શબ્દની સુગંધ • દીપક બારડોલીકર
મનના મોંઘા ઉમંગ લાવ્યો છું
સ્નેહ ચૂગતા વિહંગ લાવ્યો છું
જીવકોઠી ભરી લો, ઓ લોકો
શબ્દની હું સુગંધ લાવ્યો છું
*
કોઈ બેઠું છે લૈને ખુશનુમા વીણા
અને રોશન છે દીપક પણ ઝરૂખામાં
જુઓ, શોધી રહી છે ચાંદની અમને
છે ખુશબૂદાર પગરવ પણ ઝરૂખામાં
*
ચંદ્રમા,
મારા પડખે હોવો જોઇએ.
સળગતા સૂર્યને
હું પહોંચી વળીશ!
*
હું
ચપાટીનો ચાહક છું.
એની અંદર હોય છે
મિટ્ટીની મીઠાશ,
ખેડુશ્રમની સુવાસ !
*
ભાત ભાતનાં જલચર, જોખમી તરંગો છે
આ શહેર, ઘૂઘવતો જાણે એક દરિયો છે
*
ફણગાને
ફૂટતાં રોકી શકાય નહીં,
વિચારો
ફણગાના ભેરુ હોય છે !
*
તારો સાદ,
જાણે વરસાદ !
જીવન આબાદ !
*
તમારો માર્ગ જાતે કંડારો,
સિદ્ધિ મળવા આવશે.
*
અજવાશ ઉષાઓમાં.
ના ભિન્ન છીએ આપણ
ખુશબૂ છે હવાઓમાં !
*
શું
એ ગુલાબ છે ?
માહતાબ છે ?
નહીં,
ઇન્સાનનો ચહેરો લાજવાબ છે !
અને
એટલો વહાલો છે અલ્લાહને
કે નિષિદ્ધ કીધો છે એને
જહન્નમની આગ માટે !
*
ઘડિયાળની
અ ‘ટકટક’ શું છે ?
એને તમો
કહી શકો છો
સમયસુંદરીનો પગરવ !
*
આ છોકરીઓ
શા માટે પહેરે છે
સ્લીવલેસ ફ્રોક ?
એટલા માટે
કે સ્લીવમાં
યાને આસ્તીનની અંદર
હોય છે સાપોલિયાં !
*
ઈચ્છા જાણે શોપિંગ સેન્ટર
ખ્યાલો જાણે ઓક્ષફર્ડ સ્ટૃિટ
છોકરી છે કે કોઈ આફત
ને ઉપરથી એ છે બ્રિટ
*
ધીરજની સીડી
ચડવાનું ચાલુ રાખો,
હિમાલય
તમારાં ચરણોમાં હશે !
*
દાળે ડાળે રંગ, સુગંધ
જાણે તારા ઘરનો પંથ
*
11, Croston Terrace, Ayres Road, Old Trafford, MANCHESTER M16 7FD [U.K.]
![]()


આપણી ભાષાના ઉત્તમ વાર્તાકાર હિમાંશી શેલતની યુનિક સ્મરણકથા ‘વિક્ટર’ની આપણે વાતો કરતા હતા. ગયા અઠવાડિયે ‘વિક્ટર’ની પ્રસ્તાવનામાં હિમાંશી શેલતે આલેખેલા એમના પ્રાણીપ્રેમ વિશેની કેટલીક વાતો જોઈ. હવે એમના પ્રાણીઓ વિશે થોડું જોઈએ. ટાઈટલમાં જે મેબલ, પારકો અને ટીકાની વાત થઈ એ ત્રણેય એમની બિલાડીઓ હતી. આ ઉપરાંત પણ એમના સુરતના ઘરે શ્યામલ, થિયોડોર, નાનુ, રસેલ, ટપ્પી જેવી અનેક બિલાડીઓ વસતી. અહીં ‘બિલાડી’ ભલે લખાયું હોય, પરંતુ ઉપર જણાવેલા નામોમાં શ્રીમાનો અને શ્રીમતિઓ એમ બંનેનો સમાવેશ થાય છે, પણ ‘બિલાડો’ જેવો રૂક્ષ શબ્દ આ લખનારને પસંદ નથી એટલે બધે આપણું બિલાડી … બિલાડી … જ ચાલવાનું!
ગુજરાતી સાહિત્ય પર અત્યારે જો સૌથી મોટો ખતરો હોય તો ક્ષમતા વિના સાહિત્યકાર બનવા નીકળી પડેલા NRGઓનો અને એ NRGઓને સાહિત્યકાર બનાવવા નીકળી પડેલા ગુજરાતી સાહિત્યના કેટલાક ફેરિયાઓનો. આ NRGઓ પાસે સાહિત્યસર્જન માટે જોઈએ એવી કોઈ સજ્જતા નથી હોતી. એમનામાં કલ્પનાશક્તિનો ભારોભાર અભાવ હોય છે. એટલું જ નહિ, એમની પાસે જ કંઈ કલ્પનાશક્તિ હોય છે એમાં આપણી વાસ્તવિકતાનું વિશ્લેષણ કે વિવેચન કરવાની કોઈ ક્ષમતા નથી હોતી. એ લોકો મોટે ભાગે તો અગાઉના નીવડેલા સર્જકોની કલ્પનાશક્તિનું નબળું recycling જ કરતા હોય છે. એમને ગુજરાતી સાહિત્યમાં અત્યારે શું ચાલી રહ્યું છે એની ભાગ્યે જ કશી જાણ હોય છે. અભ્યાસનો અભાવ એમના માટે ‘શામળો ધરેણું’ બની ગયું હોય છે. જેમ ગુજરાતમાં છે એમ અહીં પણ ગીતગઝલનો રોગચાળો ફાટી નીકળેલો છે અને એ રોગચાળોમાં જેમ ગુજરાતમાં છે એમ નરસિંહ, બાઈ મીરાં, કબીર ને એવું બધું અર્થાત્ ભેળપુરી જેવું આધ્યાત્મિક તત્ત્વ આવ્યાં કરતું હોય છે. આ લોકોને એ વાતની ખબર જ નથી હોતી કે રમેશ પારેખ, ચિનુ મોદી કે આદિલ પહેલાં પણ ગુજરાતી સાહિત્ય હતું. આ NRGઓના recyclingમાં ગુજરાતી ભાષાને કે ગુજરાતી સાહિત્યને પોષવાની કોઈ ક્ષમતા હોતી નથી. કેમ કે એ પોતે જ પરોપજીવી હોય છે. એને કારણે એ લોકો જે સર્જન કરતા હોય છે એનાથી ગુજરાતી સાહિત્યના ઉકરડાની લંબાઈપહોળાઈ અને ઊંચાઈ સતત વધ્યા કરતી હોય છે.