Opinion Magazine
Number of visits: 9553021
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંબંધ

ગુણવંત વૈદ્ય|Opinion - Short Stories|13 April 2016

લાભા સરપંચે બોલાવેલી સભા પૂરી થતાં જ ચોકમાં બેઠેલા બધા ઉઠવા માંડ્યા. અંદરોઅંદર ઘુસપુસ ચાલુ થઈ ગઈ. ગોરખપુરના ગામલોકોની સભામાં આજે ગરમાગરમી થઈ હતી. અનાવૃષ્ટિનો માર સહન કરી કરીને એક સમયની હરિયાળા ખેતરોવાળી જમીન હવે બિનઉપજાઉં થઈ ગઈ હતી. જમીનમાં ઠેર ઠેર ચીરા પડ્યા હતા. સુક્કા ખેતરો છોડીને ઘણા ખેડૂત પરિવારો શહેરે નશીબ અજમાવવા નીકળી ગયા હતા. ગામમાં બાકી રહેલા પરિવારોનાં પુરુષો અને સ્ત્રીઓ આજુબાજુના ગામના માલધારીઓને ત્યાં નાની મોટી મજૂરી તેમ જ ઘરકામ કરી થોડું ઘણું કમાઈ લાવતા જેના ઉપર એમના કુટુંબો નભતાં. ક્યારેક કમાણી ન થાય તો ફાકા જ થતા. આના પરિણામે પરિવારમાં ઝઘડાઓ તેમ જ કુટુંબોમાં આપસ આપસમાં નજીવી વાતોમાં ડાંગો ય ઉછળી જતી.

સભાને અંતે શહેરીઓને ખેતરો વેચી દેવાનો જ નિર્ણય લેવાયો. ગામનું અસ્તિત્વ જ ખલાસ થાય એવા પ્રચંડ ભણકારા  વાગી ચુક્યા હતા. ગામનો ઇતિહાસ બદલવા જઈ રહ્યો હતો. 

'બહુ માઠા સમાચાર છે, બાપુ,' પરસેવે રેબઝેબ  એવા બાબુ વેસ્તાએ ડેલીમાં પ્રવેશ કયો. 

'કાં …?' ગાભા પટેલ ઓટલે આવ્યા. એમણે પટલાણીને કળશિયો લાવવા ઈશારો કર્યો. 

'લાજપોરનો પેલો ગભો પટેલ ..'

‘ગભો …?'

'પેલો સરકારી મદદ માટે કલેકટર કચેરી પાસે આમરણાંત ઉપવાસ પર જવાનો હતો એ ..'

'અરે હા, ઓળખ્યો, તેનું શું …?'

'આજે ઝાડે લટકી ગ્યો …'

'નો' ય ..' લાભો પટેલ ચોંક્યા. કળશિયો લઈને આવતી પટલાણી પણ  સ્તબ્ધ  જ થઈ ગઈ !

'એની ઘરવાળી  ને  બે  છોડિયું ય લટકી ગઈ ….'

'અરે ભગવાન ..' કહેતા લાભા પટેલ લમણે હાથ દઈ ઓટલે જ બેસી પડ્યા. જાણે એમના માથે વીજળી જ ત્રાટકી. 

આ સમાચાર ખરેખર ખૂબ જ ચોંકાવનારા હતા. 'હવે શું થશે?'ની ચિંતા લાભા પટેલને ઘેરી વળી. 

'ભાયગ જ ફૂટ્યા છ ખેડૂતના .. અને સરકારને આંખ, કાન, જીભ છે જ ક્યાં? ' કહેતાં પટલાણીએ બાબુ વેસ્તા આગળ કળશિયો મુક્યો. 

શહેરીઓ સાથેની વાટાઘાટ આડે માંડ થોડા કલાકો જ હતા. ત્યાં એક જ પરિવારના ચાર જણ ઝાડે લટકી ગયાંના સમાચાર સહુને વિહ્વળ કરી નાખે એવા હતા. 

લાભા પટેલે કોઠાસૂઝ વાપરીને આવતી કાલની સભામાં ડાંગો ન ઉછળે તે કાજે પોલીસ પટેલને પણ હાજર રહેવા તાબડતોબ કહેણ મોકલાવી દીધું. 

દિવસ ઢળતો જતો હતો. 

ઓટલે બેસી હરિયાએ સુક્કાં પાનની બીડી વાળી. પછી એમાં ક્ચરેલાં સુક્કા પાંદડાનો ભૂકો નાખી તે સળગાવી. 

'હવે ફેંક તારી બીડીને' કહેતી માટીના શકોરામાં એક રોટલો, ચપટી મીઠું અને કાંદાની ચાર કટકી  લઈને જશી પણ ઝૂંપડીની અંદરથી બહાર આવી.

હરિયાએ છેલ્લો દમ મારી બીડીનું ઠુંઠું હેઠે ફેંક્યું. પછી રોટલાનું બટકું ભરવા બંને ખાટલે બેઠાં. તાપમાં રમી રમીને થાકેલો ગુરિયો રોટલો ખાધા વિના જ સુઈ ગયો હતો. 

'હું થ્યું …?' જશીએ રોટલાનું બટકું ભરતાં આજની સભા બાબતે હરિયાને પૂછ્યું. 

'શે'રવાળા કાલ આવવાના છે' કાંદાની કટકી મોંમાં મુકતાં હરિયો બોલ્યો. 

'ખેતર જોવા? '

'બધાએ ખેતર વેચી રોકડા જ લઇ લેવા છે …'

એ સાંભળી જશીને હતાશા ઘેરી વળી. 

'તું હું વિચાર છ ?'

'ગભો તો  ગયો … ને સુખી થયો’ ..'

જશી ચુપ હતી. 

હરિયાએ થોડું પાણી પીધું પછી કળશિયો જ્શીને ધર્યો અને ખાટલે લંબાવ્યું.

ભારીખમ ક્ષણો વહેતી હતી. બે ભૂખ્યા પેટમાં એક રોટલો વહેંચાઇ ગયો હતો. પાણી પીને જશી પણ એની બાજુમાં જ ખાટલે લાંબી થઈ. કાલની ગામસભામાં જવાનો એણે પણ મનોમન નિર્ણય કરી જ  દીધો. ચુપ ક્ષણો વહેતી હતી ….

'ગુરિયાએ આજે મને એક સરસ વાત કરી હોં  ….' જશીએ ચુપકીદી તોડતાં હરિયા સાથે વાત શરુ કરવા પ્રયાસ કર્યો. 

'શું ?' 

'મને કે' ક હું ય ખેતી કરીશ  ….' 

એ સાંભળી હરિયો તો લાગલો બેઠો જ થઈ ગયો !

'એવું ગુરિયાએ કીધું?'

'એ … હા, કેવું હારું હારું લાગ્યું … નૈઇ..?'

હરિયો ચુપ રહ્યો. ફરીથી સન્નાટો છવાઈ ગયો. 

હરિયાનો આંતરિક વલોપાત જશી સમજવા મથતી હતી. 

સાંજ ઢળી ચૂકી હતી. બહાર હળુ હળુ પવન શરુ થયો.  દખ્ખણ તરફથી કાળાં ડીબાંગ વાદળો ધીમા પવનમાં આવવા માંડ્યા.  અસ્તાચળ તરફ ગયેલો સૂરજ ધીમે ધીમે ઢંકાવવા માંડ્યો. પછી તો  વાદળી  ધબાકાઓ પણ ધીમે ધીમે શરુ થયા.  ડરીને જાગી ગયેલો અણસમજ ગુરિયો રોવા માંડ્યો. હરિયો અને જશી પણ બહાર આવ્યાં. વીજ ચમકવા લાગી. હવામાન બદલાયું હતું. ઘરોમાંથી બહાર આવી લોકોએ આકાશ ભણી નજર કરી. બધાના ચહેરે આનંદ ડોકાયો. તડકે સૂકવવા નાખેલાં છાણાં અડાયાં ટોપલે લેવા સ્ત્રીઓ  હોંશે હોંશે દોડી. ચારેકોર શરુ થયેલ કુદરતી સંગીત સાથે જનજીવનમાં ય ચહલપહલ શરુ થઈ. શોર થયો, મસ્તી જામી. આબાલવૃદ્ધ સહુની આંખો આકાશે મંડાઈ. હરેકના મનમાં આશા જન્મી. આંખોમાં ચમકારા થયા, હોઠે સ્મિત ડોકાયાં. બાળકો આંગણામાં દોડી ગયા. ગુરિયો પણ આ નવાઈનું વાતાવરણ ચકળવકળ આંખોએ જોવા લાગ્યો. ઘનઘોર વાદળો છવાયા. તેવામાં વીજળીનો એક વધુ ચમકારો થયો અને વાદળોના ગડગડાટ ભેગી બાળકોની ચિચિયારીઓ પણ વધી. જોરદાર ઠંડો આહ્લાદક પવન પણ શરુ થયો … લોકો ઘરોના ઓટલેથી ઉતરીને હવે બહાર રસ્તા ઉપર દોડી આવ્યા. કુદરત કરવટ બદલી રહી હતી. ઝીણા દાણેદાર છાંટાં પણ ધરતી ઉપર પડવાના પછી તો  શરુ થયા. છમ છમ છમ નું .. ઉત્સવી સંગીતમય વાતાવરણ જામી જ ગયું. તમામ કામ છોડીને ગોરખપુરના આબાલવૃદ્ધ સહુ ખુલ્લા આકાશતળે અલભ્ય એવો ભીનાશનો શારીરિક સ્વર્ગાનુભવસમ સ્પર્શ પામવા  દોડ્યા …. નાગાપૂગાં બાળકો નાચવાં માંડ્યાં. 

‘ગુરિયા … અહીં આવ ……' એક ટેણિયાએ બૂમ પાડી. અને ગુરિયો ત્યાં લાગલો દોડયો. કાગળના ડૂચા શોધી લાવી બાળકો ઉત્સાહભેર કાગળની હોડી બનાવવા માંડ્યા. ઘણાં લાંબા સમયગાળા બાદ આવું વરસાદી ખુશનુમા વાતાવરણ આજે ગોરખપુરના આકાશમાં સર્જાયું હતું ! ઘણી આંખો ભીની થઈ, …. પ્રફુલ્લિત હૈયે લોકો નાચતાં હતાં.

મારું મન મોર બની થનગાટ કરે ….. મન મોર બની થનગાટ કરે …. રંગત જમવા માડી હતી … થનગાટ થવા માંડ્યો હતો …

છમ …. છમ … છમ ….. ટપ ટપાક ટપ …

કુદરતી સંગીત જામવા માંડ્યું. ઘણાં વખતથી ખીંટીએ ટીંગાઈને ધૂળ ખાતું ઢોલ લેવા ગણપત એની ઝૂંપડીએ  દોડી ગયો. 

સૌ ઉત્સવી ઘેનમાં ગળાડૂબ ખોવાયા હતા. ચારેકોર હરખશોર હતો. આકાશેથી સહુની નજર હટીને ભીની થતી ધરા તરફ ગઈ. ધરતી પલળવા માડી હતી. છબછબિયા કરવાનો રાજીપો મળવાનો હતો ને !!! સહુ મસ્ત હતા. 

થોડી ક્ષણો બાદ ….

કોલાહલ ઓછો થવા માંડ્યો, વાદળી ગડગડાટ ગયો, છાંટા બંધ થઈ ગયા, છમ છમ અને ટપ ટપક ટપ થતું સંગીત ધીમે ધીમે ગયું. બાળકો નાચતાં અટકી ગયાં. ભૂલકાંઓના હાથમાં કાગળની હોડીઓ એમની એમ જ રહી ગઈ .. શું થયું એ કોઈને ખબર જ ન પડી ..  ગાંડોતુર વહેતા થયેલા પવને પાણી ભરેલા એ બધા વાદળોને પછી તો લાજપોરની દિશામાં જ ધકેલી દીધાં અને સરી જતા આછા આછા વાદળોની પાછળથી હળવેકથી સૂરજે જ્યારે એનું આખું ડોકું બહાર કાઢ્યું, ત્યારે જ ઉત્સવઘેલાઓને પરિસ્થિતિ બદલાયાની જાણ થઈ !!! વાદળો ગયાં. આકાશ દેખાયું. પવન શમ્યો .. ધરતી માત્ર પલળી પરંતુ છબછબિયા ન થયાં !  હોડીઓ તરી નહીં. રંગમાં ભંગ પડી ગયો. સૂરજ હવે  ફરીથી પૂર્ણ રૂપે પ્રકાશી  ચૂક્યો હતો. … પળવારમાં જ બધું બદલાઈ ગયું. ગોરખપુરનાં ઉત્સવી વાતાવરણમાં એકદમ સોપો પડી ગયો. મોં સુધી આવેલો કોળિયો જાણે ઝૂંટવાઈ ગયો !!  જળભર્યાં વાદળો હવે દૂર નીકળી ગયા હતાં … કુદરતી સંગીત ગયું … સહુએ મરશિયા જેવા  નિહાકા નાખ્યા .. બાળકો રડ્યાં, આબાલવૃદ્ધોની ભીની આંખો કુદરતને જ કોસતી  રહી …

ઝૂંપડીની અંદર જતી જશીએ નિસાસો નાખ્યો, 'ગાજ્યા મેહ વરસે નહીં ….'

માથે હાથ દઈ ઓટલે બેઠેલ હરિયાથી પણ રે'વાયુ નહીં જ 'ખરો નફફટ! ગાજ્યો ગોરખપુરમાં અને વરસ્યો લાજપોરમાં !'

હવે અંધારું થઈ ગયું હતું. ચોગરદમ શાંતિ હતી. નિરાશ ચહેરે હરિયો ખેતરમાં નીકળ્યો. એના મનમાં જબરો કોલાહલ હતો. ભીની થયેલી ક્યારીની માટીમાંથી આવતી મીઠી સોડમ એના હૈયાને ટાઢક આપતી હતી. ઊંડા ઊંડા શ્વાસ ભરીને તન અને મનને માટીની મીઠી સુગંધથી તરબતર કરતો એ બેઠો. જમીનમાં પડેલી તિરાડોને એણે સ્પર્શ કર્યો. જાણે કોઈ ઘાને રૂઝવવાનો પ્રયાસ કરતો હોય એમ જ! મન ભરીને ત્યાં આળોટવાની એને ઈચ્છા જાગી. ખેતરમાં એ ચત્તોપાટ  લાંબો થયો. ખુલ્લા કાળા આકાશમાં નજર માંડી.  આ ખેતરમાં  રમીને  જ તો એનું બાળપણ વીત્યું હતું ને !  એ બાળપણની યાદોમાં પછી તો હરિયો ખોવાયો.

'તમે એ  શું  કરતા ‘તા ..?' પગરખાં કાઢી વાડીમાં દાખલ થતા જ વલ્લભ બાપાને આંખો બંધ કરી બે હાથ જોડી વાંકા વળી ધરતીને પગે લાગતા નાનકડા હરિયાએ એકદા' જોયાં કે તરત એમને પૂછ્યું હતું. 

'આ ધરતી તો આપણી મા  છે, સો દાણાના હજાર દાણા કરીને એ આપણને પાછા આપે છે, એને નમીને પછી જ બીજાં બધાં કામ કરવાના.' એમ ત્યારે બાપાએ એને હળવેથી સમજાવેલું. 

બસ, ત્યારથી આ વાત હરિયાના મગજમાં બરાબર ગોઠવાઈ ગયેલી. એટલે ખેતરમાં જતા આવતા ખેતરને પગે લાગવાનો એણે પણ ત્યારથી નિયમ બનાવી જ દીધો. પછી એનો એ નિયમ એટલો તો વિસ્તર્યો કે મિત્રો સાથે ખેતરમાં એ લુકાછુપી રમવા જાય ત્યારે ય એ ખેતરને નમીને પછી જ રમવાનું ચાલુ કરે ! હરિયાને આવું કરતા જોઈને એના જેવા બીજા ટેણિયાઓએ પણ આ નિયમ અપનાવી જ દીધેલો. જ્યારે વલ્લભબાપાને એમના આ નાટકની જાણ થઈ ત્યારે એ ખૂબ ખડખડાટ હસેલા.

ગાય, બળદને ખીલેથી છોડવાના કે બાંધવાં જેવાં નાનાં નાનાં કામના બદલામાં ગોળની ગાંગડી મેળવવા તે વખતે હરિયો પણ હોંશે હોંશે એને સોપાતાં બધાં જ કામ કરતો. ચારે તરફ ખેતરમાં પણ ત્યારે કેવી સુંદર હરિયાળી હતી. પવનમાં ડોલતા પાક સાથે અડપલાં કરતાં કરતાં બાળમિત્રો સાથે લુકાછુપી રમવાની કે નાના હાથો વડે નીકોમાં પાણી વહેતું કરવાની તેમ જ વરસાદમાં ભીના ભીના થઈ પલળવાની પણ કેવી ગમત પડતી હતી ત્યારે ! મોલની વચમાં સંતાયેલા ભેરુઓ જ્યારે આંખે ચડતા નહીં ત્યારે એમની હલનચલનથી થતા અવાજ સાંભળી એમને પકડવાનું કાશીમાએ જ તો હરિયાને શીખવેલું! … અને પછી બાપાને દૂરથી આવતા જોઈને ખેતરમાં કેવી ભાગમભાગ થઈ જતી !   

'હું ય મોટો થઈને ખેતી કરીશ,' એક વાર એણે બાપાને  કહ્યું  હતું અને ત્યારે વલ્લભબાપાએ એના બરડે હાથ ફેરવીને એનું શેર બશેર લોહી વધારી જ દીધેલું ! અને વળી કાશીમાએ તો ત્યારે એને તરત છાતી સરસો જ લગાવી દીધેલો. 'ખમ્મા મારા દીકરા' એટલું કહેતાં તો એમની આંખે ઝળઝળિયાં જ આવેલાં!  

હરિયો વિચારતો જ રહ્યો . 

'ઊભો રહે, લ્યા, ઉતાવળો ના થા' વલ્લભ બાપાએ એને  કહ્યું હતું. 

'ધરતીને પહેલા પગે લાગ, પછી ઘોડીએ ચડ', અને હરિયો પણ તરત ખેતરને પગે લાગ્યો હતો અને ત્યારપછી  જ વલ્લભ બાપાએ હરિયાની જાન પણ કાઢી હતી. તેવી જ રીતે પૈણીને આવ્યા બાદ પણ વરઘોડિયાએ આખા ખેતરમાં પહેલાં ફરીને સ્પર્શઆશિષ લઈને તે પછી જ ઝૂંપડીમાં પ્રવેશ કર્યો હતો. 

આ બધું યાદ આવતાં એની આંખો ભીની થઈ. ખુલ્લા આકાશ તળે ભાવ વિભોર બની એ ક્યાં ય સુધી લાંબો થઈ રહ્યો. 

આજે તો સ્થિતિ સાવ જ જુદી થઈ ગઈ હતી. સામે પારના ખેતરોની હરિયાળી ઊંચા બિલ્ડિંગો અને કારખાનાંએ છીનવી લીધી હતી. એક જમાનામાં ખળખળ પાણી વહાવતી ગોમતી નદી આજે બે ફૂટની પહોળાઈમાં  ચગદાઈને રહી ગયેલ એક અસ્પૃશ્ય વહેળો જ બની ચુક્યો હતો.

બાળપણની એ રમતો ગઈ, ભેખડો પરથી નદીમાં બાળકોના કૂદવાના ધબાકા ગયા, હરિયાળી ગઈ, ચિચિયારીઓ ગઈ, લીલા  ખેતરો ગયા, ખળખળ વહેતી ગોમતી ગઈ. બધું જ ગયું. રહી ગઈ માત્ર ખેતર તરીકે હજીયે ઓળખાતી સુક્કી ધરા અને ખેડૂત પરિવારોના ખાલી પેટ ….

બાળપણની યાદોમાં ખોવાયેલા હરિયાને સમયનું ભાન રહ્યું નહીં. રાત ઘણી વીતી ચૂકી હતી. પછી ….  

'હું ખેતર નહીં જ વેચું. મારા ખેતરમાં  કારખાનું નહીં  જ લગાવવા દઉં' એમ દ્રઢ સંકલ્પ હરિયાએ લઇ જ લીધો ! 

આ બાજુ રાત ઘણી વીતી ચૂકી હોવા છતાં હજી હરિયો ખેતરેથી ઝૂંપડીએ પાછો ફરેલો ન જોતાં જશી ઝૂંપડીની બહાર આવી.  હરિયો ઓટલે પણ ન હતો. એના ધબકારા વધી જ ગયા. ઓટલે હરિયાની ડાંગ ન પણ ન હતી. 'નક્કી હરિયો હજી ખેતરે જ શંકર અને ખુશાલ જોડે વાતો કરતો બેઠો હશે' એમ માનવાને એને કારણ મળ્યું. આ મિત્રોની ત્રિપુટી ઘણીવાર મોડી રાત સુધી ખેતરે બેસીને વાતો કરતી રહેતી. એ વિચારથી જ્શીને રાહત થઈ. પરંતુ બીજી જ ક્ષણે બહારના ભારઠ ઉપર લટકાવેલું દોરડું ત્યાં ન દેખાતાં એને ફરી ધ્રાસ્કો પડ્યો. 'અહીં જે દોરડું હતું એ લઈને અટાણે  હરિયો  કયાં  ઉપડ્યો હશે?' એને સવાલ થયો. પછી  કૈક  વિચાર આવતાં એ એક ક્ષણનો પણ વિલંબ કરવા વગર તરત જ ખેતર તરફ ઝડપથી બૂમો પાડતી દોડી ગઈ … 'હરિયા …. ', 'હરિયા ….'

આટલી મોડી રાતે જ્શીનો અવાજ ખેતરમાં સાંભળી હરિયો પણ વિચારોમાંથી જાગીને ચોંકી જ ગયો ! 

'આંય છું …' હરિયાને ખેતરમાં હેમખેમ સૂતેલો જોઈ જ્શીના જીવમાં જીવ આવ્યો. 

'કેમ આવી? હું થયું? ગુરિયો .. ક્યાં?'

એટલામાં જશી ત્યાં આવી પહોંચી એને શ્વાસ ચડ્યા હતા. 

'ગાંડો થ્યો છે…. ? આમ અમને એકલા મૂકીને …' કહેતાં તો એ હરિયાની છાતી ઉપર માથું મૂકીને  રોવા જ માંડી. 

હરિયાને કશું સમજાયું નહીં. એ બેઠો થયો.

'એકલા મૂકીને … એટલે?'

'બોલ, દોરડું ક્યાં છે?'

'દોરડું?' 

'ભારઠ ઉપર હતું એ ..'

‘કેમ …?

'પૂછું એનો જ જવાબ દે'

'ત્યાં પીપળે ઝૂલો બાંધ્યો છે.’

'ઝૂલો?'

'હા, ગુરિયા  માટે … પણ કેમ પૂછે છે? તને થયું છે શું એ તો બોલ … ?'

અને પીપળે ઝૂલો બાંધેલો જોતાં જશી એકદમ જ ખીસિયાણી પડી ગઈ. 

'મારો તો જીવ જ બેહી ગ્યો ‘તો …' હરિયાની ખુલ્લી છાતી પર પોતાનું માથું મૂકી એની છાતીના વાળમાં આંગળીએ કુંડાળા કરતી જશી ધીમેથી માંડ માંડ બોલી. 

'પણ કેમ …?'

'જા હટ …' જશી એકદમ શિયાળ થઈ ગઈ. 

'બોલ તો ખરી' 

'નૈ કઉં, જા' જ્શીએ છણકો કર્યો.  

'ઓહ, હવે હમજાયું … તને એમ કે હું ય ગાભા પટેલની જેમ દોરડું બાંધી ઝાડે …. .' હજી તો એ વાક્ય પૂરું કરે એ પહેલાં તો જશીએ હરિયાના મોં ઉપર પોતાનો હાથ દાબી એને બીજું કશું બોલવા  જ ન  દીધો ! 

જ્શીનો હાથ હટતાં હરિયો ખડખડાટ હસવા જ માંડ્યો … 'વ્હાલી મારી .. હું કાંઈ એની જેમ ઝાડે લટકું એમ નથી, હું તો તારા ગળે જ……' કહેતાં એણે જોરથી જ્શીને જકડી જ લીધી …

'હટ ભૂંડા ..' કહેતાં હરિયાની વ્હાલપ જાણે નામંજૂર કરતી હોય એમ સાવ ખોટમખોટો ગુસ્સો કરતી જશી એની  સોડમાં વધુ ભરાઈ. 

થોડી વધુ વ્હાલપી પળો વીતી.

 *                                            *                                     * 

બીજે દિવસે સવારે શે'રવાળા આવે એ પહેલાં લાભા સરપંચે ગામની વચોવચ મેદાનમાં ચાર વાંસ દટાવી આચ્છાદન કરાવી તંબુ બનાવડાવી દીધો. એની અંદર ત્રણ ખાટલા, પાણીના બે માટલાં અને બે પ્લાસ્ટીકના ડોલચા પણ મહેમાનો માટે મૂકાવી દીધાં. 

દૂરથી બે મોટરકાર ધૂળ ઉડાડતી ગામમાં પ્રવેશી. બાળકો દોડયાં.

લાભા સરપંચ અને પોલીસ પટેલે બધા મહેમાનોનું હાથ જોડી સ્વાગત કર્યું. ગામલોકો ય ભેગા થવા માંડ્યા. તંબુમાં થોડો વિસામો કરી મહેમાનો ગામ અને ખેતરો જોવા નીકળ્યા. લાભા સરપંચે અને તલાટી બાબુ વેસ્તાએ મહેમાનોને જોઈતી માહિતી આપી. આઠેક મહેમાનો આવ્યા હતા. સરપંચ, તલાટી અને પોલીસ પટેલ તરફથી મળતી માહિતી એમના ચોપડે લખાતી જતી હતી. સૂરજ ચડતો જતો હતો. આવી કાળઝાળ ગરમીમાં મહેમાનોને ત્રાસ વધુ થતો હોવાનું લાગતું હતું. કેવળ ઠેર ઠેર ચીરાવાળી ખેતરો તરીકે ઓળખાતી બિન ઉપજાઉ જમીન હતી. જમીનની જ કિંમત નક્કી કરવાની હતી, એકબીજા સાથે એ સમજ અંદરો અંદર મહેમાનોએ કેળવી દીધી. પછી તપતા સૂરજની ગરમીથી બચવા એમણે તરત તંબુ તરફ જવા પગ ઉપાડ્યા. 

બપોર બાદ ગામજનો સાથે બેઠક શરુ થઈ. 

"ગામવાસીઓ, પ્રત્યેક માનવ શરીરને હાલતું ચાલતું રાખવા હવા પાણી અને ખોરાકની મુખ્ય જરૂરિયાત હોય છે. આપને પડતી હાડમારીનું અમને બહુ દુ:ખ છે. આપ સૌ પ્રત્યે અમારી ખૂબ હમદર્દી છે. આપને આ આપદાના સમયમાં મદદરૂપ થવા કાજે અમે અમારાથી બનતા બધા જ પ્રયાસો કરીશું. આપ સહુને માટે રોજગારીની તકો ઊભી કરીશું અને દરેક પરિવાર ખાધેપીધે સુખી થાય એની પણ કાળજી રાખીશું. આજની સ્થિતિમાં હવે કુદરતને ભરોસે રહી ખેતી ઉપર નિર્ભર રહેવું શક્ય જ નથી. દરેક પરિવારની કાયમી આવક હોવી ખાસ જરૂરી છે. અહીં આ બિન ઉપજાઉ જમીન ઉપર એક મોટું કારખાનું નાખવાની જરૂર છે. એનાથી રોજીરોટીના તમામ પ્રશ્નો ઉકલી જશે. સરકાર પાસે પણ એ માટે આપણે મદદ લઈશું. એ સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. તે કાજે પ્રત્યેક વીઘા દીઠ પચાસ હજાર રૂપિયાનું વળતર પ્રત્યેક જમીનદારને અમે આપવા માગીએ છીએ. આપ સહુ જો આપના ખેતરની જમીન અમને વેચવા બાબતે સહમતી આપો તો કાગળિયાં કરી તમામ જમીનદારને આ સોદાના બીયાના પેટે એમની જમીનની કુલ કિમતના ત્રીજા ભાગની રકમ પણ રોકડેથી આજે જ અમે ચૂકવવ માગીએ છીએ.  આપણે ભેગા મળીને ભવિષ્યની તમામ ચિંતા આ કરવા દ્વારા દૂર જ કરી શકીશું, બોલો મંજૂર છે ને ?"

શેઠ હીરામલે આમ કહેવું જેવું પૂરું જ કર્યું કે એમને ધ્યાનથી સાંભળી રહેલા ગામવાસીઓએ તરત  'મંજૂર છે …' ના જવાબ સાથે પ્રચંડ તાળીઓથી એમને વધાવી જ દીધા !  

પછી તો સભામાં આપસમાં આનંદસંવાદો  શરુ થતા કોલાહલ પણ વધ્યો. 

ત્યાં તો …. 

'નથ વેચવું અમારે  ખેતર … ' કહેતી કાંખમાં ગુરિયાને  સમેટતી મહિલાઓની વચ્ચેથી જશી ઘૂમટો ખેંચીને ઊભી થઈ. બધાનું ધ્યાન ત્યાં ગયું.  '… અને નથ જોતું કારખાનું …' કહેતાં એણે હરિયાની તરફ જોઈ કહ્યું, ‘ચાલ, હેંડ અહીંથી  …'.

સૌ અવાક થયા. એ સાંભળીને ક્ષણેક તો હરિયાનું પણ વાણીહરણ જ થઈ ગયું.  પુરુષ સમોવડી થવાનું જાણે એલાન કરતી હોય એ રીતે આમ જાહેરમાં બોલવાનું સાહસ કરનાર જશી ગોરખપુરની પહેલી સ્ત્રી હતી ! આવું સાહસ આ અગાઉ કોઈએ કર્યું જ ન હતું ! હરિયામાં તાકાત આવી. 

સભામાં ડાંગ ઉછળી જવાનો ભય લાભા સરપંચને લાગતાં એમણે કોઠાસૂઝ વાપરીને બાબુ વેસ્તાને ચોપડે કામગીરી તરત શરુ કરવા ઈશારો કરી દીધો. 

'વેચનારા બધા અંગૂઠો દેવા અને રોકડા લેવા આવવા માંડો …' મામલો થાળે પાડવાનાં આશયે પોલીસ પટેલે પણ સભામાં જાહેરાત કરી. 

'બઈરા માણહને હું હમજ પડે? ' બાબુ ગુમડિયો અંગૂઠો દેવા ઊઠયો.

'સાહેબ, હું કાઈ બોલી શકું?' જશી સાથે ડેલી સુધી પહોંચેલા હરિયાએ પાછા ફરીને મહેમાનને પૂછ્યું. 

‘હા .. બોલોને' મહેમાને કહ્યું. 

બધાની નજરો હરિયા તરફ ગઈ. કાન સરવા થતાં સભાશોર શમ્યો. 

હરિયાએ ગુરિયાને જશીની કેડેથી  તેડી લીધો. 

પછી કહ્યું, 'આ અમારો ગુરિયો છે સાહેબ, ને એણે પણ ખેડૂત બનવું છે.'

'એ તો ઘણી આનંદની  વાત છે,' મહેમાને કહ્યું. 

'પરંતુ એણે ક્યારે ય હરિયાળા ખેતર જોયા નથી, કોદાળી, હળ કે પાવડો જોયો નથી કે આકાશેથી વરસાદ બનીને પડતું પાણી ય કોઈ દી' જોયું નથી, સાહેબ, એણે નથી જોયું ગોમતીમાં પાણી. એણે જોયા છે તો માત્ર ખભે ડાંગ લઈને સુક્કા ખેતરમાં આખો દી' ફરતા માણહને, એને મન એ જ ખેડૂતગીરી છે! અને … એવા ખેડૂત બનીને એણે તો ખેતી કરવી છે, હળ ચલાવતાં, વાવણી  કરતાં, નીકોમાં પાણી વહેતું કરતાં કે ધરતીને વ્હાલ કરતાં ખેડૂતને તો એણે કદી જ નથી જોયો,  કોઈ પણ  જાતનું કામ કર્યા વગર એણે તો  ફરતા રહેવાની ખેડૂતગીરી કરવી છે …. અને તમે એને આનંદની વાત કહો છો? ' એટલું કહી હરિયો જરીક  રોકાયો. સભા ચૂપ હતી. પછી હરિયાએ આગળ ચલાવ્યું.

'અમે તો કુદરતી કોપથી લાચાર છીએ. અસમર્થ છીએ, એવા સંજોગોમાં અમારી જમીન પણ અમારી પાસેથી ઝુંટવીને અમને વધુ લાચાર અને વધુ અસમર્થ ન કરો, સાહેબ, અમારી જે જે ઉણપ છે, જે ખોટ છે એ જ દૂર કરવામાં જો અમારી સહાયતા કરી અમને અમારા પગ ઉપર   ઊભા થવામાં મદદ કરી શકો તો એની અમને તો વધુ જરૂર  છે …. અને એક વાત કહું, સાહેબ? અમે જે કુદરત ઉપર અત્યાર સુધી આધાર રાખીને ખેતી કરતા હતાને, એ કુદરતનો કર્તાહર્તા ભગવાન અમારા કરતાં હમણાં તમારી પર ઘણો મેં'રબાન છે. એણે આપની ઉપર ખૂબ જ મહેર કરી છે. હવે અમારા ઉપર મેરબાની કરી અમારા ખેતરો અને અમારી ખેડૂતગીરી તો ન છીનવો! અમને હરિયાળા ખેતરોની જરૂર છે, કારખાનાંના ધુમાડાની નહીં .. બની શકે તો ખેતરોને હરિયાળા કરવામાં મદદ કરો, ગોમતીને સજીવન કરવામાં મદદ કરો .. ખેડૂતગીરી તો અમારી પેઢીમાં છે અમારી આવનારી પેઢીને એનાથી વંચિત ન કરો … કુદરતે અમારો વરસાદ લઈ લીધો અને તમારાં કારખાનાંઓએ અમારી ગોમતી જેવી નદીઓ … ખેડૂત ખેતી કરે તો કોના આધારે કરે? ' પેટછૂટી વાત હરિયાએ એક શ્વાસે  સભામાં કહી જ દીધી. 

મંડપમાં  સોપો પડી ગયો. ચોપડે ચાલતા બાબુ વેસ્તાના હાથ પણ અટકી ગયા. 

'અરે સાહેબો, ખેડૂતોને ઝાડે લટકાવવાના કામો કરવા કરતાં ખેડૂતોએ ઝાડે લટકવું જ ન પડે એવું કરો તો તે મદદ કરેલી કહેવાય. એવા કોઈ કામ કરો તો ઠીક. માણહના કામમાં આવે ઈ જ તો ખરો માણહ કે'વાય, બાકી બીજા હું કામના? પછ તમે જે હમજો ઈ … પણ ટૂંકમાં અમારે ખેતર નથ વેચવા ઈ હમજી લ્યો ' કહેતી જશી બહાર નીકળી ગઈ. હરિયા  જોડે. 


એની પાછળ પછી તો બધા જ ગામલોકો પણ ઓસરીની બહાર નીકળી ગયા! એક પણ અંગૂઠો ચોપડે છપાયો નહીં. 

જશી  અને હરિયાની વાતોએ તો મહેમાનોને હચમચાવી જ દીધા. પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી.

*                                        *                                       *

આ બનાવ પછી લાભા સરપંચ અને પોલીસ પટેલની સંગાથે બધા મહેમાનોએ ગોરખપુર ગામને અને ત્યાંના ખેતરોને સુજલામ સુફલામ કરવાના હેતુસર પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ  ઇત્યાદિ પાયાની જરૂરિયાતો ઉપલબ્ધ કરાવવા વ્યવસ્થિત આયોજ્નના શ્રીગણેશ કરી ગોરખપુર જોડે સંબંધ સ્થાપી જ દીધો. 

e.mail : gunvantvaidya@outlook.com

Loading

પડદાની પાછળના હીરો – નાયરસાહેબની વિદાય

અભિજિત વ્યાસ|Opinion - Opinion|5 April 2016

આ ચાર માર્ચના રોજ બે સમાચાર એક જ દિવસમાં મળ્યા. તે નેશનલ ફિલ્મ આર્કાઇવ્સના પૂર્વનિયામક (ડાયરેક્ટકર) પી.કે. નાયરસાહેબના અવસાનના અને અન્ય તે દાદાસાહેબ ફાળકે પારિતોષિકની જાહેરાત.

આજ અહીં થોડી વાત આ એક જ દિવસે આવેલા આ સમાચારોની કરવી છે. પી.કે. નાયરસાહેબ ભારતીય ફિલ્મ આર્કાઇવ્સના પહેલા ડાયરેક્ટર હતા. એટલું જ નહીં, એમના પ્રયત્નોના પરિણામે જ આપણું આર્કાઇવ્સ સ્થપાયું હતું. એઓએ નિવૃત્તિ સુધી આ પદ પર રહીને ભારતીય સિનેમાનું અમૂલ્ય કાર્ય કર્યું. આર્કાઇવ્સ દ્વારા અનેક પ્રકારના ફિલ્મ-સંરક્ષણનાં કાર્યો એમણે કર્યાં. એમના કાર્યોને ધ્યાનમાં રાખીને એમના ઉપર બે-ત્રણ જેટલી ડૉક્યુમેન્ટ્સ ફિલ્મો પણ સર્જાઈ હતી, જે ઇટલીના ફિલ્મ-ફેસ્ટીવલમાં રજૂઆત પામી હતી અને નેશનલ ઍવૉર્ડ પણ મળેલો. એમને ‘સત્યજિત રાય મેમોરિયલ ઍવૉર્ડ’થી પણ સન્માનિત કરવામાં આવેલા. એમનાં કાર્યોને ધ્યાનમાં લઈને આ વર્ષે ભારતીય સિનેમાના ક્ષેત્રે અનેરું કાર્ય કરનાર પ્રતિભાને અપાતું પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પારિતોષિક એમને આપવાનું સૂચવવામાં આવેલું. આ સૂચન કરનારાઓની યાદીમાં ફિલ્મ જગતના અનેક માનવીય લોકોના પણ નામ હતા. નાયરસાહેબ છેલ્લાં કેટલાંક વર્ષોથી અત્યંત બીમાર હતા અને આ ચોથી માર્ચના રોજ એમનું અવસાન થયું. મરાઠી ‘લોકનેતા’ તથા અન્ય કેટલાંક અંગ્રેજી અખબારોએ એમની વિશેષ નોંધ લીધી. તેમાં ‘લોકસત્તા’નો અંજલિલેખ અત્યંત મહત્ત્વનો હતો. આજે ફિલ્મસમીક્ષા લખતા અનેક વિવેચકોને ફિલ્મ એપ્રીશિયેશન કોર્સ દ્વારા તૈયાર કરવાનું માન પણ એમને જાય છે. ભારતીય સિનેમાના ઇતિહાસને સંરક્ષવાનું તેમનું કાર્ય સદા સરાહનીય રહેશે.

એમને દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ તો ન મળ્યો પણ એ પારિતોષિકની જાહેરાત એ જ દિવસે થઈ. આજના સમયમાં પારિતોષિક પામવું હોય, તો અમુક પ્રકારની વિચારસરણી ધરાવવી જરૂરી છે કે પછી શાસકપક્ષને અનુકૂળ હોવું એ જ મહત્ત્વની યોગ્યતા (ક્વૉલિફિકેશન) ગણાય છે. આપણી આ વર્ષની નેશનલ ફિલ્મ ઍવૉર્ડની જુરીમાં પણ એ જ ધોરણે નિમણુકો થઈ હતી. અને એવા પણ જુરી-મેમ્બરો હતા, જેમને સિનેમા સાથે કોઈ લેવા દેવા કે સમજ પણ નહોતી. ફાળકે પારિતોષિક માટે આ વર્ષે જે નામ સૂચવાયાં હતાં તેમાં નાયર સાહેબની સાથે પ્રસિદ્ધ અભિનેત્રી વહીદા રહેમાનનું પણ નામ હતું.

ભારતીય સિનેમાને માટે અમૂલ્ય કાર્ય કરનાર નાયરસાહેબનું યોગ્ય સન્માન ન થયું, પણ એમના અનેક ચાહકોના દિલમાં એઓ હંમેશાં સન્માનનીય રહેશે જ. તેમ ભારતીય ફિલ્મ પર સંશોધન કરનાર અનેક અભ્યાસુઓ પણ એના કાર્યને લઈને જ આગળ આવી શકશે.

e.mail : abhijitsvyas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 17

Loading

નેક નામદાર વિધાનસભ્યો, ક્યાં છો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 April 2016

નેક નામદાર વિધાનસભ્યો, ક્યાં છો

કાશ, બચીખૂચી અકાદમી પંડે ખસી શકે!

ઉર્દૂ અકાદમીની પારિતોષિકવહેંચણી નિમિત્તે અખબારી પાનાં પર ઉભરેલ વિવાદમાં એક નિર્ણાયક વળાંક જેવા સમાચાર હર્ષ બ્રહ્મભટ્ટે ‘મેરા અપના આસમાં’ એ કાવ્યસંગ્રહ માટેનું પારિતોષિક નહીં સ્વીકાર્યાના હેવાલ સાથે આવ્યો છે. ‘મને કેમ નહીં અને ફલાણાને કેમ સહી’ એવા વિવાદવિખવાદમાંયે તથ્ય હોઈ તો શકે, પણ એવા નાના મુદ્દેથી હટીને ‘જો અકાદમી સ્વાયત્ત ન હોય તો હું એનું પારિતોષિક ન સ્વીકારી શકું’ એવી ભૂમિકા તત્ત્વતઃ એક જુદી ઊંચાઈ હાંસલ કરે છે.

ઉર્દૂ-ગુજરાતી બેઉ ભાષાઓમાં રચના કરતા હર્ષ બ્રહ્મભટ્ટ, આમ તો, પૂર્વ બ્યુરોક્રેટ છે. હાલની સરકારી અકાદમીના – કહો કે સરકાદમીના છત્રી પ્રમુખ ભાગ્યેશ જહા પણ, એમ તો, પૂર્વ બ્યુરોક્રેટ છે. વાતચીતમાં અકાદમી વિવાદને આ બે બાબુઓ વચ્ચેના વિવાદ તરીકે પણ કેટલાંક વર્તુળોમાં જોવાતો હોય છે. જો કે, નિરીક્ષક-તંત્રીએ સ્પષ્ટ કરેલું છે કે અમારી વિરોધભૂમિકામાં જળથાળ મુદ્દો લોકશાહી પ્રક્રિયા વિ. સરકારી નિયુક્તિકારણનો છે. આને બદલે તે બ્યુરોક્રેટ, બિહાર આંદોલનના દિવસોમાં જેપી કહેતા તેમ સાપનાથને બદલે નાગનાથ, એવી કોઈ નિયુક્ત પ્રતિભાપસંદગીમાં અમે નથી. બલકે, જેઓ સ્વાયત્તતાના સમગ્ર વિવાદને આવા કોઈ મુદ્દામાં ગંઠાઈને તુચ્છતાના કુંડાળામાં નાખે છે, ટ્રિવિયલાઈઝ કરે છે તેઓ પણ કાબિલે તપાસ છે.

છત્રી પ્રમુખને વરસ પૂરું થવામાં છે તે જ અરસામાં હર્ષ બહ્મભટ્ટે પારિતોષિકના અસ્વીકારથી આ બુનિયાદી મુદ્દે પડને પાછું ગાજતું ને જાગતું કર્યું તે માટે તેઓ અભિનંદનના અધિકારી છે. છેલ્લા મહિનામાં સરકાદમીની સલાહકાર સમિતિ પરથી ધીરુબહેન પટેલ અને કુમારપાળ દેસાઈ ખસ્યાં તેમ જ કારોબારીમાંથી રાજેન્દ્ર પટેલ, જનક નાયક અને નીતિન વડગામા પણ ખસી ગયા, તેમાં એક અવૈધ સરકાદમીને કથિત સાહિત્યપ્રીત્યર્થ જાણેઅજાણે અપાયેલ સ્વીકૃતિ અને વૈધતા (લેજિટિમસી)ના દોષનું કંઈક વારણ જરૂર હશે. પણ હજુ સ્વાયત્તતાની લડાઈ બાકી છે.

આ સંજોગોમાં પોતાના અસ્વીકૃતિપત્રમાં હર્ષ બ્રહ્મભટ્ટે એ વિગત ઠીક સંભારી આપી છે કે સાહિત્ય પરિષદના ટ્રસ્ટી હોવાને નાતે તેઓ પરિષદના સૈદ્ધાંતિક નિર્ણયથી બંધાયેલા છે કે બિનસ્વાયત્ત સાહિત્ય અકાદમી દ્વારા અપાતાં કોઈ પારિતોષિક વગેરેનો સ્વીકાર નહીં કરવામાં આવે. અલબત્ત, તેમણે એ સાથે ભારપૂર્વક ઉમેર્યુ છે કે અન્યથા પણ એક સાહિત્યકાર તરીકે, અકાદમીની સ્વાયત્તતાને સર્વોપરી માનનાર તરીકે, બિનસ્વાયત્ત અકાદમીના ઍવોર્ડ કે પારિતોષિક આદિ સ્વીકારી શકાય નહીં. હાલ છત્રી પ્રમુખ અને સરકાદમીનો મામલો અદાલતમાં વિચારાધીન છે એની પણ એમણે ઉચિતપણે યાદ આપી છે.

અદાલતગ્રસ્ત અકાદમીએ અણશોભીતી રીતે જે આડેધડ નિર્ણયો લીધા છે – ‘સાહિત્યરત્ન’ જેનો ઊંટની પીઠ પરના તણખલા જેવો છેલ્લો દાખલો છે – એ પણ તપાસ અને બહસ માગી લે છે. રત્ન વિષયક ધારાધોરણ તેમ જ ઉચ્ચસ્તરીય નિર્ણાયક સમિતિ, કશું જાહેર જાણમાં નથી. હું આ બધું લખી રહ્યો છું ત્યારે,

ગુજરાત વિધાનસભા હજુ ચાલુ છે. ગતાંકમાં, ધીરુબહેન અને કુમારપાળના રોકડાં રાજીનામાંની જિકર કરવાનું બન્યું ત્યારે પણ ગૃહ ચાલુ હતું એવો ખ્યાલ છે. જે એક વાતે મનમાં ખટકો રહે છે (જેમ પરિષદના હોદ્દેદારોએ સરકાદમીથી કિનારો કરતાં કરેલ વિલંબનો ખટકો રહે છે) તે એ છે કે અકાદમીની સ્વાયત્તતા કાગળ પર રાખી વહેવારમાં નામશેષ કરાઈ અને વરસ પર તો અંજીરપાંદ પણ ફગાવી દઈને મનસ્વી નિમણૂકશાહી ચલાવાઈ, ગુજરાતના સર્વસાધારણ સાહિત્યરસિક વર્ગે પરિષદ પ્રમુખની ચૂંટણીમાં સ્વાયત્તતાવિરોધી પરિબળોને સરકારી કોશિશ છતાં ‘રૂક જાવ’ ફરમાવવાપણું જોયું – આ આખા સમયગાળામાં રાજ્યમાં એકે વિધાનસભ્યને સહજપણે એટલુંયે ન સૂઝ્યું કે ગૃહમાં આ સંદર્ભે ઘટતો મુદ્દો ઉપસ્થિત કરીએ.

રાજકારણી ચેતાકોશમાં સાહિત્યસંસ્થાની સ્વાયત્તતા એ કદાચ કોઈ પ્રસ્તુત મુદ્દો જ નથી કે શું : આ વિચાર આવે ત્યારે આપણા એકંદર રાજકીય અગ્રવર્ગની સંસ્કારસમજ વિશે સવાલો ઉઠે છે. દિલ્હીની અકાદેમીના અધ્યક્ષપદે ક્યારેક જવાહરલાલ નેહરુ હતા અને ‘ઝિવાગો’ના સર્જક પાસ્તરનાક સાથે સોવિયેત દુર્વર્તાવ વિશે આ અકાદેમી સવાલ ઉઠાવી શકતી, એ બધું જ શું હવે વીતેલાં વરસોની વાત ખાતે ખતવવાનું છે.

૧ મે ૨૦૧૫ના રોજ પુસ્તક મેળા ખાતે સરકાદમી સબબ લેખકોની વિરોધસહી ઉઘરાવવાનું શરૂ થયું ત્યારે અહીં કહેવાનું બન્યું હતું કે રાજ્યના સ્થાપના દિવસે આવી સહી ઝુંબેશનો આરંભ થાય તે સરકાર માટે કંઈ નહીં તો પણ ઠપકાની દરખાસ્ત તો છે જ. હવે, નવા વરસે આ ચળવળે ઓર કાઠું કાઢવું રહેશે જેથી ઠપકાની દરખાસ્ત એક કાપ દરખાસ્ત(કટ મોશન)નું કૌવત દાખવી શકે.

સુજ્ઞ વાચકને અલબત્ત ખબર જ હોય કે કાપ દરખાસ્ત પછી સરકારે જવું પડે છે – આ કિસ્સામાં અલબત્ત સરકાદમીએ જવું જોઈશે. ખરું જોતાં, ઠીકઠીક રાજીનામાં પછી જે બચીખૂચી અકાદમી છે એણે પોતે જ ખસી જઈને લોકશાહી પ્રક્રિયાનો પથ પ્રશસ્ત કરવો જોઈએ.           

લખ્યા તા. ૨૯ માર્ચ, ૨૦૧૬

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 20

Loading

...102030...3,5833,5843,5853,586...3,5903,6003,610...

Search by

Opinion

  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved