Opinion Magazine
Number of visits: 9769049
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વ. હમીદભાઈ કુરેશીની યાદ

ઇલા ર. ભટ્ટ|Gandhiana|23 December 2016

સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની તા. ૧૩-૮-૧૬ને દિને જે બેઠક મળી તે મારી તેમની સાથે છેલ્લી મિટિંગ જ હશે, એવી મને શું ખબર?! ટ્રસ્ટની બેઠકમાં આશ્રમનાં સ્મારકની સુરક્ષાની તો અધ્યક્ષ તરીકે કાળજી રાખતા પણ તા. ૧૩મીની મિટિંગમાં તેમણે આશ્રમનાં બાળકોની સુરક્ષા અંગે ચિંતા દર્શાવી તે મને ખાસ યાદ રહી ગઈ છે. આશ્રમશાળાનાં બાળકોનો નિવાસ ઉદ્યોગ-મંદિરમાં અને શાળામાં જવા માટે તેમને રસ્તો ઓળંગવો પડે છે તો તેમ ન કરવું પડે તેવી હૉસ્ટેલની વ્યવસ્થા કરવા હમીદભાઈએ સૂચવ્યું.

આશ્રમ ટ્રસ્ટ હેઠળના ગાંધીજીના સમયના ઐતિહાસિક મકાનો ઇમામ મંઝિલ, જમના કુટીર, આનંદ નિવાસ, તોતારામજીની ચાલી વગેરે સાચવવાની અને તેમાં અનુરૂપ પ્રવૃત્તિ થાય તેની ચિંતા મિટિંગોમાં વારંવાર હું તેમને મુખે સાંભળતી. જો કે આ જગ્યાઓ મેં તો હજુ સુધી જોઈ જ નહોતી! તે પછીથી જોઈ આવી. આશ્રમના છાત્રાલયમાં પોતે રહેલા ને, તેથી પોતાનું બાળપણ યાદ આવ્યું હશે! એ આશ્રમમાં સૌ સુખશાંતિમાં રહીને વિકસે તેવી તેમની મનોકામના મિટિંગમાં વારંવાર તરી આવતી.

એ જાણીતા ઝળહળતી કારકિર્દી ધરાવતા ધારાશાસ્ત્રી તો હતા જ. ૧૯૬૯ના કોમી રમખાણમાં તે પોતે પીડાયા હતા પણ જ્યારે અમદાવાદ શાંતિ સમિતિમાં તેમની સક્રિયતા જોઈએ ત્યારે તો માત્ર પરાઈની પીડ જ પોતે જાણતા હોય તેવા ઉમદા માનવ હૃદયનાં જ દર્શન થાય, જેની હું સાક્ષી છું. હું પણ તે શાંતિ સમિતિની સભ્ય હતી જે વારંવાર મળતી રહેતી. હું ત્યારે મજૂર મહાજનના બહેરામપુરાની ચાલીમાં વસતા મિલ કામદારોમાં શાંતિનું કામ કરતી હતી.

પણ તેમની સાથે તો મારો વધુ સંબંધ એક જૂના પાડોશી તરીકેનો. નવી થયેલી પંચશીલ સોસાયટીમાં મોટે ભાગે કૉંગ્રેસીઓનાં રહેઠાણ હતાં. તેમાં આશ્રમમાંથી સાત કુટુંબો જોડાયાં હતાં. અમારું ઘર નંબર ૫, સ્વ. કરીમભાઈ નંબર ૪ અને વહીદભાઈ કુરેશી નંબર ૨૯, તે કુરેશીભાઈના ભાઈ. તેમનાં માતા અમીનાબા લાકડી સાથે બધે તેજીથી ફરતાં ને વાતો કરતાં તે સોસાયટીમાં સૌને બહુ જ ગમતું. ૪ નંબરમાં કરીમભાઈનાં પત્ની આયેશાબહેનને ઘરે રોજ સાંજે આવતાં તેથી મારો તેમની સાથે મેળાપ થતો રહેતો. અને કુરેશીભાઈ મોટર લઈને, ઘણુંખરું જોડે માધવસિંહભાઈ સોલંકી હોય, સાંજે આવતા, મોહનભાઈને (તે પણ આશ્રમનિવાસી) ઘરે બેસીને ત્રણે જણ વાતો કરતા કદાચ મિટિંગો કરતા. ૧૯૬૯ના કોમી રમખાણમાં કેટલાંક કુટુંબોએ અમારી સોસાયટીમાં એકાદ મહિનો નિવાસ કરેલો. ૧૯૭૨માં વહીદભાઈએ પંચશીલનું ઘર છોડ્યું તે પછી કુરેશીભાઈને જોવાનું, મળવાનું સાવ ઓછું  થયું. જે તાજેતરમાં સાબરમતી આશ્રમમાં થયું. તેમના ગાંભીર્ય અને સ્પષ્ટ વિચારોને સચોટ રીતે કહેવાથી પડતો પ્રભાવ અમારી બેઠકોમાં છવાઈ જતો. આથી એ સ્વાતંત્ર્યવીર હમીદભાઈની શ્રદ્ધાંજલિનો ઠરાવ પસાર કરવાનું મારે આવશે તેવું મેં ધાર્યું નહોતું.

સ્વ. નારાયણભાઈ દેસાઈ પાસેથી એક વાર મેં સાંભળેલું કે હમીદભાઈ તેમનાં ‘બાળગોઠિયા’ (નારાયણભાઈનો શબ્દ) હતા. હમીદભાઈ ગૂજરાત વિદ્યાપીઠને મહત્ત્વની કાયદાકીય સલાહ આપતા. એક એવા પેચીદા પ્રશ્નને તેઓએ ખૂબ સલુકાઈથી વિદ્યાપીઠને ઉકેલી આપ્યો હતો. હમીદભાઈની હંમેશાં એક સ્પષ્ટવક્તાની મારી છાપ રહી છે.

“नवजीवनનો અક્ષરદેહ”, ડિસેમ્બર, ૨૦૧૬માંથી સાભાર

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2016; પૃ. 18 

Loading

બૅંક

રમેશ કોઠારી|Opinion - Opinion|23 December 2016

સમ-સંવેદના

છેલ્લા કેટલા ય દિવસોથી લાંબી કતારમાં કલાકો સુધી ઊભા રહ્યા બાદ પણ તેનો વારો આવે તે પહેલાં રોકડ રકમ ખલાસ થઈ જવાથી અલી ડોસાને પાછા ફરવું પડતું હતું. આજે તો ઠંડી પણ વિશેષ હતી. બહાર ધુમ્મસને કારણે નજીકની વ્યક્તિ કે વસ્તુને પણ ઓળખવામાં, તેની ક્ષીણ થતી જતી દૃષ્ટિને કારણે તકલીફ પડતી હતી.

મરિયમ પૈસાની રાહ જોતી હશે અને તે પામર પિતા તેને સહાયરૂપ થઈ શકતો નથી, એ વિચાર તેને અકળાવતો હતો. આજે તો કોઈ પણ હિસાબે પૈસા લઈને જ પાછો આવીશ એ દૃઢ નિશ્ચય કરી તે ઝૂંપડી બહાર નીકળ્યો. પ્રાતઃ કર્મ માટે ય સમય બગાડ્યો નહીં.

તેના દ્વારા પૂછાતા બાલિશ પ્રશ્નો, ‘આજે તો કેશ આવશે ને? ફક્ત બે હજાર જ ઉપાડવા મળશે? આજનો ટોકન કાલે રજૂ કરીએ તો આગળ ઊભા રહેવા મળે? આજે પહેલા શનિવારે બૅંક ચાલુ હશે? સિનિયર સિટિઝનનું કાર્ડ રજૂ કરવું પડે?’ વગેરેને કારણે તે ઠીક ઠીક હાસ્યાસ્પદ બનતો હતો. જેના કડપને કારણે લોકો થરથરતા હતા એ અલી ડોસો આજે દયનીય હાલતમાં મહેણાંટોણાં સાંભળી મનમાં સમસમી જતો હતો. પણ ઉપાય પણ શો હતો?

વહેલા નીકળવા છતાં ય, બૅંક દૂર હોવાને કારણે અને ઝડપથી ચાલવા અશક્ત હોવાના કારણે અલી ડોસો પહોંચ્યો ત્યારે લાઇન લાંબી થઈ ગઈ હતી.

લાઇનમાં રાહ જોતાં જાતાં તેનું મન વિચારોમાં ચકરાવે ચડ્યું. ક્યારેક આવી જ કોઈ બૅંકની બહાર સિક્યુરીટી ગાર્ડ તરીકે તેણે ઘણાંને અપમાનિત કર્યા હતા, ધક્કો મારી કાઢી મૂક્યા હતા, વૃદ્ધો કે મહિલાઓની વિનંતીને પણ ગણકારી નહોતી.

ફરજ પર હાજર થતા કોઈ કર્મચારીને જોઈ અલી ડોસો પૂછી બેઠો, ‘સાહેબ, આજે તો કૅશ આવી ગઈ છે ને? મને મારા પૈસા મળશે?’

‘હા, ભાઈ હા, હશે તો મળશે. કોઈ તારા પૈસા ખાઈ નહીં જાય.’ સરકારી કર્મચારી આટલી ઓછી તોછડાઈ અને આથી વધુ કઈ શિષ્ટ ભાષામાં વાત કરી શકે?

અલી ડોસાને મન બૅંક જ તીર્થસ્થાન બની ગઈ હતી. લગભગ દરેક કર્મચારી માટે એ પરિચિત ચહેરો બની ગયો હતો. અંતે બનવાકાળ બનીને જ રહ્યું. ત્રણ કલાક ઊભા રહ્યા બાદ પણ પરિણામ શૂન્ય.

જોરદાર પવનના સૂસવાટા પણ તેના મનમાંથી મરિયમના વિચારો ખંખેરી શક્યા નહીં. રસ્તામાં તેણે કુરાનની આયાતોનું રટણ ચાલુ રાખ્યું. ભૂખ, શ્રમ અને હતાશાને કારણે, ઝૂંપડીમાં પહોંચતા વેંત તેણે લંબાવ્યું. જાગ્યો ત્યારે રસોઈ બનાવવાની હામ હતી નહીં. ભલો પાડોશી, પરિસ્થિતિની જાણ થતાં, સાંજે જમવાનું આપી ગયો.

મરિયમની નાનામાં નાની ઇચ્છાને પણ તે પૂરી કરતો આવ્યો હતો અને આજે ? જૂના સ્વભાવને તેણે અંકુશમાં ન રાખ્યો હોત તો આજે બૅંક સળગાવી નાખી હોત. મરિયમના બાળપણના ફોટા જોતાં જોતાં ક્યારે આંખ મળી ગઈ, તેનો ખ્યાલ પણ ન રહ્યો. ગાઢ નિદ્રામાં નહીં પણ ચિરનિદ્રામાં તે પોઢી ગયો.

બીજા દિવસે તેની ગેરહાજરીની નોંધ લેવાઈ. આજે તેને પાછો નથી કાઢવો, હમણાં આવશે તો છેવટે મારા ખિસ્સામાંથી ય તેને નાણાં આપીશ, બૅંક મેનેજરે વિચાર્યું અને તેના ઇન્તિકાલની જાણ થતાં તેની કબર પર પૈસા મૂકી, પશ્ચાત્તાપ સાથે પાછા ફર્યાં.

માણસ પોતાના ‘બૅલેન્સ’નો વિચાર છોડી અન્યની ‘બૅલેન્સ’નો વિચાર કરે તો અડધી ભીડ ઓછી થઈ જાય.

(સુખ્યાત વાર્તાકાર ‘ધૂમકેતુ’ની ક્ષમાયાચના સાથે)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2016; પૃ. 20

Loading

આજ ભી ખરેં હૈં તાલાબ : જળવ્યવસ્થાપનના અચ્છે કામ માટે પ્રજાને હવે કોણ ઢંઢોળશે ?

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|23 December 2016

ભારતીય તળાવોના તત્ત્વજ્ઞાનના ભાષ્યકાર ગાંધીવાદી પર્યાવરણવિદ્દ્ અનુપમ મિશ્રની ચિરવિદાય

ભારતના તળાવોના તત્ત્વજ્ઞાનને સામાન્ય માણસ સુધી પહોંચાડનારા ગાંધીવાદી પર્યાવરણવિદ અનુપમ મિશ્રનું ઓગણીસ ડિસેમ્બરના સોમવારે અડસઠ વર્ષની ઉંમરે કૅન્સરની બીમારીથી દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સેસમાં અવસાન થયું.

પર્યાવરણવાદી અનુપમજીએ ભારતની પરંપરાગત જળ સંવર્ધન અને જળવ્યવસ્થાપન પદ્ધતિઓનો સેંકડો ગામડાં ખૂંદીને અભ્યાસ કર્યો હતો. ‘આજ ભી ખરે હૈં તાલાબ’ નામનું તેમનું પુસ્તક  જળવ્યવસ્થાપનની હાથપોથી સમું છે. લોકજીવનની કોઠાસૂઝ પર આધારિત પાણીની સાચવણીની વ્યવસ્થાનું વર્ણન અને માટીની મહેક ધરાવતી ભાષા વાચકના મનને ભરી દે છે. તેના એકેક વાક્યમાં ભારતીય સમાજમાં તળાવ નામની ઘટના વિશેનાં જ્ઞાન, આદર અને લાગણી સમાયેલાં છે. હમણાં વીતેલાં વર્ષોમાં દેશના અનેક વિસ્તારના લોકોએ આ પુસ્તકમાંથી પ્રેરણા લઈને પાંચ હજાર જેટલા તળાવ-કૂવા ફરીથી જીવતાં કર્યાં છે. ગાંધી શાંતિ પ્રતિષ્ઠાને બહાર પાડેલાં આ પુસ્તકની અઢી લાખ નકલો લોકોએ વસાવી છે. તે ફ્રી ડાઉનલોડ થાય છે. તેનો ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓમાં, તેમ જ અંગ્રેજી અને  ફ્રેન્ચમાં અનુવાદ થયો છે. તે પ્રજ્ઞચક્ષુઓ માટેની  બ્રેઇલમાં પણ છપાયું છે. તેના પર કોઈ કૉપીરાઇટ નથી એટલે અનેક વ્યક્તિઓએ અને સંસ્થાઓએ તે છપાવી છે. આવા સીમાચિહ્નસમા પુસ્તકમાં લેખકે પોતનું નામ બહુ ઝીણા અક્ષરે, ભાગ્યે જ ધ્યાન પડે તેવી જગ્યાએ મૂક્યું છે. કામ કરીને નામનિરાળા રહેવાની અનુપમજીની આ લાક્ષણિકતા તેમના વિશે બહુ ભાવથી લખનાર પત્રકાર પ્રભાષ જોશી અને રવીશ કુમાર બંનેએ નોંધી છે. પુસ્તકનું છેલ્લું વાક્ય છે : ‘અચ્છે અચ્છે કામ કરતે જાના’ .

અનુપમ મિશ્રના અચ્છા કામમાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાંની કર્મશીલતાનો સમાવેશ થાય છે. અનુપમજીનો જન્મ વર્ધામાં. તેમના પિતા ભવાની પ્રસાદ મિશ્ર ગાંધીજી પર પાંચસો કરતાં વધુ કવિતા લખનારા કવિ. દિલ્હી યુનિવર્સિટીમાંથી સંસ્કૃત સાથે એમ.એ. કર્યા પછી અનુપમ  સમાજવાદી યુવાજન સભામાં અને પછી ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં જોડાયા. ચંબલમાં ડાકુઓએ 1972 ના મે મહિનામાં  છત્તરપુરમાં કરેલા આત્મસમર્પણ વખતે અનુપમજી જયપ્રકાશ નારાયણની સાથે હતા. તેમણે આ બનાવ પર પુસ્તક પણ લખ્યું. સર્વોદય સાહિત્યના લેખન-પ્રચાર-પ્રસારનું કામ અનુપમ રસથી કરતા રહ્યા. તેના માટે તેમને ઉત્તરાખંડમાં પણ જવાનું થતું. ત્યાં તેઓ ચંડીપ્રસાદ ભટ્ટ અને ગૌરા દેવીએ વૃક્ષો અને જંગલ બચાવવા માટે ચલાવેલા ચિપકો લોક આંદોલન સાથે જોડાયા અને તેના વિશે પહેલવહેલા અહેવાલો લખ્યા. આ ઉપરાંત તેમની પાસેથી આ ચળવળ વિશેનું એક મહત્ત્વનું પુસ્તક ‘ચિપકો મૂવમેન્ટ : ઉત્તરાખંડ વિમેન્સ બીડ ટુ સેવ ફૉરેસ્ટ વેલ્થ’(1978) મળ્યું. અનુપમ કેટલોક સમય ‘ ઇન્ડિયન એક્સપ્રેસ’માં પત્રકાર પણ હતા. પછી તેમણે ફ્રિલાન્સ લેખન અને ફોટોગ્રાફી કર્યાં. કટોકટી વિરુદ્ધ સક્રિય હતા તે દરમિયાન પણ મુખ્ય પ્રવૃત્તિ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનની રહી. સાથે પર્યાવરણ પણ તેમની નિસ્બતનો વિષય હતો. ‘દેશ કા પર્યાવરણ’ નામનું સંપાદન તેમણે બહાર પાડ્યું. તેના આગોતરા ગ્રાહક નોંધીને અનુપમે બે લાખ રૂપિયાનો નફો પ્રતિષ્ઠાનને આપી દીધો. મૌલિક પુસ્તક ‘હમારા પર્યાવરણ’ લખ્યું, છાપ્યું, વેચ્યું અને પ્રતિષ્ઠાનને નવ લાખ કમાઈ આપ્યા. આ હકીકતો નોંધીને પ્રભાષ લખે  છે : ‘આ પુસ્તકો હવે મળતાં નથી, પણ ગયા દસ વર્ષમાં હિંદીમાં પર્યાવરણ પર આવાં પુસ્તકો આખા દેશમાં લખાયાં નથી.’ 
અનુપમજી 1980ના દાયકાથી જળસંવર્ધન વિષયના સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પાણીની આપણા દેશમાં થઈ રહેલી અવહેલનાથી તે ખૂબ વ્યથિત હતા. તે જાણતા હતા કે પાણીનો બગાડ, તેની અસમાન વહેંચણી અને અછત-અભાવ અટકાવવાનો રસ્તો આ દેશની પાણી સાચવણીની પદ્ધતિ અને તેના માટેનાં જુદા જુદાં પ્રકારનાં બાંધકામોમાં રહેલો છે. એમને એ ખબર હતી કે તે પદ્ધતિઓ સ્થાનિક પરિવેશની પાકી સમજ અને લોકોની સામેલગીરીથી રચાઈ છે. એમણે એ સિસ્ટમ્સ વિશે લખવાની, તેમનું દસ્તાવેજીકરણ કરવાની શરૂઆત કરી. સહુથી અસરકારક  નમૂના તો અલબત્ત શુષ્ક અને વરસાદ વિનાના રાજસ્થાનમાં હતા. છતાં તેમણે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રને પણ પોતાના અભ્યાસમાં સમાવ્યાં. આ રાજ્યોનાં સેંકડો ગામડાં ખૂંદીને તેમણે ત્યાંનાં અનેક જળસંગ્રહોનો અભ્યાસ કર્યો.  તેના પરિણામે બે પુસ્તકો મળ્યાં : ‘રાજસ્થાન કી રજત બુંદે’ (1993) અને ‘આજ ભી ખરે હૈ તાલાબ’ (1995). આ ઉપરાંત અનુપમજીએ પત્રિકાઓ અને લેખો પણ લખ્યાં છે. તેનો સંચય ‘સાફ માથે કા સમાજ’ નામે બહાર પડ્યો છે. એમનું લગભગ બધું લખાણ હિંદીમાં છે. તેનું કારણ એ કે લેખક તેમના પિતાનો ભાષા વારસો જાળવી રાખવા માગતા હતા. વળી તેઓ જે વિસ્તૃત જનપદમાં ફર્યા તેમાં હિન્દી ભાષાની અનેક બોલીઓ હતી.  હિન્દીમાં લખવાનું શરૂ કર્યા પછી તે એના જ આનંદમાં રમમાણ થઈ ગયા. જો કે  અંગ્રેજી ભાષાના નહીંવત ઉપયોગને કારણે તેઓ પર્યાવરણના અભ્યાસીઓમાં પણ થોડા ઓછા જાણીતા રહ્યા. 

વિકેન્દ્રિત જળવ્યવસ્થાપનના અગ્રણી સમર્થક એવા અનુપમજી ઉત્તરપ્રદેશ અને મધ્ય પ્રદેશના કેન-બેટવા પ્રકલ્પ સહિત રિવર લિન્કિન્ગ પ્રોજેક્ટના વિરોધી હતા. તેઓ કહેતા કે આવા પ્રોજેક્ટો માટેના  સરકારનાં લગાવ અને તેની લાગતનો એક અંશ પણ બુંદેલખંડ માટે ફાળવવામાં આવે તો તેનો દુષ્કાળનો પ્રશ્ન હલ થઈ જાય. તેમનું છેલ્લું જાહેર વ્યાખ્યાન અઠ્ઠ્યાવીસ નવેમ્બરે  ‘સાઉથ એશિયા નેટવર્ક ઑન ડૅમ્સ, રિવર્સ અ‍ૅન્ડ પીપલ’ સંગઠને યોજેલા સરિતા સપ્તાહના ઉદ્દ્ઘાટને થયું હતું. થાક અને અશક્તિ છતાં તેમણે પૂરા સરોકારથી વાત કરી. તેમણે કહ્યું, ‘સરકાર ગંગાને નવજીવન આપવાનું કામ તેના ઘાટ પરના પથ્થર કે વીજળીના થાંભલા બદલીને નહીં કરી શકે. શુદ્ધ પાણી ક્યાંથી આવે છે અને પ્રદૂષિત પાણી ક્યાંથી આવે છે એ આપણે સમજીશું નહીં ત્યાં સુધી બધું નિરર્થક છે.’

અનુપમજીને કેન્દ્ર સરકારનો ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર (1996) અને મધ્ય પ્રદેશ સરકારનો અમર શહીદ ચન્દ્રશેખર આઝાદ રાષ્ટ્રીય પુરસ્કાર (2006) મળ્યા હતા. તદુપરાંત તેમને જમનાલાલ બજાજ સન્માન (2011) પણ આપવામાં આવ્યું હતું. જો કે અનુપમ મિશ્રાજીનું સહુથી મોટું સન્માન એ તેમના પુસ્તક ‘અભી ભી ખરે હૈં તાલાબ’ને મળેલો આવકાર છે. રોમાંચિત કરી દેનારા નવ પ્રકરણોનું આ ધન્ય પુસ્તક આમ તો શબ્દશ: વાંચવાં જેવું છે. તેમાં લેખકે આસ્થાભરી શૈલીમાં આવરી લીધેલી કેટલીક બાબતો આ મુજબ છે : તળાવોનો ઇતિહાસ, તેમના બાંધકામ, તેમને બનાવનાર ભારતભરના લોકસમૂહો, તળાવોનાં અંગ-પ્રત્યંગ, તેમની જાળવણી, તેમનાં ‘સહસ્રનામ’, પાણી પૂરી પાડવાની તેમની ક્ષમતા, તળાવ અનુસાર ‘લોક ધરમ સુભાવ’ અને તળાવોની આજની સ્થિતિ તેમ જ પ્રસ્તુતતા. પુસ્તકમાં એક દોહો છે :

‘સિમટ સિમટ જલ ભરહિં તલાવા

જિમી સદગુણ સજ્જન પહિં આવા.’

ભારતીય માણસ પાસેથી અનુપમજીએ રાખેલી  આ આશા ફળશે  ખરી?

22 ડિસેમ્બર 2016

++++++

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...3,5533,5543,5553,556...3,5603,5703,580...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved