કૉંગ્રેસ સરકારે આ મુદ્દે ઊગમણીઆઠમણી કરી તે રાષ્ટૃવાદની જનદ્રોહી હોડ નથી તો શું છે?
કરફ્યૂના પચાસ દિવસને છેડે, દિલ્હી-કાશ્મીર બોગદામાં પ્રકાશનું કિરણ વરતાય છે? ‘હા’ અને ‘ના’.
ભાઈ, ‘હા’ એટલા વાસ્તે કે ગૃહમંત્રી રાજનાથ સિંહે શ્રીનગરની મુલાકાત – મહિનામાં બીજી વારકી – આટોપતાં પેલેટ ગનના તત્કાળ વિકલ્પની તેમ જ સૂચિત સર્વપક્ષીય મુલાકાતની જિકર આગ્રહપૂર્વક કરી છે. ‘હા’ એટલા માટે કે ચાલુ અઠવાડિયું બેસતે કાશ્મીરના વિપક્ષી પ્રતિનિધિ મંડળમાંથી કોઈકે કરેલ ટીકાટિપ્પણના પ્રતિભાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોઈ પણ પક્ષે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કાશ્મીર(ની ગાય)નું દોહન કરવું જોઈએ નહીં. હું મારા પક્ષને આ વાત કરીશ.
છતાં, ‘ના’ એટલા માટે કે આ જ દિવસોમાં પક્ષના કોર ગ્રુપ સાથે વાત કરતી વેળાએ વડાપ્રધાને વળી ‘નેશન ફર્સ્ટ’નું સૂત્ર આગામી ચૂંટણીઓને અનુલક્ષીને આગળ કરવા ધાર્યું છે. ‘ના’ ખાસ તો એટલા વાસ્તે પણ કે વડાપ્રધાનના ‘પોલિટિકલ ડબલ’ કે ‘ઑલ્ટર ઇગો’, જે કહો તે પક્ષપ્રમુખ અમિત શાહને પોતીકી તરેહના રાષ્ટ્રવાદ ને રાષ્ટ્રહિતની મૂર્છા વળતી નથી અને સર્વ સ્તરે ‘હમ સે જો ટકરાયેગા’ની ભાષામાં, પોતાની વિશેષ શૈલીમાં પેશ આવે છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ બુરહાન વાની ઘટના પછીના હિંસક દોર અને 2010ના હિંસક દોર વચ્ચે વિવેક કરી, કાશ્મીરનાં પાંચ ટકા તત્ત્વોને બાકીનાં પંચાણુ ટકા પર હાવી ન થવા દેવાનું કહ્યું તે ઠીક જ છે. મુખ્યમંત્રી સ્તરેથી આવી સાફ સમજૂતી હજુ વહેલી અપેક્ષિત હતી. રાજનાથસિંહે જખમ-મલમી પણ ઠીક કરી કે કોઈ નાગરિક (સિવિલિયન) મરે કે ફોજી, એ દેશ આખાને સારુ વેદનાનો વિષય છે.
સવાલ એ છે કે દેશની મારી-તમારી-એમની સમજ શું છે? ધર્મકોમી ચર્ચા તો ખેર છોડો, પણ ‘નેશન (સ્ટેટ) ફર્સ્ટ’ની ધોરણસરની વ્યાખ્યાસફાઈ તો કરી જાણો, મારા ભૈ! હમણેની કર્ફ્યુપચાસીમાં અધઝાઝેરા દિવસો તો એ સમજતાં થયા કે પથ્થર મારનારાઓ (ભલે તેઓ ‘સત્યાગ્રહી’ નથી, પણ) આપણા જ સાથી નાગરિક છે, કોઈ બહારી તત્ત્વ નથી. સત્તાવાર સ્તરે કોઈક તબક્કે આ વાનું પકડાયું હોય તો પણ નીચે લગી તે ઝમ્યું છે ખરું?
નમૂના દાખલ, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ-ઇન્ડિયાની બેંગલુરુ ઘટના તપાસો.
જમ્મુ-કાશ્મીરમાં નાગરિક અધિકાર ધ્વંસ વિશે એણે ગોઠવેલી ચર્ચામાં કોઈક ખૂણેથી ‘આઝાદી’ના પોકારો થયા. સંઘ પરિવારની સંસ્થાઓ માટે આ તરત જ રાજદ્રોહ-દેશદ્રોહની બાબત બની ગઈ. એમણે આ મુદ્દે અદાલતમાં જવામાં રાષ્ટ્રધર્મ જોયો. એમ્નેસ્ટીએ દેશમાં કટોકટીરાજથી માંડીને હાલના ‘ઇસ્લામિક સ્ટેટ’ ઉપાડા સુધ્ધાં બધો વખત સંચિત નિસબત સાથે બોલવું પસંદ કર્યું છે. ‘આઝાદી’ના પોકારો પોતે કરીને કોઈ ગુનો નથી બનતો, સિવાય કે એની સાથે હિંસાત્મક સંડોવણી હોય.
કર્ણાટકમાં કૉંગ્રેસ સરકારે આ મુદ્દે જે ઊગમણીઆથમણી કરી તે પણ, એમ તો, આપણા રાજકીય અગ્રવર્ગમાં પરસ્પરસ્પર્ધી રાષ્ટ્રવાદની જે જનદ્રોહી હોડ મચી છે એનો જ એક દાખલો નથી તો શું છે …. શું કહીશું આને પરસ્પરસ્પર્ધી કોમવાદનો એક અણચિંતવ્યો મુકામ? જમ્મુ-કાશ્મીરમાં માનવ અધિકારોની દયનીય દુર્દશા વિશે આ દિવસોમાં દેશજનતાનું ધ્યાન ખેંચવા માટે ખરેખર તો વર્તમાન સત્તા-પ્રતિષ્ઠાને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનો આભાર માનવો જોઈએ, કેમ કે ત્યાં ભાજપે પી.ડી.પી. સાથે સરકાર રચી મડાગાંઠ ઉકેલવાની જે કોશિશ હાથ ધરી છે તેમાં એ ઉપયોગી થઈ પડે એમ છે.
પોતે સતત જેની ટીકા કરી હતી કે ‘અલગતાવાદી’ (એથી રાષ્ટ્રવિરોધી) તત્ત્વો સાથે સરકાર રચીને વડાપ્રધાને રાષ્ટ્રવાદના પોતાના ડાબલા અને દામણા બાબતે કંઇક પુનર્વિચારનો સંકેત આપીને રાષ્ટ્રને ભૌગોલિક મૂર્તતા અને ભાવનાત્મક અમૂર્તતાના કોચલાની બહાર કાઢી જે એક લોકપરક અભિગમ ભણી સંભવિત ગુંજાશ દાખવી છે એ કેવળ સત્તાસ્વાર્થી ગણતરી કરતાં આગળ ન જ જઈ શકે એમ નથી. જો કે એ નૈતિક સાહસ અને નિર્મમ જાતતપાસ સહિતનો સમજનો ઈલાકો છે એટલે આ તબક્કે આપણે વધુ આશા રાખવા માટે કારણ નયે હોય.
પણ વાત આપણે બેંગલુરુ બીનાની કરતા હતા. વાજપેયીએ જમ્હુરિયત ઇન્સાનિયત અને કાશ્મીરિયતનો જે અભિગમ (નરસિંહરાવના શબ્દોમાં ‘એની થિંગ લેસ ધેન આઝાદી’) દાખવવા ઈચ્છ્યો હતો એનું વડાપ્રધાને હમણાં થોડા દિવસો પર પુન:આવાહન કર્યું હતું. આ અભિગમ તહેદિલથી લઈ શકાય તે માટે સત્તાપ્રતિષ્ઠાનને આત્મખોજની સામગ્રી મળી રહે એવી વિગતો બેંગલુરુ આયોજનમાં પડેલી હતી. એમ્નેસ્ટી-ભારતના મુખ્ય પ્રતિનિધિ આકાર પટેલે (‘દિવ્ય ભાસ્કર’ના વાચકોને આ નામ અજાણ્યું ન હોવું જોઈએ) કહ્યું છે કે છેક 1989થી જમ્મુ-કાશ્મીર પોલીસ ત્યાં કાર્યરત લશ્કરી જવાનોની અણછાજતી હરકતો બાબત એફ.આઇ.આર. નોંધતી રહી છે. એફ.આઇ.આર.નો આ અંબાર આખો કેન્દ્ર સરકારે (એન.ડી.એ./યુ.પી.એ. સૌએ) આજ લગી અણદેખ્યો કર્યો છે. પરિણામે, વકરતી હિંસા અને અલગાવને રોકવાનો માહોલ બનવા આડે રૂકાવટ જારી છે.
મુદ્દે, ‘સૈંયા ભયે કોતવાલ’ તરેહના (ભલે ‘શમા’ વગરના) પરવાનાના દોરમાં અને ‘મોરલ પોલીસ’ને નાતે મુમુક્ષુ હોવાના વહેમમાં ચુકાતો વિવેક અને ઓળંગાતી મર્યાદા દેશને રાગે પડવા દેવા બાબતે જે અવરોધો સરજે છે, તે પોતે જે ડાળ પર બેઠા હોય એને કાપવાની કે રાજાનું નાક વાઢી એને માખીમુક્ત કરવાની દિશામાં છે. પૂર્વ અભિનેત્રી રમ્યા સામેની રાજદ્રોહી જેહાદ જુઓ.
પાકિસ્તાનની મુલાકાત (ત્યાંના નાગરિકોનો અચ્છો પ્રતિસાદ જોતાં) કોઈ નરકની મુલાકાત લેવા બરોબર નથી એવી રમ્યાની રોકડી ને હૃદ્ય રજૂઆતથી દેશભક્ત ‘મોરલ પોલીસ’ એકદમ પડમાં પધારી કેસ દાખલ કરવા તડેપેંગડે માલૂમ પડે છે. આજે (શનિવારે) અદાલત આવો કોઈ કેસ દાખલ કરી શકાશે કે નહીં તે કદાચ નક્કી કરશે, પણ જે વાનું આપણા રાજકીય અગ્રવર્ગના સ્વવિવેકે કરીને સ્વયં ઉકેલનું હોવું જોઈએ તે ટાંકાટેભાતોડ કાનૂની કસરત અને જાહેર હરકતથી પરહેજ ન કરી શકે, તો સ્વરાજસિત્તેરીના સરવૈયે શું કહીશું.
રમ્યા સાર્ક પ્રતિનિધિ મંડળને નાતે પાકિસ્તાનની મુલાકાતે ગયાં હતાં. અફઘાનિસ્તાનથી પાછા ફરતાં, ‘હાલો ને ચા પીતા જંઈ’ એવી આઉટ ઑફ ધ બૉક્સ શુભ ચેષ્ટા સાથે નમો નવાઝ શરીફને ત્યાં પરબારા લાંગર્યા હતા એના વિધિવત્ મેળમાં આ સાર્ક પહેલ હતી અને છે. ભા.જ.પ., અ.ભા.વિ.પ. અને અન્ય સંઘ પરિવારીઓને આ મુદ્દે કોઈ કદરબૂજ જ નથી? સાધ્વી ઋતંભરાએ વાજપેયીને ‘આધા કૉંગ્રેસી’ કહીને પોતાનું જે માપ આપ્યું હતું તેનાં બારપંદર વરસે પણ આ પરિવારને ‘જૈસે થે’ જ સદી ગયું છે? સાધ્વી પ્રાચીએ નવી સરકાર બેસતે ‘રામજાદે’ વિ. ‘હરામજાદે’ની જે માનસિકતા પ્રગટ કરી હતી તે જ એનો સ્થાયી ભાવ છે?
ભાઈ, તમે સમજો કે વિકાસનો (એની જે પણ વ્યાખ્યા હોય એનો) રાહ રાષ્ટ્રવાદની ધર્મકોમી રોકડીનો નથી. જે કોમવાદે દેશના ભાગલા પાડ્યા એના હિંદુ અડધિયાનો પણ નથી. બહુમતીવાદી (મેજોરિટેરિયન) એવો રાષ્ટ્રવાદ લગારે જુદા પડતા, અંશત: પણ અસમ્મત થતા, હાંસિયે હડસેલાતા સૌની બાલાશ જાણવામાં નામકર થઈ અંતે તો દેશને જ ક્ષીણ કરે છે એ જો સમજાય નહીં તો જમ્મુ-કાશ્મીર બોગદે કિરણ દીઠું તો પણ શું, અને ન દીઠું તો પણ શું.
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : ‘બેંગલુરુ ઘટના’, “દિવ્ય ભાસ્કર”, 27 અૉગસ્ટ 2016
![]()


બે હજાર બેની સાલમાં જઘન્ય ગોધરાકાંડને પગલે ગુજરાતમાં ચાર મહિના કોમી રમખાણો ચાલ્યાં. તે પછીનાં ચારેક વર્ષમાં પોલીસ દ્વારા એન્કાઉન્ટર્સનો દોર ચાલ્યો. આ બંનેમાં રાજ્યના સત્તાધારી ભારતીય જનતા પક્ષ(ભા.જ.પ.)નું ધર્મઝનૂન, પોલીસનું એકંદર કોમવાદી માનસ અને મોટા ભાગના અમલદારોની આઘાતજનક તકવાદી આજ્ઞાંકિતતાની સાંઠગાંઠથી કાયદો-વ્યવસ્થા તેમ જ ન્યાયપ્રક્રિયાને ગંભીર હાનિ પહોંચી. આ અવદશાનો પર્દાફાશ રમખાણો – એન્કાઉન્ટરોને લગતા કેટલાક ચૂકાદામાં, મીડિયાએ કરેલા એક્સ્ક્પોઝેસમાં, પંચોના અહેવાલો અને સમિતિઓના અભ્યાસોમાં થતો રહ્યો છે. તેમાં એક મજબૂત ઉમેરણ એટલે પત્રકાર રાના અય્યૂબનું તાજેતરમાં બહાર પડેલું પુસ્તક ‘ગુજરાત ફાઇલ્સ : અૅનેટોમિ ઑફ અ કવર અપ’. રાના એવા મહિલા પત્રકાર છે કે જેમણે શોધ પત્રકારિતામાં બહુ મોટી સિદ્ધિઓ મેળવી હોય. તેમાં ય ગુજરાતના રમખાણોને લગતા શોધલેખો તેમણે અંગ્રેજી સાપ્તાહિક ‘તહેલકા’માં લખ્યા. એક દાવા પ્રમાણે સોહરાબુદ્દીન એનકાઉન્ટરના આરોપ હેઠળ ગુજરાતના ગૃહમંત્રી અમીત શાહની ધરપકડમાં રાનાએ ‘તહેલાકા’માં કરેલાં કેટલાંક સ્ટિંગ્સનો ફાળો હતો. આ જ સાપ્તાહિકે ‘ઑપરેશન કલંક’ નામે સ્ટિંગ ઑપરેશન કર્યું હતું. તેમાં તેણે ગોધરાકાંડ પછી મુસ્લિમો પર અૅક્ચ્યુઅલ અત્યાચાર કરનારા ભા.જ.પ. અને તેના સાથી સંગઠનોનાં કાર્યકરોના સાફ બયાનોનું લાંબું વીડિયો રેકૉર્ડિંગ આખા દેશને બતાવ્યું હતું.
પુસ્તકનો મુખ્ય હિસ્સો પણ રાનાએ રમખાણો અને એન્કાઉન્ટર્સ અંગે ભા.જ.પ.ના એક પૂર્વ મંત્રી, ગુજરાતના આઠ પોલીસ અધિકારીઓ અને એક ઉચ્ચ અમલદારના સ્ટિંગ ઑપરેશન દ્વારા એપ્રિલ 2011 પહેલાંના આઠેક મહિના દરમિયાન લીધેલા ઇન્ટર્વ્યૂઝનો છે. એણે મૈથિલી ત્યાગી નામે ઓળખ અને વેશપલટો કર્યો હતો, કાનપુરના કાયસ્થ પરિવારની મૈથિલી અમેરિકાની એક ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિની છે. તે ગુજરાતના વિકાસ મૉડેલ અને નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ પર ફિલ્મ બનાવી રહી છે, જેના માટે તે ગુજરાતના કેટલીક વિશેષ વ્યક્તિઓની મુલાકાત લે છે. આ મુલાકાતોની ટ્રાન્સક્રિપ્ટ એટલે એકે મૂળ પાઠ અથવા આલેખ પુસ્તકમાં વાંચવા મળે છે. પુસ્તકમાં જે વ્યક્તિઓની મુલાકાતો છે તે પ્રકરણોનાં ક્રમ મુજબ આ છે : ગુજરાતના અૅ ન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વાડના સોહરાબુદ્દિનની હત્યા માટે ધરપકડ પામેલા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ આઇ.પી.એસ. જી.એલ. સિંઘલ, એન્કાઉન્ટર્સ વખતના ગુજરાતના અૅ ન્ટિટેરરિસ્ટ સ્ક્વાડના ડિરેક્ટર જનરલ આઇ.પી.એસ. રાજન પ્રિયદર્શી, રમખાણો વખતના ગુજરાતના ગૃહસચીવ અશોક નારાયણ, તે વખતના ગુજરાતના ઇન્ટેિલજન્સ વિભાગના વડા અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર દરમિયાન ગુજરાત પોલીસના ડિરેક્ટર જનરલ જી.સી. રાઇગર, રમખાણો વખતના અમદાવાદના પોલીસ કમિશનર પી.સી. પાન્ડે, એ જ વખતના પોલીસના ડિરેક્ટર જનરલ કે. ચક્રવર્તી અને મહિલા તેમ જ બાળવિકાસ વિભાવિભાગના રાજ્ય સ્તરના મંત્રી માયા કોડનાની, સી.આઈ.ડી. ક્રાઈમના આઇ.પી.એસ. ગીતા જોહરી અને પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના ઇન્વેિસ્ટગેટિંગ ઑફિસસર વાય.એ. શેખ. આ બધાંએ તોફાનો અને એન્કાઉન્ટરોના સમયગાળામાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ભૂમિકા અંગે બહુ સ્પષ્ટ અને સ્ફોટક વિધાનો કર્યાં છે. તેમાંથી કેટલીક કૉમન બાબતોનો સાર અહીં આપ્યો છે. તેમાંથી દરેકે દરેક બાબત માટેના ચોક્કસ વાક્યો અને અવતરણો પુસ્તકમાંથી ટાંકી શકાય. પુસ્તકમાંની મુલાકાતો સાફ શબ્દોમાં જણાવે છે કે નરેન્દ્ર મોદી આજે જે કંઈ છે તે કોમી રમખાણોને કારણે છે. રમખાણો દરમિયાન પોલીસને સક્રિય નહીં રહેવાનું તેમણે સીધા આદેશથી નહીં પણ અશોક ટંડન, બીજા અધિકારીઓ અને વિશ્વ હિન્દુ પરિષદના માણસો થકી કહ્યું હતું. એ કાગળ પર કોઈ હુકમ આપતા નથી એટલે બધું પોતે કરાવવા છતાં પકડાતા નથી, એ અમલદારો થકી બધું કરાવે છે. પણ ટેકીલા સિદ્ધાંતવાદી અધિકારીઓ પાસે ખોટું કરાવવાની હિમ્મત કરી શકતા નથી. અલબત્ત તેમની સરકારમાં પક્ષની લીટી તાણનારને સરપાવ અને એમ ના કરનારને સજા મળે છે. મોદી ગોધરાકાંડ અને રમખાણો અંગે માફી માગી શક્યા હોત. તકવાદી મોદીએ અમિત શાહની ધરપકડ કરાવી હતી. એ અમિત શાહને બચાવી શક્યા હોત, પણ એમ કરવામાં એ પોતે ફસાઈ ગયા હોત. ખરેખર તો અમિત શાહની જેમ તેમની પણ ધરપકડ થવી જોઈતી હતી. હરેન પંડ્યાની હત્યાનો ભેદ ખૂલે તો મોદી જેલમાં જાય.
બનાવટી એન્કાઉન્ટર્સમાં અમિત શાહ સંડોવાયેલા હતા. પણ જે અધિકારીઓએ એન્કાઉન્ટર માટેના તેમના આદેશોને ન સ્વીકાર્યા તે કેન્દ્ર સરકારની કાર્યવાહીમાંથી બચી ગયા. સોહરાબુદ્દીન રાજકારણીઓના હુકમથી મરાયો, જેના માટે અમિત શાહને જેલમાં જવું પડ્યું. અલબત્ત સી.બી.આઈ.એ એમની કાનૂની રીતે નબળાં કારણોસર ધરપકડ કરી. બદલી અને અન્ય આદેશો પર તે ખુદ સહીઓ કરતા. બધા અધિકારીઓ અમિત શાહને તિરસ્કારતા. જૂનાગઢના રમખાણોના એક કિસ્સામાં અમીત શાહે પ્રિયદર્શીને ત્રણ એવા માણસોની ધરપકડ કરવાનું કહ્યું હતું નિર્દોષ જ નહીં પણ એખલાસ જાળવનાર ય હતા, પણ કારણ કે એ મુસ્લિમ હતા. વળી તેમણે પ્રિયદર્શીને એક કેદીને મારી નાખવાનું પણ કહ્યું હતું.