Opinion Magazine
Number of visits: 9690899
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગળચટ્ટી ધારણાઓથી મુક્તિ અપાવે એ કળા અને સાહિત્ય

અશોક વાજપેયી|Opinion - Opinion|4 July 2016

અનુવાદકની નોંધ : ‘નિરીક્ષક’ના ૧૬મી જૂન, ૨૦૧૬ના અંકમાં રમેશ બી. શાહે ‘‘તંત્રીની વાત’ અંગે થોડી ચર્ચા’ શીર્ષક હેઠળ આપેલા પ્રતિભાવના મોટા ભાગના મુદ્દાઓ સાથે સહમત છું, છતાં તેમના એક મુદ્દા, કે ‘નાગરિકોએ સન્માનિત કે અને પ્રસિદ્ધ સાહિત્યકારોના જાહેર પ્રશ્નો પરત્વેના અભિપ્રાયો જાણવાનો આગ્રહ રાખવા માટે કોઈ કારણ નથી’ અંગે એટલું જ કહેવાનું છે કે પ્રસિદ્ધ સાહિત્યકાર બીજું કોઈ નહીં પણ નર્યા સાહિત્યકાર જ નથી એવા રઘુવીર ચૌધરી, જેવા જાહેરજીવનના જાણતલ હોય ત્યારે જાહેર પ્રશ્નો પરત્વેના તેમના અભિપ્રાયો જાણવાનો આગ્રહ કોઈ રાખે તો તેના માટે એક નહીં, સો વાજબી કારણો ગણાવી શકાય. લાંબી વાત નહીં કરતાં સાહિત્યકારો અને કલાકારોની સામાજિક નિસબત અંગે તાજેતરમાં જ અશોક વાજપેયીએ લખેલા એક લેખના અંશોનો અનુવાદ રજૂ કરું છું.

— દિવ્યેશ વ્યાસ

કોઈ પણ સમયે સાહિત્ય અને કળાઓ પર જે-તે સમયનાં અનેક દબાણો આવે છે, એ વાત જાહેર કરવા માટે હવે કોઈ વિશેષ વિશ્લેષણાત્મક કે વૈચારિક પ્રયત્નની જરૂર રહી નથી. આ દબાણોની ભૂગોળ સીધીસપાટ નથી હોતી અને સર્જકોની ગ્રહણશીલતા પણ એકસમાન નથી હોતી. જાતભાતનાં દબાણ જાતભાતના સર્જનાત્મક અને વૈચારિક તણાવ પેદા કરે છે, પોષે છે. પોતાના સમયની ઉપેક્ષા કરવી કોઈ કલાકાર માટે શક્ય તો છે, પરંતુ કોઈ જીનિયસના અપવાદને છોડીને બાકી કિસ્સાઓમાં તેને ઇચ્છનીય ગણી શકાય નહીં.

આ દબાણોને પારખવા-ઓળખવા માટે થોડી સૂક્ષ્મતાની જરૂર પડે છે. તેનાં સ્થૂળ લક્ષણ પારખવામાં કોઈ વિશ્લેષણ-બુદ્ધિ સક્રિય નથી હોતી. ઓળખ ત્યારે તીક્ષ્ણ બને છે, જ્યારે તેને અમુક ઝીણા તાંતણાઓથી અલગ કરીને જોઈ શકીએ. કમનસીબી એ છે કે આપણે ત્યાં ઝીણવટ અને ઉદ્યમ ઓછો છે. મોટા ભાગની ટીકાઓ પિષ્ટપેષણ (ઘસાયેલી-ચવાયેલી વાતો) કે એકબીજાની પ્રશંસા કે નિંદામાં સરી પડીને વ્યર્થ અને અપ્રાસંગિક તેમ જ કંટાળાજનક બની જતી હોય છે.

પાબ્લો પિકાસોએ ૧૯૩૭માં પોતાની વિખ્યાત કલાકૃતિ ‘ગુએર્નિકા’ના સર્જનના ગાળામાં કહેલું, ‘આધ્યાત્મિક મૂલ્યોની સાથે રહે છે અને કામ કરે છે, એવા કલાકારો માનવતા અને સભ્યતાનાં શ્રેષ્ઠ મૂલ્યો દાવ પર લાગ્યાં હોય એવા સંઘર્ષ પ્રત્યે ન ઉદાસીન રહી શકે છે, ન રહેવું જોઈએ.’  પિકાસોનું ચિત્ર ‘ગુએર્નિકા’ એક વિચિત્ર અને મોટા ભાગે સમજમાં ન આવે એવી કલાકૃતિ છે, જેમાં ક્ષોભ, દહેશત, ચિત્કાર અને વિરોધ, બધું સેળભેળ થયેલું છે. તેમાં જીવનની હિંસા અને ક્રૂરતા એક રીતે કળાત્મક રીતે, એક રીતે અત્યાચારપૂર્વક દર્શાવાયેલી છે. મને યાદ છે કે સ્પેનના પ્રવાસ વખતે અમે પહેલી વાર આ કળાકૃતિને જોઈ ત્યારે તેની સઘનતા અને સુચિંતિત રચનામાં એક રીતે ઠાંસીઠાંસીને ભરેલી વિચિત્રતા ચકિત અને બેચેન એકસાથે કરી રહી હતી.

આ ચિત્રનો એક કિસ્સો જાણીતો છે કે જર્મન સૈનિકોએ આ કળાકૃતિ જોઈને આશ્ચર્ય સાથે પૂછેલું કે શું આ ચિત્ર તમે બનાવ્યું છે, ત્યારે પિકાસોએ એવો જવાબ આપેલો કે આ મારી નહીં તમારી કરતૂત છે! આજે પણ આપણે જો આ કૃતિને જોઈએ-સમજીએ તો એવું જ સમજાય છે કે આપણે આ હિંસક માહોલ ઊભો કર્યો છે, આપણી ચારેકોર આટલી ઝડપભેર ધોળા દિવસે થઈ રહેલા સમગ્ર વિદ્વંસ માટે આપણે જ જવાબદાર અને ગુનેગાર છીએ. તરત માલૂમ પડે છે કે આપણી પોતાની ‘ગુએર્નિકા’ મુક્તિબોધની લાંબી કવિતા ‘અંધારામાં’ છે, જે વિગતવાર, બહુ બધાં ચિત્રિત-બિંબિત વર્ણનોમાં, અંધારામાં, આપણી ભાગીદારીની ક્રૂર કથા કહે છે.

સાહિત્ય અને કળાઓ અંધારિયા સમયમાં આ જ કામ કરે છે કે કરી શકે છે. તે આપણને આપણી દબાયેલી-છુપાયેલી ભાગીદારીથી વાકેફ કરે છે. તે આપણને આપણે પવિત્ર-નિષ્કલંક હોવાની ગળચટ્ટી માન્યતાઓમાંથી મુક્ત કરે છે. તે આપણને અંધારા, આત્મામાં મચેલા રક્તપાત સામે ટક્કર લેવા માટે ઉત્તેજિત કરે છે. તે આપણને આપણા અંતઃકરણની વિશાળતાને સંકોચાતી અટકાવવાની શક્તિ પૂરી પાડે છે. ઘણી વાર તો આપણને તેના થકી જ ખ્યાલ આવે છે કે આપણું પણ અંતઃકરણ છે, જે પૂરેપૂરું સંવેદનહીન બનતાં-બનતાં બચી ગયું છે. સમયનાં તમામ દબાણોની સામે આવી કળાકૃતિ આપણી આત્મા અને અંતઃકરણની ગાથાઓ બની જાય છે. સમયનાં દબાણો વચ્ચે રચાયેલી હોવા છતાં પણ આવી કૃતિઓ સમય-મુક્ત કાલજયી બની જાય છે.

(સૌજન્ય : www.satyagrah.scroll.in, ‘કભી-કભાર’ કૉલમ, ૧૯-૬- ૨૦૧૬નો એક અંશ)                        

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2016; પૃ. 14

Loading

ચંદ્રકાન્ત દરુ જન્મશતાબ્દી પર્વ — કટોકટી, દરુસાહેબ અને કેટલીક યાદો

અભિજિત વ્યાસ|Samantar Gujarat - Samantar|4 July 2016

કટોકટી(ઇમર્જન્સી)નું સામ્ય લાગે તેવા આ સમયમાં કટોકટીની કેટલીક યાદો મમળાવવાની ઇચ્છા થાય છે.  ખાસ તો ચંદ્રકાન્ત દરુની શતાબ્દીનું આ વર્ષ છે. અનેક લોકોને એમનો પરિચય હશે, તે અધિકારપૂર્વક એમના વિશે લખી શકશે. આજે કોઈ પણ અંગત પરિચય ન હોવા છતાં એમને યાદ કરવાની થોડી ધૃષ્ટતા કરું છું. આ ખાસ એટલા માટે કે ત્યારના અને અત્યારના વડાપ્રધાનની કાર્યશૈલીમાં પણ ઘણું સામ્ય છે. અને આ સંજોગોમાં કટોકટી સામે કોર્ટમાં લડેલા દરુસાહેબ અત્યારના સંજોગામાં શું વલણ લેત, એ વિચારણીય છે.

કટોકટીની જાહેરાત થઈ, ત્યારે હું વિદ્યાર્થી હતો અને પ્રિ આર્ટ્સમાં અભ્યાસ કરતો હતો. મતદાનનો હક્ક હજી કદાચ મળ્યો નહોતો. રાજકીય ઘટનાઓ અંગે એવી કોઈ ખેવાનાઓ નહોતી. અનેક નેતાઓને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, તેમાં મોરારજી દેસાઈ પણ હતા, એ વાતથી ચિંતિત નહીં તો ય ક્ષુબ્ધ હતો. મોરારજીભાઈને એક અણીશુદ્ધ પ્રામાણિક માણસ માનતા હતા. મોરારજીભાઈને અનેક સભાઓમાં સાંભળેલા તેમ અત્યંત નજીકથી એમને જોવા-સાંભળવાનું બનેલું એટલે પણ કદાચ એમના વિશે વિચાર આવેલા. આપણે ત્યાં ગુજરાતમાં તો નવનિર્માણ-આંદોલન ચાલેલું તેમાંના નેતાઓના રોલથી પરિચિત હતો, પણ તે સમયે હું સ્કૂલમાં હતો. આંદોલનને કારણે પરીક્ષાઓ નહોતી લેવાઈ અને માસ પ્રમોશન મળેલું એ ગમેલું છતાં તેનો વિરોધી હતો. ગુજરાતના શિક્ષણની ત્યારથી જ કદાચ અધોગતિ શરૂ થઈ. તે મેં તો વ્યાખ્યા કરી કે ક્ષણે-ક્ષણે જે ક્ષીણ થાય તે શિક્ષણ. એ આજે સાચું લાગે છે.

વર્તમાનપત્રો-અખબારો ઉપર સેન્સરશિપ હતી. એ વખતે મુંબઈથી પ્રગટ થતું ’જનશક્તિ’ વાંચતાં. હરીન્દ્ર દવે તેના તંત્રી હતા. ’જનસત્તા’ ય ખાસ વાંચતાં. આ અખબારો તે સમયે અન્ય અખબારો કરતાં જુદી તરેહનાં હતાં. ’જનસત્તા’માં સુરેશ જોશીની કૉલમ ’માનવીનાં મન’ આવતી. તેમાં કયાંક ગર્ભિત રીતે કટોકટીની વિરુદ્ધ વાત આવતી. સામયિકો અનેક વંચાતાં. પણ એ સમયે ’વિશ્વમાનવ’ ખાસ વાંચતાં. તેમાં પહેલા પાને ગાંધીજીનો ફોટો હોય અને તેની નીચે લખ્યું હોય ’સબકો સન્મતિ દે ભગવાન’. અને એ વાતને કટોકટીના સંદર્ભમાં જોવાની રહેતી. એ વખતે કોઈ એક અંકમાં આઇકમેન વિશે ઘણું બધું આવેલું. અને જર્મનીના નાઝી ત્રાસવાદ ઉપરનો ’વિશ્વમાનવ’નો એ અંક કેટલોક સમય સાચવી રાખેલો, તેમ જ અનેકને વાંચવા આપેલો.

કટોકટીની ઘોષણા થઈ પછી જે રીતે સરકારી તંત્રમાં નિયમિતતા આવી ગઈ હતી, તેની ખાસ નોંધ લીધી હતી. ટ્રેનો સમયસર ચાલતી. કર્મચારીઓ પણ વિવેકી, શિસ્તબદ્ધ અને આજ્ઞાકારી થઈ ગયા હતા. આ બધું આવકાર્ય હતું, તેમ ગમતું પણ હતું. પણ પછી ધીરે-ધીરે કટોકટીની વાસ્તવિકતા જાણવા મળવા લાગી. મોરારજીભાઈ વડાપ્રધાન બન્યા, ત્યારે તેમના પ્રેસસચિવ થયેલા કમલકાન્ત ભટ્ટ કટોકટી વખતે દિલ્હી છોડીને ભુજ રહેવા આવી ગયા હતા. એ ભાગીને આવ્યા છે અને ધરપકડને ટાળવા ભુજ રહે છે, તેવું જાણવા મળેલું. કેટલાક ઓળખીતા મિત્રો અને અમારા એક કુટુંબી પણ મિસામાં પકડાયેલા. અને કટોકટી દરમિયાન જેલમાં રહેલા. ત્યારે એવો પ્રશ્ન થતો કે આ બધાને શા માટે પકડ્યા છે. પણ પછી ધીમે ધીમે કટોકટીનાં કાળાં કામોની જાણકારી મળવા લાગી. ઉમાશંકર જોશીનું ’સંસ્કૃિત’ એમણે બંધ કર્યું. આપણે ત્યાં જનતા પાર્ટીની સરકાર હતી તેથી થોડો ફેર પડેલો. પણ સરકારના પતન પછી જાહેર થયેલા રાષ્ટ્રપતિશાસન દરમિયાન કટોકટી બધાને અસર કરી ગયેલી.

કટોકટી ઊઠી ગયા પછી તેના વિશે ખૂબ વાંચવા-સાંભળવા બન્યું. ફિલ્મ ’કિસ્સા કુર્સીકા’ની ચર્ચા ચાલેલી. અભિવ્યક્તિ સ્વાતંત્ર પ્રત્યે પહેલેથી જ વિચારો સ્પષ્ટ હતા. અને એ મળવી જ જોઈએ, તેમ માનતો હતો. જે એક વાતથી અત્યંત ખિન્ન થવાયું તે કન્નડ અભિનેત્રી સ્નેહલતા રેડ્ડીને જેલમાં આપવામાં આવેલા ત્રાસની જાણકારીથી. એ કદાચ મૃત્યુ પણ એ જ કારણે પામેલી. આ બધું અસહિષ્ણુતા નહીં ? આ લોકોએ ફક્ત સરકારના કાર્યનો વિરોધ કરેલો. ત્યારની અને આજની વિરોધ કરવાની રીતો જુદી છે. આજે ઍવૉર્ડ વાપસીથી વિરોધ થઈ રહ્યો છે.

કટોકટીમાં જે અનેક લોકોની ધરપકડો થઈ, તેમાં ગુજરાતના પણ અનેક લોકો હતા, અને તેમાંના એક ચંદ્રકાન્ત દરુ પણ હતા. મને યાદ છે, ત્યાં સુધી એમની ધરપકડ જનતા પાર્ટીની બાબુભાઈ પટેલની સરકારના પતન બાદ જે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું, ત્યારે થઈ હતી. એમને મિસા હેઠળ પકડીને જામનગરની જેલમાં રાખવામાં આવેલા. મિસા હેઠળ પકડાયેલા અને જેલમાં રહેલા રાજકીય કેદીઓને જો અનુકૂળ હોય તો બહારથી કોઈને ત્યાંથી જમવાનું ટિફિન મંગાવવાની છૂટ હતી. દરુ સાહેબને જેલનો ખોરાક અનુકૂળ નહોતો અને જામનગરમાં એમના કોઈ ઓળખીતા નહોતા, એટલે એમની જેલમાં તબિયત બગડી હતી. પણ અમદાવાદના કોઈ નેતાએ એમની સાથેના સંબંધને કારણે જામનગરના એક કૉંગ્રેસી નેતા અને ધારાસભ્યને શક્ય હોય તો દરુસાહેબના ટિફિનની કંઈક વ્યવસ્થા કરવાનું સોંપેલું. એ કૉંગ્રેસી નેતા ઇંદિરા ગાંધીની નજીક હતા, તેથી કટોકટીના કાળમાં આવું કામ કરવામાં હિચકિચાટ અનુભવતા હતા. એમણે પોતે જાતે કોઈ વ્યવસ્થા કરવાને બદલે કોઈને આ કામ સોંપેલું. પણ સમય જ એવો હતો કે જેલમાં ટિફિન પહોંચાડવાને માટે કોઈ તૈયાર ન હતું.

એ સમયે પદુભાઈ તરીકે ઓળખાતા પદમસી વિશ્રામ તન્નાએ વ્યવસ્થા કરવાનું સ્વીકારેલું. આ પદુભાઈ એટલે હાઈકોર્ટમાં વકીલાત કરતા જાણીતા ધારાશાસ્ત્રી ભાસ્કર તન્નાના પિતાશ્રી. પણ પદુભાઈ એમની નાદુરસ્ત તબિયતને કારણે પથારીવશ હતા. તેઓ મારા પિતાશ્રીના અત્યંત નિકટના મિત્ર હતા. તેથી હું અવારનવાર એમના ઘેર જતો. એમણે મને કહ્યું કે જેલમાં એક ટિફિન પંહોચાડવાનું છે, તું જઈશ? મને આમાં કંઈ બહુ ડર ન જણાતા મેં હા પાડેલી. તે જમવાનું એમને ત્યાં બનતું અને તેમનાં પત્ની શાંતાબહેન બાર વાગે ટિફિન ભરી આપે, તે હું સાઇકલ પર જઈ જેલમાં પહોંેચાડતો હતો. આવું કંઈક પાંચેક દિવસ ચાલેલું પછી પદુભાઈએ કોઈક અન્ય વ્યવસ્થા કરેલી.

પણ હું જ્યારે જેલમાં ટિફિન પહોંચાડતો જતો હતો, ત્યારે પહેલી જ વાર ચંદ્રકાન્ત દરુનું નામ સાંભળતો હતો. એથી વિશેષ એટલું જાણવા મળેલું કે સરકાર સામેના કોઈ કેસના કારણે તેમને જેલમાં મોકલવામાં આવેલા છે, તે વાતથી વિશેષ એમનો પરિચય નહોતો. (એ પણ કદાચ પદુભાઈએ જ જણાવી હતી.) કટોકટી ઊઠી ગયા પછી એમના વિશે થોડી જાણકારી મળેલી. પણ એ બહુ અલ્પમાત્રામાં હતી. જોગાજોગ જે દિવસે દરુસાહેબનું અવસાન થયું તે દિવસે હું અમદાવાદ હતો. અને એમના અવસાનને કારણે કોર્ટમાં રજા હતી. તે સમયે પણ એમની વકીલ તરીકેની પ્રતિભા અને પ્રતિષ્ઠા વિશે જાણવા મળેલંુ.

પણ પછી એમના વિશે કેટલાક લેખો વાંચ્યા. ’સાધના’ના કેસમાં હાઈકોર્ટમાં એમણે કરેલી રજૂઆત, વગેરે અનેક બાબતો વાંચવા મળી. વિષ્ણુ પંડ્યાએ એમના ઉપર ખાસ્સું લખ્યું છે, તે પણ વાંચવા મળ્યું. અને એ બધામાંથી દરુસાહેબની એક વિશિષ્ટ છબી મનમાં ઊભરી. ખૂબ-ખૂબ માન થયું. પણ મનમાં એક ડંખ રહી ગયો. એમનું નામ ક્યાં ય વાંચું એટલે એમને મળવાનું નહીં જોયાનું સ્મરણ થાય છે.

જ્યારે એમને મળવા(જોવાનું)નું થયેલું, ત્યારે એમને જાણતો નહોતો, અને જાણતો થયો, ત્યારે એઓ આ જગત છોડીને ચાલ્યા ગયા હતા. દરુ સાહેબ આજ હોત તો? હાલની પરિસ્થિતિને કઈ રીતે મૂલવત? મોરલ પોલીસ તરીકે કાર્ય કરતા સરકારના કેટલાક ઘટકો, કેટલાંક પુસ્તકો અને ફિલ્મો ઉપર લગાવાયેલો વિધિસર અને અવિધિસરનો પ્રતિબંધ વગેરે બાબતોને માટે કેવો અભિગમ અપનાવત? અલબત્ત, આ બધા જો તોના પ્રશ્નો છે અને સગવડતા અને અનુકૂળતા મુજબ બધા એનો અલગ-અલગ અર્થ કરતા હોય છે. પણ દરુસાહેબની કાર્યવાહીઓને જોયા-જાણ્યા પછી એ જવાબ મનમાં જ સમજાઈ જાય છે.

e.mail : abhijitsvyas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2016; પૃ. 16 અને 15

Loading

આંધીગમન

નયના પટેલ|Opinion - Short Stories|3 July 2016

મસ્તીખોર માર્જને અચાનક ડાહી-ડમરી ને ઉદાસ થઈ ગયેલી જોઈને વેરાને ખૂબ નવાઈ લાગી. સામાન્ય રીતે ઘર માથે લેતી માર્જ એના રુમમાં જ બેસી રહે એવું બનવાનો પ્રસંગ ખાસ આવ્યો જ નથી. એને ગમતું ન થાય તો લડી લે – ઝઘડી લે પરંતુ આમ ઉદાસ અને શાંત થઈ જાય એવું બને તો નહીં!

કોલેજના પ્રથમ વર્ષમાં ભણતી માર્જને કોઈએ ક્યારે ય આટલી શાંત જોઈ ન્હો’તી.

શરુઆતમાં સૌએ શાંત રહીને જોયા કર્યું. પછી ધીરજ ન રહેતાં અમુક જણે કટક્ષમાં તો અમુક જણે આડકતરી રીતે એનું કારણ જાણવા પ્રયત્નો કર્યા, પણ આ તો માર્જ છે. બોલવાનું શરુ કરે પછી કોઈને બોલવાનો ટર્ન આવવા જ ન દે એ માર્જ બોલે જ નહીં તો નવાઈ ન લાગે?

પરંતુ સૌને માર્જની ચૂપકીદી કંઈક વિચિત્ર લાગી.

માર્જથી નાની રીટાને પૂછ્યું તો એણે પણ ખભા ઉલાળી ‘ખબર નથી’ કહ્યું.

વેરાએ કેટલી મનાવી અને કારણ જાણવા પ્રયત્ન કર્યો પણ …… માર્જ ચૂપચાપ.

એની ચૂપકીદીમાં વેરાને પોતે કોઈ અપરાધ કર્યો હોય એવી લાગણી કેમ થતી હતી તેની એને પહેલાં તો સમજ ન પડી. પછી યાદ આવ્યા તે દિવસો જ્યારે તેણે માર્જ અને રીટાના ડેડ એલન સાથે ડિવોર્સ લીધા હતા અને પહેલીવાર જ્યોર્જ સાથે બન્ને દીકરીઓની ઓળખાણ કરાવી હતી.

૧૨ વર્ષની માર્જે જ્યોર્જને ડેડ તરીકે સ્વીકારવાની ઘસીને ના પાડે દીધી હતી. જેવો હતો તેવો પણ એને તો એના ડેડ એલનની જ માયા હતી. બીજા કોઈને એ ડેડની જગ્યા આપી જ કેમ શકે?

રીટાએ વાંધો પણ ન લીધો કે ન તો ઉત્સાહ બતાવ્યો – બસ પરિસ્થિતિને સ્વીકારી લીધી.

૧૪માં વર્ષે માર્જે એની વર્ષગાંઠને દિવસે જ્યોર્જને સ્પષ્ટ શબ્દોમાં મનમાં પડઘાતી રહેલી વાત કહી જ દીધી, “મારા ડેડ બનવાનો પ્રયત્ન નહી કરતા. તમે મારી મમના પતિ હશો, પરંતુ મારે માટે મમના મિત્રથી વધીને કાંઈ જ નથી. અને એક છાપરા નીચે રહેવાથી કોઈ સગું બની નથી જતું. ” 

“માર્જ ડાર્લિંગ, એમ ન બોલાય, બેટા,” કહીને વેરાએ એ વાત ત્યાં જ સમેટી લીધી હતી પરંતુ વાત એમ ભલે સમેટાઈ ગઈ છતાં જ્યારે જ્યારે માર્જની આંખ જ્યોર્જ સાથે મળતી ત્યારે બોલાયા વગર પણ એ વાતના પડઘા પડતાં.

સેકન્ડરી સ્કૂલમાં જતી માર્જ ભણવામાં ખૂબ હોંશિયાર હતી, પરંતુ વેરાએ કરેલા આ બીજા લગ્નથી નાખુશ માર્જનું મન ભણવામાંથી ઊઠી ગયું અને બને એટલા જલદી એ ઘરમાંથી નીકળી કેમ જવું તેની યોજનાઓ કરતી રહેતી. એમાં પછી ભણવામાં મન ક્યાંથી લાગે? પછી વળી રીટાનો વિચાર આવતાં મન પાછું પડે. એના ડેડ એલને પણ બીજાં લગ્ન કરી લીધાં છે અને સ્વાભાવિક રીતે જ ત્યાં જવાનો દરવાજો પણ બંધ થઈ ગયો.

જાય તો ય ક્યાં જાય?

એમ કરતાં કરતાં બે વર્ષ નીકળી ગયાં. સ્કૂલમાંથી એને કાઉન્સેિલંગ માટે જવા કહ્યું પરંતુ એનો પણ ઈન્કાર કર્યો. રીટાને લઈને ભાગી જવાનું મન થાય પરંતુ પછીની પરિસ્થિતિનો વિચાર કરતાં કરતાં એને ઘણીવાર થતું કે એ ગાંડી થઈ જશે.

આ દરમ્યાન જ્યોર્જે વેરા પાસે એક તેમના પોતાના બાળકની માંગણી કરી પરંતુ વેરાને ખબર હતી કે જો એમ બને તો માર્જ અને રીટાનો પ્રતિભાવ કેવો આવશે. એ સારી રીતે જાણે છે કે જે દિવસે બન્ને છોકરીઓને ખબર પડે કે એ જ્યોર્જના બાળકની મા બનવાની છે, તે દિવસે એ એની બાપ વિહોણી દીકરીઓને ગુમાવી બેસશે અને મા વિહોણી પણ કરવાનું પાપ લાગશે. 

વેરાના નકારથી જ્યોર્જ ધુંધવાઈ તો ઊઠ્યો પણ શું કરવું તે સૂઝ્યું નહીં.

જ્યોર્જે એક દિવસ ગુસ્સામાં, માર્જ ૧૬ વર્ષની થઈ ગઈ છે અને હવે ઘર છોડી દેવું જોઈએ એમ કહ્યું.

એક તરફ માર્જ સાથે રીટા પણ ઘર છોડવા તૈયાર થઈ ગઈ અને બીજી તરફ વેરાની હાલત કફોડી બની ગઈ. 

વેરાએ કાકલુદી કરીને બન્ને છોકરીઓને રહેવા સમજાવી. ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી માની પરિસ્થિતિ જોઈને બન્નેએ માને આશ્વાસી અને મન કઠણ કરીને રહી ગયાં. 

માંડ માંડ પરિસ્થિતિને સમથળ કરી અને નિરાંત અનુભવે છે ત્યાં તો એક દિવસ માર્જ સાવ મૂંગી બની બેઠી છે.

“કમ ઓન બેટા, ટેલમી વોટ્સ હેપન્ડ?”

વાત કહેશે તો ક્યાં તો મા એ વાત માનશે જ નહીં અથવા જો માનશે તો ફરીને એ ઘર અને પતિ વિનાની થઈ જશે એ વિચારે એ સહમી ગઈ.

વેરા તરફ એક ઠંડી અને અસહાય નજર નાંખીને ચૂપ જ રહી.

માની આંખમાં આંસુ જોઈને માંડ માંડ બોલી, “નથીંગ મમ, પ્લીઝ લીવ મી અલોન.”

રૂમમાં પ્રવેશતો જ્યોર્જ મા-દીકરીને વાતો કરતાં જોઈને પાછો વળી ગયો તો ય માર્જની આંખમાંથી નીક્ળતી ધિક્કારની જ્વાળા એને સ્પર્શી ગઈ.

નીચું મોં કરી ફ્રીઝમાંથી બિયરનું ટીન લઈને સિટીંગ રૂમમાં બેસીને પીવાનું શરુ કર્યું.

વેરા આવીને એની બાજુમાં બેસી ગઈ અને બોલી. “ખબર નહીં આ છોકરીને શું થયું હશે?”

જ્યોર્જે સાંભળ્યું – ન સાંભળ્યું કરીને ટી.વી.માં મન પરોવ્યું.

જ્યારથી માર્જ મૂંગી થાઈ ગઈ છે, ત્યારથી જ્યોર્જનું વર્તન પણ વેરાને વિચિત્ર લાગતું હતું એટલે એણે તો સહજ રીતે જ જ્યોર્જને પૂછ્યું, “ડાર્લિંગ, તારી સાથે તો એણે ઝઘડો નથી કર્યોને?

જ્યોર્જની ડાબી બાજુ પર બેઠેલી વેરાને એણે સાચે જ ‘ડાબા હાથની’ જડી દીધી.

‘પૂછ તારી લાડકીને મને શું પૂછે છે? લાડ કરી કરીને બગાડી નાંખી છે. મારી છોકરી હોયને …’

ત્યાં તો માર્જ રુમમાં ધસી આવી અને જ્યોર્જ સામે ઊભી રહી, ‘ બોલ, આગળ બોલ કે પછી હું તારું વાક્ય પૂરું કરું?’

જ્યોર્જે આવો પ્રતિભાવ નહોતો કલ્પ્યો. એ તો દર વખતની જેમ વેરાને ‘મનીપ્યુલેઈટ’ કરવા માંગતો હતો .. 

હંમેશાં આવી પરિસ્થિતિમાં માર્જને ચૂપ રહેવાનું કહેતી વેરાએ માર્જને કહ્યું, ‘બોલ બેટા, એનું વાક્ય તું જ પૂરું કરી નાંખ.’

પોલ ખોલવાની પળ આવી ગયેલી જોઈને જ્યોર્જ માર્જને મારવા ગયો. વેરા આડો હાથ કરીને ઊભી રહી અને ડારતે અવાજે કહ્યું, ‘હાથ તો અડાડી જો એને … !’

પરિસ્થિતિને હાથમાંથી સરી જતી જોઈને રુમ બહાર જતાં જ્યોર્જની સામે જઈને માર્જ બેધડક બોલી, ‘તારી છોકરી હોત તો તેં મારી સાથે જે કર્યું તેમ એને તું રેઈપ કરતે?’

વેરા અવાક બની ગઈ.

માળ ઉપર ચૂપચાપ સઘળું સાંભળતી રીટા પણ નીચે ધસી આવી અને બાકી રહેલી વાત આગળ વધારી, ‘મમ, તેં આ માણસને એનું બાળક આપવાની ના પાડીને, તેની શિક્ષા એ અમને કરે છે.’ એક ગાળ બોલી એણે જ્યોર્જેને જોરથી તમાચો માર્યો.

બહાર સખત વરસાદ અને વાવાઝોડું હતું તેની પરવા પણ કર્યા વગર વેરાએ બન્ને છોકરીના હાથ પકડ્યા અને ઘર બહાર નીકળી ગઈ.

સુખ નામના પ્રદેશમાં જવા માટે થનગનતી વેરાને તેના બન્ને પતિઓએ આંધીગમન કરવા મજબૂર કરી દીધી!

************************

e.mail : nayna47@hotmail.com

Loading

...102030...3,5943,5953,5963,597...3,6003,6103,620...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved