Opinion Magazine
Number of visits: 9767645
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વાયત્ત અકાદમી, જંગ જારી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 May 2017

શુક્રવાર(૧૨ મે)ની મોડી સાંજે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે વિષ્ણુ પંડ્યાની વિધિવત્‌ ‌નિયુક્તિના સમાચાર જાણ્યા ન જાણ્યા અને એક મિત્રની વધામણી-ટિપ્પણી આવી પડી : ચાલો, એટલું સારું થયું કે એક સનદી અધિકારીને બદલે કોઈક લેખક તો ગાદીએ બેઠા! મારે તહેદિલ કબૂલ કરવું જોઈએ કે મને આવો વિચાર આવ્યો નહોતો. તે સાથે, એ પણ કબૂલી લઉં કે આવો વિચાર નહીં આવ્યા બદલ હું મુદ્દલ ક્ષમાપ્રાર્થી નથી. ભાઈ, કારણ સીધુંસાદું એ છે કે ઉમાશંકર-દર્શક પરંપરામાં આપણે અકાદમીની સ્વાયત્તતા હાંસલ કરી, અન્યત્ર નહીં એવું લેખકીય મતદાર મંડળ (ઇલેક્ટોરલ કૉલેજ) શક્ય બનાવ્યું, પ્રમુખપદને નિયુક્તિના કુંડાળાની બહાર કાઢી ચૂંટણીના ચાચર ચોકમાં આણ્યું … આ બધું કર્યુંકારવ્યું જાણે ન કર્યું થયું અને પેરેશુટ પ્રમુખની નિતાન્ત સરકારી ચાલ, ચહેરો ને ચરિત્ર પ્રગટ થયાં – તે પ્રશ્ન, એટલે કે સ્વાયત્તતાનો પ્રશ્ન, છત્રી પ્રમુખ નહીં પણ ચૂંટાયેલ પ્રમુખનો પ્રશ્ન તાજેતરનાં વરસોમાં મારા મનમાં પ્રધાન રહ્યો છે. અહીંથી કહેવાનું બન્યું છે કે સિતાંશુ યશશ્ચંદ્ર, ચંદ્રકાન્ત ટોપીવાળા, રઘુવીર ચૌધરી, કોઈ પણ આમ નિયુક્ત થઈને આવ્યા હોત તો પણ ‘નિરીક્ષક’ તંત્રીનો પ્રતિભાવ આથી જુદો ન હોત.

અકાદમીનું સમગ્ર ગૃહ રચાય, લેખકીય મતદાર મંડળમાંથી ચૂંટણી સહિત – અને તે સાથે પ્રમુખની ચૂંટણીનો પથ પ્રશસ્ત બને એ પ્રક્રિયા ૨૦૦૩થી સ્થગિત થઈ તે પછી અહીંથી યથાપ્રસંગ એ વિશે ફરિયાદ, અફસોસ અને વિરોધની લાગણી પ્રગટ થતી રહી છે. ૨૦૧૫ના એપ્રિલ-મેમાં ભાગ્યેશ જહા સહસા આરૂઢ થયા તે પૂર્વેથી (રિપીટ, તે પૂર્વેથી) તંત્રીએ અકાદમીના કાર્યક્રમોથી અળગા રહેવાનું વલણ લીધેલું છે. પછીથી, ટોપીવાળા, પ્રવીણ પંડ્યા વગેરેએ પણ એવું જ વલણ લીધું તે ય ભાગ્યેશ જહાની નિયુક્તિપૂર્વ ઘટના છે. પછી તો, સ્વાયત્તતા આંદોલન છેડાયું, સાહિત્ય પરિષદ આદિએ બિનસ્વાયત્ત ઉર્ફે સરકારી અકાદમીથી કિનારો કર્યો એ તાજેતરનો ઇતિહાસ છે. આપણે એમનાં પ્રગટ મંથન નથી જાણતાં, પણ ધીરુબહેન પટેલ અને કુમારપાળ દેસાઈએ અકાદમીની વરિષ્ઠ સલાહકાર સમિતિ પરથી ખસી જવું પસંદ કર્યું એ પણ આ ઇતિહાસનો જ એક હિસ્સો છે.

અકાદમી પ્રકરણને સમજવામાં આપણાં માધ્યમો, અક્ષરકર્મીઓ અને એકંદર જાહેર મત બેત્રણ ભળતાસળતા ખયાલોમાં અટવાયેલાં ને ગોથાં ખાતાં માલૂમ પડે છે. એક તો, કેટલીકવાર આ પ્રશ્નને એની પૂંઠેના વિશ્વદર્શનથી ચાતરીને કેવળ અને કેવળ બે અધિકારીઓ (ભાગ્યેશ જહા અને હર્ષ બ્રહ્મભટ્ટ) વચ્ચેના મામલા તરીકે ચીતરવામાં આવે છે. ભાઈ, હર્ષ બ્રહ્મભટ્ટ ૨૦૧૫માં (કે હવે ૨૦૧૭માં) આમ ગાદીએ બેઠા હોત તો પણ આ જ કહેવાનું રહેત. જો કે, જરા જુદી રીતે, આ પ્રશ્નને બે અધિકારીઓ વચ્ચેના વલણભેદની રીતે જોવાનો વ્યાયામ કરવા જેવો છે. કારણ, જે એક વિગત તરફ ખાસ ધ્યાન ખેંચાયું નથી તે એ છે કે ૨૦૧૧માં હર્ષ બ્રહ્મભટ્ટને અકાદમીના અધ્યક્ષપદે મૂકતી ફાઈલ તૈયાર જેવી હતી. પણ હર્ષ બ્રહ્મભટ્ટે દર્શક હસ્તક સ્વાયત્ત થયેલી અકાદમીના નિયમોનો લિહાજ કરી પેરેશુટ પ્રમુખ થવાની ના પાડી હતી. જાહેર જીવનના રદીફ-કાફિયાની એટલી એમની સમજ પાકી! જરી અવાંતર પણ આ ઉલ્લેખ વિગતદુરસ્તી માટે કર્યો. જે મુદ્દો હતો અને છે તે સ્વાયત્તતાનો છે, અને એને બે સનદી અધિકારીઓની વ્યક્તિગત સત્તાસ્પર્ધાના ખાનામાં ખતવીને એનું ક્ષુદ્રીકરણ (ટ્રિવિયલાઈઝેશન) કરવામાં સમજહ્રાસ છે.

આવું જ બીજું ગરબડગોથું આ પ્રકરણને ‘અકાદમી અને પરિષદ સામસામે’ એવા શીર્ષક તળે ઓળખાવવા રૂપે થતું રહે છે. તમે સ્વાયત્તતાની સાથે છો કે સામે છો એ આજની તારીખે જળથાળ રેખા છે. પરિષદના કોઈ હોદ્દેદારોએ અકાદમીને પસંદગી આપી, અકાદમીના કોઈ હોદ્દેદારોએ પરિષદને પસંદગી આપી, આ તે સૌનો પોતપોતાનો વિવેક સૂચવે છે. એની પ્રધાન  ચાલના તત્ત્વતઃ સંસ્થા ‘અ’ કે સંસ્થા ‘બ’ની તરફેણવિરોધ નથી. છેવટનો નિકષ તમે સ્વાયત્તતાને મુદ્દે ક્યાં ઊભા છો તે છે. આ અફરાતફરીમાં સરકાર જે રીતનું વલણ અને રસ દાખવે છે તે સરકારપદારથ સાથે કામ પાડવામાં નાગરિક વિવેકની કાયમી જરૂરત શી વાતે છે તે વાનું ઘૂંટી આપે છે.

એક બે સદ્‌ભાવસલાહ બાબતે પણ ફોડ પાડીને બોલવાપણું છે. એક તો, સિનર્જીની ભલામણ વ્યાસપીઠ પરથી કરવામાં આવે છે. બહુ સારો દાખલો ન લાગે પણ બકરું બચાડું નીચે પાણી પીતું હોય અને ઉપર બેઠે પાણી પીતું વરુ એને તું પાણી અભડાવે છે એવી સૂફિયાણી ધાક જમાવતું હોય ત્યારે એ બેને સિનર્જીની સલાહ આપવાનો અર્થ નિર્દોષ બકરાએ ધરાર ધણીપો કરતા વરુને તાબે થવું એવો તો અભિપ્રેત ન જ હોય. એ સંજોગોમાં સિનર્જી સલાહકારોએ સરકારને સાફ કહેવું રહે, સિવાય કે પાંચ વરસની મુદત પૂર્વે અકાદમીની વરિષ્ઠ સલાહકાર સમિતિથી છેડો ફાડતી અખબારી મુલાકાતમાં વિનોદ ભટ્ટે જે છાપ આપી છે તે પ્રમાણે સલાહકારી સન્મૈત્રી જે તે સંસ્થા અને સવિશેષ તો મૂલ્ય પરત્વે નિરપેક્ષ અને હોદ્દાસીન વ્યક્તિસાપેક્ષ હોય.

જે સમજવાનું છે તે એ છે કે એક પા સરકાર કને કાર્યસૂચિ સમેત અને અન્યથા સ્પોઈલ્સ ને પેટ્રોનેજનો અજસ્ર રવૈયો છે તો બીજી પા લોકશાહીમાં સરકાર સાથે અક્ષરકર્મી સહિત નાગરિક માત્રે પનારો પાડવાનો રહે છે. આ પનારો સ્પોઈલ્સ, પેટ્રોનેજ પરત્વે પૂંછડીપટપટ ન હોય પણ હક-અને-ધોરણ-સરનો હોય તે વાસ્તે સ્વાયત્ત સંસ્થાઓ એ મનુષ્યજાતિએ વિકસાવેલી એક લોકશાહી વ્યવસ્થા છે. એમાં હજુ દુરસ્તી કરી શકીએ, પણ પાછા જવાનો તો સવાલ જ ન હોય.

‘નિરીક્ષક’ તંત્રીએ વિપુલ કલ્યાણીના વ્યક્તિગત પત્રમાંથી ક્યુ લઈ અહીંથી એક જાહેર સૂચન વહેતું કર્યું હતું કે નારાયણ દેસાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે હોવા જોઈએ. યથાક્રમ, લોકશાહી પ્રક્રિયા પ્રમાણે એ શક્ય બન્યું એથી ગુજરાતના જાહેર વિમર્શમાં છેલ્લા દાયકાઓમાં ‘નિરીક્ષક’ જે ઘૂંટતું રહ્યું છે તેવા બે મુદ્દા પરિષદની અધ્યક્ષીય વ્યાસપીઠ પરથી અધિકૃતપણે આવ્યા એનો આનંદ છે. એક તો, ૨૦૦૨ના મહાપાતક વિષયક દાયિત્વની વાત. અને બીજું, અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો. આ બીજા મુદ્દામાં તો કમાલની વાત એ બની આવી કે નારાયણભાઈએ પ્રમુખીય વક્તવ્યમાં પરિબદ્ધ ન રહેતાં સમગ્ર ગૃહ સમક્ષ એટલે કે, કારોબારી અને મધ્યસ્થ સમિતિથી પણ આગળ (‘લીગલ સોવરેન’ને અતિક્રમીને ‘પોલિટિકલ સોવરેન’ સમક્ષ) જવું પસંદ કર્યું. ખુલ્લા અધિવેશનમાં સામાન્ય સભા અને ‘ડેલીગેટ્‌સ સેશન’નો એ રોમહર્ષક રસ્તો હતો જે હજુ એવા બીજા ચાલનારાચલાવનારાની આશાઅપેક્ષા જગવે છે. ધીરુભાઈ પરીખ ને ચંદ્રકાન્ત ટોપીવાળાની ટટ્ટાર ભૂમિકા અને નેવું નાબાદ નિરંજન ભગતનો નીરમનેજો જોતાં એ અસ્થાને પણ નથી.

હમણાં અકાદમીમાં લેખકીય ઇલેક્ટોરલ કૉલેજની જિકર કરી. ૨૦૦૩માં એમણે મતદાન કર્યું હતું. પણ ધરાર ધણીપાની માનસિકતાએ ગૃહ રચાવા જ ન દીધું. હવે પેરેશુટ પ્રમુખ પદ્ધતિ આ ઇલેક્ટોરલ કૉલેજને ગ્રસી રહી છે. સરકારી સરપાવથી રાજી થતા લેખકો, આ દુર્દૈવ વાસ્તવ સમયે કેમ રાજી રહી શકતા હશે? ન જાને. દરમ્યાન, ભાનુપ્રસાદ પુરાણીએ ઇલેક્ટોરલ કૉલેજના સાથીઓ જોગ જે ધા નાખી છે એમાં ‘નિરીક્ષક’ પણ પોતાની અનુમોદના અંબોળે છે એ ઉમેરવાનું ન હોય. ખાસ તો, ભાગ્યેશ જહાની મુુદત પૂરી થયા પછી રાજ્ય સરકારે દોષદુરસ્તીની તક સભાનપણે ગુમાવી છે એ સંજોગોમાં આવા એકાધિક વિરોધઉપક્રમો હાથ ધરવાં રહેશે.

૧૩ મે, ૨૦૧૭ 

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2017, પૃ. 01-02

Loading

Life After Mother’s day

Mahendra Shah|Opinion - Cartoon|14 May 2017

courtesy : mahendraaruna1@gmail.com

Loading

શિક્ષણનો વ્યાપક ધંધો – આપણે ક્યાં ?

રોહિત શુક્લ|Opinion - Opinion|14 May 2017

‘અભિદૃષ્ટિ’ના ડિસેમ્બર, ૨૦૧૬ના અંકમાં ‘ગુણવત્તા, શિક્ષણ-શિક્ષક અને સંચાલન’ એ મથાળાથી લખાયેલા સંપાદકીયમાં નીચે મુજબ એક ચિંતા પ્રગટ થઈ હતી. ‘૧૯૯૧થી ભારતમાં લાગુ કરાયેલી નવી આર્થિક નીતિ હેઠળ શિક્ષણ પણ ‘ધંધો’ બની ગયું છે. શાળા અને કૉલેજના સંચાલકો પણ નફો અને પૈસાના હેતુથી જ આ સમગ્ર વ્યવહાર આચરે છે. કોઈ પણ ધંધાકીય કારભારમાં જે નિયમો અને વલણો લાગુ પડે તે જ શિક્ષણને પણ લાગુ પડે છે. કોઈપણ પેઢી ‘ઉત્પાદન ખર્ચ’ નીચું રાખવા તાકે છે. શિક્ષણમાં ઓછો પગાર, લાઈબ્રેરી જેવી સગવડોનો અભાવ કે કર્મચારીઓ પાસે વધુ કલાકો કામ કરાવવાની પ્રવૃત્તિ ચાલે છે. ધંધાદારી પેઢીઓમાં વધુમાં વધુ માલ વેચાય એવી પેરવીઓ ચાલતી હોય છે. તે જ રીતે શિક્ષણમાં પણ, દરેક એકમ પોતાને ત્યાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ આકર્ષાય તે માટે ટી.વી. ઉપરની જાહેરાતો સહિતનાં અનેક પગલાં ભરે છે. પેઢીઓ હરીફાઈ કરવાને બદલે પોતાનો ઈજારો સ્થાપવા મથતી હોય છે, તે જ રીતે આવી શાળા-કૉલેજો પણ પોતાના વિસ્તારમાં પોતાનો  ઈજારો જળવાઈ રહે તે માટે મથે છે. પેઢીઓ સસ્તા ભાવ, હલકી ગુણવત્તા વગેરેનો હથકંડા અપનાવતી હોય છે, ધંધાદારી શાળા-કૉલેજો પણ આવી જ પેરવી કરતી રહે છે. કદાચ આજ કારણે આવી શાળા-કૉલેજો સાચા શિક્ષણકારો દ્વારા નહીં પણ ધંધાદારી અને રાજકારણી ઘરોબો ધરાવતા ચાપલૂસિયા માટે મોકળું મેદાન બની રહે છે. દેખીતી રીતે જ આવી સંસ્થાઓ પાસેથી ગુણવત્તાની અપેક્ષા રાખવાની હોય નહીં.’

આર્થિક પેઢીઓ અને શિક્ષણની પેઢીઓ વચ્ચે અનેક બાબતોમાં સામ્ય છે એમ ઉપરોક્ત લખાણમાંથી જોવા મળે છે. આ જ મુદ્દાઓને વાસ્તવિક તળભૂમિ ઉપરથી તપાસવાનું અને માહિતી એકત્રિત કરવાનું તથા તેને શિક્ષણની દેશવ્યાપી અનવસ્થા સાથે જોડીને ખોંખારીનો બોલવાનું કામ એન.ડી.ટી.વી.ના રવિશકુમાર એપ્રિલ તા. ૧૮થી રોજ રાત્રે ૯.૦૦ વાગ્યે ‘પ્રાઈમ ટાઈમ’ નામના કાર્યક્રમમાં કરી રહ્યા છે. (આજે, વીસમી એપ્રિલે પણ આ કાર્યક્રમમાં ચર્ચા ચાલુ છે.)

રવિશકુમારે આ કાર્યક્રમ અંતર્ગત દેશભરમાંથી લાખો ઈ-મેઈલ મેળવ્યા છે. આ ઈ-મેઈલ દ્વારા પોતપોતાની સમસ્યાઓ રજૂ કરનારા લાખો ‘અભિભાવક’ વાલીઓ છે. ઝારખંડ જેવા પ્રમાણમાં  અલ્પવિકસિત પ્રદેશથી માંડી અમદાવાદ જેવા પોતાને સમૃદ્ધ ગણાવતા વિસ્તાર-પ્રદેશોના વાલીઓનો ઊંડો વલોપાત અને અકલ્પ્ય નિઃસહાયતા કોઈને પણ સ્પર્શે તેવા છે. શાળા સંચાલકો દ્વારા આચરાતી ઉઘાડી લૂંટ સામે હરફ પણ ન બોલનાર વાલીઓ કે શિક્ષકોની ‘ગુલામી’ માનસિકતા પ્રતિ કોઈને પણ દયાભાવ પ્રગટે તે સ્વાભાવિક છે. પણ આ મનોમંથન માત્ર દયાપાત્રતાએ અટકતું નથી. આટલી બધી લૂંટાયેલી પ્રવૃત્તિ સામે લાચારી અનુભવતા વાલીઓ અને શિક્ષકો માટે તેમની પ્રગટ નિર્ભયતા અને ‘તમે તો આ જ લાગના છો’ એવું પણ બોલાઈ જઈ શકે તેમ છે.

શાળાઓ કેવી લૂંટ ચલાવે છે તેના દાખલાઓ જોવાથી, ડિસેમ્બર ૨૦૧૬ના ‘અભિદૃષ્ટિ’માં જે લખ્યું હતું તેનું નગ્ન સ્વરૂપ સ્પષ્ટ થશે.

(૧) ૧૯૮૭માં કોર્ટના હુકમ છતાં શાળાઓ ગણવેશ, જૂતાં, ચોપડીઓ, નોટબુક્સ, અન્ય સ્ટેશનરી વગેરે ક્યાં તો પોતાને ત્યાંથી જ ખરીદાય અથવા પોતે નક્કી કરેલા વેપારી પાસેથી ખરીદાય તેનો આગ્રહ રાખે છે આના પરિણામે શિક્ષણની આ હાટડીઓ શું કરે છે તે જુઓ

• વિદ્યાર્થીઓ કાળા બુટ પહેરવા ફરજિયાત છે. એ જૂતા બજારમાં રૂ. ૪૦૦/-માં મળી શકે તેમ હોય છે, છતાં તેને શાળામાંથી જ ખરીદવાનો આગ્રહ રાખી રૂ. ૨૦૦૦/- પડાવાય છે.

• બ્લેઝર પહેરવું ફરજિયાત છે. તેને નક્કી કરેલી દુકાનેથી જ લેવાનું છે. તેનું બટન શાળાનો લોગો ધરાવતું હોય છે. આથી જો બટન તૂટી કે ખોવાઈ જાય તો રૂ. ૫૦/-ના ખર્ચે નવો આખો સેટ લેવો ફરજિયાત છે.

• એન.સી.આર.ટી.ઈ.નાં જે પુસ્તકો રૂ. ૫૦-૬૦માં મળે તેમાં થોડાંક પાનાં ફેર કરી રૂ. ૭૦૦-૮૦૦માં આપવામાં આવે છે. આ પુસ્તકો દર વર્ષે બદલાતાં રહે છે. તેથી જૂનાં પુસ્તકો કોઈને ય કામનાં રહેતાં નથી.

• ગણવેશ પણ શાળા દ્વારા જ વેચાય છે અને તેમાં પણ દર વર્ષે મામૂલી ફેરફાર કરાય છે જેથી બીજે વર્ષે તે કામના રહેતા નથી.

અને લગભગ દર વર્ષે થતા મબલખ ફી વધારાની તો વાત જ શી કરવી ? માત્ર શૈક્ષણિક ફીનો તોતિંગ બોજ જ નથી હોતો, મા-બાપે તો આ ઉપરાંત ડોનેશન્સ, ડિવલપમેન્ટ ફી’ વગેરે પણ ભરવા તૈયાર રહેવાનું હોય છે. આ પ્રકારની ફી ભરનારા માત્ર અબુધ, ગભરુ કે સમજ વગરના વાલીઓ નથી, આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. જેવા – મૂંછો ઉપર લીંબુ ઠરવનારા પણ મીયાંની મીંદડી બનીને આવી ફી ભરે છે. આ પણ ગુલામી માનસિકતા જ ગણાય ને!

શાળાઓને હાટડી ન બનાવાય તેવો કાયદો છે તે યાદ રાખીએ. કદાચ નેવું-પંચાણું ટકા વાલીઓ ભણેલા છે તે પણ યાદ રાખીએ અને છતાં આવી ગેરકાયદે ચાલતી લૂંટની સામે હરફ પણ ભાગ્યે જ ઉચ્ચારાય છે. બ્રિટિશ જમાનાની ગુલામી કોઈને યાદ આવે છે ?

શિક્ષકો તો ભણેલા હોય જ ને ! અને પાછી આપણી ભવ્યાતિભવ્ય પરંપરામાં આપણે તો ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને છેવટે પરંબ્રહ્મ કહી દઈએ છીએ. પાછા શિક્ષક દિન પણ ઊજવીએ છીએ. આ શિક્ષક-શિક્ષિકાની દશા કેવી છે?

• શિક્ષકગણને નિર્ધારિત રકમનો પગારનો ચેક તો આપી દેવાય પણ સાથોસાથ તે જ શિક્ષણગણ પૈસા ઉપાડવા માટેના બીજા ચેકો ઉપર સહી પણ કરી આપે. પગારનો ચેક રૂ. ૧૯,૫૦૦/-નો પણ સાથોસાથે વિથડ્રોઅલનો ચેક રૂ. ૧૩,૫૦૦/-નો. આમ શિક્ષકને માંડ રૂ. ૬,૦૦૦/- મળે. શિક્ષક જો બોલે તો નોકરી ગુમાવે. સંચાલક જે રકમ મેળવે તે બધું જ કાળુંનાણું અને ભ્રષ્ટાચાર !

આ સંદર્ભમાં કમ સે કમ બે પ્રશ્નો તો તાત્કાલિક ઊભા થાય તેમ છે.

એક, આ રીતની લૂંટને તાબે થઈ જવું તે શિક્ષકની ગુલામી ન ગણાય ?

બે, શું સંચાલકને ભ્રષ્ટાચારી ન ગણાય ?

આવા ગુલામી માનસિકતા ધરાવતા શિક્ષક દ્વારા શિક્ષણનું શું ભલું થવાનું ? પણ જે દેશમાં વાલીઓ લાચારી અનુભવતા રહે, શિક્ષકો પણ લુંટાતા રહેવા છતાં ચૂપ રહે ત્યાં ભ્રષ્ટાચારી સંચાલકો રાજ્યના ખોળામાં નિરાંતે સૂઈ શકે.

સવાલ સહેજ જુદે છેડેથી વિચારીએ. આમ તો સરકારનું કામ દેશમાં ગોટાળા – ભ્રષ્ટાચાર ચાલે નહીં તે જોવાનું છે. દેશભરમાં આતંકવાદી કે રાષ્ટ્રદ્રોહી ગતિવિધિઓ ઉપર બાજનજર રાખી શકનારી આ અતિ કાબેલ, લોકલાડીલી, વિકાસોન્મુખ, સૌનો સાથ સૌનો વિકાસ લાવનારી સરકારને ગંધ પણ આવતી નથી કે આ દેશમાં સુમનદીપ કે પારુલ જેવી યુનિવર્સિટીઓ પણ ચાલે છે. આ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ આવક ધરાવનારાનાં બાળકો જ ભણી શકે અને છતાં પોતે સતત લૂંટાતા જતા હોવા છતાં આવી સંસ્થાઓના વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચૂપ છે.

બીજી તરફ, ખાસ કરીને ગુજરાતે, ૧૯૭૨-૭૪ના ‘નવ નિર્માણ’ના આંદોલન અને ઇન્દિરા ગાંધીના કટોકટીના દિવસોને યાદ કરી જવા જેવો છે. નવનિર્માણનું આટલું જબરદસ્ત અને અત્યંત પ્રભાવશાળી આંદોલન આ જ ગુજરાતની ધરતી ઉપર ચાલ્યું હતું. તેનો પ્રારંભ એન્જિનિયરિંગ કૉલેજના રસોડા ખર્ચમાં થયેલા સામાન્ય વધારાથી થયો હતો. આજે જે ‘વાલી’ હશે તે જ લોકો કદાચ તે સમયે વિદ્યાર્થી હતા. જે આંદોલનને પરિણામે માત્ર ગુજરાતની સરકાર જ વિદાય ન થઈ; સમગ્ર ધારાસભાનો ભંગ કરાયો. જે.પી. જેવાને પણ આ આંદોલનમાંથી પ્રેરણા મળી અને લોકશક્તિનો દમદાર વિજય થયો.

આની સામે આજનું ગુજરાત અને વ્યાપક સંદર્ભમાં ભારત ક્યાં છે ? આજે જાણે કે શિક્ષણ પણ એક ધંધો છે; સરકારો આ બધા જ ખેલ જાણે છે અને ચૂપચાપ જોયા કરે છે. ઘણીવાર કોઈક ગંભીર કેસ પકડાય ત્યારે કોઈક છાપામાં એકાદ દિવસ, કોઈક ખૂણે નાનકડા સમાચાર છપાય કે આવી શિક્ષણ સંસ્થાના સંચાલક પાસે રાજકીય વગ હતી.

બીજી તરફ, સમગ્ર સમાજમાં ગૌરક્ષા, જે.એન.યુ. અને રોહિત વેમુલા, ભારતની મહાન પરંપરા અને વિવિધ ઉત્સવો, રાજકીય નેતાઓના ભાષણો અને પ્રચાર જેવા મુદ્દા લોકમાનસમાં છવાયેલા રહે છે. દેશમાં ગરીબી, બેકારી, કુપોષણ, વીજળી-પાણીનો અભાવ, સ્વાસ્થ્ય સેવાઓની દુર્દશા વગેરેની જેમ શિક્ષણ પણ લોકચર્ચા અને વિચારનો મુદ્દો નથી. લોકો અનાચાર, અન્યાય, શોષણ વગેરે વેઠી લે છે. જાત ઉપરની આ પીડાની વૃત્તિ ઘણી વ્યાપક છે. ગુલામી જેવી પ્રથાનાં લક્ષણો ધરાવતી વ્યવસ્થા સામે પણ કોઈને ગાંધીજી યાદ આવતા નથી. સત્યાગ્રહ દ્વારા લોકશાહીના દાયરામાં રહીને અહિંસક રીતે પણ પોતાનો વિરોધ વ્યક્ત કરવાનું લોકો ભૂલી ગયા છે. નવનિર્માણ આંદોલનની વૈચારિક અને વ્યવહારુ દોરવણી આપણી સામે હોવા છતાં અને ગાંધીજીની સત્યાગ્રહની લડતની સમજ હોવા છતાં આ દેશના ભણેલા વર્ગને શિક્ષણ જેવા ક્ષેત્રે કશું બોલવા જેવું લાગતું નથી.

અને લાંબી વ્યથામાં અને નાનકડો ગણાય તેવો ખૂણો પણ ઉમેરવા જેવો છે. શિક્ષણનું સંચાલન આવી દૂષિત ઢબે થતું હોય ત્યારે તેને વિશે જ કોઈ સંશોધનો આ શિક્ષકો દ્વારા પણ થવા જોઈએ કે નહીં ? દા.ત. ધંધાદારી વલણોના સાપેક્ષમાં બિનધંધાદારી વલણોના ધરાવતા સંચાલનની શિક્ષણની ગુણવત્તા ઉપર અસરો આવા કોઈ વિષય ઉપર કોઈને એમ.ફિલ. કે પીએચ.ડી. કરવાનું મન થયું હોય તો તે જાણમાં નથી. સામે પક્ષે હવે યુનિવર્સિટીઓ ઉપર સરકારી અંકુશ કડક બનતો જાય છે અને કયા વિષયમાં સંશોધન કરવું તે પણ સરકાર નક્કી કરે છે. ‘અભિદૃષ્ટિ’માં નવા યુનિવર્સિટી ધારા અંગે ચાલેલી ચર્ચા જોઈ જવાથી આ બાબત સ્પષ્ટ થશે.

શિક્ષણના ક્ષેત્રને લોકશાહી માટે પોષક ગણવામાં આવે છે. જે દેશમાં શિક્ષણમાં જ આવી હાલત હોય તે દેશની લોકશાહી અને આઝાદીની આજ અને આવતીકાલ વિશે શું કહીશું.

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, મે – જૂન 2017; અંક : 114-115; પૃ. 01-04 

Loading

...102030...3,4513,4523,4533,454...3,4603,4703,480...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved