો, એ વાસ્તવમાં સુઆયોજિત ષડયંત્ર હોવાનું અનેક નક્કર પુરાવાઓ સહિત આ અહેવાલમાં સ્પષ્ટપણે દર્શાવાયું હતું. ઢાંકપિછોડો કરવાના આશયથી રચાયેલા અનેક તપાસપંચો જે તથ્ય જાહેર કરવા નહોતા માંગતા એ તમામ હકીકત આ અહેવાલમાં નીડરપણે જણાવાઈ હતી. ત્યાર પછી આ અહેવાલની વાત અને રજની કોઠારીનું નામ શીખ સમુદાયમાં એ હદે જાણીતું થઈ ગયું હતું કે ઘણી વાર શીખ ટેક્સી ડ્રાઇવરો રજની કોઠારી પાસેથી ભાડાના પૈસા પણ લેવાનો ઇન્કાર કરતા. સામાજિક-રાજકીય સંશોધન કઈ હદે છેક છેવાડાના જણને સ્પર્શી શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય.

સત્તરેક પુસ્તકોમાં રજની કોઠારીએ પોતાનાં આગવા વિચારો દર્શાવ્યા છે. તેમનાં અમુક પુસ્તકો હવે હિન્દીમાં પણ સુલભ છે. ‘અનઇઝી ઇઝ ધ લાઇફ ઑફ માઇન્ડ’ના શીર્ષકથી પોતાનાં સંસ્મરણો તેમણે આલેખ્યાં છે. વિચારોના મુક્ત આદાનપ્રદાનનો લય વર્તમાન સમયમાં સતત ખોરવાતો જણાઈ રહ્યો છે અને વ્યક્તિકેન્દ્રીપણાની બોલબાલા વધતી રહી છે, ત્યારે રજની કોઠારીનું પ્રદાન વિશેષ મહત્ત્વનું બની રહે છે.                                               

e.mail : bakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2015, પૃ. 11-12

Loading

...102030...3,8113,8123,8133,814...3,8203,8303,840...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved