Opinion Magazine
Number of visits: 9552599
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્યાં છે ગાંધી-ગાંધી?  / ગાંધી ગાંધી ગાંધી

ચંદ્રકાન્ત શેઠ|Poetry|29 January 2016

ક્યાં છે ગાંધી-ગાંધી ?         

અંદર આંધી, બહાર આંધીઃ
      એ આંધી પી જાય પ્રેમથી
             એવા સાગરપેટા
                   અગસ્ત્યમુનિ સરખા,
                         દરિયા જેવા દિલના
                                 ક્યાં છે ગાંધી-ગાંધી?

કૌભાંડોના કુંડાળામાં કેટકેટલા ઘૂમતા!
દારૂ પી ઉંદરડા કેવા મસ્તાના થઈ ઝૂમતા!
ફરે ફુલારે કંઈક વળી લઈ માથે છોગાં-ફૂમતાં!
      એ સૌનાથી આભ ફાટતું જે દે સ્નેહે સાંધી,
             એવા અવ્વલ કસબી,
                              ક્યાં છે ગાંધી-ગાંધી?

ક્યાં સુધી આ દરિયા વેઠે આંસુ તપ્ત નયનનાં?
ક્યાં સુધી આ પહાડો સાંખે પથ્થર મીંઢા મનના?
ગંદવાડમાં કેમ પડે પગલાં લોકચરણનાં?
      શાતા-સુખની કળા હોંશથી સૌને દે જે સાધી,
             એવા સાધક ઇલમી,
                                ક્યાં છે ગાંધી-ગાંધી ?

૧૮-૧-૨૦૧૬

•

ગાંધી ગાંધી ગાંધી       

ભારતને જોવાનું થાનક : ગાંધી ગાંધી ગાંધી!
રાષ્ટ્રપ્રેમની દે જે ચાનક – ગાંધી ગાંધી ગાંધી!

સૌને રોટી-મકાન-કપડાં – એ ગાંધીનું કામ;
કહ્યું બધાંને : સત્ય-અહિંસા – ત્યાં જ આપણા રામ!
             સત્ય-પ્રેમ-કરુણાથી જાશે આધિ-વ્યાધિ-ઉપાધિ,
             રચનાત્મક પથ તણા પ્રવર્તક ગાંધી ગાંધી ગાંધી! –

એક સુદર્શનચક્ર કૃષ્ણનું, ધર્મચક્ર ગૌતમનું,
ચક્રવર્તી ચરખાથી ગાંધી, હૈયે હિત સૌ જનનુંઃ
            સ્વતંત્રતા, સમતા, બંધુતા – સરહદ એની બાંધી :
            સેવાગ્રામ તણા જે સર્જક – ગાંધી ગાંધી ગાંધી! –

એક મોહને ગુજરાતે જો અઠે દ્વારકા કીધી,
અન્યા મોહને દિલ્હી-દ્વારે પ્રાણ-આહુતિ દીધીઃ
          માનવતાના ધર્મકર્મમાં જેની શાન્ત સમાધિ,
          ‘મંગળપ્રભાત’ના જે દર્શક – ગાંધી ગાંધી ગાંધી! –

૨૨-૧-૨૦૧૬                                                 
પૂર્ણેશ્વર ફ્લેટ, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2016; પૃ. 19

Loading

અંધશ્રદ્ધાનાબૂદી, કાયદો અને આપણે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|28 January 2016

અંધશ્રદ્ધાનાબૂદી કાયદો માત્ર હિંદુ ધર્મની જ નહીં, તમામ ધર્મોની અંધશ્રદ્ધા આવરી લેનારો હોવો જોઈએ. 

કર્ણાટકના કોંગ્રેસી મુખ્યમંત્રી સિધ્ધારમૈયા રાજ્યમાં જ્યોતિષને લગતી ટી.વી.ચેનલો બંધ કરવા સંકલ્પબદ્ધ હોવાનું જાહેર કરે કે ગુજરાતની ભાજપ સરકાર કાલાજાદુ, માનવબલિ, અને મેલી વિદ્યા જેવી અંધશ્રદ્ધા અટકાવતા કાયદાની જરૂરિયાત અંગે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્રો લખી પૃચ્છા કરે  એ આ દિવસોના સૌથી સુખકર સમાચાર છે.

ભારતીય બંધારણની કલમ ૫૧(એ)માં વૈજ્ઞાનિક ચિંતન પ્રત્યે રાજ્યની સજાગતા અને પ્રતિબદ્ધતાની જોગવાઈ છે. દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દેશને વૈજ્ઞાનિક વિચારસરણી તરફ લઈ જવા માંગતા હતા. પરંતુ તત્કાલીન નેતાઓ સાથે નહેરુના પ્રગતિશીલ વિચારોનો મેળ બેસતો નહોતો. આજે ધર્મ અને રાજનીતિની ભેળસેળના માહોલમાં વૈજ્ઞાનિક વિચારસરણી કે અંધશ્રદ્ધાનાબૂદીની વાત કરવી અઘરી બની ગઈ છે. દેશમાં ધર્મના નામે રાજકારણ – રાજકીય ધાર્મિક સંગઠનો વકર્યાં છે. દેશજનતાને ધર્મનું અફીણ પિવડાવી નવા પ્રકારની વોટબેન્ક રાજનીતિ ચાલી રહી છે, રેશનાલિસ્ટ વિચારસરણીનો પ્રચારપ્રસાર મુશ્કેલ બન્યો છે ત્યારે ગુજરાત-કર્ણાટકની આ પહેલ આવકાર્ય છે.

બંધારણીય જોગવાઈઓ છતાં અંધશ્રદ્દાનાબૂદીની દિશામાં કાનૂની પગલાં લેવાતાં નથી. ૨૦૦૪માં મહારાષ્ટ્રના દલિત મુખ્યમંત્રી સુશીલકુમાર શિંદે અંધશ્રદ્ધાનાબૂદી વટહુકમ લાવવા ઈચ્છતા હતા, પણ તત્કાલીન રાજ્યપાલ મોહમ્મદ ફઝલે ‘વધુ જનમત ઊભો કરવા’ની વાત કરીને એ ટાળ્યો હતો. તે પૂર્વેથી મહારાષ્ટ્રનાં પ્રગતિશીલ-રેશનલ સંગઠનો અંધશ્રદ્ધાનાબૂદી કાયદા માટે સંઘર્ષ કરતાં રહ્યાં છે. ૨૦ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ નરેન્દ્ર દાભોલકરની હત્યાના વળતા દિવસે જ મહારાષ્ટ્ર સરકારે અંધશ્રદ્ધાનાબૂદી  વટહુકમ જારી કર્યો હતો.

‘મહારાષ્ટ્ર યૌન શોષણ અને અમાનવીય અઘોરી પ્રતિબંધક વિધેયક ૨૦૧૩’ બહુ મર્યાદિત અર્થની અંધશ્રદ્ધા તાકે છે. તેમ છતાં આ કાયદાએ મોટી અસર ઊભી કરી છે. તેને કારણે આશરે દોઢસો પાખંડી બાબાઓને જેલમાં ધકેલી દેવાયા છે. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં છેલ્લા વીસેક વરસોમાં ૨૫૦૦ કરતાં વધુ સ્ત્રીઓને ડાકણ ગણીને મારી નાખવામાં આવી છે કે પરેશાન કરવામાં આવી છે. એટલે રાજસ્થાન સરકારે ‘રાજસ્થાન મહિલા અત્યાચાર અટકાવ અને સુરક્ષા વિધેયક – ૨૦૧૧’ની કલમ-૩ની પેટાકલમ-૬માં ડાકણપ્રથા પર પ્રતિબંધ અને સજાની જોગવાઈ ઉમેરી દીધી છે. હવે ગુજરાત સરકાર પણ કાલા જાદુ, મેલી વિદ્યા અને માનવબલિનાબૂદીની દિશામાં કાયદા માટે વિચારી રહી હોવાના વાવડ છે.

આપણે ત્યાં ‘રેશનાલિસ્ટ’ એટલે ‘વિવેકબુદ્ધિવાદને વરેલી વ્યક્તિ’ને બદલે ‘નાસ્તિક’ કે ‘ધર્મવિરોધી વ્યક્તિ’ એવો અર્થ કરવામાં આવે છે. હા, રેશનાલિઝમની પ્રાથમિક શરત ઈશ્વરનો ઈન્કાર હોઈ શકે. પરંતુ ધાર્મિક વ્યક્તિ પણ અંધશ્રદ્ધાવિરોધી હોઈ શકે. ભારત જેવા વિવિધતાથી ભરપૂર દેશમાં ધાર્મિક જ નહીં, ધર્મભીરુ અને ધર્મજડ લોકો મોટી સંખ્યામાં છે. તો અધાર્મિક અને ભગવાનમાં નહીં માનનારા લોકોની સંખ્યામાં રસપ્રદ વધઘટ થયા કરે છે. ૨૦૦૫ના એક સર્વેક્ષણમાં દેશમાં ૮૭ ટકા લોકો ધાર્મિક હતા, પરંતુ ૨૦૧૩માં એ ૬ ટકા ઘટીને ૮૧ ટકા થયા હતા. તો બીજી તરફ ૨૦૦૫માં ૪ ટકા લોકો નાસ્તિક હતા, તે ૨૦૧૩માં ધટીને ૩ ટકા  થયા હતા. જ્યારે દેશમાં ધર્મ એક ઉદ્યોગનું સ્વરૂપ લઈ રહ્યો હોય અને ટી.વી. ચેનલો ધાર્મિક ઉન્માદથી ફાટફાટ હોય ત્યારે દેશમાં ધાર્મિકતા ઘટે છે અને નાસ્તિકો પણ ઘટે છે, એ જરી ન મનાય તેવી વાત છે.

હિંદુ બહુમતી ધરાવતા ભારત દેશમાં હિંદુ ધર્મમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા સૌથી વધુ ચર્ચાસ્પદ અને ટીકાસ્પદ હોય તે સ્વાભાવિક છે. પરંતુ અન્ય ધર્મી ભારતીયો પણ અંધશ્રદ્ધામાં એટલા જ ગળાડૂબ હોય છે, તે ભૂલવું ન જોઈએ. પાશ્ચાત્ય એવા ખ્રિસ્તી ધર્મ કે બીજી અનેક રીતે સમાનતાવાદી મનાતા ઈસ્લામ ધર્મના અનુયાયીઓમાં પણ ઊંડી ધાર્મિક અંધશ્રદ્ધા વ્યાપેલી છે. ધર્મોના મૂળ રૂપમાં આવી અંધશ્રદ્ધા ન પણ હોય. કાળક્રમે ધાર્મિક ક્રિયાકાંડો અને વિધિવિધાનોને લીધે આમ બનવા પામ્યું હશે. હિંદુ જ નહીં, સઘળા ધર્મ આચરનારા અંધશ્રદ્ધામાં ડૂબેલા હોય ત્યારે, અંધશ્રદ્ધાનાબૂદી કાયદો માત્ર હિંદુ ધર્મની જ નહીં, તમામ ધર્મોની અંધશ્રદ્ધા આવરી લેનારો હોવો  જોઈએ. મુસ્લિમોના તાજિયા જુલુસના ખેલ ભારોભાર અંધશ્રદ્ધાથી ભરેલા હોય તેનો કે ખ્રિસ્તી ચર્ચોમાં ચોક્કસ ધાર્મિક પ્રસંગોએ જોવા મળતી અંધશ્રદ્ધાનો પણ વિરોધ, ટીકા અને એ નાબૂદીના પ્રયત્ન થવા જોઈએ.

ધાર્મિક અંધશ્રદ્ધાનો સૌથી વધુ ભોગ સ્ત્રીઓ અને બાળકો બને છે. માત્ર અભણ નહીં, ભણેલા અને સારુ કમાતા લોકો પણ અંધશ્રદ્ધાળુ હોય છે. આ હકીકતો લક્ષમાં રાખીને અંધશ્રદ્ધાનાબૂદીના કાર્યક્રમો અને કાયદાની દિશામાં વિચારવું ઘટે. ગુજરાત રાજ્યમાં પણ ધાર્મિક અંધશ્રદ્ધાનો માહોલ છે. પાટનગર ગાંધીનગર નજીકના રૂપાલની પલ્લીમાં થતો કરોડો રૂપિયાના ઘીનો વેડફાટ (અને વાલ્મિકી દલિતોને માથે મરાયેલી ઢોળાયેલું ઘી એકત્ર કરીને વાપરવાની પરંપરા), શામળાજી નાગધરાના મેળામાં આદિવાસી સ્ત્રીઓની વળગાડ કાઢવાના નામે થતી મારઝૂડ અને શોષણ, ડાકોર અને અન્યત્ર અન્નકૂટની લૂંટાલૂંટ અને બગાડ, ધર્મસ્થાનકોની સમૃદ્ધિ – જાહોજલાલી, ધાર્મિક સ્થળોએ પદયાત્રાઓમાં ઊમટી પડતી બિનઉત્પાદક ભીડ અને રાજકીય પક્ષો ધાર્મિક સંગઠનો દ્વારા તેની સરભરાના – વખત અાવ્યે વટાવી લેવાના પ્રયત્નો સમજાવટથી, જનજાગૃતિથી અને નહીં તો કાયદાથી અટકાવવાની તાકીદ છે.

અનેક રીતે પછાત અને સામંતી એવા ઉત્તર પ્રદેશના  કાનપુર પાસેના  એક ગામ મોહમ્મદપુરના તમામ લોકોએ અંધશ્રદ્ધાથી જ નહીં, ધર્મથી પણ વિમુખ થઈ તર્ક અને નાસ્તિકતાનો માર્ગ અપનાવ્યો. આવું પણ આપણા ધર્મજડ સમાજમાં શક્ય છે. મોહમ્મદપુરના નિવાસીઓએ ન માત્ર ધર્મ, દેવી-દેવતા કે વ્રત-ઉપવાસ અને ધાર્મિક ક્રિયાકાંડ છોડ્યાં છે, ધાર્મિક તહેવારો ઉજવવાના પણ છોડી દીધા છે અને એ માત્ર રાષ્ટ્રીય તહેવારો જ મનાવે છે.

મોહમ્મદપુરના આશાયેશ જગાડનારા ગ્રામજનોના ઉજાસમાં આપણા રેશનાલિસ્ટ આંદોલનોએ પણ નવી દૃષ્ટિથી વિચારવાનું છે. ચમત્કારોની ચકાસણી, પાખંડી અને ધૂતારાઓનો પર્દાફાશ, ધાર્મિક ક્રિયાકાંડોનો વિરોધ, જ્યોતિષ અને એવી છેતરામણી બાબતો અંગે જનજાગૃતિ જેવા કાર્યક્રમોથી આગળ વધવું પડશે. વૈજ્ઞાનિક વિચારસરણી એટલે શું તે બાબતમાં સ્પષ્ટ થવું પડશે. રામભક્ત ગાંધી સાથે પણ સંવાદ કરી શકતા નાસ્તિક ગોરા અને તેમનું વિજયવાડા સ્થિત નાસ્તિકકેન્દ્ર આપણી ધરતી પર છે એ ભૂલવું ન જોઈએ. દેશભરના વિવેકબુદ્ધિવાદીઓ વચ્ચેનું સંકલન એટલી જ તાકીદની બાબત છે. રેશનાલિસ્ટ મુવમેન્ટે એની નકારાત્મકતાની એટલી જ સાવધાનીની છાપમાંથી બહાર આવવું પડશે. આ દિશામાં ગુજરાત-મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશને આરંભેલી અને હાલ મંદ પડી ગયેલી પ્રવૃત્તિમાં કોરી રેશનાલિસ્ટ પ્રવૃત્તિ નહીં, પણ સ્ત્રીપુરુષ સમાનતા, વર્ણભેદનાબૂદી, સામાજિક આર્થિક- અસમાનતા નાબૂદી, સેક્યુલારિઝમ, લોકશાહી તથા હ્યુમેનિઝમ(માનવવાદ)નો સમાવેશ કરવો પડશે. 

સૌજન્ય : ‘વિરોધમાં સમાનતા’, “દિવ્ય ભાસ્કર”, 28 જાન્યુઆરી 2016

http://www.divyabhaskar.co.in/news/ABH-religion-and-politics-blind-shraddha-budi-environment-law-and-we-5233707-NOR.html

Loading

મબલખ આનંદ

રોહિત શુક્લ|Opinion - User Feedback|27 January 2016

પ્રિય વિપુલભાઈ,

તમારો સ્વામી આંનદ ઉપરનો લેખ વાંચીને મબલખ આનંદ થયો. મોસાળની મજા આવી ગઈ !!

કારણ તો એ કે મેં તેમને એકલવ્યની નિષ્ઠાથી ગુરુ માન્યા છે. કયારે ય મળ્યો નથી અને ભાગ્યે જ તેમને ચુક્યો હોઈશ।

ગુરુ ગણ્યા તેનું કારણ – કદાચ ચૌદ પંદર વર્ષની ઉંમરે પેલી દસ ગણાની વાત વાંચી.  જે ચોટ્યું તે  માંડ ઉખેડી  શક્યો. વાત તો ભારે મથામણની રહી અને કદાચ 40 વર્ષ સુધી કોયાડાની જેમ વળગેલી રહી.

સવાલ આટલો : મારે જો સમાજના ઋણમુક્ત થવું અને રહેવું હોય તો શું કરું ? દસ ગણું કેવી રીતે પાછું વાળું ? 

જાતજાતના ઠેકાણે લેક્ચર્સ લીધા. ક્યાંકથી દસ રૂપિયા મળ્યા તો ક્યાંકથી વીસ. સમાજને અર્પણના ભાવથી સવારથી સાંજ અંને રવિવાર કે રજા ય જોયા વગર મચેલો રહ્યો. 1974માં દુકાળનો અભ્યાસ કર્યો ત્યારે ય સ્વામીને નજરમાં રાખ્યા.

જીવ ઉપર આવી જઈને બહુ મથ્યો તો ય પેલું દસગણું તો ના જ થયું. આઠ ગણ સુધી જ પહોંચી શક્યો.

એક દિવસ આવી જ રખડપટ્ટીમાં ભાવનગરના બસ સ્ટેન્ડે ઊભો હતો અને પેલા ખૂટતા બે ગણાની ચળ ઉપડી. સ્વામી સાવ ખોટું બોલે તેમ તો કેમ હોય ? આને જો આટલું આટલું મથ્યા પછી પણ દસનો આંકડો આઘો રહેતો હોય તો તેમાં કોઈક કળ કે હિકમત હોવા જ જોઈએ ! એ હિક્માંતની મારી સમજ આવી છે :

ગૃહસ્થી સમાજમાંથી "જે" લે તેનું દસગણું પાછું વાળે — આમાં ભાર "જે" ઉપર છે. હું સમાજમાંથી જો માત્ર પૈસા લેતો હોઉં તો પગારમાં મળતા પૈસાના દસ ગણા પાછા દેવાના થાય. પણ હું માત્ર પગાર જ નથી મેળવતો – સ્વામીના નામ મુજબ આનંદ મેળવું છું. તો મારે તો સમાજમાં દસ ગણો આનંદ જ પાછો વાળવાનો થાય. ભાવનગરનું બસ સ્ટેન્ડ જ આપણું બોધિવૃક્ષ !

બસ હવે લહેર જ લહેર  છે.

તમે સ્વામીને સ્મર્યા તેથી થોડુંક યાદ આવી ગયું.  

e.mail : shuklaswayam345@gmail.com

Loading

...102030...3,6193,6203,6213,622...3,6303,6403,650...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved