Opinion Magazine
Number of visits: 9768837
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મસંસ્થા, સમાજ અને નાગરિકી સ્વતંત્રતા

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|8 September 2016

સ્વામી આનંદ જેવા ભગવાધારીએ રાષ્ટ્રસેવા માટે જોડાવાની વાત કરી, ત્યારે ગાંધીજીએ તેમનાં ભગવા દૂર કરાવ્યાં હતાં

ગરીબોની સેવાને ધર્મકાર્ય ગણીને તેમાં જીવન સમર્પીત કરી દેનારાં મધર ટેરેસા હવે ‘સંત ટેરેસા’ (અંગ્રેજીમાં સેઇન્ટ ટેરેસા) તરીકે ઓળખાશે. ખ્રિસ્તી ધર્મના રોમન કેથલિક સંપ્રદાયની લાંબી વિધી પૂરી કર્યા પછી વેટિકન સિટીસ્થિત વડા, પોપે તેમને સંત જાહેર કર્યાં. ઘણા ખ્રિસ્તી-બિનખ્રિસ્તી લોકોના મનમાં તો મધર જીવતેજીવ ઉચ્ચ સ્થાન મેળવી ચૂક્યાં હતાં. તેમની ઓળખાણમાં જોડાયેલો ‘સંત’ શબ્દ હવે સત્તાવાર આધ્યાત્મિક દરજ્જાનો પણ સૂચક બની રહેશે.

રોમન કેથલિક સંપ્રદાયમાં સત્તાવાર રીતે સંતનો દરજ્જો એમને જ મળે, જેમણે ચમત્કાર કર્યા હોવાનું (ધર્મસત્તાધીશો સમક્ષ) પુરવાર થાય. સાદી સમજ પ્રમાણે, દીનદુઃખિયાંની નિઃસ્વાર્થ સેવા કરવામાં ધર્મ સમાઇ જાય છે, પણ ધર્મસંસ્થાઓનાં માળખાં માટે એટલું પૂરતું થતું નથી. તેમના ચમત્કારપ્રેમની અને તેની પાછળ રહેલી અંધશ્રદ્ધાની ટીકા કરવામાં આવે ત્યારે ધાર્મિકજનો એને ધર્મની ટીકા ગણીને દુઃખી થાય છે. વિચારવા જેવો સવાલ એ છે કે કોઇ પણ ધર્મનું નીચું ક્યારે દેખાય? અંધશ્રદ્ધા કે ભપકાબાજીને માનવસેવા કરતાં ચડિયાતાં ગણવામાં આવે ત્યારે? કે માનવસેવાને સર્વોચ્ચ ગણવામાં આવે ત્યારે?

ધર્મના વ્યાપક અર્થ વિશે રસપ્રદ વાત વિખ્યાત ગુજરાતી લેખક-ગણિતજ્ઞ અને ખ્રિસ્તી પાદરી ફાધર વાલેસે કરી હતી. 2011માં ગુજરાત આવેલા ફાધરે ગુજરાતી ભાષામાં ધર્મની વિવિધ અર્થચ્છાયાઓ સમજવા માટેનું ચાવીરૂપ વાક્ય કહ્યું હતું, ‘મારો ધર્મ મારો ધર્મ (સ્વ-ભાવ) બને એ મારો ધર્મ (ફરજ) છે.’ અને તેનું અંગ્રેજી આ રીતે સમજાવ્યું હતું : માય રિલીજીઅન ધેટ બીકમ્સ માય નેચર ઇઝ માય ડ્યુટી. તેમણે કહ્યું હતું, ‘ધર્મ એટલે ફક્ત કાયદાથી, આજ્ઞાઓથી, બહારથી આવેલું વજન નહીં, પણ જે સ્વાભાવિક અને નૈસર્ગિક થઇ પડે એ જ મારો ધર્મ.’

કબીરનું પદ ‘સહજ સમાધિ ભલી’ ટાંકીને એમણે કહ્યું, ‘બહુ સાધના-તપશ્ચર્યા કરીએ એના કરતાં ખરો ધર્મ હૃદયમાંથી નીકળે, પ્રકૃતિમાંથી આવે. એ ઉપરથી નહીં, અંદરથી આવેલો હોવો જોઇએ. એ રીતે અર્થ કરીએ તો ધર્મમાં આખું જીવન આવી જાય.’ ધર્મની આ સમજ સાથે ધર્મસંસ્થાઓની વાડાબંધીનો ક્યાં મેળ ખાય?

ધર્મનો મામલો પેચીદો હોય છે. સૌથી પહેલાં તો ધર્મ અને ધર્મસંસ્થા વચ્ચેનો ભેદ પાડવો જરૂરી છે. કોઇ પણ ધર્મ-સંપ્રદાયની સંસ્થા ધર્મના સંપૂર્ણ અમલનો અને પોતાને ત્યાં બધું જ ધર્મ અનુસાર થતું હોવાનો દાવો કરી શકે નહીં — અને એ કરે તો માની શકાય નહીં. કારણ કે ધર્મ તેના મૂળ સ્વરૂપે બહુ વિશાળ અને સર્વવ્યાપી બાબત હોય છે. કોઇ એક લક્ષણ, સૂત્ર, કાર્ય, વિધિ કે નિષેધમાં સમાઈ જાય ને તેના ભંગથી જોખમાઈ જાય એટલો ‘નાજુક’ તે હોતો નથી. એકેય ધર્મ-સંપ્રદાયમાં સંપત્તિનું સર્જન કરવાનું કે લોકો ભૂખે મરતા-બિમારીથી પીડાતા હોય ત્યારે ભપકાદાર ધર્મસ્થાનો ઊભાં કરવાનું લખ્યું હોય? અને લખ્યું હોય તો તેને ધર્મ કહેવાય? પણ હા, ધર્મસંસ્થા ધર્મના પ્રચારપ્રસારના નામે આ બધું કરી શકે અને તેને ‘ધર્મ માટે જરૂરી’ પણ ગણાવી શકે.

ઘણી વાર ધર્મસ્થાનો કોર્પોરેટ ઓફિસની ગરજ સારે છે. તેમની ભવ્યતા પરથી સરેરાશ સંસારી લોકો સંબંધિત ધર્મ-સંપ્રદાયની સદ્ધરતાનો અંદાજ બાંધે છે — અને ધર્મસંસ્થાઓને તેનો વાંધો પણ નથી હોતો. બલકે, ઘણું ખરું એ જ હેતુથી ટેકનોલોજી, નાણાં અને માનવશક્તિનો અઢળક ઉપયોગ કરીને આવાં સ્થાન ઊભાં કરવામાં આવે છે. ધર્મ જ્યારે ધર્મસંસ્થાનું સ્વરૂપ ધારણ કરે, ત્યારે ધર્મની ફરજો પર મોટે ભાગે સંસ્થાના તકાદા સવાર થઈ જાય છે. અસરકારક વહીવટ ધર્માચરણની જગ્યાએ ગોઠવાઈ જાય છે અને ભલભલા લોકોને તે પ્રભાવિત પણ કરી જાય છે. ધર્મસત્તાધીશો અને તેમના પગલે અનુયાયીઓ આવા સંસ્થાકીય તકાદાઓને ધર્મના પ્રચાર માટે અનિવાર્ય જ નહીં, ધર્મ્ય પણ ગણતા થઈ જાય છે.

ભારતમાં વંચિતોની કાળજીનું અને મનુષ્યકેન્દ્રી ધાર્મિકતાનું યાદગાર મોડેલ ગાંધીજીએ પૂરું પાડ્યું હતું. તેમના સમયમાં કોઈ પણ ગણવેશધારી ધર્મધૂરંધર કરતાં ગાંધીજીનું નૈતિક વજન અને પ્રભાવ વધારે હતાં. એટલું જ નહીં, ધર્મના કંઠીબંધા લોકો ગાંધીજી સાથે દલીલમાં ઉતરતા, ત્યારે તે વામણા લાગતા હતા. જુદા જુદા તબક્કે અને મુદ્દે ગાંધીજીને હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી એવા બધા ધર્મોના ધૂરંધરો-રૂઢિચુસ્તોનો આમનોસામનો કરવાનો આવ્યો અને મોટા ભાગના પ્રસંગોમાં ગાંધીજીની ધર્મવિષયક સમજ વધારે વાસ્તવિક, વધારે માનવકેન્દ્રી જણાઈ.

સ્વામી આનંદ જેવા બાકાયદા દીક્ષા લેનાર ભગવાંધારી સાધુએ રાષ્ટ્રસેવા માટે જોડાવાની વાત કરી, ત્યારે ગાંધીજીએ તેમનાં ભગવાં દૂર કરાવ્યાં હતાં. ત્યાર પછી આજીવન સ્વામીએ સફેદ પોશાક અપનાવ્યો. ગાંધીજી એ કરી શક્યા. કારણ કે તેમને ધર્મસત્તા ઊભી કરવાની ન હતી. એ બરાબર સમજતા હતા — અને સ્વામીને પણ એ સમજાવી શક્યા — કે ભારતમાં ભગવાં કપડાં પહેરનારા લોકોની સેવા કરી શકતા નથી, લોકો તેમની સેવા કરે છે.

ધર્મની સમજ દીવાલો ધરાશાયી કરવાને બદલે દીવાલો ઊભી કરે, ત્યારે રૂઢિચુસ્તતા અને વ્યક્તિગત સ્વતંત્રતાનો વિરોધ દૃઢ થાય છે. મુસ્લિમ સ્ત્રીને ત્રણ વાર તલાક બોલવાથી છૂટાછેડા આપી શકાય એવા, ‘ટ્રીપલ તલાક’ના રિવાજ અંગે સર્વોચ્ચ અદાલતમાં ચાલતો કાનૂની જંગ એનું એક ઉદાહરણ છે. કેટલીક મુસ્લિમ મહિલાઓએ ટ્રીપલ તલાકના રિવાજને સ્ત્રીવિરોધી અને વ્યક્તિની સ્વતંત્રતાનો વિરોધી લેખાવીને તેને નાબૂદ કરવાની માગણી કરી છે. પરંતુ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સર્વોચ્ચ અદાલતમાં કરેલા સોગંદનામામાં કુરાન અને શરિઅતને ટાંકીને ટ્રીપલ તલાકના રિવાજનો બચાવ કર્યો.

તેમણે કહ્યું કે ‘દંપતી વચ્ચે ગંભીર મતભેદ ઊભા થાય અને પતિ સાથે રહેવા ન જ ઇચ્છતો હોય તો સમય અને રૂપિયાના બગાડ જેવી કાનૂની વિધિથી ખચકાઈને તે કાયદેસર છૂટાછેડા ન લે એવું બની શકે. ત્યાર પછી એ ગેરકાયદે રસ્તા અપનાવે અને સ્ત્રીની હત્યા કરવા સુધી જઈ શકે.’ દેખીતાં કારણોસર ફરિયાદી મુસ્લિમ મહીલાઓએ પર્સનલ લો બોર્ડની દલીલોને પિતૃસત્તાક, અમાનવીય અને અન્યાયી ગણાવી છે. તેમણે કહ્યું છે કે બીજા અનેક મુસ્લિમ દેશોમાં પણ આવી જોગવાઈ નથી.

આ મુદ્દે રૂઢિચુસ્તો પાસે કશો તાર્કિક જવાબ નથી. એટલે તે કુરાન અને શરિઅતને અફર ગણાવીને, આ રિવાજને તેમના ધાર્મિક મામલા ખપાવવા અને તેને કાયદાથી પર રાખવા રજૂઆતો કરી રહ્યા છે. (પારસીઓની જેમ) ઇસ્લામ કોઈ રીતે ખતરામાં આવી પડે એવી સંખ્યાત્મક લઘુમતીમાં નથી, એ મુદ્દો બાજુ પર રાખીએ તો પણ, આધુનિક સમયમાં બંધારણદીધી સમાનતા અને (બીજાને નુકસાન ન થતું હોય એ હદમાં રહીને) વ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મપુસ્તક કરતાં ચડિયાતાં ગણાવાં જોઇએ.

ટ્રિપલ તલાકની નાબૂદીથી ઇસ્લામનું હાર્દ જોખમાશે, ચમત્કારોના વિરોધથી રોમન કેથલિક સંપ્રદાયને હાનિ પહોંચશે કે અંધશ્રદ્ધા-જ્ઞાતિવાદી ભેદભાવનો વિરોધ એ હિંદુ ધર્મનો વિરોધ છે, એવી માન્યતાઓ સંબંધિત ધર્મ-સંપ્રદાયનો મહિમા ઘટાડે છે કે વધારે છે? વિચારી જોજો.

સૌજન્ય : ‘સેવા-ધર્મ’, “દિવ્ય ભાસ્કર”, 06 સપ્ટેમ્બર 2015

http://www.divyabhaskar.co.in/news/ABH-religious-organizations-society-and-civil-freedom-article-by-urvish-kothari-guja-5411145-NOR.html

Loading

સરસ્વતીપુત્ર મધુસૂદન ઢાંકી

હેમંત દવે|Opinion - Opinion|7 September 2016

ગૂર્જર વસુંધરાએ વિશ્વને ચરણે ભેટ ધરેલાં કેટલાંક સારસ્વતરત્નોમાં એક મધુસૂદન અમીલાલ ઢાંકીનું તા. ૨૯ જુલાઈ, ૨૦૧૬ના રોજ અવસાન થયું. ભગવાનલાલ ઇન્દ્રજીનું ભારતીય અભિલેખવિદ્યામાં અને હસમુખ સાંકળિયાનું ભારતીય પુરાતત્ત્વમાં જેવું પ્રદાન છે, તેવું જ પ્રદાન મધુસૂદન ઢાંકીનું ભારતીય દેવાલય-સ્થાપત્યનાં ક્ષેત્રે રહ્યું.

મૂળે પોરબંદર પાસે ઢાંક ગામના હોવાથી અટક ઢાંકી. એમનું મૂળ નામ તો સરસ્વતીચંદ્ર અને ધોરણ પાંચ સુધી એ જ નામ ચાલુ રહેલું. ત્યાર બાદ બાપુજીને કોઈએ કહ્યું કે આ નામ રાશિ પ્રમાણે નથી, તો રાશિ પ્રમાણે નામ પાડવું, ને નામ પડ્યું મધુસૂદન. એમનો જન્મ ૩૧ જુલાઈ, ૧૯૨૭ના રોજ પોરબંદરમાં થયેલો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે પોરબંદરમાં પ્રાપ્ત કર્યું. અને તે પછી તેમણે પુણેની જગત્ખ્યાત ફર્ગ્યુસન કૉલેજમાંથી ભૂસ્તરવિદ્યા અને રસાયણશાસ્ત્રના વિષયો સાથે બીએસ.સી.ની પદવી પ્રાપ્ત કરી.

તેમની કારકિર્દીનો પ્રારંભ બૅંકની નોકરીથી થયો, એમણે એ પછી જૂનાગઢમાં ઉદ્યાનવિદ (horticulturist) તરીકે પણ કામગીરી બજાવી. અલબત્ત, જીવ મૂળે સંશોધનનો અને કલા-સ્થાપત્યનો એટલે ૧૯૫૧માં અન્ય મિત્રો સાથે ‘પોરબંદર પુરાતત્ત્વ સંશોધકમંડળ’ની સ્થાપના કરી અને પોરબંદરની આસપાસ જૂનાં સ્થાપત્યોની શોધ ચલાવી અને ઘણાં નવાં મંદિરો શોધી કાઢ્યાં. વડોદરા મ્યુિઝયમના રક્ષપાલ (curator) હરમાન ગ્યોત્સે તેમની કામગીરીને બિરદાવી અને પ્રોત્સાહન પણ આપ્યું. ત્યાર બાદ તેઓ તેમના મનગમતા પુરાતત્ત્વના વ્યવસાયમાં જોડાયા અને જૂનાગઢ અને જામનગરનાં સંગ્રહાલયમાં તેમણે રક્ષપાલ તરીકે કામગીરી બજાવી. તત્પશ્ચાત્ તેઓ રાજકોટ ખાતે ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલૉજી અને મ્યુિઝયમમાં જોડાયા. આ સમય દરમિયાન તેમણે પ્રભાસપાટણના ઉત્ખનનમાં મહત્ત્વની કામગીરી બજાવી અને કચ્છની લોકકલાઓ અંગે પણ ક્ષેત્રકાર્ય કર્યું. આજે કચ્છી ભરતકામ વિશ્વપ્રસિદ્ધ છે, પણ એ સમયે ગુજરાત બહાર બહુ ઓછા લોકો એ વિશે કશું જાણતા. ઢાંકીસાહેબના ક્ષેત્રકાર્યમાંથી નીપજેલા પુસ્તકે વિદ્યાકીય જગતમાં કચ્છની અદ્ભુત ભરતકલા અને મણકાકામ વિશે આધારભૂત માહિતી પૂરી પાડી. ગુસેપ્પે તુચ્ચી જેવા ઇટાલિયન વિદ્વાને આ પુસ્તકને ‘ખૂબ રસપ્રદ’ ગણાવી, આ પ્રકારની ન જાણીતી લોકકલાઓ વિશે કામ કરવા અધ્યેતાઓને આહ્વાન આપેલું. પુરાતત્ત્વ સર્વેક્ષણમાં હતા તે દરમિયાન જ તેમણે ભારતીય પુરાતાત્ત્વિક સંદર્ભમાં મળતા મણિ-મણકાઓનો અભ્યાસ કર્યો અને એના પરિણામે લખાયેલ પુસ્તક કદી પ્રસિદ્ધ જ ન થયું અને છેવટે ગેરવલ્લે ગયું.

પણ એમનો રસનો મૂળ વિષય તો મંદિરોનું સ્થાપત્ય. આ વિષયના તલસ્પર્શી અભ્યાસનું પરિણામ એટલે એમનો પહેલો દીર્ઘલેખ ‘ગુજરાતનાં સોલંકીયુગીન મંદિરોની આનુપૂર્વી’. આ લેખથી પ્રથમ વાર જ ભારતનાં કોઈ પણ પ્રદેશનાં અને કોઈ પણ યુગનાં મંદિરોની સાલવારી અને એ દ્વારા તેમની આનુપૂર્વી અને એમ એનો પ્રારંભ, વિકાસ અને એવાં અન્ય સ્થાપત્ય અને કલાનાં લક્ષણો નિશ્ચિત કરી શકાયાં. આ લેખ મંદિરસ્થાપત્યના વિકાસ અને ઉત્ક્રાન્તિની દૃષ્ટિએ તથા સ્થાપત્યની સંશોધનપદ્ધતિના પ્રતિમાનરૂપ મનાય છે. એ પછી તેમણે સોલંકીયુગીન મંદિરોનાં વિતાન (છત) અંગે તથા મૈત્રક તથા સૈંધવયુગીન દેવાલયો અંગે પોતાના સુદીર્ઘ લેખો આપ્યા. આ લેખોને આધાર રાખીને પછી અન્ય ભારતીય અને પરદેશી અભ્યાસીઓએ અન્ય વિસ્તારો અને અન્ય યુગમાં રચાયેલાં સ્થાપત્યોની આનુપૂર્વી નક્કી કરતાં સંશોધનો કર્યાં. ગૅરી તાર્તોવ્સ્કી જેવા સ્થાપત્યવિદ ઢાંકીસાહેબને ‘ભારતીય દેવાલય-સ્થાપત્યના અભ્યાસના પિતા’ તરીકે ઓળખાવે છે, તો જ્યૉર્જ મિશેલ જેવા ઇતિહાસકાર ઢાંકીસાહેબને ‘ભારતીય દેવાલય સ્થાપત્યના વિશ્વકર્મા -‘the architect divine’ સાથે સરખાવે છે. ૧૯૬૬માં તેઓ વારાણસીમાં અમેરિકન એકૅડમી (પાછળથી અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ ઇન્ડિયન સ્ટડિઝ)માં જોડાયા, અને ત્યાંથી જ સેન્ટર ફોર આર્ટ ઍન્ડ આર્કિયોલૉજીના નિયામકપદેથી નિવૃત્ત થયા. ઢાંકીસાહેબ અમદાવાદની એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ ઇન્ડોલૉજીમાં પણ ભારતીય કલા-સ્થાપત્યના પ્રાધ્યાપક તરીકે સેવા બજાવતા હતા. કલા-સ્થાપત્યના અભ્યાસ અર્થે તેમણે લગભગ સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું, તો ભારતીય કલા-સ્થાપત્યની પડોશી દેશો પર પડેલી અસરો અને ત્યાંથી સ્થાનિક શૈલીઓનો અભ્યાસ કરવા માટે તેમણે શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં પણ ક્ષેત્રકાર્ય કર્યું. ગૉથિક સ્થાપત્ય માટે ઢાંકીસાહેબને એક અજ્ઞાત ખેંચલગની છે, અને એ સ્થાપત્યના અભ્યાસ માટે તેમણે ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, સ્વીટ્ઝર્લૅન્ડમાં ક્ષેત્રકાર્ય કર્યું.

પહેલાં ભારતીય સ્થાપત્યનું વર્ણન અને મૂલ્યાંકન પણ સામાન્ય રીતે યુરોપના સ્થાપત્યની પરિભાષાના આધારે જ કરવામાં આવતું. તેમણે પ્રથમ વાર જ સંસ્કૃતમાં લખાયેલા વાસ્તુશાસ્ત્રના ગ્રંથોને આધારે દેવાલય – સ્થાપત્યની પરિભાષા નિશ્ચિત કરી આપી, એ એમનું એક મોટું પ્રદાન છે. આ જ કાર્યના ભાગ રૂપે તેમણે કેટલીયે વાસ્તુશાસ્ત્રને લગતી કૃતિઓનાં સાચાં અને તર્કપૂત સમયાંકનો કરી આપ્યાં છે.

અમેરિકન ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા પછી તેમણે ભારતીય દેવાલય સ્થાપત્ય મહાકોશ (Encylopedia of Indian Temple Architecture) રચવાની યોજના ઘડી અને એ પ્રકલ્પ અન્વયે તેમણે ભારતનું તથા અન્ય દેશોનું ક્ષેત્રકાર્ય અર્થે ભ્રમણ કરી અસંખ્ય ફોટો લેવડાવ્યા, વિધાનો (plan)  તૈયાર કરાવડાવ્યાં તથા એ મંદિરો વિષયક દંતકથાઓ એકઠી કરી. આ ભગીરથ ક્ષેત્રકાર્ય, સંસ્કૃતના વાસ્તુશાસ્ત્ર ગ્રંથોના વર્ષોના અધ્યયન અને સમકાલીન સ્રોતોના ચિકિત્સક-પરિશીલનને અંતે છેક ૧૯૮૩માં એનો પ્રથમ ગ્રંથ પ્રકટ કરી શકાયો. અત્યાર સુધીમાં દક્ષિણ ભારતનાં દેવાલયો અથવા દ્રાવિડી શૈલીનાં દેવાલયોને લગતો છેલ્લો અને પાંચમા ભાગ જે શબ્દાવલિઓને લગતો છે, તે લગભગ પૂર્ણ થઈ પ્રસિદ્ધ થવામાં હતો પણ પછી બાકીનું કાર્ય અપૂર્ણ જ રહ્યું. તેમણે મંદિરોના સ્થાપત્ય, શિલ્પ અને સ્થાપત્યના વિવિધ અંશો વિશે સ્વતંત્ર પુસ્તકો કરેલાં છે. પાછલા અરસામાં તેમની નાદુરસ્ત તબિયત છતાં તેઓ શેત્રુંજીનાં મંદિરો વિશેના પોતાના પુસ્તકને આખરી ઓપ આપી રહ્યા હતા. અમેરિકાની મિનિસોટા યુનિવર્સિટીના કલા-સ્થાપત્ય વિભાગમાં વડા ફ્રેડરિક આશરે ઢાંકીસાહેબના ‘ભારતીય દેવાલયોની જાળીઓ’ પુસ્તકના આમુખમાં લખેલું કે ‘It is with pride, then, that the American Institute of Indian Studies presents another publication by one of the most prolific scholars in any field and certainly the one who knows this tradition [scil. Indian temple architecuture] better and more deeply that any other scholar in the world.’

‘ભારતીય દેવાલય-સ્થાપત્ય મહાકોશ’ના છ બૃહત્કાય ગ્રંથો સિવાય ત્રણસો ઉપરાંત પુસ્તકો, ગ્રંથો, લેખો, નોંધોમાં તેમની વિદ્યાનિષ્ઠા અને અભ્યાસપ્રીતિ જોઈ શકાય છે. ભારતીય સ્થાપત્ય સિવાય નિર્ગ્રંથ એટલે કે જૈનધર્મ અને એના ઇતિહાસ અને સાહિત્ય અંગે પણ ઢાંકીસાહેબનાં સંશોધનો ખૂબ જાણીતાં છે. એમણે જૈનસાહિત્યની વિવિધ કૃતિઓના પાઠ નિશ્ચિત કરી આપ્યા અને કૃતિઓના તેમ જ એમના કર્તાઓના સમય આંકી આપ્યા.

અનેક વિદ્યાઓમાં વિચરતાં તેમનાં રસ-રુચિ-કલા-સ્થાપત્ય અને સાહિત્ય સિવાય સંગીતમાં પણ ખૂબ આગળ વધ્યા. તેમણે હિન્દુસ્તાની અને કર્ણાટકી એમ બેઉ ભારતના માર્ગી એટલે કે શાસ્ત્રીય સંગીતની પણ તાલીમ લીધી. આ તાલીમ અને તેમની સંશોધનની મૂળભૂત વૃત્તિને કારણે સંગીતના ક્ષેત્રે પણ તેમણે મહત્ત્વના લેખો આપ્યા વખત જતાં, જે તેમના ગ્રંથ ‘સપ્તક’માં સંગૃહિત થયા, અને તજ્જ્ઞો દ્વારા પ્રસંશા પામ્યા. મૂળે ભૂસ્તરવિદ્યાના વિદ્યાર્થી હોવાને નાતે તેમ જ વિશિષ્ટ સૌંદર્યદૃષ્ટિને કારણે તેમને રત્નોમાં પણ ખાસ દિલચશ્પી રહી, અને રત્નશાસ્ત્રને લગતાં પણ કેટલાંક લખાણો તેમણે કર્યાં.

પાછલાં વર્ષોમાં તેમણે સર્જનાત્મક સાહિત્યની દિશામાં પણ પોતાની કલમ ચલાવી. સર્જનાત્મક સાહિત્યનો એમનો સમુચ્યચ ગ્રંથ ‘તામ્રશાસન’ નામે પ્રગટ થયો. ઢાંકીસાહેબને કુમારચંદ્રક, પ્રાકૃત જ્ઞાનપીઠ પુરસ્કાર, કેમ્બલ મમોરિઅલ ગોલ્ડમૅડલ અવ એશિયાટિક સોસાયટી અવ બૉમ્બે, હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ, રસિકલાલ છોટાલાલ પરીખ સુવર્ણચંદ્રક, ગુજરાત વિદ્યાસભાનો પ્રતિષ્ઠિત ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અને બીજાં કેટલાંક સન્માન પ્રાપ્ત થયાં. વર્ષ ૨૦૧૦માં ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’ના નાગરિક-સન્માન માટે પણ તેમની પસંદગી કરવામાં આવી હતી. તેમના લલિતલખાણોના પુસ્તક ‘શનિમેખલા’ માટે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘ઉમાસ્નેહરશ્મિ’ પારિતોષિક પણ પ્રાપ્ત થયેલું.

ઢાંકીસાહેબ સંશોધક તરીકે જેટલા કડક અને શિસ્તપ્રિય હતા, એટલા જ એક માણસ તરીકે સ્નેહાર્દ્ર અને ઉષ્મિલ હતા. એમના સંપર્કમાં આવનાર કોઈ પણ વ્યક્તિ તેમના શિશુસહજ હાસ્ય, એમની પ્રત્યુત્પન્નમતિ અને વિનોદવૃત્તિથી, એમના વિનમ્ર અને ગુણગ્રાહી સ્વભાવથી એમનું ન થઈ જાય તો નવાઈ જ!

આવા મહાન સરસ્વતીપુત્રને આપણાં વંદન!

e.mail : nasatya@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 20-21

Loading

એક અદ્ભુત શિક્ષક યોગેન્દ્રભાઈ

સિદ્ધાર્થ નરહરિ ભટ્ટ|Opinion - Opinion|7 September 2016

યોગેન્દ્રભાઈ માંકડને યાદ કરું છું. તેમને ગયે આજે બે વર્ષ પૂરાં થાય છે!

વર્ષ ૧૯૭૧-૭૨થી, તેમના ગયાનાં અનેક વર્ષોની અનેક વિગતોમાં જવું સરળ નથી એટલું જ તેઓ હવે રહ્યા નથી, એ યાદ કરવું પણ સરળ નથી જ, બલકે સાંજના ૬ઃ૩૦ જેવા થયા હોય અને તેમની આજે પણ મારે ઘેર આવવાની રાહ જોઉં છું.

ગુજરાતમાં દર્શનશાસ્ત્ર વિષય આત્મા-પરમાત્મા, નિત્ય-અનિત્ય, બ્રહ્મ-પરબ્રહ્મથી બહાર ગયો છે કે કેમ એ વિચાર ખેદજનક છે, ત્યારે ‘કૉન્ટિનેન્ટલ ફિલોસૉફી’માં સરી જતા યોગેન્દ્રભાઈને ભૂલી શકતો નથી. મધુસૂદનભાઈ બક્ષીનું પ્રદાન ખરું, ‘એનેલિટિકલ ફિલોસૉફી’માં અને તેમાં મારું ગજું નહીં. રસેન્દ્રભાઈ પંડ્યા, ઑક્સફર્ડમાંથી ભણી આવેલા અને ‘ઍંગ્લોસેક્સન’ ફિલોસૉફી અને એ સંદર્ભમાં આવતા ‘તર્કશાસ્ત્રના માહેર. જ્યાં પણ મળે, રસ્તામાં કે પુસ્તકની દુકાનમાં, તેમની રમઝટને સાંભળનારાને લાગે કે ‘આ સાહેબ બોલે છે કે દબડાવે છે!’ એમના મીઠા અવાજમાં ચાલતી વાતનો દોર કંઈક અલગ જ હોય. બક્ષીસાહેબમાં ક્યાં ય ઉતાવળ ન જણાય. તેમનું બોલવું-સમજવું અઘરું પડે. મોટા ‘સ્વીપ’માં ચાલ્યા જાય.

ના, યોગેન્દ્રભાઈમાં એવું ક્યાં ય જોવા મળે નહીં. હા, તરવરાટ એટલો બધો કે ક્યાં ય તેનો છેડો ઉશ્કેરાટમાં પણ આવે. જે કોઈ વિચાર રજૂ કરતા હોય તેમાં સ્પષ્ટતા હોય જ. ન સમજાયું હોય તો દબડાવી પણ નાંખે પણ અંતે મુદ્દો પૂરતી ધીરજથી સમજાવે. મારા શારદા સોસાયટીના રહેઠાણની નજીક રહેવા આવ્યા પછી, કહો કે લગભગ અમારી દરરોજની બેઠક હોય. સમાજવિદ્યાભવનમાં, તેઓ નિવૃત્ત થયા તેના મહિના વર્ષ પહેલાં હું નિવૃત્ત થયો. તો પણ દર શનિવારે તેમની સાથે બેઠક હોય જ. બપોરે બે વાગ્યે પટાવાળા ભાઈ આવે, ત્યાં સુધી તેમને સાંભળ્યા કરવામાં વીતી ગયેલા સમયને આજે યાદ કરું છું.

યુરોપના દર્શનશાસ્ત્રીઓના વિચારોમાં તેઓ ખોવાઈ જતા. ‘રેનેસાં’થી વીસમી સદીના દાર્શનિકો વિશે તેમની પાસેથી સાંભળવું એ મારા જીવનનો અમૂલ્ય લહાવો છે.

તો, એ જ યોગેન્દ્રભાઈ, લોકગીતોના ઢાળમાં ગીતો પણ રચતાં, ગાય પણ ખરા પણ આખું ગીત ‘ફરી ક્યારેક, કહી અધૂરું મૂકી ચાલ્યા જાય. શાસ્ત્રીય સંગીતની તેમની સાધના લગભગ છ દસકા જેટલી ખરી. એ યોગેન્દ્રભાઈને મારા પ્રણામ!

પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 21 

Loading

...102030...3,5813,5823,5833,584...3,5903,6003,610...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved