Opinion Magazine
Number of visits: 9768183
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાષાના પ્રશ્ને આઝાદી પહેલાં જેટલી વિમાસણ હતી એમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થઈ ગયો છે અને એનું કારણ હિન્દીનો અસ્વીકાર છે

રમેશ ઓઝા|Opinion - Opinion|16 January 2017

નવો વિમર્શ રહી ગયેલાઓને મેઇન-સ્ટ્રીમમાં લાવવા માટે કેવું, કેટલું અને કઈ ઉંમરે અંગ્રેજી શિક્ષણ આપવું એ અંગેનો છે. આ જે નવો ભાષાકીય વિમર્શ છે એ સફળતાલક્ષી વિમર્શ છે. એને વ્યક્તિના સર્વગ્રાહી વિકાસ સાથે કોઈ સંબંધ નથી

ભારતનાં રાજ્યોના અને કેન્દ્ર સરકારના ગ્રુપ ઑફ સેક્રેટરીઝ ઑન એજ્યુકેશન ઍન્ડ સોશ્યલ ડેવલપમેન્ટે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે કે ભારતભરમાં દરેક સ્કૂલમાં છઠ્ઠા ધોરણથી અંગ્રેજીનું શિક્ષણ ફરજિયાત હોવું જોઈએ અને પ્રત્યેક તાલુકામાં કમસે કમ એક સ્કૂલ અંગ્રેજી માધ્યમની હોવી જોઈએ. તેમણે આ ભલામણ દેશની સામાન્ય પ્રજાના સામાજિક વિકાસ માટે કરુણાભાવથી પ્રેરાઈને કરી છે.

દેશને આઝાદી મળ્યે ૭૦ વર્ષ થવા આવ્યાં છે, પરંતુ ભાષાનો પ્રશ્ન ઉકેલાતો નથી. કયા માધ્યમમાં બાળકને શિક્ષણ આપવું જોઈએ? જો અંગ્રેજીમાં શિક્ષણ આપવાનો આગ્રહ રાખવામાં આવે તો કયા ધોરણથી અને કઈ વયે અંગ્રેજીમાં શિક્ષણ આપવું જોઈએ? પ્રાદેશિક ભાષાના શિક્ષણનું શું? પ્રાદેશિક ભાષાનું શિક્ષણ પ્રદેશ બહારના વિદ્યાર્થીઓ માટે ફરજિયાત હોવું જોઈએ કે મરજિયાત? રાષ્ટ્રીય ભાષા હિન્દીના શિક્ષણનું શું અને જેને ભાષાઓની માતા તરીકે ઓળખવામાં આવે છે એ ગીર્વાણ ભારતી સંસ્કૃત ભાષાનું શું કરવું? એનું શિક્ષણ ક્યારે આપવું અને કેટલું આપવું? આ તો શિક્ષણની વાત થઈ. વહીવટી તંત્રની ભાષા કઈ હોવી જોઈએ અને કયા સ્તર સુધી હોવી જોઈએ?

ભાષાના પ્રશ્ને આઝાદી પહેલાં જેટલી વિમાસણ હતી એમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થયો છે અને એનું કારણ હિન્દીનો અસ્વીકાર છે. આઝાદી પહેલાં પ્રાદેશિક સ્તરે શિક્ષણની અને વહીવટી તંત્રની ભાષા માતૃભાષા હોવી જોઈએ એ બાબતે ભાગ્યે જ મતભેદ હતો. જેઓ અંગ્રેજીના પ્રેમી અને આગ્રહી હતા તેઓ પણ અંગ્રેજીની વકીલાત નહોતા કરી શકતા એટલી હદે દેશમાં લગભગ સાર્વત્રિક સંમતિ હતી. વિમાસણ માત્ર રાષ્ટ્રભાષાની હતી. દક્ષિણનાં રાજ્યો, ખાસ કરીને તામિલો હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવામાં આવે એનો વિરોધ કરતા હતા. દ્રવિડ કુળની ભાષાઓમાં અને સંસ્કૃત કુળની ભાષાઓમાં અંતર છે, પરંતુ એ અંતર એટલું બધું નથી કે લાંઘી જ ન શકાય. જો તામિલો લૅટિન કુળની ભાષા અંગ્રેજી અપનાવી શકે તો હિન્દી કેમ ન અપનાવી શકે? દ્રવિડ કુળ અને લૅટિન કુળમાં તો જરા પણ સામ્ય નથી.

હિન્દી ભાષાના પ્રતિકારનું કારણ અસ્મિતાભાન અને લઘુતાગ્રંથિ હતાં. એક તો તામિલ ભાષા સમય સાથે થોડાઘણા ફરક સાથે બે હજાર વરસથી સતત બોલાતી અને સાહિત્યિક રીતે વપરાતી ભાષા છે એટલે તામિલોમાં અસ્મિતાભાન તીવ્ર છે. આની સામે સંસ્કૃત ભાષા દૈનંદિન વપરાશમાંથી ફેંકાઈ ગઈ છે. બીજું કારણ ઉત્તર ભારતના કહેવાતા આર્યાવર્ત અને દક્ષિણની દ્રવિડભૂમિ વચ્ચેની થોડી ઐતિહાસિક અને વધુ કાલ્પનિક ખાઈ છે. તેઓ હિન્દીને આર્યાવર્તની પ્રતિનિધિ ભાષા તરીકે જુએ છે એટલે હિન્દીના સ્વીકારમાં દ્રવિડ ભૂમિના આર્યાવર્ત સામેના પરાજય તરીકે જુએ છે. પેરિયાર રામસ્વામી નાયકર જેવા દ્રવિડ અસ્મિતાવાદી નેતા તો ઠીક, સી. રાજગોપાલાચારી જેવાએ પણ હિન્દીનો વિરોધ કર્યો હતો. જો રાજગોપાલાચારીએ હિન્દી અપનાવી હોત તો તેમણે કદાચ નેહરુની જગ્યા લીધી હોત એટલા તે રાષ્ટ્રીય સ્તરના મોટા ગજાના નેતા હતા.

દક્ષિણે હિન્દી અપનાવી નહીં એટલે હિન્દી ખરા અર્થમાં રાષ્ટ્રભાષા બની નહીં અને હિન્દી સિવાય બીજી કોઈ ભારતીય ભાષા નહોતી જે રાષ્ટ્રભાષાની જગ્યા લઈ શકે. કોઈ પણ ભાષાના સ્વીકારનો અંતિમ માપદંડ બ્રેડ-બટર છે. જે ભાષા પેટિયું રળી આપે એ ભાષાને લોકો અપનાવે છે, પછી એ પોતાના કુળની ભાષા હોય કે સાવ પરાઈ ભાષા હોય. દેશની અંદર આંતરિક મતભેદને કારણે હિન્દી વહીવટી તંત્રની અને મોટા પ્રતિષ્ઠિત રોજગારની ભાષા તરીકે અંગ્રેજીની જગ્યા લઈ શકી નહીં. અંગ્રેજીની જગ્યાએ જે ભાષાએ રાષ્ટ્રીય વટવૃક્ષ તરીકે વિકસવાનું હતું એ વિકસી શકી નહીં એટલે એની સીધી અસર ભારતીય ભાષાઓ પર થવા લાગી. વટવૃક્ષની પાછળ વડવાઈઓ પણ કમજોર થવા લાગી. આમાં અંગ્રેજીની હિમાયત કરનારાઓને અને અંગ્રેજી દ્વારા સામાજિક તેમ જ આર્થિક સરસાઈ ધરાવનારાઓને અંગ્રેજી ભાષા ટકાવી રાખવાનો મોકો મળી ગયો. આજે જિલ્લા સ્તરથી આગળ વહીવટી તંત્રની ભાષા અંગ્રેજી છે. વડી અદાલતોમાં અને સર્વોચ્ચ અદાલતમાં અંગ્રેજી ચાલે છે. ૫૦ લાખ રૂપિયા કરતાં વધુના મૂડીરોકાણવાળા વ્યવસાયની ભાષા અંગ્રેજી છે.

અંગ્રેજી બ્રેડ-બટરની ભાષા છે, અંગ્રેજી સફળતાની ભાષા છે અને અંગ્રેજી સામાજિક સરસાઈની પણ ભાષા છે. આઝાદ ભારતનું ભાષાકીય સરવૈયું કાઢવું હોય તો એમ કહી શકાય કે જેમની પાસે અંગ્રેજીનું જ્ઞાન નથી એ ઓશિયાળા છે અને હાંસિયામાં છે.

તો સવાલ હવે એ પુછાઈ રહ્યો છે કે જે લોકો હાંસિયામાં છે અને ઓશિયાળા છે તેમને સફળતાની સીડી નજીક કઈ રીતે લાવવા? ઉપાય છે અંગ્રેજી ભાષાનું શિક્ષણ. સાત દાયકા પહેલાંનો માતૃભાષામાં શિક્ષણ અને માતૃભાષામાં શાસનનો મૂળ ભાષાકીય વિમર્શ બાજુએ હડસેલાઈ ગયો છે અને નવો વિમર્શ રહી ગયેલાઓને મેઇન-સ્ટ્રીમમાં લાવવા માટે કેવું, કેટલું અને કઈ ઉંમરે અંગ્રેજી શિક્ષણ આપવું એ અંગેનો છે. આ જે નવો ભાષાકીય વિમર્શ છે એ સફળતાલક્ષી વિમર્શ છે. એને વ્યક્તિના સર્વગ્રાહી વિકાસ સાથે કોઈ સંબંધ નથી. બસ્તરમાં જન્મેલા આદિવાસી બાળકને અરુણ જેટલીની માફક કડકડાટ અંગ્રેજી બોલતું કરવું છે તો તેને અંગ્રેજી શિક્ષણ કઈ ઉંમરે અને કયા ધોરણથી આપવું જોઈએ એ ચર્ચાનો વિષય છે. બાળમંદિરથી? પહેલા ધોરણથી? પાંચમા ધોરણથી? ફરજિયાત કે મરજિયાત? અંગ્રેજી એક વિષય હોવો જોઈએ કે શિક્ષણના માધ્યમની ભાષા હોવી જોઈએ? દેશભરમાં એકસરખું શિક્ષણ હોવું જોઈએ કે પછી શિક્ષણની બજારમાં ગજવાનો માપદંડ હોવો જોઈએ?

આજનો આ રીતનો ભાષાકીય વિમર્શ જોતાં એને વિનિપાત જ કહેવાય કે બીજું કંઈ? પણ આજની આ વાસ્તવિકતા છે. આ ઉપરાંત પ્રાંતવાદીઓ પ્રાદેશિક ભાષા માટે અને હિન્દુ અસ્મિતાવાદીઓ સંસ્કૃત માટે આગ્રહ રાખે છે. વિદ્યાર્થીને અને તેમનાં મા-બાપને સફળતાની સીડીરૂપ માત્ર અને માત્ર અંગ્રેજી ભાષા અને કૌશલ જોઈએ છે, જ્યારે અસ્મિતાવાદીઓ હિન્દીને બાયપાસ કરીને પ્રાદેશિક ભાષાને બચાવવા અને સંસ્કૃતને પાછી જીવતી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વાંઝિયા પ્રયત્નો છે જેનું કોઈ પરિણામ આવવાનું નથી. આનો એક જ ઉપાય છે અને એ છે ગાંધીજીનો ભાષાવિમર્શ. તેમનું ભાષાચિંતન પ્રાસંગિક છે, પણ રસ કોને છે! બાળકો બિચારાં આંધળા અસ્મિતાવાદીઓ અને શિક્ષણનો વેપાર કરનારાઓનો શિકાર બની ગયાં છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ ડે”, 16 જાન્યુઆરી 2017

Loading

Counter Point

Subhani|Opinion - Cartoon|14 January 2017

courtesy : "The Asian Age", 14 January 2017

Loading

હવે વણઝારાને ચમકાવતું કેલેન્ડર?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 January 2017

ગાંધીપ્રતિભાને તો એથી શું ફેર પડવાનો હતો! પણ કોઈ અદકપાંસળા આલા અફસરે કે આપડાહ્યા ગાદીનશીને ખાદી-ગ્રામોદ્યોગ કમિશનના કેલેન્ડર અને ડાયરીને પૂંઠે સામાન્યપણે ગાંધી અને ચરખા સરખી ચિત્રણાને બદલે વડાપ્રધાનને (અલબત્ત, કાંતણ/વણાટ મુદ્રામાં) ચમકાવવાનું પસંદ કર્યું એ આપણે ત્યાં ચાપલુસી અને ચાટુકારિતાની જે સંસ્કૃિત પેંધેલી છે એનો જ એક નાદર નમૂનો લેખાશે. જ્યાં કદીક ઢેબરભાઈ જેવાઓ બેસતા હશે એ ખાદી ગ્રામોદ્યોગ કમિશનના વડા મથકે સ્થળ પરના કર્મચારીઓએ આ ચેષ્ટા પરત્વે શાલીન ધોરણે વિરોધલાગણી પ્રગટ કરી એ પણ ઠીક જ થયું.

સરકારી કચેરીઓમાં, પ્રકાશનોમાં, દોમદોમ જાહેરખબરોમાં વડાપ્રધાનની તસવીરનો રાબેતો બેલાશક સમજી શકાય છે. વળાંકે વળાંકે કટ આઉટના કીર્તિપાટિયાનો ચાલ સિને અભિનેતાગ્રસ્ત દક્ષિણદેશથી શરૂ થઈ હવે દિલ્હી લગી નાનામોટા નેતાઓના કિસ્સામાં સાર્વત્રિક થઈ પડ્યો છે. પણ ખાદી ગ્રામોદ્યોગ જેવામાંયે ધરાર એમને ઠઠાડવાની માનસિકતામાં રહેલ નઘરોળ સામંતી તત્ત્વ વિશે અગર તો એક નાસમજ આરતીગાનના વલણ વિશે જાગૃત થઈ જવું એ સંબંધિત સૌ સહિત દેશજનતા સમસ્ત માટે સલાહભર્યું છે. એટલી સાદી વાત વાસ્તે કોઈ આર્ષદર્શનની જરૂરત ન હોવી જોઈએ.

ઇચ્છીએ કે જે પણ બન્યું તે સ્થળ પરની નાદાનિયતવશ હોય અને શીર્ષ વર્તુળોમાંથી એવો કોઈ સંચાર ન હોય. અલબત્ત, ઇચ્છીને છૂટી પડાય, છેક એવો મામલો આ નયે હોય. આ જ દિવસોમાં આપણે એ પણ જોયું છે કે વડાપ્રધાનની બી.એ.ની પદવીના વિવાદ સંદર્ભે માહિતી અધિકારની રૂએ દિલ્હી યુનિવર્સિટીનો 1978નો રેકોર્ડ જોવાની રજા મળતાં ખાસા ઠાગાઠૈયા બાદ જેમણે આ રેકોર્ડ જોઈ શકાય એવી સૂચના આપી તે માહિતી કમિશનર બે જ દિવસમાં બદલીપત્ર ઠર્યા છે. કહી તો શકાય કે સરકાર પદારથ જેનું નામ તે આમ જ વર્તે. प्रकृतिम्‌ यान्ति भूतानि। તરત સાંભરતો દાખલો ખેમકાનો છે. હરિયાણાના આ આલા અધિકારીએ નિર્ભીક કર્તવ્યબુદ્ધિને ધોરણે ત્યારના કૉંગ્રેસતંત્રની ગતિમતિ વિશે પોતાના દાયરામાં રહીને સવાલો ઉઠાવ્યા ત્યારે રાજ્ય સરકાર પાસે જવાબ નહોતો – હા, તત્કાળ બદલીનો હુકમ જરૂર હતો. જોવાનું એ છે કે આ જ ખેમકા હરિયાણાના ભા્.જ.પ. શાસનમાં પણ આવા જ બદલી દોરમાંથી ગુજરી રહ્યા છે.

પણ ખાદી ગ્રામોદ્યોગ કમિશન અને દિલ્હી યુનિવર્સિટીની તાજેતરની ઘટનાઓ ખેમકા પ્રકરણ કરતાં જુદી પડે છે – અને જુદી ન પડતી હોય ત્યારે પણ વધુ કઠે છે – તે એ રીતે કે ધીરે ધીરે દેશનો બધો જ ક્રિયા-અને-કીર્તિ-કલાપ કોઈ એક વ્યક્તિમત્ત્વ આસપાસ હોય એવું એક વાયુમંડળ બની રહ્યું છે એનો એ હિસ્સો છે. શાસનની તરાહ જુઓ તમે. નોટબંધીના આરંભકાળે સરકારે ગૃહમાં ઉપસાવવા ધારેલી છાપ એવી હતી કે રિઝર્વ બૅંક સાથે પરામર્શપૂર્વક – બલકે, એના સૂચનથી – આ પગલું ભરાયું હતું. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું રાજ્યસભાનું વકતવ્ય અસંદિગ્ધપણે આ જ તરજ પર હતું. પણ સંસદીય સમિતિ સમક્ષ ચાલુ અઠવાડિયે રિઝર્વ બૅંક તરફથી જે અધિકૃત લેખિત રજૂઆત થઈ છે તે મુજબ સાતમી નવેમ્બરે અમને (રિઝર્વ બૅંકને) સરકાર તરફથી પૂછવામાં (એટલે કે કહેવામાં) આવ્યું હતું કે આમ કરીએ છીએ એમાં તમારી સલાહ શું છે.

મતલબ, આખો ઘટનાક્રમ રિઝર્વ બૅંકની સ્વાયત્તતાને બદલે ‘મેઇડ ટુ ઓર્ડર’ પ્રકારનો હતો. (સ્વાભાવિક જ, રઘુરામ રાજન હોય ત્યાં સુધી આવું બારોબારિયું શક્ય નહોતું.) દેશમાં અધિકૃતપણે નિયુક્ત આર્થિક સલાહકાર છે, નીતિ આયોગ છે, કોઈ પણ સ્થળે એમની સાથે પરામર્શ થયાનું જાણવા મળતું નથી. માહિતી અધિકારને ધોરણે થયેલી પૃચ્છાના જવાબમાં પી.એમ.ઓ.(વડાપ્રધાનના કાર્યાલય)એ આવી કોઈ જાણકારી દર્જ નહીં થઈ હોવાનું કહ્યું છે. ‘એક અને એક બે’ની જેમ ઊપસી રહેતી વાસ્તવિકતા કદાચ એ છે કે લગભગ એકવ્યક્તિનિર્ણયની આ સ્થિતિ છે.

વસ્તુત: લોકશાહી જેનું નામ એમાં અંતરિયાળ માળખાગત કેટલીક આણ અને આમાન્યા અભિપ્રેત અને અનુસ્યૂત છે. સ્વાયત્ત સંસ્થાઓ, ન્યાયતંત્ર વગેરેની એમાં મહત્ત્વની ભૂમિકા અપેક્ષિત છે. બિરલા-સહારા લાભાર્થી યાદી સબબ શું બન્યુ? સર્વોચ્ચ અદાલતે આવી સામગ્રી – ઇમેલની પ્રિન્ટઆઉટ્સ જેવી સામગ્રી પુરાવા તરીકે ન લેવાય એમ કહીને આ બાબતને કાઢી નાખી. જનતાની સ્મૃિત ટૂંકી હોવાનું કહેવાય છે એટલે કોઈકે આ તબક્કે યાદ આપવી જોઈએ કે નરસિંહ રાવના વારામાં જૈન હવાલા પ્રકરણ ખાસું ગાજ્યું હતું. એમાંયે પુરાવાસામગ્રી આવી જ હતી. સર્વોચ્ચ અદાલતે તે વખતે તપાસ-આદેશની રીતે વિચાર્યું પણ હતું.

હાલના કેસમાં ફરિયાદી ‘કૉમન કૉઝ’ તરફે ધારાશાસ્ત્રી પ્રશાન્ત ભૂષણે એ વિગતનીયે યાદ આપી હતી કે જ્યારે આ પ્રકારે સંજ્ઞાન (કોગ્નાઇઝન્સ) લેવામાં આવે ત્યારે એફ.આઈ.આર. નોંધી તે ધોરણે આગળ વધવાનો નિર્દેશ પૂર્વે લલિતાકુમારી કેસમાં સર્વોચ્ચ અદાલતે અગાઉ વિદ્યાચરણ શુકલના કેસમાં (હવાલા કેસમાં) લીધેલ અલગ વલણને વળગી રહેવાનું મુનાસીબ ધાર્યું હતું. જો કે સૂચક બીના એ છે કે, અદાલતે પ્રશાન્ત ભૂષણની રજૂઆતને લક્ષમાં લઈ એક ટિપ્પણી જરૂર કરી હતી કે જૈન હવાલા કેસમાં એક બાજુએ અમે જ્યારે તપાસ-આદેશનું વિચારતા હોઈએ ત્યારે નીચલી અદાલતો આ સૌને છોડી મૂકતી હોય, એવું બનતું હતું.

આ અનવસ્થાનું શું કરીશું? જેને ગુજરાત મોડલ કહેવાય છે તેમાં આવી અનવસ્થાવશ બાઇજ્જત બરી થવાનો એક આખો સિલસિલો રહ્યો છે. તપાસ થાય નહીં, ખોટી દિશામાં થાય, અડધી પડધી થાય અને કસુરવાર નથી તેવું જાહેર થાય, એવું બનતું રહ્યું છે. કેટલાક કેસોમાં દાખલો જરૂર બેસાડી શકાયો, પણ રાજ્યના મેળાપીપણા બાબતે છેક છેડા લગીની કારવાઈના અભાવે ‘બાઇજ્જત બરી’વાળું ચોક્કસ દાખલામાં બરકરાર રહ્યું તે રહ્યું.

બિરલા-સહારા યાદી કે જૈન હવાલા કેસની વાત કરતે કરતે ગુજરાત મોડલની સંભારવાનું કારણ એટલું જ કે હમણે હમણે આપણે ત્યાં એક એવું વલણ ઊપસી રહ્યું છે કે વડાપ્રધાન સામેની કોઈ નાના ભષ્ટાચારની ફરિયાદ હોય તો પણ તેની તપાસ થવી જોઈએ. વડાપ્રધાન એમાંથી અક્ષત બહાર આવે તે એમને સારુ શોભીતું લેખાશે.

પણ પછી તરત, જરી જુદા અર્થમાં, કેવિયટનુમા અંદાજમાં ઉમેરવામાં આવે છે કે જે રીતે 2002ના કેસોમાંથી એ માનપૂર્વક મુક્ત થયા તે જ રીતે આમાંથી પણે એમણે વિધિવત મુક્ત થવું જોઈએ. તો, જે સવાલ છે અગાઉની રીતે મુક્ત થવા અંગે છે. ભાઈ, નાગરિક સમાજની બુનિયાદી ભાંજઘડ રસ્તો ‘અગાઉની રીત’ સાથે છે. આ જે ‘અગાઉની રીત’, તેની ધારામાં કેવાં કેવાં ખોટાં મૂલ્યો ને પ્રણાલિકાઓ સ્થપાય છે. એનો જરીક તો લિહાજ કરીએ.

ચાલુ અઠવાડિયે, કથિત મુક્તિ પછી વણઝારાની છેંતાલીસમી અભિવાદન રેલી મહેસાણામાં થઈ. અહી વણઝારા ઘટના વિશે પૂર્વે પણ ચર્ચા કરવાનું બન્યું છે. એમના વીરકર્મનું વાસ્તવ આ ક્ષણે નહીં ચર્ચતા અહીં માત્ર એમના એ લેટરબોમ્બની યાદ આપીશું જે એમણે જેલબેઠા ફોડ્યો હતો. એ પત્રમાં વિવાદાસ્પદ ને વાંધાજનક કામગીરીઓમાં રાજ્ય સરકારના મેળાપીપણાની બુલંદ સાહેદી પડેલી હતી. ગુનાઇત મેળાપીપણાના આ દોર સામે ‘બાઈજ્જત બરી’ સિલસલાને કેવી રીતે જોશું વારુ.

હશે ભાઈ, હવે વણઝારાને ચમકાવતા કેલેન્ડર માટે તૈયાર રહીશું, બીજું શું … આજે પતંગ, કાલે કેલેન્ડર.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, January 14, 2017

Loading

...102030...3,5393,5403,5413,542...3,5503,5603,570...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved