Opinion Magazine
Number of visits: 9552385
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લંડનની રંગભૂમિ : પ્રેક્ષક, ગુણવત્તાની દૃષ્ટિએ ટોચે

સનત મહેતા|Opinion - Opinion|2 April 2015

વિશ્વરંગભૂમિ દિવસ 2015 : લંડનનું થિયેટર વિશ્વરંગભૂમિને જીવંત રાખે છે અને નવી દિશાઓ ખોલે છે

27મી માર્ચે, ગયા સપ્તાહમાં વિશ્વરંગભૂમિ દિવસ ગયો – ગુજરાતમાં પણ ક્યાંક ઉજવાયો. ગુજરાતી રંગભૂમિ કાયમ એક પ્રશ્ન અનાદિકાળથી ઉઠાવે છે કે, મુંબઈમાં ગુજરાતી નાટકોને જે પ્રમાણમાં પ્રેક્ષકોનો સહકાર અને પેટ્રોનેજ મળે એ ગુજરાતના અમદાવાદ, વડોદરા કે સુરતમાં કેમ મળતો નથી! જોકે સ્વ. ચં.ચી. મહેતાને મેં એવું કહેતા સાંભળ્યા છે કે, “ગુજરાત પાસે વેપાર છે. પૈસા છે, પછી રંગભૂમિની શું જરૂરત છે? પણ ગુજરાતમાં રંગભૂમિને પ્રેક્ષકો – પ્રેટ્રોનેજ સાવ મળતા નથી એવું પણ નથી. સરિતાના “સંતુ રંગીલી” અને ઉપેન્દ્ર ત્રિવેદીના એક બે નાટકોને ઘણો સાથ સહકાર ગુજરાતમાં જ મળ્યો છે. ભારતમાં બંગાળ અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોને પોતાની રંગભૂમિ છે. બીજા રાજ્યોમાં ખાસ કરીને ગુજરાતમાં મોટાગજાના નિર્માતા અને અભિનેતાઓ છે, પણ એમને પ્રજાકીય સંગાથ મોળો મળે છે.

વિશ્વની રંગભૂમિની કેટલીક બાબતો જાણવા જેવી છે. 1960ના ગાળામાં હું અમેરિકાના કેમ્બ્રિજમાં હતો. ત્યાંના લોકો ગર્વથી એવું કહેતા કે, લંડનમાં ‘હિટ’ ગયેલું નાટક બીજે ક્યાં ય નહીં પણ લંડન બહાર સૌથી પહેલાં અહીં કેમ્બ્રિજમાં જ આવે છે. નાટકના તંતુના જોડાણની કથનીઓ જાણવા સમજવા જેવી છે. અત્યારે વિશ્વમાં થિયેટરના બે મોટા કેન્દ્રો છે. લંડન અને ન્યૂયોર્ક. ન્યૂયોર્ક ઘણો સમય શીખર પર રહ્યું, પણ 2012-13માં લંડને ન્યૂયોર્કને પાછળ ધકેલી દીધું છે. લંડનના દૈનિકોમાં રંગભૂમિ વિષે જે દૈનિક માહિતી રોજ પ્રસિદ્ધ થાય છે એ જોઈએ તો આપણને ખબર પડે છે કેટલાક નાટક વરસથી પણ વધુ સમય સુધી કે વધારે ભજવાતા રહ્યા હોય છે. એવું આપણે ત્યાં તો ક્યારેક જ જોવા મળે છે.

લંડનના નાટક અને થિયેટર વિષે એક વિસ્તૃત અહેવાલ ‘સ્ટેજ’ સામયિકના તંત્રી એલિસ્ટર સ્મિથે ઘણી જહેમત પછી પ્રસિદ્ધ કર્યો. વિશ્વ રંગભૂમિનો એક અગત્યનો દસ્તાવેજ સહુ કોઈ જાણે એ હેતુથી એની કેટલીક વિગતો આપી છે. લંડન એકલામાં વ્યાવસાયિક થિયેટરો જ્યાં માત્ર નાટક-ઓપેરા જ ભજવાય છે તેની કુલ પ્રેક્ષક બેઠકની સંખ્યા 1,10,000 છે. 2012-13ના વર્ષમાં 220 લાખ પ્રેક્ષકોએ લંડનના થિયેટરમાં નાટક નિહાળ્યા અને આ વર્ષમાં બોકસ ઓફિસે કુલ કમાણી 61.85 કરોડ પાઉન્ડની કરી. 2012-13માં લંડનના ટિકટનો સરેરાશ દર 27.66 પાઉન્ડ રહ્યો, જે 2011-12ની તુલનામાં 3.7 ટકા ઘટવા પામ્યો હતો. અઠવાડિયાના સાતે સાત દિવસ નાટક ભજવાતા હોય એમ માનીએ તો રોજના 60,000 પ્રેક્ષકો નાટક કે ઓપેરા જુએ છે. તમે પ્રવાસીની ઋતુ સમયે લંડનમાં હો તો પ્રવાસે આવેલા પ્રવાસીઓ થિયેટરોમાં ઉભરાતા જોવા મળે! લાગે છે, શેકસપિયરનો જન્મ ઈંગ્લેન્ડમાં એટલે જ થયો હશે!

લંડનના થિયેટરની સૌથી મોટી ખૂબી એ છે કે, આ થિયેટરોમાં વ્યાપારિક અને પ્રયોગાત્મક નાટકોનું અદ્દભુત મિશ્રણ જોવા મળે છે. પ્રયોગાત્મક રંગભૂમિ એ નફો કમાવાની નથી. આવું સમન્વય વિશ્વમાં લંડન સિવાય ક્યાં ય જોવા મળતું નથી. 2013માં જ્યારે લંડનના નાટકના પ્રેક્ષકોની સંખ્યા ન્યૂયોર્કને વટાવી ગઈ ત્યારના સમયગાળાને લંડન એનો સુવર્ણયુગ માને છે. કારણ આ સંખ્યા બતાવે છે કે, લંડનમાં નાટકો જોનાર પ્રેક્ષકો સિનેમા જોનાર કરતાં વધુ છે. આ અહેવાલે એ હકીકતને બહાર આણી છે કે, વિશ્વભરમાં પારિતોષિક મેળવનાર નાટકો લંડને વધુ આપ્યા છે. લંડનના થિયેટરની ખૂબી એ છે કે, આ થિયેટરોમાં 30 બેઠકોના પબ થિયેટરથી માંડી ‘વેસ્ટ એન્ડ’ જેવા ઐતિહાસિક થિયેટરનો સમાવેશ થાય છે. ખામી એક જ છે કે, ઘણા થિયેટરો એટલા જૂના થઈ ગયા છે કે, હવે મોટા રોકાણની રાહમાં છે. 2013માં એપોલો થિયેટરની છત તૂટી પડ્યા પછી આ વાત વધુ મહત્ત્વની બની છે. થિયેટર પ્રેમીને પણ અકસ્માતનો ભય તો હોય જ ને? લંડનના કેટલાક મોટા અને જાણીતા થિયેટરો પણ જર્જરીત થયા છે. મોટાભાગના એટલા જૂના છે કે, અસંખ્ય પગથિયા ચડી ગેલેરીમાં પહોંચવું પડે. એવા જૂના અને એવી મોખરાની જગાએ આજે પણ લિફટ બેસાડવી લગભગ અશક્ય છે.

આ નાટયઘરો 3000 કલાકાર અને 6000 અન્યને થિયેટરને લગતી કામગીરીમાં પૂરો સમય પોષે છે. આમાં મોટા નાટયગૃહો અને મોટા મ્યુિઝકલ થિયેટર છે, પણ બે ઓપેરા હાઉસીઝ અને શેકસપિયરનું ગ્લોબ થિયેટર અસામાન્ય મહત્ત્વ ધરાવે છે. આ બે ડઝન નાટયગૃહો 900 કલાકારો અને કુલ આવકના 35 ટકા કમાય છે. આટલા બધા વૈવિધ્ય અને પ્રેક્ષકો મળવા છતાં કોઈ પણ નાટકને એક વાર એક નાટકગૃહમાં રજૂ કર્યા પછી એ નાટયગૃહ સિવાય બીજે લઈ જવાનું જરૂરી અને લાભદાયી હોવા છતાં લંડનમાં નિર્માતાઓ માટે શકય નથી બનતું. કારણ કે બીજું નાટયગૃહ મળવું લગભગ અશક્ય છે. 241 થિયેટરોમાંથી 85 ટકા લંડનના મધ્યમાં છે. જ્યારે એકલા વેસ્ટ મિન્સ્ટર વિસ્તારમાં 39 ટકા બેઠકોવાળા 53 થિયેટરો આવેલા છે. લંડનના થિયેટરોમાં રોજ ભજવાતા નાટકો વિશ્વના નામી નાટય લેખકોના લખેલા અને નાટકના ઇતિહાસમાં વિશ્વરંગભૂમિનું સાચું પ્રતિનિધિત્વ ધરાવતા હોય છે. ટૂંકમાં, લંડનનું થિયેટર વિશ્વરંગભૂમિને જીવંત રાખે છે અને નવી દિશાઓ ખોલે છે. શેકસપિયરને એણે અમરત્વ અર્પ્યું છે.

લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 02 અૅપ્રિલ 2015

Loading

લોકાયની નારાયણ દેસાઈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 April 2015

જોવા સાંભળવા મળવાનું તો મોડેથી થયું, પણ ઉમાશંકરે એમના છડા દિવસોમાં ‘સંસ્કૃિત’માં વેડછી મુલાકાતની ને ‘વહાલુડી વેડછી’માં બે તરુણ શિક્ષકો – નારાયણ અને મોહન-ની જિકર કરી હતી તે પ્રથમ પરિચય : વેડછીના આ શિક્ષકને એમના આયુષ્યના અંતિમ પર્વમાં કુલપતિ નારાયણ દેસાઈરૂપે મળવાનું નિરમાયું હશે, એની તો પેલા બાળકિશોર વાચકને ક્યાંથી ખબર હોય.

આ જે એમનું અંતિમ પર્વ એ જો વિદ્યાપીઠના કુલપતિની હેસિયતથી યુ.જી.સી. બંધનો વચ્ચે સ્વાયત્તતાના યથાસંભવ પુનઃઆવાહ્નપૂર્વ ૨૦૨૦નાં શતાબ્દી વર્ષની સાર્થક ઉજવણી ભણીની આરતભરી મથામણનું બની રહ્યું તો એ જ સમયગાળો પાછો ગાંધીકથાના માધ્યમથી ગુજરાતની ભાવભૂમિને, દૂઝતે જખમે નવસાધ્ય કરવાની, આરઝૂભરી, કહો કે લોકાયની, ચર્યાનોયે બની રહ્યો.

૨૦૦૨ના અંતરધક્કે મહેન્દ્ર મેઘાણી જો ગાંધીના નવાખલી-બિહાર-દિલ્હીએ અંતિમ દિવસોની આંસુલૂછ દાસ્તાં લોકમોઝાર લઈ આવ્યા તો નારાયણભાઈ તો આખીને આખી ગાંધીકથા કહેતે લોકાયનીરૂપે ઉભર્યા અને ૨૦૦૨ના મહાપાતક સંદર્ભે કથાનિમિત્ત તેમ પરિષદ પ્રમુખપદ હર વ્યાસપીઠ પરથી ભાવનાસિક્ત એટલી જ સમજસાફ ભૂમિકાથી ખૂલીને બોલ્યા. આ સંદર્ભમાં વિશિષ્ટ સંજોગોમાં સાહિત્ય પરિષદના પ્રમુખપદે એમને ઇચ્છવાની નિરીક્ષકની જાહેર પહેલ તેમ એમ.એસ.ડી. (સેક્યુલર લોકશાહી આંદોલન) સાથે પણ એમનું જે સંધાન રહ્યું તે સહજ સાંભરે છે. સરળભોળી માનવતા કે સર્વકાર્ય સમભાવમાત્રથી આગળ જતી આ સમજ કાંટેકોર બિનસાંપ્રદાયિકતાએ સંમાર્જિત હતી.
એક રીતે, એમનું આ સ્ટૅન્ડ બિહાર આંદોલનોની યાદ તાજી કરનારું હતું કે સર્વોદય સમજને જેઓ સુષ્ઠુ સુષ્ઠુ વાતોનો વિષય માને છે એમણે એક આહ્લાદક આઘાત સારુ તૈયાર રહેવાની આ ઘડી છે. સમજની રીતે ત્યારે ગાધીવિનોબા વચ્ચે કંઈ વહેંચાયેલા સૌની ચેતનાને જાણે કે જગાડતો, ગાંધી ભણી પુનઃ પુનઃ લઈ જતો એવો એક સમો જયપ્રકાશે એ દિવસોમાં દેશજનતા જોગ બાંધ્યો હતો.

ગાંધી-વિનોબા-જયપ્રકાશ ત્રણેનાં સ્નેહભાજન અને સાથી નારાયણ દેસાઈ માટે, કહેવું હોય તો કહી શકાય કે અભિનવ ગાંધીદીક્ષાનો અવસર હતો. જેમ પ્રેમ, તેમ ગાંધી પણ કમબખ્ત સતત નવસાધ્ય કરવો રહે છે. એક એવો જાલિમ છે એ જેને સંઘર્ષ અને રચનાના સાયુજ્ય વિના સોરવાતું નથી. નહીં કે નારાયણ દેસાઈને આની ખબર નહોતી. પણ હાડ મૂળે શિક્ષકનું : બે’ક વરસ પર વિદ્યાપીઠના નારાયણ દેસાઈ અને લોકસમિતિના ચુનીભાઈ વૈદ્ય બંને એકમંચ થયા, પદવીદાન સમારોહ નિમિત્તે, ત્યારે આંદોલન-પ્રબોધન કરતા ચુનીકાકાનાં દીક્ષાન્ત વચનો અને વિદ્યાપીઠે પ્રતિવર્ષે એકાદ આંદોલનમાં તો જોડાવું જ જોઈએ એવાં નારાયણભાઈનાં કુલપતિવચનો પેલા જાલિમ ખેંચાણની સાહેદી આપતાં હતાં. માત્ર, જયપ્રકાશોત્તર ગુજરાતને એનો પૂરા કદનો આંદોલનપુરુષ મળવાનું પ્રજાસૂય સમણું બાકી રહ્યું. જેની એક સંભાવના ગાંધી શતાબ્દી અને ૧૯૭૨ના વચગાળામાં ઇન્દુલાલ યાજ્ઞિક ને જયપ્રકાશ વચ્ચેની આપલેમાં રહેલી હતી, તેમાં પ્રબોધ ચોકસીનીયે ભૂમિકા હતી પણ ઇન્દુલાલ વહેલા ગયા અને જયપ્રકાશ રાષ્ટ્રીય ચિત્રમાં નવેસર ઊભર્યા ત્યારે પ્રબોધ ચોકસીની વિચાર રૂખ જુદી હતી એ હવે ઇતિહાસવસ્તુ છે.

જોવા મળવાનું થયું તે પૂર્વે, સહેજે સાઠ વરસ પર, એમનું પહેલું પુસ્તક વાંચવાનું બન્યું તે ભૂદાનયાત્રાની ડાયરીરૂપ હતું જેમાં ‘ગામ’ની સરળભોળી સમજમાં સેન્સસ બહાર રહી જતા કે સેન્સર થઈ જતા આખા ને આખા ‘વાસ’ની વાત હતી. આ જ ચર્ચા, પ્રકાશન્તરે, એમણે રણજિતરામ ચંદ્રક સ્વીકારતી વેળાએ પણ કરી હતી – ‘ફાવી ગયેલાઓ’ અને ‘રહી ગયેલાઓ’ની જિકર કરીને. ‘સબ ભૂમિ ગોપાલ કી’ના સૂત્ર માંહેલી માનવતા નર્યું ઊર્મિમાંદ્ય ન બની રહે એવી આ નિરીક્ષા હતી.

આકર ગાંધીચરિત્ર પછી આ લોકાયની બીજા કોઈ સ્થૂળ સંભારણાના મોહતાજ અલબત્ત નથી. સમય મળ્યો હોત અને આ ચરિત્રને એમનો ખુદનો લેખકીય જ નહીં સંપાદકી સંસ્પર્શ પણ એક વાર મળ્યો હોત તો સૌંદર્ય ઓર નિખર્યું હોત, સૌષ્ઠવે કરીને … અલબત્ત, આ તો એકબે કાળી ટીપકી, રૂપાળું છોકરું નજરાઈ ન જાય તે વાસ્તે.

પૂરી ઇનિંગ્ઝ રમીને ગયેલા ગરવા જણને કલ્યાણમૃત્યુ ટાંકણે વિદાયવંદના.                                

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2015; પૃ. 01

Loading

‘કર્મ કાફે’ની કેફિયત

હિંમત કાતરિયા|Opinion - Opinion|1 April 2015

મહિના પહેલાં ગાંધીજી દ્વારા સ્થાપિત પ્રકાશન સંસ્થા ‘નવજીવને’ એક નવતર પ્રયોગને લઈને પત્રકાર પરિષદ બોલાવી હતી. નવતર પ્રયોગ હતો નવજીવનના પરિસરમાં મુખ્યમંત્રીના હસ્તે 'કર્મ' કાફે ખોલવાનો. ગાંધીવાદી સંસ્થામાં આવતા લોકોનો ખચકાટ દૂર થાય અને ગાંધીવાદી સંસ્થા ફરી વાર લોકજીવનમાં કેન્દ્રનું સ્થાન લે એ માટેના આ પ્રયત્નો છે, જો કે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કઇંક જુદું બયાન કરે છે.

નવજીવનના નવા વિચારો અને જાહેરાતો આવકારદાયક હતાં. એમાં ય એક જાહેરાત તો મનને પ્રફુલ્લિત કરે તેવી હતી, જેમ કે કર્મ કાફેના વાચકોના રિફ્રેશમેન્ટ માટે કાફેમાં નાસ્તા અને ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા. સ્વૈચ્છિક રીતે કોઈને કંઈ રકમ આપવી હોય તો કાઉન્ટર ઉપર રાખેલા ડ્રોપ બોક્સમાં નાખી શકે. સોમથી શુક્રવાર કાફેમાં નાસ્તો અને શનિ-રવિ ગાંધીથાળી બનાવવામાં આવશે. રસોઈ ઓર્ગેનિક અને પૌષ્ટિક હશે.

અહીં નવજીવનની જાહેરાત અને હાલની વાસ્તવિકતા વચ્ચે દેખાઈ રહેલા અંતરની વાત કરવી છે. સામાન્ય રીતે આપણા સંસ્કાર અને ગાંધીજી પ્રત્યેના આદરના કારણે ગાંધી સંસ્થામાં કોઈ મફતમાં ચા-નાસ્તો કરીને ચાલતી પકડે એવું નહીં બનતું હોય, પણ 'નિઃશુલ્ક મળશે'ની જાહેરાત પછી જોવું રહ્યું કે ડ્રોપ બોક્સમાં કશી રકમ નાખ્યા વગર કોઈ નીકળી જાય તો? એવું કરતાં શોક લાગ્યો જ્યારે નવજીવનના દરવાજા બહાર આવીને કર્મ કાફેના કર્મચારીઓએ, 'બિલ ભરતા જાવ'ની બૂમ મારી! જે ચીજ નિઃશુલ્ક જાહેર થઈ હતી એનું બિલ શાનું? અને આમ જાહેરમાં બૂમો? સવાલનો જવાબ હતો, 'ખાવાનું નિઃશુલ્ક છે, પણ તમારે ડ્રોપ બોક્સમાં પૈસા નાખવા ફરજિયાત છે! ૬ મૂઠિયાંના પતીકાવાળી આ નાસ્તાની ડિશની પડતર ૨૫ રૂપિયા છે, તે પ્રમાણે સમજીને ડ્રોપ બોક્સમાં રકમ નાખવી. '

તમે બિલની મંગણી કરશો તો કહેવાશે કે કિંમત નક્કી નથી કરી. તમે બોક્સમાં નાખવા માટે પડતર કિંમતનો અંદાજ લેવા માગતા હો તો રસોઈયા નાનુભાઈના અંદાજ મુજબ કોફીના ૨૦ અને ચાના ૧૫ રૂપિયા પડતર થાય છે. તેમજ બટાકાપૌંઆ, મૂઠિયા, ઉપમા વગેરે નાસ્તાની ડિશના ૨૫ રૂપિયા પડતર થાય છે. અલબત્ત, જોઈને ભલે તમને એમ થાય કે ૧૫-૨૦ ગ્રામ ઉપમા કે લખોટી જેવડાં ૮-૧૦ નાનકડા મૂઠિયાંની ડિશની પડતર કિંમત ૨૫ રૂપિયા તે કંઈ હોતી હશે!

ગાંધીજીના કાળમાં વિદ્યાપીઠમાં રસોઈ બનાવતા હતા તેમના જ પુત્ર નાનુભાઈને કર્મ કાફેમાં રસોઈયા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નાનુભાઈ ઓર્ગેનિક વસ્તુઓનો હવાલો આપીને નાસ્તાની ડિશની પડતર કિંમત પચીસ રૂપિયાને વાજબી ઠરાવવાનો પ્રયત્ન કરે છે. વળી, નાનુભાઈ ઉમેરે છે કે તમને જે ડિશમાં નાસ્તો આપવામાં આવે છે તે એક પેપર ડિશની કિંમત જ પાંચ રૂપિયા જેટલી થાય છે. અહીં પણ ઉદ્દભવતા એ સવાલને દાબી રાખવો પડે છે કે નાસ્તા કરતાં તેની પેપર ડિશની કિંમત વધી જતી હોય તો ગાંધીજીએ સૂચવેલી સાદગીનું શું?

રખે નાનુભાઈને એમ પૂછતા કે નિઃશુલ્ક સેવાની જાહેરાત કર્યા પછી ડ્રોપ બોક્સમાં ચા-નાસ્તાના પૂરતા પૈસા નાખીને નવજીવનનું ઋણ ઉતારતાં જવું કે કશું જ નાખ્યા વગર ચાલી નીકળવું તે મુલાકાતીઓની મુનસફી ઉપર કેમ નથી છોડતા? કેમ કે આ પ્રશ્નના જવાબમાં નાનુભાઈનો વધુ આઘાત આપતો જવાબ હતો, 'તો તો આખું અમદાવાદ અહીં ખાવા ઊમટી પડે!'

કરણી અને કથનીમાં અંતર કેમ છે? નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ કહે છે કે 'મેં તે દિવસે ક્યાં ય ફ્રી શબ્દ નહોતો વાપર્યો. કહ્યું હતું કે મૂલ્ય રાખવામાં નહીં આવે, ડ્રોપ બોક્સ મૂકવામાં આવશે. એક માણસ દર શનિ-રવિવારે ગાંધીથાળી જમીને ૨૦ રૂપિયા નાખતો હતો. અમે ત્રણ અઠવાડિયાં જોયું પછી કહ્યું થાળીની કિંમત પ્રમાણે તમે બોક્સમાં જે રકમ નાખો છો તે વાજબી રકમ નથી. તમે બહાર જમવા જાવ ત્યારે તમે ૨૦ રૂપિયા આપીને જમો છો ક્યારે ય?'

મતલબ કે ડ્રોપ બોક્સમાં કોણ કેટલા પૈસા નાખે છે તેના ઉપર પણ ઝીણી નજર રાખવામાં આવે છે. ગાંધીથાળી જમ્યા પછી કોઈ ખુશ થઈને ડ્રોપ બોક્સમાં ૫૦૦-૧૦૦૦ રૂપિયા નાખી દે તેનો વાંધો નથી પણ કોઈ ઓછી રકમ નાખે તો ટકોર પણ કરવામાં આવે છે. વિવેકભાઈને આ કોઈ વાતે અવિવેક જણાતો નથી.

રકમ નાખવાની ફરજિયાત કરવાથી ડ્રોપ બોક્સ મૂકવા પાછળનું હાર્દ મરી નથી જતું? આ પ્રશ્નના જવાબમાં વિવેકભાઈ કહે છે કે 'ના, ડ્રોપ બોક્સમાં પૈસા નાખ્યા વગર નીકળી જવાનો તમે એવો પ્રયત્ન કર્યો હોય તો વાંક તો તમારો છે. સમજીને બોક્સમાં રકમ નાખવાની તમારી ફરજ છે.'

આખરે કર્મ કાફેમાં ચાલતો આ ક્રમ લોકોને ગાંધી સાહિત્યથી રૂબરૂ કરાવવાના કાફેના મૂળ ઉદ્દેશને પણ ફટકો પહોંચાડે છે અને ઊલટાની નવજીવન પ્રત્યે મનમાં નકારાત્મક છબી સાથે મુલાકાતી નિરાશ થઈને પાછા જાય એવું પણ ન બને? વિવેકભાઈ પણ આ સમગ્ર પ્રશ્નને સમજણનો સવાલ ગણાવે છે. આમે ય કોઈ સારું કરવાનો પ્રયત્ન કરે ત્યારે લોકો લંગસિયાં નાખતા જ હોય છે.'

ફરી ફરીને નવજીવનને કહેવાનું મન થાય કે લોકોને નવજીવનના ઉંબરે લાવવા માટે તમે ભવ્ય કર્મ કાફે ખોલ્યું તો ખરું, હવે મુલાકાતીઓ માટે દિલનાં કપાટ પણ ખોલો. દિલની ભોગળો ભીડીને, કોણ ડ્રોપ બોક્સમાં શું નાખે છે તેના પર ઝીણી નજર રાખીને, ડ્રોપ બોક્સમાં કશું નાખ્યા વગર નીકળી ગયેલા મુલાકાતી સાથે તે અપમાનિત થાય તે હદે સંભાષણ કરીને તમે કશું હાંસલ કરી શકવાના નથી, ઊલટાનું ગુમાવશો.

—————————————————————–

વિવેક દેસાઈ, મેનેજિંગ ટ્રસ્ટી, નવજીવન ટ્રસ્ટ, સાથે વાતચીત

અભિયાન ઃ કિંમત તમે લખેલી નથી. મુલાકાતીએ ફરજિયાત પૈસા આપવાના છે. એવામાં મુલાકાતી પડતર કિંમત અંગે પૂછે તો?

વિવેકભાઈ ઃ  પડતર કિંમત કોઈ દિવસ ન પુછાય. અમારી પડતર કિંમત જાણીને તમારે શું કરવાનું છે.

સવાલ ઃ કાં રેટ ફિક્સ હોય અને કાં નાખવું ન નાખવું મરજિયાત હોય. તમે ડ્રોપ બોક્સમાં રકમ ફરજિયાતપણે નાખવાનું કેમ કહો છો?

જવાબ :  તમારે સ્વેચ્છાએ જે કંઈ પણ નાખવું હોય તે પેટીમાં નાખવું જોઈએ.

સવાલ ઃ  સ્વેચ્છાની વાત આવે ત્યાં ફરજિયાત ન હોય.

જવાબ : આટલા દિવસોમાં કોઈ પૈસા નાખ્યા વગર ગયું નથી. પૈસા નાખીને જવું એ મુલાકાતીઓની ફરજ છે. તમે કોઈ હોટલમાં ખાવા જાવ છો ત્યારે ભાવ અંગે રકઝક કરો છો? અહીં કેમ કરો છો?

સવાલ ઃ કારણ કે હોટલોમાં કિંમતો નક્કી હોય છે, અહીં કિંમતો નિર્ધારિત કરવામાં આવી નથી. કાં તમે નાસ્તા અને જમણની ડિશની ચોક્કસ રકમ નક્કી કરો અને કાં રકમ આપવી ફરજિયાત ન રાખો.

જવાબ : અમારી પડતર કિંમત જાણીને તમે શું કરશો? અમે કદી રેટ ફિક્સ કરવાના નથી. ગાંધીથાળીમાં ઘણાબધાને બોક્સમાં કેટલા પૈસા નાખવા એ બાબતે પ્રશ્નો થતા હતા એટલે અમે પડતર કિંમત ૯૯ રૂપિયા લખી. વાસ્તવમાં હજુ અમે પડતર કિંમત કાઢી નથી.

સવાલ ઃ  અમે કાફેમાં પૂછ્યું તો કહેવામાં આવ્યું કે ચાલુ દિવસોમાં રોજના ૩૫-૪૦ મુલાકાતીઓ આવે છે. આટલી ઓછી સંખ્યા આવા વલણને કારણે હોય એવું ન માની શકાય.

જવાબ : ના, માત્ર દસ જ મુલાકાતીઓ ભલેને આવે. એની અમને પરવા નથી. એક પણ મુલાકાતી ન આવે તો એની પણ અમને પરવા નથી. અમારો મૂળ હેતુ સંખ્યાનો નથી. લોકો ગાંધી સાહિત્યના સંપર્કમાં આવે તે છે.

સૌજન્ય : “અભિયાન”, 04 અૅપ્રિલ 2015; પૃ. 20-21

http://www.abhiyaanmagazine.com/index.php/sambhaavmetro/85-slide/58968-કર્મ-કાફે-ની-કેફિયત

Loading

...102030...3,7783,7793,7803,781...3,7903,8003,810...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved