મેં સચ્ચાઈ કહી એમાં શું ખોટું કર્યું કે મને આટલો ભયંકર માનસિક – શારીરિક ત્રાસ આપવામાં આવે છે?
છત્તીસગઢના દંતેવાડા-બસ્તર વિસ્તારનાં સામાજિક-રાજકીય કાર્યકર સોની સોરી ફરી એક વાર સરકારી હિંસાનો ભોગ બન્યાં છે. આ વરસની ૨૦મી ફેબ્રુઆરીએ સોની સોરીના ચહેરા પર જ્વલનશીલ કેમિકલ નાખી તેમનો ચહેરો વિકૃત કરી નાંખવાનો પ્રયાસ થયોે. હાલ દિલ્હીમાં સારવાર લઈ રહેલાં સોનીના જણાવ્યા મુજબ તેઓ મોટર સાયકલ પર બેસીને જગદલપુરથી ગીદમ જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં ત્રણ અજાણ્યા મોટર સાયકલ સવારોએ તેમને આંતરી તેમના ચહેરા પર કેમિકલ નાખ્યું હતું. સોનીનો આરોપ છે કે હુમલાખોરો માર્ડુમ ફેક એન્કાઉન્ટર અને આઈજી વિરુદ્ધ ન બોલવા ધમકી આપતા હતા. એટલે આ હુમલો પોલીસ અને આઈ.જી. દ્વારા થયો હોઈ શકે છે.
નકસલવાદ-માઓવાદ પ્રભાવિત છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના જબેલી ગામની સરકારી પ્રાથમિક શાળામાં સોની સોરી શિક્ષિકા છે. તેમના પિતા મદ્રુરામ ૧૫ વરસ ગામના સરપંચ હતા, કાકા ભારતીય સામ્યવાદી પક્ષના પૂર્વ ધારાસભ્ય તો મોટા ભાઈ કોંગ્રેસમાં છે. રાજકીય રીતે સક્રિય એવા આ આદિવાસી પરિવારની દીકરીએ શિક્ષણ મેળવ્યું અને કુટુંબના વારસાગત રાજકીય સંસ્કાર કરતાં ભિન્ન માર્ગ પસંદ કર્યો. પોતાનાં આદિવાસી ભાંડુરડાંઓને સારુ શિક્ષણ મળે એ હેતુસર ભણીગણીને શહેરમાં જતાં રહેવાને બદલે ગામમાં રહ્યાં અને શિક્ષણનું કામ કર્યું. ચાળીસેકની વયનાં સોની ત્રણ બાળકોનાં માતા છે. સુખચેનનું ગૃહસ્થ જીવન જીવતાં સોની સોરીનાં માથે છેલ્લાં પાંચેક વરસથી સરકારી હિંસાનો પહાડ તૂટી પડ્યાં છે.
બસ્તર વિસ્તારમાં ૪૦ લાખ જેટલી આદિવાસી વસ્તી છે. સરકાર અને પોલીસની નજરમાં પ્રત્યેક આદિવાસી નક્સલવાદી કે નકસલ સમર્થક છે. અહીંના નિવાસીઓ માટે બે જ વિકલ્પ છે. નકસલવાદ – માઓવાદના પક્ષે રહો કાં તેમના વિરોધી પોલીસના પક્ષે રહો. એ સિવાયનો કોઈ અન્ય માર્ગ ન તો પોલીસને મંજૂર છે, ન તો નકસલોને. શિક્ષણ સાથે સંકળાયેલાં સોનીને પોતાના સાદાસીધા જાતભાઈને પોલીસ નકસલ ગણી જેલમાં ધકેલી દે તે મંજૂર નહોતું. આ પોલીસદમન સામે તે અવાજ ઉઠાવતાં હતાં. નકસલવિરોધી પોલીસઝુંબેશ સાલવા જુડુમનો ભાગ ન બનવા બદલ સોનીના પત્રકાર તરીકે કાર્યરત ભત્રીજા લિંગારામ કોડોપીને ૯મી સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ દંતેવાડાના પાલનાર બજારમાંથી પોલીસે પકડી લીધા. છત્તીસગઢ પોલીસે તેમના પર માઓવાદીઓના મદદગાર હોવાનો આરોપ મૂક્યો. આવો જ આરોપ સોની સોરીના પતિ પર પણ મૂક્યો હતો અને પછી વારો આવ્યો સોની સોરીનો.
પોલીસ ધરપકડના ડરથી મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવા અને કાનૂની સહાય તથા માર્ગદર્શન અર્થે દિલ્હી આવેલાં સોની સોરીની ૪થી ઓકટોબર ૨૦૧૨ના રોજ પોલીસે ધરપકડ કરી. તેમનાં પર ઉદ્યોગસમૂહ એસ્સાર ગ્રુપ અને માઓવાદીઓ વચ્ચેના સંપર્કસૂત્ર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો. સોની સોરી એસ્સાર પાસેથી પૈસા મેળવી માઓવાદીઓને પહોંચાડે છે તેવો આરોપ પૂરવાર કરવા પોલીસે તેમના પર તમામ પ્રકારના શારીરિક – માનસિક જુલમો કર્યા. આઈ.પી.એસ. અધિકારી અંકિત ગર્ગે સોની સોરીની યોનીમાં પથ્થરના ટુકડા પીસીને નાંખ્યા અને ઈલેકટ્રિક કરન્ટ આપ્યા. આ બર્બર પોલીસદમન અને અમાનવીય જુલમનો દેશ અને દુનિયામાં ભારે વિરોધ થયો. નોમ ચોમ્સકી, અરુંધતી રોય, ઝ્યાં ડ્રેઝ અને આનંદ પટવર્ધન સહિતના ૨૫૦ જેટલા અગ્રણી બૌદ્ધિકો અને કર્મશીલોએ તત્કાલીન વડાપ્રધાન ડો. મનમોહનસિંઘને ખૂલ્લો પત્ર લખી આ અત્યાચારનો અંત આણવા, તેની તપાસ કરવા માગણી કરી હતી.
સોની સોરી પર છત્તીસગઢ પોલીસ અને અને સરકારે આઠેક કેસો ઠોકી દીધા હતા. છત્તીસગઢ હાઈકોર્ટે તેમને જામીન ન આપતાં ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાય માટે ધા નાંખવામાં આવી હતી. ૨૦૧૨ના વરસનો રાષ્ટ્રપ્રમુખનો પોલીસ વીરતા એવોર્ડ મેળવેલ આઈ.પી.એસ. અધિકારી અંકિત ગર્ગે સોની પર કરેલા અત્યાચારોના આરોપની ચકાસણી અને તબીબી તપાસનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. દિલ્હીની એઈમ્સમાં સોનીની તબીબી તપાસ થઈ અને તેમની યોનીમાંથી પથ્થરો કાઢ્વામાં આવ્યાં. એકાદ મહિનાની સારવાર પછી એમને પહેલાં જબલપુર અને પછી રાયપુર જેલમાં રાખવામાં આવ્યાં. ત્યાં ફરી શારીરિક યાતનાઓ શરૂ થઈ.
૨૭મી સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ સોનીએ જેલમાંથી દેશની સર્વોચ્ચ અદાલતનો ઈલાજ માટે ઋણસ્વીકાર કરવા સાથે ફરિયાદ કરતો પત્ર લખ્યો અને જણાવ્યું કે, ‘મને નગ્ન કરીને જમીન પર બેસાડે છે. ખાવાપીવાનું આપતાં નથી. મારા શરીરને અડકીને તપાસ કરવામાં આવે છે. જજસાહેબ, છત્તીસગઢ સરકાર અને પોલીસ ક્યાં સુધી મારાં કપડાં ઉતરાવ્યાં કરશે. હું પણ ભારતીય આદિવાસી મહિલા છું. મારામાં પણ શરમ છે. પણ હું મારી ઈજ્જત બચાવી શકતી નથી. મને સતત હેરાન કરવામાં આવે છે. ગંદી ગાળો બોલવામાં આવે છે. મેં સચ્ચાઈ કહી એમાં શું ખોટું કર્યું કે મને આટલો ભયંકર માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવે છે? શું જોર-જુલમ-અત્યાચાર સામે લડવું ગુનો છે?’
આઠમાંથી સાત કેસોમાં સોની નિર્દોષ પૂરવાર થયાં. એક કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને કાયમી જામીન આપ્યા છે. પણ તેમની જિંદગી તબાહ કરી નાખવામાં આવી છે. અઢી વરસના તેમના જેલવાસ દરમિયાન જ તેમનાં પતિની પોલીસે ધરપકડ કરી હતી. તેમના પર એટલો ત્રાસ ગુજારવામાં આવ્યો કે તેમને પેરેલિસિસ થઈ ગયો અને અંતે અવસાન થયું. આટલી યાતનાઓ છતાં સોની ડગ્યાં નથી. હાલમાં બમણા જોરે સરકાર, પોલીસ અને નકસલો સામે સંઘર્ષ કરતાં રહે છે. શાંતિ, શિક્ષણ અને કલમને તેમણે પોતાનાં હથિયારો બનાવ્યાં છે. આ વિસ્તારના દર ચોથા ઘરની એક વ્યક્તિ જેલમાં છે. પોલીસ પુરુષોને એક યા બીજા બહાને પકડીની પૂરી દે છે. સ્ત્રીઓ પર બળાત્કાર, નકલી એન્કાઉન્ટર, બર્બર પોલીસ અત્યાચાર આ વિસ્તારની રોજિંદી વાસ્તવિકતા બની ગઈ છે. સોની એ તમામ સામે લડે છે. લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ ચૂંટણી લડી ચૂક્યાં છે.
સોની પર એસિડ હુમલો થયો, એમનાં બહેન–બનેવીને પોલીસ ઉઠાવી ગઈ, તેમનાં બાળકો પર હુમલાના જાસા મળી રહ્યા છે. પરંતુ સોની આદિવાસીઓના જંગલ, જમીન, જળ, શિક્ષણ, રોજીના અધિકારો માટે ડર્યા વિના મુકાબલો કરવાના મક્કમ નિર્ધાર સાથે સંઘર્ષ જારી રાખે છે. સરકાર આદિવાસીઓને ખદેડી મૂકી તેમની જમીનો મોટા ઉદ્યોગોને આપી દેવા માગે છે તેની સામે સોનીનો વિરોધ છે. સુદૂર મણિપુરમાં પોલીસને દમનનો છૂટો દોર આપતા કાળા કાનૂન સામે ઈરોમ શર્મિલા ગાંધીમાર્ગે આમરણ અનશન પર છે. આદિવાસીઓના માનવઅધિકારો માટે લડતાં સોની સરકારી હિંસાનો ભોગ બનતાં રહે છે. જ્યારે ભારતમાતાની જયનો દેશમાં વિવાદ હોય ત્યારે ઈરોમ અને સોની જેવી સાચી ભારતમાતાઓ ઠેબાં ખાય અને તેમનાં બાળુંડાં ઉવેખાતાં રહે તે ભારતની રાજનીતિની કરુણ વાસ્તવિકતા છે.
ચંદુ મહેરિયા લેખક સામાજિક-રાજકીય પ્રવાહોના ઊંડા અભ્યાસી અને વિશ્લેષક છે
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘સોની સોરીનો સવાલ’, “દિવ્ય ભાસ્કર”, 21 અૅપ્રિલ 2016
![]()


વહીવટની વાતો : કુલીનચંદ્ર યાજ્ઞિક : વિતરક – ‘રંગદ્વાર’, G-15, University Plaza, Navrangpura, Ahmedabad – 380 009 : પ્રથમ આવૃત્તિ 2015 : પાનાં 410 : કિંમત રૂ. 400
ભારતના કેટલાક બૌદ્ધિકો પણ ઘાતક રાષ્ટ્રવાદની પકડમાં આવી ગયા હોવાનો વધુ એક દાખલો એક પ્રકાશનશ્રેણીને લગતા અત્યારના વિવાદ વિશે વાંચતાં મળે છે. આપણા પ્રાચીન સાહિત્યના અંગ્રેજી અનુવાદની એક ગ્રંથમાળા ‘મૂર્તિ ક્લાસિકલ લાઇબ્રેરી ઑફ ઇન્ડિયા’ નામે બહાર પડી રહી છે. જાણીતા સખાવતી ઉદ્યોગપતિ એન.આર. નારાયણમૂર્તિના હાર્વર્ડમાં અભ્યાસ કરી રહેલા પુત્ર રોહને આ ગ્રંથશ્રેણી માટે હાર્વર્ડ યુનિવર્સિટીને 5.2 મિલિયન ડૉલરનું દાન આપ્યું છે. તેના ઉપક્રમે સંસ્કૃત સહિત દસ ભારતીય ભાષાઓનાં પ્રાચીન સાહિત્યના મૂળ પાઠ અને અંગ્રેજી અનુવાદની પાંચસો ખંડની ગ્રંથમાળાનું આયોજન છે. તેમાંથી કુલ પાંચેક હજાર પાનાનાં દસ પુસ્તકો ગયાં બે વર્ષ દરમિયાન બહાર પડી ચૂક્યાં છે. તેમાં તુલસી રામાયણ, બુલ્લે શાહની રચનાઓ, અબુલ ફઝલના અકબરનામા, બૌદ્ધ કવયિત્રીઓનાં પદ્ય ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ દુષ્કર કાર્યના મુખ્ય સંપાદક તરીકે અમેરિકન વિદ્વાન શેલ્ડન પોલૉકની વરણી અંગે વિવાદ ચાલ્યો છે. કોલંબિયા યુનિવર્સિટીના સંસ્કૃત અને ફિલોલૉજીના અધ્યાપક પોલૉકને ૨૦૧૦માં પદ્મપુરસ્કાર મળેલો છે.
જી.એ. તરીકે ઓળખાતા મરાઠી સાહિત્યના જાણીતા વાર્તાકાર ગુરુનાથ આબાજી કુલકર્ણી (૧૯૨૩-૮૭) તેમના ચાહકો-અભ્યાસીઓ માટે એક કોયડો રહ્યા છે. તેમના નવ સંગ્રહોની વાર્તાઓમાં ક્રૂરતા અને શોક, દૈવ અને દંતકથા, અપાર્થિવ અને અગોચર, ગૂઢ અને રમ્ય જેવાં તત્ત્વો વાચક પર છવાઈ જાય છે. વિવેચકોએ જી.એ. અને કાફકા તેમ જ બોર્જેસ વચ્ચે સામ્ય જોયાં છે. ધારવાડની કૉલેજના અંગ્રેજી સાહિત્યના આ અધ્યાપકે વિલિયમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ધ ફ્લાઇઝ’ ઉપરાંત અમેરિકન લેખક કૉનરૅડ રિચ્ટરની પાંચ નવલકથાઓનો અનુવાદ કર્યો છે. ‘કાજળમાયા’ વાર્તાસંચય માટે ૧૯૭૩માં મળેલા કેન્દ્રિય સાહિત્ય અકાદમીના પુરસ્કાર અંગે વિવાદ થતાં તેમણે ઇનામી રકમ અને પ્રવાસખર્ચ સહિત પુરસ્કાર પાછો આપ્યો હતો. પોતાનો ઠીક મોટો વાચકવર્ગ ઊભો થયો હોવા છતાં જી.એ. હંમેશાં લોકોથી સાવ અળગા રહેવાનું પસંદ કરતા. અપરિણીત અંગત જીવન વિશે કોઈને માહિતી ન મળે તેની પૂરી તકેદારી રાખતા. એટલે તેમના જીવનનાં રહસ્યો ઉકેલવામાં ચાહકો-અભ્યાસીઓ સતત મથતા રહ્યા છે. એકંદરે બિનઅંગત એવાં સાહિત્યિક-વૈચારિક પત્રોનાં ચાર સંચયો અને સંપર્કમાં આવેલા માણસોનાં સંભારણાં થકી તેમના વ્યક્તિગત જીવન પર પ્રકાશ પાડવાની કોશિશો ચાલતી રહી છે. આવી જ એક જંગમ કોશિશ વિ.ગો.વડેર નામના અભ્યાસીના ‘અર્પણપત્રિકાંતૂન જી.એ. દર્શન’ (રાજહંસ પ્રકાશન, પુણે, રૂ.૪૦૦) નામના પુસ્તકમાં મળે છે. જી.એ.એ નવ કથાસંગ્રહો માતા, પિતા, ત્રણ મામા, ત્રણ બહેનો, એક માશી એમ તેમના પરિવારની વિવિધ વ્યક્તિઓને અર્પણ કર્યા છે. તેમાંથી દરેક પર વડેરે એક-એક પ્રકરણ લખ્યું છે. સહુથી લાંબું પ્રકરણ ‘રમલખુણા’ નામનો વાર્તાસંગ્રહ, જે વતન બેળગાવ અને તેમાં વસતા જી.એ. પરનો છે. કુલ ત્રણસો નેવું પાનાંમાં જી.એ.ના ભેદી જીવનનો ચિતાર આલેખાયો છે. તેના માટે લેખકે ૨૦૦૬થી આઠેક વર્ષ છ-સાત હજાર કિલોમીટરનો પ્રવાસ કરી પચીસેક ગામોની સો વ્યક્તિઓની મુલાકાત લીધી છે. સંશોધકે પોતાના પ્રિય લેખકના માનવસંબંધોની કરેલી શોધયાત્રાની બહુ રસપ્રદ વિગતો પ્રસ્તાવના અને પરિશિષ્ટોનાં પાંત્રીસ પાનાંમાં છે. આ પૂર્વે અરધા તપની આવી જ મહેનતથી વડેરે ‘જી.એં.ચી કથા પરિસરયાત્રા’ નામના ગ્રંથનું સહલેખન પણ કર્યું છે.