Opinion Magazine
Number of visits: 9692020
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ત્યારે-તમે-ક્યાં-હતા?’ વાદની વસંત

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|20 October 2015

પાયામાં કોમવાદના બહુ મોટા તફાવતને બાદ કરતાં, કોંગ્રેસ અને ભાજપનું રાજકારણ ખાસ જુદું ન હતું

જાહેર બાબતોની ચર્ચાના હેતુ, ધોરણ અને ગુણવત્તાનો પ્રશ્ન આજકાલનો નથી કે ફક્ત આ સરકારનો પણ નથી. છતાં, આ સરકારની હિંસક-મુખર જડતામાં ભળેલા વિચારાધારાકીય રસાયણને લીધે, તે જરા વધારે ગંભીર – વધારે ચિંતાજનક લાગે છે. આઝાદ ભારતના રાજકારણમાં એવું કોઇ પાપ નથી, જે ભાજપે પહેલી વાર કર્યું હોય. આઝાદીના દાયકાઓ સુધી સત્તાધારી હોવાને કારણે કોંગ્રેસે — ખાસ કરીને ઇંદિરા ગાંધીયુગની કોંગ્રેસે — કરંડિયામાંથી બધા સાપ છૂટા મૂકી દીધા હતા : જ્ઞાતિવાદ, (સેક્યુલરિઝમના અંચળા હેઠળ) કોમવાદ, લોકશાહીની હત્યા (કટોકટી), ગરીબી હટાવોનાં ગુલાબી સપનાં, ભ્રષ્ટાચાર, કૌભાંડો, વ્યક્તિવાદ, રાજકીય વારસાઈ … અને ઇંદિરા ગાંધીની હત્યા પછી શીખોનો સામૂહિક હત્યાકાંડ.

પરંતુ એ વખતે બૌદ્ધિકો ચૂપ હતા કે આંખ આડા કાન કરતા રહ્યા, એવો પ્રચાર જૂઠો છે. વિરોધની તીવ્રતા કે માત્રા વિશે કચવાટ હોઈ શકે, પણ કોંગ્રેસી કુશાસન વખતે બૌદ્ધિકો ચૂપ રહ્યા અને મોદીરાજમાં બધા અચાનક જાગી ઊઠ્યા, એવું સંઘ પરિવાર-ભાજપ એન્ડ કંપનીએ ઊભું કરેલું ચિત્ર વાસ્તવમાં જૂઠાણાં ફેલાવવાની તેમની ક્ષમતાનો ઉત્તમ નમૂનો છે. કટોકટી પહેલાંના કોંગ્રેસી રાજ વિશે મનુભાઈ પંચોળીએ ‘સોક્રેટિસ’ જેવી કૃતિઓના માધ્યમથી અને જાહેર પ્રવચનોમાં પણ ચેતવણીના ગંભીર સૂર કાઢ્‌યા હતા. તેમની મુખ્ય ચિંતા લોકશાહીના નામે ચાલતી ‘ટોળાશાહી અને લાંચ-ભ્રષ્ટાચારથી ખદબદતી મતશાહી’ વિશેની હતી. કોંગ્રેસી રાજમાં જ ઉમાશંકર જોશી ગુજરાતના જાહેર જીવનના સ્તંભ અને લોકશાહીવિરોધી બળોના ટીકાકાર તરીકે ઉભર્યા. કટોકટી વખતે તેમણે રાજ્યસભાના નિયુક્ત સભ્ય તરીકે ગૃહમાં હિંમતપૂર્વક સરકારની ટીકા કરી અને તેમના માસિક ‘સંસ્કૃિત’માં સરકારવિરુદ્ધ-લોકશાહીની તરફેણમાં સાફ શબ્દોમાં લખ્યું.

નવનિર્માણ આંદોલન અને બિહારના જયપ્રકાશ આંદોલન વખતે સંખ્યાબંધ બૌદ્ધિકો ઇંદિરા ગાંધીનાં શાસનના અનિષ્ટોની સામે પડ્યા હતા – લડ્યા હતા. સંઘ પરિવાર-જનસંઘ-ભાજપે જેનો ભરપૂર લાભ લીધો એ બિનકોંગ્રેસવાદ નકરું રાજકીય સર્જન ન હતો. તેને જન્મ અને બળ આપવામાં બૌદ્ધિકો-વિચારવંતોનો મોટો ફાળો હતો. લોહિયા-જયપ્રકાશ જેવા કેટલાક બૌદ્ધિક અને જનસંપર્ક ધરાવતા નેતાઓ બિનકોંગ્રેસવાદના મૂળમાં હતા, જેની મબલખ ફસલ સંઘ પરિવારની સંસ્થાઓએ ઉતારી. કટોકટી બિનકોંગ્રેસવાદ માટે ભરતીનો સમય બની. છતાં, મોટા ભાગના ટૂંકી દૃષ્ટિના, સ્વાર્થી નેતાઓનો શંભુમેળો કોંગ્રેસનો વિકલ્પ બની શક્યો નહીં અને ફરી એક વાર વડાપ્રધાન તરીકે ઇંદિરા ગાંધી લમણે લખાયાં.

અલબત્ત, નરેન્દ્ર મોદીના કથિત વિકાસપ્રેમનાં વખાણ કરનારો આખો વર્ગ છે, તેમ ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીનાં વખાણ કરનારો વર્ગ પણ હતો. અત્યારે જેમ વિકાસના ગુલાબી ગાલીચા તળે લોહીના ડાઘથી માંડીને કુશાસના ઉકરડા ઢાંકી દેવાય છે, તેમ કટોકટી વખતે ટ્રેનો સમયસર આવે એનાથી પ્રભાવિત થઈને કટોકટીને નજરઅંદાજ કરનારા કે તેનાં વખાણ કરનારા લોકો પણ હતા. સરકારની આંખમાં આંખ મિલાવીને સવાલ પૂછવાને બદલે એની ‘મર્દાનગી’ (ન્યૂસન્સ વેલ્યુ)થી બીવાની જાણે લોકોને મઝા આવતી હતી. કટોકટી વખતે જનસંઘના લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું,‘(સરકારે) લોકોને ઝૂકવાનું કહ્યું ને એ લેટી પડ્યા.’ નરેન્દ્ર મોદી વધારે ‘કાર્યક્ષમ’ નીકળ્યા. એમણે દેખીતી કટોકટી લાદ્યા વિના, વિકાસની વાતો અને કોમી દ્વેષના સંયોજનથી એવું રસાયણ નીપજાવ્યું કે લોકો ઝૂકવા-લેટવા ઉપરાંત ભાન ભૂલીને ઝૂમવા લાગ્યા.

૧૯૮૪માં ઇંદિરા ગાંધીની હત્યા સાથે ઇંદિરાયુગનો કરુણ અંત આવ્યો. તેના પગલે શીખ હત્યાકાંડ થયો અને રાજીવ ગાંધીએ તેમનું કુખ્યાત બનેલું નિવેદન આપ્યું, ત્યારે બૌદ્ધિકો ચૂપ ન હતા. પીપલ્સ યુનિઅન ફોર સિવિલ લીબર્ટી જેવી સંસ્થાઓએ શીખ હત્યાકાંડ વિશે વિગતે અહેવાલ તૈયાર કર્યો હતો. તેમાં ચાવીરુપ ભૂમિકા ભજવનાર પ્રો. રજની કોઠારી પ્રત્યે કૃતજ્ઞતાને કારણે શીખ ટેક્સી ડ્રાયવરો તેમની પાસેથી ભાડું લેવાની આનાકાની કરતા હતા, એવું ધીરુભાઈ શેઠ જેવા પ્રો. કોઠારીના સાથીદારો પાસેથી સાંભળ્યું છે.

પાયામાં કોમવાદના બહુ મોટા તફાવતને બાદ કરતાં, કોંગ્રેસ અને ભાજપનું રાજકારણ ખાસ જુદું ન હતું. છતાં, ભાજપ પાસે સત્તા ન આવી ત્યાં સુધી એમની વચ્ચે બહુ ફરક હોવાનો આભાસ ટકેલો રહ્યો. બધાં પ્રકારનાં પાપ કોંગ્રેસે અગાઉ કરેલાં હોવાથી, ભાજપે ‘વોટઅબાઉટીઝમ’(‘ત્યારે-તમે-ક્યાં-હતા?’વાદ)ને પોતાના આક્રમક પ્રચાર અને કહેવાતી ચર્ચાઓનું કેન્દ્રવર્તી સૂત્ર બનાવી દીધું. તમામ બાબતોમાં કોંગ્રેસના પગલે ચાલવા છતાં, ઘણી બાબતોમાં ભાજપે નવા રેકોર્ડ બનાવ્યા. શેરીમાંથી ઊભો થયેલા, ગાંધીવિરોધી-મુસ્લિમવિરોધી-ખ્રિસ્તીવિરોધી માનસિકતાવાળી માતૃસંસ્થા ધરાવતા પક્ષ તરીકે ભાજપે સવાઈ બેશરમીથી બધાં કરતૂત આચર્યાં. (જેમ કે, કોંગ્રેસે ૧૯૮૪માં શીખ હત્યાકાંડ પછી ગૌરવયાત્રા કાઢી ન હતી. નરેન્દ્ર મોદીએ ૨૦૦૨માં ગુજરાતની કોમી હિંસા પછી એ જ વર્ષે ગૌરવયાત્રા કાઢી) આ  બાબતે ભાજપ-સંઘના નેતાઓ કે સમર્થકોનો કાંઠલો પકડવામાં આવે ત્યારે તેમની પાસે જવાબરૂપી સવાલ તૈયાર હતો : ‘ત્યારે તમે ક્યાં હતા?’

એ સવાલની બાળાગોળીનું ભાજપ-સંઘ દ્વારા ધૂમ વિતરણ થયું. લોકોએ તેના પર ચોંટાડેલું રાષ્ટ્રવાદનું લેબલ વાંચીને એ હોંશેહોંશે પીધી અને તેની અસરમાં આવીને એ પણ ‘ત્યારે તમે ક્યાં હતા?’ પૂછતા થઈ ગયા. તેના જ વિસ્તાર તરીકે ઘણા લોકો અત્યારે એવોર્ડ પાછા આપનારા લેખકોની ટીકા પર અને ‘એવોર્ડ સાથે રૂપિયા પાછા આપ્યા કે નહીં?’ એવી અસંબદ્ધ ચર્ચા પર ઊતરી આવ્યા છે. પરંતુ જે કારણથી એવોર્ડ પાછા અપાઈ રહ્યા છે એની ચર્ચામાં તેમને રસ પડતો નથી. તેમની પાસે સવાલ તૈયાર છે : ‘કોંગ્રેસના રાજમાં આવું થયું ત્યારે તમે ક્યાં ગયા હતા?’

આવું પૂછનારાને સાદો સવાલ : પહેલાં એ તો કહો કે ચાલુ વર્તમાનકાળમાં બધું બની રહ્યું છે, ત્યારે તમે ક્યાં છો? તમે સ્થાપિત હિત ધરાવતા રાજનેતા કે તેમના પેઇડ પ્રચારક નથી, તો તમે કેમ ભૂતકાળની ઓથે ભરાઈને વર્તમાનની શરમ ઢાંકવા કે એને વાજબી ઠરાવવા કોશિશ કરો છો? કોંગ્રેસી શાસન વખતે વાજબી રીતે પ્રગટેલો ભ્રષ્ટાચારવિરોધનો ઉત્સાહ વ્યાપં ને લલિત મોદીની વાત આવે ત્યારે કેમ ગલ્લાંતલ્લાં પર કે ટેક્‌નિકલ બાબતો પર ઊતરી અને કંઈ જ ન સૂઝે ત્યારે ‘તમે ક્યાં હતા?’ પર ઊતરી જાય છે?

કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી આપ, સરવાળે તે એટલાં જ સીધાં છે, જેટલાં તેમને રાખવામાં આવે. આપણું કામ એમના ચગડોળે ચડવાનું કે એમના ‘વોટઅબાઉટીઝમ’ના ચિયરલીડર બનવાનું નથી. તેમની પાસેથી જવાબો માગવાનું છે. એવોર્ડ પાછા આપનારા લેખકો પાસેથી જવાબ માગવામાં રાખ્યો, એનાથી અડધો ઉત્સાહ સત્તાધીશો પાસેથી જવાબ માગવાનો રાખ્યો હોત તો?

પર વો દિન કહાં …

સૌજન્ય : ‘આભાર અને વાસ્તવ’, “દિવ્ય ભાસ્કર”, October 20, 2015

http://www.divyabhaskar.co.in/news/ABH-urvis-kothari-article-on-congress-and-bjp-politics-5146199-NOR.html

Loading

ઇતિહાસનું પુનરાવર્તન : અરુણ જેટલી હવે મોહન કુમારમંગલમની ભાષા બોલી રહ્યા છે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|20 October 2015

ઇન્દિરા ગાંધીના વારાના પહેલા અનુભવનો નિચોડ એ છે કે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ ચૂંટાયેલા છે એટલે બંધારણથી ઉપરવટ નથી. બંધારણ સર્વોચ્ચ છે અને બંધારણીય સંસ્થાઓ એકસરખું મહત્ત્વ ધરાવે છે, પછી એ સંસદ હોય કે અદાલત. શાસકો ચૂંટાયેલા છે એટલે તેઓ સર્વોપરી નથી બની જતા

સર્વોચ્ચ અદાલતે નૅશનલ જુડિશ્યલ અપૉઇન્ટમેન્ટ્સ કમિશન ધારાને ગેરબંધારણીય ઠરાવીને ફગાવી દીધો એ પછી કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ ન્યાયતંત્ર પર સીધો હુમલો કર્યો છે. તેમણે લોકશાહીની વ્યાખ્યા કરતાં કહ્યું હતું કે લોકશાહીમાં જે શાસનસંસ્થાઓ લોકોનું પ્રતિનિધિત્વ નથી કરતી એમની દાદાગીરી ચલાવી ન લેવાય. લોકશાહીમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓ જ સાચો બંધારણીય લોકતાંત્રિક અધિકાર ધરાવે છે. અરુણ જેટલીના શબ્દો આ મુજબ હતા: Democracy could not be a tyranny of unelected. Decmocracy would be in danger if the elected are undermined. અરુણ જેટલીએ પોતાનો આ અભિપ્રાય તેમની ફેસબુકની વૉલ પર મૂક્યો હતો. આ રીતે કદાચ તેઓ એમ કહેવા માગે છે કે આ તેમનો અંગત અભિપ્રાય છે અને સરકાર વતી તેઓ કંઈ નથી કહી રહ્યા. કેન્દ્રના કાયદાપ્રધાન ડી. વી. સદાનંદ ગૌડાએ સભ્ય ભાષામાં કહ્યું હતું કે સરકાર હવે પછી શું કરવું જોઈએ એ ચુકાદાનો અભ્યાસ કરીને ઠરાવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે વિરોધ પક્ષો સાથે આ વિશે વાત કરવામાં આવશે.

લોકતંત્રમાં લોકોના પ્રતિનિધિઓ જ લોકોનું સાચું પ્રતિનિધિત્વ કરે છે એવી જેટલીસાહેબની દલીલ છે. તેઓ ચૂંટણી લડે છે, લોકોની વચ્ચે પોતાનો શાસનનો એજન્ડા લઈને જાય છે, લોકોનું અનુમોદન (મૅન્ડેટ) મેળવે છે અને એ એજન્ડાને લાગુ કરવાની જવાબદારી પણ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓની છે. જો નહીં ચૂંટાયેલા (પણ બંધારણીય અધિકારો ધરાવનારા) લોકો તેમના માર્ગમાં અવરોધ પેદા કરે તો ન લોકતંત્ર ચાલી શકે કે ન શાસન થઈ શકે. લોકપ્રતિનિધિઓ લોકોને જવાબ આપવા બંધાયેલા છે, બંધારણીય સત્તા ધરાવતા લોકો નિવૃત્તિ પછી પેન્શન ખાય છે. એટલે અરુણ જેટલીના બે શબ્દપ્રયોગ બોલકા છે :

Tyranny of unelected  અને elected are undermined. આ દલીલ છે આકર્ષક, પણ એટલી જ ખતરનાક છે. ઇન્દિરા ગાંધીના યુગમાં આનો અનુભવ થઈ ચૂક્યો છે. અરુણ જેટલીને પોતાને આનો અનુભવ થઈ ચૂક્યો છે. ઇમર્જન્સીમાં તેઓ જેલમાં રહી આવ્યા છે.

કૉન્ગ્રેસના જમણેરી વડીલો સામે પોતાની જગ્યા બનાવવા ઇન્દિરા ગાંધીએ સમાજવાદી ચહેરો ધારણ કર્યો હતો. પ્રાઇવેટ બૅન્કો અને કોલસાની ખાણોનું રાષ્ટ્રીયકરણ, રાજાઓનાં સાલિયાણાંની નાબૂદી, જમીનદારીનો અંત, સંપત્તિ પર ટોચમર્યાદા, ઇજારાશાહી પર અંકુશ જેવા કેટલાક પ્રશ્નો ઇન્દિરા ગાંધીએ સરકારના એજન્ડા તરીકે પ્રસ્તુત કર્યા હતા અને કેટલાક ઉપસ્થિત થયા હતા. હવે સવાલ એ પેદા થયો કે સંપત્તિ મૂળભૂત અધિકાર કહેવાય કે ન કહેવાય? જો કહેવાય તો સરકાર બંધારણ દ્વારા સુરક્ષિત કરવામાં આવેલા મૂળભૂત અધિકારોને હાથ ન લગાડી શકે અને એ સંજોગોમાં સરકારી કાયદાઓ દ્વારા સમાજવાદ લાવી ન શકાય. સંપત્તિ ધરાવવાના અધિકારને મૂળભૂત અધિકાર કહેવાય કે ન કહેવાય એનો ખુલાસો માગવા એક પછી એક ખટલાઓ સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા જેમાં સર્વોચ્ચ અદાલત સરકારની વિરુદ્ધ ચુકાદાઓ આપતી હતી.

એ સમયે ઇન્દિરા ગાંધીએ અને વકીલોની તેમની બ્રિગેડે ચૂંટાયેલા શાસકોની સર્વોપરિતાની દલીલનો આશરો લીધો હતો. એ બ્રિગેડમાં એ સમયના પ્રસિદ્ધ વકીલ મોહન કુમારમંગલમ, સિદ્ધાર્થ શંકર રાય, રજની પટેલ, એચ. આર. ગોખલે વગેરેનો સમાવેશ હતો. આ દલીલની બીજી બાજુનો હજી દેશને અનુભવ થયો નહોતો એટલે લોકતંત્રનાં ઓવારણાં લઈને ડાબેરી સમાજવાદી વિચારો ધરાવનારા વિરોધ પક્ષોએ પણ સરકારને ટેકો આપ્યો હતો. બૅરિસ્ટર નાથ પાઈ તો ચૂંટાયેલા શાસકોની સર્વોપરિતા સિદ્ધ કરવામાં અગ્રેસર હતા. જો ઇમર્જન્સી આવતાં પહેલાં તેમનું અવસાન ન થયું હોત તો તેઓ પણ પોતે જ કંડારેલા માર્ગે જેલમાં ગયા હોત.

અમે ચોક્કસ એજન્ડા સાથે જનતાની વચ્ચે ગયા હતા અને જનતાએ અમને અનુમોદન (મૅન્ડેટ) આપ્યું છે એટલે એ લાગુ કરવાની અમારી ફરજ પણ છે અને અધિકાર પણ છે. અદાલત કહેતી હતી કે તમારો એજન્ડા અને જનતાનો મૅન્ડેટ બંધારણીય જોગવાઈઓ તેમ જ મર્યાદાઓને અતિક્રમી ન શકે. આ મડાગાંઠનો એક જ ઉપાય હતો – અદાલતોને નબળી પાડવી. અદાલતોને નબળી પાડવી હોય તો જજોની નિયુક્તિમાં ચેડાં કરવાં જોઈએ. વીણી-વીણીને માફક આવે એવા જજોની નિયુક્તિ કરો અને માફક ન આવે એવા જજોને ઉપલી અદાલતોથી દૂર રાખો. નિયુક્ત કરવામાં આવેલા જજોને પણ ઊભા પગે રાખવાના એટલે ડરેલા રહે. જજોની ટ્રાન્સફરનો અધિકાર કેન્દ્ર સરકારે પોતાના હાથમાં લઈ લીધો હતો. આ બધું કમિટેડ જુડિશ્યરીના નામે થતું હતું. કહેવા માટે કમિટમેન્ટ આર્થિક સમાનતા માટેનું, પરંતુ વાસ્તવમાં કમિટમેન્ટ ઇન્દિરા ગાંધી માટેનું. વિરોધ પક્ષોની જ્યારે આંખ ખૂલી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. સર્વોચ્ચ અદાલતની કમર તોડી નાખવામાં આવી હતી અને હવે વિરોધ પક્ષના નેતાઓએ જેલમાં જવાની તૈયારી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

હવે એમ લાગે છે કે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં નરેન્દ્ર મોદી છે અને મોહન કુમારમંગલમની ભૂમિકામાં અરુણ જેટલી છે. એ જ લક્ષણ અને એ જ ભાષા. ડિટ્ટો. કોઈ ફરક નહીં. એકાધિકારશાહી માણસનું કદાચ આ સ્થાયી લક્ષણ હશે.

ઇન્દિરા ગાંધીના વારાના પહેલા અનુભવનો નિચોડ એ છે કે ના, ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ ચૂંટાયેલા છે એટલે બંધારણથી ઉપરવટ નથી. બંધારણ સર્વોચ્ચ છે અને બંધારણીય સંસ્થાઓ એકસરખું મહત્ત્વ ધરાવે છે, પછી એ સંસદ હોય કે અદાલત. પાંચ વર્ષે પ્રજા સમક્ષ જવું પડતું હોવાથી શાસકો આપોઆપ અંકુશમાં રહેશે અને નહીં રહે તો પ્રજા તેમને દંડશે એવા ભરોસે જો બંધારણકર્તાઓ બેસી રહ્યા હોત તો કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ, નાણાપંચ, માનવઅધિકાર પંચ, નાણાકીય વ્યય પંચ (એક્સપેન્ડિચર કમિશન), ચૂંટણીપંચ, વહીવટી સુધારાપંચ, કેન્દ્રીય માહિતીપંચ જેવી કેન્દ્ર માટે ૨૭ અને રાજ્યો માટે ૪૬ બંધારણીય સ્વાયત્ત સંસ્થાઓની રચના જ ન કરી હોત. આ સંસ્થાઓમાં બેઠેલા લોકો નિવૃત્તિ પછી ભલે પેન્શન ખાતા હોય, પરંતુ તેમનું કામ શાસકો પર નજર રાખવાનું છે અને એ કામ બંધારણે સોંપેલું છે.

શાસકો ચૂંટાયેલા છે એટલે તેઓ સર્વોપરી નથી બની જતા. અને બાય ધ વે, અરુણ જેટલી તો લોકો દ્વારા ચૂંટાયેલા પણ નથી. લોકસભાની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. જો જનતાના અવાજની આટલી બધી કદર ધરાવતા હોત તો તેમણે પ્રધાન નહોતું બનવું જોઈતું.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 20 અૉક્ટોબર 2015

http://www.gujaratimidday.com/features/columns/history-revisited-arun-jaitley-is-now-speaking-language-mohan-kumaramangalamani-arun-jaitley-is-now-speaking-language-of-mohan-kumarmangalam

Loading

મૅન્યુફૅક્ચર્ડ પ્રોટેસ્ટ : જો વિદ્રોહ ઉત્પાદિત કરી શકાતો હોત તો કૉન્ગ્રેસને ઉથલાવતાં સંઘપરિવારને નવ દાયકા ન લાગ્યા હોત

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|19 October 2015

વધતી અસહિષ્ણુતાના વિરોધમાં સાહિત્યકારો અને સર્જકો સરકારી માન-સન્માન પાછાં કરી રહ્યા છે એ જોઈને સરકાર હેબતાઈ ગઈ છે. એણે ધાર્યું નહોતું કે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ એમ ચારેકોરથી એવા લોકો બહાર નીકળશે જે રૂઢ અર્થમાં સેક્યુલરિઝમના ઝંડાધારી નથી કે ઝોળાવાળા કર્મશીલો નથી. એમાંના કેટલાક એવા લોકો છે જેમનાં અત્યાર સુધી નામ પણ અજાણ્યાં હતાં. એક સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિની છે જેણે રાજ્ય સરકારનો પુરસ્કાર પાછો કર્યો છે અને બીજા એક વિદ્યાર્થીએ શિક્ષણપ્રધાન સ્મૃિત ઈરાનીના હાથે પુરસ્કાર લેવાની ના પાડી દીધી છે.

ક્યાંથી આ અવાજ ઊઠ્યો? જવાહરલાલ નેહરુનાં ભાણી નયનતારા સેહગલ અવાજ ઉઠાવનારાં પહેલાં સાહિત્યકાર હતાં એ તો એક નિમિત્ત માત્ર છે. અવાજ ક્યાંક ઊંડે-ઊંડે ઘૂંટાતો હતો અને અભિવ્યક્તિનો મોકો શોધતો હતો. ગૂંગળામણની પણ એક ભાષા હોય છે જે યોગ્ય સમયે અને સામૂહિકપણે અવાજ ધારણ કરતી હોય છે. માનવીય મૂલ્યોના પક્ષધરો સતત ઊહાપોહ કરતા રહે છે જેને રોજના કકળાટ તરીકે નજરઅંદાજ કરી શકાય છે, પરંતુ એને જ્યારે હોંકારો મળવા લાગે ત્યારે ભલભલા શાસકો થથરી જાય છે. અચાનક માનવતાના સાદને હોંકારા મળી રહ્યા છે જેની સરકારે અપેક્ષા નહોતી રાખી.

અકળાવનારો અવાજ કાને પડવા લાગે ત્યારે શરૂઆતમાં તો એની ઠઠ્ઠા કરવામાં આવે છે. એ પછી પણ જ્યારે એ અવાજ બળકટ બનવા લાગે ત્યારે એની ઉપેક્ષા કરવામાં આવે છે અને એ એની રીતે શાંત પડી જાય ત્યાં સુધી રાહ જોવામાં આવે છે. જો અવાજ એ છતાં પણ શાંત ન પડે ત્યારે એમાં કાવતરું જોવામાં આવે છે અને એ પછી પણ જ્યારે અવાજ શાંત નથી પડતો ત્યારે શાસકોએ અવાજના પક્ષે રસ્તો કરી આપવો પડતો હોય છે. દાદરી ઘટના પછી નયનતારા સેહગલ અને હિન્દી સાહિત્યકાર અશોક વાજપેયીએ સાહિત્ય અકાદમીના પુરસ્કાર પાછા કર્યા ત્યારે તેમની ઠઠ્ઠા કરવામાં આવી હતી. કેરી ખાઈ લીધી, હવે ગોટલા પાછા આપવામાં આવી રહ્યા છે અથવા પુરસ્કારની રકમ તો આપી, વ્યાજ કોણ આપશે વગેરે. એ પછી પણ જ્યારે પુરકાર પાછા કરવાની ઘટના વણથંભી ચાલુ રહી ત્યારે એની ઉપેક્ષા કરવામાં આવી હતી અને હવે સરકારને એમાં કાવતરું અને એ પણ આંતરરાષ્ટ્રીય કાવતરું નજરે પડી રહ્યું છે.

નાણાપ્રધાન અરુણ જેટલીએ પુરસ્કાર પાછા કરવાની ઘટનાઓને મૅન્યુફૅક્ચર્ડ પ્રોટેસ્ટ તરીકે ઓળખાવ્યો છે. કોઈ એક જગ્યાએ બેસીને કાવતરાના ભાગરૂપે ઉત્પાદિત કરવામાં આવેલો પ્રતિકાર. જેટલીસાહેબનો આ ફ્રેઝ વિશ્વપ્રસિદ્ધ ભાષાવિદ અને પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ નોમ ચોમ્સ્કી દ્વારા પ્રેરિત છે. મૅન્યુફૅક્ચરિંગ કન્સેન્ટ એ ચોમ્સ્કીનો ફ્રેઝ છે. મૂડીવાદી સમાજ માર્કેટિંગ દ્વારા પોતાને માફક આવે એવું વિકાસનું પ્રિસ્ક્રિપ્શન જગત આખામાં વેચે છે. વિકાસનો પશ્ચિમનો ઢાંચો અપનાવવામાં જ તમારું કલ્યાણ છે એવો એકસરખો સૂર કાઢવામાં આવે છે. વર્લ્ડ બૅન્ક, ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ, હેરિટેજ ફાઉન્ડેશન જેવી અમેરિકન સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવેલી સવર્‍સંમતિને વૉશિંગ્ટન કન્સેસસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

માર્કેટિંગ દ્વારા કન્સેન્ટ (સંમતિ) તો પેદા થઈ શકે, પરંતુ પ્રોટેસ્ટ પણ પેદા થઈ શકે એ પહેલી વાર સાંભળવા મળ્યું. જો કાવતરાં કરીને વિદ્રોહ થતાં હોત તો અંગ્રેજો ભારતમાં બે સદી રાજ ન કરી શક્યા હોત, ગોરાઓ આફ્રિકામાં શોષણ ન કરી શક્યા હોત અને આઝાદી પછી ભારતમાં કૉન્ગ્રેસ પાંચ દાયકા રાજ ન કરી શકી હોત. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તો નવ દાયકાથી ગાંધી અને નેહરુની કલ્પનાના ભારતને નકારવા મથી રહ્યો છે. નાગપુરમાં બેસીને તેઓ વિદ્રોહનું ઉત્પાદન કરી શક્યા હોત. જો પ્રોટેસ્ટનું મૅન્યુફૅક્ચરિંગ થતું હોત તો આ જગતમાં અરાજકતા હોત. આજકાલ સોશ્યલ મીડિયાના યુગમાં આવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જેમાં લોકો વિચારે છે ઓછું અને બોલે છે વધુ. અરુણ જેટલીને એટલી જાણ હોવી જોઈએ કે વિદ્રોહનાં પોતાનાં પરિમાણો (ડાયનૅમિક્સ) હોય છે અને એને પેદા નથી કરી શકાતાં. હા, એને નિવારી શકાય છે, પરંતુ એ માટે રસ્તો બદલવો પડે. ૧૮૫૭ના વિદ્રોહ પછી અંગ્રેજોએ બીજી વાર વિદ્રોહ ન થાય એ માટે ભારતનો વહીવટ કંપની સરકાર પાસેથી પોતાના હાથમાં લઈ લીધો હતો અને રાજ્યને પરવડે એટલું જવાબદાર બનાવ્યું હતું.

કેન્દ્ર સરકાર પાસે બે વિકલ્પ છે. કાં તો એણે અંગ્રેજોએ જેમ શાસનની ગુણવત્તા સુધારી હતી અને ભારતની પ્રજાને પ્રમાણમાં જવાબદાર રાજ્ય આપ્યું હતું એમ ભારતનું અને ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોનું શાસન બંધારણીય મૂલ્યો આધારિત અને એની મર્યાદામાં રહીને કરવું જોઈએ. લોકતંત્ર, સહિષ્ણુતા, સેક્યુલરિઝમ ભારતનાં બંધારણીય મૂલ્યો છે અને શાસકનો ધર્મ છે જેને ૨૦૦૨માં અટલ બિહારી વાજપેયીએ રાજધર્મ ગણાવ્યો હતો. વાજપેયીને એ અમૂલ્ય સલાહ પાછી નરેન્દ્ર મોદીને જ આપી હતી જે અત્યારે વધારે જવાબદારીનો હોદ્દો ધરાવે છે. જો એ સ્વીકાર્ય ન હોય તો તેમણે એટલે કે સકળ સંઘપરિવારે મુક્તપણે પોતાના અસલી એજન્ડા સાથે બહાદુરીપૂર્વક બહાર આવવું જોઈએ. મુસોલિની, તાલિબાન, ઇસ્લામિક બ્રધરહુડના નેતાઓ વગેરેએ કોઈ પણ પ્રકારનો ઢોંગ કર્યા વિના સહઅસ્તિત્વના સેક્યુલર રાજ્યને નકાર્યું હતું અને નકારી રહ્યા છે. તેમની હિંમતને અને પ્રામાણિકતાને તો દાદ આપવી જ જોઈએ. એક માણસ ઊંબાડિયાં કરે, બીજો દાદ આપે, ત્રીજો બચાવ કરે, ચોથો વારે, પાંચમો હિન્દુ સભ્યતાની દુહાઈ આપે, છઠ્ઠો કાવતરાંની વાતો કરે અને સાતમો સેક્યુલરિઝમ તેમ જ વિકાસની વાતો કરે એવું નાટક શા માટે કરો છો? આવી જાઓ મેદાનમાં તમારા અસલી ચહેરા સાથે. હિંમત અને પ્રામાણિકતા ન હોય એને સાચો હિન્દુ કઈ રીતે કહી શકાય.

પાંચ દિવસ પછી દશેરા આવે છે જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. સંઘના સરસંઘચાલક દશેરાના દિવસે સ્વયંસેવકોનું માર્ગદર્શન કરે છે. નવ દાયકા જૂની આ પરંપરા છે. આ વખતે સરસંઘચાલક મોહન ભાગવતે હિંમતપૂર્વક સંઘનો અસલી એજન્ડા અને સાચો ચહેરો પ્રગટ કરી દેવા જોઈએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 19 અૉક્ટોબર 2015

http://www.gujaratimidday.com/features/columns/is-rashtriya-swayamsevak-sangh-manufacturing-product-2

Loading

...102030...3,7283,7293,7303,731...3,7403,7503,760...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved