Opinion Magazine
Number of visits: 9691216
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મીસ્ડ કૉલ

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|27 June 2016

પ્રિયાને આ કૉર્પોરેટ કૉલેજમાં રિસેપ્શનિસ્ટ તરીકે રહ્યાને ચાર દિવસ જ થયા છે. હજી શરૂઆત છે એટલે વાતાવરણ સાથે બરાબર ગોઠવાઈ નથી શકી. પણ ખાસ વાંધો નહીં આવે કેમ કે, એની સાથે કામ કરતી વિશાખા ભારે બોલકણી છે.

‘ઓ મૅડમ ! લંચ ટાઈમ થયો. ભૂખ લાગી છે કે નહીં ?’ એમ કહેતાં એ પોતાનો પરાઠાં–શાકનો ડબ્બો પ્રિયા સામે ધરતી.

‘વિશાખા, મને અહીંની દુનિયા સાવ જુદી જ લાગે છે. બારમું ધોરણ પાસ કરીને આવેલા કિશોરોએ એક વર્ષ માટે અહીં જ કૉલેજ, અહીં જ ઘર અને અહીં જ સગાં–સમ્બન્ધી માનીને રહેવું, કેવું લાગતું હશે એમને ?’

‘આવા બધા વિચારો કરીને બહુ ઈમોશનલ નહીં બનવાનું. આ વિદ્યાર્થીઓ એક વર્ષ માટે જ અહીં કેમ્પસમાં છે. આવતે વર્ષે આ લોકો બીજા કેમ્પસમાં જશે અને એમની જગ્યાએ બીજા નવા છોકરાઓ આવશે. અહીં તો આવન–જાવન ચાલ્યા જ કરે. એટલે કોઈની સાથે બહુ લગાવ નહીં રાખવાનો.’ વિશાખાએ મને સલાહ આપી.

‘તારી વાત તો બરાબર છે, વિશાખા; પણ મને રહી રહીને વિચાર આવે છે કે, મા–બાપથી, ઘરથી દૂર રહેતા આ કિશોરોને ઘર કેટલું યાદ આવતું હશે ?’

‘એમનાથી ભલે ઘરે ન જઈ શકાય; પણ એમનાં માતા–પિતા, ભાઈ–બહેન, – કોઈ પણ – દર બીજા અને ચોથા રવિવારે બપોરે ત્રણથી પાંચમાં અહીં આવીને એમને મળી શકે છે.’

વિશાખાએ ભલે કહ્યું; પણ પ્રિયાના મનમાં કેટલા ય સવાલ ઊઠતા હતા. કૉલેજ શહેરથી પંદરેક કિલોમિટર દૂર છે. દર પંદર દિવસે કોના સમ્બન્ધી આવી શકે ? ને જેનું કોઈ ન આવતું હોય એ વિદ્યાર્થી કેટલો ઉદાસ થઈ જતો હશે ?

એમ કરતાં રવિવાર આવી પહોંચ્યો. મોટા રિસેપ્શન હૉલની એકેએક ખુરસી મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓથી ભરાઈ ગઈ હતી. કોઈને માટે ડબ્બામાં નાસ્તો આવ્યો હતો, તો કોઈને માટે મીઠાઈ. કોઈ મા–બાપ પોતાના સંતાન માટે કેન્ટીનમાંથી આઈસક્રીમ પણ લાવ્યાં હતાં. બધાના ચહેરા પર આનન્દ છલકાતો હતો. વિશાખાએ ભલે લગાવ વધારવાની ના પાડી હોય; પણ પ્રિયા તો ઝીણી નજરે બધાના ચહેરાના હાવભાવનું નિરીક્ષણ કરતી હતી.

‘વિશાખા, મને લાગે છે કે કંઈ બધા જ વિદ્યાર્થીઓના મુલાકાતી નથી આવ્યા. તોયે બધા જ કેમ હૉલમાં આવી ગયા છે ?’

‘એ તો એવું છે કે જેના મુલાકાતી આવ્યા હોય એ પોતાના દોસ્તને પણ ખેંચી લાવે અને માબાપ પણ એ પોતાનો દીકરો છે કે બીજાનો, એ ભૂલીને એને પ્રેમથી ખવડાવે. અહીંની આ જ તો મઝા છે. આને કહેવાય ‘વસુધૈવ કુટુમ્બકમ્.’ વિશાખાએ તો નાનકડું લેક્ચર જ આપી દીધું.

‘હા, એટલું તો મને સમજાયું; પણ દૂરથી મને સંભળાતું નથી કે જેનું કોઈ નથી આવ્યું, એ છોકરાઓ મુલાકાતીઓ પાસે જઈ કશીક માગણી કરતા હોય એવું લાગે છે. એ લોકો શું માંગે છે ?’

હમ્મેશાં મજાક કર્યા કરતી વિશાખા થોડી ગમ્ભીર થઈ ગઈ. ‘જેને મળવા કોઈ ન આવ્યું હોય તેવા વિદ્યાર્થીઓ આ સમયમાં પોતાના ઘરે ફોન કરી સ્વજનોનો અવાજ સાંભળીને સંતોષ માનતા હોય છે.’

‘બીચ્ચારા છોકરાઓ!’ નિસાસો નાખતાં પ્રિયાથી બોલાઈ જવાયું.

‘હા, સાચે જ બીચારા કહેવાય. કેમ કે સીક્કા નાખીને વાત કરી શકાય એવાં ફોન–બૉક્સ અહીં માત્ર ચાર જ છે. પંદરસો છોકરાઓ ને ચાર ફોન ! લાંબી લાંબી લાઈનોમાં વારો આવતાં જ કલાકો નીકળી જાય. પછી પણ પાછળ ઊભેલો છોકરો ‘જલદી કર,’ ‘જલદી કર,’ કર્યા જ કરતો હોય. એટલે આ લોકો મુલાકાતીઓ પાસે સેલફોન માંગી પોતાના ઘરે ‘મિસ્ડ કૉલ’ આપે. એટલે પછીથી એમના ઘરેથી જવાબમાં ફોન આવે ને એ લોકો વાત કરી શકે.’

‘હા, બરાબર. સામેથી જ ફોન આવે એટલે જેનો ફોન હોય એને ચાર્જ પણ નહીં લાગે,’ પ્રિયાએ કહ્યું.

આ પછી દરેક વિઝિટીંગ સન્ડેએ પ્રિયા પોતાની કાચની કેબીનમાંથી રિસેપ્શન હૉલ તરફ જોઈ રહેતી. ‘એક્સક્યુઝ મી, અંકલ, એક મીસ્ડ કૉલ ?’, ‘એક્સક્યુઝ મી આન્ટી, વન મીસ્ડ કૉલ ?’ કહેતાં કહેતાં, ફોનની માગણી કરતાં છોકરાઓ, જાણે બટકું રોટલા માટે ટળવળતા ભીખારી જેવા લાગતા. અનુકમ્પાથી એનું હૈયું ભરાઈ જતું.

એ જોતી કે કોઈ તરત એમને પોતાનો ફોન આપી દેતું, તો કોઈ લાંબો વિચાર કર્યા પછી; તો વળી કોઈ મોઢા પર અણગમાનો ભાવ લાવીને, જાણે મોટી મહેરબાની કરતા હોય એમ, ‘જલદી ફોન પતાવવાની તાકીદ’ કરીને ફોન આપતા. તો કોઈ વળી સાફ ના પણ પાડી દેતા !

એક રવિવારે એને સાવ જુદું જ દૃશ્ય જોવા મળ્યું. એક દૂબળો–પાતળો વિદ્યાર્થી કોની પાસે ફોન માગવો એની મૂંઝવણ અનુભવતો ઊભો હતો. ત્યાં એક સ્ત્રીએ એને પોતાની પાસે બોલાવ્યો ને પછી ફોન આપ્યો. આ સ્ત્રી એકલી જ બેઠી હતી. એને કોઈ વિદ્યાર્થી મળવા નહોતો આવ્યો. પ્રિયાએ કેબીનમાંથી નીકળી એની પાસે જઈને પૂછ્યું, ‘આપ કોને મળવા આવ્યાં છો ?’

‘ગયે વર્ષે મારો દીકરો આ જ કેમ્પસમાં હતો,’ એણે કહ્યું.

‘ઓહ, તો તો આ વર્ષે એ બાજુના કેમ્પસમાં હશે. અહીં નહીં.’

‘મને ખબર છે કે મારો દીકરો મને આ કેમ્પસમાં નહીં મળે. કેમ્પસમાં તો શું; પણ હવે મને આ દુનિયામાં પણ નહીં મળે.’

પ્રિયાને જોરદાર આંચકો લાગ્યો. ‘તો શું ? તમે આટલે દૂરથી છોકરાઓને ફક્ત તમારો ફોન વાપરવા આપવા માટે જ આવો છો ?

‘હા, એના ગયા પછી મને ક્યાં ય ચેન પડતું નહોતું. પછી મને વિચાર આવ્યો કે લોકો પોતાના દિવંગત ‘સ્વજનોની સ્મૃિત જીવંત રાખવા’ કેવાં જાતજાતનાં કામો કરે છે ! મારે પણ કંઈક કરવું જોઈએ. મને યાદ આવ્યું કે રવિવારે મારો દીકરો અમને ‘મીસ્ડ કૉલ’ આપવા માટે કેટલાં ફાંફાં મારતો, કેટલાના કાલાવાલા કરતો ! બીજા દીકરાઓને એવા ફાંફાં ન મારવાં પડે એટલે ….’

બોલતાં બોલતાં એણે મોઢું ફેરવી લીધું.

(પાલપર્તી જ્યોતીષ્મતિની તેલુગુ વાર્તા પર આધારિત)

‘હરીશ્ચન્દ્ર’ બહેનોના નિધન બાદ, વડોદરાથી પ્રકાશિત થતા પાક્ષીક ‘ભૂમિપુત્ર’ના છેલ્લા પાન પર આવતી વાર્તાઓ, હવેથી બહેન આશા વીરેન્દ્ર લખે છે. તે અંતર્ગત પ્રકાશિત થઈ ચુકેલી વાર્તાઓમાંથી પસંદ કરેલી ચાળીસ વાર્તાઓનો બીજો વાર્તાસંગ્રહ ‘તર્પણ’ : (પ્રકાશક : પારુલ દાંડીકર, યજ્ઞ પ્રકાશન, હીંગળાજ માતાની વાડીમાં, હુઝરાતપાગા, વડોદરા–390 001 ફોન : 0265-243 7957 પાનાં : 128, મૂલ્ય રુપિયા–60), ઑક્ટોબર 2014માં પ્રકાશિત થયો. તેમાંથી 37મી આ વાર્તા, પાન 115થી 117 ઉપરથી લેખિકાબહેનની પરવાનગીથી સાભાર ..

સર્જક–સમ્પર્ક : બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર , વલસાડ– 396 001

ઈ–મેઈલ : avs_50@yahoo.com

https://www.facebook.com/uttam.gajjar.92/posts/1158379254212291

સૌજન્ય : ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ બારમું – અંકઃ 351 – June 26, 2016

Loading

સમાજ અને નાગરિકના વિકાસ માટે ધર્મનિરપેક્ષતા (સિક્યુલારિઝમ) આવકાર્ય છે.

બિપીન શ્રોફ|Opinion - Opinion|27 June 2016

સમાજ અને નાગરિકના વિકાસ માટે ધર્મનિરપેક્ષતા (સિક્યુલારિઝમ) આવકાર્ય છે.

બ્રિટન હવે ખ્રિસ્તી રાષ્ટ્ર રહ્યું નથી! કેવી રીતે?

–––– લેખક : બ્રાયન મેકક્લિટન [Brian McClinton]( લિસબર્ન, નોર્થ આયર્લેન્ડ, યુનાઇટેડ કિંગ્ડમ)

આ ચર્ચનો ફોટો છે જ્યાં માત્ર એક ઘરડા માણસની હાજરી છે.

વિશ્વભરમાંથી પશ્ચિમના અગ્રેસર દેશોમાં ક્રમશ: લોકોની ધાર્મિક આસ્થા સતત ઘટતી જાય છે. બ્રિટનના ત્રણમાંથી બે રાજ્યો ઇંગ્લેંડ અને વેલ્સમાં કુલ વસ્તીના ૨૫ ટકા લોકોએ સને ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં લખાવ્યું હતું કે તે બધા અધાર્મિક( નોન રિલીજિયસ) છે. આ આંકડો સને ૨૦૧૪ની સાલમાં ૪૮.૫ ટકા થઈ ગયો છે. જ્યારે ખ્રિસ્તી ધર્મીઓની સંખ્યા ૪૩.૮ ટકા થઈ ગઈ છે. બ્રિટનના ત્રીજા રાજ્ય નોર્થ આઇર્લેંડમાં પણ અધાર્મિકતાના પ્રવાહની ગતી બિલકુલ ઓછી નથી. દર અઠવાડિયે ચર્ચમાં જતા પુખ્ત ઉંમરના લોકોની સંખ્યા છેલ્લા પચાસ વર્ષના ગાળામાં ૬૬ ટકાથી ઘટીને ૩૩ ટકા થઈ ગઈ છે.

વિશ્વના લોકશાહી દેશો ધર્મનિરપેક્ષ હોય છે. વ્યક્તિગત સુખાકારીના બધા જ માપદંડો જેવા કે માથા દીઠ આવક, સરેરાશ આયુષ્ય, શિક્ષણ, ખાવા–પીવાની સગવડો, રાજ્ય તરફથી આરોગ્યની વ્યક્તિગત અને જાહેર સુખાકારીની સગવડોમાં વિશેષ કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં, ડેનમાર્ક, નોર્વે, નેધરલેંડ, ફીનલેંડ, સ્વીડન, આઇસલેંડ, ગ્રીનલેંડ, જપાન, ઓસ્ટ્રેલિયા જેવા દેશો, કોલંબિયા, પાકિસ્તાન, બંગલાદેશ, ભારત, સીરિયા, અફઘાનીસ્તાન વગેરે કરતાં ઘણા આગળ છે. વૈશ્વીક કક્ષાની એક સંસ્થા ‘ધી સેવ ધી ચીલડ્રન ફાઉન્ડેશન‘ તેના વાર્ષિક રિપોર્ટમાં પ્રકાશિત કરેલ છે કે ‘માતાની તંદુરસ્તી‘ ધર્મનિરપેક્ષ દેશોમાં ધાર્મિક દેશો કરતાં સર્વ પ્રકારે ઉત્તમ છે. ધાર્મિક દેશોમાં માતાની તંદુરસ્તીને ખાસ કરીને પ્રસૂતાના સમયગાળા દરમ્યાન ઇશ્વરી મહેરબાની પર છોડી દેવામાં આવે છે.

ધી ઇન્સ્ટિટ્યુ્ટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસના ‘વાર્ષિક ગ્લોબલ પીસ ઇન્ડેક્ષ'નું તારણ છે કે વિશ્વમાં આઇસલેંડ, ડેનમાર્ક, ઓસ્ટ્રીઆ અને ફીનલેંડ જે બધા સૌથી વધુ ધર્મનિરપેક્ષ દેશો છે તેમાં આંતરિક શાંતિ સૌથી વધારે છે .જ્યારે સીરિયા, અફઘાનીસ્તાન અને દક્ષિણ સુદાન આંતરિક રીતે સૌથી વધારે અશાંત દેશો છે. યુરોપ એક ખંડ તરીકે વિશ્વનો ધર્મનિરપેક્ષ ખંડ છે, જેમાં ૨૦માંથી ૧૪ રાષ્ટ્રોની પ્રજા સૌથી વધારે શાંતિમય રીતે માનવીય સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પોતાનું જીવન પસાર કરે છે.

ખૂન, હીંસા અને લૂંટ જેવા ગુનાઓ સૌથી ઓછા ધર્મનિરપેક્ષ દેશોમાં અને તેના શહેરોમાં બને છે. વિશ્વના સૌથી ૫૦ સલામત શહેરો (top 50 safest cities), તે બધા લગભગ ધર્મનિરપેક્ષ દેશોમાં આવેલા છે. ડેનમાર્ક, સ્વીડન જેવા દેશોમાં આવા ગુનાઓનું પ્રમાણ નહીંવત છે. આ દેશોમાં ભ્રષ્ટાચાર(કરપ્શન)નું પ્રમાણ પણ વિશ્વમાં અન્ય દેશોની સરખામણીમાં ઘણું ઓછું છે. ડૉ ફીલ ઝુકરબર્ગ જેવા મનોવૈજ્ઞાનિક સંશોધકના અભિપ્રાય મુજબ સ્કેન્ડીનેવિયન દેશો ( નેધરલેંડ, નોર્વે, ફીનલેંડ, સ્વીડન, ડેનમાર્ક, અને ગ્રીનલેંડ) સૌથી વધારે વિશ્વમાં માનવતાવાદી મદદ કરે છે. કોઈ પણ સ્થળે આવેલી કુદરતી આફત દા.ત. ધરતીકંપ તથા ગરીબ દેશોને મદદ કરનારાઓમાં તે બધાનું સ્થાન મોખરે હોય છે. એટલે કે ધાર્મિકો કરતાં અધાર્મિકો કે નીરઇશ્વરવાદીઓમાં ભ્રાતૃભાવની ભાવના વધારે તીવ્ર હોય છે.

નિરઇશ્વરવાદી અને સંશયવાદીઓ(atheists and agnostics)ના માનવમૂલ્યો અને દ્રષ્ટિ (Vision) ધાર્મિકોની સરખામણીમાં ઓછા રાષ્ટ્રવાદી, જાતિવાદી, (રેસિયલ), યહૂદીઓ અને લઘુમતીઓ વિરોધી, હઠાગ્રહી, ઘમંડી, નૃવંશવાદી (ethnocentric) અને એકહથ્થુ સત્તાવાદ કે સરમુખ્તાયર હોય છે. ધર્મનિરપેક્ષવાઓનું બૌદ્ધિક અને શૈક્ષણિક સ્તર ધાર્મિકો કરતાં ઘણુ બધું ઊંચું હોય છે. તે બધા, સ્ત્રી અધિકારો, લૈગિંક સમાનતા અને સજાતીય સંબંધોના હકો અને ચળવળોને ટેકો આપે છે. ધાર્મિકો, રાજ્ય પ્રેરિત પરાકાષ્ઠાની શારીરિક સતામણી/રિબામણીના મોટે ભાગે ટેકેદારો હોય છે. (Religious people are more likely to support government use of torture.)

સને ૨૦૦૯માં ઇવોલ્યુશનરી સાયકોલોજીકલ જર્નલના અભ્યાસ મુજબ જે સમાજમાં ધાર્મિકતાનું પ્રમાણ ઓછું હોય છે ત્યાં લોકો વધુ સંતોષી (કન્ટેન્ઇડ), હોય છે અને સલામતી અનુભવે છે. ત્યાંનો સમાજ સુખી, સમૃદ્ધ અને સંતોષી હોય છે. ધર્મ અને ધાર્મિકતા જ્યાં રૂઢિચુસ્ત, અપરિવર્તનશીલ અને જેની પ્રજા ગરીબ હોય છે ત્યાં સહેલાઈથી ફૂલેફાલે છે. બધા જ ધર્મો, વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક અને અન્ય પ્રકારના માનવીય પરિર્વતનોની વિરૂદ્ધ હોય છે. કારણ કે સામાજિક સ્થગિતતા, અપરિર્વતન અને ‘જે સે થે વાદ'માં જ ધર્મો અને તેના સામાજિક રીતે પરોપજીવીઓનું (પાદરી, મૌલવી અને બાવાઓનું) હીત સમાયેલું હોય છે. ટૂંકમાં આ સર્વેનું તારણ છે, કે જે સમાજમાં સુખ, સમૃદ્ધિ અને સલામતી હોય છે ત્યાં ખૂબ જ ઝડપથી ધર્મો પોતાની પકડો વ્યક્તિગત અને સામૂહિક નાગરિક જીવન પરથી ગુમાવતા જાય છે. (Religion quickly loses its hold.)

વિશ્વભરના ખ્રિસ્તી, મુસ્લીમ, હિંદુ અને અન્ય ધર્મોએ અને તેમાં શ્રદ્ધા ધરાવતા લોકોએ ઉપરના સંશોધનોમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. આ વિશ્વમાં કરોડો સારા અને સમૃદ્ધ માણસો ઇશ્વરમાં શ્રદ્ધા રાખ્યા વિના (Thriving without God) હેતુસર પોતાનું જીવન જીવે છે. અમારી સંખ્યા દરરોજ વધતી જાય છે. 

જરા વિચાર તો કરો કે સ્વર્ગ છે જ નહીં! તે હકીકતમાં વિશ્વાસ રાખીને જીવન જીવવું બિલકુલ મુશ્કેલ નથી. પ્રયત્ન તો કરી જુઓ! સરળ છે. (It is easy if you try.)

સૌ. http://www.newsletter.co.uk/news/secularisation-will-benefit-society-1-7406785#ixzz4A78aYyvC

સૌજન્ય : “માનવવાદ”, જૂન 2016; પૃ. 01-02

Loading

જો કોક્સની હત્યા નિમિત્તે –

અહમદ ‘ગુલ’|Opinion - Opinion|25 June 2016

એક કામ અર્થે અલ-હિકમાહ સેન્ટરની ઑફિસે જવાનું થયું. ત્યાં બેઠેલા ઓફિસરે એક આઘાતજનક સમાચાર આપ્યા કે, જો કોક્સ ઉપર જીવલેણ હુમલો થયો છે; અને એની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. એ શબ્દો સાંભળતાં જ હું ત્યાંથી ઝડપભેર નીકળી ગયો. રસ્તામાં વિચારતો રહ્યો કે, કોઈ માઠું પરિણામ ન આવે તો સારું. પરંતુ પાંચ વાગ્યાના બુલેટીનમાં જોને મૃત ઘોષિત કરવામાં આવી, ત્યારે હું ક્ષુબ્ધ થઈ ગયો.

24 કલાક પહેલાં જ જોનો ઈમેલ મળેલો જેમાં એણે રમઝાનુલ મુબારકની શુભેચ્છા પાઠવીને બ્રિટને શા માટે યુરોપીયન યુનિયનમાં રહેવું, તેનાં મંતવ્યો રજૂ કરેલાં. અગર બ્રિટન 23મી જૂને યુરોપીયન યુનિયન છોડવાનો દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય લેશે, તો એ અંધારામાં કૂદકો મારવા સમાન લેખાશે. હું નથી ઇચ્છતી કે આપણી ભાવિ પેઢીને અનિશ્ચિતતાની છાયામાં જીવવું પડે.

જો સાથે મારે સારા સંબંધો બંધાયેલા. 2015ની ચૂંટણી ટાણે એ મારા ઘરે આવેલી, ચૂંટણી જીતવા માટે પ્રચારની વ્યૂહરચના અને નક્કર કાર્યક્રમની રૂપરેખા અમે તૈયાર કરેલી. ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી બાટલી માટે અણથક મહેનત કરતી. બાટલીની સુખાકારી એ જ એની પ્રાથમિકતા.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ જો પીડિતોના પડખે ઊભી રહીને સીરિયાના બેહાલ શરણાર્થીઓને કરેલી મદદ, આફ્રિકાના દેશોમાં પ્રસૂતિવેળા થતાં બાળમરણને અટકાવવા ચેરિટી દ્વારા કરેલી સહાય, ઇઝરાઈલ સરકારના દમન અને અત્યાચારના ભોગ બનેલા પેલેસ્ટાઈનના લોકોના ન્યાય માટે ઝઝૂમવું. ગ્લીનિસ કિનોક, એમ.ઈ.પી. [મેમ્બર અૉવ્ યુરોપીયન પાર્લામેન્ટ] અને સારાહ બ્રાઉન, પૂર્વ પ્રધાનમંત્રીનાં પત્નીને ચેરિટી ટ્રસ્ટની એડવાઈઝરનાં રૂપમાં કરેલી સેવાની નોંધ વિશ્વભરમાં લેવાયલી.

બ્રિટનમાં સ્થાનિક લોકોની સમસ્યાઓ સાંભળવા અને તે માટે ઘટતું કરવા એમ.પી.[મેમ્બર અૉવ્ પાર્લામેન્ટ]ઓની સર્જરીની પ્રણાલી છે. તે દિવસે જોની પણ સર્જરી હતી. સર્જરીનું કામ આટોપીને એ બહાર નીકળે ત્યાં જ એક હત્યારાએ એના પર ગોળી છોડી, છરીના ઘા ય કરાયા. જો એના જીવનના અંતિમ શ્વાસ સુધી લોકસેવારત રહી.

અહેવાલ મુજબ ગોળી છોડતી વખતે હત્યારો ‘બ્રિટન ફર્સ્ટ’ એવું બોલેલો, એનો અર્થ એ થયો કે, એ જમણેરી વિચારસરનો અંતિમવાદી હતો. એ પછી તપાસ દરમ્યાન કોર્ટમાં ન્યાયાધીશે એનું નામ પૂછ્યું, ત્યારે એણે પોતાનું નામ ‘દેશદ્રોહીનું મૃત્યુ, બ્રિટનની આઝાદી’ બતાવ્યું. એનો સ્પષ્ટ અર્થ દ્વેષભાવના અને નફરત ફેલાવવાનો થાય. એની વિકૃત વિચારસરણી એવી કે, દેશપ્રેમી હોવું એટલે વસાહતીઓ, અશ્વેતો, વિધર્મીઓ અને બ્રિટન બહારના યુરોપવાસીઓને ધિક્કારવા.

જોની હત્યા અત્યંદ દુ:ખદ બીના તો છે જ, પરંતુ અહીં બ્રિટનમાં, યુ.એસ.એ.માં અને દુનિયાભરના રાજકારણમાં હિંસા, અસહિષ્ણુતા અને દ્વેષભાવ ખદબદે છે. તેનો સંકેત પણ છે. આ સમગ્ર માનવજાત માટે ચિંતાજનક છે એટલે જ જો કોક્સની હત્યા નિમિત્તે બ્રિટનના સમજુ અને સિદ્ધાંતનિષ્ઠ નેતાઓએ પણ આ જ વાત કરી છે. વડાપ્રધાન ડેવિડ કેમરૂને કહ્યું, ‘દ્વેષભાવ, રંગભેદ, ધાર્મિક સહિષ્ણુતા અને વસાહતીઓના્ં નામે ફેલાવવામાં આવતી નફરતો સામે લડવું પડશે.’ વિપક્ષ લેબર પાર્ટીના નેતા જેરેમી કોરબીને કહ્યું, ‘આપણે કાઇન્ડર એન્ડ જેન્ટલ પોલિટિકસ – દયાળુ અને નરમ રાજકારણ અપનાવવું પડશે. દ્વેષભાવને ઉશ્કેરો નહીં અને પ્રજામાં ભાગલા પડાવો નહીં. દ્વેષભાવ અને ભાગલાવાદી રાજકારણ હિંસાચારને ઉત્તેજન આપે છે.’

જો કોક્સની હત્યાનો આઘાત કાયમ છે ત્યાં જ સમાચાર આવે છે કે, અમેરિકામાં એક બ્રિટિશ યુવકે ડોલાન્ડ ટ્રમ્પની જાન લેવાની કોશિશ કરી. જોના મૃત્યુનો સંદેશ એ જ છે કે માનવજાતને દ્વેષભાવના વિષચક્રમાંથી છોડાવી સમભાવ અને સદ્દભાવનું વાતાવરણ ફરીથી ઊભું કરવું જોઈએ.

જોની હત્યા નિમિત્તે બાટલીના સામાન્ય પ્રજાજનો પણ આ વાતથી સજાગ થયા અને રમઝાન માસ હોવા છતાં, 17-06-2016ના રોજ ‘ઇન્ડિયન મુસ્લિમ સોસાયટી’ના અલ-હિકમાહ સેન્ટરમાં, મુસ્લિમો સાથે બધા ધર્મના 2000થી પણ વધુ લોકો શોકસભામાં હાજર રહ્યાં, જ્યાં અનેક વક્તાઓએ તથા ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મગુરુએ એક સાથે ઊભા રહી, જોએ આરંભેલા માનવજાતની ભલાઈ અને માનવ હકોની લડતના સંદેશાને ઝીલવાનો અનુરોધ કરતાં કહ્યું, ‘એકતા, સમાનતા અને સદ્દભાવના માર્ગે ચાલીને જ જોને સાચી અંજલી આપી શકાય. ધર્મના કે દેશપ્રેમના નામે હિંસાચાર આચરી શકાય નહીં.’

જોની સાથે અનેકવાર મળવાનું થતું. લોકોની સમસ્યા અને એના નિવારણની ચર્ચાઓ થતી. એટલું જ નહીં પણ મારી નાની સરખી પ્રવૃત્તિઓમાં પણ એ રસ લેતી. જ્યારે પણ મુલાકાત થાય ત્યારે મારા નવા પુસ્તક કે સાહિત્યિક પ્રવૃત્તિ વિશે અચૂક પૃચ્છા કરતી. ગુજરાતી સંસ્કૃિતથી એ ખાસ પ્રભાવિત હતી.

એની ગુજરાત જોવાની ઇચ્છા હવે તો અધૂરી જ રહી.

e.mail : ahmadlunat@yahoo.co.uk

Loading

...102030...3,6003,6013,6023,603...3,6103,6203,630...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved