કહેવાય છે કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’. માણસ જ્યાં જાય છે ત્યાં પોતાનાં મૂળિયાં સાથે લઈને જાય છે. વર્તમાન પેઢી પોતાની માતૃભાષાથી આઘે ને આઘે ઢસડાઈ રહી છે તે જોઈ એ લોકો કેટલું બધું ગુમાવી રહ્યાં છે, એની વેદના થાય છે. ભાષા માત્ર વાણી નથી. ભાષા એક સંસ્કૃિત છે, એક પરંપરા છે, એક વિકાસગાથા છે. એક એવું વહેતું ઝરણું, જેના કાંઠે- કાંઠે અનેક તીર્થધામો રચાયાં છે. ભાષા એ મનુષ્યોની વિશિષ્ટ સંપદા છે. પ્રાણી જગત પાસે ધ્વનિ છે, શબ્દ છે, પણ ભાષા નથી. માણસને ધાવણ પૂરું પાડનારી જન્મદાતા મા છે, એ જ રીતે પરસ્પર–સંવાદનું માધ્યમ ભેટમાં આપનારી માતૃભાષા પણ છે. આ બંને માતા થકી માનવજીવનનો ઉઘાડ થાય છે.
માતૃભાષાથી જે લોકો વંચિત રહી જાય છે તેમની વાત છોડીએ, પણ જે લોકો માટે ગુજરાતી હજુ માતૃભાષા બનીને સંસ્કૃિતના ધાવણ પાઈ રહી છે તેમના માટે ગુજરાતી ભાષાની આસપાસ રહેવું અનિવાર્ય છે. વિજ્ઞાનને પરિણામે ધીરે ધીરે અનેક માધ્યમો કાળબાહ્ય સાબિત થઈ રહ્યાં છે. તે રીતે કદાચ ધીરે ધીરે મુદ્રણકળા પણ સંકેલાતી જશે, પરંતુ ત્યારે પણ કશુંક નવું સંપર્ક માધ્યમ તો આવશે જ અને આવી રહ્યું પણ છે. એ ઈલેક્ટ્રોનિક માધ્યમ આજે ‘પાંચમી જાગીર’ રૂપે પ્રગટ થઈ રહ્યું છે.
થોડા સમય પહેલાં … અમદાવાદથી પ્રગટ થયેલા ‘વિશ્વકોશ’ની માહિતી પીરસાયેલી. એના અનુસંધાને ઘણા વાચકોની પૃચ્છા પણ થતી રહી. પરંતુ એ જ લેખે બીજી અનેક આનુષાંગિક જાણકારી પણ મેળવી આપી. સુરતના ઉત્તમભાઈ ગજ્જરે તરત જ ગુજરાતી લેક્સિકૉન ડોટકોમ અને લોકકોશની માહિતી મોકલી આપી, જેમાંથી સાર રૂપે થોડીક પ્રસાદી ગુર્જરી પ્રેમી માટે! દેશવિદેશમાં વસતા ગુજરાતી બાંધવો માટે ગુજરાતી ભાષાનું ઉત્તમોત્તમ સાહિત્ય હાથવગું રહે તે માટે વડોદરાના મૃગેશ શાહની ‘રીડ ગુજરાતી’ વેબસાઇટની વાત તો અગાઉ લખાઈ જ ચૂકી છે.
આપણી ભાષા અને આપણું સાહિત્ય એ આપણો અણમોલ વારસો છે. ધનદોલતના ખજાના લૂંટાઈ જાય તો પાછા ભરી શકાય પરંતુ વાણીમાંનો એક શબ્દ ગુમનામ થઈ જાય તો એની સાથે ઘણુંબધું ગુમ થઈ જાય છે. મહારાષ્ટ્રના સંત તુકારામે ગાયું છે કે आम्हा घरी शब्दांचे चन आणि शब्दांचे રતન ! શબ્દ એ શંકાનું રતન છે. યોગ્ય સમયે યોગ્ય રીતે વપરાયેલો શબ્દ માણસ માટે તારકસિદ્ધ થાય છે.
અગાઉ નર્મકોશ, સાર્થ ગુજરાતી જોડણી કોશ, બૃહદ્દ ગુજરાતી કોશ, વિરુદ્ધાર્થ કોશ જેવા અનેકાનેક શબ્દકોશો પ્રગટ થઈ ચૂક્યા છે અને હવે આ એકવીસમી સદીના ઉઘડતા દાયકે ઇન્ફોરમેશન ટેકનૉલૉજીના સથવારે ‘ગુજરાતી ડિજિટલ ડિક્શનરી’ પણ લોકાર્પિત થઈ ચૂકી છે. માસ મીડિયાના આ નવાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી નિર્માણ થયેલા આ અદ્દભુત પ્રકલ્પના વિશ્વકર્મા પુરુષ છે – રતિલાલ ચંદરયા.
આરંભના વર્ષો આફ્રિકામાં ગાળી 1965ના અરસામાં રતિભાઈએ યુરોપને પોતાનું ઉદ્યોગ ક્ષેત્ર જ ન બનાવ્યું, અદ્યતન ટેક્નૉલૉજી દ્વારા ગુજરાતી કોશોનું કૉમ્પ્યુટરીકરણ ઉપરાંત ‘ગુજરાતી સ્પેલચેકર’ પણ ઉપલબ્ધ કરાવી આપ્યું, બે દાયકાના અથાક પુરુષાર્થનું આ સુવર્ણફળ છે. પોતાના વ્યવસાય અને ધંધા – ઉદ્યોગની પ્રવૃત્તિ સાથોસાથ તેઓ વિવિધ સામાજિક સેવા સંસ્થાઓ સાથે જોડાઈ આફ્રિકા, એશિયા, દૂર પૂર્વના દેશો, યુ.કે., કેનેડાની પણ અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેઓ વિશ્વપ્રવાસી છે, છતાં માતૃભૂમિ અને માતૃભાષાને ભૂલ્યા નથી. કવિ દલપતરામે પ્રત્યેક ગુજરાતીને ‘રૂડી ગુજરાતી વાણી રાણીના વકીલ’ બનવા આહ્વાન કરેલું. એ આહ્વાન રતિભાઈએ યથાર્થ રીતે ઝીલી જાણ્યું છે.
રતિભાઈની ‘ગુજરાતી લેક્સિકૉન’ની આ વેબસાઇટને સુસજ્જ અને ઉપયોગી બનાવવામાં ગુજરાતી ભાષાના અસંખ્ય ચાહકોના સાથ સહકાર સાંપડ્યા છે. જેવી રીતે ઓક્સફોર્ડ્ના અંગ્રેજી શબ્દકોશમાં વચ્ચે-વચ્ચે વપરાશમાં આવતા નવા શબ્દોની ઉમેરણી નવી આવૃત્તિમાં સતત થતી રહે છે. જે કોઈ નવો શબ્દ અંગ્રેજીમાં પ્રગટ થતા લખાણમાં પાંચ વાર વપરાયો હોય તેને ઓક્સફોર્ડ ડિક્શનરીમાં ઉમેરવામાં આવે છે. આવું જ કાંઈ ગુજરાતી કોશમાં કરવા આ મંડળી ઉત્સુક છે. હવે તો રતિભાઈએ ભગવદ્દ્ગોમંડળને પણ ડિજિટ્લાઇઝ કરવાનું બીડું ઝડપ્યું છે અને તેમાં ઝડપભેર આગળ વધી રહ્યા છે.
‘ગુજરાતી લેક્સિકૉન સાઇટ’માં તો માન્ય શબ્દકોશના જ શબ્દોનો સમાવેશ થયો છે. પરંતુ લોકવાણીમાં તો અનેક શબ્દો એવા વપરાય છે જે આ બધા કોશોમાં જડતા નથી. આવા લોકવાણીના શબ્દો વણનોંધાયેલા ન રહી જાય તે માટે આવા શબ્દોને ભેગા કરી, ચકાસણી કરી, નવો ‘લોકકોશ’ રચવાની યોજના પણ આવી રહી છે. આ કોશ લોકો દ્વારા, લોકો માટે લોકોનો નવનીતમ શબ્દભંડાર નીવડશે. તે માટે લોકો પાસેથી એમની બોલીમાં વપરાતા શબ્દોની માગણી પણ કરાઈ રહી છે. સમયાંતરે શબ્દ સૂચવવા માટેની સ્પર્ધા પણ યોજાતી રહે છે. ‘લોકકોશ’ની વેબસાઇટ સંપૂર્ણપણે યુનિકૉડમાં જ રહેશે. આ કોશમાં વિવિધ ભાષાથી પ્રચલિત થયેલા શબ્દો પણ સમાવાશે. જેવા કે ‘ઓ.કે’., “યા’, ‘પ્લીઝ’, ‘સૉરી’ વગેરે.
ભલે આપણે એક પ્રદેશમાં રહેતા હોઈએ, છતાં ય ક્યારેક અંદરના ગામડામાં જવાનું થાય ત્યારે કેટલા ય શબ્દો એવા સાંભળવા મળે છે જે આપણે બધાની જેમ સાંભળી લેવાના જ હોય ! જાણીતા સાહિત્યકાર ધીરુબહેન પટેલ લખે છે તેમ આપણે અજ્ઞાની અને ભોટ પણ સાબિત થઈએ. એમને લગ્નપ્રસંગે વતનમાં જવાનું થયું.
પૂરીઓ વણતી વખતે ફોઈએ ટકોર કરી – ‘જરા સદડી રાખ’. હવે ‘સદડી’ નો અર્થ તો ખબર નહીં પણ માની લીધું કે ઉતાવળ કરવાનું કહેતાં હશે. ઝડપ વધારી ત્યાં ફરી ટકોર થઈ – ઊઠ બેટા, તને પૂરી સદડી રાખતા નહીં ફાવે. અને હાથમાંથી વેલણ ખેંચાઈ ગયું ! આ તો ઘોર અપમાન! કહેવાઈ ગયું- આટલું તો જલદી વણું છું. પછી કેટલીક સદડી રાખું! – અને ફોઈ હસી પડ્યાં. કહે, ‘બેટા, સદડી એટલે જાડી. તને એટલું ય ગુજરાતી નથી આવડતું?’ લો, મોટા સાહિત્યકારને મળ્યો ફોઈબાનો એવૉર્ડ !
એક્વાર મારે પણ આવું થયેલું. ગામડામાં ઘણી વાર કૂવે જ નહાવા જવાનું થાય. એકવાર કોઈથી ડોલ કૂવામાં પડી ગઈ. તરત બૂમ પડી – ‘લી, ઘેર જઈને મીંદડી લઇ આવ. એના વગર ડોલ બહાર નહીં નીકળે!’… અને મારા અંતરમાં ચીરાડો પડ્યો … અરેરે! એક ડોલ માટે બિચારી બિલાડીને કૂવામાં ઉતારશે! … તે દિવસે મને નવું જ્ઞાન લાધ્યું કે ‘ બિલાડી’ નામનું કોઈ સાધન પણ હોય છે જેનાથી કૂવામાં પડેલી વસ્તુ બહાર કાઢી શકાય છે.
આવું તો ઘણું બધું! બાર ગાઉ બોલી બદલાય. પરણીને નવી નવી સાસરે ગઈ. બા કથરોટ મગાવે અને હું તબાકડું લઈને ઊભી રહું. બા ‘લાપસી’ રાંધવા કહે અને હું કરી મૂકું કંસાર! એકવાર તો નૅશનલ બુક ટ્ર્સ્ટના એક હિન્દી પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરવા માટે બે દિવસ ગામડામાં રહેવું પડેલું. ગામડાના ગમાણ અને ખેતરની દુનિયા જ સાવ જુદી! સાધનો પણ જુદાં, પ્રક્રિયાઓ પણ અજાણી! આપણા માટે તો સવારનો નાસ્તો અને બપોરનું ભોજન આ બે શબ્દોમાં પેટ ભરાઈ જાય, પણ સૌરાષ્ટ્રમાં રહીએ ત્યારે ખબર પડે કે સવારે શીરામણ હોય, બપોરે ‘બપોરા’ હોય, અપરાહને “રોંઢો’ હોય અને સાંજે ‘વાળુ’ હોય. અમારા જયેન્દ્ર ત્રિવેદીએ સૂત્ર આપેલું – ‘સાંજનું વાળુ સાથે.’ અંગ્રેજીમાં પણ બ્રેકફાસ્ટ, ‘લંચ’ ‘ડિનર’, ‘સપર’ જેવા ખાસ શબ્દો છે ને! આ બધી ભાષાસમૃદ્ધિ છે! શબ્દભંડાર જેટલો સમૃદ્ધ, એટલો સંવાદ વધુ સઘન અને સાર્થક. તેમાં ય સંસ્કૃત શબ્દો તો આપણી સાથે વાતો કરે! પૃથ્વી જે પૃથક્ થઈ છે તે. વસુંધરા વિવિધ વસુને ધારણ કરે છે તે! ધરા – ધરતી, ધીરજપૂર્વક જે ધારણ કરે છે તે! વ્યોમ – વ્યાપ્ત છે તે! ચરણ વિચરે છે તે, ફરે છે તે! સરિતા – જે સર સર સર સરે છે તે! પંકજ જન્મે છે તે કમળ. સરોદ – પાણીમાં ઉદ્દ્ભવે છે તે! દીપક – દીપ્તિમાન છે તે. જે ખવાય છે તે. – વિગેરે વિગેરે શબ્દોનો વિશાળ સાગર ભરેલો છે, જેમાં શબ્દો પોતે જ બોલે છે.
ભાષાને કદી પૂર્ણવિરામ નથી હોતું. સાગરની જેમ એ અગાધ છે, અસીમ છે. એમાં નીતનવાં પાણી ઉમેરાતાં રહેવાનાં અને માણસ સમૃદ્ધ થતો જવાનો. કૉમ્પ્યુટર જગતે આ વિરાટ સાગરને ખિસ્સામાં રાખી શકાય એવો કીમિયો શોધી આપ્યો છે. વિજ્ઞાનયુગમાં દુનિયાભરની ભાષાઓની લેવડદેવડ વધતી જવાની. માણસે હવે પોતાની જાતને વિશ્વસંસ્કૃિત માટે તૈયારી કરવાની છે. રતિભાઈએ ગુજરાતી લેક્સિકોન સી.ડી. નિર્માણ કરીને આ દિશાના દરવાજા ખોલી આપ્યા છે. તેમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. આ સોફ્ટવેર સી.ડી. રૂપે તૈયાર થયો છે. જેમાં યુનિકૉડ પદ્ધતિ વાપરવામાં આવી છે. સાથે સ્પેલચેકર પણ છે, જેથી સાચી જોડણી જાળવી શકાય. ભાષા સાથે કામ કરનારા અસંખ્ય લોકો માટે આ સેવા આશીર્વાદરૂપ નીવડી રહી છે.
હવે ‘લોકકોશ’ આવી રહ્યો છે. આ યુગ જ લોકોનો ‘લોકયુગ’ છે. જેમાં સર્વોપરી શક્તિ લોકશક્તિ સિદ્ધ થવાની છે. ‘લોકકોશ’ દ્વારા સમાજ સમક્ષ એવા આધારખંડની દુનિયા પ્રગટ થવાની છે જે ઘણી બધી નવી ક્ષિતિજો ખોલી આપશે. આ લોકકોશના શબ્દોની પસંદગી માટે માપદંડ પણ નક્કી કરાયા છે. જેમ કે – સાર્થ, બૃહદ્દ, ભગવદ્દ્ગોમંડળ. આ ત્રણેય કોશમાં ન હોય તેવા છતાં ગુજરાતી ભાષામાં લખાતા – બોલાતા હોય તેવા શબ્દો આવકાર્યા છે.
શબ્દની સાથોસાથ અર્થ પણ જણાવવા જરૂરી છે અને શક્ય બને તો એ શબ્દો ક્યાં બોલાય-સંભળાય છે તે પણ જણાવવું.
અન્ય ભાષાનો શબ્દ હોય તો જે-તે ભાષા પણ જણાવવી.
અસંસ્કૃત, અપમાનજનક, જાહેરમાં ન બોલાય અને માત્ર ખાનગીમાં જ બોલાય તેવા ગંદા, શિષ્ટ ભાષામાં અમાન્ય શબ્દો ન હોવા જોઈએ.
લોકકોશમાં શબ્દ આ રીતે ઉમેરવાના રહેશે.
સાઇટની મુલકાત, – નોંધણી કરાવો – શબ્દોની નોંધ – નિષ્ણાતોની કમિટી દ્વારા શબ્દની ચકાસણી – શબ્દદાતાને ઇ-મેઈલ – સ્વીકારાયેલા શબ્દોનો લોકકોશ સાઇટ પર સમાવેશ.
e.mail_ info@gujaratilexicon.com
ગુજરાતી ભાષાની આ કૉમ્પ્યુટર સેવાની પ્રસિદ્ધિ માટે બળવંતભાઈ પટેલ તથા ઉત્તમ ગજ્જર પ્રવૃત્ત છે. એમણે ‘કૉમ્પ્યુટર ક્લિકે’ પુસ્તિકા દ્વારા વિગતવાર માહિતી પીરસી છે.
ભાષાની શોધ અરસપરસનો સંવાદ સ્થાપવા રચાઈ છે. ભાષાની સેવા એ સંવાદને વધુ સંગીન કરવા માટેનું આયામ છે. આપણે સૌ પોતપોતાની રીતે આપણી માતૃભાષાનું ઋણ અદા કરીએ.
***
[73, Rajsthambh Society, Near Polo Ground, Rajmahel Road, VADODARA – 390 001, India]
(સૌજન્ય : “જન્મભૂમિ-પ્રવાસી”, 5 ડિસેમ્બર 2011)
મુદ્રાંકન સદ્દભાવ : વલ્લભ નાંઢા
સૌજન્ય : “ઓપિનિયન”, 26 જાન્યુઆરી 2012; પૃ. 08-09
![]()


અાપણને પરિવારની ત્યારે જ કદર થાય છે, જ્યારે અાપણે તેનાથી અળગાં પડી, દુનિયાના કોઈક ગાંડાં ટોળાંમાં એકલાં અટૂલાં અટવાયાં હોઈએ છીએ. વટવૃક્ષ હેઠળ, એશઅારામદાયી સુખસગવડો એક દા મળતી, તેનાથી વંચિત બનેલા ભારતના અા બિનરહેવાસીઅોમાં, સામાન્યપણે, અને બિનરહેવાસી ભારતીય (નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સ) ગુજરાતીઅોમાં, ખાસ કરીને, અોળખની સંક્રમણતાના અાવિર્ભાવની લાગણીઅો સતત જોવાની સાંપડે છે. સમાજ તો છેવટે પરિવારોના વિસ્તાર માત્રનો બનેલો છે ને.
Can India undergo another Emergency? The chances are slim, in part because the prime minister and law minister of the Janata government undid the Emergency-era amendments to the Constitution, and in part because it is far harder now to suppress the media — especially social media. (Illustration by: C R Sasikumar)