Opinion Magazine
Number of visits: 9456804
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇતિહાસ નથી તો ઓજાર કે નથી એ સંપ્રદાય : સમાજને સારુ સ્વશિક્ષણની એ તો શાળા છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|23 November 2024

બિરસા સાર્ધ શતાબ્દી

અંગ્રેજ અમલના ઉત્તરકાળે આરંભાયેલ રાષ્ટ્રીય ઇતિહાસલેખને સાંસ્થાનિક દૃષ્ટિકોણમાં બદલાવ આણ્યો અને માર્ક્સવાદી ઇતિહાસલેખને ચોક્કસ મર્યાદામાં એમાં આર્થિક – સામાજિક પરિમાણનો પ્રવેશ કરાવ્યો : સહૃદય સ્વાધ્યાય અને સમીક્ષાને કારણે આ પ્રક્રિયા અનવરત રહેશે.

બિરસા મુંડા

હાલના સત્તા પ્રતિષ્ઠાને બિરસા મુંડાની સાર્ધ શતાબ્દીનો રંગેચંગે પ્રારંભ કીધો અને રાષ્ટ્રપતિ, વડા પ્રધાન તથા ગૃહ પ્રધાને પોતપોતાને સ્તરેથી તે અંગે ઘટતા અવાજો પણ કાઢ્યા એ તો જાણે કે ઠીક જ થયું. ચોક્કસ રાજકીય-સામાજિક અગ્રવર્ગની ફરતે રમતે ભમતે આપણું ઇતિહાસચિંતન ચાલતું હોય છે તે વિસ્તરે અને આટલા મોટા લગભગ ખંડસદેશ દેશમાં જે નાનાવિધ સમુદાયો છે એ સૌને અંગે એક સહૃદય એવો સમાવેશી અભિગમ વિક્સે એ અલબત્ત ઇષ્ટ છે. રાજ્યોમાં ચૂંટણીદોર જારી હતો અને એમાં વળી ઝારખંડ તો સુવાંગ આદિવાસી ઇલાકો, એ જોતાં રાજકીય-શાસકીય અગ્રવર્ગ બિરસા મુંડા નિમિત્તે વરસી પડે એ ય સમજી શકાય એવું છે.

પ્રકાશ ન. શાહ

પણ આ બધા શોરની કળ વળે (બલકે, મૂર્છા ઉતરે) ત્યારે કેટલીક પાયાની બાબતો સહવિચારની દૃષ્ટિએ સમજવી જરૂરી બને છે. નહીં કે અન્યથા પણ આ ચર્ચા ન કરવી જોઈએ, પરંતુ વડા પ્રધાને અને ગૃહ પ્રધાને બિરસા-બિરસા નાદ વચ્ચે જે એક એવી છાપ ઉપસાવવાની કોશિશ કરી કે અમે આગળનાઓએ ઇરાદાપૂર્વક બાજુએ રાખેલ મહાનાયકોને સંભારી રહ્યા છીએ તેને કારણે સહવિચારની તાકીદ ઓર વધી જાય છે.

પહેલાં તો, સમતાપૂર્વક આપણે સૌએ એટલું સમજવું અને સ્વીકારવું પડે કે ઇતિહાસ બધો વખત આખો ને આખો આપણી સામે ઊઘડતો નથી હોતો. સરજાતા ઇતિહાસમાં કેટલીક પરત ખૂલે છે, કેટલીક અધખૂલી રહે છે. બહુ જ જાડો, સાવ સાદો દાખલો આપવો હોય તો હજુ સૈકા બે સૈકા પર લખાતો ઇતિહાસ રાજાઓ અને રાજવંશોને તેમ જ તેમનાં આપસી જુદ્ધોનો મુખ્યત્વે હતો. ધીરે ધીરે આપણે પ્રજાઓના ઇતિહાસલેખનમાં પ્રવેશ્યા. સામાન્યપણે આ લેખન પણ જે અગ્રવર્ગ હોય એની ફરતે થતું હશે, ક્રમે ક્રમે એમાં આમ આદમીનો પ્રવેશ થયો. વળી, આપણે ત્યાં જેમ અગ્રવર્ગ તેમ અગ્રવર્ણનોયે સ્વાભાવિક પ્રશ્ન રહે. અંગ્રેજ કાળમાં આપણે જે ઇતિહાસલેખન જોયું તે સ્વરાજ આવતે આવતે સ્વાભાવિક જ જુદા ફલક પર મૂકાયું. રાષ્ટ્રીય ઇતિહાસલેખનની દૃષ્ટિએ અંગ્રેજ અમલના ઉત્તરકાળમાં રાજેન્દ્રપ્રસાદની અધ્યક્ષતામાં જે સમિતિ બની એણે બહુ સરસ અભિગમ લીધો હતો કે ‘રાષ્ટ્રીય’નો અર્થ એ નથી કે આપણી મર્યાદાઓ અને ક્ષતિઓને આ અભ્યાસમાં ઢાંકવી. આપણો આશય આ ક્ષતિઓ ઢાંકવાનો નહીં પણ તેની દુરસ્તીનો છે.

આ જ રાષ્ટ્રીય ઇતિહાસલેખનની ધારામાં (ક્વચિત તેને સમાંતર પણ) માર્કસવાદી ઇતિહાસલેખન આવ્યું. સ્વાતંત્ર્યચળવળ ઉત્કર્ષકાળની મુખ્ય ધારા એટલે કે કાઁગ્રેસ ને ગાંધી જેવાં ને જેટલાં ઊપસતાં હશે એમાં એમણે વંચિત સમુદાયો અથવા મુખ્યધારામાં દેખીતા ન જણાય તેવા કિસાનમજદૂર ઉઠાવોને ઊંચક્યાં. બિરસા પ્રકારના આદિવાસી – કિસાન ઉઠાવોને અંગે એમાં ખાસું કામ થયું. બિપનચંદ્ર જેવા માર્ક્સવાદી ઇતિહાસકારે ડાબેરીઓ રાષ્ટ્રીય ચળવળમાં ગાંધીના યોગદાનને સુપેરે સમજી શક્યા નહીં હોવા બાબતે ખખડાવીને લખ્યું પણ ખરું.

નમૂના દાખલ, બિરસાની જ વાત લઈએ તો એમની ભૂમિકા સારુ એકાએક કોઈ આસમાની નવજાગૃતિ પેરેશૂટ પેઠે ઊતરી પડી હોય એવું નથી. 1885-90 બિરસા પ્રકરણ વખતે ત્યારનો વિધાનગૃહમાં સુરેન્દ્રનાથ બેનરજીએ ઉઠાવેલ સવાલો ને છેડેલ ચર્ચા ઇતિહાસદર્જ છે. તત્કાલીન અખબારોમાંયે તે ઝિલાયેલી છે. હાલ ઝારખંડમાં પણ સાંથાલ પરગણાનો બંગાળ સાથે સીધો સંબંધ એટલે બંગાળ સાથે સીધો સંબંધ એટલે નેતાજી અને એમનો ફોરવર્ડ બ્લોક ખાસ બિરસા જયંતીનો આયોજનો કરતાં. 1940ની રામગઢ કાઁગ્રેસે પોતાના મુખ્ય પ્રવેશદ્વાર સાથે બિરસાના નામને સાંકળ્યું હતું. સંસદ પરિસરમાં (હવે જેને પ્રેરણાસ્થળ કહેવાય છે, ત્યાં) પચીસ વરસથી બિરસાની પ્રતિમા સ્થાપિત થયેલી છે.

ઘણાં અણગાયાં પાત્રો હજુ પ્રજાસૂચ પુજાપાની પ્રતીક્ષામાં છે. હાલનું સત્તા-પ્રતિષ્ઠાન ગમે તે ક્ષણે જેને ‘વોક’માં ખપાવી શકે એવા એક સમર્પિત કર્મશીલ પત્રકાર પી. સાઇનાથે એમનાં પૈકી કેટલાંક જીવંત ચિત્રોની હજુ એકબે વરસ પર જ ‘ફૂટપ્રિન્ટ્સ’ રૂપે અક્ષર રજૂઆત કરી છે. ઇતિહાસલેખનમાં આર્થિક-સામાજિક પૃષ્ઠભૂ એ ડાબેરી લેખનનો વિશેષ છે જે હવે મુખ્યધારામાં સ્વીકારાયેલો છે.

ઇતિહાસને ઓજાર કે સંપ્રદાય તરીકે નહીં પણ વ્યાપક સ્વશિક્ષણની અભિનવ સાધનારૂપે જોવા ઘટાવવાપણું છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 20 નવેમ્બર 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—264

દીપક મહેતા|Opinion - Opinion|23 November 2024

જમશેદજીનું પોલાદી સપનું સાચું પાડ્યું દીકરા દોરાબજીએ

તારીખ: ૨૭ ઓગસ્ટ, ૧૯૦૭. 

સ્થળ: મુંબઈના હોર્નબી રોડ પર આવેલું નવસારી મેન્શન નામનું મકાન. 

સમય: વહેલી સવાર.

રોજ તો વહેલી સવારે આય રોડ સૂમસામ હોય. પન આજે આય રોડ પર આવેલા નવસારી મેન્શનની બહાર વહેલી સવારથી લોકોની લાંબી ક્યૂ લાગી ગઈ છે. આય મકાનમાં આવેલી તાતા ગ્રૂપની ઓફિસ રોજ તો સવારે દસેક વાગે ખૂલે. પન આજે એ બી વહેલી ખૂલી ગઈ છે. લાઈનમાંથી એક પછી એક જણ એ ઓફિસમાં જાય છે, ફોર્મ ભરે છે, રોકડા પૈસા આપે છે, અને મલકાતે મોઢે એક કાગલિયું લઈને બહાર આવે છે. બીજા થોરા લોકો એને ઘેરી વલે છે: અરે! જરા બટાવ તો ખરો! કેવો છે આ કંપનીનો શેર. અને એ શેરની જેમ જ કંપની બી હુતી નવી નક્કોર. આગલે દિવસે – ૨૬મી ઓગસ્ટ, ૧૯૦૭ના દહાડે જ તેની સ્થાપના થઈ હુતી. થોરા દિવસમાં આઠ હજાર લોકોએ એ કંપનીના શેર વેચાતા લઈ લીધા. એ વાત ગ્વાલિયરના મહારાજાના કાન સુધી પહોંચી. એવને એ કંપનીના ચાર લાખ પાઉન્ડની કિંમતના શેર ખરીદી લીધા. આય કંપની તે તાતા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, આજની તાતા સ્ટીલ. 

અત્તાર વેર તાતા ગ્રૂપે જે કંપનીઓ શુરૂ કીધેલી તેમાંની કોઈ સાથે ‘તાતા’ નામ જોડ્યું નહોતું. આય પહેલી કંપની હુતી જેની સાથે ‘તાતા’ નામ જોડાયું હુતું. સર જમશેદજીના પોરિયા દોરાબજીની ખુશીનો તો પાર નહોતો. બાવાજીનું સપનું સાચું પરસે એની ખુશી તો હુતી જ. પન આય એવો પેલ્લો દાખલો હૂતો જ્યારે ફકત હિંદીઓ માટે, ફકત હિંદીઓ દ્વારા, અને ફકત હિન્દીઓની માલિકીની આટલી મોટ્ટી કંપની શુરૂ થઈ હુતી. એ કંપનીમાં દોરાબજીએ પોતાની અંગત મિલકતમાંથી ૨૫ લાખ રૂપિયા રોક્યા અને કુલ ૨૩ કરોડ રૂપિયાના શેર લોકોને વેચાતા આપ્યા. અગાઉ બીજી કોઈ હિન્દી કંપનીએ આટલી મોટ્ટી રકમના શેર બજારમાં મૂક્યા હુતા નહીં. (પ્રિય વાચક! આ બધા આંકડા વાચતી વખતે યાદ રાખજે કે આય ૧૯૦૭ની વાત છે. તેવારના ૨૩ કરોડ એટલે આજના?) 

સર દોરાબજી તાતા

અને એ જ વરસના નાતાલના દિવસોમાં મયૂરભંજ ખાતે એ કંપનીનું કામ શરૂ થયું! થોરે દૂરની ખાણોમાંથી કાચું લોઢું કાઢીને ખટારામાં ભરાતું. વચમાં મોટુ જંગલ આવતું જેમાં વાઘ, હાથી, જંગલી રીંછ અને બીજાં જંગલી જાનવર ઘૂમતાં રહેતાં. આવું જંગલ વીંધીને ખટારા કાચું લોઢું મયૂરભંજના કારખાનામાં ઠાલવતા. આ પ્રદેશમાં લોઢા ઉપરાંત કોલસા અને ચૂનાની ખાણો પણ હતી. પન પાની? કારખાના માટે જોઈતું પાની ક્યાંથી મલસે એની ચિંતા હુતી. ભૂસ્તરશાસ્ત્રી શ્રીનિવાસ રાવ એક દિવસ ઘોડા પર બેસીને જંગલમાં ઘૂમી રહ્યા હતા. અને અચાનક ક્યાંકથી ખળખળ વહેતા પાનીનો અવાજ આયો. ખબરદારીથી એ દિશામાં આગળ વધ્યા. અને થોરે દૂર દેખાઈ સુવર્ણરેખા નામની નદી. ચાલો! છેલ્લી ચિંતા, પાનીની ચિંતા, બી દૂર થઈ. 

૧૯૦૮ના ફેબૃઆરી સુધીમાં તો મજૂરોને રહેવા માટેનાં કામ ચલાઉ ઝૂપરાં, અને કાલા-ગોરા સાહેબોની ઓફિસો બી તૈયાર થઈ ગઈ. તેને ફરતી પાક્કી દીવાલ ચણાઈ ગઈ, દરવાજો બંધાઈ ગિયો. અને દરવાજા પર નામનું બોર્ડ લાગી ગિયું: ‘તાતા સ્ટીલ કંપની.’ અને તેની આજુબાજુ બંધાવા લાગિયું દેશનું પહેલવહેલું ઔદ્યોગિક નગર. આ મુલકના લોકોએ જ નહિ, આખા દેશના લોકોએ આવું કામ, આટલી ઝડપથી થતું કામ, પહેલાં ક્યારે ય બી જોયું હુતું નહિ.

અસલ દરવાજો

પોતાનું સપનું સાચું પરતું જોવા જમશેદજી બાવા તો હાજર હુતા નહિ. પન પોતાની હયાતીમાં એવને દીકરા દોરાબજીને કાગલો લખીને આય નવું નગર કેવું હોવું જોઈએ તે સમજાવિયું હુતું: “જોજો, રસ્તા પહોળા અને બને તેટલા સીધા બાંધજો. રસ્તાની બંને બાજુએ ઘટાદાર ઝાડ વાવજો. અરધા ઝાડ ઝટ ઊગી નીકળે અને અરધા ઝાડ થોરા ધીમે ધીમે ઊગે એવા પસંદ કરજો. બાગ-બગીચા અને રમત-ગમતનાં મેદાનો માટે પૂરતી ખુલ્લી જગા રાખજો. ફૂટ બોલ અને હોકી જેવી રમતો રમવાની સગવડ રાખજો. હિંદુ, મુસ્લિમ, અને ખ્રિસ્તી ધર્મસ્થાનકો માટે અલગ અલગ જગ્યા ફાલવજો.” અને બેટા દોરાબજીએ જમશેદજીનું આય સોણલું સાકાર કીધું. 

૧૯૧૨નું વરસ. કારખાનું તૈયાર થઈ ગિયું હુતું. બધો જરૂરી સાધન-સરંજામ એકઠો થઈ ગિયો હુતો. અને તાતાના એ કારખાનામાં બનેલી સ્ટીલની પહેલવહેલી પાટ તૈયાર થઈ. અને પછી આવિયો ૧૯૧૪નો એ દિવસ. જુલાઈ મહિનાની ૨૮મી તારીખ. સત્તાવાર રીતે ફર્સ્ટ વર્લ્ડ વોરની શરૂઆત થઈ. અને આય લડાઈ ચાલી ત્યાં વેર તાતા સ્ટીલનું આ કારખાનું રોજેરોજ આઠ કલ્લાક ધમધમતું રહ્યું. એક પણ દિવસની રજા પાળ્યા વગર! કેમ? 

જમશેદપુરની મુલાકાતે વાઈસરોય લોર્ડ ચેમ્સફર્ડ અને સાથીઓ

લડાઈ માટે સૈનિકો અને સાધન-સરંજામની હેરફેર કરવા એ વખતે સૌથી ઝડપી સાધન ટ્રેન. એટલે ઠેર ઠેર નવી રેલવે લાઈન તાબડતોબ નાખવાની જરૂર ઊભી થઈ. પન નવી રેલવે લાઈન નાખવા માટે લોઢાના પાટા જોઈએ. અને યરપમાં એ પાટા માટે પૂરતું થાય એટલું સ્ટીલ હતું નહિ. મેસોપોટેમિયા, ઈજિપ્ત, પેલેસ્ટાઇન અને ઇસ્ટ આફ્રિકામાં રેલવે લાઈન નાખવા માટે જોઈતા પાટા પૂરા પાડ્યા જમશેદપુરના તાતાના આય કારખાનાએ. જો આ મદદ નહીં મલી હોતે તો કદાચ આ રેલવે લાઈનો નાખી સકાઈ હોતે નહિ. તાતાએ અણીને વખતે સરકારને  પાટા પૂરા પાડ્યા એ એટલી મોટ્ટી મદદ હુતી કે લડાઈ પૂરી થયા વેરે હિન્દુસ્તાનના વાઈસરોય લોર્ડ ચેમ્સફર્ડે (૧૮૬૮-૧૯૩૩) ૧૯૧૯ના જાન્યુઆરીની બીજી તારીખે તાતાના આય કારખાનાની ખાસ મુલાકાત લીધી અને પોતાના ભાષણમાં બોલિયા કે અણીને વખતે જો તાતાએ રેલવેના પાટા પૂરા નહીં પાડ્યા હોતે તો શું થયું હોતે એની હું કલ્પના બી કરી શકતો નથી. (લોર્ડ ચેમ્સફર્ડ ૧૯૧૬થી ૧૯૨૧ સુધી હિન્દુસ્તાનના વાઈસરોયના પદે રહ્યા હતા.) એવણે કારખાનું જ્યાં બંધાયું હુતું તે જગાને નામ આપવામાં આવ્યું જમશેદપુર. અને પાસેના ‘કાલીમાટી’ રેલવે સ્ટેશનનું નામ બદલીને રાખ્યું ‘તાતાનગર’.

‘કાલી માટી’ સ્ટેશન બન્યું તાતા નગર સ્ટેશન 

પ્રિય વાચક! યાદ છે? સ્ટીલ બનાવવાનું કારખાનું સર જમશેદજી તાતા નાખવાના છે એવા ખબર સાંભલી ઇન્ડિયન રેલવે બોર્ડના ચેરમેન સર ફ્રેડરિક એપકોટે એવનના દોસ્તને સું કીધું  હુતું? એવને કહેલું: ‘ચાલ! લાગી સરત. જો આય દેસમાં કોઈ બી માઈનો લાલ સ્ટીલ બનાવે તો ઇન્ડિયન રેલવેને જેટલું સ્ટીલ જોઈએ તે બધ્ધું એવનની ફેક્ટરીમાંથી જ હું ખરીદસ.’ હિન્દુસ્તાનના વાઈસ રોય લોર્ડ ચેમ્સફર્ડની આય સ્પીચ સાંભલવા માટે પેલા એપકોટસાહેબ હાજર હુતા કે નહિ એ જાની સકાયું નથી છે. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 23 નવેમ્બર 2024

Loading

હોસ્પિટલનું ગુજરાતી હવે સ્મશાનગૃહ થાય એવું બને …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 November 2024

રવીન્દ્ર પારેખ

કડીનાં બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો ને તેમાંથી 19 દર્દીને સારવાર માટે અમદાવાદની આ હોસ્પિટલે બોલાવાયા. દર્દીઓ આવ્યા તો તેમને પૂછ્યા વગર જ સ્ટેન્ટ મૂકી દેવાયા. સ્ટેન્ટ મુકાયા પછી સિત્તેર વર્ષના સેનમ નાગર મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશ ગિરધરભાઈનું મૃત્યુ થયું. દેખીતું છે કે આવું થાય તો પરિવારજનોનો રોષ ભભૂકી ઊઠે. પરિવારોએ વિરોધ કરતાં આરોપ મૂક્યો કે હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ કરી પૈસા પડાવવા દર્દીઓની જાણ બહાર સ્ટેન્ટ મૂક્યાં અને બે દર્દીઓના આ વેપલામાં મોત થયાં. રાજ્ય સરકારે રાબેતા મુજબ તપાસના આદેશો આપ્યા. રાબેતા મુજબ તપાસ શરૂ થઈ. તપાસ દરમિયાન સાતેક હોસ્પિટલો સસ્પેન્ડ થઈ. ચારેક ડોકટરો સસ્પેન્ડ થયા, જેમાં ખ્યાતિ હોસ્પિટલનો ડો. પ્રશાંત વજીરાણી પણ સામેલ છે. તપાસ તપાસ ચાલે છે ને કડક કડક કાર્યવાહીનો દોર પણ ચાલે છે. જો કે, આ મામલો કડી પૂરતો સીમિત નથી. ખ્યાતિ હોસ્પિટલના રડાર પર સાણંદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લા પણ હતા. આ વિસ્તારોમાં મફત મેડિકલ કેમ યોજાતા હતા ને જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હતા તેવા દર્દીઓને હોસ્પિટલે બોલાવીને, તેમની જાણ બહાર સ્ટેન્ટ મૂકી દઈને, આયુષ્યમાન કાર્ડમાંથી સરકાર પાસેથી પૈસા પડાવી લેવાતા હતા. આ સ્ટેન્ટ મૂકવામાં પણ ભેદભાવ થતો હતો. આયુષ્યમાન કાર્ડ હોય તેને હલકી કક્ષાનું ને રોકડા આપનારને સારામાંનું સ્ટેન્ટ નખાતું હતું.

ડો. પ્રશાંત વજીરાણી જેવા તો ઓઠું છે. ખરા કારીગરો તો હોસ્પિટલના સંચાલકો છે, જે ડોકટરોને ટાર્ગેટ આપે છે ને ચોક્કસ સમયમાં હાર્ટ સર્જરી કરવાનું દબાણ કરે છે. આયુષ્યમાન યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં 46 લાખ દર્દીઓ પાછળ ગુજરાતમાં 9,000 કરોડથી વધુનો ખર્ચ થયો છે. ખ્યાતિ કાંડ મામલે પોલીસ પણ પહોંચી છે ને તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે. આયુષ્યમાન કાર્ડ ધારકને કોઈ ખર્ચો નથી એમ કહીને સારવાર માટે હોસ્પિટલે ખેંચવામાં આવતા અને એમ કરીને ડોકટરો દર્દીઓને જ નહોતા વેતરતા, સરકારને પણ વેતરી નાખતા હતા. આયુષ્યમાન કાર્ડમાંથી જે જે રકમો ઊપડી છે તે કરોડોની રકમ હવે સરકાર હોસ્પિટલ પાસેથી વસૂલશે. એ તો બરાબર, પણ આ ડોકટરો એકલી સરકારને જ વેતરીને રહી ગયા નથી, અન્ય દર્દીઓને પણ આ નિર્લજજોએ લૂંટવામાં કૈં જ બાકી નહીં રાખ્યું હોય એ  સ્પષ્ટ છે. એમાંના ઘણા ગુજરી ય ગયા હશે, એમને તો ન્યાય નહીં જ મળવાનોને ! ગુજરાતમાં કોર્પોરેટ-ખાનગી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મોકલીને સરકારી યોજના દ્વારા કરોડો કમાવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલે છે. ગામડાંના નાના ડોકટરો આવા દર્દીઓને મોકલીને ભારે દલાલી ચાટતા હોય છે. કોઠાના દલાલો કરતાં આ લોકો વધારે બદતર છે. ગુજરાતની 800 હોસ્પિટલોની તપાસ કરવાની વાત છે. તપાસનો ખેલ એવો છે કે એ શરૂઆતમાં ચાલે છે ને પછી તેનું ક્યારે પડીકું વળી જાય છે તેની ખબર જ પડતી નથી.

ડોકટરો દર્દી માટે ભગવાન છે. એ બિચારાઓને ખબર નથી કે જેમને એ ભગવાન માને છે તે તો ભગવાન પાસે પહોંચાડનારા દલાલો છે. એ શું જાણે કે આયુષ્યમાન કાર્ડ આયુષ્ય ઘટાડશે ! એ તો મૂરખની જેમ ડોકટરોને હવાલે થયા ને ડોકટરોએ જરૂર ન હતી તો ય સ્ટેન્ટ મૂકીને મોતને હવાલે કર્યા. આ હોસ્પિટલો, તેના સંચાલકો, તેના ડોકટરો એટલા ગરીબ છે કે દર્દીને આગળ કરીને સરકારનું ખીસું કાતરી લે છે. કોઈ હેવાન પણ ન આચરે એવી નીચતા આ ડોકટરો આચરે ત્યારે દર્દીઓએ હોસ્પિટલ જવા કરતાં ઘરે જ મરી રહેવું બહેતર છે એમ કહેવાનું મન થાય, કારણ હોસ્પિટલમાં તો ગમે તેવી ચીરફાડ પછી પણ મરવાનું તો કર્મે ચોંટેલું જ છે.

ખ્યાતિ હોસ્પિટલના આવા જઘન્ય અપરાધ પછી ઝાંસીની મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે વિસ્ફોટ થયો અને તે પછી લાગેલી આગમાં 11 નવજાત શિશુઓનો ભડકો થઈ ગયો. બારીના કાચ તોડીને 39 બાળકોને તો બચાવી લેવાયાં, પણ જેમને જીવન શું એની ખબર પડે તે પહેલાં જ 11 કૂમળા જીવો ફૂંકાઈ ગયા. ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં સ્પાર્ક થતાં આગ ફાટી નીકળી ને નવજાત જીવો તેમાં હોમાઈ ગયા. પછી તો અહીં પણ ઉચ્ચ સ્તરીય બેઠકો શરૂ થઈ. મંત્રીઓ દોડ્યા. ચોમેર તપાસ તપાસ થઈ રહ્યું. જવાબદારો સામે કડક પગલાંની રાબેતા મુજબ ઘોષણા થઈ. રાબેતા મુજબ યુ.પી. સરકારને વિપક્ષે જવાબદાર ઠેરવી. બાળકોનાં પરિવારજનોએ હોબાળો કર્યો. વડા પ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું. પછી વળતર-મળતરની જાહેરાત થઈ. યુ.પી. સરકારે મૃતકોના પરિવારને પાંચ પાંચ લાખની અને ઘાયલોના પરિવારજનોને પચાસ પચાસ હજારની જાહેરાત કરી. પછી રિપોર્ટ રિપોર્ટ ચાલ્યું. આ બધું રાબેતા મુજબ ચાલશે ને નવી ઘટના બને ત્યાં સુધી ફરી બધાં ઘોરી જશે.

આમ તો ફાયર સેફટી ઓડિટ કરવામાં આવ્યું હતું, પણ બહાર એવું આવ્યું કે ફાયર સેફટીનાં સાધનોની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હતી. બાળકોને એન.આઈ.સી.યુ.માં રાખવામાં આવ્યાં હતાં. તેનાં બે ભાગ હતા. અંદર એક ક્રિટિકલ યુનિટ હતું, જ્યાં સૌથી વધુ બાળકો ભડથું થયાં, કારણ ત્યાં એન્ટ્રી-એક્ઝિટનો એક જ માર્ગ હતો ને તે ધુમાડાથી ભરાઈ ગયો હતો. ફાયર એલાર્મ સિસ્ટમ હતી, પણ આગ લાગી ત્યારે જ તે વાગી ન હતી. એલાર્મ વાગ્યું હોત તો બાળકો બચી શક્યાં હોત. પેરામેડિકલ સ્ટાફ બચાવમાં લાગવાને બદલે ભાગી છૂટયો હતો.

આ બધું પહેલીવાર બન્યું ન હતું, પણ દરેક વખતે જવાબદારો નવો જ અનુભવ કરતાં હોય તેમ આશ્ચર્ય મુગ્ધ થઈને વર્તતા હોય છે. ઓક્સિજનના અભાવે બાળકોનાં મોતની ઘટના યુ.પી.માં અગાઉ થઈ છે. ત્યારે ઓક્સિજન, સપ્લાય એજન્સીએ રોકી દીધો હતો ને આ વખતે વક્રતા એ છે કે ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં થયેલો સ્પાર્ક, બાળકોનાં મોતનું કારણ બન્યો. શોર્ટ સર્કિટની આટલી ઘટનાઓ બને છે છતાં સાધનોની પૂરતી તપાસ સમયે સમયે થતી જ નથી. આ વર્ષે જ 25 મે-એ દિલ્હીની વિવેક વિહારમાં આવેલી હોસ્પિટલમાં આગ લાગતાં 7 નવજાત શિશુઓ ભડકો થઈ ગયેલાં. 2021માં ભોપાલની કમલા નહેરુ હોસ્પિટલમાં આગ લાગવાથી 4 બાળકોનો ધુમાડો થઈ ગયો હતો. 2021માં જ મહારાષ્ટ્રના ભંડારાના નવજાત ચિકિત્સા વોર્ડમાં આગ લાગતાં 10 નવજાત શિશુઓનાં મોત થયાં હતાં. 2011માં કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગતાં 89 લોકો બળી મર્યાં હતાં. એટલે ઝાંસીની ઘટના કૈં પહેલી નથી, પણ તેને લગતી કાળજી રખાવી જોઈએ તેવી ક્યારે ય રખાતી નથી. આવી ઘટના પછી પ્રશાસન ધંધે લાગે છે. બધું રાબેતા મુજબ થતું રહે છે ને થોડી ઘણી સરકારી ખેરાતથી પીડિતો નાછૂટકે મન મનાવી લે છે.

ગયા મે મહિનામાં રાજકોટમાં ગેમ ઝોન કાંડ થયો ને ટી.આર.પી.માં આગ લાગવાથી 12 બાળકો સહિત 27 લોકોનાં મોત નીપજ્યાં, તેને પગલે એવો જુવાળ આવ્યો કે રાજ્યભરના ગેમ ઝોન બંધ થઈ ગયા. સમિતિ રચાઈ. સહાય અપાઈ ને હવે ગેમ ઝોન ફરી ધમધમે છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો ને 130થી વધુ લોકોએ જળસમાધિ લીધી. તે સાથે બધા પુલ પર તવાઈ આવી. કમિટી રચાઇ ને અત્યારે મુખ્ય આરોપી જયસુખ પટેલને જામીન મળતાં તેમની મોદક તુલા થઈ અને અત્યારે આરોપી સુખમાં છે. ઇસ્કોન બ્રિજ પર તથ્યકાંડ થયો ને નવ લોકો એમાં કચડાઈ મર્યાં. તથ્ય અને તેના પિતાની ધરપકડ થઈ. તે પછી તો કચડી મારવાની એટલી ઘટનાઓ બની છે કે ‘તથ્ય’ બહાર આવતાં ડરે છે. આવું તો અનેક રીતે ને પ્રકારે થતું જ રહે છે, પણ બોધપાઠ લેવાની આપણને ટેવ જ નથી.

કોણ જાણે કેમ પણ ડોકટરો અત્યારે દર્દીઓની સોપારી લેવાની ભૂમિકામાં હોય એમ લાગે છે. અમુક રૂપિયા પડાવીને કોઈને પણ વેતરી નાખવાનું તેમને અનુકૂળ છે. હોસ્પિટલો અનેક સુવિધાથી સજ્જ હોવાનું દર્દીઓને બતાવાય છે, પણ પછી ફાયર સેફટીને નામે અલ્લાયો જ હોય છે. ઓક્સિજન સિલિન્ડરોની પણ કશી ખાતરી હોતી નથી. ‘સુપર સ્પેશિયાલિટી’ હોસ્પિટલનાં નામ પૂરતી જ રહી જાય છે. એમ લાગે છે કે હોસ્પિટલો સેવા માટે નહીં, પણ મેવા માટે જ છે. કોઈ પણ રીતે હરામની કમાણી કરવાનો એક માત્ર ઉદ્દેશ જ જગત પાસે બચ્યો હોય તેમ સૌ કોઈ સાચીખોટી રીતે કમાવા સિવાય બીજું કૈં વિચારતા જ નથી. ઠેર ઠેર કમાવાની લહાય ઊપડી છે, પરિણામે સર્વત્ર ભ્રષ્ટાચાર જ સર્વોપરી થયો છે. જોઈએ તેના કરતાં વધુ પૈસા મેળવવામાં લોહીનું પાણી થતું રહે છે ને એવી સ્થિતિ આવે છે કે ભઠ્ઠીમાં રાખ થવાથી વધુ પૈસાની જરૂર ખાસ પડતી નથી. કરોડો રૂપિયા પછી તો એમ જ પડી રહે છે કે કોઈ પારકું જ તે વાપરે છે. આ નથી સમજાતું એવું નથી, પણ સમજવું જ નથી ને મોંકાણ તેની છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 નવેમ્બર 2024

Loading

...102030...346347348349...360370380...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved