Opinion Magazine
Number of visits: 9584564
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે વણઝારાને ચમકાવતું કેલેન્ડર?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 January 2017

ગાંધીપ્રતિભાને તો એથી શું ફેર પડવાનો હતો! પણ કોઈ અદકપાંસળા આલા અફસરે કે આપડાહ્યા ગાદીનશીને ખાદી-ગ્રામોદ્યોગ કમિશનના કેલેન્ડર અને ડાયરીને પૂંઠે સામાન્યપણે ગાંધી અને ચરખા સરખી ચિત્રણાને બદલે વડાપ્રધાનને (અલબત્ત, કાંતણ/વણાટ મુદ્રામાં) ચમકાવવાનું પસંદ કર્યું એ આપણે ત્યાં ચાપલુસી અને ચાટુકારિતાની જે સંસ્કૃિત પેંધેલી છે એનો જ એક નાદર નમૂનો લેખાશે. જ્યાં કદીક ઢેબરભાઈ જેવાઓ બેસતા હશે એ ખાદી ગ્રામોદ્યોગ કમિશનના વડા મથકે સ્થળ પરના કર્મચારીઓએ આ ચેષ્ટા પરત્વે શાલીન ધોરણે વિરોધલાગણી પ્રગટ કરી એ પણ ઠીક જ થયું.

સરકારી કચેરીઓમાં, પ્રકાશનોમાં, દોમદોમ જાહેરખબરોમાં વડાપ્રધાનની તસવીરનો રાબેતો બેલાશક સમજી શકાય છે. વળાંકે વળાંકે કટ આઉટના કીર્તિપાટિયાનો ચાલ સિને અભિનેતાગ્રસ્ત દક્ષિણદેશથી શરૂ થઈ હવે દિલ્હી લગી નાનામોટા નેતાઓના કિસ્સામાં સાર્વત્રિક થઈ પડ્યો છે. પણ ખાદી ગ્રામોદ્યોગ જેવામાંયે ધરાર એમને ઠઠાડવાની માનસિકતામાં રહેલ નઘરોળ સામંતી તત્ત્વ વિશે અગર તો એક નાસમજ આરતીગાનના વલણ વિશે જાગૃત થઈ જવું એ સંબંધિત સૌ સહિત દેશજનતા સમસ્ત માટે સલાહભર્યું છે. એટલી સાદી વાત વાસ્તે કોઈ આર્ષદર્શનની જરૂરત ન હોવી જોઈએ.

ઇચ્છીએ કે જે પણ બન્યું તે સ્થળ પરની નાદાનિયતવશ હોય અને શીર્ષ વર્તુળોમાંથી એવો કોઈ સંચાર ન હોય. અલબત્ત, ઇચ્છીને છૂટી પડાય, છેક એવો મામલો આ નયે હોય. આ જ દિવસોમાં આપણે એ પણ જોયું છે કે વડાપ્રધાનની બી.એ.ની પદવીના વિવાદ સંદર્ભે માહિતી અધિકારની રૂએ દિલ્હી યુનિવર્સિટીનો 1978નો રેકોર્ડ જોવાની રજા મળતાં ખાસા ઠાગાઠૈયા બાદ જેમણે આ રેકોર્ડ જોઈ શકાય એવી સૂચના આપી તે માહિતી કમિશનર બે જ દિવસમાં બદલીપત્ર ઠર્યા છે. કહી તો શકાય કે સરકાર પદારથ જેનું નામ તે આમ જ વર્તે. प्रकृतिम्‌ यान्ति भूतानि। તરત સાંભરતો દાખલો ખેમકાનો છે. હરિયાણાના આ આલા અધિકારીએ નિર્ભીક કર્તવ્યબુદ્ધિને ધોરણે ત્યારના કૉંગ્રેસતંત્રની ગતિમતિ વિશે પોતાના દાયરામાં રહીને સવાલો ઉઠાવ્યા ત્યારે રાજ્ય સરકાર પાસે જવાબ નહોતો – હા, તત્કાળ બદલીનો હુકમ જરૂર હતો. જોવાનું એ છે કે આ જ ખેમકા હરિયાણાના ભા્.જ.પ. શાસનમાં પણ આવા જ બદલી દોરમાંથી ગુજરી રહ્યા છે.

પણ ખાદી ગ્રામોદ્યોગ કમિશન અને દિલ્હી યુનિવર્સિટીની તાજેતરની ઘટનાઓ ખેમકા પ્રકરણ કરતાં જુદી પડે છે – અને જુદી ન પડતી હોય ત્યારે પણ વધુ કઠે છે – તે એ રીતે કે ધીરે ધીરે દેશનો બધો જ ક્રિયા-અને-કીર્તિ-કલાપ કોઈ એક વ્યક્તિમત્ત્વ આસપાસ હોય એવું એક વાયુમંડળ બની રહ્યું છે એનો એ હિસ્સો છે. શાસનની તરાહ જુઓ તમે. નોટબંધીના આરંભકાળે સરકારે ગૃહમાં ઉપસાવવા ધારેલી છાપ એવી હતી કે રિઝર્વ બૅંક સાથે પરામર્શપૂર્વક – બલકે, એના સૂચનથી – આ પગલું ભરાયું હતું. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું રાજ્યસભાનું વકતવ્ય અસંદિગ્ધપણે આ જ તરજ પર હતું. પણ સંસદીય સમિતિ સમક્ષ ચાલુ અઠવાડિયે રિઝર્વ બૅંક તરફથી જે અધિકૃત લેખિત રજૂઆત થઈ છે તે મુજબ સાતમી નવેમ્બરે અમને (રિઝર્વ બૅંકને) સરકાર તરફથી પૂછવામાં (એટલે કે કહેવામાં) આવ્યું હતું કે આમ કરીએ છીએ એમાં તમારી સલાહ શું છે.

મતલબ, આખો ઘટનાક્રમ રિઝર્વ બૅંકની સ્વાયત્તતાને બદલે ‘મેઇડ ટુ ઓર્ડર’ પ્રકારનો હતો. (સ્વાભાવિક જ, રઘુરામ રાજન હોય ત્યાં સુધી આવું બારોબારિયું શક્ય નહોતું.) દેશમાં અધિકૃતપણે નિયુક્ત આર્થિક સલાહકાર છે, નીતિ આયોગ છે, કોઈ પણ સ્થળે એમની સાથે પરામર્શ થયાનું જાણવા મળતું નથી. માહિતી અધિકારને ધોરણે થયેલી પૃચ્છાના જવાબમાં પી.એમ.ઓ.(વડાપ્રધાનના કાર્યાલય)એ આવી કોઈ જાણકારી દર્જ નહીં થઈ હોવાનું કહ્યું છે. ‘એક અને એક બે’ની જેમ ઊપસી રહેતી વાસ્તવિકતા કદાચ એ છે કે લગભગ એકવ્યક્તિનિર્ણયની આ સ્થિતિ છે.

વસ્તુત: લોકશાહી જેનું નામ એમાં અંતરિયાળ માળખાગત કેટલીક આણ અને આમાન્યા અભિપ્રેત અને અનુસ્યૂત છે. સ્વાયત્ત સંસ્થાઓ, ન્યાયતંત્ર વગેરેની એમાં મહત્ત્વની ભૂમિકા અપેક્ષિત છે. બિરલા-સહારા લાભાર્થી યાદી સબબ શું બન્યુ? સર્વોચ્ચ અદાલતે આવી સામગ્રી – ઇમેલની પ્રિન્ટઆઉટ્સ જેવી સામગ્રી પુરાવા તરીકે ન લેવાય એમ કહીને આ બાબતને કાઢી નાખી. જનતાની સ્મૃિત ટૂંકી હોવાનું કહેવાય છે એટલે કોઈકે આ તબક્કે યાદ આપવી જોઈએ કે નરસિંહ રાવના વારામાં જૈન હવાલા પ્રકરણ ખાસું ગાજ્યું હતું. એમાંયે પુરાવાસામગ્રી આવી જ હતી. સર્વોચ્ચ અદાલતે તે વખતે તપાસ-આદેશની રીતે વિચાર્યું પણ હતું.

હાલના કેસમાં ફરિયાદી ‘કૉમન કૉઝ’ તરફે ધારાશાસ્ત્રી પ્રશાન્ત ભૂષણે એ વિગતનીયે યાદ આપી હતી કે જ્યારે આ પ્રકારે સંજ્ઞાન (કોગ્નાઇઝન્સ) લેવામાં આવે ત્યારે એફ.આઈ.આર. નોંધી તે ધોરણે આગળ વધવાનો નિર્દેશ પૂર્વે લલિતાકુમારી કેસમાં સર્વોચ્ચ અદાલતે અગાઉ વિદ્યાચરણ શુકલના કેસમાં (હવાલા કેસમાં) લીધેલ અલગ વલણને વળગી રહેવાનું મુનાસીબ ધાર્યું હતું. જો કે સૂચક બીના એ છે કે, અદાલતે પ્રશાન્ત ભૂષણની રજૂઆતને લક્ષમાં લઈ એક ટિપ્પણી જરૂર કરી હતી કે જૈન હવાલા કેસમાં એક બાજુએ અમે જ્યારે તપાસ-આદેશનું વિચારતા હોઈએ ત્યારે નીચલી અદાલતો આ સૌને છોડી મૂકતી હોય, એવું બનતું હતું.

આ અનવસ્થાનું શું કરીશું? જેને ગુજરાત મોડલ કહેવાય છે તેમાં આવી અનવસ્થાવશ બાઇજ્જત બરી થવાનો એક આખો સિલસિલો રહ્યો છે. તપાસ થાય નહીં, ખોટી દિશામાં થાય, અડધી પડધી થાય અને કસુરવાર નથી તેવું જાહેર થાય, એવું બનતું રહ્યું છે. કેટલાક કેસોમાં દાખલો જરૂર બેસાડી શકાયો, પણ રાજ્યના મેળાપીપણા બાબતે છેક છેડા લગીની કારવાઈના અભાવે ‘બાઇજ્જત બરી’વાળું ચોક્કસ દાખલામાં બરકરાર રહ્યું તે રહ્યું.

બિરલા-સહારા યાદી કે જૈન હવાલા કેસની વાત કરતે કરતે ગુજરાત મોડલની સંભારવાનું કારણ એટલું જ કે હમણે હમણે આપણે ત્યાં એક એવું વલણ ઊપસી રહ્યું છે કે વડાપ્રધાન સામેની કોઈ નાના ભષ્ટાચારની ફરિયાદ હોય તો પણ તેની તપાસ થવી જોઈએ. વડાપ્રધાન એમાંથી અક્ષત બહાર આવે તે એમને સારુ શોભીતું લેખાશે.

પણ પછી તરત, જરી જુદા અર્થમાં, કેવિયટનુમા અંદાજમાં ઉમેરવામાં આવે છે કે જે રીતે 2002ના કેસોમાંથી એ માનપૂર્વક મુક્ત થયા તે જ રીતે આમાંથી પણે એમણે વિધિવત મુક્ત થવું જોઈએ. તો, જે સવાલ છે અગાઉની રીતે મુક્ત થવા અંગે છે. ભાઈ, નાગરિક સમાજની બુનિયાદી ભાંજઘડ રસ્તો ‘અગાઉની રીત’ સાથે છે. આ જે ‘અગાઉની રીત’, તેની ધારામાં કેવાં કેવાં ખોટાં મૂલ્યો ને પ્રણાલિકાઓ સ્થપાય છે. એનો જરીક તો લિહાજ કરીએ.

ચાલુ અઠવાડિયે, કથિત મુક્તિ પછી વણઝારાની છેંતાલીસમી અભિવાદન રેલી મહેસાણામાં થઈ. અહી વણઝારા ઘટના વિશે પૂર્વે પણ ચર્ચા કરવાનું બન્યું છે. એમના વીરકર્મનું વાસ્તવ આ ક્ષણે નહીં ચર્ચતા અહીં માત્ર એમના એ લેટરબોમ્બની યાદ આપીશું જે એમણે જેલબેઠા ફોડ્યો હતો. એ પત્રમાં વિવાદાસ્પદ ને વાંધાજનક કામગીરીઓમાં રાજ્ય સરકારના મેળાપીપણાની બુલંદ સાહેદી પડેલી હતી. ગુનાઇત મેળાપીપણાના આ દોર સામે ‘બાઈજ્જત બરી’ સિલસલાને કેવી રીતે જોશું વારુ.

હશે ભાઈ, હવે વણઝારાને ચમકાવતા કેલેન્ડર માટે તૈયાર રહીશું, બીજું શું … આજે પતંગ, કાલે કેલેન્ડર.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, January 14, 2017

Loading

નારી જગતને એક પડકાર : સમસ્યાઓના ન ભોગ બનીએ, ન ભાગીદાર

આશા બૂચ|Opinion - Opinion|13 January 2017

આજે વિશ્વ આખામાં સામાજિક બદીઓ, રાજકીય અંધાધૂંધી, ધાર્મિક ઝનૂનથી દોરવાઈને આચરાતી હિંસા અને માનવતાનું અસ્તિત્વ જોખમાય તેવી દુર્ઘટનાઓ થતી રહી છે. આ માટે સમગ્ર માનવ જાત જવાબદાર છે, પણ એક એવી માન્યતા છે કે મોટા ભાગના ગુનાઓ, ઘૃણિત કાર્યો અને હિંસક હુમલાઓ પુરુષો જ કરે છે, જેની ભોગ મહિલાઓ અને બાળકો બને છે. બીજા શબ્દોમાં આજની આવી સ્ફોટક પરિસ્થતિમાં પુરુષ જાતનો જ વાંક છે એમ મનાય છે. અમુક અંશે આ વાત સાચી પણ છે, પરંતુ સ્ત્રીઓ માત્ર આવી સમસ્યાઓનો ભોગ બને છે કે કેટલેક અંશે ભાગીદાર પણ હોય છે એ તપાસવાનો સમય આવી ગયો છે.

સામાજિક બદીનું એક ઉદાહરણ લઈએ. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ગ્રાહકો કે પોતાના કામદારોને લૂંટે છે. પરિણામે જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી મળે અને બહેનો જ મોટે ભાગે ગૃહ સંચાલન કરતી હોવાથી ગરીબીનો ભરડો તેમને વધુ ગુંગળાવે. પણ એ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ઘેર માતા કે પત્ની હશે અને તેમને પોતાના પુત્ર કે પતિની વેપાર-ઉદ્યોગની નીતિ, તેનાથી થતો નફો વગેરેની જાણ પણ હશે. તો સવાલ એ પૂછીએ કે એ મહિલાઓએ પોતાના સ્વજનને આવી ગેરરીતિ ન આચરવાનું કહ્યું હશે? એવી જ રીતે લાંચ રુશ્વત બહોળા પ્રમાણમાં લેવાય અને દેવાય છે. અહીં પણ ટ્રૅઇનની ટિકિટ બુક કરાવવાથી માંડીને કોલેજમાં એડમિશન મેળવવાનું હોય કે ધારાસભાની સીટ માટે માગણી કરવાની હોય ત્યારે પુરુષ કદાચ ખુલ્લેઆમ લાંચ આપતો હશે, પણ બાજુમાં તેની બહેન કે પુત્રી ઊભી હશે. તો શું તેમની એવી નૈતિક ફરજ નથી બની રહેતી કે ડાબે હાથે અપાતી રકમથી મળતા લાભ પોતે જતા કરે અને પોતાના કુટુંબના સભ્યને તેમ કરવા સમજાવે?

ભારતમાં બનેલ એક સાચી ઘટનાની વાત કહું. એક પિતા પોતાના પુત્ર માટે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા ગયા, તો જુદી જુદી કોલેજમાં ઓછુંવત્તું ‘ડોનેશન’ આપવાનું કહેવામાં આવ્યું. એકાદ કોલેજમાં પોસાય તેવી ‘દાન’ની માંગણી સ્વીકારવી કે નહીં એ વિચારતાં માતા-પિતાએ મોટી પુત્રીની સલાહ લેવા ફોન કર્યો. તેણે પિતાની આવું ડોનેશન આપવાની તૈયારી જાણીને ફોન જ મૂકી દીધો. પિતાએ કારણ પૂછ્યું તો કહે, ‘જ્યાં આવું ડોનેશન ન આપવું પડે એવી સરકારી કોલેજમાં ભણાવો, મારો ભાઈ હોશિયાર છે, એને અનીતિના પાઠ નથી ભણાવવા. આ વાત ભાઈએ પણ મંજૂર રાખી અને આજે એ એક ઉત્તમ ફિઝિયોથેરપિસ્ટ બનવા તૈયાર થઈ રહ્યો છે. આમ દરેક સ્ત્રી પોતાનું નૈતિક બળ અજમાવે તો આવી દરેક ગેરરીતિ અટકાવી શકાય.

સમાજના નૈતિક અધઃપતનની ચરમ સીમા તેનાં સ્ત્રી સભ્યોનાં શીલની રક્ષા કરવાનું સામર્થ્ય ગુમાવવામાં છે. દૌપદીનાં ચીર ખેંચાયાં એ સમયથી સ્ત્રીની લાજ પુરુષના હાથમાં રહેતી આવી છે અને પુરુષ વર્ગ તેને લૂંટવા અને તેનો સાક્ષી થવાને ટેવાયેલો રહ્યો છે એ દુઃખદ બીના છે. અપહરણ અને બળાત્કારના કિસ્સાની નોંધ વધુ લેવાય છે. તો સહેજે સવાલ થાય કે આવું નિમ્ન કક્ષાનો ગુનો કરનાર આખર એક કુટુંબનો સભ્ય છે, તેને પાડોશીઓ, મિત્રો, સાથી કાર્યકરો છે, તો શું કોઈને આવા મર્દોની માનસિકતાનો ખ્યાલ જ ન હોય તે શક્ય છે? તેવા લોકોને જન્મ આપનાર, ઉછેરનાર, જીવનમાં સાથ આપનાર તમામ નારીઓ આંખ આડા કાન કરે તેને માફ કરી શકાય? પોતાના જાણીતા કોઈ પણ પુરુષના બદ ઈરાદાની જાણ થતાં તેને સમજાવવાની કોશિશ કરાય કે તેને પોલીસને હવાલે સોંપાય તો આવા ગુનાઓ થતા અટકી જાય અને એ ફરજ તેમના જીવન સાથે જોડાયેલી મહિલાઓની છે. આવાં અનેક સામાજિક દૂષણો વિષે જરા ઊંડાણથી તપાસ કરીએ તો પુરુષોના હાથે થતા અત્યાચાર પાછળ સ્ત્રીઓની ચુપકીદી, અવગણના અને કશું કરવાની હિંમતનો અભાવ દેખાઈ આવશે. એક સ્ત્રી બળાત્કારનો ભોગ બને છે તેની સામે ગુનેગારની સ્વજન હોય તેવી બીજી તે વિષે મૌન પણ સેવે છે એ કેમ ભુલાય?

રાજકારણ ક્યારે ય નહોતું તેવું માનવ જીવનના દરેક ક્ષેત્ર પર આધિપત્ય જમાવતું બની રહ્યું છે. જીવનનું એક પણ પાસું એવું નથી જેને રાજકીય કાવા દાવા અને સ્વાર્થ પટુતાની ઝાળ ન લાગી હોય. ઇતિહાસ બોલે છે કે લોકશાહી રાજ્ય પદ્ધતિના આગમન પહેલાં રાજા મહારાજાઓ લડાઈઓ કરતા, જેમાં લશ્કરના સૈનિકો માર્યા જતા અને તેમની માતા, બહેનો, પત્નીઓ, પુત્રીઓ બેહાલીના જીવનમાં ધકેલાઈ જતા. આટલું જાણે પૂરતું ન હોય તેમ વિજેતા સૈન્ય લૂંટફાટ કરતા અને સ્ત્રીઓની લાજ લૂંટાતી. આ બધું જ કરનારાઓ મુખ્યત્વે પુરુષો જ હતા, વીરાંગનાઓ ભાગ્યે જ રણસંગ્રામમાં જોવા મળતી. પરંતુ આપણે રખે ભૂલીએ કે લડાઈ કરવાના નિર્ણય પાછળ, તેની તૈયારી માટે શસ્ત્રો સજવામાં, સૈનિકોને શૂરાતન ચડાવવા માટે અને વિજયી સેનાને વધાવવા સ્ત્રીઓ અગ્રીમ હરોળમાં કામ કરતી. આજે હવે લોકશાહી આવી, સ્ત્રીઓને પુરુષ સમાણા અધિકાર મળ્યા. ગ્રામ પંચાયતથી માંડીને દેશનું સૂકાન સંભાળવાની તક મળી તો તેણે શું કર્યું? નાના કે મોટા પદની અધિકારી થઈને પુરુષ કરતાં ય સવાયું શોષણ કરતાં, ક્રુરતાથી વિરોધીઓનો કાંકરો કાઢતાં અને સત્તાના મદમાં એકહથ્થુ વહીવટ કરતાં શીખી ગઈ. તો કૂટ રાજદ્વારી નીતિ અને દમનકારી કાયદાઓનો ભોગ જેમ કેટલી સ્ત્રીઓ બને છે તેમ એ નીતિઓ ઘડવામાં અને કાયદાઓનો અમલ કરાવવામાં સ્ત્રીઓ સરખે હિસ્સે ભાગીદાર બનવા લાગી છે.  

રહી વાત પર્યાવરણની જાળવણીની અને સ્વાસ્થ્યની સંભાળની. તે એ બંને બાબતો જેટલી વ્યક્તિગત તેટલી જ વૈિશ્વક મહત્તા ધરાવે છે અને બંને જીવન પદ્ધતિ સાથે નિસ્બત ધરાવે છે. ભૌતિક સુખોની ઝંખના, તેને માટે સુખ-સગવડનાં સાધનોનો અમર્યાદ ઉપયોગ અને તેનો અવિચારી વ્યય થાય છે જેને માટે પુરુષોથી વધારે નહીં તો તેમના જેટલી જ મહિલાઓ જવાબદાર છે. બહેનો ઘર ગૃહસ્થીની વ્યવસ્થાથી માંડીને આંતરરાષ્ટ્રીય સ્તરે કુદરતી સંસાધનોના ઉપયોગના આયોજનમાં સક્રિય ભાગ લઈને પોતાનું ઉત્તરદાયિત્વ પૂરવાર કરે તે જ ઇચ્છનીય છે.

દુનિયાના મુખ્ય ધર્મોમાંના કોઈ પણ ધર્મોમાં સ્ત્રીઓને સર્વોચ્ચ સ્થાન મળ્યાનું કે તેમને ધાર્મિક ક્રિયાઓ કરાવવા માટે સમાનાધિકાર હોવાનું હજુ સુધી શક્ય નહોતું, જેમાં હવે પરિવર્તન આવવા લાગ્યું છે. પણ તેથી શું થયું, વ્યાસપીઠ પર વિરાજમાન થયા વિના, મોટી મેદનીને સંબોધન કર્યા સિવાય બહેનો પોતાના ઘર આંગણે બેસીને હાલરડાં ગાઈ, વાર્તાઓ કહીને તેમ જ તહેવારો અને પ્રસંગોની ઉજવણી ટાણે લોકગીતો ગાઈને પોતાના ધર્મની આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનની રસધારા સદીઓથી પોતાના પછીની પેઢીઓને પીવડાવતી આવી છે. તો હવે જયારે સાંસ્કૃિતક મૂલ્યોનું ધોવાણ થઇ રહ્યાની બુમરાણ મચી રહી છે, ત્યારે શું એ જ માતાઓ, દાદીમા અને નાનીમા પોતાની ફરજ ચૂક્યાનાં ભાન સાથે સમાજને ફરી બેઠી નહિ કરે? ધર્મનો ઉલ્લેખ કર્યો જ છે તો તેના અંચળા હેઠળ થતાં માનસિક અને જાતીય શોષણ અને આતંકી હુમલાઓ આપણા ધ્યાનમાં આવ્યા વિના ન રહે. સ્ત્રી-પુરુષ સમાનતાનો વાયરો હવે વિધ્વંસક અને હિંસક પ્રવૃત્તિઓમાં પણ આવવા લાગ્યો છે, અને તેથી જ તો નાની કુમળી બાળાઓ પણ ઇસ્લામિક સ્ટેઇટ દ્વારા સંચાલિત સામૂહિક હત્યાઓ જેવા અમાનવીય કૃત્યોમાં પણ જોડાઈ જ છે. તો હવે સ્ત્રીઓ માત્ર આતંકવાદનો ભોગ બને છે એમ ખસૂસ નહીં કહી શકાય કેમ કે તેઓ માત્ર ભાગીદાર નહીં, પોતાના અને અન્ય પુરુષોના કરતૂતો માટે સરખે હિસ્સે જવાબદાર પણ છે.

અહીં એટલું જ કહેવાનો આશય છે કે ‘નારી દુનિયાની સમસ્ત સમસ્યાઓનો ભોગ બને છે’ એમ કહીને સ્ત્રી દાક્ષિણ્ય ધરાવનાર પુરુષ વર્ગ અને કર્મશીલોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરવો એ હવે ‘અબળા’ હોવાની નિશાની ગણાવી જોઈએ. સ્ત્રીની ખરી શક્તિ તો નાનામાં નાની સામાજિક બદીથી માંડીને માનવ અધિકારનો ભંગ કરે અને હિંસા કરે તેવા કર્મો પાછળ રહેલા પોતાના ઉત્તરદાયિત્વને સ્વીકારે અને એ બધું મૌન રહી નિષ્ક્રિય રહેવાને બદલે તેમ થતું અટકાવે, તેનો વિરોધ કરે અને જરૂર પડ્યે અસહકાર કરી એવી પરિસ્થિતિઓનો અંત લાવે તેમાં સમાયેલી છે.

‘કોઈ પણ સમસ્યાઓનો ન ભોગ બનીએ, ન ભાગીદાર’ એવી પ્રતિજ્ઞા સહુ બાળાઓ અને યુવતીઓ લે તો હાલની વણસતી જતી પરિસ્થિતિમાં પુરુષ એકલો પડી જશે અને તેથી તેનો અંત પણ આવશે એવી શ્રદ્ધા છે.

કરી તો જોઈએ.

e.mail : 71abuch@gmail.com

Loading

ભોગીલાલ ગાંધી જન્મ શતાબ્દી ગ્રંથ : પુસ્તક પરિચય

મનોજ રાવલ|Opinion - Literature|13 January 2017

ભોગીલાલ ગાંધી જન્મ શતાબ્દી ગ્રંથ. પ્રકાશન – પ્રાપ્તિસ્થાન : ગુજરાત સાહિત્ય પરિષદ, નદી તટે, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પાછળ, આશ્રમમાર્ગ, અમદાવાદ – 380 009.

લગભગ આઠેક જેટલા સંપાદકોમાંથી અડધાથી વધારે સંખ્યાના મિત્રો વિવિધ સામયિક-ગ્રંથ સંપાદનનો અનુભવ ધરાવતા પ્રખ્યાત નામો છે. જેમ કે પ્રકાશ ન. શાહ (નિરીક્ષક), રમણ સોની (પ્રત્યક્ષ), વિપુલ કલ્યાણી (ઓપિનિયન), યોગેશ જોષી (પરબ), વગેરે. પૃષ્ઠ સંખ્યા ૮+૫૫૪ છે. કિંમત રૂપિયા ૫૨૫=૦૦. ત્રણસો પ્રત જ આ કર્મશીલને ઓળખવા માટે ગુજરાતમાં પૂરતી છે, તેવું અનુભવ આધારે વિચાર્યું હશે !

૨૦૧૧ની ભોગીભાઈની જન્મ શતાબ્દી વેળા ભોગીભાઈના ગ્રંથોમાંથી ઉત્તમ લેખો સંચિત કરીને તેમના વિશે અન્ય અભ્યાસીના લેખો મેળવી ગ્રંથ પ્રગટ કરવા ધારેલું. અડધા દશકામાં તો લગભગ દસેક લેખ નવા મેળવી પણ લીધા. તેમાનાં પાંચેક તો પરિવારની સ્મરણાંજલિ રૂપ છે. કદાચ ૨૦૧૧નો રાજેન્દ્ર પટેલનો શતાબ્દી વંદના પ્રકારનો અને ૨૦૧૩નો લેખ ગુલામ મહમ્મદ શેખના નવાં લખાણો કહી શકાય. બાકીનામાં – ૧૯૬૯માં લખાયેલ આશરે ૪૭ પાનાંનો સુમન શાહનો લેખ ૨૦૦૬માં પ્રગટ થયેલો (લખાણો ક્યારે હશે?) પ્રકાશ ન. શાહનો લેખ. જયંત પંડ્યાનું ૧૯૯૮માં પુનઃમુદ્રિત થયેલ તે લખાણ અન્ય ૨૦૧૧ના પ્રાસંગિક કે તારીખ વગરના જૂના માનવા કારણ પ્રેરે તેવાં લખાણો અત્રે પ્રસ્તુત કરાયાં છે.

‘વિશ્વ માનવ’નો સંપાદક આ રીતે કામ કરતો હોત તો ? લેખોની ગુણવત્તા કે મહત્ત્વ ઓછા આંકવાનો પ્રયત્ન નથી, પરંતુ કોઈ સંસ્થા દ્વારા આવડી મોટી ફોજથી સાહિત્ય-સંસ્કૃિતની બોલાવતી હોય ત્યારે પુનઃવિચાર, પુનઃમૂલ્યાંકન શતાબ્દી વરસમાં ન થાય તો ક્યારે થાય ?

ભોગીલાલ ગાંધીની જિંદગીની સાલવારી પ્રમાણેનાં કાર્યો, (ભલે અંદાજે) તેમનાં લખાણોની સૂચિ, તેમના વિશેનાં લખાણોની સૂચિ (નેમ એન્ટ્રી) આ બધાનો અભાવ આઠમાંથી એકેય સંપાદકને ન નડ્યો ? ખેર, ગ્રંથમાં જે ન હોય તેની વાત ન કરાય એ પરંપરાને આત્મસાત્‌ કરીને જે સારું લાગ્યું તેનો ઉલ્લેખ કરીએ.

પ્રથમ તો ખુદ ભોગીલાલ ગાંધીનાં લખાણો આશરે ૪૦૬ પાના સુધી મળે છે. ગાંધી, માર્ક્સ, હર્બટરીડ, તોલ્સતોય, શરદબાબુ વગેરે વિશે ભોગીલાલ ગાંધીની વિચારણા ઉપલબ્ધ થાય છે. પરિષદને આ કામ બદલ અભિનંદન.

આપણે ત્યાં આજકાલ માર્ક્સવાદી દૃષ્ટિએ સાહિત્યનું મૂલ્યાંકન કે ગુજરાતી વિવેચન સાહિત્યમાં માર્ક્સવાદની અસર ઝીલતી પ્રવૃત્તિ ઓછી દેખાય છે. તે વલણ ભોગીલાલ ગાંધીમાં કઈ પ્રગતિશીલ રીતે પ્રગટ થતું રહેલું એ પ્રગટ કર્યું છે. સાથોસાથ ભોગીલાલ ગાંધીનું લખાણ ભક્તિ પ્રણાલીની અવિરત ધારા પણ અપાયું છે. આમ વિવિધ પાસાં વ્યક્તિનો આંતરવિરોધ નથી દર્શાવતા પણ વ્યક્તિત્વની અખિલાઈ માટેના પૂરક પાસાં દર્શાવે છે.

બીજા વિભાગમાં ભોગીલાલ ગાંધી અને એમનાં પુસ્તકો વિશેનાં લખાણો દ્વારા તેમની કલા અને વિદ્યા-પ્રીતિ દર્શાવી છે.

રઘુવીર ચૌધરી, રાજેન્દ્ર પટેલ, ડંકેશ ઓઝા, યોગેશ જોષી, હરિકૃષ્ણ પાઠક, જયંત પંડ્યા વગેરે પરિષદના આંગણમાંથી જ પ્રાપ્ત થતા લખનારા હોય તેનો રાજીપો સર્વને હોય જ. પણ આ નિમિત્તે કેટલાક મુદ્દા નવા સંદર્ભમાં ચર્ચી શકાત. દા.ત. કોઈ વિચારધારા-આદર્શને વરેલ કર્મશીલનું તેનું વૈચારિક સંગઠન દા.ત. આર.એસ.એસ., સામ્યવાદીપક્ષ, ધર્મ-સંપ્રદાય કઈ રીતે શોષણ સામગ્રીમાં તબદીલ કરે છે ? વ્યક્તિની બુદ્ધિ પ્રતિભાનો ખપ જે-તે સંગઠન માટે પૂરો થાય ત્યારે સામાજિક સલામતી માટે તેમના અંગે શું વિચારે છે ? વિચારધારા બદલાઈ તો રુચિ પ્રમાણે કામ કરવાની તક જે-તે પૂર્વ સંગઠન તેની સારપમાં વિશ્વાસ રાખીને સુવિધા આપશે ? ભોગીલાલ ગાંધીના સમાન કેટલા ય કર્મશીલોએ ગુજરાતી પ્રજાના ઘડતર માટે કામ કર્યું છે. તેવી વ્યક્તિ અંગે સમૂહ (સંગઠન) કઈ રીતે વર્તે છે ? અન્ય ક્ષેત્રના કર્મશીલો સ્વાન્ત સુખાય કે સેવા ભાવનાથી અથવા બહેતર સમાજ રચના માટે કામ કરે તો તેમની માત્ર ફરજ કે તેમના પક્ષનો હરખ માનતા સમાજની ચર્ચા અંગે આવા ગ્રંથમાં સ્થાન હોય કે ન હોય તે સંપાદકોની પસંદગીનો મામલો છે. પણ આવા ઘણા મુદ્દા ભોગીલાલ ગાંધી શતાબ્દીગ્રંથ નિમિત્તે ચર્ચવાની તક હતી.

ત્રીજા વિભાગમાં સિદ્ધાર્થ નરહરિ ભટ્ટ, દશરથ ગાંધી, વીરેન્દ્ર ગાંધી, કમલેશ ગાંધી, કૃષ્ણવદન હ. ગાંધી, નંદિની ગાંધી, અમિતાભ ગાંધીનાં લખાણોમાં કુટુંબગત ભોગીલાલ ગાંધી સંકળાયેલા પ્રાપ્ત થાય છે. ઉપરાંત તેમના દાર્શનિક-વ્યવહારિક વલણો પણ પ્રગટ થાય છે. અહીં બિનજરૂરી પ્રશંસા ટાળી વ્યક્તિની મહત્તા ઉપસાવવામાં આ લખાણો ઉપકારક છે. ભલે પાંચ વરસ મોડું આ પુસ્તક આવ્યું પણ યોગ્ય વ્યક્તિ અંગેનું તેમનાં લખાણોનું પ્રતિનિધિત્વ ધરાવતું આ પુસ્તક આવકારદાયક છે. ભોગીલાલ જેવા કર્મશીલથી ગુજરાત ગુણવંતી અને રળિયાત છે.

(ગુજરાતીના નિવૃત્ત પ્રોફેસર, ઉપલેટા)

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક : 110; વર્ષ : 11; જાન્યુઆરી 2017; પૃ. 16- 17

Loading

...102030...3,4713,4723,4733,474...3,4803,4903,500...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved