Opinion Magazine
Number of visits: 9768852
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટના બે અઠવાડિયા –

બિપિન શ્રોફ|Opinion - Opinion|6 February 2017

આ નવા વર્ષની વીસમી જાન્યુઆરીના દિવસે, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બન્યા. આજે તે હકીકતને બે અઠવાડિયા પૂરા થયા છે.

‘પુત્રના લક્ષણ પારણામાંથી’ની માફક, એક પછી એક, ટ્રમ્પનાં નિર્ણયોની અસર અમેરિકા દેશમાં તેમ જ વિશ્વ ફલક પર આંખે ઊડીને વળગે તેવી દેખાવા માંડી છે. વિશ્વ અને તેમના દેશમાં પણ, માનવ અધિકારો, લોકશાહી મૂલ્યો, અખબારી સ્વાયતત્તા, અને અમેરિકામાં પ્રવેશબંધી, વગેરે મુદ્દાઓ, બાબતે તેઓએ લીધેલા નિર્ણયોને કારણે, જાણે એકદમ રાજકીય અંધાધૂધી જેવો મોહોલ પેદા થઇ ગયો છે. તેની સામે વિશ્વના કેટલાક ખાસ દેશોએ ટ્રમ્પનાં નિર્ણયોને આવકાર્યા છે. જુદા જુદા દેશના વડાઓએ કયા કયા કારણોસર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેઓનાં નિર્ણયોને આવકાર્યાં છે, તે આપણે સમજી શકીશું તો આપણે નવા અમેરિકાના પ્રમુખને વધુ સરળતાથી ઓળખી શકીશું. તે બધાએ તો ટ્રમ્પના સૂરે નાચવાનું શરૂ કરી દીધું છે.

(૧) ફિલીલિપાઇન્સ, ઇજિપ્ત અને તૂર્કી (Turkey), − ત્રણે ય રાજયોના વડાઓએ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુટિનના ‘મૈત્રી કરાર‘ને ‘બીગ બ્રધર‘ના સંબંધો ગણીને આવકાર્યા છે. કારણ કે સ્થાનિક રીતે આ બધા દેશોના વડાઓને એવું લાગવા માંડયું છે કે માનવ અધિકાર, અખબારી સ્વાતંત્ર્ય, કાયદાના્ં શાસન તથા શરણાર્થીઓના માનવીય હિતોનાં ઉલ્લંઘનના મુદ્દે તે એકલા જ નથી.

(૨) કમ્બોડિયાના વડા પ્રધાન એસ. હુન. સેન જેણે પોતાના દેશની પ્રજા તથા મીડિયા વગેરેને છેલ્લાં ત્રીસ કરતાં વધારે વર્ષોથી લોખંડની બેડી નીચે ગુલામ રાખ્યો છે, તેણે ટ્રમ્પને ખાસ અભિનંદન પાઠવ્યા છે.

(૩) જે પોતાની જાતને ‘યુરોપના છેલ્લા સરમુખ્તયાર તરીકે ઓળખાવે છે, તે યુરોપના નાના દેશ ‘બેલારૂસીઅન’ પ્રમુખ એલેકઝેન્ડર લુકાશેનકો જે સને ૧૯૯૪થી સત્તારૂઢ છે, તેણે ટ્રમ્પને  આવકાર્યા છે. કારણ કે પોતાના દેશની પ્રજા માટે કોઇ રાજકીય અને આર્થિક આઝાદી નામ સરખી પણ રાખી નથી. આજ પ્રકારનો હૃદયનો ઉમંગ ઝિમ્બાવેના પ્રમુખ રોબર્ટ મુગાબે, જે વર્ષોથી લશ્કરી સરમુખત્યાર છે, તેણે બતાવ્યો છે.

(૪) અરે! વિશ્વમાં સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઇન્ડોનેશિયા અને તેના પડોશી દેશ મલેશિયા જેની બહુમતી વસ્તી મુસ્લિમ છે, તે બંને દેશોએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પના મુસ્લિમ વિરોધી બાનનો વિરોધ કર્યો નથી. આ બંને દેશો માટે એ ભૂલવાની જરૂર નથી કે તે દેશોમાં માનવઅધિકારોને સતત દબાવી દઇને પોતાની સત્તાઓ ટકાવી રાખી છે. તે બંને દેશોને એમ લાગે છે કે નવા પ્રમુખ ટ્રમ્પ સાથે સારા સંબંધો રાખવાથી તેમની આપખુદશાહીને કોઇ મુશ્કેલી પડવાની નથી.

(૫) કુવૈતે એ પાંચ આરબ દેશોને વીસા નહીં આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે યુનાઇટેડ આરબ અમીરાતે ટ્રમ્પના પરદેશી વસાહતીઓના પ્રવેશબંધના નિર્ણયને આવકાર્યો છે. જે પરદેશી નિર્વાસિતો પોતાના દેશમાં પેદા થયેલા મજબૂર સંજોગોને કારણે રાજકીય આશ્રય અમેરિકમાં શોધતા હતા તે બધાનાં ભાવિ પર ઘોર નિરાશાનાં કાળાં વાદળો છવાઇ ગયાં છે.

(૬) માનવ અધિકારો માટે વૈશ્વીક સ્તરપર સૌથી આધારભૂત અને ગૌરવશાળી સંસ્થા ‘હ્યુમન રાઇટસ વોચે’, પોતાના તાજેતરના રિપોર્ટમાં, જણાવ્યું છે કે છેલ્લાં ૨૭ વર્ષના તેના ઇતિહાસમાં અમેરિકા એક રાષ્ટ્ર તરીકે માનવ અધિકારોનાં જતન અને સંવર્ધનમાં છેક તળીએ બેસી ગયું છે, જેના માટે નવા પ્રમુખ ટ્રમ્પ જવાબદાર છે. હ્યુમન રાઇટ વોચ સંસ્થાના વડા કેનેથ રોથનું તારણ છે કે ટ્રમ્પ એવું માને છે કે અમેરિકના માનવીય સ્વતંત્રતાનો વારસો, અમેરિકન નાગરિકોએ ડોનાલ્ડ ટ્રમ્પને આપેલા જનઆદેશની વિરૂદ્ધ છે. જેને કારણે તેઓએ આપેલા ચૂંટણી વચનોને અમલ કરાવવામાં મોડું થાય છે.

આવા અમેરિકન રાષ્ટ્રપ્રમુખના ફોનથી, આપણા વડા પ્રધાન ગેલમાં આવી જઇને ગૌરવ ન અનુભવે અને દેશના નાગરિકો સમક્ષ પોતાનું ગૌરવ (અહમ્‌) ન દેખાડે તો જ નવાઇ કહેવાય!

e.mail : shroffbipin@gmail.com

Loading

‘ગુપ્ત દાન’ ઉર્ફે કાળા ધનનું વિકેન્દ્રીકરણ!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 February 2017

વચ્ચે જરી ઝોલો પડતો લાગે ત્યારે કશુંક છાકો પાડતું કરીને છવાયેલા રહેવું તે વર્તમાન નેતૃત્વનો શૈલીવિશેષ છે

ગાલિબને પોતાના ‘અંદાજે બયાં ઑર’ પર ખાસ્સો નાઝ હતો. પણ આપણે તો અરુણ જેટલીના અંદાજપત્રની ચર્ચા કરવી રહે છે. જો કે આ કિસ્સામાં પણ અંદાજપત્ર બાબતે ઘાટ તો ‘બયાં ઑર’ જ છે. ચાલુ વિધાનસભા ચૂંટણીઓએ સરકારે બજેટ જાહેરાતો બાબતે ચોક્કસ જ સંયમ જાળવવો જોઈએ, પણ જે રીતે નોટબંધી કે નોટબદલી અંગે વડાપ્રધાને અગાઉ સામેથી માંગી લીધેલા દિવસો બાદ દિલખુલાસ પેશ આવવાને બદલે આંબાઆંબલીની તરજ પર ‘બયાં ઑર’નો રાહ લીધો હતો તેમ જ એમના મનની વાત અને આપણા મનની અમૂઝણ વચ્ચે વ્યાખ્યાગત ધોરણે જુવારાને વળગી રહેતા માલૂમ પડે છે એ જ રીતે ન તો રાષ્ટ્રપતિ(એટલે કે વડાપ્રધાન)ના બંને ગૃહો જોગ સંબોધનમાં અને નાણાં પ્રધાનના બજેટ વક્તવ્યમાં નોટબંધી-કાળાં નાણાં મામલે આગલાં ગર્જનતર્જનના ઉજાસમાં ‘બયાં ઑર’વાળી ન હોય ત્યારે પણ ભળતોસળતો સ્પિન આપીને બાજુએથી નીકળી જવાનો અંદાજ તો અનુભવાય જ છે.

પહેલાં નેવું/સો દિવસને અંતે ન તો નમોએ પોતે નોટબંધીથી પડેલ હાલાકી વિશે – અને નોટબંધીગત મૃત્યુદોર વિશે – દિલગીરી દાખવી, ન તો રાષ્ટ્રપતિ વાટે દિલગીરીના બે બોલનો સલામત વિવેક પણ દાખવ્યો. બીજું, કાળાં નાણાં સામેના બ્રહ્માસ્ત્ર પેઠે નોટબંધીને ઉછાળાતી હોય તો પણ હજુ સુધી ન તો આપણી પાસે એની વાસ્તવિક પ્રાપ્તિનો કોઈ ધોરણસરનો આંકડો છે, ન તો શરૂ થયા જેવી છતાં લગભગ-નહીં-શરૂ-થયેલી પ્રક્રિયા બાબતે કોઈ રોડમેપ સરકારે આપણી સામે મૂક્યો છે. જે પણ આગળની વાતું ચીતરી છે તે પેલા સામે (પણ છેટે ને છેટે) લટકતાં ગાજર જેવી કે પછી આવતી પેઢીના આંબાઆંબલીના ચિતરામણ જેવી પણ વાસ્તવમાં એમની મૃગયાની અસલિયતને છતી કરતાં મૃગજળ જેવી જ બહુધા તો છે.

આ બધાં પરથી હવે જે અનુમાન અને અવલોકન નકરો આરંભિક અંદાજ મટીને દુર્દૈવ વાસ્તવ રૂપે પ્રત્યક્ષપણે આવે છે તે એ છે કે વિમુદ્રીકરણ/વિ-ચલન (ડિમોનેટાઇઝેશન) એક આર્થિક આયોજનપૂર્વકના પગલા કરતાં વધુ તો રાજકીય દાવ હતો. આર્થિક નીતિ અને એના કાર્યાન્વયન માટે રાજકીય-શાસકીય સંકલ્પશક્તિ (પોલિટિકલ વિલ) જોઈએ છે એ બુનિયાદી અર્થમાં નહીં પણ રાજકારણી પેચપવિત્રાના અર્થમાં તે એક રાજકીય દાવ હતો અને છે. બડી બડી બાતોને ધોરણે હંકારતા રાજકારણમાં વચ્ચે જરી ઝોલો પડતો લાગે ન લાગે ત્યાં કશુંક નાટ્યાત્મક, એકદમ છાકો પાડી દેતું કરી પાડવું અને એમ છવાયેલા રહેવું તે વર્તમાન નેતૃત્વનો શૈલીવિશેષ છે.

એ રાહે આઠમી નવેમ્બરે જે વિ-ચલન જાહેરાત આવી પડી તે વસ્તુત: પોતે પ્ર-ચલનમાં રહેવા માટેનો આનર્તખેલ હતી. આ પક્રિયામાં ઊર્જિત પટેલ ગવર્નર નહીં પણ કલાર્ક બની રહે કે નીતિ આયોગના અને અન્ય અર્થશાસ્ત્રીઓ, પછી તે અરવિંદ પાનગરિયા અને અરવિંદ સુબ્રમણ્યમ હોય કે બીજા, અપ્રસ્તુત જેવા અગર તો ઉત્સર્ગોત્તર સફાઈ સિપાહી બની રહે અથવા તો ધંધાદારી ધોરણે બ્રીફબારિસ્ટરું કૂટનારા બની રહે.

અરુણ જેટલીનું તો જાણે સમજ્યા. એમને ગુજરાતમાંથી રાજ્યસભામાં બેસવાનું છે, અને ‘નોકરી’નો સવાલ છે. એટલે એમની સાથે કોઈ પૂર્વચર્ચા થઈ હતી કે નહીં એવા અપ્રસ્તુત સવાલમાં એ પડે શાના. બચાડા જીવ, અરુણ શૌરિને હતાશ (ફ્રસ્ટ્રેટેડ) કહે છે એ અર્થમાં ફ્રસ્ટેટ થવાની એમની કોઈ ગણતરી હાલ સ્વાભાવિક જ નથી. પણ જેમની પાસે વ્યાવસાયિક સજ્જતા અને સન્માન છે એ ઉચ્ચસ્તરીય લોક રઘુરામ રાજન જેવો સ્પિરિટ કેમ દાખવી નહીં શકતા હોય, એ એક ચિંતાનો મુદ્દો છે – કેમ કે પ્રશ્ન એમની અંગત નોકરીનો માત્ર નથી, જાહેર જવાબદારીનો છે.

હશે ભાઈ, એમના જેવી કોઈ વ્યાવસાયિક સજ્જતા ભલે નહીં પણ નાગરિક છેડેથી એકબે કાલાઘેલા સમજમુદ્દા તો આ ક્ષણે પાડવા જ રહે છે. એક કાળે ભા.જ.પ. છાવણીએ જેની ટીકા સૂંડલા મોંઢે કરી હતી અને પોતે આવતાંની વારમાં જેને કચરાટોપલીમાં ફેંકી દેવાના હતા તે મનરેગા માટેની રકમ અંદાજપત્રમાં અગાઉ કરતાં ખાસી વધારી દીધી છે, એ હકીકતને કેવી રીતે ઘટાવશું?

આ દેશમાં સામાન્ય માણસને છેવટે સો દિવસ વાસ્તે પણ રોજીટેકો મળી રહે તે કેટલું જરૂરી છે એ મોડે મોડે ય સમજાયું હોય તો આપણે ભા.જ.પ.ને એટલા માટે ટોણો મારવાથી પરહેજ કરીએ. બલકે, રાજીપો પણ વ્યક્ત કરીએ. પણ મનરેગા માટેની જોગવાઈ ખાસી વધારી દેવાઈ એ ઘટાનાનું રહસ્ય નોટબંધી પછીના દિવસોમાં સવિશેષ ઉકેલવા જોગ છે. જે બધી છૂટક રોજમદારીઓ છૂટી ગઈ અને ઠીક ઠીક લોક વતન પાછું ફર્યું અેને સારુ આવી જોગવાઈ દુર્નિવાર હતી અને છે.

નોટબંધીથી આવતી કાલે જે લાભ થવાનો હશે તે થશે – જો કે કેઇન્સ તો કહેશે કે લાંબે ગાળે સૌ મરે છે – પણ હમણાં તો મનરેગાના વિસ્તરણમાં ઉગાર શોધવો પડે એ નોટબંધીની ભેટ છે. જેને નેનો અને નાના ઉદ્યોગ કહેવાય છે (માઇક્રો-સ્મૉલ-મિડિયમ કહેતાં એમ.એસ.એમ.ઈ.) એમાં પાંચ ટકા જેટલી કરરાહતમાં પણ એ હકીકતનો છૂપો એકરાર પડેલો છે કે નોટબંધી આ સૌને કેવી ગ્રસી ગઈ છે.

અને કાળાં નાણાંને નાથવા વિશે તો શું કહેવું. અરુણ શૌરિ કહે છે કે તમારે જે પ્રશ્ન દેશ બહાર ઉકેલવાનો છે એને વાસ્તે તમે ઘરમાં સર્જિકલ સ્ટ્રાઈકનો ખેલ પાડી રહ્યા છો. ખેર, એ તો જે હોય તે પણ નાણાંવહેવાર કરતાં વધુ તો વકીલાતની વાતુંમાં રમેલાભમેલા અરુણ જેટલીએ આ નકો નકો જેવા અંદાજપત્રમાં એક પેરાને મથાળે ‘રાજકીય ફંડફાળામાં પારદર્શિતા’ એવો જે વરખ ચોંટાડ્યો છે તે જરી ઝીણવટથી જોવાતપાસવા જોગ છે. દેશના સર્વ રાજકીય પક્ષોનાં સિત્તેર ટકા નાણાં બેનામી ઉર્ફે અનામ સ્રોતને આભારી છે. રાજકીય પક્ષ રૂપિયા વીસ હજારના ફાળા લગી નામરૂપની ચિંતા ન કરે તે બિલકુલ કાનૂની જોગવાઈ છે. હવે એ ઘટાડીને બે હજારની કરાઈ છે. જો આ રકમ પણ અનામ રહી શકતી હોય તો એને વિશે શું કહીશું, સિવાય કે ‘ગુપ્તદાન’ ઉર્ફે કાળા ધનનું વિકેન્દ્રીકરણ!

પહેલાં તમે બેનામી લાખ રૂપિયા પાંચ પહોંચે લેતા હશો, હવે પચાસ પહોંચે લેશો, એટલું જ કે બીજું કૈં? એક વાર તમે કથિત ‘દાતા’ને અનામ રાખવાની સોઈ ઊભી કરો તો પછી રિટર્ન ભરો તો પણ શું. ન ભરો તો પણ શું. આમાં કશું નવું નથી. 1979ની એટલે જનસંઘ સહિતની જનતા જોગવાઈની રૂએ તેમ 2003ની જોગવાઈની રૂએ – આ બધું થયેલું છે. અને કાળું નાણું જેમનું તેમ કુંડળી માંડી દિવસરાત વિસ્તરતું ચપ્પટ જામતું રહેલ છે.

આ સમગ્ર પ્રક્રિયામાં ભા.જ.પ. આરંભથી અંગભૂત છે. એ ‘પાર્ટી વિથ અ ડિફરન્સ’ નથી તે નથી. એ જો પક્ષના ફંડફાળા સહિતની વિગતોને આર.ટી.આઈ.ના દાયરામાં લાવવાની પહેલચેષ્ટા કરે તો વાત બને. એ અલબત્ત અઘરું છે, કેમ કે જેઓ ચૂંટણીના મેદાનમાં અને સત્તાસંઘર્ષમાં સામસામા છે તે સૌ આવે પ્રસંગે એક જ વર્ગના બની રહે છે. તેઓ ભલે વિકલ્પના વેશમાં આવે, પણ નાગરિકની વિકલ્પશોધ એથી મંજિલ પર પહોંચે એવું ન પણ બને … ‘અંદાજે બયાં ઑર’!

સૌજન્ય : ‘વિ-ચલન, પ્ર-ચલન’, “દિવ્ય ભાસ્કર”, 04 ફેબ્રુઆરી 2017 

Loading

અમેરિકાના ભાગલા

હરનિશ જાની|Opinion - Opinion|3 February 2017

ખરેખર તો આ અમેરિકાના સમાચાર છે. પણ આજકાલ દશા એ છે કે અમેરિકા છીંક ખાય છે, અને દુનિયા આખી પોતાનું નાક લૂછે છે.

૨૦૧૭ના જાન્યુઆરીમાં  ત્રણ બનાવ બન્યા. ૧૯મી જાન્યુઆરીએ  ગુરુવારે પ્રેસિડન્ટ ઓબામાનો વ્હાઈટ હાઉસમાં છેલ્લો દિવસ હતો. બીજે દિવસે લાખો લોકોની હાજરીમાં, નવા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની શપથ વિધિ થઈ અને તેને બીજે દિવસે, શનિવારે લાખો સ્ત્રીઓ ઊમટી પડી ટ્રમ્પ સાહેબનો વિરોધ કરવા. હું પૂછું છું કે આ બધી બહેનો વોટિંગને દિવસે ક્યાં હતી ? જો હિલેરીને વોટ આપ્યો હોત, તો આજે હિલેરીબહેન ગાદી પર હોત; અને ગોરી પ્રજા – પુરુષો − દેખાવો કરવા નીકળી પડી હોત.

હવે આ દેખાવો કરવામાં એકલી સ્ત્રીઓ નહોતી. તેમાં મુસ્લિમો, આફ્રિકન અમેરિકનો (કાળા અમેરિકનો) અને બીજા ઈમિગ્રંટસ્ પણ જોડાયાં હતાં. વાત એમ છે કે પ્રેસિડન્ટ ટ્રમ્પે પોતાના ચૂંટણી ઢંઢેરામાં દરેક લઘુમતિના લોકોને ગભરાવ્યા છે. આ સ્ત્રીઓના વિરોધમાં પણ વજૂદ છે. જો ટ્રમ્પસાહેબ ભવિષ્યમાં સ્ત્રીઓના હકની સામે કોઈક પગલાં લેવા નીકળે, એના પહેલાં જ ટ્રમ્પસાહેબને વોરનિંગ આપી હોય તો સારું. ખાસ કરીને એબોર્સનના પ્રશ્નને લઈને આ પ્રદર્શનો થયા. અમેરિકન બહેનોને સહકાર આપવા લંડન, પેરીસ ને બર્લિનમાં પણ ત્યાંની સ્ત્રીઓએ  દેખાવો કર્યાં.

વરસો પહેલાં અમેરિકામાં સ્ત્રીઓનાં એબોર્સન ગેરકાયદેસર હતાં. ત્યારે બરાબર ૪૪ વરસ પહેલાં સેરાહ વેડિમ્ગ્ટન નામની ૨૬ વરસની લોયરે નોરમા મક્રોવી નામની સ્ત્રીનો કેસ લડીને સુપ્રિમ કોર્ટમાં એબોર્સનનો કેસ જીતી ગઈ, અને તે દિવસથી અમેરિકામાં એબોર્સન કાયદેસર બન્યાં. આ કેસ ‘રો વિ. વેડ”ના નામથી પ્રખ્યાત થયો.

હવે સુપ્રિમ કોર્ટમાં નવ જજ હોય છે. હાલ ડેમોક્રેટીક જજ બહુમતિમાં છે. જે એબોર્સનમાં માને છે. મતલબ કે તેઓ “પ્રો–ચોઈસ”માં માને છે. એટલે એબોર્સન કરાવવું કે નહીં તેનો નિર્ણય તે સ્ત્રી કરી શકે છે. જ્યારે ટ્રમ્પ સાહેબ એબોર્સનમાં માનતા નથી. તેમનો ક્રિશ્ચિયન ધર્મ એબોર્સનમાં માનતો નથી. એટલે તેમને સૌથી વધારે વોટ ક્રિશ્ચિયનોના મળ્યા છે. ટ્રરમ્પસાહેબ સુપ્રિમ કોર્ટમાં પોતાના વિચારોને ટેકો આપનારા જજ ને બેસાડવાની વાતો કરે છે. અને સુપ્રિમ કોર્ટની મદદથી તેને ગેરકાયદેસર બનાવવા માંગે છે. જે અમેરિકન સ્ત્રીઓને મંજૂર નથી. તેમનું કહેવું છે કે એબોર્સન કરાવવું કે ન કરાવવું એ નિર્ણય સ્ત્રીની ચોઈસ પર રહેવા દો.

બીજું કે ટ્રમ્પસાહેબ સ્ત્રીઓને હલકા–મવાલીઓ વાપરે તેવા શબ્દોથી નવાજે છે. એક જેન્ટલમેન જેવી ભાષા નથી વાપરતા.( હું જાણું છું કે આ વાતની સ્ત્રીઓને ઈલેક્સન પહેલાં ખબર હતી. તેમ છતાં હિલેરીબહેન હારી ગયાં.) બીજી બાજુ, ઓબામા પોતે લોયર હતા. પ્રોફેસર હતા. અને લેખક હતા. તેથી તેમની ભાષા પણ શિષ્ટ હતી. જ્યારે આ બિઝનેસમેન પોતાની વાત ખરી કરવા ગમે તેમ બોલે છે. ઈનાગ્યુરેશનમાં પણ મુઠ્ઠી ઉગામી ઉગામીને બોલતા હતા.

દેખાવોમાં મુસ્લિમો પણ હતા. હવે આ મુસ્લિમો ધર્મચુસ્ત પ્રજા છે. જ્યારે ટ્રમ્પસાહેબને જીતાડનાર મુખ્યત્વે ગોરા ક્રિશ્ચિયનો છે. તેઓ પણ રૂઢિચુસ્ત છે તેમને મુસ્લિમ સ્ત્રીઓનાં બુરખા કે માથે બંધાતાં હિજાબ ગમતાં નથી. એટલું જ નહીં પણ પોતાની નોકરીમાં મુસ્લિમોને દિવસમાં પાંચ વાર નમાઝનો સમય ફાળવવો ગોરા સુપરવાઈઝરને અઘરો લાગે છે. તે ઓછું હોય તેમ જગતના બધા આતંકના હુમલામાં મુસ્લિમોના હાથ છે, એમ ટ્રમ્પ અને તેમના ટેકેદાર ગોરાઓ માને છે. એટલે હવે ગામે ગામ રહેતા ગોરા પુરુષો મુસ્લિમોને રંજાડે છે.

મુસ્લિમો એટલે બ્રાઉન ચામડીવાળી પ્રજા. એટલે તેમાં ભારતીય કોમ પણ આવી જાય. એટલે આ દેખાવોમાં ભારતીયો અને મેક્સિકનો પણ જોડાયા હતા. ઓબામાએ બે વરસમાં ૧૦,૦૦૦  સીરિયન રિફ્યુજીને લેવાનું વચન આપ્યું હતું, તેને ગાદી પર બેઠા પછી ત્રીજે દિવસે ટૃમ્પસાહેબે ફતવો બહાર પાડયો કે મિડલ ઈસ્ટના, સીરિયા, ઈરાક, ઈરાન, સોમાલિયા, સુદાન વગેરે દેશોના  નિરાશ્રિતો – રિફ્યુજીને અમેરિકામાં પ્રવેશવા દેવામાં નહીં આવે. એટલું જ નહીં, પણ બીજા દેશોના નવા ઈમિગ્રંટસને પણ ખૂબ ચકાસણી પછી લેવામાં આવશે. ‘મેક અમેરિકા સેફ અગેઈન”.

આ બધી વાતોથી ને બધા ઈમિગ્રંટ્સ ગભરાઈને દેખાવો કરવામાં જોડાયા છે. હજુ તો રાજ્યાભિષેકને અઠવાડિયું થયું છે, અને જાહેર કરી દીધું કે ગેરકાયદેસર ઘુસી આવેલા ઈમિગ્રંટ્સને પકડી પકડીને કાઢી મુકાશે.

હવે આ વાત કયા અમેરિકનને ન ગમે? ગોરા કે કાળા બધા ટ્રમ્પસાહેબને  ટેકો  આપવા દોડ્યા છે. પરંતુ તેમને ભાન નથી કે ઈમિગ્રંટ્સ સિવાય આ દેશ એક દિવસ ન ટકે. (પણ આ વાત ગેરકાયદેસર ઈમિગ્રંટ્સનીછે.) વસ્તુ એમ છે કે રિપબ્લિકનો કહે છે કે આ ગેરકાયદેસર ઈમિગ્રંટ્સને રોકવા ડેમોક્રેટ્સે (ઓબામા–હિલેરીની પાર્ટી ) તેમણે ચૂંટણી પહેલાં અમેરિકા અને મેક્સિકો વચ્ચેની બોર્ડર પર દિવાલ બાંધવાની વાત કરી છે.

તો તે માટે પણ તેમણે પહેલા અઠવાડિયામાં તે વાત ચાલુ કરી દીધી છે. હવે જોવાનું એ છે કે દિવાલ ક્યારે બંધાશે. હકીકત એ છે કે ટ્રમ્પસાહેબ દિવાલ બાંધશે તો મેક્સિકનો સુરંગ બાંધશે. ઈમિગ્રંટ્સની આટલી બધી વાતો પછી નવાઈની વાત એ છે કે ભારતીય મા બાપને ત્યાં જન્મેલા નમ્રતા રંધવા – નિકી હેલી – જે સાઉથ કેરોલીનાનાં ગવર્નર હતાં તેને, એક સ્ત્રીને,  ટ્રમ્પ સાહેબે પોતાની કેબિનેટમાં લઈ અને યુનાઈટેડ નેશન્સમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવા મોકલ્યાં.

બીજી બાજુ પ્રેસિડન્ટ ઓબામાએ તેમના છેલ્લા દિવસે, ૩૩૫ કેદીઓને છોડી મુક્યા. આખો દિવસ કામ કરીને ડ્રગ્ઝ–હેરોઈન વેચવાવાળા અને ઉપયોગ કરવાવાળા પકડાયેલા ગુનેગારોના કેસ તેમણે પોતે તપાસીને પોતાની સત્તા વાપરી જે લોકો વરસોથી જેલમાં હતા. તેમની સજા પૂરી થઈ ગણીને જવા દીધા હતા.

હાલ, ટ્રમ્પસાહેબ દેશને કઈ દિશામાં લઈ જાય છે તે કોઈ કહી ન શકે. હા. તેમ છતાં ભારતને માટે તે એક મિત્ર સાબિત થઈ શકે. કારણ કે આપણા મોદીસાહેબ તેમને ગમે છે. અને મોદીસાહેબને ફોન કરે છે. અને મોદીજી  તેમને પોલિટીક્સનાં લેશન આપે છે.

કદાચ ટ્રમ્પસાહેબે મોદીજીની વાત શીખી લીધી છે. “મેક અમેરિકા – બાય અમેરિકન.” –

૧લી ફેબ્રુઆરી ૨૦૧૭

(“ગુજરાત મિત્ર”માં આવતી લેખકની ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ કોલમ)             

E mail- harnishjani5@gmail.com

Loading

...102030...3,5253,5263,5273,528...3,5403,5503,560...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved