વિવિધ રાષ્ટ્રોમાં મહિલા નેતૃત્વ કાં તો પહેલીવારનું હોય છે અથવા બહુ બહુ તો બીજી વારનું હોય છે. પછી ભલેને એ દેશ ગમે એટલો ઉદારમતવાદી કે સ્વતંત્ર માનસિકતા હોવાના દાવા કરતો હોય.
અમેરિકામાં પ્રેસિડન્ટની રેસમાં હિલેરી ક્લિન્ટન છે, જર્મનીનાં ચાન્સેલર એંજેલા માર્કેલે તેમની કામગીરીથી લોકોને પ્રભાવિત કર્યાં છે અને હવે બ્રિટનમાં ટેરીસા મેએ વડાં પ્રધાનનું પદ સંભાળ્યું છે. જો હિલેરી ક્લિન્ટનના હાથમાં અમેરિકાની સત્તા આવશે તો પહેલીવાર મહાસત્તા ગણાતા દેશની ધૂરા કોઈ મહિલા સંભાળશે.
દુનિયા આખીમાં મહિલાઓ રાજકારણમાં હરણફાળ ભરી રહી છે અને રાજકીય-સામાજિક પરિવર્તનોમાં સિંહફાળો આપી રહી છે. એર્ના સોલબર્ગ નોર્વેનાં વડાંપ્રધાન છે તો શેખ હસીના બંગ્લાદેશ જેવાં સંવેદનશીલ દેશનાં વડાં પ્રધાનપદ પર બેઠાં છે. નાંબિયામાં સારા ક્યુંગોંન્જેલવે વડાંપ્રધાન છે તો બ્રાઝીલનાં પ્રેસિડન્ટ તરીકે ડેલ્મા રોસેફ છે, સેન મરિનોનાં કેપ્ટન રેજન્ટનું પદ લૉરેલા સ્ટેફાનેલી સંભાળે છે અને જમાઇકામાં પોર્ટિયા સિમ્પસન-મિલર વડાંપ્રધાન છે. બેનઝીર ભુટ્ટોને પણ પ્રખર અને મજબુત રાજકારણી ગણવામાં આવતાં. આજે પણ ભારતમાં વડાં પ્રધાનોના તવારીખ પર નજર જાય તો ઇંિદરા ગાંધી પહેલાં મહિલા વડાં પ્રધાન બન્યાં એવી વાત ચોક્કસ થાય. મહિલાઓએ કશું પણ સર કરવામાં બાકી નથી રાખ્યું પણ અફસોસ કે કોઈ દેશના રાજકારણમાં ટોચ પર પહોંચે ત્યારે એમની સાથે પહેલાં મહિલા કે બીજા મહિલા વડાંનું ટેગ ચોક્કસ હોય છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે મહિલાઓને ટોચ પર પહોંચવામાં તકલીફ તો પડે જ છે અને માટે જ આટલાં વર્ષોના ઇતિહાસ ધરાવતાં વિવિધ રાષ્ટ્રોમાં મહિલા નેતૃત્વ કાં તો પહેલીવારનું હોય છે અથવા બહુ બહુ તો બીજી વારનું હોય છે. પછી ભલેને એ દેશ ગમે એટલો ઉદારમતવાદી કે સ્વતંત્ર માનસિકતા હોવાના દાવા કરતો હોય.
સાધારણ રીતે એમ મનાતું હોય છે કે રાજકારણ મહિલાઓ માટેનું ક્ષેત્ર નથી પણ એની સામે વિરોધાભાસ એ ખડો થતો હોય છે કે ઘણાં રાષ્ટ્રોમાં મતદારો મહિલાઓને પોતાનાં નેતા તરીકે પસંદ કરતાં હોય છે. નેતૃત્વને મામલે સ્ત્રી અને પુરુષ ઉમેદવારની પસંદગીને લઈને અમેરિકાનાં પ્યુ રિસર્ચ સેન્ટરે કરેલાં સર્વે અનુસાર મહિલા નેતા, પુરુષ નેતાની સરખામણીએ વધારે પ્રામાણિક, બુદ્ધિશાળી અને સંવેદનશીલ હોય છે. જો કે બંન્ને જેન્ડર્સ પ્રશ્નોના ઉકેલને મામલે પણ અલગ રીતે કામ પાર પાડે છે. મહિલાઓમાં જે આત્મસૂઝ હોય છે તે પુરુષોમાં નથી જોવા મળતી તો એની સામે પુરુષોનું જોમ-એગ્રેશન ક્યારેક બૉડી લેંગ્વેજમાં તો ક્યારેક શબ્દોમાં દેખાઈ આવે છે. મહિલા રાજકારણી ગમા-અણગમા જરૂર ન પડે ત્યાં સુધી છતાં નથી કરતાં અને સિફતથી પોતાનાં કામને વળગી રહેતાં હોય છે.
ગયા અઠવાડિયે એક મજાની ઘટના બની. આટલા બધા રાજકીય કોલાહલ વચ્ચે એ પ્રસંગ જે રીતે પાર પડ્યો એ ખરેખર પ્રસંશનીય છે. બ્રિટનનાં પ્રધાનમંત્રી ડેવિડ કેમેરુન પોતાની કાર લઈને બકિંગહામ પેલેસમાં ગયા અને કલાકમાં તો એ જ પરિસરમાંથી ટેરીસા મે બ્રિટનનાં નવાં વડાપ્રધાન તરીકે ડાઉનિંગ સ્ટ્રીટ તરફ ગયાં.
ટેરીસા મેએ બ્રિટનનું વડાપ્રધાન પદ નાજુક સંજોગોમાં સંભાળ્યું છે. એમને અનેક પ્રશ્નો અને સંજોગોનો સામનો કરવાનો છે. ડેવિડ કેમેરુનની સરકારમાં તે ગૃહમંત્રીનો કાર્યભાર સંભાળતા હતાં. બ્રેક્ઝિટનાં પરિણામે ડેવિડ કેમેરુનને છ વર્ષથી સંભાળી રાખેલું તેમનું પદ છોડવું પડ્યું. ટેરીસા મેની સરખામણી જર્મનીનાં એંજેલા માર્કેલ સાથે કરવામાં આવે છે. ટેરીસા કૃતનિશ્ચયી છે, સ્પષ્ટ વક્તા છે અને બોલ્ડ નિર્ણયો લેવા માટે પ્રખ્યાત છે. ભૂતકાળમાં તેમણે સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાથી માંડીને અબોર્શન કરાવવા માટેની લિગલ સમયમર્યાદામાં પરિવર્તન જેવાં નિર્ણયો લીધાં છે.
બ્રેક્ઝિટને પગલાં વડાંપ્રધાન બનેલાં ટેરીસા રાષ્ટ્ર માટે નવો ચહેરો અને નવું નામ ચોક્કસ છે. પંરતુ બદનસીબે ટેરીસાએ બધાં જ જૂનાં અને પેચિદા પ્રશ્નો ઉકેલવાનાં છે અને એ પણ લગભગ અસ્થાઈ કહી શકાય એવી આર્થિક સ્થિતિમાં. યુરોપ એમને માટે નહીં રુઝાયેલા ઘા જેવી સ્થિતિ સર્જશે. ટેરીસા માટે સૌથી મોટો પડકાર બ્રેક્ઝિટનાં વાટાઘાટ છે કારણ કે જો એમાં કશું પણ કાચું કપાશે તો ધીમાં પડી ગયેલાં અર્થતંત્રને પડી ભાંગતા વાર નહીં લાગે. આ ઉપરાંત નેશનલ હેલ્થ સર્વિસ, કાઉન્સિલનાં બજેટ્સ અને શાળાઓનાં પ્રશ્નો પણ એટલા જ મહત્ત્વનાં પ્રશ્નો છે. કશું પણ નવું કરતાં પહેલાં આ બધું વ્યવસ્થિત કરવાની મોટી જવાબદારી ટેરીસા મેને માથે છે.
26 વર્ષ પહેલાં માર્ગારેટ થેચરે નંબર 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશ મેળવ્યો હતો. બ્રિટનનાં પહેલાં મહિલા વડાં પ્રધાન પછી ટેરીસા મે એ એ જ સ્થળેથી પૂરા આત્મવિશ્વાસથી વાત કરી કે તે કઈ રીતે ઇ.યુ.થી છૂટાં પડેલાં બ્રિટનને વધારે મજબૂત અને સક્ષમ રાષ્ટ્ર બનાવવાની દિશામાં કામ કરવા મક્કમ છે. વળી તેમણે સર્વાંગી પ્રગતિની વાત પણ કરી. કહી શકાય કે અત્યાર સુધી કન્ઝર્વેટીવ પાર્ટીનાં જેટલાં પણ વડાં આવ્યાં છે તેમની સરખામણીએ ટેરીસા મેનું વિધાન ઘણું બોલ્ડ છે. ટેરીસા મેની આ શૈલી અને શબ્દો એની સાબિતી છે કે વર્ષો સુધી હોમ સેક્રેટરીનું પદ સંભાળનારા ટેરીસા અત્યારનાં નાજુક સંજોગોમાં વડા પ્રધાનનાં પદ માટે કદાચ સૌથી શ્રેષ્ઠ ઉમેદવાર સાબિત થશે. તે ઇ.યુ.થી છૂટા પડવાના મતમાં ન હતાં પણ તેમણે પોતાના વક્તવ્યમાં સ્પષ્ટ કહ્યું, ‘બ્રેક્ઝિટ મિન્સ બ્રેક્ઝિટ’. જો કે તેમણે કોઈ ચોખવટ ન કરી કે યુરોપિયન યુનિયનની ટ્રીટીના આર્ટિકલ 50 પર બ્રિટન અપીલ કરશે. એમને માથે કોમન માર્કેટની નીતિ ઘડવાની પણ જવાબદારી છે જેમાં બ્રિટીશ પેઢીઓ તથા ઇ.યુ.ની સાથેનો બિઝનેસ પણ સરળતાથી ચાલી શકે છતાં ય યુરોપ તરફથી માઇગ્રન્ટ્સની સંખ્યા પર મર્યાદાઓ લાધેલી હોય.
સ્વભાવિક છે કે બ્રિટનની રાજકીય ફલક પર બ્રેક્ઝિટને કારણે આગામી વર્ષોમાં ઘેરો પ્રભાવ પડશે. ટેરીસા મે શહેરની આર્થિક સ્થિરતા પર ઘણું ધ્યાન આપવું પડશે. તેમણે પોતાની વાતમાં કહ્યું કે યુનિયનને અસર ન થાય તે રીતે ઇ.યુ. મેમ્બરશીપનાં બધાં જ લાભ સ્કોટલેન્ડને મળી શકે અને વધુમાં વધુ લોકોને ઇ.યુ. મેમ્બરશીપનો લાભ મળે તે માટે તેઓ કામ કરશે. ટેરીસા મે ઐક્યમાં માનનારા વડાપ્રધાનની છબી રચે છે. તેઓ હોમ ફ્રંટ પણ અનેક એવી નીતિ ઘડવા માંગે છે જેની અસર શિક્ષણ માટેનાં વધુ વિકલ્પોથી માંડીને સરળ આર્થિક નીતિઓ હશે.
રાષ્ટ્રો યુનિયન્સમાંથી છૂટાં પડે પછીનાં સંજોગો પેચીદાં હોય છે. આર્થિક, સામાજિક અને રાજકીય દ્રષ્ટિએ થતી હલચલ સપાટી પર જેટલી લાગે છે એનાં કરતાં ઘણી વધારે આંતરિક સ્તરે થતી હોય છે. ભારત જ્યારે આઝાદ થયો પછી સરદાર પટેલે રજવાડાંઓને એક કરવાની જવાબદારી માથે લીધી અને સુપેરે નિભાવી પણ આજે ય વિવિધતામાં એકતા વાળા આ રાષ્ટ્રની ધૂરા સંભાળનારા ગોઠીમડાં તો ખાય જ છે. ઘણીવાર ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ વગેરે જો એક રાષ્ટ્ર થઇ જાય તો શું ની ચર્ચાઓ પણ થઈ ચૂકી છે. યુટોપિયન હોવા છતાં પહેલી દ્રષ્ટિએ સારી લાગે એવી આ સ્થિતિઓ ખરેખર આસાન નથી હતી. નેતૃત્વ માટે નીતિથી માંડીને કામ કરવાની પદ્ધતિ સાથેનાં એડજેસ્ટમેન્ટ આકરાં હોય છે. ઘરમાં એક માણસ નવું આવે તો લોકોને ગોઠવાતાં વાર લાગતી હોય છે ત્યારે આ તો મોટાં મસ રાષ્ટ્રોની વાત છે.
બાય ધી વેઃ
ટેરીસા મે પડકારોને સારી રીતે સંભાળી શકશે એવી આશા દરેક બ્રિટીશને છે. એમણે જે રીતે અગત્યનાં પદ પર મહિલાઓની નિયુક્તી કરી છે તે જ બતાડે છે કે એમણે ડેવિડ કેમેરુનની માફક પાઈપલાઇનમાં શક્તિશાળી મહિલાઓને સાંચવી હતી. પદ સભાળવા માટેની આવડત અને અનુભવ ધરાવતી મહિલાઓ જેમ કે એમ્બર રડ, જસ્ટિન ગ્રિનિંગ અને ટેરેસા વિલિર્સ જેવાં કેબિનેટ મિનિસ્ટર્સ હોય ત્યારે ટેરીસા મે મહિલાઓ દ્વારા કેવું તંત્ર ચલાવી શકાય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત કરી શકશે એમ કહી શકાય. સ્ત્રીઓ કેબિનેટમાં અગત્યનાં પદ સંભાળે તો શું શું થઇ શકે છે એનાં ઉદાહરણો તો આપણે ભારતમાં પણ જોઈએ છીએ.
હા પણ છતાં ય પેલા વોટ્સઅપ મેસેજને કારણે વિચાર આવે કે કોઈની છોકરીની ચોપડી લઈને એને સિલાઈ મશીન તો ન જ પકડાવાય, એ કંઈ પ્રગતિની નિશાની નથી.
સૌજન્ય : Bahushrut, 17 July, 2016, Sunday, “The Gujarat Mitra”
https://www.facebook.com/chirantana.bhatt/posts/1041598935895115
![]()


“હોરમજદની મદદથી આ પુસ્તકનું એક દફતર અતરે ખતમ થયું છે. એ દફતર ૧૦ વર્ષે છપાઈ તથા ૧૭ વર્ષે રચાઈ તૈયાર થયું છે, અને એ પર મેં મારી જિંદગીનો મોટો તથા જવાનીનો બધો વખત રોક્યો છે. એ રોકેલો વખત તથા લીધેલી મહેનત મારી કોમને ઉપ્યોગી થઇ પડી છે એમ જો મારા વાચનારાઓ ધારે તો મારા દીલમાંની મોરાદ અને મહેનતનો બદલો પામી ચુકો છું, એવો હું સંતોષ લઈશ.” ૧૮૮૮ના સપ્ટેમ્બરની ૧૭મી તારીખે આ શબ્દો લખાયા હતા. લખનાર હતા બહમનજી બેહરાંમજી પટેલ.
એ વળી કોણ? તમે પૂછશો. કારણ ગુજરાતી સાહિત્યના ઈતિહાસ, વિવેચન, કે સંદર્ભનું કોઈ પણ પુસ્તક જોઈ જાવ. આ બહમનજીનું નામ નિશાન ક્યાં ય જોવા નહિ મળે. જો એક વાક્યમાં ઓળખ આપવી હોય તો ‘પારસી પ્રકાશ’ નામના દળદાર ગ્રંથના બનાવનાર. જેને અંતે આ શબ્દો છપાયા છે તે પહેલું દફતર (એટલે કે પહેલો ખંડ) ૧૦૬૮ પાનાનું છે, અને તે ય મોટા કદનાં, બે કોલમમાં છાપેલાં પાનાં. એ જમાનાના ચાલ પ્રમાણે (નર્મકોશ અને નર્મ કવિતા જેવાં નર્મદનાં પુસ્તકો પણ આ રીતે પ્રગટ થયેલાં.) પહેલાં ૧૮૭૮થી ૧૮૮૮૮ સુધીમાં પારસી પ્રકાશના ૧૧ ભાગ પ્રગટ થયેલા અને પછી ૧૮૮૮માં એ બધા ભાગ એક પુસ્તકમાં પહેલા દફતર તરીકે પ્રગટ થયેલા. તેવી જ રીતે બીજું દફતર પણ પહેલાં આઠ ભાગમાં છપાયું અને પછી ૧૯૧૦માં એક પુસ્તક રૂપે સુલભ થયું. ૧૮૬૦થી ૧૮૮૦ના વીસ વર્ષના ગાળાને સમાવતા આ બીજા દફતરનું પ્રકાશન બહમનજીનાં બહેન દીનબાઈ બહેરામજી પટેલે કર્યું હતું. કારણ ૧૯૦૮ના સપ્ટેમ્બરની નવમી તારીખે બહમનજી બેહસ્તનશીન થયા હતા.
ત્રીજા દફતરની ઘણી સામગ્રી પણ બહમનજીએ તૈયાર તો કરી રાખી હતી, પણ તેને વ્યવસ્થિત પુસ્તકનું રૂપ આપવાનું તેમનાથી બની શક્યું નહોતું. એ કામ કર્યું બહમનજીના મિત્ર, બોમ્બે હાઈ કોર્ટના વકીલ, રુસ્તમ બરજોરજી પેમાસ્તરે. આ દફ્તર પણ ૧૯૨૦માં ગ્રંથ રૂપે છપાતાં પહેલાં ૧૧ ભાગમાં પ્રગટ થયું હતું. તેમાં ૧૮૮૧થી ૧૯૦૦ સુધીની તવારીખ આપી છે. પ્રસ્તાવનામાં પેમાસ્તર જણાવે છે કે આ દફતર માટેની કેટલીક નોંધો પણ બહમનજી તૈયાર કરી ગયા હતા તેમાં સુધારા વધારા કરીને પોતે અહીં રજૂ કરી છે. અલબત્ત, પોતાને યોગ્ય લાગ્યા તેવા કેટલાક ફેરફાર પણ તેમણે સામગ્રીની પસંદગી અને રજૂઆતમાં કર્યા છે. પારસી પ્રકાશનાં કુલ દસ દફતર પ્રગટ થયાં હોવાની માહિતી આ લખનારને મળી છે. દસમું દફતર ૧૯૬૧-૬૨ના વર્ષ આગળ આવીને અટકે છે. પણ ત્રીજા દફતર પછીના ભાગો એક પછી એક આછા અને ઉપરછલ્લા થતા ગયા. સંદર્ભ માટેનાં સાધનો તો વીસમી સદીમાં વધતાં ચાલ્યાં હતાં, પણ તેનો સૂઝ અને સમજ પૂર્વક ઉપયોગ કરી શકે તેવા, બહમનજી જેવા સંપાદકો પછીથી મળ્યા નહિ.
પારસી પ્રકાશની એક મુશ્કેલી છે તેમાંની ઢગલાબંધ સામગ્રી. છાપાંઓ, ચોપાનિયાં વગેરેમાંથી જે માહિતી મળી તેમાંથી શું લેવું અને શું જતું કરવું તેનો ઝાઝો વિચાર બહમનજીએ અને પેમાસ્તરે કર્યો નથી. પરિણામે જેનું દસ્તાવેજી મૂલ્ય નહીંવત્ હોય તેવું ઘણું અહીં છે, અને તેમાંથી જરૂરી અને ઉપયોગી સામગ્રી તારવવાનું કામ મહેનત માગી લે તેવું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આ અંગે ટકોર કરતાં લખ્યું હતું: