શિક્ષણસંસ્થાઓ કેટલી બિનશૈક્ષણિક પ્રવૃત્તિ કરે છે અને કેટલી શૈક્ષણિક એનીયે મોજણી કરવા જેવી છે
આમ તો શિક્ષણક્ષેત્રે આજકાલ ઉત્તરદાયિત્વ જેવું ક્યાં કશું રહ્યું છે કે ઊંડા પાણીમાં પેસીએ? નાહક કોઠી ધોઈને કાદવ કાઢવા જેવું. મોટેભાગે તો સંબંધિત તમામ પક્ષે તેરી-મેરી ચૂપ જેવું ગણવાનું. આમ છતાં આવી સ્થિતિમાં પણ ‘જો શિક્ષકો આમ કરશે તો શિક્ષાત્મક કાર્યવાહી થશે’ એવા સમાચાર આંખ તળેથી પસાર થાય તો જરા અટકવું પડે, અને વિગતો જાણવી પડે.
એટલું તો યોગ્ય જ થયું લેખાય કે મોડી તો મોડી, ખબર તો પડી કે શિક્ષણનાં ધોરણ કથળતાં જાય છે! છોકરાં આટઆટલાં ચોપડાં લઈ નિશાળ અને ટ્યૂશન ક્લાસ વચ્ચે રઘવાયાં રઘવાયાં ફરે છે તોયે એમને જેટલું આવડવું જોઈએ તેટલું કેમ નથી આવડતું, એ બાબત બૂમાબૂમ ઘણી થાય, પણ કોઈની જવાબદારી નક્કી ન થાય, અને આંગળી ન ચીંધાય. ગોડ ઇઝ ઇન હીઝ હેવન એન્ડ ઓલ ઇઝ વેલ વીથ ધ વર્લ્ડ. મા-બાપ જાણે કે છોકરાં ભણે છે, છોકરાં માને કે અમે ભણીએ છીએ, શિક્ષકો સમજે કે અમે ભણાવીએ છીએ, અને સરકાર સમેત સમાજ હરખાયા કરે કે ગાડી પાટા પર દોડી રહી છે ધમધમાટ!
સફાળું જાગવાનું થયું ‘ગુણોત્સવ’ ટાણે. હવે શિક્ષણક્ષેત્રની બહારનાંને ‘ગુણોત્સવ’ વિશે બહુ માહિતી ન હોય એમ બને. ગુણોત્સવ એક એવો ઉપક્રમ જેમાં જે તે વિસ્તારના શિક્ષકો એમની શાળાનાં પરિણામો અંગે ચર્ચા કરે, કચાશ રહી હોય તો જાતતપાસ કરે, અને એમ પોતાનું મૂલ્યાંકન કરે. આવા ગુણોત્સવ દરમિયાન કોઈ એક જિલ્લાના નબળા પરિણામનું ચિંતન ચાલ્યું. પરિણામ નબળું આવે ત્યાર જ ખબર પડે ને કે શિક્ષણ કથળ્યું? પ્રત્યક્ષ પ્રમાણ જેવાં છોકરાં ન પાંચ વાક્ય સીધાં બોલે, ન સરખાં લખે, કે ન ઠીકઠાક વાંચે, તો શિક્ષણની ય ગતિ કળી જવાય. નરી આંખે દેખાતી આ હકીકત વિશે કંઈ માહિતીના અધિકાર અન્વયે જાણકારી મેળવવાની જરૂર નથી. ઈચ્છા હોય તો સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ અથવા ગ્રાન્ટેડ તરીકે ઓળખાતી શાળામાં જઈને ઊભાં રહેવું. ત્યાં જવાથી બીજું જે કંઈ જણાય તે, આ નવલી રીતરસમની માહિતી તો અખબારી સમાચારથી જ પામ્યાં.
શોધ હતી કથળતાં ધોરણોનાં કારણોની, અને અપરાધી કોણ? તો કહે મોબાઇલનું વોટ્સએપ! વર્ગ ચાલુ હોય અને શિક્ષક વોટ્સએપનો ઉપયોગ કરતાં હોય. આ પ્રકારના ઉપયોગથી કયું જ્ઞાન લાધતું હશે અને શેનું વિતરણ થતું હશે એ તો પાછો અલગ સંશોધનનો વિષય. હાલ તો માત્ર આટલી જ ખબર પડી કે વોટ્સએપના લીધે શિક્ષકોની એકાગ્રતા ઘટી, ચંચળતા વધી. અસર સીધી છોકરાંઓનાં ભણતર અને પરિણામ પર.
વાંક વોટ્સએપનો નથી. આમ જોઈએ તો ઓટલા પરિષદનું એ નવસંસ્કરણ છે. સામસામે વણજોઈતી પંચાત, ફોટાઓની વહેંચણી, ધૂળપથરા જેવી માહિતી જેમાં કોઈનોયે ઉધ્ધાર શક્ય નથી, અને નવરાંઓની ઓળખ જેવાં ટોળટપ્પા કે નીંદા આ મજાક. જે ઊપકરણ સદ્દ હેતુ માટે સર્જાયું એનો નફ્ફટાઈભર્યો દુરુપયોગ. ગંદા ટુચકાઓ અને અસભ્ય વાણીવિલાસ બેરોકટોક ચાલતો રહે તો કેવા પ્રકારના સમાજનું નિર્માણ થાય એ પૂછવાની જરૂર રહે ખરી?
આમ પણ શિક્ષણસંસ્થાઓ કેટલી બિનશૈક્ષણિક પ્રવૃત્તિ કરે છે અને કેટલી શૈક્ષણિક એનીયે મોજણી કરવા જેવી. વિદ્યાર્થીઓને વાંચતા કરવાનું જે મહાઅભિયાન ઠેરઠેર ચલાવેલું એ સંદર્ભે આ તરફના એક શિક્ષકે ઝળહળ પ્રકાશ ફેંકેલો,‘પોયરાં કાંથી વાંચે? ગામડેથી આવે, બસ પકડવાની. તેમાં કોઈ ઉપરી કે પ્રધાન આવી લાગે તો બસોનાં ઠેકાણા નૈ. બધું હેઈસો-હેઈસો! મેં તો કીધું કે ચોપડી અગાડી જે પ્રસ્તાવના કેવાય તે વાંચી જવાની. તે વાંચી કાઢી એટલે ચોપડી હો વાંચેલી કેવાય!’
આ વાણી પાછી ગુરુજનની. બધાં અભિયાનો આમ જ ચલાવવા માટે આપણે સુખ્યાત છીએ. – તો ઓન ડ્યુટી મોબાઇલ વાપરનારા શિક્ષકો પર આવી છે તવાઈ. સરકારે હવે વ્યૂહરચના ઘડવી પડી છે. ચાલુ વર્ગે મોબાઇલનો ઉપયોગ થાય છે એમ ખબર પડે તો પહેલા ગુના માટે ઠપકો, અને સર્વિસ બુકમાં નોંધ બીજી વાર ગુનો થાય તો શિક્ષાત્મક કાર્યવાહી. શિક્ષકે મોબાઇલ વાપર્યો કે એ વોટ્સએપમાં પડ્યા એ શોધવા માટે વર્ગે વર્ગે વિદ્યાર્થી-જાસૂસ નિયુક્ત કરવા પડશે. એમાં કોઈ વિદ્યાર્થીને લાલચ આપી ચૂપ કરી દેશે તો? તંત્રમાં ભ્રષ્ટાચાર ક્યાં નથી?
સહાયક ઉપકરણોના વિઘાતક પરિબળોમાં ફેરવી નાખે એવી મહાજાદુગર છે પૃથ્વી પરની આપણી જમાત. બે વ્યક્તિઓ વાત કરતી દેખાય અને એમાંની એક જો એના મોબાઇલમાં અટવાઈ પડી હોય તો મહત્ત્વના મુદ્દાઓ, એસ.એમ.એસ. અને વોટ્સએપનાં રમખાણોમાં અટવાઈ જવાના. બસમાં ટ્રેનમાં મુસાફરી કરતા સિત્તરેથી વધુ ટકા લોકો મોબાઇલ, આઇપેડ કે લેપટોપને વળગેલા દેખાવાના. આ સઘળું એ હદે વિસ્ફોટક બની ગયું છે કે કશાક અસાધ્ય રોગનાં ભયાનક ચિહ્નો એમાં મોજૂદ છે એ સીધી સાદી હકીકત સુધ્ધાં કોઈને સ્વીકારવી નથી! આમ છતાં વોટ્સએપ તો નવું નવું અપલક્ષણ.
શિક્ષણક્ષેત્રની પડતીના અણસાર તો ખૂબ પાછળ ઘણાં વર્ષોથી ટકોરા દેતા હતા. શિક્ષણ આજીવિકાનું સાધન ખરું, પણ માત્ર એટલા પૂરતું સીમિત ન ગણાય. આ ક્ષેત્ર થોડાંક ઉદાત્ત અને અપ્રદૂષિત વ્યક્તિત્વો ઝંખે છે. આવાં જીવતાં જણ ગુણોત્સવોથી પેદા થતા નથી, એ તો નિષ્ઠા અને કામ માટેની અખૂટ લગનથી પેદા થાય છે. ગુણોત્સવની પાછળ માત્ર ભાવના નહીં, નક્કર શિક્ષકોનું પીઠબળ જોઈએ. AISEC (ઓલ ઇન્ડિયા સેવ એજ્યુકેશન કમિટી) દ્વારા થતી ચર્ચાઓનો સૂર લગભગ એક જ હોય છે.
ધોરણ આઠ સુધી ભણેલા વિદ્યાર્થીઓ જો કોરી પાટી જેવાં રહેવાનાં હોય તો છેવટે ભણવું એટલે શું? અને ગુણોત્સવ દરમિયાન ચર્ચાયેલો વોટ્સએપનો પ્રશ્ન તો શહેરોનો. ગામડાઓમાં હજી લગી આ દૂષણ નથી પહોંચ્યું, ત્યાંયે ભણતર સાવ કાચું છે અને શિક્ષકોની સજ્જતા નહીંવત્ છે. સતત ઉપર ચડાવી દેવામાં આવેલાં વિદ્યાર્થીઓમાંથી જ આપણ ને નવાં શિક્ષકો મળે છે એ વાસ્તવિકતા કેમ નજરે નથી ચડતી? બધાં બળાપો કરે છે અને શિક્ષણ બાબતે ‘કંઈક કરો-કરો’ના પ્રાણપોકારો કરે છે, છતાં થતું કશું જ નથી. મૂલ્યાંકન વગર લગાતાર ઉપરના ધોરણમાં દાખલ થઈ જતા વિદ્યાર્થીને પોતે કેટલો અભણ રહી ગયો છે એનો અંદાજ આવતો નથી.
કાચો, નિસ્તેજ અને કેવળ નામનો જ શિક્ષક કહેવાય એવો મોટો સમુદાય નવી પેઢીને એવી જ અધકચરી ઢબે તૈયાર કરી રહ્યો છે. આટલી ભયાવહ દશા, ડરામણાં અને થથરાવી નાખનારાં પરિણામ ઘાણ કરીને, ઝળૂંબી રહી છે ત્યારે કંઈ આત્મવંચનાને જોરે, સત્તાનું વહન કરનારાં, ખુશખુશાલ ચહેરે સિદ્ધિઓની હવાઈ ગાથાઓ વર્ણવતાં ફરે છે એ સમજવા માટે આપણી બુદ્ધિ પૂરતી નથી. આજે તો તાતી જરૂર છે થોડાં માથાફરેલ મરજીવાઓની, વોટ્સએપમાં ભાનસાન ખોઈ બેઠેલાઓની નહીં. એવાં નિર્ભય બુલંદ વ્યક્તિત્વોની આપણને ગરજ છે જે સૂત્રો અને પ્રસારની પેલા પાર રહેલું સત્ય પારખી શકે, અને જેમને એ દેખાતું નથી એમને દેખાડી શકે, કાં ખભો થાબડીને, કાં પૂરેપૂરાં હલબલાવીને.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 14 અૉગસ્ટ 2015
![]()


1982માં માન્ચેસ્ટર આવીને વ્યવસાય અંગે સ્થાયી થવાનું બન્યું. થોડા વખતમાં તેની આસપાસનાં જોવાં લાયક સ્થળોની ભાળ મળી, તેમાંની એક તે માન્ચેસ્ટર શીપ કેનાલ. આ કેનાલને ઔદ્યોગિક ક્રાંતિ સાથે સંબંધ એટલે સહેજે તેના વિષે જાણવાની ઇન્તેજારી હતી. જો કે કેનાલની બોટ ટ્રીપ કરવાની તક; કહો કે ફુરસદ તાજેતરમાં મળી જે આ લખાણ લખવાનું નિમિત્ત બને છે.
અહીં અમારી સફરની વાત શરૂ કરતાં પહેલાં કેનાલ વિષે કેટલીક રસપ્રદ માહિતી આપવા ધારું છું. ઉપર કહ્યું તેમ માન્ચેસ્ટર શીપ કેનાલ 1894માં વિધિવત્ ખુલ્લી મુકાઈ એટલે 1994માં તેની શતાબ્દી નિમિત્તે કેનાલને કિનારે સુંદર પગથી, તેના પર બંને બાજુ ગોળ ઘુમ્મટ આકારવાળાં વૃક્ષોની હાર અને સહેલાણીઓને વિશ્રામ લેવા મુકેલ બાંકડાઓની સુવિધા કરવામાં આવી. ત્યાં અનેક વખત નવરાશના સમયે ટહેલતાં ટહેલતાં કેનાલની અંદર હંસ અને બતકની જલક્રીડા અને યુવક-યુવતીઓને પાણીમાં રમાતી રમતોની તાલીમ લેતાં નિહાળ્યાં છે. કેનાલને કિનારે Su Andi નામના કવિ, એક આર્ટસ કંપની અને સ્થાનિક લોકોએ કહેલાં કથનો પથ્થરની તકતી પર કોતરીને જમીન પર જડેલ જોવા મળે જેમાનાં કેટલાંક અહીં ટાંકું : “You build a community with bricks and mortar, but most of all with people.” “Ordinary people build world within worlds, ordinary people make a good life out of living.” આપણે જાણીએ છીએ કે યુદ્ધ હોય કે પછી શાંતિનો સમય હોય, અનિચ્છનીય બનાવો હંમેશ દરિયામાં બનતા હોય છે. 70% બ્રિટિશ અને 30% એશિયા આફ્રિકા અને યુરોપના ગુલામ દેશોમાંથી દુશ્મનોના ઘેરાવામાંથી બચીને ઉદ્યોગ-ધંધા માટેનો માલસામાન લાવનાર સામાન્ય નાગરિકો હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ વેપારી અને સાગરખેડુઓ લડ્યા અને દર ચારમાંથી એક શહીદ થયા. એવા કસોટી કાળમાં પણ લોકો હસતાં હસતાં કામ કરતાં કેમ કે રુદન નહીં પણ હાસ્ય જ જીવનને ટકાવી રાખે છે તેમ તેઓ માનતા. સોલફર્ડના આ બારામાં ચાઇનીઝ, નોર્વિજિયન, ડચ, પોલીશ, રશિયન, વેસ્ટ આફ્રિકન અને મોલ્ટીઝ વહાણો લાંગરતાં. દરિયાના પાણીને જમીન સુધી લાવવા 34,000 હાથ મળીને 52 મીલિયન ટન માટી ખસેડી. આથી જ કોઈ મજ્દૂરે કહ્યું, “ઇતિહાસ સામે નાકનું ટેરવું ન ચડાવશો, ભવિષ્ય અમારા જેવા લોકોના ભૂતકાળ ઉપર જીવે છે.”
ભારતના બીજા રાષ્ટ્રપતિ અને ફિલસૂફ ડૉ. એસ. રાધાકૃષ્ણને બે ભાગમાં ભારતીય દર્શનનો ઇતિહાસ લખ્યો છે જે ‘ઇન્ડિયન ફિલોસૉફી’ના નામે ૧૯૨૩માં પ્રકાશિત થયો હતો. એ ગ્રંથમાં જૈનદર્શનની રૂપરેખા આપતાં ડૉ. રાધાકૃષ્ણને જૈનોમાં પ્રચલિત સંલેખના કે સંથારા માટે અંગ્રેજી શબ્દ સુસાઇડ વાપર્યો હતો. ડૉ. રાધાકૃષ્ણન જેવા મેધાવી વિદ્વાને સંલેખના કે સંથારા માટે કોઈ યોગ્ય પર્યાય ન મળતાં સુસાઇડ શબ્દ વાપરવો પડ્યો હશે, પરંતુ તેમણે જિંદગીથી કંટાળેલા માણસ દ્વારા કરવામાં આવતી આત્મહત્યા કે આત્મઘાત અને દેહધર્મને સમેટી લઈને દેહમુક્ત થવાના પુરુષાર્થ વચ્ચે ભેદ સમજાવવો જોઈતો હતો. ડૉ. રાધાકૃષ્ણને એવી તસ્દી લીધી નહોતી જેણે કારણે અહિંસામાં અને જીવદયામાં માનતા જૈનો આત્મહત્યાને પ્રોત્સાહન આપે છે એટલું જ નહીં, એને ધર્મમાન્ય ગણે છે એવી એક છાપ પેદા થઈ હતી.