Opinion Magazine
Number of visits: 9584786
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જૂઠા સચની રાજનીતિ યુધિષ્ઠિરથી ટ્રમ્પ સુધી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 January 2017

નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં બે ‘સમાચાર’ આવ્યા. એક સમાચાર એવા હતા કે ભારતના ‘એક નંબરના દુશ્મન’ દાઉદ ઇબ્રાહીમની 15,000 કરોડની સંપત્તિ સંયુક્ત અરબ અમીરાતની સરકારે જપ્ત કરી લીધી છે. સોશિયલ મીડિયા  પર આ સમાચાર બહુ ચગ્યા અને ભાજપે મીડિયાના આધારે એવો પણ ગર્વ વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સીધા પ્રયાસોને કારણે આ ‘સફળતા’ મળી છે. બીજા-ત્રીજા દિવસે સરકારનાં સૂત્રોએ સ્પષ્ટતા કરી કે આ સમાચાર ખોટા છે અને અમીરાતના ભારતના એમ્બેસેડર પાસે આવી કોઈ માહિતી નથી.

બીજા સમાચાર અમેરિકાથી આવ્યા, જેમાં અમેરિકન ગુપ્તચર સંસ્થાએ પ્રગટ કરેલી ક્લાસિફાઇડ માહિતીમાં એવું કહેવાયું હતું કે તાજેતરની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતે એમાં રશિયાને રસ હતો અને રશિયન પ્રમુખ પુતિને સીધો આદેશ આપીને ટ્રમ્પનાં હરીફ હિલેરી ક્લિન્ટનને બદનામ કરવા માટે અમેરિકન સોશિયલ અને બીજા મીડિયામાં અભિયાન ચલાવ્યું હતું. ટ્રમ્પે આ દાવાને ‘હસી’ કાઢ્યો, પરંતુ ચૂંટણી દરમિયાન એણે બરાક ઓબામાને ઇસ્લામિક સ્ટેટના ‘સ્થાપક’ અને હિલેરીને ‘સહ-સ્થાપક’ કહેવાનું બાકી રાખ્યું ન હતું.

રાજકારણમાં તડાકા મારવા કે કોરાં વચનો આપવા એ રીત જૂની છે, પરંતુ એમાં કેટલી હદ સુધી જૂઠ બોલવામાં આવે છે, તે રીત નવી છે અને ઉપર એનાં બે તાજાં ઉદાહરણો છે. અને આ માત્ર એકલ-દોકલ ઉદાહરણ નથી. જનતામાં ચોક્કસ પ્રકારનો મત પેદા કરવા ગલત સમાચારો કે ગલત માહિતીઓનો પ્રચાર કરવાની એક નવી રીત શરૂ થઈ છે. ગયા જૂનમાં બ્રિટિશરોએ બ્રિટન યુરોપિયન સંઘમાંથી નીકળી જાય તે માટે મતદાન કર્યું ત્યારે એમને એવું (ખોટી રીતે) ઠસાવવામાં આવ્યું હતું કે યુરોપિયનના સભ્યપદ માટે બ્રિટન પર પ્રતિ સપ્તાહ 470 મિલિયન ડૉલરનો ખર્ચો આવે છે. બ્રિટન જો સંઘમાંથી નીકળી જાય તો આ પૈસા આરોગ્ય સેવાને બહેતર બનાવવા વાપરી શકાય.

બ્રિટનના લોકોને આ તર્કની તથ્યાત્મક સચ્ચાઈ ખબર ન હતી, પરંતુ વાત એટલી ‘અપિલિંગ’ હતી કે તેમણે એમને ‘સાચી’ માની લીધી. આવું ઘણા દેશોમાં-સમાજમાં થઇ રહ્યું છે. સોશિયલ મીડિયાના જબરદસ્ત પ્રસાર વચ્ચે એવા ‘સમાચારો કે સચ્ચાઇ કે તથ્યો’ વાઇરલ થાય છે કે કરવામાં આવે છે જેની સાથે લોકો ભાવનાત્મક રીતે જોડાઇ શકે. ટ્રમ્પે દુનિયામાંથી આતંકવાદનો સફાયો કરવાની વાત જે રીતે કરી તેમાં અમેરિકન લોકોને એવો સવાલ પૂછવાની જરૂરિયાત મહેસૂસ ન થઈ કે આતંકવાદ દૂર કરવાના ઉપાય શું છે અને ટ્રમ્પ એનો અમલ કેવી રીતે કરશે. આમ છતાં, લોકોને લાગ્યું કે ટ્રમ્પના આવવાથી કમ-સે-કમ અમેરિકામાંથી આતંકવાદ ખતમ થઈ જશે.

જનતા જે રીતે સોશિયલ મીડિયાની કે ટેલિવિઝનની જુઠ્ઠી-સાચી બાબતોમાં તણાઇ જાય છે તેનાથી હવે દરેક રાજકારણી માટે કોઇ પણ મુદ્દા ઉપર ભાવનાત્મક પ્રતિક્રિયા પેદા કરવાનું આસાન થઇ ગયું છે. નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં જ પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા મહંમદ આસીફે ઇઝરાયલ પર પરમાણુ હુમલો કરવાની ધમકી આપી હતી. કેમ? કારણ કે એક (ખોટા) સમાચારમાં એવું કહેવાયું હતું કે પાકિસ્તાન જો સીરિયામાં સૈનિકો મોકલશે તો ઇઝરાયલ પાકિસ્તાન પર હુમલો કરશે. સ્વાભાવિક રીતે જ બંને દેશોની જનતાને અપાર ‘ખુશી’ થઈ હશે.

2016 અને 2017નું વર્ષ એ રીતે બિન્ધાસ્ત જૂઠ બોલવાના વર્ષ તરીકે ઓળખાવું જોઈએ. એના માટે પોસ્ટ-ટ્રુપ જેવો શબ્દ પણ છે. સંસારના ઘણા લોકતાંત્રિક દેશોમાં તથ્યો કે નીતિઓને બદલે લાગણીઓ અને ડરનો આધાર લઇને રાજકારણ રમાઇ રહ્યું છે, જેને પોસ્ટ-ટ્રુપ કહે છે. પોલિટીફેક્ટ નામની અમેરિકાની એક વેબસાઇટ, જે રાજકારણીઓના દાવાઓને તથ્યોની એરણ પર ચકાસવાનું કામ કરે છે, તેણે ડોનાલ્ડ ટ્રમ્પનાં છેલ્લાં પાંચ વર્ષનાં વિધાનોની હકીકતો તપાસી તો ખબર પડી કે એમાંથી 70 પ્રતિશત વાતો બોગસ હતી, 15 પ્રતિશત વાતો અર્ધ-સત્ય હતી અને 15 પ્રતિશત વાતોમાં સચ્ચાઇ હતી.

આમ છતાં, લોકોએ ટ્રમ્પને વોટ આપ્યા. પોસ્ટ-ટ્રુપ અથવા જૂઠનો આ પ્રભાવ છે. આ પ્રભાવ સાવ નવો અને અણધાર્યો છે? ના. સભ્યતાઓ અને સમાજોના ઇતિહાસમાં જૂઠની ભૂમિકા હંમેશાં રહી છે. રાજકારણીઓ, જે આમ જનતા કરતાં વધુ ગંભીર, જવાબદાર અને સમજદાર હોય છે, એમણે હંમેશાંથી જનતાને લાગણીઓમાં ગુમરાહ કરવાને બદલે તથ્યો અને નીતિઓ સાથે બાંધી રાખી હતી, પરંતુ સમાજો અસ્થિર અને ભયભીત થઈ રહ્યા છે એટલે રાજકારણીઓએ લોકોને ગમે તેવું બોલવાનું શરૂ કર્યું છે, અને એમાં તથ્ય, સત્ય અને હકીકતનો ભોગ લેવાયો છે.

બે હજાર વર્ષ પહેલાં ગ્રીક ચિંતક એરિસ્ટોટલ ગ્રીક નાટકને સમજાવતાં ‘પોયેટિક્સ’માં લખ્યું હતું કે, પ્રેક્ષકો આકર્ષિત થાય તે માટે નાટક મુમકીન લાગવું જોઈએ, પછી ભલે એ જૂઠ હોય. બનાવટી કહાની મનોહર, સુખદ અને આરામદેહ હોય છે, જ્યારે સત્ય પરેશાની પેદા કરનારું હોય છે, એવી એરિસ્ટોટલને ખબર હતી. જૂઠ બે પ્રકારનાં હોય છે. એક સહજ હોય છે, જેમાં જૂઠ બોલવાની નમ્રતા હોય છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે ‘આજે તમે ખૂબસૂરત લાગો છો’ તો એમાં શિષ્ટાચાર વધુ છે. બીજું જૂઠ હાથચાલાકીવાળું હોય છે, જેમાં બીજી વ્યક્તિની ભાવનાઓ, ડર કે જરૂરિયાતો સાથે ‘રમત’ રમવામાં આવે છે.

ભારતીય સંસ્કૃિતમાં સૌથી જાણીતું જૂઠ મહાભારતમાં યુધિષ્ઠિરનું છે, જે અશ્વસ્થામા નામના હાથીનું મોત થયું હોવા છતાં દ્રોણને સમાચારની પુષ્ટિ એવી રીતે કરે છે, જેથી એવું લાગે કે જાણે દ્રોણના પુત્ર અશ્વસ્થામાનું મોત થયું હોય. વાલ્મીકિ રામાયણમાં રામ જ્યારે સીતાને વનવાસમાં મોકલે છે ત્યારે એ અસત્યનો સહારો લઈને લક્ષ્મણને એવું કહે છે કે, સીતા એની સખીઓ (મુનિઓની પત્નીઓ)ને મળવા માગે છે એટલે એ સીતાને જંગલમાં લઈ જાય.

યુધિષ્ઠિર અને રામ બંને ધર્મના (જેનો અર્થ સત્ય પણ છે) રક્ષક છે, અને એમના આ કથિત ‘સ્ખલન’ છતાં પણ લોકોને એમના પ્રત્યે કોઈ શંકા કે અનાદર નથી. કેમ? કારણ કે રાજાઓ(કે ભગવાનો)ના મોઢામાં જૂઠ અનુચિત નથી એવું આપણે માનીએ છીએ. આપણે એવું સ્વીકારી લીધું છે કે આપણા તારણહારને બહુમતી સમાજના હિતમાં જૂઠ બોલવાનો અધિકાર છે. કારણ કે, એક, એ હિતની આપણા કરતાં વધુ ખબર એમને છે અને બે, તેઓ ઉમદા હેતુથી જૂઠ બોલે છે.

આ તારણહારો જ્યારે પરંપરા કે નિયમો તોડે તો પણ આપણે એમને માફ કરી દઇએ છીએ, કારણ કે ચોક્કસ લોકો(દ્રોણ અને સીતા)ને સબક શિખવાડવા પ્રત્યેક પરંપરાભંગ જાયજ છે. એટલે આજના સમયમાં સાક્ષી મહારાજ ‘ચાર પત્નીઓ અને 40 બચ્ચાં’ તરફ આંગળી ચીંધે અથવા કર્ણાટકના ભાજપના ગૃહપ્રધાન યુવતીની છેડતી બદલ એના ‘ટૂંકા ડ્રેસ’ પર આંગળી મૂકે તો આપણને એમાં ‘સચ્ચાઇ’ નજર આવે છે.

સચ્ચાઇની આપણી વ્યાખ્યા પ્રસંગ પ્રમાણે અને અપેક્ષા પ્રમાણે છે. રાજકારણમાં જૂઠની જરૂરિયાત રહી છે.

જર્મનીમાં નાઝીઓનો આખો ઇતિહાસ જૂઠ ઉપર સર્જાયો હતો. એનાથી વિપરીત ભારતમાં ગાંધીજીએ સાબિત કર્યું હતું કે સત્યના સંગાથમાં જ સકારાત્મક રાજનીતિ ઇચ્છનીય જ છે એટલું નહીં, શક્ય પણ છે. ભારતની સ્વતંત્રતા ચળવળ રાજનીતિ અને સત્યની સંગત પર જ સફળ રહી હતી એ હકીકત બહુ જૂની નથી. બહરહાલ, સત્યની વાત ચંદ્રની જૂઠા સચ જેવી છે. એનો એક પક્ષ અંધારો છે, અને બીજો પ્રકાશમાન. પસંદગી આપણે કરવાની છે કે આપણે કઇ તરફ જીવવું – અંધકારની ગુમનામીમાં કે જ્ઞાન અને રાજકારણના પ્રકાશમાં.

અસ્તુ.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ’રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 22 જાન્યુઆરી 2017

Loading

ખેડૂત વેદના પદયાત્રા : જમીન, પાણી કે ઉપજ માટે ભૂમિપુત્રોની આપત્તિઓ અને આક્રોશને વાચા

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|21 January 2017

વીસ દિવસની ચારસો પચાસ કિલોમીટરની પદયાત્રામાં સરકાર બેનકાબ : દરેક વિસ્તારમાં વિકટ સમસ્યા

વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો વિરોધ કરવા માટે નવમી જાન્યુઆરીએ પોલીસે જેઓની ધરપકડ કરી તેમાં ખેડૂત આગેવાન સાગર રબારી પણ હતા. પ્રસિદ્ધિની પાછળ નહીં પડનારા સાગરભાઈએ તેમની ધરપકડના એક જ અઠવાડિયા પૂર્વે ખેડૂતો માટે એક મોટું કામ કર્યું હતું.  તેમણે ચારસો પચાસ કિલોમીટરની ‘ખેડૂત વેદના યાત્રા’ કરી હતી. ‘વીસે વીસ દિવસ એકેએક પગલું ચાલીને’ કરેલી આ યાત્રા ચૌદમી ડિસેમ્બરે સોમનાથના મંદિરેથી નીકળી હતી. તે બીજી જાન્યુઆરીએ  ગાંધીનગરની બાજુમાં આવેલા તારાપુર ગામે ખેડૂતોની સમસ્યાઓ અને માગણીઓ અંગે મામલતદારને આવેદનપત્ર આપીને પૂરી થઈ હતી. એ વખતે સાગરભાઈ અને તેમની સાથેના દોઢ-બે હજાર પદયાત્રીઓને પોલીસે ગાંધીનગરમાં પ્રવેશવા દીધા ન હતા. મુખ્યમંત્રીનો સમય ઘણો અગાઉ માગ્યો હતો. પણ તેઓશ્રી વડા પ્રધાનશ્રીની સાથે વાઇબ્રન્ટમાં વ્યસ્ત હોવાને કારણે ખેડૂતો માટે વખત ફાળવી શક્યા ન હતા.

‘ખેડૂત સમાજ-ગુજરાત’ સંગઠનના ઉપક્રમે કરેલી આ યાત્રામાં સાગરભાઈએ ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાનાં ઘણાં ગામડાં આવરી લીધાં હતાં. બપોરા માટે તેમ જ રાત્રિરોકાણ માટે છત્રીસ ગામ ઉપરાંત યાત્રા જે ગામોમાં થઈને પસાર થઈ ‘તેની સંખ્યા ઘણી મોટી છે’, એમ સાગરભાઈએ યાત્રા વિશેની લાંબી રૂબરુ મુલાકાતમાં જણાવ્યું. આ માર્ગ પસંદ કરવા માટેનું કારણ તેમણે એ આપ્યું કે સૌરાષ્ટ્રમાં ખેડૂતોની સમસ્યાઓ સૌથી વિકટ છે : ‘અમરેલી-જૂનાગઢ ખેડૂત આપઘાતનો પટ્ટો છે, જામનગર પંથકમાં પણ આ નોંધાયું છે. અમરેલી જિલ્લો  સિંચાઈ વગરનો છે, રાજકોટમાં ઓછી સિંચાઈ છે. બોટાદમાં ઓછો વરસાદ અને અછત છે. ભાલના પ્રશ્નો પણ મોટા છે.’ અહીં અને ઉત્તર ગુજરાતમાં ભારતીય કિસાન સંઘે ખેડૂતોના ઘણા સહકાર છતાં વર્ષો સુધી માત્ર વચનો જ આપ્યાં છે અને ‘હવે સંઘ અદૃશ્ય છે’. વળી, આપણે ત્યાં ગામડાંના લોકોમાં જઈને તેમને સાંભળવાની, તેમને મદદ કરવાની પરંપરા ગાંધીવાદીઓમાં હતી. ‘હવે એવાં માણસો નથી. સામાજિક કાર્યકરો, એક્ટિવિસ્ટ્સ  પણ ગામડાંમાં બહુ ઓછા જાય છે. રાજકારણીઓ માત્ર ચૂંટણી વખતે જાય છે. ગામડાં સાથેના સંવાદની પરંપરા લુપ્ત થઈ ગઈ છે’, એવો સાગરભાઈને રંજ છે. જો કે તેમણે ખુદ ખેડૂતોના પ્રશ્નોને લઈને બે યાત્રા કરી છે. તેમણે 2014માં જામકંડોરણાથી મીઠી વીરડી સુધીની વાહન યાત્રા કાઢીને સરકાર પાસેથી કપાસના વાજબી ભાવ મેળવવામાં સફળતા મેળવી હતી. તે પછીનાં વર્ષે તેમણે ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન(સર)ના વિરોધમાં સાંઢીઢાથી અમદાવાદ કલેક્ટર કચેરી સુધી પાંચ દિવસની પદયાત્રા કરી હતી.

ઓગણપચાસ વર્ષના સાગરભાઈની જોડે યાત્રા દરમિયાન પૂરો સમય પાંત્રીસની ઉંમરના સાથીઓ પિનાક ધામેલિયા અને રૂપેશ કુમાર હતા. ખેડૂત સમાજના ટ્રસ્ટી પિનાકભાઈ ગારિયાધારના પરબડી ગામમાં ડ્રિપ ઇરિગેશનથી ખેતી કરતાં સમૃદ્ધ ખેડૂત છે અને સૂરતમાં ડાયમન્ડ કટિંગની મશિનરી બનાવવાનો વ્યવસાય પણ ધરાવે છે. રૂપેશ બિહારના વૈશાલીમાં માલદા કેરી અને લિચી  પકવે છે. વળી તે ઇન્ડિયન કૉમ્યુિનટી એક્ટિવિસ્ટ નેટવર્ક સંગઠનના પૂરા સમયના કાર્યકર્તા છે. આ નેટવર્ક દેશમાં કૉર્પોરેટ સેક્ટરના ફાયદા માટે બની રહેલા વિવાદાસ્પદ ઇન્ડસ્ટ્રીયલ કૉરિડોર્સ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યું છે. સાગરભાઈ તેના કન્વીનર છે.

ઉપરોક્ત સાથીઓ ઉપરાંત પાંચથી લઈને પાંચસોની સંખ્યામાં લોકો પદયાત્રામાં જોડાતા. યાત્રામાં જુદા જુદા પડાવે નિસબત ધરાવતા લોકો અને સંગઠનો વત્તો-ઓછો સમય સામેલ થતાં રહેતાં હતાં. જો કે રસ્તે પાંચ-દસ ખેડૂતો બેઠા હોય તો તેમને પણ મળીને તેમની સાથે પણ વાતચીત કરવામાં આવતી, ખેડૂતોના પ્રશ્નો અને સરકાર પાસે તેમની માંગણીઓની પત્રિકાઓ વહેંચવામાં આવતી. જે ગામમાં રાત્રિરોકાણ હોય ત્યાં તો સભા થતી જ. ‘તેમાં બહેનો પણ ઠીક સંખ્યામાં જોવા મળતી’. સભામાં સાગરભાઈ ‘ગુજરાત સરકારના કેટલાક ખેડૂત વિરોધી કાયદા વિશે’ સમજાવતા. તેમાં જમીન સંપાદન કાયદો 2013 તેમ જ ગુજરાત સરકારે તેમાં કરેલા ફેરફારો, ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વિધેયક 2013, સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન એક્ટ 2009નો સમાવેશ થતો. સાગરભાઈ કહે છે : ‘અમારે એ પૉલિટિકલ એજ્યુકેશન આપવું હતું કે આટલા જુલમી કાયદા કરનાર સરકારને જો તમે ચૂંટીને લાવતા હો તો તમારે ફેરવિચાર કરવો પડે. વચનો, નાત-જાત, ધર્મ, સગપણ વગેરેને આધારે મત આપવાને બદલે તમારા વિસ્તારના પ્રતિનિધિને તેની કામગીરીને આધારે મત આપવો જોઈએ.’ સાગરભાઈએ આપેલી રસપ્રદ મહિતી એ પણ છે કે જમીન ન વેચાય એવી સમજ ગામડાંના લોકોમાં ગયાં થોડાંક વર્ષોથી વધુ પાકી થતી જાય છે, અને ખેડૂત પરિવારોની ભણેલી નવી પેઢીને પણ ખેતી કરવામાં રસ છે.

ગામલોકો સભામાં જે રજૂઆત કરતાં તેમાં ખેતી માટેના અપૂરતા અને અણધાર્યા પાણી પૂરવઠાની વાત બહુ જ અગત્યની હતી. જેમ કે, બોટાદ જિલ્લામાં નર્મદાની કૅનાલમાંથી પાઇપલાઈન મારફતે ગોમા નદીનો ડૅમ ભરી શકાય તો ચાળીસેક ગામને પાણી મળે. પણ સરદાર સરોવર નર્મદા નિગમ અનેક રજૂઆતો છતાં આ નથી કરતું. ‘મૂળ ખેતી માટે થયેલી નર્મદા યોજનાનાં પાણી ઉદ્યોગોને, ગિફ્ટ સિટીને, અમદાવાદ એમ બધાને જ મળ્યાં, ખેડૂતોને વંચિત રાખવામાં આવ્યા છે. નર્મદાની  78% માઇનર અને સબ માઇનર કૅનાલ્સનું કામ બાકી છે.’ વાગડ પંથકમાં ખેડૂતોની અનેક રજૂઆતો છતાં સરકારે તેમની હાલત બે કામ નહીં કરીને બગાડી છે. એક, ભાદર નદી પર પૂરતાં ચેકડૅમ બનાવ્યા નથી. બીજું, વલભીપુર શાખા નહેરમાંથી ભાદર નદીમાં પાણી છોડવાં માટેનું રેગ્યુલર સાયફન નિગમ ધરાર બનાવતું નથી. વેદના યાત્રા દરમિયાન સાગરભાઈને બીજી એક પીડા વારંવાર સાંભળવા મળી તે એ કે ખેડૂતોને ખેતી માટે વીજળી અનિયમિત, અણધારી રીતે અને માત્ર  રાત્રે જ આપવામાં આવે છે. એને કારણે ખેડૂતની જિંદગી પર ઉજાગરા, હાડમારી, માનસિક તણાવ  અને જીવજંતુઓના જોખમ છવાઈ ગયાં છે. ચા અને બીજાં વ્યસનોનું પ્રમાણ વધ્યું છે. સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી છે, બ્લડ પ્રેશર અને ડાઇબેટીસે પગપેસારો કર્યો છે. સાગરભાઈના મતે દિવસે વીજળી આપવી એ સરપ્લસ વીજ ઉત્પાદન કરનાર  ગુજરાત રાજ્યની  સરકાર માટે બહુ જ સરળ વાત છે, જે અમલમાં મૂકવાની તેની દાનત નથી. ‘હાઇવે બનાવવા માટે ગરીબ ખેડૂતોની જમીનોનું કેવું આડેધડ સંપાદન થાય છે અને વગવાળા ખેડૂતોની જમીનો કેવી રીતે બચી જાય છે એ તો તમને બંધાયેલા રસ્તાના વળાંકો પરથી સમજાઈ જાય’, એમ સાગરભાઈ કહે છે. ખેતરોમાં હાઇટેન્શન ઇલેક્ટ્રિક લાઇન્સ માટેના મોટા  થાંભલા અને પાણી પુરવઠા માટેની પાઇપો નાખવામાં આવે છે. તેના માટે ખેડૂતને કાયદા મુજબ ચૂકવવા પાત્ર વાર્ષિક ભાડાં કે સાગમટા વળતરમાં સત્તાવાળા કેવી ‘દમદાટી અને છેતરપિંડીઓ’ કરે છે એની ખેડૂતોએ યાત્રા દરમિયાન થયેલી રજૂઆતોની વાત સાગરભાઈ કરે છે.

ખેડૂતોનાં આવાં કેટલાંય વીતકો તેમને અસ્વસ્થ કરે છે. એટલા માટે એ દઢપણે માને છે કે ‘ખેડૂત ખેતી છોડવા મજબૂર થાય તેવું પદ્ધતિસરનું કાવતરું સરકાર ચલાવતી રહી છે.’

18 જાન્યુઆરી 2017

+++++

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 20 જાન્યુઆરી 2017

Loading

‘આતમનો તારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા !’

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|20 January 2017

ઇન્દુલાલ યાજ્ઞિક, કૃષ્ણલાલ શ્રીધરાણી, ચંદ્રભાઈ કા. ભટ્ટ, જયંતિ દલાલ, જોસેફ મૅકવાન, દિલીપ રાણપુરા, નાનાભાઈ ભટ્ટ, નીરુભાઈ દેસાઈ, પુરુષોત્તમ માવળંકર, મનુભાઈ પંચોળી ‘દર્શક’, મંજુ ઝવેરી, યશવંત શુક્લ, યશોધર મહેતા શાં અનેક સાહિત્યકારોની, સાંપ્રત ગુજરાતને, ઝાઝી આવશ્યક્તા નથી. આવાં આવાં કવિલેખકો મૂળગત કર્મશીલ રહ્યાં છે. પ્રગતિશીલ વિચારશૈલી અને કર્મઠ કાર્યપ્રણાલીને લીધે, એ દરેકનું તપ સતત વિકસતું આવ્યું છે, અને પરિણામે, ગુજરાતી તેમ જ ગુજરાત લાભ્યાં જ છે. ‘એમની બધી પ્રવૃત્તિઓની ગંગોત્રી એમની અહોરાત્ર ચાલતી’ કર્મસાધનામાં રહી છે. કર્મશીલ અને સાહિત્યકાર તરીકે, આ દરેક વ્યક્તિ, આંતરબાહ્ય, એકબીજાની હોડમાં ઊતરે તો કોણ ચડે, એ કોયડો સહજ સ્વાભાવિક સતત ડોકાયા કરવાનો.

આવી હરોળમાં ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી‘ આવે જ આવે. અને એમની છલાંગ તો જોઇએ : સમાજવાદ – માર્કસવાદથી ગાંધી સર્વોદય લગીનો પટ એમને સારુ આભડછેટનો રહ્યો જ નહીં અને દરેક ટૂંકે ભોગીભાઈ ઝગારા મારતા રહ્યા.

પ્રફુલ્લ રાવલ લખે છે તેમ, “વિશ્વમાનવ” સામયિક નિમિત્તે એમણે અગ્રલેખો લખ્યા, લઘુનિબંધો લખ્યા, પ્રસંગોપાત પુસ્તકોનાં અવલોકનો લખ્યાં છે, અને વિવેચન પણ કર્યું છે. રાજકારણમાં નિવૃત્ત થયા પછીની આ પ્રવૃત્તિમાં એમણે શબ્દ દ્વારા પ્રજાકીય ચેતનાને સંકોરી. બંગાળી પર એમનું પ્રભુત્વ હતું, તેથી 1932થી 1962 દરમિયાન એમની પાસેથી શરદબાબુની દેવદાસ, ગૃહદાહ, ચરિત્રહીન, બામણની દીકરી જેવી કૃતિઓના અનુવાદો મળ્યા અને રવીન્દ્રનાથના ‘નષ્ટનીડ’નાં કાવ્યોને એમણે ગુજરાતીમાં અનુવાદિત કર્યાં. ટોલ્સ્ટોય, તુર્ગનેદ્દ કૃતિઓનો ગુજરાતને પરિચય કરાવ્યો. ‘રવીન્દ્ર દર્શન’ એમનું નોંધપાત્ર સંકલન છે. રશિયન સાહિત્યનો પરિચય પણ એમણે ગુજરાતને કરાવ્યો.

ભોળાભાઈ પટેલ, વળી, કહે છે, ‘આધુનિક ગુજરાતી સાહિત્યમાં તેમનું એક વિશિષ્ટ પ્રદાન તે તો મુંબઈથી વડોદરા આવ્યા પછી શરૂ કરેલું માસિક “વિશ્વમાનવ”. આ “વિશ્વમાનવ”ના લેખકોમાં હતા સુરેશ જોષી, ગુલામ મોહમ્મદ શેખ, યુવાન અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વગેરે ‘આધુનિકો’. ગુજરાતી સાહિત્યમાં કવિતાના આસ્વાદનો નવો ચીલો પડ્યો, તે આ “વિશ્વમાનવ”માં લખાયેલી સુરેશ જોષીની આસ્વાદ શ્રેણીથી. ભોગીભાઈના “વિશ્વમાનવે” એક આંદોલન ઉપરાંત વિભિન્ન વિચારોના વિનિમયનો મંચ પૂરો પાડ્યો હતો. વચ્ચે થોડા વખત વિભિન્ન સંપાદકો પણ એ માસિક સાથે જોડાયેલા. રઘુવીર ચૌધરી તેમાંના એક હતા.’

આવા ભોગીભાઈ સાથેનો મારો પહેલવહેલો પરિચય એમના “વિશ્વમાનવ” સામયિકથી થયો. ગયા સૈકાના છઠ્ઠા દાયકામાં, મુંબઈ ખાતે ઉચ્ચ અભ્યાસ સારુ પલોંઠ લગાવેલી, ત્યારે “વિશ્વમાનવ”નો પહેલવહેલો પરિચય થયો. દક્ષિણ મુંબઈના ગામદેવીમાં આવ્યા મણિભવનના વાંચનાલયનો ત્યારે ભરપેટ ઉપયોગ કરતો. ત્યાં આ જોવાવાંચવાનું બનતું. ખરેખાત યોગેશ જોષીએ અન્યત્ર લખાણ કર્યું છે તેમ, ‘ભોગીભાઈ ગાંધીની હકારાત્મક વ્યાપક દૃષ્ટિ, અનેક વિષયોનો ઊંડો અભ્યાસ, નવી નવી પ્રતિભાઓની શોધ તથા આગવી સંપાદકીય સૂઝના પરિણામે “વિશ્વમાનવ” માનવમૂલ્યોનું જતન કરતું, અનેક વિષયો તથા સમસ્યાઓના સ્વસ્થ-તટસ્થ વિચારોનું ભાથું પીરસતું, બહુમુખી પ્રતિભા ધરાવતું સામયિક બની રહેલું.’ 

માનવી મૂલ્યોની પ્રતિષ્ઠા ઝંખતું આ સામયિક મારે સારુ, પરિણામે, ભણતરનું ઓજાર બની ગયું. એમ.એ. સુધી રાજ્યનીતિશાસ્ત્ર તથા ઇતિહાસ મારા અભ્યાસના વિષય હતા, અને તેમાં “વિશ્વમાનવ” પણ અગત્યનું વાચન-સાધન બન્યું. સામયિકના અનેક વિશેષાંકો પણ પેટા વિષયોમાં અગત્યના બની રહ્યા.

આ સામિયકના સંપાદકમંડળમાં પ્રકાશ ન. શાહ હતા. એમનાં લખાણો ત્યારે ય મને આકર્ષતાં અને હળુ હળુ મારું ઘડતર ય કરતાં રહેતાં. આમ જોઇએ તો અમારી મૈત્રી “વિશ્વમાનવ”ની ય દેણગી બની રહી.

ભોળાભાઈ પટેલ લખતા હતા તેમ : ‘પરંતુ જે એક કામ માટે ભોગીભાઈને યાદ કરીશું, તે તો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત ભોગીભાઈએ સંપાદિત કરેલી ૩૦ ગ્રંથોની (જેમાં ૨૬નું સંપાદન ભોગીભાઈનું) જ્ઞાનગંગોત્રી ગ્રંથમાળા. ગુજરાતના યુવાન છાત્ર વર્ગ માટે એક વિશિષ્ટ દૃષ્ટિથી કરેલાં આ સંપાદનો આજે તો અપ્રાપ્ય છે. એ ભોગીભાઈનાં કેટલાંક શીર્ષક જોવાથી એનો વ્યાપ સમજાશે – બ્રહ્માંડદર્શન, પૃથ્વીદર્શન, સ્વાસ્થ્યદર્શન, સ્વરાજદર્શન, ગણિતદર્શન, સાહિત્યદર્શન, ઇજનેરી દર્શન, દૃશ્યકળા આદિ. જાણે બધા જ્ઞાતવ્ય વિષયો આવરી લેવાયા છે. ભોગીભાઈની એ સાધના એ ગિરાગુર્જરીને એમનું પ્રદાન છે. …’

આ જ્ઞાનગંગોત્રી ગ્રંથમાળાએ પણ, મારે સારુ, જંગમ વિદ્યાપીઠનું કામ કર્યું છે. મારાં અનેક કામોમાં એ ગ્રંથમાળાએ સંદર્ભ તરીકે મહત્ત્વનો ફાળો આપ્યા કીધો છે.

‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની નોંધ જણાવે છે : સત્યાગ્રહોમાં એક અદના સૈનિક તરીકે સક્રિય. સાડાત્રણ વર્ષ જેટલા સમયની જેલસજાઓ. જેલવાસ દરમિયાન અનેક યુવાનોની જેમ માર્કસવાદી સાહિત્યનું વાચન અને એના પરિણામે રશિયન સમાજવાદનું આકર્ષણ. 1940માં ચુસ્ત સામ્યવાદી બન્યા. ‘સુન્દરમ્’ના સહકારમાં અમદાવાદમાં અને ત્યાર બાદ મુંબઈમાં ‘ગુજરાત પ્રગતિશીલ લેખકમંડળ’નું સંચાલન. 1949-‘51ના ગાળામાં અઢાર માસની જેલશિક્ષા પછી સામ્યવાદની અંધસાહસવાદી નીતિનું ભાન થતાં 1956માં પક્ષમાંથી રાજીનામું. વિનોબાજી, દાદા ધર્માધિકારી અને જયપ્રકાશ નારાયણ જેવા લોકસેવકોની પ્રવૃત્તિમાંથી પ્રેરણા લઈ પુન: ગાંધીચીંધ્યા માર્ગે. “વિશ્વમાનવ” માસિકનું સંપાદન, ‘વિશ્વમાનવ સંસ્કાર શિક્ષણ ટ્રસ્ટ’ દ્વારા સંસ્કાર-ચિંતન-બોધ આપતાં પુસ્તકોનું પ્રકાશન તેમ જ ‘જ્ઞાનગંગોત્રી’ ગ્રંથશ્રેણીમાં મુખ્ય સંપાદનકાર્ય જેવી પ્રવૃત્તિઓમાં કાર્યરત હતા.

આપણા ભોગીભાઈ ગાંધીને પહેલવહેલું મુંબઈમાં મળવાનું થયું. એમના એક અદના મિત્ર અને સાથીસહોદર દિવંગત જયંતી પારેખ જે ઘરમાં વસતા હતા, ત્યાં જ ભોગીભાઈનો અંગત પરિચય થયો. અમે એમને ભોગીકાકા કહેતા. 

કોઈક ‘સરકારી હુકમને વશ’ ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાત છોડીને મુંબઈ વસ્યા, ત્યારે એમના મનમાં સમણાં હતાં તેમ, એમણે ‘કિસાનસભા’ની સ્થાપના કરી. ઇન્દુભાઈ કૉંગ્રેસ સમાજવાદીઓ ભણી ય આકર્ષાયા હતા. તેમાં મહેરઅલી, બાટલીવાલા, મસાણી વગેરે હતા. એમની પ્રવૃત્તિ જેમજેમ જામતી ગઈ અને વિસ્તરતી ગઈ તેમતેમ લવરમૂછિયા યુવાનોને આકર્ષતી રહી. તેમાં જયંતી પારેખ પણ એક. મુંબઈ રહેણાકને કારણે ભોગીલાલ ગાંધી પણ ક્વચિત એક. આ બન્ને મિત્રો બન્યા, સાથે હરતાફરતારહેતા અને કામ કરતા. ગુજરાત – મહારાષ્ટૃના ગ્રામવિસ્તારોમાં બીજાઓની સાથોસાથ આ બન્ને પણ સમ્મિલિત. ઘણું કરીને ત્યારે ભોગીભાઈ સમાજવાદ – માર્ક્સવાદમાં ખૂંપેલા રહેતા. જયંતી પારેખ, ઘણું કરીને, આ અરસે તે વિચારધારામાં પલોટાઈ ગયેલા. દિનકર મહેતા અને સાથીઓ સંગાથે “નવી દુનિયા”નાં કામોમાં પણ એ બન્ને સમ્મિલિત રહ્યા હશે.

‘ગુજરાતનું અણમોલ રતન : જયંતી પારેખ’ નામક એક દીર્ઘ લેખ દિવંગત બટુક દેસાઈએ, દોઢેક દાયકા પહેલાં, આપેલો. બે પન્ને આ લેખ, “ઓપિનિયન”ના અૉગસ્ટ – સપ્ટેમ્બર 2000ના અંકોમાં, પથરાયો છે.

બટુક દેસાઈ જણાવે છે તેમ, … છઠ્ઠી એપ્રિલ 1930ના દિવસે મીઠાનો કાયદો તૂટ્યો. સત્યાગ્રહીઓની ધરપકડ થઈ. દાંડી કૂચમાં સામેલ જયંતી પારેખ, અન્ય સાથીદારો સમેત, આશ્રમવાસી મટીને જેલવાસી થયા. દરમિયાન, ગાંધી અર્વિન સંધિ થઈ. આ સંધિથી નાખુશ થયેલાઓ સમાજવાદ ને માર્ક્સવાદના વાચન અને ચર્ચા તરફ વળ્યા હતા. નવા વિચારો તરફ વળેલાઓમાં ગાંધીજીના પ્રિય શિષ્ય દિનકર મહેતાની સાથે સાથે હરિપ્રસાદ દેસાઈ, રણછોડ પટેલ, નીરૂ દેસાઈ, ઈશ્વરલાલ છોટુભાઈ દેસાઈ, રોહિત મહેતા, જીવણલાલ ચાંપાનેરિયા, કમળાશંકર પંડ્યા, ચંદ્રભાઈ ભટ્ટ, જયંતિ દલાલ, રતિલાલ તેલી, જીતેન્દ્ર મહેતા, બાબુ પટેલ વગેરે હતા. એમાંનાઓએ સમાજવાદી પક્ષની રચના કરી. આ પક્ષમાં ય બે પ્રવાહો હતા : એક, સમાજવાદ તરફી અને બીજો, માર્ક્સવાદ તરફી એટલે કે સામ્યવાદ તરફી હતો.

બટુકભાઈના મતે, જયંતી પારેખ જેવો સંવેદનશીલ અને આદર્શ યુવાન આ વૈચારિક મથામણથી અલિપ્ત ન રહી શકે તે સ્વાભાવિક છે. 1934ના આખરમાં જેલમાંથી છૂટ્યા પછી, એ દિનકરભાઈ મહેતાને મળે છે, વિચારવિમર્શ કરે છે અને પછી સમાજવાદી પક્ષમાં સામેલ થઈ જાય છે. એ જ દિવસોમાં ગૂજરાત વિદ્યાપીઠના એક વિદ્યાર્થી, ભોગીલાલ ગાંધી પણ પક્ષમાં સામેલ થયા. ત્યાર બાદ, દિનકર મહેતા, જયંતી પારેખ અને ભોગીલાલ ગાંધી ગેરકાયદેસર સામ્યવાદી પક્ષના સભ્ય બન્યા.

સમાજવાદીઓએ એ દિવસોમાં સમાજવાદી વિચારોનો પ્રચાર કરવા ‘નવી દુનિયા પ્રકાશન ગૃહ‘ શરૂ કર્યું હતું, તેમ બટુક દેસાઈએ લખ્યું છે. જયંતી પારેખ, અને ભોગીલાલ ગાંધી તથા ચંદ્રભાઈ ભટ્ટે આ જવાબદારી ઉપાડી લીધી. … ‘નવી દુનિયા’નાં કાનૂની પ્રકાશનો સાથે સાથે ગેરકાયદેસર સામ્યવાદી પક્ષનું પ્રચાર સાહિત્ય પણ છપાવીને વહેંચવા ને વેંચવાની જવાબદારી જયંતી પારેખે સંભાળી લીધી હતી. જયંતીભાઈએ પ્રકાશન સાથે કિસાન પ્રવૃત્તિ ઉપર પણ ધ્યાન આપવા માંડ્યું. દાહોદના આદિવાસી ભીલોમાં કિસાન પ્રવૃત્તિની જવાબદારી એણે ઉપાડી લીધી હતી.

સમાજવાદી જૂથે 1938માં “આઝાદ હિંદ” નામનું રાજકીય સાપ્તાહિક શરૂ કર્યું. ત્યારે તંત્રી ભોગીલાલ ગાંધી અને તંત્રીમંડળમાં દાક્તર સુમન્ત મહેતા, દિનકર મહેતા અને વજુભાઈ શુક્લ હતા. વ્યવસ્થાની જવાબદારી જયંતી પારેખને સોંપાઈ. 1937માં હરિપુરા કાઁગ્રેસ સમયે હાળીપ્રથાની નાબૂદી અને કિસાનોની માગણી માટે એકમોટું સરઘસ ઇન્દુલાલ યાજ્ઞિકની નેતાગીરી હેઠળ લઈ જવાયું હતું ત્યારે જયંતી પારેખે પણ તેમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

દિવંગત હિમ્મત ઝવેરીએ, “ઓપિનિયન”ના અૉક્ટોબર 2001ના અંકમાં, ભોગીલા ગાંધી માટે નોંધ્યું છે તેમ, ‘આ સૂકલલકડી શરીરવાળો માણસ કોઈ કમાલની શક્તિ ધરાવતો હતો. સતત કાર્યરત, સતત આગળ વધતો. સુભદ્રાબહેનનો સાથ પણ એક ઉલ્લેખનીય હકીકત હતી. કમ્યુિનસ્ટ આંદોલનનું “લોકયુદ્ધ” એમના સંપાદન હેઠળ ચલાવાતું હતું, ખેતવાડીના કમ્યુિનસ્ટ મુખ્યાલયમાંથી.’

અને આ મુખ્યાલય જયંતીભાઈ પારેખના નિવાસસ્થાનથી નજીક હતું. જયંતીભાઈ પણ આ કમ્યુનમાં, આ આંદોલનમાં, આ અને આવાં કામોમાં, તદ્દન સહજ, ભોગીભાઈ જોડે રહ્યા જ હોય.

જૂની ભટ્ટવાડીના એ આવાસમાં, ભોગીભાઈનું આવવાજવાનું નિયમિત રહેતું. દરેકને માટે ભોગીભાઈ પ્રીતિપાત્ર આદમી, પરંતુ મારા દાદાજી સસરા, નથ્થુભાઈ પારેખ, એ દિવસોમાં ભોગીભાઈથી કંઈક નારાજ રહેતા, કેમ કે તે દિવસોમાં, ભોગીભાઈ ગાંધી મહાત્મા ગાંધી વિશે ખૂબ અવળું બોલતા રહેતા ! ક્યારેક એ ભોગીભાઈને ‘ઉરાંગઉટાંગ’ કહી સંબોધી પણ લેતાં ! જ્યારે આ પારેખ પરિવાર તો ગાંધીજીના આશ્રમમાં સહકુટુંબ રહેતો. જયંતી પારેખ પણ એક રીતે ગાંધીજીના બડા ચાહક હતા. દાંડી યાત્રામાં પેલા 81માં એ પણ એક સિપાહી તરીકે સરીક હતા જ ને. … ખેર !

સન 1949ની અૉગસ્ટની 13મીએ સાબરમતી જેલમાં ગોળીબાર થતાં જયંતી પારેખ પણ હણાયા. − પારેખ પરિવાર પર જાણે કે વીજળી પડી !

હિમ્મત ઝવેરી લખતા હતા : ‘મને એમનો સંપર્ક એ ચાલિસીના દાયકાથી હતો. મારી બહેન, ચંદનબહેનના દિયર જયંતી પારેખ સક્રિય કમ્યુિનસ્ટ હતા, કિસાન આગેવાન હતા. તેમનું રણદિવે દિવસોમાં 1949માં સાબરમતી જેલમાં ગોળીબારમાં અવસાન થયું હતું. મોરારજીભાઈ દેસાઈના તે વખતના મુંબઈ રાજ્યમાંના ગૃહપ્રધાનપદ હેઠળ.

‘સમાજવાદી યુસૂફ મહેરઅલી એ વખતે મુંબઈ વિધાનસભામાં વિધાનસભ્ય હતા. બીમાર હતા. એમને મળવાનું થયું, તબિયતની ખબર કાઢવા. ત્યારે એ કહે કે આવા યુવાન કમ્યુિનસ્ટ કાર્યકરને સરકાર જેલમાં ગોળીબાર કરીને મારી નાખે ત્યારે ચૂપ કઈ રીતે રહી શકું ? “હરિરજનબંધુ”માં કિશોરલાલ મશરૂવાળાએ આ પ્રસંગ પરની નોંધમાં આવી મતલબનું જણાવ્યું હતું : ‘જે છોકરો ગાંધીજીના આશ્રમમાં ઉછર્યો હતો, એ આવા હિંસક વર્તનમાં સહભાગી કેવી રીતે થયો ?’ એ એક વિચારવા જેવો મુદ્દો છે.

‘જયંતીભાઈને કારણે ભોગીભાઈ, સુભદ્રાબહેન, રણછોડભાઈ પટેલ, શાંતાબહેન, કાન્તિભાઈ શાહ, તારાબહેન, દિનકરભાઈ મહેતા, નલિનીબહેન એ બધાં જયંતીભાઈના સાથી બિરાદરો મારી બહેનને ત્યાં એમના ઓપેરા હાઉસના ઘરમાં અવારનવાર આવતાં હતાં. અમે બેતાલીસ અૉગસ્ટવાળાઓ કમ્યુિનસ્ટોના રાજકારણના સખત વિરોધીઓ હતા, એમની ‘લોકયુદ્ધ’ની નીતિને કારણે. પરંતુ એ બિરાદરો એક વ્યક્તિ તરીકે ઘણાં હોંશિયાર, સાદા, નિ:સ્વાર્થી, બલિદાની વૃત્તિનાં હતાં. બેતાલીસ પહેલાંના આઝાદી આંદોલનમાં એઓ સહભાગી પણ હતાં. પરતું સોવિયેત રૂસને સંપૂર્ણ સમર્પિત હતા, રાષ્ટૃવાદને ભોગે. આજે એઓ પૂરા રાષ્ટૃવાદી છે.’

પરંતુ, જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ ભોગીભાઈનો ય વિકાસ થતો ગયો. સમાજવાદ – માર્કસવાદથી ફંટાઈને તે ગાંધી અને સર્વોદયને મારગે જઈ બેઠા. હિમ્મત ઝવેરી કહેતા હતા તેમ ‘આઝાદી આંદોલનના એક આગેવાન તરીકે સાર્વજનિક જીવનની શરૂઆત કર્યા બાદ સત્તાતીત – પક્ષાતીત રાજકારણના એઓ સમર્થ પુરસ્કર્તા હતા. રાજાજીના સમર્થક પણ એઓ હતા અને આખરે લોકનાયક જયપ્રકાશજીની સંપૂર્ણ ક્રાંતિના વિચારને આગળ વધારનાર એક સમર્થ વિચારક હતા.’

એમની આ બધી જીવનસાધનાનાં સંગી એવાં સુભદ્રા ગાંધીનું પણ આપણે સ્મરણ કરીએ. એ પણ લેખિકા હતાં. એક ઉત્તમ અનુવાદક હતાં. જયંતી પારેખના મોટાભાઈ કાન્તિ પારેખ સાથે ય ભોગીભાઈને મૈત્રી હતી. સુભદ્રાબહેનને કાન્તિભાઈનાં પત્ની ચંદનબહેન જોડે સખીપણું હતું. પરિણામે, એ બન્નેને અમે અવારનવાર એ અોપેરા હાઉસના ઘરે આવતાંજતાં નિરખતાં.

પછી તો, 1975માં, કુંજ અને હું વિલાયત આવ્યાં. અહીં ઠરીઠામ થયાં. વચ્ચે એકાદ વાર વડોદરે જવાનું થયેલું ત્યારે, “ભૂમિપુત્ર”ના તત્કાલીન સંપાદક જગદીશભાઈ શાહ જોડે, ભોગીકાકાને મળવા જવાનું બનેલું. બન્ને દંપતીએ હૂંફાળી ઉષ્માથી સ્વાગત કરેલું, અને દીવાનખંડના એક થાંભલે જયંતી પારેખની મૂકી છબિ દર્શાવી જયંતીકાકાને દિલભેર સંભારી લીધેલાં.

ભોળાભાઈ કહે છે તેમ, એમની છાત્રાવસ્થાથી જીવનનાં અંતિમ વર્ષો સુધીના એમના જીવનપથનો વિચાર કરીએ તો લાગે કે ભોગીભાઈ એટલે એક વિલક્ષણ પ્રતિભા.

પાનબીડું :

                         તું તારા દિલનો દીવો થા ને ! ઓ રે ! ઓ રે ! ઓ ભાયા !

રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા !
ઓ રે ! ઓ રે ઓ ભાયા ! તું.

કોડિયું તારું કાચી માટીનું, તેલ દિવેલ છુપાયાં;
નાની સળી અડી ન અડી પરગટશે રંગમાયા !
ઓ રે ! ઓ રે ઓ ભાયા ! તું.

આભના સૂરજ ચન્દ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો તારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા !
ઓ રે ! ઓ રે ઓ ભાયા ! તું.

                                                             − ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’

29 અૉક્ટોબર / 05 નવેમ્બર 2014

છબિ સૌજન્ય : "નિરીક્ષક", 01 જાન્યુઆરી 2011

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

...102030...3,4663,4673,4683,469...3,4803,4903,500...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved