સેક્શન ૧૨૪ (એ) : માત્ર સર્ક્્યુલર જ નહીં, સમૂળગો કાયદો રદ કરવો જોઈએ
૧૨૪ (એ) સો વર્ષથી કાયદાપોથીમાં છે અને શાસકો એને ક્યારે ય ભૂલ્યા નથી. લોકમાન્ય ટિળકથી લઈને અણ્ણાના આંદોલન વખતે કાટૂર્ન ચીતરનારા અસીમ ત્રિવેદી સુધી અસંખ્ય લોકોને સતાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો પછી નવેસરથી સર્ક્યુલર કાઢવાની જરૂર કેમ પડી?
૧૯૨૨ની ૧૮ માર્ચનો દિવસ ભારતના ઇતિહાસમાં અવિસ્મરણીય માનવામાં આવે છે. ‘યંગ ઇન્ડિયા’ના તંત્રી તરીકે ગાંધીજીને અને પ્રકાશક તરીકે શંકરલાલ બૅન્કરને આર. એસ. બ્રૂમફીલ્ડની અદાલતમાં ઊભા રાખવામાં આવ્યા હતા. તેમની સામે ભારતીય દંડ સહિતાના સેક્શન ૧૨૪ (એ) હેઠળ રાજ્યદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને ગાંધીજીને જો કોઈ બચાવ કરવો હોય તો કરવાની જજે તક આપી હતી.
ભારતીય દંડ સંહિતાનો મૂળ કાયદો ૧૮૭૦માં ઘડાયો હતો જેમાં રાજ્યદ્રોહનો કોઈ ઉલ્લેખ નહોતો. ૧૮૯૮માં ૧૨૪માં (એ)નો ઉમેરો કરીને રાજ્યદ્રોહને ગુનો બનાવામાં આવ્યો હતો. રાજ્યદ્રોહ માટે અંગ્રેજી શબ્દ સિડિશન છે. કાયદામાં કહેવામાં આવ્યું છે કે શાસકો અને શાસનવ્યવસ્થા (ગવર્નમેન્ટ એસ્ટૅબ્લિશ્ડ બાય લૉ ઇન ઇન્ડિયા) સામે કુપ્રચાર કરવો, નિંદા કરવી, ધિક્કાર ફેલાવવો કે પછી શાસકો તરફનો લોકોનો ભાવ કે આદર ઘટે એવો પ્રચાર કરવો એ રાજ્યદ્રોહ છે. રાજ્યદ્રોહની પ્રવૃત્તિ ગમે એ રીતે કરી હોય; લખીને, બોલીને, પ્રતીકો ચીતરીને, અભિનય કરીને, સંકેતો દ્વારા કે પછી બીજી કોઈ રીતે; રાજ્યના આવા ગુનેગારો આજીવન કારાવાસ અને દંડ સુધીની સજાને પાત્ર ગણાશે.
ગાંધીજીએ પોતાના સામાયિક ‘યંગ ઇન્ડિયા’માં સરકારની ટીકા કરી હતી એટલે અંગ્રેજ સરકારે તેમના પર રાજ્યદ્રોહનો આરોપ મૂક્યો હતો. યાદ રહે કે જે કાયદો છે એ રાજ્યદ્રોહ માટેનો છે, દેશદ્રોહ માટેનો નથી. સિડિશનનો અર્થ રાજ્યદ્રોહ થાય છે, દેશદ્રોહ નથી થતો. અંગ્રેજોને દેશ સાથે સંબંધ નહોતો એટલે કોઈ ભારતનો દ્રોહ કરે કે પ્રેમ કરે એની સાથે તેમને કોઈ નિસબત નહોતી. તેમની નિસબત ભારત પરના અંગ્રેજી રાજ્ય સાથે હતી એટલે રાજ્યદ્રોહને તેમણે ગુનો ઠરાવ્યો હતો. અમદાવાદની સેશન્સ ર્કોટના જજ બ્રૂમફીલ્ડ બહુ ભલા માણસ હતા. તેઓ ઇચ્છતા હતા કે ગાંધીજી પોતાના બચાવમાં બે દલીલ કરે તો સજા ઓછી કરી શકાય. તેમના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીએ ગુનો કબૂલી લીધો હતો અને કહ્યું હતું કે જો સજા થશે તો મુક્ત થયા પછી એ ગુનો જો જરૂરી લાગશે તો તેઓ વારંવાર કરશે. ગાંધીજીએ રાજ્યદ્રોહના કાયદાને પ્રજાના દમન માટે સરકારે ઘડેલા કાયદાઓમાં પ્રિન્સ સમાન ગણાવ્યો હતો. રહી વાત શાસકો માટેના લોકોના ભાવ કે આદરની. તો એ કોઈ એવી જણસ નથી કે કાયદાઓ ઘડીને એનું ઉત્પાદન કરી શકાય. ગાંધીજીના શબ્દોમાં : Affection cannot be manufactured or regulated by law.
અમદાવાદની અદાલતમાં ગાંધીજી સામે ચાલેલા ખટલાને ઍથેન્સમાં સૉક્રેટિસ સામે ચાલેલા ખટલાની સાથે સરખાવવામાં આવે છે. બન્ને ઘટનામાં રાજ્યના દમન સામે અદના માણસના પ્રતિકારની અવિસ્મરણીય દાસ્તાન નજરે પડે છે. જજ બ્રૂમફીલ્ડે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ભારતીયોની નજરે તમે (ગાંધીજી) મહાન ભારતીય અને પરમ દેશભક્ત છો એનો કોઈ અસ્વીકાર કરી શકે નહીં, પરંતુ કાયદાની નજરે તમે ગુનેગાર છો એટલે હું લાચાર છું અને સજા કરવી પડે એમ છે. જો સરકાર તમને કરવામાં આવેલી સજામાં ઘટાડો કરશે તો ખાતરી રાખજો કે તમારા દેશવાસીઓ કરતાં પણ વધુ આનંદ મને થશે. બ્રિટિશ જજ બ્રૂમફીલ્ડને ગાંધીજીને સજા કરતાં દુ:ખ થયું હતું, પરંતુ દુ:ખની વાત એ છે કે આપણા શાસકોને આઝાદી પછી આટલાં વર્ષે પણ ભારતના નાગરિકોને રાજ્યદ્રોહની સજા કરવામાં આનંદ આવે છે. અંગ્રેજો કરતાં આપણા શાસકો એક ડગલું આગળ વધ્યા છે. તેમણે રાજ્યદ્રોહને દેશદ્રોહ સમાન માની લીધો છે. કિંગ એડ્વર્ડ ઇઝ ઇન્ડિયા ઍન્ડ ઇન્ડિયા ઇઝ એડ્વર્ડ એવું અંગ્રેજોએ નહોતું કહ્યું, પરંતુ ઇન્ડિયા ઇઝ ઇન્દિરા ઍન્ડ ઇન્દિરા ઇઝ ઇન્ડિયા કે ઇન્ડિયા ઇઝ મોદી ઍન્ડ મોદી ઇઝ ઇન્ડિયા એમ કહેવામાં આવી રહ્યું છે. પોતાને જ રાષ્ટ્ર માનવાની વિકૃતિ હવે રાજ્યો સુધી વકરી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર ઇઝ ફડણવીસ ઍન્ડ ફડણવીસ ઇઝ મહારાષ્ટ્ર એમ સમજતા હોય એમ લાગે છે. મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં એક સર્ક્યુલર બહાર પાડ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારની બદનામી કરનારાઓ સામે અને શાસકો સામે દુર્ભાવ ફેલાવનારા લોકો સામે સેક્શન ૧૨૪ (એ) હેઠળ ગુનો નોંધીને સજા કરવામાં આવે.
ભલા ભાઈ, આવો કાયદો તો સો વર્ષથી કાયદાપોથીમાં છે અને શાસકો એને ક્યારે ય ભૂલ્યા નથી. લોકમાન્ય ટિળકથી લઈને અણ્ણાના આંદોલન વખતે કાર્ટૂન ચીતરનારા અસીમ ત્રિવેદી કે પછી કલકત્તાની જાદવપુર યુનિવર્સિટીના પ્રાધ્યાપક અંબીકેશ મહાપાત્ર સુધી અસંખ્ય લોકોને સતાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો પછી નવેસરથી સર્ક્યુલર કાઢવાની જરૂર કેમ પડી? લઘુતાગ્રંથિ ધરાવનારા વામણાઓ પોતાની જાતને ખાતરી કરાવવા માગે છે કે તેઓ શાસક છે. આ તેમની શાસક હોવાપણાની ખાતરી માટે છે. યશવંતરાવ ચવાણને કાયદાપોથીમાં પડેલા ગુલામીયુગીન કાયદાની યાદ નહોતી આવી, કારણ કે તેમને શાસન કરતાં આવડતું હતું. તેઓ જ્યારે મોઢું ખોલતા ત્યારે નવી વાત કહેતા અને મહારાષ્ટ્ર એક ડગલું આગળ જતું. બિનજરૂરી બોલવું, સામેવાળાને એની જરૂરિયાત જેટલું પણ ન બોલવા દેવું અને એ પછી પણ જો એ બોલે તો બને ત્યાં સુધી ન સાંભળવું અને જો સાંભળવું પડે તો દંડવા એ અસલામતી ધરાવતાં નિર્બળ શાસકના લક્ષણો છે.
મારા એક મિત્ર કહે છે કે બંધારણ ઘડનારાઓએ કોઈ કામ જ નથી કર્યું, આગલા અંગ્રેજોના જમાનાના કાયદાઓ એમ ને એમ ચકાસ્યા વિના આમેજ કરી લીધા છે. આ આરોપ ખોટો છે. જો દરેક કાયદો ચકાસવા બેસત તો ભારતનું બંધારણ દસ વર્ષે પણ ન ઘડાયું હોત. બંધારણ ઘડનારાઓએ સર્વોચ્ચ અદાલતને અધિકાર આપ્યો છે કે ભારતના બંધારણના આત્મા(સ્પિરિટ)ની વિરુદ્ધ જતા કાયદાઓને રદ કરવામાં આવે. સર્વોચ્ચ અદાલતે આ કરવું જોઈતું હતું. ૧૯૫૯માં અલાહાબાદની વડી અદાલતે રામનંદન વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકારના ખટલામાં સેક્શન ૧૨૪ (એ)ને બંધારણ-વિસંગત (અલ્ટ્રા-વાયર્સ) ઠરાવ્યો હતો, પરંતુ સર્વોચ્ચ અદાલતે ૧૯૬૨માં કેદારનાથ વિરુદ્ધ બિહાર સરકારના કેસમાં સેક્શન ૧૨૪ (એ)ને બંધારણ-સુસંગત (ઇન્ટ્રા-વાયર્સ) ઠરાવ્યો હતો. બે વર્ષ પહેલાં સેક્શન ૩૭૭ની બાબતમાં સર્વોચ્ચ અદાલતે દિલ્હીની વડી અદાલતના પ્રગતિશીલ ચુકાદાને ઊલટાવ્યો હતો એ યાદ હશે. જવાહરલાલ નેહરુએ આ સેક્શનને રદ કરવાનું કહ્યું હતું, પરંતુ તેઓ રદ કરી શક્યા નહોતા અને હવેના શાસકોને તો એ રદ કરવામાં રસ પણ નથી.
http://www.gujaratimidday.com/features/columns/section-124-a
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કૉલમ, “ગુજરાતી મિડ-ડે”, 10 સપ્ટેમ્બર 2015
![]()


પત્રકારત્વના સઘળા ઇતિહાસ ઉપર નજર નાખવાથી ખ્યાલ આવે છે કે, સામાન્ય રીતે કોઈ પણ સુચારુ પત્રકારત્વ એ સર્વોદયનું પત્રકારત્વ છે. કોઈ પણ સાચો પત્રકાર એટલું તો માનશે જ કે, પોતાની બાબતમાં મારા અને તારાનો ભેદ કરવાના હોય નહિ. સાચી સેવાશીલ વ્યક્તિ કોઈના પણ દુઃખ-દદર્ની સામે આંખમીંચામણાં ન કરી શકે. જો પત્રકારત્વને એક સેવા ગણીએ તો પત્રકાર એક સેવક ગણાય. સેવક એટલે કે એ વ્યક્તિ જેની પાસે એવી કોઈ ઉપલબ્ધિનું સાધન નથી, પરંતુ તેનું પોતાનું સાધ્ય છે. સેવા મારફતે નથી તેને કીર્તિ જોઈતી, નહિ પદ કે નહિ પૈસા. પત્રકાર પણ એક રીતે સેવક છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, પૂર, ભયંકર રોગચાળા, રાજનૈતિક ઊથલપાથલ, દલિત અને શોષિતોનો ઉદ્ધાર, શિક્ષણમાં જાગરણ વગેરે કોઈ પણ પ્રશ્નને લઈએ, બધા જ પ્રશ્નો પત્રકારત્વની સાથે જોડાયેલા છે. આવા અર્થમાં આપણે એમ કહી શકીએ કે, પત્રકાર તો એક સેવક છે, જેને સમગ્ર માનવતા તરફ એવી રીતે જાગ્રત અને સંવેદનશીલ રહેવું પડે છે, જેવી રીતે કોઈ માતાને તેના નાના બાળક પાછળ રહેવું પડે છે. માતાનું ક્ષેત્ર નાનું અને મર્યાદિત છે, જ્યારે પત્રકારનું વિશાળ અને વ્યાપક. સાચા પત્રકારે આ માટે કાયમ જાગતા રહીને જ્યાં જે રીતનું કષ્ટ હોય, ત્યાં શરીર અને મનથી હાજર રહેવું પડે છે.
પત્રકારત્વ પણ એમના માટે એક સત્યની ખોજ હતી. પત્રકારત્વ અને મુદ્રણના ક્ષેત્રમાં વિલ્હેમ સ્ટીડ લગભગ શરૂઆતના અને ખાસ્સી પ્રતિષ્ઠિત વ્યક્તિ થઈ ગયા. તેઓએ કીધું છે કે, ‘‘ખબર દેવામાં સબરનો સહારો લો, અને ખબર પર પોતાનો ખ્યાલ રજૂ કરતા મનમાં કોઈ પ્રકારનો હિચકિચાટ ન રાખો.’’ આ શબ્દોને અમે સારા પત્રકારત્વની સાથે સાથે સર્વોદય પત્રકારત્વનાં બ્રહ્મવાક્યો પણ કહી શકીએ.
શસ્ત્રબળને બદલે શાસનનો મુકાબલો નિર્ભય-સત્યના ઉચ્ચારણથી જ થઈ શકે છે. ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપીનિયન’ના માધ્યમથી સર્વોદય-પત્રકારત્વની આ દૃષ્ટિ ૧૯૦૩માં જ આપણી સામે રાખી છે. ‘ઇન્ડિયન ઓપીનિયન’નો પહેલો અંક ૪ જૂન ૧૯૦૩માં નીકળ્યો અને એ પણ ત્યારે, જ્યારે તેઓએ એક પ્રેસ પણ શરૂ કર્યું. સમયસર પત્ર કાઢવા માટે પોતાનું પ્રેસ હોય તેવી વાત ગાંધીજી ચોક્કસપણે માનતા હતા. પ્રેસ નાખતા પહેલાં ગાંધીજીએ થોડું કંપોજિંગ પણ શીખી લીધું હતું અને પ્રેસમાં જે માણસોને રાખ્યા તેમાં પોતાના સહાયક સંપાદકથી લઈને દરેક સાથીને છપાઈકામ શીખવા માટે ઉત્સાહિત કર્યા હતા. મનસુખલાલ નાઝર સંપાદક અને મદનજીત ગાંધીજીના સહાયક સંપાદક હતા. મદનજીત મુંબઈના રહેવાસી હતા અને દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની સાથે રાજનૈતિક ક્ષેત્રમાં પણ તેઓએ કામ કર્યું હતું. અખબારના ઉદ્દેશો સ્પષ્ટ કરતા ગાંધીજીએ લખ્યું, ‘‘અખબારની નીતિ આ ઉપમહાદ્વીપમાં ભારતીયોનાં હિતોને લોકોની સામે પ્રગટ કરવાની છે, પરંતુ અમે કહી દેવા માગીએ છીએ કે અખબાર ફક્ત ભારતીય સમાજના અધિકારોની જ વાત નહીં કરે, તે એક મોટા અને વિશાળ સામ્રાજ્યમાં તેઓનાં શું કર્તવ્યો છે, તે દર્શાવવામાં પણ કોઈ જાતની આનાકાની નહિ કરે. અખબાર એ વાતની પૂરેપૂરી કોશિશ કરશે કે નિયતિએ જ્યારે બે મહાન જાતિઓને એક ઝંડા નીચે ઊભી કરી દીધી છે તો તેઓ એકબીજાના હિત અને સન્માનની રક્ષા કરતા કરતા, પોત-પોતાનો વિકાસ એવી રીતે કરે કે આખી માનવજાત લાભાન્વિત થઈ શકે.
‘ઇન્ડિયન ઓપીનિયન’ અન્ય ભાષાઓની સાથેસાથે હિન્દીનું પહેલું વિચારપત્ર હતું. ત્યાર પછી ગાંધીજીના માર્ગદર્શનમાં જેઓએ પત્રકારત્વને સમજ્યું, તેઓએ લગભગ આ જ બધા સિદ્ધાંતોને પોતાની સામે રાખ્યા. સાપ્તાહિકપત્ર સમાચારને બદલે વિચાર ઉપર વધારે જોર આપે છે. તે જે સમાચારો ઉપર જોર આપે છે એ સમાચાર પણ મોટેભાગે કાં તો પોતાના ઉદ્દેશને અનુકૂળ અથવા ઉદ્દેશથી એકદમ વિરુદ્ધમાં જનારા સમાચાર હોય છે. કુતૂહલ, મનોરંજન અથવા ફક્ત હાસ્યવાળા વિચાર-પત્રોની સાથે ખાસ કરીને સર્વોદય વિચાર-પત્રોની સાથે મેળ નથી પડતો. વ્યંગનું તેમાં સ્થાન છે. પછીથી થોડાં સર્વોદય વિચાર-પત્રોએ વ્યંગને પોતાને ત્યાં કાયમી સ્તંભ તરીકે સ્વીકાર્યા – જેવી રીતે સેવાગ્રામ આશ્રમથી પ્રકાશિત ‘સર્વોદય’ માસિક, અને પહેલાં વારાણસી અને પછી દિલ્હીથી સાપ્તાહિક પત્ર ‘ભૂદાનયજ્ઞ’. ગાંધીજી આ વાતની તપાસ-જાણકારી પણ રાખતા હતા કે, ભારતના હિંદી છાપામાં એવી કેવી સામગ્રી છપાઈ રહી છે કે, જેનો ઉપયોગ દક્ષિણ આફ્રિકાના ભારતીયોની નૈતિક તથા ધાર્મિક ભાવનાઓને સચેત કરવા માટેની દૃષ્ટિથી કરવામાં આવતો હોય. કોઈ એક અંકમાં શ્રીરામ નરેશ ત્રિપાઠીની ‘સરસ્વતી’માંથી ઉદ્ધૃત ‘રામ’ કવિતા પણ પ્રકાશિત કરવામાં આવી હતી. આ જાણકારી બે વાતો સૂચિત કરે છે. એક તો એ કે ગાંધીજી ભારતમાં પ્રકાશિત થતી હિંદી પત્ર-પત્રિકાઓ ઉપર નજર નાખ્યા કરતા હતા, અને બીજી એ કે તેઓ ત્યાંથી એવી બાબતો જ ઉપાડતા હતા, જે ભારતવાસીઓને નૈતિક રૂપથી ઉપર ઉઠાવવામાં સમર્થ હોઈ શકે. શ્રીરામ નરેશ ત્રિપાઠીની આ કવિતાને ઉદ્ધૃત કર્યા પછી ગાંધીજીએ તેમની સાથે જીવનભર વ્યક્તિગત સંબંધ જાળવી રાખેલ – આ એમની લોકસંગ્રહ વૃત્તિને ઉજાગર કરે છે. તેઓ વિભિન્ન કામોમાં સહયોગ મેળવવાની દૃષ્ટિથી કાયમ લોકોની શોધમાં રહેતા હતા. એક સારા સંપાદકની માફક સારા લેખકો સાથે સંબંધ જોડાયા પછી શક્ય પ્રયાસે તૂટવા દેતા નહિ.
એ દિવસોમાં માસિક પત્રિકાઓમાં, વર્ધાથી કાઢવામાં આવતા ‘સર્વોદય’ની વિશેષ પ્રતિષ્ઠા હતી. ‘સર્વોદય’ માસિક ઓગસ્ટ ૧૯૩૮માં સેવાગ્રામ આશ્રમથી પ્રકાશિત થયું. તેના સંપાદકો હતા કાકાસાહેબ અને દાદા ધર્માધિકારી. આ માસિક ઓગસ્ટ-૧૯૪૨ એટલે કે ‘ભારત છોડો આંદોલન’ની શરૂઆત સુધી એકધારું નીકળતું રહ્યું, અને તેમાં નાની નાની ટિપ્પણીઓ તેમ જ સંપાદકીય, ઉપરાંત સર્વોદય પરિવારનાં જુદાં જુદાં ઘટકો સરળ અને સુવાચ્ય ભાષામાં અપાતાં રહ્યાં હતાં. તેના લેખકો પણ ખાસ કરીને ગાંધીવિચારના જાણકાર જ રહેતા. ક્યારેક ક્યારેક તેમાં અન્ય ભારતીય ભાષાઓના પ્રસિદ્ધ વિચારકોના લેખોના અનુવાદ પણ પ્રકાશિત કરવામાં આવતા હતા. આચાર્ય ભાગવત, જાવડેકર, આશાદેવી આર્યનાયકમ, અન્નાસાહેબ, સહસ્રબુદ્ધે, શ્રીધર ધોત્રે, અને દ્વારિકાનાથ લેલે જેવા જુદાં જુદાં રચનાત્મક ક્ષેત્રોમાં કામ કરવાવાળી વ્યક્તિઓના લેખો પણ તેમાં પ્રકાશિત થતા હતા.
હૈદરાબાદથી પાછા ફરતા ૧૮ એપ્રિલ ૧૯૫૧ના રોજ વિનોબા પોચમપલ્લી નામના ગામમાં પહોંચ્યા. ત્યાં સાંજના તેઓએ રાબેતા મુજબ સભા કરી. આ ગામ સામ્યવાદીઓનો ગઢ હતો. સભા પૂરી થતા થોડા લોકોએ ઊભા થઈને જણાવ્યું કે, અમને લોકોને જમીન અપાવો. જમીન અપાવવા માટેનું હિંસક આંદોલન વિનોબાની ચિંતાનો વિષય બનેલો જ હતો. તેઓ તેનો પ્રતિકાર તો પ્રેમપૂર્વક જમીન અપાવીને જ કરી શકે તેમ હતા. આ માટે તેઓએ સભામાં ભેગા થયેલા લોકોને પૂછ્યું, અહીં કોઈ એવી વ્યક્તિ નથી જે પોતાની ઇચ્છાથી ભૂમિહીનોને જમીન આપી શકે ? વિનોબાએ ૮૦ એકર જમીનની માંગણી આ સભામાં ઊભી કરી. વિનોબાનું એટલું જ કહેવાનું હતું. ત્યાં તો એક લાંબા ખડતલ શરીર ભવ્ય આકૃતિવાળા યુવાને ઊભા થઈને જણાવ્યુ કે હું હરિજનભાઈઓને ૫૦ એકર તૈયાર જમીન અને ૫૦ એકર પડતર જમીન આપી શકું છું. બસ ! અહીંથી જ ભૂદાનગંગાનો સ્રોત ફૂટી નીકળ્યો. આ અહિંસક ક્રાંતિને દેશભરમાં ફેલાવવાને માટે જુદી જુદી જગ્યાઓથી સર્વોદયવિચારની પોષક વ્યક્તિઓ અને સંસ્થાઓએ અખબાર-પત્રિકઓ કાઢવાનું શરૂ કરી દીધુ. દેશના બધા રાજ્યોની ભાષાઓમાં પત્રિકાઓ નીકળી. બધાથી વધારે પત્રિકાઓ કદાચ હિંદીમાં જ નીકળી. આમાં સર્વ સેવા સંઘ વારાણસીથી પ્રકાશિત પત્રિકા ‘ભૂદાનયજ્ઞ’એ સૌથી વધારે જહેમતથી આ વિચારને ફેલાવ્યો. આ પત્રિકાએ આચાર્ય રામમૂર્તિ જેવા સંપાદક અને નારાયણ દેસાઈ અને પ્રભાષ જોષી, કુમાર પ્રશાંત, શ્રવણકુમાર વગેરે પત્રકારો પણ હિંદી જગતને આપ્યા.