Opinion Magazine
Number of visits: 9664534
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વડીલ સાથે વાત

અશ્વિન જનસારી|Opinion - Opinion|19 March 2025

આજે ધૂળેટી છે … હેં, આજે ધૂળેટી છે ! … મારે તો આ 10 x 12 ના રૂમમાં રહેવાનું …. સવારે ચા-નાસ્તો આવે … બપોરે અને સાંજે જમવાનું આવે …. ભાગ્યે જ દીરકો-વહુ વાત કરે …. વડીલો આજે પોતાનાની સાથે વાત કોઈ કરે તેની રાહ જોતા જોતા દિવસો પસાર કરે છે. ભૂતકાળમાં ભયંકર ગુનેગારને નાની કોટડીમાં એકલો કેદ કરી સજા કરવામાં આવતી. બે વખત જમવાનું મળે તે વખતે માણસના દર્શન થાય. તે માનસિક સ્થિતિ દયાજનક હતી … એકલતાની સજા ખૂબ જ ખરાબ હતી.

આજે આપણે વાતો પણ વોટ્સએપ દ્વારા કરીએ છીએ. આંગળીના ટેરવા આગળ બિચારી જીભ લાચાર ! મોટાભાગના ઘરમાં રહેલા વડીલ યત્રંવત જીવન જીવતા હોય તેવું લાગે. બહારથી સ્થિતિ સારી લાગે. વડીલને રહેવા રૂમ, ટી.વી. જોવા માટે, ચા-નાસ્તો અને જમવાનું સમયસર આપીએ છીએ. બીજુ તેમને શું જોઈએ ? પણ તેમના ‘કાન’ પુત્ર કે કુટુંબના સભ્યોના અવાજ સાંભળવા તરસતા હોય છે. જેમ ગરમીમાં બપોરે બહારથી આવીએ અને માટલાનાં ઠંડા પાણીનો ગ્લાસ મળે તો જે આનંદ અને સંતોષ મળે તેનો અનુભવ આપણને છે. તેમ એકલા રહેતા વડીલને કુટુંબીજનોના શબ્દો સાંભળીને જે હૂંફ અને શાતા મળે તે અનુભવ તેમને જોઈતો હોય છે.

પોતાના કુટુંબના સભ્યોની વાતો દ્વારા થતો શબ્દોનો સ્પર્શ તેમની એકતલાને દૂર કરે છે. તેમનામાં આનંદની લાગણી જન્માવે છે. શબ્દોના સ્પર્શનો જાદુ અનેરો છે. તેમની સાથે પાંચ-દશ મિનિટની વાત તેમના જીવનમાં મહત્ત્વની છે. એકલાં વૃદ્ધ માતા કે પિતાને માટે ‘વાતોનું વાળુ’ ભોજન કરતાં પણ વધારે મહત્ત્વનું છે. ‘મારી સાથે કોઈ વાતન કરે છે’ એ વડીલ માટે ખૂબ મહત્ત્વની છે. આવી વાત તેમને ઓછા માંદા પાડે છે. તેમની એકલતા દૂર કરે છે તેમને ‘જીવંત’ હોવાનો અનુભવ કરાવે છે. પોતે નકામા નથી. તેમની હાજરીની નોંધ લેવાય છે તે બાબત તેમના માટે મહત્ત્વની છે. તેમનાં માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર પડે છે.

‘અમે શું વાત કરીએ’ તેમની સાથે ? અમારી પાસે સમય જ નથી. પણ આવી બહાનાબાજી કરવાને બદલે વાત કરીએ. તેમના ભૂતકાળની વાત. કોઈ સગાંસંબંધી મળ્યાં હતાં અને તમને યાદ કરતાં હતાં તેની વાત. આજે મંદિરમાં ભગવાનના શણગારનાં વર્ણનની વાત. ઓફિસના યુવાન કર્મચારી મળ્યા હતા અને આપના સારા સ્વભાવની વાત કરી હોય તેની વાત. કે પછી આજના રાજકારણ કે પર્યાવરણની વાતો કરવી જોઈએ. બાળકોને દાદા કે દાદી સાથે વાત કરવા દો. તેમની કાલીઘેલી અને નિર્દોષ વાતો તેમને ખૂબ ગમતી હોય છે. બાળકોને આઘા રાખવાને બદલે થોડોક સમય તેમની સાથે વાત કરવા પ્રેરો. મૂડી કરતાં વ્યાજ વધુ ગમે છે. તેમ ‘દાદા’ કે ‘દાદી’ શબ્દ સાંભળીને વડીલમાં નવી ચેતના પ્રગટે છે.

ચાલો, આપણે વડીલ સાથે દિવસમાં પાંચ-દશ મિનિટ કે અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ વાત જરૂર કરીએ. વાતોના શબ્દોનો સ્પર્શ તેમની પાછલી જિંદગી કે બાકી રહેલા જીવનનાં વર્ષોને વધુ આનંદદાયક બનાવે છે. તેમની એકલતાને દૂર કરે છે, જે તેમના સામાજિક અને માનસિક આરોગ્ય માટે ખૂબ જ મહત્ત્વની વાત છે. વાત કરીને વડીલના આર્શીવાદ મેળવીએ. 

e.mail :  ashwin.jansari@gmail.com

Loading

આચાર્ય કૃપાલાની 2025માં આપણી વચ્ચે પાછા ફરે તો?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 March 2025

જીવતરામ ભ. કૃપાલાની

બરાબર એકતાળીસ વરસ પાછળ જાઉં છું : 1982ના માર્ચની 19મીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં (ડી 6માં) દાદા કૃપાલાનીના અંતિમ શ્વાસોમાં કંઈકે અધ્ધરજીવ પણ પ્રાર્થનાવિનત પદોમાં ઊભા છીએ. થોડી વારે લગારે મ્લાન થયા વગરનો એમનો ચહેરો સહજક્રમે સંકેલાતો વરતાય છે. (રવીન્દ્રનાથ, એમના તો વેવાઈ, સાચા લાગે છે કે જગતજનની એના બાળને એક થાનલેથી બીજા થાનલે લઈ રહી છે.)

જેવા આચાર્યસત્તમ એવા જ સ્વાતંત્ર્યસેનાની, અંતિમ પદોમાં શું વિચારતા હશે એ? એક સંભવિત ઉત્તર તો એમણે થોડાં વરસ પર, વયે ખાસાં 19 વરસ નાનાં સુચેતાજી ગયાં ત્યારે જ એમની અધૂરી આત્મકથાનાં પ્રાસ્તાવિક વચનોમાં આપી દીધો હતો – હર શ્રદ્ધાળુ હિન્દુ ઈચ્છે છે કે મારી આંખ મીંચાય ત્યારે નજર સામે કિરતાર હોય. પણ મને ભય છે કે અંતિમ પળોમાં મારી સામે સુચેતા તરવરતાં હશે.

ખરું પૂછો તો એમના જેવા સમર્પિત, કહો ને કે સમર્પિત, જીવનના કર્મીને પ્રિયજનને ઈશ્વર એવો ભેદ ક્યાંથી હોઈ શકે. ચાલુ રાજનીતિ વચ્ચે હરપળ ભગવદ્દ સંનિધિ એવું એ જીવ્યા. આ લખું છું ત્યારે સાંભરે છે કે એમની જોડે કશુંક રાજકીય વાચન કરતો બેઠો હોઉં ને લગાર ખંડ પડે તો મેગ્નિફાઇંગ ગ્લાસ લઇ ‘નારદ ભક્તિસૂત્ર’માં કે એવા કશાકમાં (વારેવારે જો કે માસ્ટર મશાય લિખિત ‘ગોસ્પેલ’ – ‘રામકૃષ્ણ કથામૃત’માં) પરોવાઈ જાય.

‘શું સેવા કરી શકું, દાદા?’ એકવાર પ્રભુદાસ પટવારીની પરસાળમાં એમની પાસે બેઠો હતો અને ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ દીવાનસાહેબે પૂછ્યું. દાદાએ ‘રામકૃષ્ણ કથામૃત’ ભણી આંગળી ચીંધીને કહ્યું – ‘આમાંથી, સહેજે જે ખૂલે તે વાંચી સંભળાવો.’

કેવું જીવન જીવ્યા હતા એ. સ્વરાજ બેઠું ન બેઠું અને એ કાઁગ્રેસ પ્રમુખ પદે વરાયા હતા. હજુ વિધિસર પદગ્રહણ કરે એ પૂર્વે જ, ભાગલાના એ દિવસોમાં પૂર્વ બંગાળથી આવતી ખબરો વચ્ચે ગાંધીજીએ પ્રાર્થના પ્રવચનમાં જ કહ્યું કે (કૃપાલાનીએ મોડેથી સાંભળ્યું હશે કે વળતે દહાડે છાપામાં જોયું હશે) કે કૃપાલાની ત્યાં જઈ સૌને મળશે. એ ગયા તો એવા ગયા કે ઑગસ્ટે અધવચ એ અને રામ મનોહર લોહિયા દિલ્હીમાં અશાંત કોલકાતામાં શાંતિ સ્થાપનમાં રોકાયેલા હતા. મધરાતે (14મી ને 15મી ઑગસ્ટના સંધિકાળે બંધારણસભામાં સુચેતાએ ‘વંદેમાતરમ્’, ‘જનગણમન’ અને ‘સારે જહાં સે અચ્છા’ ગાયાં તે એમને કોઈ મિત્રને ત્યાં રેડિયો પર સાંભળ્યું હતું.)

સ્વરાજ આવ્યું અને રાજ્યનિર્વહણનું દાયિત્વ નેહરુ-સરદારને ખભે આવ્યું. બાપુ તો અલબત્ત લોકમાંઝાર રહેવું પસંદ કરે. કૃપાલાનીએ સંસદમાં ને સંસદ બહાર રહીને સ્વીકારેલી ભૂમિકા રાજને અંગે સોક્રેટિસ બગાઇની હતી. નેહરુએ પ્રધાનમંડળમાં જોડાવા કહેવડાવ્યું તો કીડવાઈ મારફતે જવાબ ગયો કે આગ્રહ હોય તો જ તો ભ્રષ્ટાચારની તપાસનું ખાતું આપો, નેહરુ મનના મોકળા હશે, પણ રાજ જેનું નામ તેને આંતરિક પણ બગાઈ સોરવાય શાની … વાત ઊગી એવી જ આઠમી પણ ગઈ!

કટોકટી કાળે તો એ અલબત્ત રણમોઝાર જ હોય, આકરી માંદગીના મહિનાઓ બાદ કરતાં … અને એની વચ્ચે પણ એમનાં વ્યંગિયાં ને નર્મમર્મ એની તો વાત જ શી. હોસ્પિટલની પથારીએ હતા. કંઈકે જાતભાતની ટોટીઓએ શરીર સોહતું હતું. ખબર કાઢવા ગયા તો કહે કે આ તો ઇંદિરાઈ કટોકટી જેવું છે – નો કોન્સ્ટિટ્યૂશન. ઑલ એમેન્ડમેન્ટ્સ!

એ વર્ષોમાં દેશના અંતરાત્મા શા ઉભરેલા જયપ્રકાશ અને લોકવિલક્ષણ બગાઈધર્મી કૃપાલાની, બેઉનો મિજાજ તો જુઓ : જનતા રાજ્યારોહણ અને મોરારજી પ્રધાનમંડળની રચના પછી થોડે વખતે, વડા પ્રધાનની પસંદગીમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર આ બેઉ નેતાઓએ એક જાહેર નિવેદન મારફતે સંબંધિત સૌને અનુરોધ કર્યો હતો કે વ્યક્તિગત સરકારી કામકાજ સારું અમને મળશો મા.

કમાલ તો માર્ચ 1977ની જનતા વિજય સભાનો અવસર હતો. જયપ્રકાશ એમાં સામેલ થઈ શક્યા નહોતા, કેમ કે ડાયાલિસિસવશ જિંદગી બસર કરનાર તરીકે એમને માટે સમય ને શક્તિ બેઉનું રેશનિંગ દુર્નિવાર હતું. પરાજયની ક્ષણોમાં નિઃસહાય એકલતા અનુભવતી ‘બેટી ઈંદુ’ને મળવામાં એમને સારું સભામાં સામેલ થવું સહેલું નહોતું. કૃપાલાની જરૂર પહોંચ્યા હતા અને સીધાસાધા સાફદામન શબ્દોમાં આચાર્યોપમ વેણ પણ કાઢ્યા હતા. વિરાટ જનમેદનીને જાણે ખખડાવતા હોય એમ એમણે કહ્યું હતું :

‘અમારા પગ પકડતા શાને આવો છો? અમે તો પોલિટિશિયનો છીએ, ડૅમ પોલિટિશિયનો. અમે કોઈ વેરી સ્પેશિયલ માણસો નથી. મારે તમને સાફ શબ્દોમાં ચેતવી દેવા જોઈએ કે આવું કરશો તો માંડ ગયેલી ગુલામી પાછી આવશે. ત્રીસ ત્રીસ વરસ લગી અમારો જયજયકાર પોકારીને તમે શું મેળવ્યું? કટોકટી કે બીજું કંઈ? કોઈ દિવસ પોલિટિશિયનોના પગ પકડશો ના. ગભરાશો ના. ડરશો ના. સમજીને ચાલજો કે અમે સંન્યાસી નથી અને અમારે સ્વાર્થનાં સગાંનો તોટો નથી. અમારી લગામ તમે માલિકો બરાબર તમારા હાથમાં રાખી શકો તો જ લોકશાહી અને આઝાદીનો કોઈ મતલબ છે.’

માર્ચ 1977ના આ ઉદ્દગારો છે. માર્ચ 1982માં કૃપાલાની ગયા. માનો કે માર્ચ 2025માં એ આપણી વચ્ચે પાછા ફરે તો? આજે પણ એમણે કદાચ એ જ કહેવાનું રહે એવું તો નથી ને? જયપ્રકાશનો પ્રિય ઉદ્દગાર હતો કે સાપનાથ જાય અને નાગનાથ આવે એવું જોઈતું નથી. કૃપાલાની તો કૃપાલાની રહ્યા. એ ખેવના કે કોઈ દિવસ પોલિટિશિયનોના પગ પકડશો ના. વળી ઉમેરવાના કે ડરશો ના. ગભરાશો ના.     

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 19 માર્ચ 2025

Loading

દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી 

સુમન શાહ|Opinion - Literature|19 March 2025

સુમન શાહ

સામાન્ય ગુજરાતી અધ્યયનકારને પ્રશ્ન થવાનો કે શી ઉપયોગીતા છે, દેરિદાની ફિલસૂફીની? લાભ શો? કોઈ પ્રગતિશીલ સુજ્ઞ જનને લાગે કે દેરિદા તો ગઈ કાલ કહેવાય, આજે શી જરૂર? આગે બઢો! 

પરન્તુ સામ્પ્રતને નિર્મમ થઈને ધ્યાનથી નીરખવાની જરૂરત છે : 

આપણે એવા સમયમાં જીવીએ છીએ જેમાં જોઈ શકાય છે કે ધર્મસત્તા અને ધનસત્તા રાજસત્તાનું સ્વઅર્થે નિયન્ત્રણ કરી રહી છે. પૂછી શકે એવા સાત્ત્વિક વિદ્રોહી ચિન્તકો નથી રહ્યા. વિચારક લેખકો પણ populist – લોકપ્રિયતાવાદી – થવા લાગ્યા છે, વાચકોની સૉડમાં ભરાઈ રહે છે, વાતે વાતે સસ્તા વિચારો સાથે રમી લે છે. કેટલાક પ્રતિક્રિયાવાદીઓ પૂર્વ શ્રેષ્ઠ પશ્ચિમ નહીં કરતા નાનીમોટી અનુત્પાદક ચળવળો ચલાવે છે. ભારત શ્રેષ્ઠ છે, હતો અને હશે શૈલીના પોકારો વડે શાસકોનું પડખું સેવે છે. ‘સા વિદ્યા યા વિમુક્તયે’ સાચું પણ રાજસત્તા વિદ્યાને જ અંકુશમાં લઈને પોતાના માપે વેતરી રહી છે. અધ્યાપક અને વિદ્યાર્થી કાં તો કર્તવ્યમૂઢ અને હતાશ છે અથવા પરિસ્થિતિથી દમિત-પ્રાણ છે. શક્ય નથી કે એ આગે બઢી શકે બલકે પીછેહઠનો શિકાર છે. આત્મરતિગ્રસ્ત સુ-શાન્ત વૃદ્ધ સાહિત્યકારોને ભાષા અને સાહિત્યનાં ધૉરણો અને મૂલ્યોનું ધોવાણ પરખાતું નથી. વિવેચન વળી પાછું નિદ્રાધીન છે. સમીક્ષા કોઈ પરગ્રહવાસી ચિડિયાનું નામ છે.  

હું તો ૧૯૯૭-થી સમજતો આવ્યો છું કે દેરિદાની વિચારસૃષ્ટિ બધા સમયોમાં કામ આવે છે. એની જ્ઞાનવિષયક પ્રશ્નકારકતા અને મનુષ્ય-સરજિત સંઘટ્ટન માત્રને વિઘટિત કરનારી સમીક્ષાબુદ્ધિ કદી કાલગ્રસ્ત નથી થવાની. લાભ તો એ કે વિઘટન સ્વાસ્થ્યપ્રદ છે. સંસ્કૃતિનો આજે કયો સંવિભાગ સ્વસ્થ છે કે જેના વિઘટનની આપણને જરૂરત નથી? 

આપણે એવા સમયમાં જીવીએ છીએ જે અતિ વેગીલો પણ છે. વિચાર કે લાગણી ઝાઝો સમય ટકતાં નથી, કેમ કે ટકે એ માટે કાળજી લેનારાં મનુષ્યો નાસભાગમાં હોય છે. સમ્બન્ધો વ્યવહારો કે લૅણદેણ એકેયના સદ્ સ્વરૂપને પામીએ એ પહેલાં તો એ બદલાઈ જાય છે. માણસમાં સંસ્થાઓમાં તન્ત્રોમાં કે રાષ્ટ્રમાં ભરોસો રાખીએ પણ થોડા જ વખતમાં એ દરેકનું અવિશ્વસનીય રૂપ સામે આવે છે. તેમછતાં માણસ જીવનપુરુષાર્થ પરત્વે નિષ્ઠાવાન હોય છે. સંસાર એક જૂઠાણું હોય તો પણ એને સાચો ગણવાની કેટલી તો તત્પરતા બતાવતો હોય છે! જીવન અર્થશૂન્ય છે એમ જાણવા છતાં અર્થ માટે ઘડીએ ને પલકે કેટલું તો મથતો હોય છે!

+ +

પણ એ નિષ્ઠા તત્પરતા કે મથામણને વ્યક્ત કરવાનું સાધન તો માણસ પાસે ભાષા છે. એટલે ક્રમે ક્રમે આપણે માણસો ભાષામાં અને તેથી સંભવેલી ભાષિક-પેદાશોમાં વિશ્વાસ કરતા થઈ જઈએ છીએ. ભાષા વિનાનું જગત કેવું હશે એની કલ્પના કરી શકાય છે પણ તરત ભાન થાય છે કે હવે તો જગત પોતે જ ભાષામય છે. વ્યક્તિને થતો અસ્તિત્વબોધ પણ ભાષામય છે. જુઓ ને, નાનપણમાં ‘ક’ ‘ખ’ ‘ગ’ અને ‘પગ’, ‘વડ’ કે ‘ઢબુ’-નો ‘ઢ’ કે ‘ફૅણ’-નો ‘ણ’ આવડી ગયા પછી એ પર દૃષ્ટિ પડતાં, એ બધા અક્ષરો જરા ય ક્ષર્યા વિના જીવન્ત થઈ ઊઠતા’તા! એટલે સ્તો મોટપણે ‘પ્રેમ’ ‘લાગણી’ ‘શોક’ ‘વેદના’ ‘આતુરતા’ જેવા શબ્દો માણસને ખરા અને રણકતા લાગતા હોય છે. કોઈ કહે કે ‘હું તને પ્રેમ કરું છું’ તો એ શબ્દાવલિ મધુર પંક્તિ રૂપે ચિત્તમાં ગુંજ્યા કરે છે, માણસને થાય છે, આથી તો સાચું શું હોય વળી! 

એમાં ય જો પ્રેમપત્રમાં લખીને જણાવાયું હોય કે ‘હું તને પ્રેમ કરું છું’ તો એ વાક્યને માણસ હૃદયસ્થ કરી લેતો હોય છે. એણે ‘મા ફલેષુ કદાચન્’ વચન સાંભળ્યું હોય અને “ગીતા”-માં લિખિતરૂપમાં જુએ, એટલે સાંભળેલું એને સાચું લાગે, પ્રસન્ન થઈ જાય. મૂલ્યવાન ભાષિક-પેદાશ સાહિત્યકલા છે. પ્લેટોને ભલે એ સત્યની નકલની ય નકલ લાગી, રસિયાઓને સાહિત્યથી વધારે સાચું કશું લાગતું નથી, સાહિત્યને સવાઈ સત્ય કહીને જ જંપે છે! હકીકત એમ ઠરે છે કે લિખિત ભાષા માણસને ખાતરીથી જીવન-સંતોષ આપે છે. 

જો કે જીવનમાં બનાવો એવા બને કે પેલો લિખિત પ્રેમપત્ર કે કોઈ દસ્તાવેજ ગૂમ થઈ જાય ચોરાઈ જાય ફાટી જાય બળી જાય; અને એવું અવારનવાર બને એટલે લિખિત પરનો ભરોસો ડગી જાય, આપણે એકબીજાના બોલ પર વિશ્વાસ કરતા થઈ જઈએ. લેખનની શોધ ન્હૉતી થઈ ત્યારે તો એમ જ હતું, માણસો ‘પ્રાણ જાય પણ વચન ન જાય’ એવી ઉક્તિ પ્રયોજતા હતા. બોલનારો આપણી સામે હોય, આપણે એની સામે હોઈએ, એથી મોટી તે કઈ ખાતરી વળી! જીવન-સંતોષ ત્યારે પણ લાધે છે. 

આમ સૌ પહેલાં ભાષામાં અને ક્રમે ક્રમે લિખિત અને વાણીસ્વરૂપ ભાષિક-પેદાશોમાં આપણે વિશ્વાસ કરતા થઈ જઈએ છીએ.   

પરન્તુ કદી આપણે વિચાર્યું છે ખરું કે ભાષા પણ અવિશ્વસનીય ચીજ છે? પેલો સંતોષ બરાબર પણ વિચાર્યું છે કે એ ખાતરી શું છે? ‘પ્રેમ’ ‘લાગણી’ ‘શોક’ ‘વેદના’ કે ‘આતુરતા’ શબ્દો ખરા લાગેલા પણ એ શબ્દોના ખરાપણા વિશે કદી આપણને પ્રશ્ન થયો છે? લિખિત પ્રેમપત્ર સાચો પણ ‘હું તને પ્રેમ કરું છું’ એ ચારે ચાર શબ્દોના અર્થની સચ્ચાઈ વિશે કે ‘પ્રાણ જાય …’ વગેરે બોલના મતલબ વિશે એને શંકા પડેલી ખરી? સાહિત્ય સવાયું સત્ય રજૂ કરે પણ એ જેનું બન્યું છે એ ભાષા કયા સત્ય પર ઊભી છે એ સવાલ સાહિત્યકારોને થયો છે? ભાષાનો લિખિત કે ઉચ્ચરિત શબ્દમાત્ર રસળતો છે, શબ્દ પોતાનો આપે છે તે અર્થ પૂરો નથી અધૂરોપધૂરો છે એમ લાગ્યું છે ક્યારે ય? ભાષા આપણને હમેશાં પોતામાં જોતરી રાખે છે એવું સમજાયું છે કદી? શબ્દ પછી શબ્દ આપણે લવ્યા કે લખ્યા જ કરીએ છીએ પણ એ સાતત્ય અન્તહીન છે એવો વિચાર પણ આવ્યો છે? 

+ +

રીઢા ચોર જેવા આપણે ભાષા-રીઢા છીએ એટલે એવા પ્રશ્નો શી રીતે થાય? ન જ થાય. એ રીઢાપણાને કોઈ પછાડે તો આપણે ખળભળી ઊઠીએ. એવો ખળભળાટ મચાવનાર હતો ૨૦-મી સદીનો મહાન ફ્રૅન્ચ ફિલસૂફ Jacques Derrida (1930-2004). મારે ‘ઝા’ક ડે’રીડાહ્’ લખવું જોઈએ, પણ હું ‘ઝાક દેરિદા’ લખતો આવ્યો છું. દેરિદાએ પરમ્પરાઓને તળેઉપર કરી નાખી હતી; ભાષાતત્ત્વ વિશે પ્રચણ્ડ પ્રશ્નો કરીને જ્ઞાનપરક સમૂળી ક્રાન્તિ સરજી હતી. પરિણામે, સુજ્ઞજનોને સંસ્થાઓને તન્ત્રોને કે વિદ્યાશાખાઓને પુનર્વિચારની ફરજ પડી હતી. વાતાવરણમાં નવેસરનો પ્રાણસંચાર થયો હતો.

‘ઝા‘ક ડે‘રીડાહ્‘ લખવું જોઈએ, પણ હું ‘ઝાક દેરિદા‘ લખતો આવ્યો છું

દેરિદાનાં બે જ્વલન્ત મન્તવ્યો :

૧

દેરિદાએ પહેલું મન્તવ્ય ફરિયાદ રૂપે રજૂ કર્યું. એમ કે પશ્ચિમની ફિલસૂફીવિષયક સમગ્ર પરમ્પરા logocentric છે. એમ કહીને એમણે લોગોસૅન્ટ્રિક પરમ્પરાનો છેદ ઉડાવ્યો એ ૨૦-મી સદીની મહત્તમ બૌદ્ધિક ઘટના છે. એમાં કૃતિથી સંસ્કૃતિ સુધી વિસ્તરેલા જ્ઞાન-પુરુષાર્થને તેમ જ પરિવારથી રાષ્ટ્ર લગી વિકસેલા વ્યવસ્થા-તન્ત્રને ચકાસવાનો પ્રચ્છન્ન આદેશ છે. એમાં આત્મનિરીક્ષણ અને પરીક્ષણ આધારિત પુનર્વાચન અને પુનર્મૂલ્યાંકનની તકો છે.

‘લોગોસ’ એટલે, સામાન્યપણે, શબ્દો. જેના કેન્દ્રમાં શબ્દ, વિચાર, તર્ક, સિદ્ધાન્ત અને વાણીની સ્થાપના થઈ હોય, આધિપત્ય ઊભું થયું હોય, એ ફિલસૂફી લોગોસૅન્ટ્રિક છે. સમજાય છે એવું કે એથી જ જાણે વાસ્તવિકતાનો બોધ થવાનો હોય. બાકી, અર્થ કે સત્યને વ્યક્ત કરવા શબ્દો કે તર્કને અગ્રિમતા આપવાની જરૂરત નથી. અન્ત:સ્ફુરણા કલ્પનો પ્રતીકો લાગણીઓ ભાવભાવનાઓ કે સૂઝબૂઝથી પણ એ કામ થઈ શકે છે. રંગો ઇશારાઓ ચેષ્ટાઓ રીતરિવાજો સાંસ્કૃતિક આવિષ્કારો કે જીવનમાં પ્રવેશતી રહેતી ફૅશનો પણ એ કામ કરી શકે છે. 

એક અધ્યેતા તરીકે હું જોઈ શકું છું અને અનેક અધ્યેતાઓ જોઈ શક્યા છે, કે દેરિદા શબ્દથી સંજ્ઞા ભણી, ભાષાવિજ્ઞાનથી સૉસ્યૂરના સંકેતવિજ્ઞાન ભણી, નૉમિનોલૉજીથી હ્યુસેર્લની ફીનૉમિનૉલૉજિ ભણી, ખાસ્સું વળ્યા છે. એટલું જ નહીં, સંરચનાવાદી વિચાર પછીના અનુ-સંરચનાવાદી વિચારને વિકસાવી રહ્યા છે. મારે અહીં જ ઉમેરવું ઘટે કે સંરચનાવાદ માનવીય અનુભવના ઘડતરમાં ભાષા સંસ્કૃતિ સમાજ જેવી અન્તર્ગત સંરચનાઓને સ્થિર અને સાર્વત્રિક ગણે છે. જ્યારે, અનુ-સંરચનાવાદ સંરચનાઓ અને અર્થોને power dynemics-થી, સત્તાકીય ગતિવિધિથી, નિયન્ત્રિત તેમ જ અસ્થિર અને પ્રવાહી ગણે છે. બન્ને વચ્ચેનો એ ઓછામાં ઓછો પણ પાયાનો તફાવત છે. 

આ સ્થિત્યન્તરને હું બીજા શબ્દોમાં મૂકું : જગપ્રસિદ્ધ ગ્રન્થ “Critic of Pure Reason”-ના રચયિતા જર્મન ફિલસૂફ Immanuel Kant (1724-1804) અનુભવોના જગતને phenomena અને ઇન્દ્રિયબોધોથી સ્વતન્ત્રપણે અસ્તિત્વ ધરાવતી વસ્તુઓના જગતને noumena કહે છે. કાન્ટ અનુસાર, જ્ઞાન અનુભવોથી સીમિત છે અને માણસનો વસ્તુઓમાં સીધો પ્રવેશ નથી. એટલે સમજદારીના વિષયમાં તર્કની ભૂમિકા અનિવાર્ય છે. એ વાત ખરી પણ એ દૃષ્ટિમતિ લોગોસૅન્ટ્રિક છે. એથી વિરુદ્ધ, ફીનૉમિનોલૉજિ અનુભવોનું અધ્યયન છે, જિવાયેલા અનુભવો અને ચેતના પર ભાર મૂકે છે, અને ભાષાથી અતિરિક્ત વસ્તુઓના સત્ત્વનો વિચાર કરે છે. એ અભિગમ નૉન-લોગોસૅન્ટ્રિક છે. 

ભાષાવિજ્ઞાન ભાષિક નિયમો અને સંરચનાઓનું અધ્યયન છે. એમાં વ્યાકરણ વાક્યાન્વય કે ધ્વનિતન્ત્રનો વિચાર કરવામાં આવે છે. જ્યારે સંકેતવિજ્ઞાન શબ્દો સંજ્ઞાઓ શબ્દેતર પ્રતીકો રંગો ઇશારાઓ ચેષ્ટાઓ રીતરિવાજો કે ફૅશનોનું અધ્યયન છે. આગળ વધીને સંકેતવિજ્ઞાન વિચારે છે કે અમુકતમુક સાંસ્કૃતિક સંદર્ભોમાં સંજ્ઞાઓ અને પ્રતીકો કઈ રીતે અર્થો સરજે છે. આ નૉન-લોગોસૅન્ટ્રિક અભિગમ છે કેમ કે એમાં દૃઢ મન્તવ્ય પ્રવર્તે છે કે અર્થો માત્ર ભાષાસાધિત નથી પણ સંકેતીકરણના વિવિધ જીવનવ્યવહારોનું પરિણામ છે. 

Ferdinand de Saussure (1857-1913) સ્વિસ ભાષાવિજ્ઞાની હતા. એમણે શબ્દ અથવા સંજ્ઞા અને અભિવ્યક્તિ માટે ‘સંકેતક’ અને એથી જે સૂચવાય તેને માટે ‘સંકેતિત’ વિભાવો રજૂ કર્યા. એ કારણે એ વિજ્ઞાન સંકેતવિજ્ઞાન કહેવાયું. Edmund Husserl (1859-1938) જર્મન ફિલસૂફ હતા. ફિનોમિનૉલોજિના પિતા મનાય છે. એમણે ચેતનાને સમજવા માટે આત્મલક્ષી અનુભવ અને વ્યક્તિના આશય ભાર મૂક્યો હતો. બન્ને વિદ્વાનોએ પોતપોતાના દૃષ્ટિકોણથી વાત તો એ જ કરી કે અર્થ કેવી રીતે ‘કન્સ્ટ્રક્ટ’ થાય છે, પણ દેરિદાએ દર્શાવ્યું કે ‘ડીકન્સ્ટ્રક્ટ’ કરીએ તો જ સમજાય કે કેવી રીતે થાય છે. ‘કન્સ્ટ્રક્શન’-ને હું ‘સંઘટ્ટન’ કહું છું, ‘ડીકન્સ્ટ્રક્શન’-ને ‘વિઘટન’.

દેરિદા સ્વયંની વ્યક્તિતા મને વિઘટનશીલ વરતાય છે. સૉસ્યૂર અને હ્યુસેર્લના વિશ્વમાં ઊંડે ઊતરીને પણ દેરિદાએ બન્નેના અભિગમોની ટીકાટિપ્પ્ણી કરી અને બન્નેના પાયા હચમચાવ્યા. દેરિદાનું કહેવું એમ છે કે આપણે બધું વિઘટિત કરીએ, ભાષા અર્થો અને અનુભવોની સીમાઓને ઉથલાવીએ, તો જ સત્યો હાથ આવે.

સૉસ્યૂરના સંકેતક-સંકેતિત ખયાલને દેરિદાએ સંરચનાવાદી કહીને પડકાર્યો. સૉસ્યૂરની સંરચનાવાદી દૃષ્ટિનો વિકાસ સંકેતવિજ્ઞાન રૂપે થયો એ બરાબર પણ દેરિદા એને પશ્ચિમની ફિલસૂફીની છેલ્લી હાંફ – final gaspe – ગણે છે એટલે કે, નાભિશ્વાસ! મૅટાફિઝિકલ સિસ્ટમ્સનો નાભિશ્વાસ! પ્લેટો-ઍરિસ્ટોટલથી પ્રારમ્ભાયેલી અને હાઇડેગર લગી પાંગરેલી યુરોપીય વિચારપ્રણાલિનો નાભિશ્વાસ! એ પૂર્વકાલીન સઘળાને દેરિદાએ લોગોસૅન્ટ્રિક કહીને પડકાર્યું અને દર્શાવ્યું કે સંકેતક-સંકેતિત વચ્ચેનો સમ્બન્ધ સૉસ્યૂર કહે છે તેવો સ્થિર નથી. પોતાનું મન્તવ્ય દર્શાવવા દેરિદાએ ફ્રૅન્ચ શબ્દ différance-ની વિભાવના રજૂ કરી અને જણાવ્યું કે અર્થો હમેશાં તફાવતને વરેલા અને વિલમ્બિત હોય છે, પ્રવહમાણ અને રમતા રહેતા લીલામય હોય છે, સ્થિર નહીં. 

Presence of meaning અને intentionality વિશેના હ્યુસેર્લના વિચારો સાથે દેરિદા જરૂર જોડાયા છે. માનવચેતના ખુરશીને બેસવાના આશયથી જુએ-અનુભવે, એ છે ખુરશીનો ઉપસ્થિત, હાજરાહજૂર અર્થ, અપરોક્ષ અનુભવ. પણ પ્રેઝન્સનો એવો જે મહિમા હ્યુસેર્લે કર્યો એ બાબતને દેરિદાએ પડકારી છે. પોતાનું મન્તવ્ય દર્શાવવા દેરિદાએ trace અને absence વિભાવો રજૂ કરીને જણાવ્યું છે કે અર્થ એમ અનુભવાય નહીં કેમ કે એ બદલાતો રહેતો પદાર્થ છે, વળી, જે હાજર નથી એ અનુપસ્થિતનાં ‘નિશાન’ લઈને આવ્યો હોય છે; કદી પૂરા સ્વરૂપે હોતો નથી.  

૨

દેરિદાએ બીજું મહા મન્તવ્ય એ ઉચ્ચાર્યું કે – there is nothing outside the text. (ફ્રૅન્ચ – Il n’y a pas de hors-texte). ટૅક્સ્ટ બહાર કશું નથી. તાત્પર્ય, આખું વિશ્વ એક ટૅક્સ્ટ છે. એ infinite અને boarderless ટૅક્સ્ટ છે, એને નથી સીમા કે નથી અન્ત. જો કે એથી જ આપણે વિશ્વને સમજી શકીએ છીએ કેમ કે માનવીય અનુભવની સમગ્રતાને આવરીને બેઠી છે એ ટૅક્સ્ટ. (‘ટૅક્સ્ટ’ શબ્દનો ગુજરાતી પર્યાય ‘પાઠ’ ‘વાચના’ કે ‘કૃતિ’ હું નહીં પ્રયોજું કેમ કે અહીં નભી શકે એમ નથી, કોઈક સ્થાને નભશે ત્યારે પ્રયોજીશ.)

માણસને પોતાની ભાષામય પરિસ્થિતિ અસ્તિત્વબોધ સંદર્ભે યોગ્ય લાગતી હોય તો એને સમજાઈ જવું જોઈશે કે એ પરિસ્થિતિ એક ટૅક્સ્ટ છે અને ‘વાંચી’ શકાય એવી છે, એને ‘વાંચવી’ એ એનું માનવીય કર્તવ્ય છે. એના કોઈપણ અંશને ‘વાંચી’ શકાય છે, વિશ્લેષણ કરી શકાય છે. એ માટેના ઉપકરણને દેરિદા deconstruction કહે છે. તદનુસારનું વિશ્લેષણ કોઈપણ સમયમાં કોઈપણ બાબતની ઉચિત સમજ માટે ચાવીરૂપ તેમ જ ઉપકારક નીવડી શકે છે. વિઘટન-વિચારની એ સાર્વત્રિક સર્વકાલીન લાક્ષણિકતાને કોઈપણ ભાવિ ફિલસૂફી નામશેષ નહીં કરી શકે. 

=== ગુજરાતી સાહિત્ય પરિષદ : ‘પરબ’ માર્ચ ૨૦૨૫-માં પ્રકાશિત લેખ ===

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...348349350351...360370380...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved