Opinion Magazine
Number of visits: 9770434
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિપુલ કલ્યાણીની વિચારસૃષ્ટિ

રઘુવીર ચૌધરી|Diaspora - Reviews|23 November 2015

વિપુલભાઈના નિબંધોની ખાસિયત એ છે કે એ લલિત નિબંધની માયામાં ફસાયા નથી. એ વિચારપ્રધાન નિબંધમાં ‘માઇલસ્ટોન’ – માર્ગસૂચક સ્તંભ બની શકે એમ છે

વિપુલ કલ્યાણીના ડાયસ્પોરા નિબંધોનું બળવંત જાનીએ કરેલું સંપાદન વાચતાં પ્રશ્ન થાય. વિપુલભાઈ ડાયસ્પોરા લેખનની સીમિત વ્યાખ્યામાં બંધાય એવા છે ખરા? નિરંજન ભગત તો ડાયસ્પોરાને વિસ્થાપિતોનું લેખન કહે છે, જ્યારે બળવંત જાની નોંધે છે. ‘દેશ’ સાથે જેમનો ગહન સંબંધ છે, ‘પરદેશ’ જેમની નિયતિ છે એવો વૈશ્વિક પટ પર પથરાયેલો પ્રજાસમૂહ ‘ડાયસ્પોરા’ની ઓળખ પામ્યો છે. ‘ડાયસ્પોરા’ હકીકતે તો બે પ્રક્રિયા સૂચવે છે. એક વિખૂટા પડવાની વ્યથાની અનુભૂતિનો વિસ્તાર અને બીજું સ્થાયી થવાની જીવનરીતિ (પૃ. 17, વિપુલ કલ્યાણીના ડાયસ્પોરા નિબંધો)

મારી છાપ એવી છે કે વિપુલભાઈ વિસ્થાપિત મનોદશાના કે ઘર ઝુરાપાના માણસ નથી. એ આયોજન અને સંગઠનના માણસ છે. ‘અમે વિશ્વના ગુજરાતી, આપણો એક થવાનો યોગ’ નામના નિબંધમાં એ સ્વામી સચ્ચિદાનંદનું અવતરણ ટાંકે છે. આપણી પાસે સંખ્યા છે, પણ સરવાળો નથી, જ્ઞાન છે પણ દૃષ્ટિ નથી, પૈસો છે પણ આયોજન નથી. એટલે છતી શક્તિએ શૂન્ય છીએ.’ ગાંધી વિચારની ગળથૂથી પામેલા આ પત્રકાર બ્રિટનની ગુજરાતી લિટરરી એકેડેમીના કર્મઠ અગ્રણી તો ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓને દિશાનિર્દેશ કરતા પત્રકાર છે. અમેરિકાવાસી મધુસૂદન કાપડિયા જેમ ગુજરાતીના ઉત્તમ વિવેચક છે તેમ વિપુલ કલ્યાણી બ્રિટનમાં રહીને ભાષાસાહિત્યની પ્રવૃત્તિઓ વિકસાવતા અને હવે ટકાવી રાખતા કર્મશીલ સારસ્વત છે.

સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે પ્રદાન કરનાર બે જ વ્યક્તિઓનાં નામ યાદ કરવાં હોય તો એક છે અમેરિકાના ગુર્જરી ડાયજેસ્ટના સંપાદક કિશોર દેસાઈ અને બીજા આ વિપુલ કલ્યાણી. અશોક મેઘાણી ગુજરાતી કૃતિઓના અંગ્રેજી અનુવાદ માટે ખ્યાતિ પામ્યા એ ખરું, પણ રામ ગઢવીના પ્રમુખસ્થાને ચાલતી ત્યાંની અકાદમીના વાર્ષિક મુખપત્રને ઘાટ આપવામાં અશોકભાઈનો નોંધપાત્ર ફાળો છે. ગુજરાતીના લાડીલા સર્જક મધુરાય ત્યાં બેઠા છે. ગઝલકાર જનાબ આદિલ મન્સૂરીનો તરવરાટ છેક સુધી અનુભવાતો. અમેરિકામાં ગુજરાતી ભાષા શિક્ષણનું કામ અક્ષર પુરુષોત્તમ સંસ્થા કરે છે તો બ્રિટનમાં વિપુલભાઈના નેજા નીચે ડો. જગદીશ દવેના સંચાલનમાં ગુજરાતી ભાષાશિક્ષણ અને પરીક્ષણનું વ્યવસ્થિત કામ ઘણાંએ જોયું છે. બ્રિટનમાં લેખન અને વાચનને પોષતાં ગ્રંથાલયો પણ છે. સરકાર બિનશરતી મદદ કરે છે.

ભાષા, સાહિત્ય, સંસ્કૃિત અને ગાંધી મૂલ્યોના આધારે વૈશ્વિક કક્ષાએ લોકશાહી પરિબળોનો અભ્યાસ એ આ નિબંધોની સામગ્રી છે. વિપુલભાઈએ પોતાના વિચારપત્રનું નામ ‘ઓપિનિયન’ રાખ્યું, અેમ કરવાનો એમને હક હતો, આફ્રિકાનું ટાન્ઝાનિયા એમનું જન્મસ્થાન (1940) ત્યાં અને જામનગર-મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. ભારત અને બ્રિટનમાં કામ કર્યું. ઘર જેટલું પોતાના માટે એથી વધુ મહેમાનો માટે, કુંજબહેનનો એમાં સવાયો સાથ. ઘસાઈને ઊજળો થયેલો આ પરિવાર ક્યાં ય કશું ય અઘટિત લાગે તો ઊછળી પડે. વિવાદમાં ઉગ્રતા, સંબંધમાં પ્રેમ, ગુજરાતના બધા અગ્રણી લેખકોનું આતિથ્ય કર્યું છે અને ‘દર્શકે’ તો એમનું આતિથ્ય માણવા બીજો અવતાર લેવાનો સંકલ્પ કર્યો હોય તો નવાઈ નહીં.

વિપુલભાઈના નિબંધોની ખાસિયત એ છે કે વિશ્વના ચિંતકોનાં અવતરણ આપીને એ પોતાના મુદ્દાનું સમર્થન કરે છે. એ લલિત નિબંધની માયામાં ફસાયા નથી. એ વિચારપ્રધાન નિબંધમાં ‘માઇલસ્ટોન’ – માર્ગસૂચક સ્તંભ બની શકે એમ છે. ‘મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યું, વાત થઈ પૂરી’ એ નિબંધના સમાપનમાં એમણે આપેલાં અવતરણો આજેય લાલબત્તી ધરે છે: સને 1921માં ગાંધીજીએ નવજીવનમાં લખેલું:

‘મારું ઘર બધી બાજુએ ઊભી દીવાલોથી ઢંકાયેલું રહે અને એની બારીઓ અને બાકોરાં બંધ કરી દેવામાં આવે એ હું નથી ઇચ્છતો. મારા ઘરની આસપાસ દેશ દેશાવરની સંસ્કૃિતનો પવન સુસવાતો રહે એમ જ હું ઇચ્છું છું, પણ તે પવનથી મારી ધરતી ઉપરથી મારા પગ ફગી જાય અને હું ઊથલી પડું એ હું નથી ઇચ્છતો.’ (પૃ. 68)

સૌજન્ય : ‘સાહિત્ય વિશેષ’, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 22 નવેમ્બર 2015

http://www.divyabhaskar.co.in/news/MAG-sahitya-visesh-by-raghuvir-chaudhri-in-sunday-bhaskar-5175140-NOR.html

Loading

શા માટે ઓછામાં ઓછું (મિનિમમ) વેતન મળવું જોઈએ તેમ જ આઠ કલાકનો દિવસ

હિમ્મત શાહ|Opinion - Opinion|21 November 2015

આજે ભારતના (આપણા દેશના) અનુસંધાનમાં વાત કરીશું. ભૂખી વ્યક્તિ ભગવાનનું નામ લઈ શકતી નથી, આ વાત સ્વામી વિવેકાનંદે કહી હતી.

ભૂખી વ્યક્તિનું આયુષ્ય લાંબુ રહેતુ નથી.

નવા જન્મ લેતાં બાળકને પોષણક્ષમ ખોરાક મળતો નથી, તો એમાંથી ઘણા મૃત્યુ પામે છે, અગર કદરૂપવાળા બને છે.

ભૂખ્યો માણસ નવું વિચાર કરી શકતો નથી, દોડી શકતો નથી. ડૉક્ટરો આ માટે મલ્ટી વિટામીન્સની ટેબલેટ આપતા હોય છે.

સમતોલ ખોરાક ન મળવાથી તંદુરસ્ત વ્યક્તિ બની શકતી નથી.

ભૂતકાળમાં લગભગ 70 (સિત્તેર) વર્ષ પહેલાં પુરુષને વધુ સારો ખોરાક મળતો હતો અને સ્ત્રીઓને વધ્યો ઘટ્યો અગર તે જ પ્રમાણેનો ખોરાક મળતો ન હતો, જો કે હવે આ પ્રમાણ સ્ત્રીઓ માટે નહિવત છે.

આ જ વાત અત્યારે મોટા ભાગે (S.C) શીડ્યુઅલ કાસ્ટ, હરિજનો, વણકરો તેમ જ (S.T.) શીડ્યુઅલ ટ્રાઈબ (આદિવાસી જાતિ) માટે લાગુ પડે છે.

મિનિમમ વેતનમાં આઠ કલાકનું કામ હોય છે, નહિ કે 12 (બાર) કલાકની નોકરી હોય.

આઈ-એલ-ઓ. (ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન) આઠ કલાકને દિવસ ગણે છે, નહિ કે 12(બાર) કલાકનો દિવસ.

પૂરતું વેતન ન હોવાને કારણે કપડાં રોજે રોજ ધોવાતાં નથી, સારો નહાવાનો સાબુ મળતો નથી, હાથ સાબુથી ધોવાતા નથી, કપડાં ચોખ્ખાં ન હોવાને કારણે શરીર ઉપર ખણ આવે છે, અને ગુંમડા થાય છે.

વ્યક્તિઓ અને કુટુંબના વિકાસ માટે, જિંદગી સાદી જીવવા માટે (મોજ શોખ નહિ), મિનિમમ વેતન મળવું જોઈએ, જે અત્યારે દેશની આઝાદી પછી જાહેર સાહસના એકમના કર્મચારીઓને મળે છે, જેમાં ઉત્પાદન કરતાં એકમો અને સેવા આપતા એકમોમાં ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને પૂરતું વેતન મળે છે. પણ જો મોંઘવારી વધે તો તેમની વાસ્તવિક આવકમાં ઘટાડો થાય છે. મને બરાબર યાદ છે કે ગુજરાત ઇન્કમટેક્ષના (I.R.S) ઓફિસર(રેડ પાડનાર) કે.વી.એમ. પાઈના શબ્દો લગભગ 30(ત્રીસ) વર્ષ પહેલાંના છે, કે એવું તંત્ર જરૂરી છે જેમાં જરૂરી ચીજવસ્તુના ભાવ ન વધે. તો, આ આવક વાસ્તવિક આવક બની રહે.

વાસ્તવિક આવક પૂરતી રહે તો, જેનાથી વ્યક્તિ કે કુટુંબ કલ્ચરવાળું બની રહે. કુટુંબ સાથે સંગીતના કાર્યક્રમમાં જઈ શકે. કુટુંબ સાથે સારાં નાટકો જોઈ શકે. કુટુંબ સાથે સારી ફિલ્મ જોઈ શકે. ઘેર પૂરતા અખબારો + મેગેઝિનો લાવી શકે અગર સમૃદ્ધ લાયબ્રેરીમાં જઈ શકે.

પૂરતું વેતન મળવાથી કુટુંબને નાનો પણ વ્યવસ્થિત ફ્લેટ મળી રહે છે. જેનાથી ભવિષ્યમાં તે તેની માલિકીનો ફ્લેટ બની શકે છે.

પૂરતું વેતન મળવાથી કુટુંબમાં ઝગડા ઓછા થાય છે, તેમ જ આજુબાજુના રહીશો સાથે ઓછા પ્રમાણમાં ઝગડા થાય છે. ઓછા વેતન મેળવનાર કુટુંબોના વિસ્તારમાં ઝગડા–કંકાસનું પ્રમાણ વધુ હોય છે (નાની નાની વાતોમાં). જ્યારે મિડલ કલાસ કે હાયર મિડલ કલાસ વિસ્તારમાં ઝગડાનું પ્રમાણ ઓછું હોય છે. ઓછું વેતન મેળવનારના દીકરાઓને મોટે ભાગે સારું શિક્ષણ મળતું નથી, ભણવા માટેનાં પૂરતાં સાધનો હોતાં નથી, તેમના બાળકોને ભણવાની સાથે પાર્ટ ટાઇમ નોકરી કરવી પડે છે. આજે અસંખ્ય બાળમજૂરો ચાની કિટલી – લારી ઉપર કામ કરતા નજરે પડે છે. જેમને ઓછા વેતનમાં નોકરી મળે છે અને ભણવાનુ મળતું નથી તેમ જ કિંમતી બાળપણ છીનવાઈ જાય છે.

વ્યક્તિ નહિ ભણવાથી રાષ્ટ્ર ઉપર બોજો બને છે. ઓછું ભણેલી વ્યક્તિ રિસર્ચ કામ કરી શકતી નથી તેમ જ સ્કીલ વર્કર બની શકતી નથી. રાષ્ટ્ર મજબૂત બનાવવું હશે તો તમામ વ્યક્તિઓને જીવવા જેટલું મિનિમમ વેતન અગર સારી આવક મળવી જોઈએ. દસ વ્યક્તિમાંથી સાત વ્યક્તિ કે ત્રણ-ચાર વ્યક્તિ મિનિમમ વેઈજ મેળવતી હોય તો અસમતોલ વિકાસ થાય છે. 

અસમતોલ વિકાસ થવાથી ગુંડાગીરી થાય. સ્ત્રીઓના સોનાના ચેઈન ખેંચી જાય છે. પુરુષો પાસેથી બેગ આંચકીને, પૈસા-રકમ લઈ જાય છે. રાત્રે એકલ-દોકલ વ્યક્તિ નીકળી ન શકે. આનાથી પોલિસ દમન વધતું જાય છે. (કાયદો તંત્ર જાળવવા માટે) શહેરમાં કે વિસ્તારમાં શાંતિ રહે નહિ. મને બરાબર યાદ છે કે અનામત આંદોલન કે કોમવાદી આંદોલન વખતે આપણી બાજુમાંથી સાયકલ કે સ્કૂટર જાય તો તરત જ ગભરામણ થાય. અશાંતિમાં વિકાસ થઈ શકતો નથી. અસમાન વિકાસ થવાથી કુટુંબમાં શાંતિ રહેતી નથી. ઈર્ષાનું વાતાવરણ રહે છે. આવું જ શહેર અને રાષ્ટ્ર માટે લાગુ પડે છે. 

શ્રમ કાયદાના અમલ માટે તટસ્થ તંત્ર નથી. રાજ્ય સરકારો ચાહે તે પ્રમાણે તેનો અમલ કરે છે. શ્રમ કાયદાના અમલથી કેવી પરિસ્થિતિ થાય છે તેમ જ તેનું મૂલ્યાંકન થતું નથી. રાજ્ય સરકારનું શ્રમ કાયદા અંગેની વિગતોવાળું મેગેઝિન નથી. આ અંગે પૂરતા વર્કશોપ કે સેમિનાર થતા નથી. અગર સેમિનારના નિચોડ માટે તંત્ર નથી. હાલના ટ્રેડ યુનિયનો પાસે રિસર્ચ અગર કો-ઓર્ડિનેશન માટેનું તંત્ર નથી. જાહેર સાહસોને નફાકારક બનાવવા જોઈએ, ઉપાયો શોધીને. નવો ટ્રેન્ડ ઊભો કરવો જોઈએ. પબ્લિક સેકટરમાં કામદારોની ભાગીદારી ઊભી કરવી જોઈએ (શેર હોલ્ડીંગ આપીને).

તારીખ 8-10-2015, ગુરૂવારના રોજ સાંજે 6 વાગે, અમદાવાદમાં મુવમેન્ટ ફોર ડેમોસ્ક્રેસી(M.S.D.)ની ચર્ચા સભામાં હિમ્મત શાહે ચર્ચાની શરૂઆત કરેલી તેની નોંધ છે

(અમદાવાદમાં દર ગુરૂવારે સાંજે 6 વાગે નર્મદ-મેઘાણી લાયબ્રેરીમાં ચર્ચા સભા મળે છે જેમાં જુદા જુદા વક્તાઓ ચર્ચાની શરૂઆત કરતા હોય છે.)

Loading

તડીપાર થયેલો એક ભાવ : સહિષ્ણુતા

હિમાંશી શેલત|Opinion - Literature|21 November 2015

સ્વતંત્ર પ્રજા તરીકે આપણાં વલણો ન્યાય તરફી કેમ નથી, એનો ઉત્તર મેળવવો તો હજી બાકી છે

તો તમે માનો છે કે બંધારણે આપેલી અભિવ્યક્તિ સ્વતંત્રતાનો પ્રત્યેક નાગરિક ઉપયોગ કરી શકે છે? તમને ધરપત છે કે અહીં કાયદાનું શાસન છે, અને કાયદાનું જે કોઈ ઉલ્લંઘન કરે તે દંડને પાત્ર છે? તમને લાગે છે કે જનસમુદાયની અને સમાજની સુખાકારી કે સામાજિક ન્યાય માટેની લડતનું સમર્થન તમે ભયમુક્ત રહીને કરી શકો છો? તમારી સાથે જે વ્યક્તિઓ કે જૂથો અસંમત છે એ તમને કોઈ નુકસાન નહીં પહોંચાડે, એવી તમારી પ્રતીતિ છે?

જો તમારો ઉત્તર ‘હા’માં હોય તો તમે સદ્દભાગી છો, અને જો ‘ના’માં હોય તો તમારે કશું કહેવાનું રહેતું નથી. ઘરેડબંધ જીવન, જેમાં સ્વતંત્ર વિચારને સ્થાન નથી એમાં સુખ અને શાંતિને આંચ નથી આવતી. જોખમ સ્વતંત્ર વિચારકોને છે, એમને ધમકીઓ મળી શકે, એમના પર જાસાચિઠ્ઠીઓ આવે, એમનો પીછો કરવામાં આવે, એમને ડરાવવામાં અને ધમકાવવામાં આવે. એમ કરવાથી જો એ ચૂપ થઈ જાય કે પાછા પડી જાય તો ઠીક છે. પણ જો એમ ન થાય તો એમણે માથે કફન બાંધી લેવું પડે. એમની ગમે ત્યારે હત્યા થઈ શકે. સ્વતંત્ર વિચારો માટે એમણે આકરી કિંમત ચૂકવવી પડે.

બાંગ્લાદેશના બ્લોગર અભિજીત રોય, અનંત વિજય દાસ અને નિલય ચેટરજી, આપણા દેશના નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે અને એમ. એમ. કલબુર્ગી તમામને એક સૂત્રે જોડે છે. એમની વૈચારિક સ્વતંત્રતા અને એ જેમને સ્વીકાર્ય નહોતું એમણે એમને કાયમ માટે ચૂપ કરી દેવાનું કાવતરું રચ્યું. છેલ્લા થોડા સમયથી આતંકનો એક નવો અને વરવો ચહેરો આપણે જોવાનો આવ્યો છે. એક ચોક્કસ તરેહને આધારે કટ્ટરપંથીઓ પોતાનાં શસ્ત્રો સજતા રહે છે, અને નિશ્ચિત વ્યૂહરચના પ્રમાણે એમને જે વાધાજનક લાગે એમને નિર્મૂળ કરવાનું હાથ ધરે છે, નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે કે કલબુર્ગી જ્યાં ત્યાં મળે એવાં વ્યક્તિત્વો નથી. એમના વિચારોને બેઅસર કરવા માટેનો એક જ ઉપાય અસહિષ્ણુ જૂથો પાસે છે, અને તે એમને ખતમ કરી દેવાનો.

હત્યા પછી કાયદો જે કરવાનું હોય તે કરે, તપાસ ચાલતી રહે, પણ કશું નક્કર હાથ ન આવે. ક્યારેક આશ્ચર્ય થાય કે તંદુરસ્ત સમાજના ઘડતર માટે એકાદ દાભોલકર મથતા હોય તો એમાં કયા સ્થાપિત હિતોને એ નડતા હશે કે એમને મારી નાખવા પડે! અંતે અંધશ્રદ્ધા નિર્મૂલન માટે મથવું એ કયા જૂથને અનૂચિત પ્રવૃત્તિ લાગતી હશે? સ્વતંત્ર વિચારાનારા અથવા તો વૈચારિક સ્વતંત્રતામાં વિશ્વાસ રાખનાર સહુ કટ્ટરપંથીઓને આટલા બધા જોખમી લાગતા હશે કે એમને રહેંસી નાખવાની હદે પહોંચવું પડે?

એક વાત સ્પષ્ટ છે કે સ્વતંત્ર વિચારની સ્થાપના માટે મથતા અથવા એવા વિચારો વ્યક્ત કરતા લોકો ઓછા હોય છે, અને એ અલગ તરી આવે છે. એમને વિશાળ સમૂહનો ટેકો હોય તો સંભવ છે કે એમનું બળ વધે. દુર્ભાગ્યે આવો પ્રબળ ટેકો એમને ભાગે નથી હોતો. આવા વ્યક્તિત્વો સંઘર્ષનો માર્ગ પસંદ કરે છે અને પોતાની માન્યતાઓ સાથે સગવડભર્યા સમાધાન કરી લેવાનું પસંદ કરતા નથી. આમ કરવાથી પણ તેઓ લગભગ એકલવીર બની રહે છે અને એમના પર આક્રમણ કરવાનું સરળ બનતું જાય છે. કલબુર્ગી કે દાભોલકરના મૃત્યુ સંદર્ભે સમગ્ર સમાજ ઊહાપોહ કરે એમ નથી થતું. ધારો કે એમના વિચારો સાથે પૂરેપૂરા સહમત ન થતાં હોઈએ તો પણ અસહિષ્ણુતાને પગલે થતી હત્યા અંગે આપણું વલણ પ્રમાણમાં અતિશય નરમ અને તેથી નિર્બળ રહે છે. સ્વતંત્ર પ્રજા તરીકે આપણાં વલણો ન્યાય તરફી કેમ નથી એનો ઉત્તર મેળવવો તો હજી બાકી છે. વિદ્યાવ્યાસંગ, સંશોધન અને લેખન જેમનું જીવનધર્મ જેવું કામ છે એવી વ્યક્તિઓને, કલાકારોને અને નાટ્યકર્મીઓને કટ્ટરપંથીઓ નિશાન બનાવી રહ્યા છે. એમનો વાંક માત્ર એટલો કે, એમની વિચારશૈલી અલગ છે, અને ચૂપચાપ ચાલ્યાં જતાં ટોળાંઓ છોડીને એમણે જુદો માર્ગ પસંદ કર્યો છે. તમિલ નવલકથાકાર પેરુમલ મુરુગનને તો ઝનૂની પરિબળોએ લખતાં જ બંધ કરી દીધા છે. છ નવલકથા, ચારેક વાર્તાસંગ્રહો, ચાર કાવ્યસંગ્રહો અને છ લેખસંચયો ઉપરાંત તમિલ બોલી કોંગુ વિશે સંશોધન કરી ચૂકેલા, હજી તો પચાસે પહોંચ્યા નથી એવા સર્જકને, લેખન છોડાવી દેનારા પેલાં ઉગ્ર અને આક્રમક જૂથો જાણે છે કે બંધારણની કોઈ કલમ આ લેખકને ખપ લાગવાની નથી. લેખકના ખુદના સમાજના થોડા બળિયાઓ એમને ધમકી આપે અને એમનું રોજનું જીવન ઝેર બનાવી દે, તો એમને સવાલ તો થાય ને, કે એના લેખનનો જો એની જ પ્રજાને ખપ નથી તો કોને માટે ને શા માટે લખવાનું?

આ પણ એક પ્રકારની હત્યા જ કહેવાય, લેખક પાસેથી કલમ અને શબ્દો ઝૂંટવી લેવાથી થતી હત્યા. અને પેરુમલ એકલા નથી, સુખ્યાત વિવેચક-સાહિત્યકાર એમ. એમ. બશીરને ‘રામાયણ’ પર લખાતી કટાર બંધ કરી દેવી પડી છે એવા સમાચાર છે. મલયાલમ દૈનિક ‘માતૃભૂમિ’માં લખાતી આ કટારને પગલે અજાણ્યા માણસો તરફથી એમને સતત ધમકીઓ મળી રહી છે. માત્ર એમને જ નહીં, દૈનિકના તંત્રીને પણ ગાળો ખાવી પડે છે. પાંચેક હપ્તા પછી આ વિવેચકને લેખન બંધ કરવું પડ્યું છે. મલયાલમ ભાષાના અધ્યાપક રહી ચૂકેલા પંચોતેર વર્ષના આ વિદ્વાનને ખેદ એ બાબતનો છે કે જીવનનાં આટલા વર્ષો ભાષા અને સાહિત્યક્ષેત્રને, અધ્યયન અને અધ્યાપનને આપી દીધાં પછી એમની પોતાની ભૂમિમાંયે એમની ઓળખ માત્ર ‘મુસલમાન’ની જ રહી છે! અખબાર-તંત્રીને ઉગ્રમતવાદીઓ એમ કહીને ભાંડે છે કે ‘રામાયણ’ પર લખવાનું કામ બશીરને શા માટે સોંપાયું!

લખનારના કાંડા, વિચારકોના મગજ, ચિત્રકારોની પીંછી – સઘળું નિયંત્રિત કરનારા, વિવિધ રીતે ગંદી ભાષા વાપરી ધમકીઓ આપનારા, વખતોવખત પથરા મારી, તોડફોડ કરી સર્વત્ર ધાક બેસાડનારાં આ જૂથોને નાથવા શાસન શું કરી શકે છે? આપણને તો માત્ર એટલી જ ખબર છે કે આપણે નથી નરેન્દ્ર દાભોલકરને બચાવી શકતા, કે નથી જાળવી શકતા પાનસરે, કે કલબુર્ગીને. આપણે પેરુમલ કે બશીરને હવાલે કરી દઈએ છીએ પેલા ઝનૂની જૂથોને. નથી આપણા વિરોધમાં કશી તાકાત કે નથી આપણામાં સ્વતંત્રતાનું જતન કરવાની કોઈ દાનત કે આવડત. એકાદ ઝૂઝનારો દુનિયા છોડીને ચાલતો થાય ત્યારે વંધ્ય બળાપા કરવાથી કે નિવેદનો આપવાથી વિશેષ શું થઈ શક્યું છે વિચારવંતોના સમુદાય દ્વારા, જો એને સમુદાય કહેવાય તો!

આ દેશની સંસ્કૃિતના અર્ક સમી પ્રાર્થનાઓમાં તો દુર્જનો સજ્જનો બને, સજ્જનને શાંતિ મળે, શાંતિ પ્રાપ્ત કરનારાં બંધન મુક્ત થાય અને જે બંધનમુક્ત બન્યા છે તે અન્યને મુક્ત કરવાના મહાકાર્યમાં જોડાય એવી અદ્દભુત ભાવના વ્યક્ત થઈ છે. પૃથ્વી પર પગ મૂક્તાં પહેલાં ‘પાદ સ્પર્શ ક્ષમસ્વ મે’ એવી ક્ષમાયાચના કરનારાઓ અને સર્વં ભદ્રાણિ પશ્યન્તુ’ એવી ઇચ્છા રાખનારાંઓનો આ દેશ. આ કોઈ શબ્દલીલા નથી, ઊંડી ઉદારતા અને દૃઢ સહિષ્ણુતામાંથી જન્મીને ઉછરેલો, વિક્સેલો એક વ્યાપક ભાવ છે. એ કાળે ઋષિઓને તો કલ્પના પણ નહીં હોય કે કોઈએ એક ચોક્કસ સમયમાં, પોતાને સંસ્કૃિત રક્ષકોમાં ખપાવતાં ટોળાં, સાવ સાચુકલાં અને જાળવવા જેવાં વ્યક્તિત્ત્વોને રહેંસીને, વિજયનાદો કરતાં બેફામ બબડતાં રહેશે અને સમસ્ત પ્રજા આ સંહાર અસહાય બનીને જોતી રહેશે!

સૌજન્ય : ‘અંતરની પીડા’, “દિવ્ય ભાસ્કર”, 11 સપ્ટેમ્બર 2015

Loading

...102030...3,7423,7433,7443,745...3,7503,7603,770...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved