Opinion Magazine
Number of visits: 9689068
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રંગભેદની ભીંત્યું ભાંગનાર

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|6 April 2017

દક્ષિણ આફ્રિકા હંમેશાં એક વાતે ગૌરવ લેતું રહ્યું છે કે તમે અમને મોહનદાસ આપ્યા અમે તમને મહાત્મા આપ્યા! ગાંધીજીની એડવોકેટમાંથી આંદોલનવીર બનવાની યાત્રાએ દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર જ આકાર લીધો હતો, એ હકીકત છે, પરંતુ સાથે સાથે એ વાસ્તવિકતા પણ સ્વીકારવી રહી કે ગાંધીજીના આંદોલને સમગ્ર દક્ષિણ આફ્રિકાને એવું તો આંદોલિત કરેલું કે તેની અસર દાયકાઓ સુધી જળવાઈ રહી.

આ અસર હેઠળ જ નેલ્સન મંડેલા જેવા નેતા પેદા થયા. આ અસરનું જ પરિણામ છે કે દક્ષિણ આફ્રિકા ભેદભાવમુક્ત અને ન્યાયી રાષ્ટ્ર તરીકે સ્થાપિત થઈ શક્યું છે. આ વાતનું સ્મરણ કરવાનું કારણ દુ:ખદ છે. નેલ્સન મંડેલાના નિકટતમ સાથીઓમાંના એક એવા ભારતીય મૂળના સંઘર્ષવીર અહેમદ કથરાડાનું ગત 28મી માર્ચ, 2017ના રોજ 87 વર્ષની વયે નિધન થયું.

રંગભેદ અને અન્યાય સામે આખી જિંદગી આંદોલન રૂપી તલવાર તાણનારા અહેમદ કથરાડા માત્ર દક્ષિણ આફ્રિકામાં જ નહીં, સમગ્ર વિશ્વમાં એક આંદોલનપુરુષ-રાજપુરુષ તરીકે નામના ધરાવતા હતા. કથરાડાના સંઘર્ષનો અંદાજ માંડવો હોય તો એક આંકડો પૂરતો છે કે તેમણે 87 વર્ષના આયુષ્યમાં 75 વર્ષ જાહેરજીવન-સેવા-સંઘર્ષ પ્રવૃત્તિઓમાં ગાળ્યાં હતાં, તેમણે જિંદગીનાં 26થી વધુ વર્ષો જેલમાં વિતાવવા પડેલાં, જેમાંથી 18 વર્ષ તો કુખ્યાત રોબેન ટાપુ પર આકરી સજા વેઠી હતી.

અહેમદ કથરાડાને આપણે ગુજરાતીઓએ તો ખાસ ઓળખવા જોઈએ અને આદર્શ બનાવી પ્રેરણા મેળવવી જોઈએ, કારણ કે તેઓ મૂળે તો ગુજરાતી પરિવારનું જ ફરજંદ હતા. તેમનો પરિવાર સુરતથી સ્થળાંતર કરીને આફ્રિકામાં સ્થાયી થયો હતો. અલબત્ત, કથરાડાનો જન્મ (21 ઑગસ્ટ, 1929) અને ઉછેર દક્ષિણ આફ્રિકામાં જ થયો હતો. ભારતીય મૂળના હોવાને કારણે જ સ્વાભાવિક રીતે જ તેઓ મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં ચલાવેલા આંદોલનના પ્રભાવ અને પ્રવૃત્તિઓના સંપર્કમાં આવ્યા.

કથરાડા યુવા વયે જ ભારતીય મૂળના લોકોના રાજકીય પક્ષ ટ્રાન્સવાલ ઇન્ડિયન યૂથ કૉંગ્રેસ સાથે જોડાયા હતા અને બહુ ઝડપથી સંગઠનકાર તરીકે આગળ વધ્યા હતા. આગળ જતાં તેઓ નેલ્સન મંડેલાના સંઘર્ષના સાથી બની રહ્યા હતા. કથરાડા અને નેલ્સન મંડેલા આજીવન ગાઢ મિત્રો બની રહ્યા હતા. મંડેલા કથરાડાને પોતાનું જ ‘પ્રતિબિંબ’ કહેતા તો કથરાડા મંડેલાને ‘મોટા ભાઈ’ માનતા. તેમની દોસ્તી સજાથી લઈને સત્તા સુધી જળવાઈ રહી હતી અને એકબીજાના વિશ્વાસુ સાથી બની રહ્યા હતા.

ઈ.સ. 1964માં કુખ્યાત રિવોનિયા કેસમાં મંડેલા ઉપરાંત જે ત્રણ લોકોને રાજકીય કેદી તરીકે જનમટીપની સજા મળેલી, એમાંના એક કથરાડા હતા. મંડેલાની જેમ રોબેન ટાપુ પર તેમણે પણ આકરી સજા કાપી હતી. સંઘર્ષની જેમ જ નેલ્સલ મંડેલા જ્યારે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા ત્યારે પણ કથરાડાએ તેમના પાર્લમેન્ટરી કાઉન્સેલર તરીકે જોડાઈને દેશમાં રંગભેદમુક્ત નવી નીતિ નિર્ધારણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

દક્ષિણ આફ્રિકાના અન્ય દેશો સાથેના સંબંધો સ્થાપવા અને વધારવામાં પણ કથરાડાનું મોટું પ્રદાન રહ્યું છે. ‘અંકલ કેથી’ તરીકે જાણીતા કથરાડાએ ક્યારે ય સત્તા કે પદ માટે રાજકારણ કર્યું નહોતું.

દક્ષિણ આફ્રિકામાં આઝાદી, લોકશાહી અને શાંતિ માટેના તેમના આજીવન સંઘર્ષને સલામ!

સૌજન્ય : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 05 અૅપ્રિલ 2017

Loading

હિન્દુ રાષ્ટ્ર માટેની ભૂમિ કેળવાઈ રહી છે

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|6 April 2017

મુખ્ય પ્રધાન થયે હજી તો ત્રણ અઠવાડિયાં માંડ થયાં છે ત્યાં સુધીમાં તો તેમણે હિન્દુત્વ અને વિકાસનું એવું રસાયણ વિકસાવ્યું છે જેવું કેન્દ્રમાં નરેન્દ્ર મોદી વિકસાવી શક્યા નથી. દેશમાં મોદી-મોદીની જગ્યાએ યોગી-યોગી થવા લાગ્યું છે. લોકકલ્યાણની બધી યોજનાઓ પક્ષપાત વિનાની બધા માટે છે, પરંતુ એ સાથે કેટલાક સરકારી કે બિનસરકારી એજન્ડાઓ બહુમતી કોમને ફેવર કરવા માટે અને લઘુમતી કોમને ચેતવણી આપવા માટે છે. સખણા રહેશો તો વિકાસના લાભ પક્ષપાત વગર તમને પણ મળશે, બાકી આ રાજ્ય બહુમતી હિન્દુઓનું છે એ આ નવા રાજકીય રસાયણનો મેસેજ છે

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા પછી કોઈને લાગતું નહોતું કે વિવાદાસ્પદ ધર્મગુરુ યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. એ વિજય નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનું અને અમિત શાહના માઇક્રો-મૅનેજમેન્ટનું પરિણામ હતું અને એમાં યોગી આદિત્યનાથનો મોટો ફાળો નહોતો. બીજું, ગોરખપુરની પીઠના ગાદીપતિઓ કટ્ટર હિન્દુત્વવાદી સાવરકરપંથીઓ છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરતાં હિન્દુ મહાસભા સાથે તેમનો વધારે સંબંધ રહ્યો છે. યોગી આદિત્યનાથના દાદાગુરુ યોગી દિગ્વિજયનાથ અને ગુરુ યોગી અવૈદ્ય નાથ તો હિન્દુ મહાસભાની ટિકિટ સાથે ચૂંટણી લડતા હતા. અત્યારે હિન્દુ મહાસભાનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી એટલે યોગી આદિત્યનાથ હિન્દુ મહાસભા સાથે સીધો સંબંધ ધરાવતા નથી એ જુદી વાત છે, પરંતુ તેમની વિચારધારા તો એ જ સાવરકરવાદી હિન્દુ મહાસભાવાળી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાવરકરનો ઋણી છે, પરંતુ એને સાવરકરપંથીઓ પરવડતા નથી અને તેમનાથી અંતર રાખે છે.

આમ યોગી આદિત્યનાથ ઝાલ્યા ન રહે એવા માણસ છે અને સંઘપરિવારને એનો લાંબો અનુભવ છે. સંઘના સ્વયંસેવકો ઓછા હિન્દુત્વવાદીઓ છે એ માટે તો તેમણે સંઘની ઉપરવટ જઈને સમાંતરે હિન્દુ યુવા વાહિનીની સ્થાપના કરી છે. એમ ધારવામાં આવતું હતું કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા પછી યોગી આદિત્યનાથ હિન્દુ યુવા વાહિનીને વિખેરી નાખશે, પરંતુ ધારણાથી ઊલટું તેઓ હિન્દુ યુવા વાહિનીની ઉત્તર પ્રદેશમાં સર્વત્ર શાખાઓ ખોલી રહ્યા છે અને રોજ સેંકડોની સંખ્યામાં યુવકો એમાં જોડાય છે. આ ઉપરાંત બહુ લાંબા નહીં; નજીકના ભૂતકાળમાં યોગી આદિત્યનાથની સંઘના નેતાઓ સાથે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે અને ખુદ નરેન્દ્ર મોદી સાથે ખટપટ થઈ ચૂકી છે.

તો પછી યોગી આદિત્યનાથને દેશના સૌથી મોટા અને રાજકીય રીતે મહત્ત્વના રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવાની ઘટના બની કેવી રીતે અને કોના કહેવાથી બની એ સવાલ પુછાઈ રહ્યો છે. કેટલાક લોકો કહે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે નરેન્દ્ર મોદીના વધતા પ્રભાવને ખાળવા માટે યોગીને આગળ કર્યા છે. યોગી આદિત્યનાથ નરેન્દ્ર મોદી જેવા જ પ્રભાવકારી વક્તા છે, આકરાં વેણ ઉચ્ચારી શકે છે અને આકરાં પગલાં પણ લઈ શકે છે. ખરું પૂછો તો યોગી આદિત્યનાથ નરેન્દ્ર મોદી કરતાં વધુ કૃતનિયી છે. આમ નરેન્દ્ર મોદીનો પ્રભાવ ખાળવા માટે સંઘે યોગીને આગળ કર્યા છે. સંઘ સિધાંત: સંઘશક્તિમાં માને છે અને એમાં વ્યક્તિ ગૌણ છે. આમ નરેન્દ્ર મોદીનું વિરાટ બનતું જતું વ્યક્તિત્વ સંઘને માફક આવતું નથી અને તેમને કદ પ્રમાણે વેતરવા તોફાની યોગી આદિત્યનાથને પસંદ કરવામાં આવ્યા છે.

બીજી થિયરી સાપેક્ષવાદની છે. ઉદારમતવાદી (મૉડરેટ) હોવાની છબિ ઉપસાવવી હોય તો આપણા કરતાં વધારા આકરા અને ઝનૂની માણસને ત્રાજવાના બીજા છાબડામાં બેસાડવો જોઈએ. લાલ કૃષ્ણ અડવાણી હતા એટલે અટલ બિહારી વાજપેયી આપણને ઉદારમતવાદી લાગતા હતા અને આજે નરેન્દ્ર મોદીની તુલનામાં અડવાણી ઉદારમતવાદી લાગે છે. હવે નરેન્દ્ર મોદી ઉદારમતવાદી, ધીરજવાન, સમજદાર નેતા છે એવી છબિ વિકસાવવા માટે બીજા છાબડામાં કોઈ જાડા નરની જરૂર છે અને એ માટે યોગીને પસંદ કરવામાં આવ્યા છે.

ત્રીજી સંભાવના વિશે હું આ કૉલમમાં લખી ચૂક્યો છું. યોગી આદિત્યનાથ નરેન્દ્ર મોદી અને સંઘ પરિવાર બન્નેની પસંદ છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં તેઓ ભારતીય હિન્દુઓની ભગવાકરણની ક્ષમતા માપવા માગે છે. લવ-જેહાદ, ગૌરક્ષા, ઍન્ટિ-રોમિયો સ્ક્વૉડ, ગેરકાયદે કતલખાનાંઓ પર પ્રતિબંધ, માંસની નિકાસ પર પ્રતિબંધ વગેરે એક પછી એક હિન્દુત્વવાદી કાર્યક્રમો લાગુ કરીને તેઓ જોવા માગે છે કે એને આમ હિન્દુનું કેટલું અનુમોદન મળે છે. જેમ-જેમ હિન્દુઓનું અનુમોદન મળતું જશે એમ-એમ તેમની હિંમત વધતી જશે અને તેઓ હિન્દુ રાષ્ટ્ર માટેની અનુકૂળ ભૂમિ રચતા જશે. જો તેમની યોજનામાં મોટો ગતિરોધ નહીં આવે તો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં બધાં કપડાં ફગાવી દઈને હિન્દુ રાષ્ટ્રના નામે ચૂંટણી લડાય તો આશ્ચર્ય નહીં થાય. આમ યોગી આદિત્યનાથ એ પાણી માપવા માટે કરવામાં આવેલી ગણતરીપૂર્વકની પસંદગી છે.

મુખ્ય પ્રધાન થયે હજી તો ત્રણ અઠવાડિયાં માંડ થયાં છે ત્યાં સુધીમાં તો તેમણે હિન્દુત્વ અને વિકાસનું એવું રસાયણ વિકસાવ્યું છે જેવું કેન્દ્રમાં નરેન્દ્ર મોદી વિકસાવી શક્યા નથી. દેશમાં મોદી-મોદીની જગ્યાએ યોગી-યોગી થવા લાગ્યું છે. લોકકલ્યાણની બધી યોજનાઓ પક્ષપાત વિનાની બધા માટે છે, પરંતુ એ સાથે કેટલાક સરકારી કે બિનસરકારી એજન્ડાઓ બહુમતી કોમને ફેવર કરવા માટે અને લઘુમતી કોમને ચેતવણી આપવા માટે છે. સખણા રહેશો તો વિકાસના લાભ પક્ષપાત વગર તમને પણ મળશે, બાકી આ રાજ્ય બહુમતી હિન્દુઓનું છે એ આ નવા રાજકીય રસાયણનો મેસેજ છે. ઉત્તર પ્રદેશના સીમાંત અને મધ્યમ સ્તરના ૨,૧૫,૦૦૦ ખેડૂતોને દેવામુક્ત કરવાની ઘોષણા આ રસાયણ વિકસાવવાની દિશામાં આગલું કદમ છે. કુલ મળીને ૩૬,૩૫૯ કરોડ રૂપિયાની લોન માફ કરી દેવામાં આવી છે. હવે પછી અનેક દિવસો સુધી દેવામુક્તિના લાભાલાભ વિશે ચર્ચા થતી રહેશે અને એ દરમ્યાન હિન્દુત્વ માટેની અનુકૂળતાનું પાણી હજી કેટલું ઊંડું છે એ ચકાસવામાં આવશે.

આ મૉડલની તુલના કરવી હોય તો ઇઝરાયલ સાથે થઈ શકે અને હિન્દુત્વવાદીઓને ઇઝરાયલની સ્થાપના સાથે જ એનું આકર્ષણ છે. બાકી દરેક અર્થમાં આધુનિક રાજ્ય, બસ થોડું ઓછું અને પક્ષપાતી સેક્યુલર. આખરે બહુમતી પ્રજાને થોડું તો ઝૂકતું માપ મળવું જોઈએને. તેમનો હક છે. તમને જો આ દલીલ ગળે ઊતરતી હોય તો લખી લો, હિન્દુ રાષ્ટ્ર માટેની ભૂમિ કેળવાઈ રહી છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 06 અૅપ્રિલ 2017

Loading

નવી આરોગ્ય નીતિઃ આવકારની સાથે …

ચંદુ મહેરિયા|Opinion - Opinion|6 April 2017

દેશના 70 ટકા શહેરી અને 6૫ ટકા ગ્રામીણ (મોંઘી સારવાર ધરાવતાં) ખાનગી દવાખાના પર જ નિર્ભર છે

રાષ્ટ્રીય ગ્રાહક પંચે તાજેતરમાં મચ્છર કરડવાથી થયેલી બીમારીને કારણે થતા મોતને દુર્ઘટના ગણતો ચુકાદો આપ્યો. આ ચુકાદાથી વીમા કંપનીએ ગ્રાહકને વળતર આપવું પડશે. ગુજરાત સરકાર 2022 સુધીમાં રાજ્યને મેલેરિયામુક્ત કરવા દૃઢનિશ્ચયી છે. સરકાર મેલેરિયાપીડિત નાગરિકની ત્વરિત સારવાર માટે હેલ્પલાઈન શરૂ કરી રહી છે. મચ્છરજન્ય બીમારીના આ તાજા દાખલા દેશમાં અને રાજ્યમાં આરોગ્યક્ષેત્રે કેવી સ્થિતિ છે તેનાં દ્યોતક છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે દોઢ દાયકાની પ્રતીક્ષા પછી જે નવી આરોગ્ય નીતિ જાહેર કરી, તે સ્વાગતાર્હ છે.

નવી આરોગ્ય નીતિ દેશના તમામ નાગરિકોને શિક્ષણ, અન્ન અને માહિતીના અધિકાર જેવો કોઈ આરોગ્યનો અધિકાર તો નથી આપતી, પણ ગરીબો-વંચિતોને સસ્તી અને યોગ્ય તબીબી સારવારની ખાતરી જરૂર આપે છે. આઝાદીના સિત્તેર વરસે સરકારને લોકોના આરોગ્ય માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પાયાની જરૂરિયાત લાગી છે તે સાચી દિશાની નીતિ છે. 2025 સુધીમાં સરકાર જી.ડી.પી.નો 2.5 ટકા હિસ્સો આરોગ્ય માટે ખર્ચવાનું પણ વચન આપે છે. આ નીતિમાં સરકારે કેટલાક રોગોને ચોક્કસ સમયમર્યાદામાં નાબૂદ કરવાનું કે તેમાં મોટો ઘટાડો કરવાનું પણ નક્કી કર્યું છે. બીમારી પછીની સારવારને બદલે સ્વસ્થ અને તંદુરસ્ત નાગરિક પણ સરકારની પ્રાથમિકતા છે.

દેશના બંધારણ મુજબ આરોગ્ય સંયુક્ત યાદીનો વિષય છે. એટલે કેન્દ્રની આરોગ્ય નીતિનો સ્વીકાર અને અમલ રાજ્ય પર આધારિત છે. પરંતુ હાલમાં દેશમાં જે પ્રકારની આરોગ્યની સ્થિતિ પ્રવર્તે છે તે ચિંતાજનક છે. ડૉક્ટરોની અછત છે તો ખાનગી સારવાર એટલી મોંઘી છે કે તે સામાન્ય માણસને પરવડે તેવી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)નો એક અહેવાલ ભારતમાં એક લાખની વસ્તીએ 80 ડૉક્ટરો છે તેમ જણાવે છે. ગામડાઓમાં લોકોની સારવાર કરતા કહેવાતા ડોકટરોમાંથી ત્રીસ ટકા તો યોગ્ય તબીબી ડિગ્રી વિનાના હોવાનું પણ તેમાં જણાવાયું છે.

ગરીબી અને ગંદકી લોકોને થતા રોગોના મૂળમાં છે. તેમાં ડૉક્ટરો અને દવાખાનાંનો અભાવ ઉમેરાતાં પરેશાની વધે છે. દસ હજારની વસ્તી દીઠ દવાખાનામાં માંડ નવ પથારીની સગવડ આપણે ધરાવીએ છીએ. ગરીબ માણસને ખાનગી દવાખાનાની મોંઘી સારવાર પોસાતી નથી અને સરકારી દવાખાનામાં સગવડ નથી. જો ગરીબ કે મધ્યમવર્ગના લોકોને ખાનગી દવાખાને સારવાર કરાવવી પડે તો તેની આર્થિક સ્થિતિ વધારે નાજુક બને છે. જો કે તેનો તે સિવાય છૂટકો નથી, કેમ કે દેશના 70 ટકા શહેરી અને 65 ટકા ગ્રામીણ લોકો ખાનગી દવાખાના પર જ નિર્ભર છે. નવી આરોગ્ય નીતિમાં સૌને માટે સ્વાસ્થ્ય કેટલું અઘરું છે તે આ હકીકત પરથી સમજાય છે.

કલ્યાણરાજ્યને વરેલી આપણી લોકશાહી સરકારો માટે જાહેર આરોગ્ય સાવ જ ઉપેક્ષિત છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આરોગ્ય પાછળ નજીવો ખર્ચ કરે છે. જી.ડી.પી.ના છ ટકા જાહેર આરોગ્ય માટે ખર્ચવાના વૈશ્વિક માપદંડથી આપણે ઘણા પાછળ છીએ. હાલમાં ભારત તેના જી.ડી.પી.નો માત્ર 1.04 ટકા જ ખર્ચ આરોગ્ય માટે કરે છે. બ્રાઝિલ જી.ડી.પી.ના 3.8 ટકા, રશિયા 3.7 ટકા અને ચીન 3.1 ટકા ખર્ચ કરે છે. અમેરિકાની ઓબામા હેલ્થ કેર યોજના કે બ્રિટનની 80 ટકા વસ્તીને આવરી લેતી જાહેર આરોગ્ય સેવાઓ અપવાદ છે પણ બાકીના વિશ્વમાં સ્થિતિ સંતોષજનક નથી. હવે ભારત સરકાર 2022 સુધીમાં જી.ડી.પી.ના 2.5 ટકા સુધી પહોંચવા જણાવે છે ખરી, પણ તે ઘણું અપૂરતું છે.

સ્વસ્થ નાગરિકની પાયાની શરત સ્વસ્થ બાળક અને સ્વસ્થ માતા છે. આ બાબતમાં ભારત સાવ જ તળિયે છે. ચોથા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણનો તાજો અહેવાલ નોંધે છે કે દેશમાં દર એક હજારે 41 બાળકો જન્મતાં જ મૃત્યુ પામે છે. ઉત્તર પ્રદેશમાં તેનો દર હજારે 64,  છતીસગઢમાં 54, મધ્ય પ્રદેશમાં 51 અને બિહાર-આસામમાં 48 છે. પાંચ વરસની ઉંમરના કુપોષિત બાળકોનું પ્રમાણ દેશમાં 35.7 ટકા છે. પણ દેશનાં ઘણાં રાજ્યો આ રાષ્ટ્રીય સરેરાશથી વધુ ઊંચો દર ધરાવે છે.  બિહારમાં 48.3 ટકા, યુ.પી. 46.3 ટકા, ઝારખંડ 45.2 ટકા, મેઘાલય 43.8 ટકા અને મધ્ય પ્રદેશ 42 ટકા કુપોષિત બાળકો ધરાવે છે. 2025 સુધીમાં સરેરાશ આયુષ્યમર્યાદા વધારીને 70 વરસ કરવાનું લક્ષ નવી આરોગ્ય નીતિનું છે, પણ તેના માટે મોટો પડકાર શિશુ મૃત્યુ દર ઘટાડવાનો છે.

2030 સુધીમાં કેન્સર, ડાયાબિટીસ અને હૃદય સંબંધી બીમારીઓની સારવાર માટે ભારતમાં 41 લાખ કરોડ રૂપિયા ખર્ચાશે તેવો અંદાજ WHOનો છે. તેના પરથી આરોગ્યની ઉપેક્ષા સરકાર અને સમાજને કેટલી મોંઘી પડી શકે છે તે જણાય છે. રાજકીય ઈચ્છાશક્તિ જો જાહેર આરોગ્યના તંત્રને દૃઢ બનાવવાની નહીં હોય તો તે દેશના અર્થતંત્રને ખોરવી શકે તેમ છે તે સત્ય નીતિનિર્ધારકોએ સમજી લેવાની જરૂર છે. સમયબદ્ધ આયોજન અને પૂરતાં સંસાધનો લગાવીને ડૉક્ટરો અને દવાખાનાની અછત પૂરી કરવાની છે. આ દિશામાં દિલ્હીની આમઆદમી પાર્ટીની રાજ્ય સરકારના મોહલ્લા ક્લિનિકની યોજના ધ્યાનપાત્ર છે. દિલ્હી સરકારે અત્યાર સુધીમાં 107 મોહલ્લા ક્લિનિક શરૂ કરી દીધાં છે. તે 1000 મોહલ્લા ક્લિનિક બાંધવા માગે છે, પરંતુ સૌથી મોટો અંતરાય જમીનનો છે.

હવે સરકારી શાળામાં આવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દિલ્હી સરકારને બાંધવા મંજૂરી મળી છે. આ દવાખાનાંમાં તમામ પ્રકારની સારવાર અને તબીબી તપાસ મફત કરવામાં આવે છે. મોટી અને અદ્યતન સાધન સુવિધાથી સજ્જ હોસ્પિટલોની સાથે લોકોની રોજબરોજની જરૂરિયાત માટે ઘરની નજીકના આવાં મહોલ્લા ક્લિનિક ખૂબ જરૂરી છે. એક જમાનામાં તબીબી વ્યવસાય એ સેવાનું ક્ષેત્ર હતો. આજે તે ધંધો બની ગયું છે. સેવાવૃત્તિ અલોપ થઈ ગઈ છે. તબીબી સારવાર એટલી મોંઘી છે કે માંદા પડવું હવે આર્થિક પાયમાલી તરફ લઈ જનારી બાબત બની ગઈ છે. 

હૃદયરોગ સંબંધી બીમારીમાં હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ સંકોચાઈ જાય ત્યારે ડોકટરો જે સ્ટેન્ટ મૂકે છે તેના ભાવ હૃદય બંધ પડી જાય તેટલા લેવાય છે. આ વરસના ફેબ્રુઆરી મહિનામાં તમામ પાસાં વિચારીને કેન્દ્ર સરકારે રૂપિયા સિત્તેર હજારથી બે લાખે અપાતા સ્ટેન્ટનો ભાવ રૂપિયા ત્રીસ હજાર ઠરાવ્યો, તો તેનો ભારે વિરોધ થયો. તેમાં ન ફાવ્યા તો કૃત્રિમ અછત ઊભી કરી. આ એક જ ઉદાહરણ તબીબી ક્ષેત્રની પડતી અને સ્થિતિ દર્શાવે છે. તબીબી ક્ષેત્રમાં જે ધંધાદારી દલાલોનું ચલણ છે અને ડૉક્ટરો એ જ રસ્તે પ્રવૃત્તિ કરે છે તેના કારણે જેનેરિક દવાઓનો સરકારનો પ્રયાસ સફળ થતો નથી. હવે ખુદ સરકારે  દવાઓની દુકાનો શરૂ કરવી પડી છે. નવી આરોગ્ય નીતિ પંદર વરસ પછી આવી છે. તેની ઘણી બાબતો આવકારદાયક છે, તો કેટલીક ટીકાપાત્ર પણ છે. જોકે ખરો સવાલ તેના અમલનો છે.

સૌજન્ય : ‘એક્સ-રે’, “દિવ્ય ભાસ્કર”, 06 અૅપ્રિલ 2017 

Loading

...102030...3,4483,4493,4503,451...3,4603,4703,480...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved