Opinion Magazine
Number of visits: 9552599
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Broken Republic : ગણતંત્ર તૂટેલું કે તોડી પડાયેલું?

અગન માર્ક્સપ્રિય, અગન માર્ક્સપ્રિય|Opinion - Opinion|20 January 2016

મારે તમને એક પ્રશ્ન પૂછવો છે.

એક પુસ્તક, માત્ર એક પુસ્તક શું આપણા વિશ્વ અને આપણી આસપાસ બનતી ઘટનાઓ વિશેની સમજણ રાતોરાત બદલી શકે? જો તમારો જવાબ ‘ના’માં હોય, તો તમારે આ પુસ્તક વાંચવાની તાત્કાલિક જરૂર છે.

આ પુસ્તક Broken Republic (બ્રૉકન રિપબ્લિક − તૂટેલું ગણતંત્ર) છે કે જેની આજે મારે વાત માંડવી છે, તે એક ચુંબક જેવું છે.

There are worse crimes than burning books. One of them is not reading them. (પુસ્તકને ન વાંચવું એ, તે પુસ્તકને બાળી નાખવાથી પણ વધુ જઘન્ય અપરાધ છે.)        —જૉસેફ બ્રોડસ્કી

મને યાદ છે એ દિવસ. શુક્રવારનો દિવસ. સખત ભાગદોડનો દિવસ, મારે કોઈને મળવાનું હતું અને એ મારી ટેવ છે કે જો મારા હાથમાં હોય, તો મુલાકાતનું સ્થળ કોઈને કોઈ book-store અથવા libraryમાં અથવા આસપાસ રાખું, જેથી કરીને સામેની વ્યક્તિ આવવામાં મોડી પડે, તો મને પુસ્તકોની વચ્ચે રહેવાની એક તક મળી જાય. અને થયું પણ exactly એમ જ. મળવા આવનાર વ્યક્તિ કોઈ કારણસર ૧૫ કે તેથી વધારે મિનિટ સુધી આવ્યા નહીં. અને હું પાસેના એક book-storeમાં ઘૂસી ગયો. થોડીવાર પછી અચાનક એક સાજાસમા shelf ઉપર Broken Republic મળી ગયું.

એ પળથી બીજા બે દિવસ સુધી, આ પુસ્તક સતત મને બોલાવતું રહ્યું, સાદ પાડતું રહ્યું અને એને વાંચવાનો સમય સ્વાભાવિક રીતે જ દિવસ દરમિયાન ન મળે. એટલે રાત્રે જમ્યા પછી તરત જ તેની સાથેની મારી યાત્રા શરૂ! અને બધાં જ અદ્દભુત પુસ્તકોની માફક, એ યાત્રા તેની સાથે પૂરી થવાને બદલે વધુ તેજ બની.

અને હું, જેવો એ યાત્રામાં જોડાયો હતો, જેવી માનસિકતા સાથે, જેવા જ્ઞાન સાથે, જેવી સમજણ સાથે એવો ને એવા બહાર ન નીકળી શક્યો. બહાર નીકળ્યો, ત્યારે એક અલગ માણસ, એક અલગ ચેતના, એક અલગ જ દૃષ્ટિકોણ ધરાવતો કોમરેડ બની ગયેલો.

હા, કોમરેડ બિરાદર.

ઑફ કોર્સ, મને જાણતા બધા જ લોકો, એ પણ જાણે છે કે હું એક સામ્યવાદી, માર્ક્સવાદી વ્યક્તિ છું. એક કોમરેડ, એક બિરાદર છું જ. જો કોમરેડ છું જ, તો પછી કોમરેડ બની ગયો, એવા વાક્યનો અર્થ શું? અર્થ એટલો જ કે મને પહેલી વખત ‘હું કોમરેડ છું?’ એવો અહેસાસ થયો. કોમરેડના નામથી મને પણ લોકો બોલાવે જ છે પણ કોમરેડ હોવાનો અર્થ અને આજના સમયની પરિસ્થિતિમાં એક કોમરેડનાં શું કર્તવ્ય હોવાં જોઈએ, એ વાત મને પ્રથમ વખત સ્પષ્ટ સમજાણી.

કદાચ, બધી જ સામ્યવાદી પાર્ટીઓએ, આ પુસ્તકને તેમના કાર્યકર્તાઓને ફરજિયાતપણે ભણાવવું જોઈએ.

પણ,  ‘કદાચ’ એ વધારે પડતી વાત નહીં થઈ જાય?

કેમ કે, આ પુસ્તકની લેખિકા, અરુંધતી રૉય, તો કૉમ્યુિનસ્ટ પણ નથી! અને કૉમ્યુિનસ્ટ પાર્ટીઓમાં તો મોટા-મોટા વિદ્વાનો (સંપૂર્ણ-ગંભીરતાથી કહું છું) છે. તેમને એક નૉન-કૉમ્યુિનસ્ટ સામાજિક ચળવળકાર શું શિખવાડી શકે?

ના, આ પુસ્તક કોઈને કશું શિખવાડવા માટે નથી. તે માત્ર તમને વિચારતા કરી દે છે અને એ જ, આ પુસ્તકનો હેતુ છે – વાચકને વિચારતા કરવાનો.

આ પુસ્તકની રૂપરેખા, સામાન્ય રીતે લખાતાં પુસ્તકો કરતાં અલગ છે. આ પુસ્તક, આપણા ઘણા લેખકો લખે છે, તેમ ઍર-કંડિશનર ઓરડાઓમાં બેસીને લખાયેલું નથી. તે યુદ્ધસ્થળની વચ્ચે જઈને, લેખિકા કહે છે તેમ, ગ્રાઉન્ડ ઝીરો પર સંઘર્ષરત જીવનું જોખમ લઈને લોકોની વચ્ચે જઈને લખાયું છે.

જીવનું જોખમ?

કોઈને થશે, એક પુસ્તક લખવામાં જીવનું જોખમ?

પણ જો તમે કલબૂર્ગીથી માંડીને પાનસરે સુધી કશું પણ જાણતા હોવ તો, આ પ્રશ્ન કેટલો બાલિશ છે, તે સમજી શકશો. આજે દેશમાં શાસકો અને તેમના મળતિયાઓને – કાયર હત્યારાઓને સત્ય કેટલું અણગમતું હોય છે તે જાણી શકશો. તે મુક્ત અવાજોને સહન કરી શકતા નથી, એટલે મુક્ત અવાજો બંધ કરી દેવા તથા મિટાવી દેવા, બધા જ હથકંડા અપનાવતાં તે લોકો અચકાતા નથી.

તમે તમારી વૃદ્ધ પત્ની સાથે વહેલી સવારે morning walk ઉપર જતાં હોવ અને ગોળી મારી દેવામાં આવે, એ સૌથી સરળ અને ફાવે એવી રીત છે. એનાથી વધારે complecated પદ્ધતિઓ પણ છે. સરકાર તમને માઓવાદીઓ સાથે તમે મળેલા છો, એવા શકના આધારે પણ પકડી શકે. પકડીને, કોઈ પણ કોર્ટમાં રજૂ કર્યા વગર, મન થાય ત્યાં સુધી ગોંધી રાખી શકે.

નથી મનાતુંને ?

તો પૂછો, પ્રો. જી.એન. સાંઈબાબાને.

તો પૂછો, પ્રો. અપ્પાને.

હું તમને એવાં અસંખ્ય નામ આપી શકું, જેમને સરકારે, માઓવાદીઓ સાથેનો સંપર્ક હોવાના વહેમ માત્રથી ગોંધી રાખ્યા છે, ગેરકાયદેસર રીતે (હાઈકોર્ટનો ચૂકાદો – માઓવાદી વિચાર ધારા ધરાવવી એ ગૂનો નથી.) પણ આગળ વધતાં પહેલાં, હું તમને ફરીથી એક પ્રશ્ન પૂછવા માગું છું. તમારી દૃષ્ટિએ, આપણા દેશ માટે સૌથી મોટો ખતરો કોણ છે?

મેં આ પ્રશ્ન અસંખ્ય લોકોને પૂછ્યો છે અને રસપ્રદ રીતે, મહદ્અંશે જવાબ એક જ મળ્યો છે.

આતંકવાદીઓ, લશ્કરે-તોયબા/તાલીબાન વિગેરે.

પણ આપણા દેશના શાસકો, માઓવાદીઓને માને છે.

વર્ષ ૨૦૧૦માં તત્કાલીન વડાપ્રધાને માઓવાદીઓને દેશની સુરક્ષા માટે સૌથી મોટો આંતરિક ખતરો ગણાવ્યો હતી અને ત્યારથી અત્યાર સુધી એક પછી એક છેડાયેલાં યુદ્ધો (Operation Green Huntને બીજું શું કહીશું?) એ વાતની ગવાહી પૂરે છે કે નવી સરકાર પણ એ જ માને છે.

એટલે જે લોકોને આપણા દેશની એક પછી એક બધી સરકારો સૌથી મોટી ખતરા માને છે, જેમની સાથે સંબંધ હોવાના આભાસ માત્રથી તમને જેલમાં પૂરી દેવામાં આવે, તેવા લોકોની વચ્ચે જઈને રહેવું, તેમને જાણવા અને સમજવાનો પ્રયત્ન, અભાવો વચ્ચે, ઘનઘોર જંગલો વચ્ચે જઈને કરવો, એને માટે જબરજસ્ત હિંમત જોઈએ.

અરુંધતીમાં એ હિંમત છે.

એ જંગલોમાં જઈને, માઓવાદીઓની વચ્ચે રહીને, એક investtigative journalistની જેમ એક સંપૂર્ણ અહેવાલ આપણી સમક્ષ રજૂ કરે છે. એ અહેવાલ એટલે : Broken Republic.

તમને થશે, ઓકે. ખૂબ હિંમત કરીને લખાયેલું છે એ માન્યું, એ પણ માન્યું કે ખૂબ મહેનત કરીને લખાયું છે. પણ આખરે છે તો એક પુસ્તક જ ને?

અને એક પુસ્તક વળી (હા, કોઈ ધાર્મિક ગ્રંથ હોય, તો અલગ વાત છે) શું એટલું મહત્ત્વનું હોઈ શકે?

ના, હું માનું છું કે આ પુસ્તક અત્યંત મહત્ત્વનું છે.

આ પુસ્તક એવા દરેક માણસ માટે છે, જે અંદરથી મરી નથી ગયો. આ પુસ્તક મારા-તમારા જેવા લાખો ને કરોડો એવા લોકો માટે પણ છે જેઓ બહુ જ ભોળપણથી આપણા શાસકો વડે રમાતી લોકશાહી – લોકશાહીની રમતને બહુ ગંભીરતાથી લે છે. એવા લોકોને હું ચેતવું છું કે તમે આ પુસ્તક ના વાંચતાં. અત્યાર સુધી આપણી લોકશાહી વિશેની તમારી સઘળી માન્યતાઓ અરણ્યમાં ઊડતાં સૂકાં પાંદડાંઓની માફક હવામાં ઊડી જવાની પૂરેપૂરી શક્યતા છે.

આ પુસ્તક સામ્યવાદીઓ માટે પણ છે. કદાચ સૌથી વધુ એમના માટે જ છે.

આપણા દેશમાં કુલ કેટલા સામ્યવાદી પક્ષો છે? ૭૫થી વધુ! હા. આટલા બધા. એમનાં નામ પણ એટલાં જ રસપ્રદ છે. જેમ કે, એક છે સત્ય શોધક કોમ્યુિનસ્ટ પાર્ટી બીજી છે. CPI (ML) (M) (N).

આ બધા કઈ વાત પર સહમત છે અને કઈ વાત ઉપર અસહમત? બધા જ માને છે કે આ મૂડીવાદી યુગ છે. બધા જ માને છે કે ક્રાંતિ જ આ શોષણના યુગને ખતમ કરી શકે છે. પણ વિવિધ પક્ષો અને અરુંધતી વચ્ચેની અસમાનતા અહીં જ પૂરી થાય છે. ગૂંચવાડો ક્રાંતિના સ્વરૂપ વિશે છે. ક્રાંતિ કેવી રીતે થશે અને કોણ કરશે?

કામદારવર્ગ જ ક્રાંતિ કરી શકે એવો, એક લગભગ અધિકારિક કહી શકાય તેવો મત પણ છે તો આપણી સામે ચીનની ક્રાંતિ પણ છે. જેઓ ચૂંટણીઓ લડીને સત્તા કબજે કરવા માંગે છે. આવા બધા જ સામ્યવાદી પક્ષોને સંસદીય ગ્રૂપમાં મૂકી શકાય અને હથિયારો વડે રાજ્યને ઉથલાવીને સત્તા હસ્તગત કરી શકાય તેમ માનનારા માઓવાદી જેવા પક્ષો પણ છે.

પણ વચ્ચે એક બીજી વાત.

અરુંધતીનો એક ઉપકાર આપણી ઉપર છે. આપણી બેવકૂફીની હદે કહી શકાય તેવી ભોળપણ ભરી લોકશાહી વિશેની માન્યતાઓને તે સીધી કરી દે છે.

આપણા વડાપ્રધાનો કે બીજા પ્રધાનો કે અધિકારીઓ કે જજો, આપણા સાચા શાસકો નથી. સત્તા ખરેખર જેમના હાથમાં છે, તે અંબાણી, અદાણી, તાતા અને બિરલા જેવા દેશી અથવા વિદેશી મૂડીવાદીઓ છે.

સામાન્ય રીતે માનવામાં આવે છે કે કૉંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બે અલગ વિચારધારાઓવાળી પાર્ટીઓ છે. પણ આ પુસ્તક સમજાવે છે એમ તેમની વચ્ચે આર્થિક નીતિઓ (મૂડીવાદીઓને લૂંટનો સંપૂર્ણ દોર આપવો) વિશે કોઈ ફરક નથી. ફરક માત્રનો ઘર્મનો રાજકારણમાં કેટલો અને કેવો ઉપયોગ કરવો તે વિશે છે.

આ પુસ્તક આપણું ધ્યાન એ બાબત તરફ ખેંચે છે કે માણસનું માણસના હાથે શોષણ થાય છે એ વાત સાચી, પણ માણસ એના વાતાવરણમાં રહે છે. તેની આજુબાજુ એક પર્યાવરણ છે. માણસ શૂન્યતામાં, ક્યાંક હવામાં મૂકેલો નથી રહેતો. એનું પર્યાવરણ – તેમાં જંગલો છે, નદીઓ છે, પર્વતો છે, કિલ્લોલ કરતાં પંખીઓ છે. પાલતુથી માંડીને ખતરનાક સુધીનાં જીવજંતુઓ છે.

મૂડીવાદીઓ પોતાના પૈસા અને મસલની તાકાત ઉપર માણસનું તો શોષણ કરે જ છે, સાથોસાથ પર્યાવરણનો પણ ખો કાઢે છે. તે જંગલોને કાપે છે, બાળે છે. પર્વતોને ખોદે છે, નદીઓ પર ખૂબ મોટા ડેમ બનાવે છે અને માનવજાત સહિત સમગ્ર પર્યાવરણને ખતમ કરે છે.

આપણો પ્લેનેટ. આપણું ઘર – આ અદ્દભુત પૃથ્વી ખતમ થઈ જશે. એવી એક ભીતિ લેખિકાને સતાવે છે.

તે પૂછે છે, તમારી પાસે કોઈ વૈકલ્પિક મૉડેલ છે વિકાસનું? પણ એ પહેલાં બીજો એક પ્રશ્ન : આપણા દેશમાં ક્રાંતિ કેવી રીતે થશે?

તમને શું લાગે છે? શું ચૂંટણીઓ લડવાથી અને જીતવાથી ક્રાંતિ થશે કે ભારતીય લશ્કર (અને હયાત મૂડીવાદી સરકારો અને તેમનાં આકા સમાન મૂડીવાદી કૉર્પોરેશનો) સામે શસસ્ત્ર બળવાથી? તમને શું લાગે છે? શું સંસદીય રસ્તો સાચો છે કે લશ્કરી બળવાનો રસ્તો સાચો છે?

આ પુસ્તક તમને એ મુસાફરી કરાવે છે, જેમાં કેટલાય લોકોનાં સંઘર્ષમય જીવનના (થોડીવાર પૂરતા પણ) તમે સહભાગી બની જાવ છો. અરુંધતીની સાથેસાથે આપણે એ કેડી ઉપર ચાલવા લાગીએ છીએ.

આ પુસ્તકની શૈલી વિશે હું થોડું કહીશ. એક અદ્દભુત, સરળ અને સટીક લેખનથી સભર આ પુસ્તક એક તાજગીનો અહેસાસ આપી જાય છે. એક પ્રસંગ માણવા જેવો છે :

અરુંધતી માઓવાદીઓને મળવા જાય છે. નક્કી થાય છે કે તે નક્કી થયેલા સમયે (first day, first show) અરુંધતી મા દાન્તેશ્વરી મંદિરે પહોંચે છે. તેને લેવા માટે કોઈ આવવાનું હોય છે. કોડવર્ડ છે નમસ્તે ગુરુજી અને હાથમાં Outlook મૅગેઝિન અને કેળું. એક છોકરો આવે છે. તેના હાથમાં કશું નથી હોતું. એ જોઈને અરુંધતી કન્ફ્યુઝ થઈ જાય છે. પેલો છોકરો સમજી જાય છે, એટલે એક ચબરખી આપે છે.

‘આઉટલૂક’ના મળ્યું.

લેખિકા પૂછે છે – અને કેળું?

જવાબ બહુ મર્મભેદી છે – હું ખાઈ ગયો. ભૂખ લાગેલી એટલે. અને આપણને મળે છે આપણા દેશ માટે ખરેખરો સુરક્ષાખતરો!

તેને પ્રશ્નો ખૂબ થાય છે. પ્રશ્નો, ખૂબ બધા અને પાછા અણિયાળા. તેને માઓવાદીઓની કાર્યપદ્ધતિઓ સાથે પ્રશ્નો થાય છે. પણ સાથોસાથ એ કહે છે –

વિશ્વભરમાં, અહિંસક વિરોધ-આંદોલનોને કચડી – રહેંસી નાખવામાં આવી રહ્યાં છે. જો આપણે તેને (અહિંસક આંદોલનોને) માન ન આપી શકીએ તો, આપણે હથિયાર ઉપાડનારાઓને આમંત્રિત કરીએ છીએ.

જો શાંતિમય બદલાવને તક નહીં આપવામાં આવે તો હિંસક બદલાવ અનિવાર્ય બની જશે. અને તે હિંસા ખરાબ, સ્ફોટક અને અણધારી હશે.

Of course, લેખિકા માઓવાદી નથી અને હું પણ માઓવાદી નથી. પણ એ વાતનો મને જીવનભર અફસોસ રહેશે!

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2016; પૃ. 05-07

Loading

રઘુવીર ચૌધરીને વાંચતાં

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|20 January 2016

રઘુવીર ચૌધરી તેમને જ્ઞાનપીઠ સન્માન મળ્યું તે પહેલાથી મારા પ્રિય ગુજરાતી લેખકોમાંના એક છે. મેઘાણી, ઉમાશંકર, દર્શક, સ્વામી આનંદ, હિમાંશી શેલત, સરૂપ ધ્રુવ, રમેશ પારેખ, સૌમ્ય જોશી પણ મને ઘણાં ગમે છે. આ બધાંને મેં પૂરાં તો નહીં પણ ઠીક ઠીક વાંચ્યાં છે, વિવેચક ન હોવાથી માણ્યાં પણ છે. કેટલાક વિવેચકો કરે છે તેમ મરાઠી અને ખાસ કરીને અંગ્રેજી લેખકોની આવી યાદી આપીને કેટલાક વાચકોને ઇમ્પ્રેસ પણ કરી શકું. 

પાઠ્યપુસ્તકમાંના રઘુવીર બીજા અનેક લેખકોની જેમ ભૂલાઈ ગયા છે. તેમને કંઈક સભાનતાથી  સહુથી પહેલા વાંચ્યા તે ૧૯૯૧માં. એ વખતે હું માણસાની આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક હતો. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં અવારનવાર લખનાર તરીકે, વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને અંજલિ રૂપે કંઈક લખવું હતું. ગુજરાતીના એ જમાનાના એક અધ્યાપકે રઘુવીર ચૌધરીનું ‘સહરાની ભવ્યતા’ (૧૯૮૦) સૂચવ્યું. વ્યક્તિચિત્રોનો એ સંગ્રહ ઘણે હિસ્સે ભવ્ય લાગે છે. પછી તો યશવંત શુક્લ, દર્શક, બચુભાઈ રાવત, ઉમાશંકર વગેરે વિશે પ્રસંગે પ્રસંગે ક્યારેક પહેલા અંગ્રેજીમાં અને પછી ગુજરાતીમાં લખવાનું બન્યું, અને લગભગ દરેક વખતે આ પુસ્તક મહત્ત્વનું લાગ્યું છે.

કોઈપણ સમયના પ્રમુખ સર્જકની એક વિશેષતા એ છે કે તેની  કૃતિઓ પાસે સર્જન પાસે આપણે વારંવાર જવું પડતું હોય છે – આનંદ માટે તો ખરું, પણ આપણા સમયના આકલન માટે પણ! મેઘાણી, ઉમાશંકર, દર્શક, પુ.લ. દેશપાંડે, કર્નાડ, થોડાક પાછળ જઉં તો ઑરવેલ જેવા કેટલાક સાહિત્યકારોની બાબતમાં મારે આવું થયું છે. તેમાં રઘુવીર પણ છે તેની વાત આવતી જશે .

માણસામાં હું હતો તે ૧૯૯૩ સુધીના ત્રણ રમણીય વર્ષો દરમિયાન એ જ ભૂમિની  ‘ઉપરવાસ’ (૧૯૭૫) કથાત્રયી વાંચવાનો રોમાન્સ હજુ યાદ છે. લેખકે પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ ‘પાત્રોની સાથે જ આખા પ્રદેશમાં ફરવાનું બન્યું છે’. ગયા બે દિવસથી ‘ઉપરવાસ’નો આનંદ ફરીથી  ચપટી ચપટી ફરી માણી રહ્યો છું.  માણસાના દિવસોમાં રઘુવીરના ‘વતનની આત્મકથા’ થકી આખા પંથકને વ્યક્તિરૂપે અને શબ્દરૂપે એક સાથે જાણવા-માણવાનું મારું અહોભાગ્ય હતું. આ સામાજિક બૃહત્ નવલ પાસે ફરીથી જવાનું થયું તે મરાઠી દલિત લેખક લક્ષ્મણ માનેના ‘ઉપરા’ નામના અત્મકથનના અનુવાદ (૨૦૦૫) વખતે. આ લેખક વાંસનાં કામ કરનારી ભટકતી અને વિમુક્ત જાતિના છે. આપવીતીમાંથી અરધી તેમની કૈકાડી બોલીમાં છે. અનુવાદને તળપદનો  પાસ આપવા માટે મેં તેને ઉત્તર ગુજરાતની સાધારણ ગ્રામીણ લઢણમાં ઢાળવાની કોશિશ કરી. તેમાં મનથી એ ભાષા સાથે રહેવા માટે જે નવલકથાઓ વાંચી તે મફત ઓઝાની ‘જાતર’, પન્નાલાલની ‘વળામણાં’ તેમ જ ‘માનવીની ભવાઈ’ અને રઘુવીરની ‘ઉપરવાસ’.

વ્યક્તિચિત્ર મને ગમતો એક સહિત્યપ્રકાર. એટલે ‘તિલક કરે રઘુવીર’(૧૯૯૮)નો બીજો ભાગ મળતા સોતો જ વાંચી ગયો. પહેલો ભાગ સાહિત્યકારો વિશે હતો. બીજા ભાગનું પેટાશીર્ષક જ એની તરફ ખેંચી ગયું ‘કર્મશીલ સારસ્વતો’. સમાજ માટે કામ કરનાર, જાહેર જીવનમાં બદલાવ માટે ફાળો આપનાર જે વ્યક્તિઓનાં નામ મેં સાંભળ્યા હતા, જેમના વિશે હું જાણવા માગતો  તેમાંથી ઘણા એમાં હતા. રઘુવીરે કરેલી એમની વાતમાં સામાજિક કૃતજ્ઞતા મારા માટે બહુ મહત્ત્વની હતી. સાથે ચરિત્રકારનાં રમતિયાળ ગદ્ય અને લાક્ષણિક તીર્યકતામાં પણ મને મજા પડી. પુસ્તક વાંચ્યું ત્યારે એમાંથી કેટલુંક તો ખાસ મિત્ર સૌમ્યને રાત્રે સાડા અગિયારે લૅન્ડલાઈન પર ફોન કરીને વાંચી સંભળાવ્યું. તેમાં સહુથી મનભર લાગ્યું તે પુરોવચન. એને મેં હમણાં જ્ઞાનપીઠ નિમિત્તે ફેઇસબુક પર શેઅર કર્યું છે. છતાં અહીં ટપકાવવાની લાલચ રોકી શકતો નથી :

માણસમાં એક ગુણ પણ અવિચળ રહે તો ભયો ભયો : માત્ર ગુણદર્શી કે નર્યા વાંકદેખા થયા વિના સજીવ સૃષ્ટિને ચાહવાનો સ્વભાવ મને મળેલો છે. અનંત ઉદારતાઓ અને વિરાટ લિપ્સાઓ જોયા પછી, મનની સંકુલતા સમજવા છતાં વિશ્વાસ મુકવાનું જોખમ ખેડ્યું છે. આથી સર્જકો સારસ્વતો, લોકસેવકોને વખાણી શકું છું. આ ઉધાર જમાનામાં યૌન હિંસા અને દગાફટકાનાં ઘેરાં દૃશ્યોના પ્રસારથી સમૂહ માધ્યમોએ સહૃદયને લગભગ રતાંધળો કરી મૂક્યો છે. ત્યારે પ્રશ્ન થાય : માણસની ભલાઈ જોવાના રાજીપામાં એ જોડાશે ખરો?

દોષ પર હસી લેવું અને ગુણ પર મુગ્ધ થવું એટલે તિલક કરવા પ્રેરાવું. મનમાં તીર્થનું વાતાવરણ  સર્જવું, જેમાં અજાણ્યા રહીને આગળ વધી ગયેલા યાત્રીઓની હાજરી અનુભવી શકાય. શક્ય છે કે એ વાતાવરણમાં પ્રેમનો ઉજાશ પ્રગટે ને એકલવાયું ન લાગે. કશા હેતુ વિના શુભને વખાણવું એ ચાહનાનું એક રૂપ છે. કંઈક આવી મૂડી આ રેખાચિત્રોમાં રોકાયેલી છે.

આ ફકરા એ વખતે આદરણીય મહેન્દ્રભાઈને ‘કંઠસ્થ અને હૃદયસ્થ કરવા જેવા ગદ્યાંશો’ કહીને લખી મોકલ્યા હતા, અને વળતા પત્રમાં તે મારી વાત સાથે સંમત પણ થયા હતા. મહેન્દ્રભાઈને રઘુવીરે ઉત્તમ  રીતે તિલક કર્યું છે. તેમાં એક વાક્ય લખ્યું છે : ‘ગુજરાતના મોટા ભાગના પ્રકાશકો મહેન્દ્ર મેઘાણી વિશે ઍમ્બિવૅલન્સ અનુભવે છે. સમજી શકતા નથી કે એમને વખાણવા કે વખોડવા.’ હું પણ રઘુવીર વિશે અૅમ્બિવૅલન્સ અનુભવું છું. વખોડવાના છેડાનો સવાલ નથી. પણ મારું ઍમ્બિવૅલન્સ કંઈક આવું છે. ‘તિલક’ ના બીજા ભાગ વિશે એ વખતે ધોરણસરની ગુણવત્તા ધરાવતા ‘પરબ’ (જૂન ૧૯૯૮) માસિકમાં લેખ કર્યો તેમાં રઘુવીર પણ ‘ક્યારેક તિલક કરવાને યોગ્ય લાગે છે’ એવો પ્રયોગ પણ હતો. રઘુવીર ચૌધરી અધ્યયનગ્રંથ ‘અમૃતાથી ધરાધામ’ (૨૦૧૪) પ્રસિદ્ધ થયો. ગ્રંથની પ્રક્રિયા દરમિયાન મને બાતમી મળી હતી કે ‘પરબ’વાળો મારો લેખ તેમાં સમાવવામાં આવી રહ્યો છે. પણ લેખના પુનર્મુદ્રણમાં આ વાક્ય ન આવે તે માટેની મારી આગોતરી કોશિશ સફળ થઈ ન હતી. અલબત્ત, આ સંપાદકીય મામલો હતો. એને જવા દઈએ તો ય રઘુવીર મારા માટે કોયડો રહ્યા છે!

રઘુવીર  છૂટાછવાયા નાના-મોટા સંદર્ભે વંચાતા જ રહ્યા. જેમ કે મહાભારત આધારિત, દલપત ચૌહાણની નાટ્યકૃતિ ‘અનાર્યાવર્ત’ પર ‘દલિત અધિકાર’ના ઉપક્રમે વક્તવ્ય આપવાનું થયું ત્યારે તેના સ્વાધ્યાય તરીકે દુર્ગા ભાગવતના ‘વ્યાસપર્વ’ અને ઇરાવતી કર્વેના ‘યુગાન્ત’ની જેમ રઘુવીરની ત્રયી ‘ગોકુળ-મથુરા-દ્વારકા’ (૧૯૮૬) પણ જોઈ ગયો હતો. ‘માનવીની ભવાઈ’ના મરાઠી અનુવાદનું પરામર્શન કરવાનું થયું ત્યારે એક-બે જગ્યાઓની સ્પષ્ટતા માટે, વિ.વાય. કંટકે ‘એન્ડ્યોરન્સ : અ ડ્રૉલ સાગા’ નામે કરેલો તેનો  અંગ્રેજી અનુવાદ અને રઘુવીરે ‘જીવન એક નાટક’ નામે છેક ૧૯૬૮માં કરેલો હિંદી અનુવાદ જોયો હતો. ચારેક વર્ષ પહેલાં લોકનાયક  ચુનીભાઈ વૈદ્ય પરના અભિવાદન ગ્રંથ માટેનું કામ મિત્રોએ શરૂ કર્યું, તે નિમિત્તે રઘુવીરે ‘તિલક’ માં કરેલું ચુનીકાકાનું રેખાચિત્ર વાંચ્યું. ‘દર્શકના દેશમાં’ તો અવારનવાર ઉપયોગમાં લીધું છે. 

ડૉ. પ્રકાશ આમટેના મરાઠી આત્મકથન ‘પ્રકાશવાટા’નો ‘પ્રકાશની પગદંડીઓ’ (૨૦૧૨) નામે અનુવાદ કર્યો. તેના પ્રકાશક મહેશ દવેએ રઘુવીરભાઈને પુસ્તકની નકલ મોકલી હતી. પંદરમી સપ્ટેમ્બરના પ્રકાશન સમારંભના સમાચાર આવ્યા, તે પછી બીજા જ અઠવાડિયે ‘દિવ્ય ભાસ્કર’માં પુસ્તકનું પહેલવહેલું અવલોકન લખનાર તે રઘુવીર. ડૉ. પ્રકાશના પિતા અને લોકોત્તર સમાજસેવક મુરલીધર અર્થાત્ બાબા આમટે. રઘુવીરે અવલોકનમાં લખ્યું હતું ‘સને ૧૯૮૫માં – આજથી સત્તાવીસ વર્ષ પહેલાં એમને [બાબા આમટેને] મળવા જતાં દીર્ઘ કાવ્ય રચાયેલું ‘મારે તારી જરૂર છે મુરલીધર !’ એ રચના પછી ક્યાં ગઈ એનો ઉલ્લેખ ન હતો, મને ય ખબર ન હતી.  પણ રઘુવીરનો ‘ફૂટપાથ અને શેઢો’ (૧૯૯૭) કાવ્યસંગ્રહ મારી પાસે હતો. એમાં જોયું તો ત્રીજા ક્રમે ત્રણ પાનાંની આ કવિતા હતી! આવો જ અચંબો જુલાઈ-ઑગસ્ટ ૨૦૧૪માં થયો હતો. અધ્યયન ગ્રંથમાંથી ‘ધરાધામ’ કાવ્યસંગ્રહ વિશે જાણ્યું, તે વસાવ્યો, વાંચવા લાગ્યો. તેમાં એક કવિતા હતી ‘પ્રકાશની પગદંડીઓ’, ડૉ. પ્રકાશ અને ડૉ. મંદા આમટે વિશેની જ તો. લખ્યા તારીખ ૧૪-૧-૧૩! અઠ્ઠ્યાવીસ વર્ષ પછી ય ગુણાનુરાગિતાનું એ જ સાતત્ય!

‘ધરાધામ’(૨૦૧૪)ની કેટલીય રચનાઓ વારંવાર વાંચી. ‘વહેતા વૃક્ષ પવનમાં’ (૧૯૮૪) સંચયના કવિએ અહીં ફરી એક વાર ઝાડ, માટી, ખેતર અને તેની આસપાસની આખી ય સૃષ્ટિનો જે મહિમા કર્યો છે ! મને તો એ કૃતિ કુદરતને વાંચનારના તીર્થધામ જેવી લાગે છે. તેમાંથી શું સંભળાવું ને શું ટાંકું એવું થઈ જાય. ‘ધરાધામ’ અને ‘બચાવનામું’(૨૦૧૧)ના પ્રકાશન વચ્ચે ત્રણ વર્ષનો ફેર, પણ મારા વાંચવામાં બંને પુસ્તકો સાથે જ આવ્યાં.

‘બચાવનામું’ એ રઘુવીર અને ગુજરાતી કવિતા બંનેની રીતે મને બિલકુલ જ સીમાચિહ્ન સમી કૃતિ લાગી. એની ખબર જ ન હતી એ મને ન ગમ્યું. પણ અધ્યયનગ્રંથમાંથી ખબર પડી કે આ સાંપ્રત મુખ્ય કૃતિની આપણા અભ્યાસીઓએ લગભગ નોંધ જ નથી લીધી; તેના વિશે સુરેશ દલાલની પ્રસ્તાવના અને ભોળાભાઈ પટેલના પુસ્તકમાં જ મૂકેલા દીર્ઘ લેખ ઉપરાંત માત્ર બે જ લેખો લખાયા છે, એ પણ ટૂંકા! આવું શા માટે થયું હશે? કારણ એ લાગે છે કે સમાજ અને સમષ્ટિના ધરતી પરના નક્કર પ્રશ્નોની વાત આપણા અભ્યાસીઓના શાહમૃગી વૃત્તિ ધરાવતા એક મોટા હિસ્સાને માફક જ આવતી નથી.

‘બચાવનામું’ નવ સર્ગનું છાંદસ પ્રબંધકાવ્ય છે. તેમાં કવિ જળ-જંગલ-જમીન, વિસ્થાપન, નક્સલવાદ, ગાંધીવિચાર, વિકાસના નામે વિનાશકારી નીતિઓનો અહિંસક પ્રતિકાર, નવરચનાના પ્રયત્નો જેવી અનેક બાબતોને બહુ કલાત્મક રીતે સ્પર્શે છે. કવિતાના સોંદર્યનિધાનો અનેક છે. ‘વડવા મારા ખેતર થઈને જીવતા’, ‘અવિદ્યાનો નથી બાધ, કે નથી કર્મયોગનો/તૂટે છે સંતુલનો ત્યારે વધે છે વ્યાપ ભોગનો’, ‘નારી ચૈતન્યની ધાત્રી’ જેવી સંખ્યાબંધ સુંદર પંક્તિઓ ઠેરઠેર વાંચવા મળે છે. પ્રસ્તાવનામાં લેખકે  રચનાપ્રકિયા સાથે કૃતિના હેતુ, વિચાર અને  તત્ત્વદર્શન વિશે પણ લખ્યું છે. તેમાં એક જગ્યાએ તે લોભ, ભૌતિકતાવાદ અને હિંસાની વાત કરીને પછી નોંધે છે : ‘…આ બધું મળીને આતંકવાદને જગવતાં નિમિત્ત પૂરાં પાડે છે એવા આતંકવાદની અવિચારી નિંદા ન થઈ શકે. વિદેશી નાણાંથી નભતો ઝનૂની આતંકવાદ વર્જ્ય છે પણ દીનદલિતના પક્ષે જાતનો ભોગ આપવાની તૈયારી સાથે લડતો કિશોરો-યુવકોનો આતંકવાદ આમૂલ તેમ જ સર્વાશ્લેષી દૃષ્ટિથી વિચારવા વિવશ કરે જ.’ આવું અત્યારના ભાગ્યે જ કોઈ પ્રમુખ ગણાતા ગુજરાતી લેખકે લખ્યું છે. ત્રીસ વર્ષની કૃતિસાધનાનું આ ફળ રઘુવીરે ચુનીભાઈ વૈદ્ય અને કાન્તિભાઈ શાહને અર્પણ કર્યું છે. આ બંને ઉત્તુંગ કર્મશીલો હતા. ચુનીકાકાનો રાજ્ય સામેનો સંઘર્ષ ચાલતો જ રહેતો. રાજ્યની ભૂમિકાની પ્રકટ સમીક્ષા (ક્રિટીક ઑફ ધ સ્ટેટ), જરૂર પડ્યે તેની સામેનો સંઘર્ષ દર્શક, ઉમાશંકર, યશવંત શુક્લ, જયંતિ દલાલ જેવા રઘુવીરભાઈ માટે બહુ આદરણીય સાક્ષરોમાં છે. પંચાણું પાનાંની ‘બચાવનામું’ કૃતિ વાંચીને પૂરી કરવા સુધી ઊંઘ ન આવી. છંદો અનુરણનથી જ જાણું, એટલે આવડી એવી વાંચી. એમ થયું કે આ કૃતિના અભિવાચન કે વાચિકમ થકી વધુ લોકો સુધી પહોંચવી જોઈએ. એટલે બે-ત્રણ મિત્રોને વાત પણ કરી રાખી, અનેક મનસુબાની જેમ આ પણ બર આવે ત્યારે ખરો!

જોગાનુજોગે એવું થયું કે ગયા વર્ષે  જુલાઈ-ઑગસ્ટમાં અધ્યયન ગ્રંથ આવ્યો તે પછી અત્યાર સુધીમાં રઘુવીરનાં પુસ્તકો પાસે ઓછામાં ઓછા ત્રણ વખત જવાનું થયું. મહુવા પાસેના તલગાજરડામાં યોજાતા સદભાવના પર્વ નિમિત્તે મોરારિબાપુના આયુધ વિનાના રામની વિભાવના વિશે લખવાનું થયું ત્યારે રઘુવીરે આ રામકથાકાર વિશે લખેલા પુસ્તકમાંથી પસાર થયો. તે પહેલાં  આ પુસ્તક ખસૂસ વાંચ્યું ન હતું, અને આ જરૂર ન ઊભી થઈ હોત તો વાંચત પણ નહીં. તેમણે સ્વામિનારાયણ સંપ્રદાય કે સચ્ચિદાનંદ પર લખેલાં પુસ્તકો નથી જ વાંચ્યાં. એક નોંધ લખવા માટે સંદર્ભ તરીકે, રઘુવીરે મિલ ઉદ્યોગ પર લખેલી ‘કાચા સૂતરને તાંતણે’ નવલકથાની પ્રભાવક અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના વાંચી અને પુસ્તકનાં પાનાં ફેરવ્યાં. નવાઈની વાત એ કે ગુજરાતના એક સમયના વિશ્વવિખ્યાત મિલઉદ્યોગ વિશે આપણે ત્યાં આ વિષય પર બીજી એક જ નવલકથા મળે છે તે અંગ્રેજોએ પ્રતિબંધિત કરેલ ચંદ્રભાઈ ભટ્ટની ‘ભઠ્ઠી’ (૧૯૩૨).  હમણાં ચારેક મહિના પહેલાં અનામત આંદોલનના સંદર્ભે રઘુવીરની ‘મનોરથ’ નવલકથા વિશે વાંચ્યું. ગુજરાતમાં ૧૯૮૫માં થયેલું અનામત વિરોધી આંદોલન અને તે દરમિયાન આવેલી રથયાત્રા ફાટી નીકળેલી હિંસા પછી આંદોલને લીધેલો ભીષણ વળાંક એ આ નવલકથાનો વિષય છે. કોમવાદના હિંસક રાજકારણના ભાગ તરીકે બનેલી રથયાત્રાની ઘટનાનું રઘુવીરે પ્રજાશક્તિના વિજય તરીકે ઉદાત્તીકરણ કર્યું છે. સમકાલીન જીવનના અર્થઘટન અને વર્ણનના સર્જક-સ્વાતંત્ર્યને સ્વીકારીને પણ એ કહેવું જોઈએ કે લેખકે અહીં  સેક્યુલર લોકશાહી દેશની એક પ્રતિગામી ઘટનાને  વિપરિત રીતે રજૂ કરી છે. સાથે એવું ય બન્યું છે કે હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થાને કારણે ઊભી કરવી પડેલી અનામત પ્રથાને તેમણે – તેના રાજકીય સ્વાર્થ માટે કરવામાં આવેલા ઉપયોગના હિસ્સાની વૈચારિક  સભાનતા અને વાર્તાકીય  અવગણના સાથે – યથોચિત સમર્થન આપ્યું છે. એક જ લેખકના એકસો સડસઠ પાનાંમાં પ્રગતિશીલ અને પ્રતિગામી  દૃષ્ટિબિંદુઓ એકસાથે જોવા મળે એવું ઓછું બને છે.  જો કે અપવાદો બાદ કરીને, અત્યારના ગુજરાતી સાહિત્યની એકંદર સમાજવિમુખતાને ધ્યાનમાં લેતા લેખકના શબ્દો નોંધવા જેવા છે : કલાવાદીઓ અને સત્તાવાદીઓને આ પ્રકારનું લખાણ ન ગમે એ સમજી શકાય … હું માનું છું કે લેખકે સમાજલક્ષી વિવાદોમાં પડવું જોઈએ. છાંટા ઊડવાની બીકે સંઘર્ષથી બચીને ચાલવાને બદલે જોખમ ઉઠાવવું જોઈએ.

આવું જોખમ રઘુવીર ગોધરાકાંડ પછીના ગુજરાત અને દેશમાં જે કંઈ બની રહ્યું છે તે બાબતે ઊઠાવે એવી અપેક્ષા રહી છે. એ વાત સાચી કે  ‘સોમતીર્થ’(૧૯૯૬) નવલકથા, વધતા જતા કોમી વૈમનસ્યના સંદર્ભમાં સોમનાથ મંદિરના ધ્વંસનો ઇતિહાસ તપાસે છે. ‘સમજ્યા વિના છૂટા પડવું’(૨૦૦૩)માં રમખાણો અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો આતંકવાદી હુમલો, ગુજરાતના ભૂકંપની જેમ જ વાર્તાનો હિસ્સો છે. પણ એક પ્રમુખ લેખક તરીકે ગુજરાતમાં ખેતીનો વિનાશ, શિક્ષણની પડતી, વિરોધ પર દમન, તેમ જ દેશમાં ચાલી રહેલી લોકવિરોધી નીતિઓ અને અસહિષ્ણુતા  જેવા મુદ્દે તેમની પ્રતિક્રિયાની અપેક્ષા રહે જ છે. 

રઘુવીરભાઈએ સાને ગુરુજીના ‘ભારતીય સંસ્કૃિત’(૨૦૦૦)નો મારો અનુવાદ તેમના રંગદ્વાર પ્રકાશન તરફથી બહાર પાડ્યો. ‘ઉપરા’ તેમના અને મારા પિતાજીના સતત ટેકા  વિના ન થઈ શક્યું હોત. પ્રોત્સાહન ઉપરાંત પ્રેમ પણ કેવો ? રંગદ્વારના પુસ્તકભંડાર પર ગયો છું ત્યારે લગભગ દરેક વખતે પુસ્તકો ભેટ મળ્યાં છે – ‘ફૂટપાથ અને શેઢો’, ‘ભૃગુસંહિતા’, ‘સહરાની ભવ્યતા’, ‘દર્શકના દેશમાં’, ‘વાડમાં વસંત’, ‘પ્રાણપ્રતિષ્ઠા’. આ બધામાં રઘુવીરની સહી અને તારીખ હોય, પણ સાથે મારી પત્ની અને દીકરીનાં નામ પણ હોય. રઘુવીર માટે પરિવાર કેટલો મહત્ત્વનો છે – પોતાનો અને બીજાનો પણ. અમારા ઘર વિશે  તેમણે વાર્તાના પાતળા આવરણ હેઠળ ‘દિવ્ય ભાસ્કર’ (૨૬/૧૨/૨૦૦૪) માં લખ્યું હતું, જે પછી ‘જિંદગી જુગાર છે ?’ (૨૦૦૫) સંગ્રહમાં મૂક્યું છે. કેટલી ય બાબતો માટે કૃતજ્ઞ છું!

૧૦ જાન્યુઆરી, ૨૦૧૬      

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2016; પૃ. 08-10

Loading

સો સો સલામું છતાં …

ભરત મહેતા|Samantar Gujarat - Samantar|20 January 2016

૧. પૂર્વરાગ :

હું કૉલેજના પહેલા – બીજા વર્ષમાં હતો અને ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડેલો. સરકાર રાબેતામુજબ નિષ્ક્રિય હતી. ત્યારે ‘દુષ્કાળ પ્રતિરોધ સમિતિ’ના અન્વયે કામ કરતાં કરતાં રઘુવીર ચૌધરીને પહેલીવાર મળેલો. અમારી સાથે ફરી, ડબ્બો હાથમાં લઈ ફાળો ઉઘરાવતા, પરિષદના બંધાઈ રહેલા મકાન માટે નાનામાં નાનું ધ્યાન રાખતા. એ વખતે અનાયાસ હું વેચાણવેરા ભવનમાં, પરિષદની પડોશમાં કારકૂન હતો. પછી મેઘાણી હો કે ભગતસિંહ, પ્રેમચંદજી વગેરેના કાર્યક્રમોમાં અમારી સાથે જોડાતા હતા. દ્વારિકાનાથ રથ, કનુભાઈ ખડદિયા, મીનાક્ષીબહેન જોશી, દામિનીબહેન શાહના અમારાં જૂથને હૂંફ પૂરી પાડતા હતા. સાદગીપૂર્ણ જીવન, મૂલ્યનિષ્ઠ સાહિત્યની જિકર, ઉમાશંકર-દર્શકના અનુયાયી હોવાનું ગૌરવ – આ બધાં વાનાં મને આકર્ષતા હતા. નાનામાં નાના  માણસ સાથે પ્રેમથી વર્તે. એમની સાહિત્યકૃતિમાં આદર્શવાદ અને પ્રાયોજિત વાસ્તવ હોઈ,  દૂરિતનો મુકાબલો ઓછો હોવાથી મને સંકુલ લેખક કદી નથી લાગ્યા. એમની વાર્તાઓ, ‘ઉપરવાસ’ કથાત્રયી કે ‘સોમર્તીથ’માં જુદાં જુદાં કારણોસર રસ પડેલો. મેં ૨૦૦૨માં ‘જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા’ એવું સંપાદન કરેલું છે. ‘ચિત્રપ્રિયા’વાળા એકાદ આકલનને બાદ કરતાં અન્ય નવલકથાકારો સક્ષમ છે. એ પરંપરામાં જ્ઞાનપીઠાધીશ આપણા સહુના રઘુવીરભાઈ બની રહ્યાં છે ત્યારે હું તેમને સો સો સલામું મારવામાં ગૌરવ અનુભવું છું. નવમાં દાયકામાં એમણે જ દલિતસાહિત્યને પ્રતિષ્ઠિત કરવામાં ફાળો આપેલો છે. છતાં એવોર્ડ મળતાવેંત જ એમણે કેટલાંક એવાં ઉદ્દગારો કર્યાં છે કે તેમણે મારા જેવા એમના ચાહકને નિરાશ કર્યો છે. તેથી મને થાય કે સમૂહમાધ્યમો એમનો આવો ‘ઉપયોગ’ કરે તે પહેલાં તેઓ જરા ખમૈયા કરે તો સારું.

૨. ઉત્તરરાગ :

અકાદમીની સ્વાયત્તતાના સળગતા સવાલમાં ઝંપલાવતા એમણે લાગલું કહી જ દીધું કે કોર્ટ ચડવાની જરૂર નહોતી! સંવાદથી પ્રશ્ન ઉકેલાવો જોઈએ. આમ કહેવામાં નિવૃત્ત થતા પરિષદપ્રમુખ અને નવનિયુક્ત પરિષદપ્રમુખની અવમાનના છે. ડૉ. ધીરુ પરીખ અને ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાળા જ કોર્ટ ચઢેલા છે! નારાયણ દેસાઈના ઠરાવ પછી ઈ.સ. ૨૦૦૮થી સંવાદની કેટકેટલી શકયતા હતી. કેમ કંઈ થયું નહીં? શું આ અંગે સંવાદની પૂર્ણ કામગીરી કરીને જ સાહિત્યકારો ન છૂટકે કોર્ટ પાસે નથી ગયા? જે ઉમાશંકર – દર્શકની ઝંખનાની અકાદમી હતી અને જે અકાદમીનું બંધારણ સોસાયટી ઍક્ટ મુજબ રજિસ્ટર્ડ થયેલું હોય તેનાં વર્તમાન સરકાર લીરેલીરાં ઉડાવી દે, એ ગુજરાતી  સર્જકોનું  અપમાન નથી? જે  બાર-માથાળી  સરકાર  મહુવા  સેઝ  માટે  વિભીષણ  સમા  કનુભાઈ કળસરિયાને કોર્ટ ચઢાવે છે ત્યારે તો તેઓ ભાજપના સન્માનનીય નેતા હતા છતાં પણ તો શું આ સરકાર પાસે આ સંવાદની અપેક્ષા રાખી શકાય?

બીજું  કે  આપનો  પડ્યો બોલ ઝિલતા રાજેન્દ્ર  પટેલ,  નીતિન  વડગામા  કે  જનક  નાયકને  તમે બિનસ્વાયત્ત અકાદમીના કારોબારી સભ્યો બનતાં અટકાવી ન શકો? બલકે તમારી એક કૉલમ હતી તે મુજબ આપે ‘આંખ આડા કાન’ કર્યાં છે. જો તમે કોર્ટ ચઢનારાની ટીકા કરી શકતા હો તો બિનસ્વાયત્ત અકાદમીમાં કારોબારી સભ્યો બનનાર ગુજરાતી સાહિત્ય પરિષદના કારોબારી સભ્યોને હરફમાત્ર પણ કહી શકતા નથી? ગુજરાત સાહિત્ય અકાદમીનું સરકારીકરણ જેવી ઐતિહાસિક ઘટનાના ભાગીદારોને તમે રોક્યા?

ત્યાર બાદ આપે કેન્દ્રીય સાહિત્ય અકાદમીને પુરસ્કાર પાછા આપનાર લેખકોને પણ અયોગ્ય ઠરાવ્યાં ! તમે કહ્યું કે ‘લેખક એ કાંઈ વિરોધપક્ષનો નેતા નથી’ હકીકત એ છેક એ સરકારી વાજિંત્ર પણ ન હોવો જોઈએ. આપે  કહ્યું  કે  ‘કુલબુર્ગીને  શ્રદ્ધાંજલિ  અપાઈ  ચૂકી  છે  તેથી  હવે  વિરોધની  જરૂર  નથી’  આપો  જાણો  છો  કે કે. સચ્ચિદાનંદે ત્રણ ત્રણ પત્રો લખ્યા છતાં શ્રદ્ધાંજલિ અપાઈ નથી! તેથી એમણે રાજીનામું આપ્યું, પુરસ્કારો પાછા અપાયા પછી અકાદમીએ  શ્રદ્ધાંજલિ  આપી ! દાભોલકર,  કુલબુર્ગી  કે પાનસરેની  હત્યાના  સંદર્ભે દેશભરમાં સંમેલનો થયાં છે, શ્રદ્ધાંજલિઓ અપાઈ છે જયારે ‘ગુજરાત કોરી કોરી રે છે’ શું એમાં આપણો ફાળો નથી? ઍવોર્ડવાપસી એ પ્રતિરોધની એક રીત છે તેથી ન આપનારાઓએ ટીકા કરવી જરૂરી નથી.

તમે અસહિષ્ણુતાના સંદર્ભે કહ્યું કે ભારતના ભાગલા વખત જેવી અત્યારે પરિસ્થિતિ નથી. શું આપણે એ પરિસ્થિતિની રાહ જોવી છે? બાબરીધ્વંશ પછી ભારતમાં સાંપ્રદાયિક રાજનીતિએ માઝા મૂકી છે. ૨૦૦૨નું ગુજરાત, મૂઝફ્ફરનગર, માલદાના દૃષ્ટાંતો સામે જ છે. તેથી   અકાદમીઍવોર્ડ વિજેતા કમલેશ્વરે પોતાની એક રચનાનું નામ -‘કિતને પાકિસ્તાન’ આપ્યું છે. બાબરીથી દાદરીમાં દૃઢ થતી અસહિષ્ણુતા સામે પણ તમે આ રીતે આંખ આડા કાન કરી રહ્યાં છો.

તમે કહ્યું કે મેં પણ કટોકટીના દિવસોમાં રાજયનો વિરોધ કરેલો છે, પરંતુ એ વખતે ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર હતી જે કટોકટીનો વિરોધ કરી રહી હતી. તદુપરાંત ઉમાશંકર, દર્શક વગેરે પણ એના વિરોધમાં હતા. એક વાતાવરણ હતું. આજે તમારા દ્વારા એવું વાતાવરણ સર્જાવું જોઈએ. હવે તમે અગ્રણી છો. ‘મિસા’ના કાયદાને બચ્ચું ગણી શકાય તેવા અનેક કાળા કાયદાઓ ઘડાયાં છે અને અપ્રત્યક્ષ કટોકટી છે. ગિરીશભાઈ પટેલને મળશો તો ખબર પડશે કે કઈ કટોકટી મોટી છે. ગુજસીટૉક એનું છેલ્લું દૃષ્ટાંત છે.

તમે એમ પણ કહ્યું કે તમે પાટીદારના અનામત આંદોલનનો વિરોધ કર્યો છે, પરંતુ હાર્દિક પટેલ વગેરેની દલીલ એ છે કે જેમ, કેટલાંક આંજણા પાટીદારો ગરીબ છે, કેટલાંક પૈસાદાર છે એવું જ કડવા-લેઉવામાં છે. જો બક્ષીપંચમાં આંજણા પાટીદારોને અનામત આપવામાં આવી છે તો અમને શા માટે નહીં? શું આપ આંજણા પાટીદારોને બક્ષીપંચ અન્વયે મળેલી અનામતનો પણ વિરોધ કરશો?

ટૂંકમાં, ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા, અસહિષ્ણુતા – એવોર્ડવાપસી અને વર્તમાન પરિસ્થિતિ વિશેનું તમારું આકલન નર્યું ઊભડક છે. જ્ઞાનપીઠવિજેતા બનવા બદલ રઘુવીરભાઈને મારી સો સો સલામું છે. જે તેઓ સ્વીકારશે અને એવી આશા રાખું છું કે ગાંધીવિચારસરણથી પ્રભાવિત, ઉમાશંકર-દર્શકના અંતેવાસી એવા રઘુવીરભાઈ મારી ટીકાઓને પણ ગંભીરતાથી લેશે.

થોડું લખ્યું છે ઝાઝું કરીને વાંચશો.

e.mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2016; પૃ. 10-11 

Loading

...102030...3,6223,6233,6243,625...3,6303,6403,650...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved