ભારત અનેક અજાયબીઓ, વિરોધાભાસી વિચારો, રીત-રિવાજો અને અદ્દભુત ઘટનાઓથી ભરપૂર મુલક છે. આજે જ્યારે આપણા આ મેઘધનુષ જેવા વિવિધ ધર્મ, ભાષા, ખોરાક, પોષાક, તહેવારો અને સંસ્કૃિતના જનક અને ધારક એવા દેશને એકરંગી બનાવવા, કેટલાક ટૂંકી બુદ્ધિના લોકો પ્રયાસ કરે છે, ત્યારે કેટલીક વિગતો પર દ્રષ્ટિ નાખવી રસપ્રદ થઇ પડશે.
સહુ પહેલાં દેશને દાયકાઓથી એક સૂત્રે બાંધનારું મનોરંજનનું જગત જોઈએ. ફિલ્મ ‘બૈજુ બાવરા’નું અત્યંત લોકપ્રિય ગીત, ‘મન તડપત હરિ દરશનકો આજ’ આટલાં વર્ષો પછી પણ લોકપ્રિયતા જાળવી શક્યું છે. તેના સંગીત નિર્દેશક નૌશાદ, ગીતકાર શકીલ બદાયુની અને ગાયક મહમ્મદ રફી હતા. ફિલ્મ ‘કોહિનૂર’ના પ્રચલિત ગીત ‘મધુબનમેં રાધિકા નાચે રે’માં પણ ઉપરોક્ત ગીત-સંગીતકાર અને ગાયકની ત્રિપુટી અને એ ગીતના દ્રશ્યનો અદાકાર હતા દિલીપકુમાર (યુસુફ ખાન). એ ફિલ્મના દિગ્દર્શક હતા એસ. યુ. સની જે મુસ્લિમ હતા. આમ એ બધા કલાકારો અને દર્શકો કે શ્રોતાઓ ધર્મનો ભેદ જાણ્યા વિના મનોરંજન કરતા અને લોકો એકરસ થઈને માણતા. એ માત્ર ભારતમાં જ બની શકે.
બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયનું રચેલ રાષ્ટ્ર ગીત ‘વંદે માતરમ’ ગવાયું અને બિસ્મિલ્લા ખાનની શહનાઈના સૂર સાથે લાલ કિલ્લા પર થયેલ પ્રથમ ધ્વજવંદન થયું, ત્યારે સહુ ‘ભારતીય’ તરીકે ગૌરવ અનુભવતા હતા. એ વાત સર્વવિદિત છે કે બિસ્મિલ્લા ખાન વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં શહનાઈ વગાડતા તે પણ અત્યંત ભક્તિપૂર્વક; અને ત્યાંથી ઊઠીને નમાઝ પઢવા જાય ત્યારે ભાવ વિભોર બનીને ઈબાદત પણ કરતા. એ.આર. રહેમાનનાં સંગીત નિર્દેશનમાં ગવાયેલું રાષ્ટ્રગીત સહુથી વધુ પ્રિય રહ્યું છે. ઘણાં વર્ષો પહેલાં માન્ચેસ્ટરમાં બિસ્મિલ્લા ખાને શહનાઈ પર, લક્ષ્મી શંકરે અને આસિત દેસાઈએ પોતાના મધુર કંઠ દ્વારા ‘વૈષ્ણવ જન તો’ અને ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ એક જ વર્ષમાં સંભળાવેલાં, એ રોમાંચક અનુભવ ભૂલ્યો ભૂલાય તેમ નથી.
બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે મિર્ઝા ગાલીબના જીવન પરથી બનેલી ફિલ્મના દિગ્દર્શક હતા પારસી સોહરાબ મોદી, તો તેમાં અભિનય આપ્યો ભારત ભૂષણે, અને તેની ટી.વી. સીરિયલ બનાવી ગુલઝારે (સંપૂર્ણ સિંહ – જાતે સીખ), જયારે સંગીત આપ્યું પ્રખ્યાત ગઝલ ગાયક સ્વ. જગજીત સિંહ (તે પણ સીખ). આવા અનેક ધર્મના કલાકારોના સુમેળથી રચાયેલી રચના લોક હૃદયમાં કાયમી સ્થાન મેળવે એ પણ માત્ર ભારતમાં જ બની શકે. આ તો થઈ માત્ર સીને જગત અને સંગીત જગતમાંની ધાર્મિક સુસંગત સુરાવલીના ઉદાહરણો. રાષ્ટ્રપતિ પદથી માંડીને લશ્કરના વડાઓ, સરકારી ઉચ્ચ અમલદારો, શિલ્પ-સ્થાપત્ય અને ચિત્રકળાના ક્ષેત્રે, અને એવા તો અસંખ્ય વ્યવસાયોમાં એક કરતાં વધુ ધર્મના લોકોએ સાથે મળીને દેશને ઘડ્યો, સુરક્ષિત રાખ્યો, વહીવટ ચલાવ્યો અને સુસંસ્કૃત રાખ્યો, એ વિષે ભારત ગૌરવ લઈ શકે તેમ છે. કેમ કે એ પણ ભારતમાં જ બની શકે.
હવે એ સિક્કાને ઊથલાવીને બીજી બાજુ જોઈએ તો દેખાશે કે ભારતનાં મંદિરોની માસિક આવક -અસ્ક્યામત : તિરુપતિ બાલાજી – 1 હજાર 35 કરોડ, વૈષ્ણોદેવી – 400 કરોડ, રામકૃષ્ણ મિશન – 200 કરોડ, શિરડી સાંઈબાબા – 100 કરોડ, જગન્નાથપુરી – 160 કરોડ, દ્વારિકાધીશ – 50 કરોડ, સિદ્ધિ વિનાયક – 27 કરોડ, વૈદ્યનાથધામ દેવગઢ – 40 કરોડ, અંબાજી ગુજરાત – 40 કરોડ, ત્રાવણકોર – 35 કરોડ, અયોધ્યા – 140 કરોડ, કાલી મંદિર કોલકતા – 25 કરોડ, પદ્મનાભમ – 5 લાખ કરોડ; અને એ જ મંદિરોની બહાર રોગ ગ્રસ્ત, અપંગ અને નિર્ધન માનવ મૂર્તિઓ હાથ લંબાવીને બેઠી હોય છે. એ પણ ભારતમાં જ બની શકે.
મંદિરોની વાર્ષિક આવક 80 લાખ કરોડ રૂપિયા અને આખા ભારત દેશનું બજેટ માત્ર 15 લાખ કરોડ હોય, છતાં પ્રજાને કે રાજાને એ સ્થિતિ માન્ય રહે એ પણ ભારતમાં જ બની શકે.
એમ મનાય છે કે દેશમાં આવકવેરો ભરી શકે, તેટલું કમાનારા ઓછા છે અને જે કમાય છે તેમાંના કર ઓછા ભરે છે. તો સવાલ એ થયા વિના ન રહે કે મંદિરોમાં એ જ ગરીબ અને ધનવાન લોકો પૈસા આપતા હશે ને? આપણે એક પ્રયોગ કરી જોઈએ, મંદિરની દાન પેટીની બાજુમાં એ ગામમાં શાળાનું મકાન બાંધવા, દવાખાનામાં સાધનો ખરીદવા કે લોકોને જાજરૂ બાંધવા લોન આપવા માટે એક જુદી પેટી રાખી જોઈએ અને રાત્રે જોઈએ કે કઈ પેટીમાં વધુ ભાર છે. સ્માર્ટ ફોન પર ફોટા લેનારા લોકો જ પરલોકની કાલ્પનિક વાતો, ગયા જન્મનાં કર્મનાં ફળ અને આવતા જન્મ માટે પુણ્યની કમાઈ, સ્વર્ગ-નરકની લાલચ અને ભય, પાપ-પુણ્યનાં મૂલ્યો વગેરે માન્યતાઓને વશ થઈને મંદિરમાંની પથ્થરની મૂર્તિને વાઘા પહેરાવવા અને નગદ નાણું મૂકીને માથું નમાવવા પ્રેરાય છે અને મંદિરની બહાર નાગાં-ભૂખ્યાં માનવની મૂરતને પાઈ પૈસો પધરાવીને ચાલતા થઇ જાય છે. વાહ રે મહાન ધર્મ ! … એ પણ ભારતમાં જ બની શકે.
શિક્ષિત મહિલાઓ અને પુરુષો ધર્માન્ધતાનો પ્રછન્ન રીતે ફેલાવો કરનાર રાજકીય પક્ષોને ખુલ્લેઆમ ટેકો આપે અને બાપુઓ-સંતોનાં ચરણોમાં ભેટ-સોગાદો ધરે. મોબાઈલ અને કમ્પ્યુટર ગળે લટકાવીને ફરનાર યુવાનો લગ્ન માટે કરિયાવર માગે અને મત મેળવવા સર્વ ધર્મ અને જ્ઞાતિનાં બાળકો-યુવાનોને શિક્ષણની સમાન તકો આપવાનાં વચનો આપે અને પોતાનાં દીકરા-દીકરીને અન્ય ધર્મ કે જ્ઞાતિનાં બાળકો – યુવાનો સાથે મૈત્રી અને લગ્ન ન કરીને મર્યાદા જાળવવાનું કહે, એટલું જ નહીં, એમ ન કરે તો ‘ઓનર કિલિંગ’ એટલે કે આબરૂ જાળવવા મોતને ઘાટ પણ ઉતારે. − એ પણ ભારતમાં જ બની શકે.
આવા તો કેટકેટલા વિરોધાભાસો તરફ નજર જાય તેમ છે, અને જો કોઈનું ધ્યાન દોરીએ તો કહેશે, ‘અહીં તો એમ જ ચાલે.’ એવો સમય આવ્યો છે કે અખબારો, ટેલીવિઝન ચેનલ્સ અને અન્ય પ્રચાર-પ્રસાર માધ્યમો શોધી શોધીને એવા કિસ્સાઓ સમાજ સામે મૂકવા લાગે જે આ લેખના પ્રથમ ત્રણ ફકરાઓમાં દર્શાવેલ છે. એક સવર્ણ શિક્ષિકાનો ભૂતપૂર્વ દલિત કોમનો વિદ્યાર્થી કે જે ડોક્ટરની પદવી મેળવે તે એમની જ સારવાર કરી જીવન બચાવી પોતાનું ઋણ ફેડે એવા અસંખ્ય બનાવો બને છે. કોમી રમખાણો વખતે હિંદુ કોમના લોક મુસ્લિમ સ્ત્રીઓ-બાળકોને પનાહ આપી જાનના જોખમે બચાવ્યાનાં ઉદાહારણો માત્ર દેશના ભાગલા વખતે જ નહીં, આજે પણ જાણવા મળે છે (જો કે કોમી રમખાણો હજુ પણ થાય છે એ દુખદ બીના છે, પણ અહીં માનવતાનું પ્રદર્શન ઈંગિત છે).
અબળા ગણાતો નારી સમુદાય પોતાના ગામ-રાજ્ય કે દેશના હિત ખાતર અહિંસક લડાઈ કરીને અધિકારોનું રક્ષણ કરે એવા બનાવો સ્વાત્રન્ત્ર્ય સંગ્રામ સમયે બનતા તેમ હજુ પણ બને છે. તો આવી અનેક ઘટનાઓને પ્રકાશમાં લાવવામાં આવે અને ‘એ પણ ભારતમાં જ બની શકે’ એ હકીકત તરફ ધ્યાન દોરવામાં આવે, તો આજે બે જ્ઞાતિ, કોમ અને ફિરકાઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવીને ફાટફૂટ પડાવવાનાં યંત્રો કામ કરી રહ્યાં છે, તેમના પ્રચાર સામે જે કારણસર ભારતનો પ્રાણ હજુ ધબકતો રહ્યો છે અને સદીઓ સુધી ટકી રહેશે, એ વિષે જાગૃત લોકોની આંખ ખુલ્લી રહે અને એખલાસભર્યું જીવન જીવવા ધરપત મળતી રહે.
આ કામ નાનાં નાનાં બાળકો અને યુવાનોને જ સોંપી શકાય. તેમને રોજ-બ-રોજના જીવનમાં અસંભવ લાગતી બીનાઓ કે ઘટનાઓમાં બે કે વધુ સમૂહના લોકો કેવાં કેવાં અકલ્પનીય કામ કરીને કુટુંબ, પડોશ, ગામ અને સમગ્ર સમાજને માનવતાથી રસાળ બનવાતા રહે છે એ જોવાની દ્રષ્ટિ આપીશું તો જ પેલા ‘તે અને આપણે’ વચ્ચેની દીવાલ ચણવા કોમી અને અન્ય ભેદભાવ ભરી વાતોનું ઝેર ફેલાવે છે, તેની સામે આવનારી પેઢી ઝીક ઝીલી શકશે.
e.mail : 71abuch@gmail.com
![]()


The five lives of Narayan Desai
અમેરિકાના પહેલા અશ્વેત રાષ્ટ્રપ્રમુખ તરીકે બરાક ઓબામા પહેલી વખત ૨૦૦૯માં ચૂંટાયા, ત્યારે તેમની સામે હારનારા ઉમેદવાર જોન મૈકેને એક શાનદાર વાત કરી હતી, "સદી પહેલાં જ્યારે બુકરે વ્હાઇટ હાઉસમાં પગ મૂક્યો ત્યારે જ બરાક ઓબામાના અમેરિકન પ્રમુખ થવાનાં બીજ વવાઈ ગયાં હતાં!" આ બુકર એટલે બુકર ટી. વોશિંગ્ટન, એક અશ્વેત અમેરિકન શિક્ષણકાર, જેમણે અમેરિકામાંથી રંગભેદને નાબૂદ કરવા માટે શિક્ષણના યજ્ઞ થકી આજીવન એક શાંતક્રાંતિ ચલાવી હતી.