Opinion Magazine
Number of visits: 9689077
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય અને પશ્ચિમી શાસ્ત્રીય સંગીતનો સમન્વય : વનરાજ ભાટિયા

નિલય ભાવસાર|Opinion - Opinion|24 April 2017

૧ માર્ચ, ૨૦૧૭ના રોજ મુંબઈ સ્થિત National Centre for Performing Arts દ્વારા ભારતીય સમાંતર સિનેમાના સંગીતકાર તરીકે ખ્યાત વનરાજ ભાટિયાને તેઓએ લયબદ્ધ કરેલાં ગીત અને સંગીતને તેમની સમક્ષ રજૂ કરી અને તેમના સઘળાં સંગીતને અંજલિ આપવામાં આવી હતી. આ સંગીત સમારંભમાં દેશનાં જાણીતા તબલાંવાદક ઝાકીર હુસૈન, The Symphony Orchestra of India અને તુષાર ભાટિયાના મ્યુિઝકલ ગ્રૂપ દ્વારા વનરાજ ભાટિયાના અનન્ય સંગીતને તેમની ઉપસ્થિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું.

૯૦ વર્ષીય સંગીતકાર વનરાજ ભાટિયા એ ભારતનાં વિશિષ્ટ એવાં જૂજ સંગીતકાર પૈકીના એક છે કે જેમણે પશ્ચિમનાં શાસ્ત્રીય સંગીતનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો છે અને પોતાની સંગીત વિશેની આ સમજણને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પરોવવામાં સફળ સાબિત થયા છે. વનરાજ ભાટિયાએ પોતાના સંગીતના અભ્યાસ અને તેમાં પ્રાપ્ત કરેલી અનેક સ્કોલરશીપ થકી પશ્ચિમી શાસ્ત્રીય સંગીતના જ્ઞાનની બાબતમાં પોતાનો એવો નોંધપાત્ર ફાળો આપ્યો છે કે જે ભાગ્યે જ કોઈ ભારતીય સંગીતકાર આપી શક્યા છે.

વનરાજ ભાટિયાએ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી સ્નાતક થયાં બાદ લંડનની રોયલ અકાદમી ઓફ મ્યુિઝકમાંથી સંગીતનો અભ્યાસ કર્યો છે અને સાથે તેઓ પેરીસ કન્ઝર્વેટરીમાં પણ સંગીતનો અભ્યાસ કરી ચૂક્યા છે. વર્ષ ૧૯૬૦માં દિલ્હી યુનિવર્સીટીના વેસ્ટર્ન મ્યુિઝકોલોજી વિભાગમાં વનરાજ ભાટિયાની રીડરના હોદ્દા તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ, ત્યાંની કેટલીક મર્યાદાઓ અને વિરોધાભાસને જોતાં વનરાજ ભાટિયાને તેમની આ નિમણૂક સહજ રીતે અસંતોષકારક લાગી હતી.

વનરાજ ભાટિયાએ પોતાની સંગીતમય કારકિર્દીનો મોટા ભાગનો સમય ભારતીય મીડિયામાં સમાવેશ થતાં એ તમામ ક્ષેત્રોમાં સંગીતનું સર્જન કરવામાં આપ્યો છે કે જેમાં ફિલ્મ સંગીત સિવાય ટેલિવિઝન અને રેડિયોની જાહેરખબરની જિંગલ માટે રચવામાં આવેલા સંગીતનો પણ સમાવેશ થાય છે. જે પૈકી શક્તિ સિલ્ક મિલ્સ અને લિરિલ સાબુની જાહેરખબરના સંગીતનો પણ સમાવેશ થાય છે. જાહેરખબરોના માધ્યમ થકી વનરાજ ભાટિયા તે સમયે ફિલ્મ દિગ્દર્શક શ્યામ બેનેગલના સંપર્કમાં આવ્યા હતા. સમાંતર સિનેમાના જનક એવા દિગ્દર્શક શ્યામ બેનેગલની અનેક ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીમાં વનરાજ ભાટિયા સંગીતનું સર્જન કરી ચૂક્યા છે. જેમાં શ્યામ બેનેગલ દ્વારા નિર્દેશિત અંકુર, મંથન, ભૂમિકા, જુનૂન, કલયુગ, મંડી, ત્રિકાલ, સૂરજ કા સાતવાં ઘોડા અને સરદારી બેગમ જેવી ફિલ્મો અને ભારત એક ખોજ નામની ટેલિવિઝન શ્રેણીનો સમાવેશ થાય છે. ફિલ્મોમાં મુખ્યત્વે પશ્ચાદ સંગીતની રચના કરવામાં વનરાજ ભાટિયાનો અમૂલ્ય ફાળો રહેલો છે. વર્ષ ૧૯૮૮માં ટેલિવિઝન-ફિલ્મ તમસના સંગીત માટે તેમને શ્રેષ્ઠ સંગીતનો રાષ્ટ્રીય પુરસ્કાર અને વર્ષ ૧૯૮૯માં તેમને સંગીત નાટક અકાદમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૨માં વનરાજ ભાટિયાને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં છે. હવે, આગળ આપણે વનરાજ ભાટિયાની સંગીતમય સફર વિશે માંડીને વાત કરીશું.

વનરાજ ભાટિયાનો ઉછેર મુંબઈ સ્થિત ‘ન્યૂ એરા’ નામની શાળામાં ભારતીય શાસ્ત્રીય સંગીતના જ્ઞાન સાથે થયો હતો. તે સમયે તેમને ભારતીય શાસ્ત્રીય સંગીતના તમામ રાગ વિશેની જાણકારી હતી. તેમને શાળામાં Miss Yeoh નામનાં એક ચીની શિક્ષિકા થકી ત્રિમાસિક પશ્ચિમી શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. સંગીતકાર John Strauss’sના The Blue Danube સંગીતથી તેઓ પ્રભાવિત થયા અને તેમને સંગીતના વિવિધ પાઠ શીખવાની શરૂઆત કરી. વનરાજ ભાટિયા તે વખતે જાતે જ વિવિધ ઓપેરાની રેકર્ડ ખરીદી લાવતા હતા અને તે રીતે તેમણે સંગીત સાંભળવાની શરૂઆત કરી હતી. જે પૈકી તેમને La Boheme નામની એક સંગીતની રચના ખૂબ જ પસંદ આવી હતી. આ સિવાય પોતાના એક મિત્રના ઘરે સાંભળેલી Tchaikovskyની Piano Concert No. 1 પણ તેમને પસંદ પડી હતી. વનરાજ ભાટિયાએ મુંબઈના લગભગ તમામ સંગીતના શિક્ષકો પાસેથી સંગીતની તાલીમ મેળવી હતી. જે પૈકી બાળરોગોના નિષ્ણાત ડોક્ટર અને સંગીતકાર એવા માણિક ભગત પાસેથી તેમણે સતત ચાર વર્ષ સુધી સંગીત શીખ્યું હતું. તે સમયમાં તેમને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે તેઓ ક્યારે ય પણ સારા પિયાનોવાદક નહિ બની શકે અને માટે તે આ ચાર વર્ષના સમયગાળા દરમિયાન શિક્ષક માણિક ભગતે તેમને સંગીતનું સંપૂર્ણ સપ્તક શીખવ્યું હતું. તે સમયમાં તેઓ સંગીતની કોઈ એક ધૂન પણ યોગ્ય રીતે વગાડી શકતા નહોતા, પણ તે તમામ ધૂનને તેઓ દિલ થકી સમજી અને અનુભવી શકતા હતા. જ્યારે વનરાજ ભાટિયા સંગીતના ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા, ત્યારે તેઓને મહાન સંગીતકાર જેવા કે Brahms, Chopin, Beethoven, Schubert, Mozart વિશેની પૂરતી જાણકારી હતી.

વનરાજ ભાટિયાના પિતા કાપડના વેપારી હતા અને તેમણે તે વખતે કહ્યું હતું કે તેઓ પુત્ર વનરાજને લંડનમાં છ મહિના માટે સંગીત શીખવા માટેનું ખર્ચ આપશે અને ત્યાર બાદ જો વનરાજ ભાટિયા સ્કોલરશીપ નહિ મેળવી શકે તો તેણે લંડનથી પરત મુંબઈ આવી જવું પડશે. પરંતુ, વનરાજ ભાટિયાનો સમગ્ર પરિવાર તેમના સંગીતના આ શોખનો ભારે વિરોધી હતો. એક સમયમાં તેઓ તેમનો પિયાનો પણ સળગાવી દેવા માંગતા હતા. આ તે સમય હતો કે જ્યારે દેશમાં સમાજવાદ અને ગાંધીજીની ચળવળ ભારે ચર્ચામાં હતી. વનરાજ ભાટિયાના એક પારિવારિક સદસ્યનું એવું પણ કહેવું હતું કે જો આપણે વનરાજને સંગીત શીખવા માટે વિદેશ મોકલીશું તો તે ત્યાંથી પરત આવ્યા બાદ મુંબઈની ચોપાટી પર ચણા વેચવાનું કામ કરશે પણ વનરાજ ભાટિયાના પિતા તેમને લંડન મોકલવા માટેના પક્ષમાં હતા. સદ્‌ભાગ્યે વનરાજ ભાટિયાને વિદેશમાં એક કરતાં વધારે સ્કોલરશીપ મળી જે પૈકીની એક Rockfeller Fellowship પણ હતી. ત્યાર બાદ તેઓએ પેરિસમાં પણ સંગીતનો અભ્યાસ કર્યો. જ્યાં તેઓએ તેમનો પૂરો સમય માત્ર અને માત્ર સંગીત શીખવામાં જ પસાર કર્યો. વિદેશથી પરત ભારત આવ્યા બાદ, તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં જોડાયા કારણ કે તે વખતે તેમનાં પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. તે વખતે દિલ્હી યુનિવર્સિટીમાં વેસ્ટર્ન મ્યુિઝકોલોજીની શરૂઆત કરવામાં આવી હતી, પણ તેઓ આ પ્રકારના શિક્ષણને ધિક્કારતા હતા અને કહેતા હતા કે કોઈ પણ વ્યક્તિ કે જે સારો સંગીતકાર બની શકતી નથી તે બાદમાં સંગીતજ્ઞ બની જાય છે. આ જગ્યાએ કાર્ય કરવામાં તેમને વધુ રસ નહોતો છતાં સંજોગવશાત્‌ તેમણે અહીં આ વેસ્ટર્ન મ્યુિઝકોલોજી વિભાગમાં પાંચ વર્ષના લાંબા સમયગાળા સુધી કાર્ય કર્યું હતું.

વનરાજ ભાટિયાએ વર્ષ ૧૯૫૪માં જિંગલ્સની રચના કરવાનું શરુ કર્યું હતું અને અત્યાર સુધીમાં તેઓ કુલ ૬,૦૦૦ કરતાં વધારે જિંગલ્સ તૈયાર કરી ચૂક્યા છે. આ સાથે તેઓ લગભગ અન્ય તમામ ભારતીય સંગીતકાર સાથે પણ કામ કરી ચૂક્યા છે. મુંબઈમાં જ્યારે વનરાજ ભાટિયા નાણાંકીય અછતમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમણે શક્તિ સિલ્ક મિલ્સ માટેની જાહેરખબર માટે એક જિંગલની રચના કરી હતી કે જે લગભગ ત્રણ મિનિટ જેટલી લાંબી હતી અને તે પ્રથમ રેડિયો અને ત્યાર બાદ સિનેમાઘરોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. દિગ્દર્શક શ્યામ બેનેગલે જ્યારે આ જિંગલ સાંભળી ત્યાર બાદ તેમણે વનરાજ ભાટિયાને પોતાની ફિલ્મોમાં સંગીતકાર તરીકે કામ આપવાનું શરુ કર્યું હતું. વનરાજ ભાટિયા તે સમયમાં પોતાની સાથે અન્ય પાંચ સંગીતકારોને લઈને સંગીતની રચના કરતા હતા અને તે દરેકને અલગ-અલગ વાદ્ય વગાડવા માટે આપતા હતા કારણ કે તે પ્રયોગ થકી એક જુદાં જ પ્રકારના સંગીતની રચના શક્ય બની શકતી હતી.

આ એ સમયગાળો હતો કે જ્યારે બોલીવૂડમાં મોટા ભાગના સંગીતકાર પંજાબ અને ઉત્તરપ્રદેશથી આવતા હતા અને તેમાંના મોટાભાગના સંગીતકાર હારમોનિયમવાદક હતા કે જેઓ પોતાનાં લોકસંગીતના જ્ઞાન થકી એક ઉમદા સંગીતની રચના કરી શકતા હતા. છતાં, પણ તેમનું કાર્યક્ષેત્ર ખૂબ જ મર્યાદિત રહેતું હતું. આ સંગીતકાર તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી ધૂનને એક ચોક્કસ શૃંખલામાં બાંધી આપનાર વ્યક્તિ (Arranger) પર આધારિત રહેતા હતા અને જો એક વખત આ Arranger જતો રહે તો તેમનું સંગીત પણ બદલાઈ જતું હતું. જ્યારે, વનરાજ ભાટિયા જાતે જ તેમની તમામ સંગીતબદ્ધ રચના અને ધૂનને એક શૃંખલામાં ગોઠવી શકતા હતા. વનરાજ ભાટિયાનું સંગીત તે વખતે પણ એટલું જ અનન્ય હતું કે જેટલું અત્યારે છે અને તેઓ ક્યારે ય પણ મુખ્યપ્રવાહની ફિલ્મ માટે સંગીત આપવા ઇચ્છતા નહોતા. તેઓએ મોટેભાગે સમાંતર સિનેમાની ફિલ્મોમાં પશ્ચાદ્‌ સંગીતની જ રચના કરી છે. લોકો કહે છે કે વનરાજ ભાટિયા એ પશ્ચિમના વ્યક્તિ છે ત્યારે તેઓ જણાવે છે કે તેમણે ફિલ્મ સરદારી બેગમ માટે માત્ર તબલાં, સારંગી અને હારમોનિયમનો ઉપયોગ કરીને સંગીતની રચના કરી હતી. તે સમાંતર સિનેમાના યુગ દરમિયાન Film and Television Institute of Indiaમાંથી સ્નાતક થયેલા મોટા ભાગનાં ફિલ્મકારોની ફિલ્મમાં વનરાજ ભાટિયાએ પશ્ચાદ્‌ સંગીત આપ્યું હતું. આ ફિલ્મોમાં સંગીત થકી તેમને કોઈ વધારે નાણાં મળતા નહોતા અને તે તમામ ફિલ્મકાર પ્રસિદ્ધ થઇ ગયા બાદ વનરાજ ભાટિયાને તેમનાં કામ માટેનું વળતર ચૂકવતા હતાં!

વનરાજ ભાટિયાને અન્ય ભારતીય સંગીતકારમાં કલકત્તાનું ન્યૂ થિયેટર સ્ટુડીઓઝ, રાઈચંદ બોરલ, પંકજ મલિક અને કે.એલ. સાઈગલની ફિલ્મનું સંગીત પસંદ છે. તેઓ જ્યારે યુરોપ હતા ત્યારે ઓપેરાના સંગીત માટે એવા ઘેલા હતા કે વર્ષ ૧૯૫૨ના શિયાળાના સમયમાં તેઓ વિયેના માત્ર ઓપેરા સાંભળવા માટે ગયા હતા.

ગત વર્ષોમાં તેમણે નાટ્યકાર ગિરીશ કર્નાડના નાટક અગ્નિવર્ષા માટે સંગીતની રચના કરી હતી પણ આ નાટક નિષ્ફળ સાબિત થયું હતું. આ સિવાય તેમણે અન્ય કોઈ ભારતીય નાટકમાં સંગીત આપ્યું નથી. એક વખત જ્યારે વનરાજ ભાટિયા અને ગીતકાર જાવેદ અખ્તરની મુલાકાત થઇ હતી, ત્યારે જાવેદ અખ્તરે કહ્યું હતું કે તમે મને તૈયાર કરેલી સંગીતની ધૂન આપો અને હું તમને તે ધૂન આધારિત ગીત લખી આપીશ ત્યારે વનરાજ ભાટિયાએ કહ્યું હતું કે ‘હું ક્યારે ય પણ શબ્દ વિના ધૂન તૈયાર કરતો નથી.’

Email – nbhavsarsafri@gmail.com

Loading

અહેસાસનો ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ’ અને ગવર્નન્સ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 April 2017

સૌનિક કાર્યવાહી વેળા ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ’ નામની એક ઑપરેશનલ વ્યૂહરચના હોય છે. એમાં કમાન્ડરને ખબર હોય છે કે શું કરવાનું છે, ક્યારે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે અને કોણે કરવાનું છે. કમાન્ડરનું કામ આ ‘કમાન્ડ’ આપવાનું અને એને મંજિલ સુધી લઈ જવા એના અમલને ‘કંટ્રોલ’ કરવાનું. ભારતમાં કૉંગ્રેસ પક્ષ માટે વર્ષોથી ભાજપનો આરોપ હતો કે આ દેશનું હિત કોઈ એક પક્ષના હાથમાં નહીં, પરંતુ એના ‘આલા કમાન્ડ’(કૉંગ્રેસ અધ્યક્ષ, એમ વાંચો)ની મુનસફી ઉપર નિર્ભર છે.

ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ’ મુજબ મંત્રીઓ કામ કરે છે, નિર્ણયો લેવાય છે અને કૉંગ્રેસ પક્ષમાં કે સરકાર લોકતંત્ર જેવું કશું છે નહીં, એવો ઇલ્જામ એવો તે ઘર કરી ગયો હતો કે 2014માં નરેન્દ્ર મોદીએ ‘નવા શાસન’નો વાયદો આપ્યો તો લોકોએ એતબાર કરીને જબ્બર વોટ આપ્યા. નરેન્દ્ર મોદીએ જે પ્રગતિશીલ અને મૌલિક વચનો આપ્યાં હતાં, તેમાં એક હતું મિનિમમ ગવર્નમેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સનું, એટલે કે પ્રજાજીવનમાં સરકારનો હસ્તક્ષેપ સૌથી ઓછો હોવો જોઈએ અને સરકારે શાસનની ગુણવત્તા ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ જેથી બહેતર પ્રજાજીવન માટે અનુકૂળ વાતાવરણ બને.

અગાઉની કૉંગ્રેસ સરકારો ઉપર આ જ આરોપ હતો કે એના મંત્રીઓ અને મંત્રાલયો એક વ્યક્તિની ચાંપલૂસીમાંથી ઊંચા નથી આવતાં, પરિણામે સરકારોનું કદ મોટું થતું ગયું છે અને શાસન કથળતું રહ્યું છે.

મોદીએ કહ્યું હતું કે તેમની સરકાર આવા કમાન્ડ એન્ડ કંટ્રોલમાંથી બહાર નીકળીને માત્ર સુશાસને  પૂરું પાડવા પૂરતી જ સક્રિય રહેશે. ભારત માટે આ વિચાર મનમોહક હતો કારણ કે પહેલી વખત કોઈકે કલ્યાણ રાજ્ય(વેલ્ફેર સ્ટેટ)માં સરકારી હસ્તક્ષેપ ઓછો કરવાની વાત કરી હતી. અમેરિકામાં આ પ્રકારની સરકારો હોય છે.

ત્યાં સરકારો આર્થિક અને સુરક્ષાના મોટા મુદ્દા ઉપર વ્યસ્ત રહે છે અને લોકોએ કેવી રીતે જીવન જીવવું એમાં માથાં મારતી નથી. 1981-89માં અમેરિકામાં રોનાલ્ડ રીગનની સરકાર હતી ત્યારે તેમણે ‘નાની સરકાર’નો વિચાર પ્રચલિત કર્યો હતો. રીગને ત્યારે કહ્યું હતું કે, ‘આપણી મુસીબતોનો ઉપાય સરકાર પાસે નથી, (કારણ કે) સરકાર ખુદ એક મુસીબત છે.’ લગભગ આ જ તર્જ ઉપર મોદીએ લોકોને કરાર આપ્યો હતો કે અગાઉની સરકારો પ્રજાની મુસીબતો એટલા માટે હલ ન કરી શકી, કારણ કે મૂળ મુસીબત જ એ સરકારો હતી.

સરકાર એના આ વાયદા-વચનમાં કેટલી ખરી ઊતરી છે એ વિશે દાખલા-દલીલો થઇ શકે પરંતુ મિનિમમ ગવર્નમેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સના આ ત્રણ વર્ષ પછી એક બાબત સ્પષ્ટ તરી આવી છે કે ભાજપની કેન્દ્રની સરકાર અને અમુક રાજ્યોની સરકાર જરીપુરાણા ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ’ અંદાજમાં સરી પડી છે. આનું સૌથી ‘તેજસ્વી’ ઉદાહરણ લોકોએ શું ખાવું અને પીવું જોઇએ એની પસંદગીનું છે.

ધાર્મિક મહત્ત્વ અને સંવેદનાના નામ ઉપર ગાયોની કતલ રોકવાના નિર્ણયને ઉચિત ગણીએ તો પણ કેન્દ્ર સરકાર ‘કોણે કેટલી ઇડલી ખાવી’ તે જો નક્કી કરવા લાગી જાય તો એને સુશાસન કેવી રીતે કહેવું તે પ્રશ્ન છે.

નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’માંથી પ્રેરણા લઇને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને આહારનો બગાડ રોકવા રેસ્ટોરાં પ્લેટમાં કેટલું પીરસી શકાય તેનો કાયદો લાવવા તૈયારી બતાવી છે.

મધ્યપ્રદેશની શિવરાજસિંહ સરકાર રાજ્યના લોકોની ‘નૈતિક અને શારીરિક’ તંદુરસ્તી જાળવવા શરાબબંધી લાદવા વિચારી રહી છે. સર્વોચ્ચ અદાલતે હાઇવે પર અકસ્માતો રોકવા 500 મીટરની અંદર શરાબ વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે.

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે છોકરીઓને ‘ભ્રષ્ટ’ કરતા રોમિયોને અને તંદુરસ્તીને ‘બગાડતા’ ગેરકાનૂની કતલખાનાવાળાઓને પકડવાનું શરૂ કર્યું છે. વેબસાઇટ્સ પર ‘ધંધા’ ન ચાલે તે માટે કેન્દ્ર સરકારે લગ્નવિષયક સાઇટ્સ માટે અમુક નિર્ણયો ફરજિયાત બનાવ્યા છે. સરકારનું બીજું એક વિધેયક ભારતના નકશા બનાવવા અને એનો ઉપયોગ કરવા ઉપર સખત કાનૂન લાવી રહ્યું છે. ઉત્તર પૂર્વ અને દક્ષિણમાં હિન્દી ભાષાનું પ્રચલન વધારવા કેન્દ્ર સરકારે વિશેષ યોજના તૈયાર કરી છે.

2016માં કેન્દ્ર સરકારે ‘એસ્કોર્ટ સર્વિસ’ (કૉલ ગર્લ સર્વિસ) આપતી 237 વેબસાઇટ્સ ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને એનો ભંગ ન થાય તે માટે સરકાર સતત એના ઉપર નજર રાખી રહી છે. નૈતિકતા અને સંવેદનાનું જતન કરતા ભારતીય સેન્સર બોર્ડે ‘ઉડતા પંજાબ’ ફિલ્મમાં 94 કટ્સ સૂચવ્યા હતા. એક ફિલ્મમાં પત્રકાર બરખા દત્તના નામોલ્લેખમાંથી ‘દત્ત’ શબ્દ હટાવી દીધો. ‘ફિલૌરી’ ફિલ્મમાં હનુમાન ચાલીસાના એક હાસ્ય દૃશ્યને ‘મ્યુટ’ કરી દીધું અને શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે રોમાંસ બતાવતી એક ફિલ્મને સર્ટિફિકેટ ન આપ્યું.

જેને વહીવટના પ્રશ્નો કહેવાય એવી બાબતોની એક લાંબી યાદી છે, જેમાં સરકારે હસ્તક્ષેપ કર્યો  અને એને સરકારી આંટીઘૂંટીમાં ગૂંચવી નાખ્યા છે. દેખીતી રીતે આ સારું લાગે છે, કારણ કે આ બધા નિયમો, પ્રતિબંધો અને નિયંત્રણો સરસ શાસન થઇ રહ્યું હોવાનો આભાસ ઊભો કરે છે. ભારતમાં જ્યારે (1947 થી 1990) સુધી લાઇસન્સ અથવા પરમિટ રાજ હતું ત્યારે કોઈપણ ધંધો કરવા માટે સરકારની 80 એજન્સીઓમાંથી પસાર થવું પડતું હતું. સરકારે આ બધામાંથી નીકળી જઈને સિસ્ટમને વધુ સક્ષમ બનાવવા ઉપર ધ્યાન આપ્યું હતું.

મોદી સરકાર અને રાજ્ય સરકારના હસ્તક્ષેપને જાેતાં તો એવું લાગે છે કે સિસ્ટમ બરાબર કામ નથી કરતી અને સરકારે નિયમો-કાનૂનોનાં બ્રહ્માસ્ત્ર છોડવાં પડ્યાં છે. જ્યારે કશું જ ન કરવું હોય ત્યારે પ્રતિબંધ મૂકી દેવાનું બહુ જ સરળ હોય છે. વ્યવસ્થા અને પ્રક્રિયાને કાર્યક્ષમ બનાવવા કરતાં માણસોનાં હાથ-પગ-મગજ-મોઢાં ઉપર ટેપ મારી દેવાનું ખાસ્સું લલચાવનારું છે. ભારત રોજ રોજની વહીવટી ઝંઝટમાં પડવા કરતાં મોટા મોટા નિયમો અને પાબંધીઓ માટે જાણીતો છે. એટલે જ ટ્રાફિક, પ્રદૂષણ, જાહેર આરોગ્ય, ગરીબ કે નિરક્ષરતા જેવા જટિલ પ્રશ્નો હજુય અનુત્તર રહ્યા છે.

નોટબંધી જેવો આઘાત આપણને ‘કંઈક થયા’નો અહેસાસ કરાવે છે. આપણને આવા અહેસાસની ટેવ પડી ગઈ છે.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 2૩ અૅપ્રિલ 2017

Loading

બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી એ માનવતા સામેનો અપરાધ હતો અને ભારતીય રાષ્ટ્ર સાથેનો વિશ્વાસઘાત હતો

રમેશ ઓઝા|Opinion - Opinion|23 April 2017

ગુજરાતનાં તોફાનો વખતે જીવ બચાવવા કાકલૂદી કરતો મુસ્લિમ યુવક અને બાબરી મસ્જિદ તોડી પડાઈ એ પછી ખુશીથી છલકાતી મુરલી મનોહર જોશી અને ઉમા ભારતીની તસવીર જોઈને કોઈ પણ સાચો માનવતાવાદી ભારતીય શરમ અનુભવશે.

૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે માનવસભ્યતા અને ભારતીય રાષ્ટ્ર સાથે અપરાધ તેમ જ વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સર્વોચ્ચ નેતાઓની હાજરીમાં, તેમના માર્ગદર્શન હેઠળ, તેમની નજર સામે અને તેમના રાજીપા વચ્ચે હિન્દુત્વવાદીઓએ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડી હતી. ગુજરાતનાં તોફાનો વખતે જીવ બચાવવા કાકલૂદી કરતો મુસ્લિમ યુવક અને બાબરી મસ્જિદ તોડી પડાઈ એ પછી ખુશીથી છલકાતી મુરલી મનોહર જોશી અને ઉમા ભારતીની તસવીર જોઈને કોઈ પણ સાચો માનવતાવાદી ભારતીય શરમ અનુભવશે. આ એ જમાત છે જેનું દેશને આઝાદી અપાવવામાં શૂન્યવત્‌ યોગદાન છે અને આધુનિક ભારતના નિર્માણમાં નેગેટિવ યોગદાન છે.

દેશ અને વિદેશમાં સતત સવાલ પુછાઈ રહ્યો હતો કે શું માનવસભ્યતા અને ભારતીય રાષ્ટ્ર સાથે આવડો મોટો અપરાધ તેમ જ વિશ્વાસઘાત કરનારા લોકોને કોઈ સજા કરવામાં નહીં આવે? શું ભારતીય રાજ્ય એટલી હદે દુર્બળ છે અને ભારતમાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ એટલી હદે ખોખલી થઈ ગઈ છે કે કોઈનો વાળ પણ વાંકો નહીં થાય? સ્થિતિ તો એવી જ છે. ૧૯૮૪માં દિલ્હી અને અન્યત્ર સિખોનો નરસંહાર કરવામાં આવ્યો એના અપરાધીઓને કોઈ સજા નથી થઈ. ૧૯૮૪માં ભોપાલની ગૅસદુર્ઘટનાના આરોપીઓને કોઈ સજા નથી થઈ અને માર્યા ગયેલા લોકોના વંશજોને સરખું વળતર પણ નથી મળ્યું. ૧૯૯૩માં મુંબઈમાં કરવામાં આવેલાં આયોજનબદ્ધ હુલ્લડોના અપરાધીઓને કોઈ સજા કરવામાં નથી આવી. ૨૦૦૨માં ગુજરાતમાં મુસલમાનોના કરવામાં આવેલા નરસંહારના મુખ્ય આરોપીઓને કોઈ સજા નથી થઈ. ઊલટું છેલ્લા એક મહિનાથી તો માનવસભ્યતા અને ભારતીય રાષ્ટ્ર સાથે અપરાધ અને વિશ્વાસઘાત કરનારા લોકોમાંથી બે વ્યક્તિઓનાં નામ રાષ્ટ્રપતિપદ માટે ચર્ચાતાં હતાં.

લાલ કૃષ્ણ અડવાણી માટે મને દિલસોજી છે. પહેલાં હોઠ સુધી આવી ગયેલું વડા પ્રધાનપદ છીનવાઈ ગયું અને હવે હોઠ નજીક દેખાતું રાષ્ટ્રપતિપદ છીનવાઈ રહ્યું છે. આ એ માણસ છે જેણે BJPને રાજ્યોમાં અને રાષ્ટ્રીય સ્તરે શાસક પક્ષ બનાવ્યો છે. જે પક્ષ ભારતીય રાજકારણમાં હાંસિયામાં માંડ સ્થાન ધરાવતો હતો એ પક્ષ આજે સંપૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં શાસન કરે છે. એ ન ભૂલવું જોઈએ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ અડવાણીના ખભા પર ચડીને દિલ્હી પહોંચ્યા છે. જે માણસે પક્ષને હાંસિયામાંથી કાઢીને કેન્દ્રમાં સ્થાન અપાવ્યું હતું એ માણસને નરેન્દ્ર મોદીએ દિલ્હી પહોંચ્યા પછી હાંસિયામાં ધકેલી દીધા હતા. વાત તો એવી પણ થઈ રહી છે કે સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં કેન્દ્ર સરકારનો હાથ છે. કોઈનું સપનું રોળાઈ જાય તો આપણને દુ:ખ થવું જોઈએ, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે રામજન્મભૂમિ આંદોલને પેદા કરેલા કોમવાદી ઉન્માદે હજારો માતાઓની કૂખ ઉજાડી નાખી હતી અને સપનાં રોળી નાખ્યાં હતાં. પ્રારંભમાં જ કહ્યું એમ એ માનવતા સામેનો અપરાધ હતો અને ભારતીય રાષ્ટ્ર સાથેનો વિશ્વાસઘાત હતો.

વિશ્વાસઘાત એ અર્થમાં કે આંદોલનકારોએ અને આંદોલનના નેતાઓએ કહીને બાબરી મસ્જિદ નહોતી પાડી, જે રીતે ગાંધીજીએ સો વરસ પહેલાં ચંપારણમાં કહીને કાયદો તોડ્યો હતો. ગળીની ખેતી અમે નથી કરવાના; એમાં જો કાયદાનો ભંગ થતો હોય તો અમે સજા ભોગવવા તૈયાર છીએ, પણ ખેતી તો અમે નહીં જ કરીએ અથવા અમારી શરતે કરીશું એમ ગાંધીજીએ અંગ્રેજ સરકારને મોઢામોઢ કહી દીધું હતું. ગાંધીજીની માફક સંઘપરિવાર પણ એમ કહી શક્યો હોત કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને અમને હિન્દુઓને એમ લાગે છે કે બાબરી મસ્જિદની જગ્યાએ મંદિર હતું એટલે અમે મસ્જિદ તોડીને એ જગ્યાએ મંદિર બાંધીને જંપીશું. સરકારને અમારી સાથે જે કરવું હોય એ કરી શકે છે. જે ખુમારી માટે હિન્દુઓ ગવર્‍ લે છે અને એ જો અસ્તિત્વ ધરાવતી હોય તો એ આવી હોય. ગાંધીજીમાં આવી ખુમારી આપણને જોવા મળી હતી.

ગાંધીજીથી ઊલટું સંઘપરિવારના નેતાઓએ દેશની જનતાને કહ્યું હતું કે આદોલન પ્રતીકાત્મક હશે. આંદોલનનો હેતુ હિન્દુઓની એકતા, અપેક્ષા અને હતાશાનું પ્રદર્શન કરવાનો છે. સંઘના નેતાઓએ વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવને મળીને કહ્યું હતું કે ચિંતા ન કરતા, અમે મર્યાદા જાણીએ છીએ અને એ ઓળંગવામાં નહીં આવે. એ સમયે ઉત્તર પ્રદેશની BJPની સરકારે સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામું રજૂ કરીને બાંયધરી આપી હતી કે મસ્જિદનું રક્ષણ કરવું એ રાજ્ય સરકારની જવાબદારી છે અને એનું વહન કરવામાં આવશે. રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામું રજૂ કર્યું એના પર કેન્દ્ર સરકારે ભરોસો મૂક્યો હતો અને સરકારને બરતરફ કરવાનું પગલું નહોતું લીધું. એ પછી જે બન્યું એ રાષ્ટ્રીય શરમનો ઇતિહાસ છે. મસ્જિદ તોડી નાખવામાં આવી હતી. સંઘપરિવારના કેટલાક નેતાઓ એક ધક્કા ઔર દો કહીને ઉશ્કેરતા હતા, કેટલાકે મોં ફેરવી લીધું હતું અને બીજા કેટલાક હરખાતા હતા. સંઘપરિવારના કોઈ નેતા ટોળાંને વારતા હોય એવી એક પણ તસવીર જોવા નથી મળી, ઊલટું મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી હરખાતાં હોય એવી તસવીર જોવા મળે છે.

બે સંભાવના છે. જૂઠું બોલીને, ત્યાં સુધી કે સર્વોચ્ચ અદાલતને સુધ્ધાં ગેરમાર્ગે દોરીને મસ્જિદ તોડી પાડવાનું કાવતરું રચવામાં આવ્યું હોય અથવા સંઘપરિવારના નેતાઓના હાથમાંથી અંકુશ છૂટી ગયો હોય. બીજી સંભાવનાને નકારી ન શકાય; પરંતુ એના માટે આઘાતના, આશ્ચર્યના, હતપ્રભતાના ભાવ સાથે ટોળાને રોકવાની કોશિશ કરતા હોય એવી તસવીરો અને વીડિયો-ફુટેજ હાથ લાગવા જોઈતાં હતાં. જે તસવીરો સંગ્રહાયેલી છે એ ઉશ્કેરવાની અને રાજીપાની છે. તો આનો અર્થ એ થયો કે પહેલી સંભાવનાને નકારી શકાય એમ નથી અને બીજી સંભાવનાને નકારે એવા કોઈ પુરાવાઓ નથી.

તો શું એ કાવતરું હતું? જે લોકો સામે સર્વોચ્ચ અદાલતે આદેશ બહાર પાડ્યો છે તેઓ કાવતરાખોર હતા? જો એ કાવતરું હતું તો એનો અર્થ એવો ન થયો કે કાવતરું રાજ્ય અને કાયદાના રાજ્ય વિરુદ્ધ હતું? એ જ તો પ્રશ્ન છે અને સર્વોચ્ચ અદાલતે એની ગંભીર નોંધ લીધી છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 22 અૅપ્રિલ 2017

Loading

...102030...3,4373,4383,4393,440...3,4503,4603,470...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved