Opinion Magazine
Number of visits: 9689073
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિતોના રાજકીય, સામાજિક અને આર્થિક ઉત્કર્ષમાં દલિત કાર્યકરોની ભૂમિકા

લક્ષ્મણ યુ. વાઢેળ|Opinion - Opinion|15 May 2017

દલિતો હિંસક નથી એટલે જ ભારતમાં સદીઓથી પીડિત રહ્યા છે. તેઓને વારસામાં જે સંસ્કારો અને તાલીમ મળી છે, તે સેવા, નિષ્ઠા અહિંસાની મળી છે, તે સેવા, નિષ્ઠા અને અહિંસાની મળી છે. તેમના પૂર્વજો સમાજની સેવાભૂમિમાં સમર્પિત થયા છે. પોતાના સંતાનો માનવતાનાં મૂલ્યોને વેડફી ન નાખે તે અંગેની કાળજી લીધી છે. ધર્મના નામે દલિતો પર પાર વિનાના અત્યાચારો થયા છે. છતાં ય વિકૃત અવગુણનો સ્વીકાર કર્યો નથી. ઉચ્ચ વર્ણોની અનેક વિધ હિનવૃત્તિઓ સામે તિરસ્કાર કે ધૃણા બતાવી નથી. આ વર્ણોએ દલિતોની સલામતીની કોઈ વ્યવસ્થા કરી ન હોવા છતાં ય પોતાના જીવનના ભોગે ઉપલા વર્ણોની સેવા કરી છે. વિશ્વમાં માનવ સમૂહો વચ્ચેના સંઘર્ષો હિંસા અને તિરસ્કારને સહન કરવાનો વારસો દલિતોને મળ્યો છે.

મરેલાં પ્રાણીઓ અને કોહવાઈ ગયેલી ગંદકીમાંથી ઉત્પન્ન થતાં કાર્બન મોનોક્સાઈડના ઝેરથી લાખો દલિતો મરી ગયા છે. શ્વાસમાં અશુદ્ધ પ્રાણવાયુ લેતા અનેકવાર બેહોશ થયા છે. છતાં ય વારસાગત ધંધાથી મોં ફેરવી શક્યા નથી. જે સમાજમાં તેને હંમેશાં પીડા જ ભેટ મળી છે, તેના પ્રત્યે અહિંસાવૃત્તિ જ દાખવી છે. અહિંસાના આદર્શની જાળવણીનો શ્રેષ્ઠ વારસો દલિતોએ વિશ્વને આપ્યો છે. અહિંસાની સિદ્ધિ માટે નિઃસ્વાર્થ ભાવે સેવાઓ કરી છે.

ભારતમાં સવર્ણો નિર્મિત ધર્મોશાસ્ત્રોએ વર્તન માટેની જે રીતો બતાવી છે, તે રીતે જ દલિતો જીવ્યા છે, તેમાં આગળ વધવાની કોઈ પણ તક પ્રાપ્ત થતી ન હોવા છતાં ય ધર્મશાસ્ત્રોનો વિરોધ નથી. ધર્મશાસ્ત્રોના કાયદાઓનું પાલન કરતા રહ્યા છે. આર્યોનાં ધર્મશાસ્ત્રોએ જે કોઈ વચનો કહ્યા છે, તેને સાચા ગણી સ્વીકારી લીધા છે. ધર્મશાસ્ત્રો પ્રત્યે શ્રદ્ધા ભાવના રાખી છે. દુર્ગતિબોધક કક્ષાઓ પ્રત્યે સન્માન અને પવિત્રતા જાળવી રાખી છે. પોપટપંચી અને વિતંડાવાદના પ્રચારકો પ્રત્યે પૂજ્યભાવ રાખ્યો, છતાં ય ધર્મ અને સત્તાથી વંચિત કરવામાં આવ્યા હતા.

હજારો વર્ષથી નીચલી જાતિના લોકો શોષિત, પીડિત, કચડાયેલા, અત્યાચારોના ભોગ બનેલા, અપમાનિત અને નર્કાગાર દુર્ગંધથી લથપથ શ્રમકાર્યમાં ઘસાઈ ગયા. ભારતમાં મુસ્લિમ શાસકો અને પછીથી બ્રિટિશ શાસકોએ દલિતોનાં દુઃખ દૂર કરવાને બદલે વટાવ પ્રવૃત્તિના હિતોને ધ્યાનમાં રાખીને દલિતોની સેવાઓનો ભરપૂર લાભ લીધો. આ શાસકોએ પણ દલિતોને સુખી જીવન જીવવાની તક મળે એવા ઉપાયો કર્યા નહીં.

૧૯મી સદીના ઉત્તરાર્ધમાં મહાત્મા જ્યોતિબા ફૂલે અને વીસમી સદીની શરૂઆતમાં બાબાસાહેબ આંબેડકરે દલિતોના રાજકીય, સામાજિક અને આર્થિક અધિકારો માટેની ચળવળો શરૂ કરી. દલિતોને માનવીય અધિકારો પ્રાપ્ત થાય એ માટે આ બંને નેતાઓને કષ્ટો, અપમાનો અને જીવનમાં જોખમે પ્રવૃત્તિઓ શરૂ કરી. શુભ ઇરાદાઓ, સંકલ્પો, નિષ્ઠાઓ, નિઃસ્વાર્થોના આ મહાન વિચાર પૂંજને સફળતાઓ મળી, તેમની સાથે ઘણા કાર્યકરો દલિત સેવામાં જોડાયા.

સ્વતંત્રતા બાદ ભારતની લોકશાહીમાં દલિતોની જે કંઈ હિસ્સેદારી રહી છે, તે આ મહાન દલિત નેતાઓ અને કાર્યકરોને લીધે જ છે. લોકશાહીમાં દલિતોને સ્વતંત્રતા અને સમાનતાના અધિકારો મળ્યા છે, તે આ નેતાઓ અને કાર્યકરોને લીધે મળ્યા છે. આ નેતાઓને ગુલામીના બોજથી પીડાતા દલિતોને મુક્તિ આપી છે. વિષમતા અને શોષણ, અત્યાચારો અને અપમાનોમાંથી આઝાદી આપી છે. ભારતીય સમાજમાં કલંકિત અસ્પૃશ્યતા સંપૂર્ણ ભૂંસાઈ જાય નહીં ત્યાં સુધી કાયદાઓ, દંડ અને સજાની સખ્તાઈ સ્વીકારવામાં આવી છે.

૧૯૩૨માં ગાંધીજી સાથે આંબેડકરે પૂના સમજૂતિ કરી, એ રાજકીય અધિકાર માટેનું મહાન આંદોલન ગાંધીજીના હઠાગ્રહને લીધે નબળું પડ્યું. ગાંધીજી દલિતો પરના અત્યાચારો અને શોષણના વિરોધી હતા, પરંતુ આ સમસ્યાને દૂર કરવા માટે દલિતોનો રાજકીય ઉત્કર્ષ થાય એ ખૂબ જરૂરી હોવાથી આંબેડકરે અલગ મતદાર મંડળની માંગણી કરી હતી. જો કે આ પ્રકારના અલગ મતદાર મંડળને લીધે દલિતો હંમેશાં બહિષ્કૃત રહેશે એ બહાના હેઠળ ગાંધીજીએ  આંબેડકરની મહાન યોજનાનો અસ્વીકાર કર્યો, આમરણાંત ઉપવાસ કર્યા, આંબેડકરને દલિતોની રાજકીય પ્રગતિની ઉત્તર યોજના પડતી મૂકવા મજબૂર કર્યા. ગાંધીજી ભારતના લોકોના ભાવાત્મક પાસાઓને ધ્યાનમાં રાખી સમાજની તિરાડોને પહોળી થતી અટકાવવા ઇચ્છતા હતા. પરંતુ આ અંગેના રચનાત્મક કે સકારાત્મક ઉપાયો કે કાયદાના પીઠબળથી રક્ષિત હોઈ, એવા ઉપાયોની ગાંધીજીએ તરફદારી કરી નહીં. ગાંધીજીની રચનાત્મ પ્રવૃત્તિઓ અને વિચારો ઉત્તર હોવા છતાં ય, દલિતોના ઉત્કર્ષ માટે સફળ થયા નહીં. વળી ગાંધીજીના અનુયાયીઓમાં ગણ્યાં ગાંઠ્યા નેતાઓને અપવાદ ગણતા, મોટાભાગના કાર્યકરો લાભ અને હોદ્દાઓ પ્રાપ્ત કરવાના લાલચે ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિ કરતા હતા. ગાંધીજી દ્વારા આત્મખોજ મશાલ જે કાર્યકરોને સોંપવામા આવી હતી, તેઓ દલિત ઉત્કર્ષના વિચારને ભૂલી ગયા કે પછી આ ઉદ્દેશને ભૂંસી નાખ્યો.

બાબાસાહેબ આંબેડકરે ભારતનાં બંધારણ ઘડતરમાં જે ભૂમિકા નિભાવી છે, તે ભારત અને વિશ્વના પીડિતોને મુક્તિ માટેની પ્રેરણા અને આશા જન્માવે એવી છે. બંધારણમાં કાયદાની દૃષ્ટિથી દલિતોને સમાનતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે ગાંધીજીની ભાવાત્મક દૃષ્ટિથી અશક્ય છે. આજે પણ ભાવનાત્મક દૃષ્ટિએ જોતા દલિતો પ્રત્યેના હિન્દુ સમાજના શિક્ષિતો અને અશિક્ષિતોના વ્યવહારો વિષમતાને પોષક રહ્યા છે. આ ભાવાત્મક વિષમતાનો રાજકીય પક્ષોએ મતની રાજનીતિ દ્વારા ભરપૂર ફાયદો લીધો છે. આ પ્રકારની રાજનીતિને લીધે દલિતોને નુકસાન થતું રહ્યું છે.

દલિતોની પ્રગતિ માટેનો એક ઉપાય અનામતની નીતિ છે. કાયદાના રક્ષણ વિના આ નીતિમાં સફળતા મળતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અનામત નીતિ અંગે મગરનાં આંસુ વહેવડાવ્યાં સિવાય કશું લાભદાયી કર્યું નથી. આ ઉમદા ઉપાયને અનામતને નામે ‘બદનામ ચીજ’ કે પછી ‘ટેકા લાકડી’ તરીકે દૈનિકપત્રો, સામયિકો અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં ચમકાવવામાં આવે છે. અનામત નીતિનો વિરોધ કરવાવાળા પાસે દલિતોની પ્રગતિની કોઈ દલિલો કે તર્ક નથી. સામાજિક ન્યાય અને આર્થિક સમાનતાની સ્થાપના માટે અનામત નીતિનો અમલ આવશ્યક છે. પરંતુ હજારો વર્ષોથી અગ્ર વર્ગના લોકોએ દલિતોનું શોષણ જ કર્યું છે, દલિતોના શ્રમમાંથી ફાયદાઓ જ લીધા છે. આ લાભો લૂંટવાની પેઢીઓ દલિતોને કોઈપણ લાભ મળે તો તેને પેટમાં તેલ રેડાયાનું અનુભવે છે. દલિતોને અનામત નીતિના સંપૂર્ણ લાભ ન મળે તે માટે અડચણો ઊભી કરે છે.

આ અનામત નીતિએ માત્ર બહિષ્કૃત માટેનો માર્ગ છે, પરંતુ રાજકીય પક્ષો ‘વોટ બેંક’ના માર્ગ તરીકે બદનામ કરી રહ્યા છે. ભારતના બંધારણમાં સામાજિક ન્યાય અને આર્થિક સમાનતાની સ્થાપના માટેના જે આદર્શ નિશ્ચિત કરવામા આવ્યો છે તે રાજકીય પક્ષોના સ્વાર્થને લીધે સિદ્ધ થતો નથી. જો કે આ અનામત નીતિને દલિતોના વિકાસ માટેનો પૂર્ણ માર્ગ નથી. દેશમાં અગ્ર વર્ગના લોકો પાસે જે સંપત્તિ છે, ધંધાઓ છે, તેમાં દલિતોને હિસ્સેદારી આપવામાં આવી નથી. બહિષ્કૃત જાતિ તરીકેની ઓળખ આજે પણ ભૂંસાઈ નથી, એટલે કેટલાક વ્યવસાયોમાં તેનો સ્વીકાર કરવામાં આવતો નથી. જનોઈની પવિત્રતાને નામે દલિતોને આર્થિક લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. ગામ અને શહેરોની જમીન, ધંધાઓમાં પણ દલિતોની વસ્તી પ્રમાણેની હિસ્સેદારી હોવી જરૂરી છે. આ મહેનતકશ પ્રજા તેમાં સિદ્ધિઓ મેળવે એવી તકો આપવી જરૂરી છે. આ માટે દલિત કાર્યકરોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. દલિતોનું રાજકીય નેતૃત્વ માત્ર પોતાના જ સ્વાર્થ માટે અનામત દ્વારા મળેલા પદ પર રહીને દલિતોના વિકાસની કોઈ યોજના ન વિચારે, યોજનાનો અમલ ન કરે, તો એવા નેતાઓને ઘેરાબંધી કરીને કે પછી તેનો બહિષ્કાર કરીને પણ દલિતોના ઉત્કર્ષ પ્રત્યે જાગૃત કરવા જરૂરી છે.

ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કરોડો લોકો ગરીબાઈથી પીડાય છે. શહેરોમાં આ લોકોના વસવાટો ગંદી વસાહતોમાં છે. શહેરના લોકોનાં મળમૂત્ર આ વસવાટો પાસેથી ખુલ્લી ગટરોમાંથી વહે છે. ગંદકી, ગરીબાઈ, બીમારીમાં રીબાઈને લાખો લોકો મરે છે. ગામડાંઓમાં પણ દલિતોનાં ઝૂંપડાં-ખોરડાંઓ માટી અને ડાળી-પાંદડાંઓના છાપરાથી બંધાયેલા છે. ચોમાસાની ઋતુમાં આ ઝૂંપડાંઓમાં નર્કાગાર જેવું જીવન જીવવું પડે છે. લાખો લોકો રોજી વિનાના છે, ભૂખથી પીડાય છે, રોગચાળો, નિરક્ષરતા, વ્યસનો, ગુનાઓથી તેઓનું જીવન અધોગતિ તરફ ધકેલાઈ જાય છે. રાજકીય પક્ષો આ વસાહતો પ્રત્યે કૃત્રિમ સહાનુભૂતિ બતાવે છે. તેઓ માત્ર ચૂંટણીલક્ષી કાર્યક્રમો યોજી, મતનો ઉદ્દેશ્ય સિદ્ધ થાય એવા પ્રયાસો કરે છે. તેઓ દલિત જાતિઓમાં વિભાજન અને સંઘર્ષની સ્થિતિ પેદા થાય એવા પ્રયાસો પણ કરે છે. તેઓનો ધ્યેય દલિતોના ‘મત’થી ચૂંટણીમાં વિજય મેળવવાનો છે. ધાકધમકી, દારૂ અને પૈસાની લાલચ આપીને મત મેળવી લે છે. તેઓનો ઈરાદો દલિતોના વિકાસનો નથી. આ રાજકીય પક્ષો અને નેતાઓથી ચેતવવાનું કાર્ય દલિત કાર્યકરોનું છે. આ પક્ષો વર્તમાનપત્રો કે મીડિયામાં દલિતોને છેતરવા માટેની લોભામણી જાહેરાતો આપે છે, તેની પોલ ખોલવી જરૂરી છે.

દલિતોને સામાજિક અને આર્થિક સલામતીની કોઈ ગેરંટી નથી. માનવાધિકારો તેઓથી જોજનો દૂર છે. ગામડાંઓમાં ઉપલા વર્ણોના અત્યાચારોથી ત્રાસીને શહેરોમાં સ્થળાંતર કરે છે, તો શહેરોમાં પીવા માટેનું પાણી મળતું નથી, આરોગ્યની સુવિધા નથી, કામ શોધવા માટે ભટકવું પડ છે. શિક્ષણ અને સંપત્તિ, સંસ્કાર-સદાચાર અને લોકશાહીની વ્યવસ્થાથી વંચિત રાખવામાં આવે છે. તારતમ્ય એ છે કે આઝાદી પહેલાં દલિતોની જે દારૂણ દશા હતી. એ જ દશામાં મોટો વર્ગ જીવે છે. જે અપમાનો અને ઉપેક્ષા થતી હતી એ આજે પણ થાય છે. આત્મ સન્માન અને સ્વાભિમાનથી જીવવા ઈચ્છતા દલિતોને અપમાનિત જીવન જીવવું પડે છે. આ સ્થિતિમાંથી દલિતોના ઉત્કર્ષ અને સશક્તિકરણ માટે સાહસિક અને તેજસ્વી નેતૃત્વની આવશ્યકતા છે. આ નેતૃત્વ પદદલિતોમાંથી જ જન્મે એ મહત્ત્વનું છે. આ કાર્યકરોએ ખૂબ ગુમાવવાનું છે, કશું મેળવવાનું નથી, રાજકીય અને સામાજિક તેમ જ આર્થિક અંગત સ્વાર્થોનો ત્યાગ કરવાનો છે. ‘મને કોઈ સહકાર આપતું નથી, મને કોઈ ફંડ આપતું નથી. મારી અવગણના કરે છે, દલિતો બીકણ કે ડરપોક છે, મારી ઇર્ષ્યા કરે છે, ફલાણા કાર્યકરો ફલાણા પક્ષના કે સંપ્રદાયના ચમચાઓ છે, હવે મને દલિતોના પ્રશ્નોમાં રસ નથી, આવી માનસિકતા દલિત કાર્યકરોની નિરાશાવાદી પ્રકૃતિને પોષે છે. દલિત વિકાસની પ્રવૃત્તિઓની સફળતામાં એવા કાર્યકરોની જરૂર છે, કે જે રાજકીય, સામાજિક અને આર્થિક સ્વાર્થોનો ત્યાગ કરે છે. પોતાની જિંદગીને મોતની મુઠ્ઠીમાં બાંધીને, દલિતોની આંખોમાં તેજ અને ચહેરામાં નૂર સીંચવાનું છે. સિંહ જેવી છાતી અને ત્રાડ પાડીને, ગામડાંઓ અને શહેરોની ચાલીઓમાં સેવાકાર્ય કરી શકે, એવા નેતા જ દલિતો દ્વારા કરી શકે.’

દલિત કાર્યકરોને તાલીમ મળે એવી કોઈ પાઠશાળા નથી. આંબેડકરવાદી ચળવળ અને ચિંતન તેના પ્રેરણાસ્ત્રોત છે. ઘણા સેવા સમર્પિત અને નિઃસ્વાર્થભાવે દલિતો ધ્ધારની પ્રવૃત્તિઓ કરનાર કાર્યકરો છે. આ કાર્યકરોમાં ઘણા તો અત્યાચારો, શોષણ અને અપમાનોના ભોગ બન્યા છે. કોઈને બાળપણમાં પિતાની છત્રાછાયા ગુમાવવી પડી છે, મફત કામ કરવાની ના પાડતાં ગામના જમીનદારે હત્યા કરીને કૂવામાં ફેંકી દીધેલા પિતાની કોહવાયેલી લાશને જોતા બેશુદ્ધ થયા છે, ભૂમિ માલિકો કે કારખાનાંના માલિકોએ પોતાની બહેન કે દીકરીની લાજ લૂંટી તેના શરીરના ટુકડાઓ કરી નાખ્યા હતા, તે નજરોનજર જોયું છે. ચોરીનું આળ ચડાવીને પોતાના યુવાન પુત્ર કે ભાઈને હિંસક ટોળાએ હત્યા કરી નાંખી હતી તે એની નજર સામે છે, જાદુ – ટોણાનો આરોપ મૂકી પોતાની માતાને જીવતી સળગાવી દેનાર લોકોના ભયંકર કૃત્યથી દુઃખી છે. શાળાઓમાં કે મંદિરોમાં પોતે કે પોતાના સંતાનોને હડધૂત થયાનું દુઃખ છે. માથાભારે ગુંડાઓએ પોતાની જમીન કે સંપત્તિ ઝૂંટવી લીધી છે. તેનો ગુસ્સો છે. શિક્ષણ, આરોગ્ય, સંપત્તિ, રોજી-રોટીથી વંચિત થઈ ગયા છે. અંધશ્રદ્ધાના નામે પીડાઓનો ભોગ બની ગયા છે. બહિષ્કૃત જાતિ તરીકેનો વલોપાત તેને દલિતોની સેવામાં ખેંચી ગયો છે. આ દલિતોના સાચા કાર્યકરો થયા છે. આ કાર્યકરો અન્યાય અને દલિતોની વિપદાને દૂર કરવા હંમેશાં ખડે પગે રહે છે.

આંબેડકરવાદી ચળવળના પરિણામે ઘણા દલિતોએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. ઘણાંએ રાજકીય પક્ષો અને સરકારી તંત્રમાં ઊંચું સ્થાન મેળવ્યું છે. સુખી સંપન્ન થયા છે. કેટલાક ગરીબોને મદદ કરીને આંબેડકરના કાર્યોને અવિરત રાખે છે. તો કેટલાક કાર્યકરો રાજકીય અને બિન રાજકીય મંડળોની સ્થાપના કરી, દલિતોની એકતા અને પ્રગતિના વાહક થયા છે. ઘણા દલિતોના કલ્યાણની સુંદર પ્રવૃત્તિઓ કરે છે.

સંસદ સભા અને જુદાં જુદાં રાજ્યોના વિધાનગૃહોમાં કુલ સંખ્યાના ચોથાભાગ જેટલા સભ્યો અનુસૂચિતજાતિ અને અનુસૂચિત જનજાતિના છે. એક શક્તિશાળી પક્ષ જેટલું સંખ્યાબળ સંસદ અને વિધાનસભામાં દલિત જાતિનું છે. બંધારણીય અધિકારીથી આ પદ પ્રાપ્ત થયું છે. આંબેડકરની આર્ષદૃષ્ટિથી પદ મળે છે. તેથી જ દલિત જાતિના દરેક સંસદ સભ્ય કે ધારાસભ્યનો ઉદ્દેશ્ય દલિતોના કલ્યાણ અને પ્રગતિનો જ હોવો જોઈએ, આ કાર્યમાં જે તેઓનું ગૌરવ પણ છે. કોઈ રાજકીય પક્ષો ટિકિટ આપે અને આ પક્ષના પ્રતીક પર ચૂંટાઈ જનારા સભ્યોએ એ ક્યારેક પણ ભૂલવું ન જોઈએ કે આ પદ તેને બાબાસાહેબ આંબેડકરની કૃપાદૃષ્ટિથી પ્રાપ્ત થયું છે, નહીં કે કોઈ રાજકીય પક્ષ તરફથી મળેલી ભેટ. આ સમજણ દરેક સભ્યમાં હોવી જોઈએ. આ પદ દલિતો દ્વારા માટે જ મળ્યું છે. કોઈ રાજકીય પક્ષના અંકુશ હેઠળ દલિતોના વિકાસની પ્રવૃત્તિ કરવી મુશ્કેલી છે. બધા જ રાજકીય પક્ષોને દલિતો પ્રત્યે સહાનુભૂતિ છે, એવું માની લેવું ભૂલ ભરેલું છે. દલિતોની ભલાઈમાં જ રાજ્ય અને પક્ષનું પણ ભલું થાય એવી પ્રવૃત્તિઓના સૂત્રધાર જ દલિત નેતા છે.

ઘણા દલિત નેતાઓ અને કાર્યકરોએ પોતાનું સમગ્ર જીવન દલિતોના અધિકારો પ્રાપ્ત કરવા, દલિતોના ઉત્કર્ષ માટે સમર્પિત કરી દીધું છે. તેઓ ગરીબોના હૃદય સમ્રાટ છે, તેઓના કાર્યોને દલિતોએ સંસ્મરણોમાં સાચવી રાખ્યા છે, આ નેતાઓ માટે દલિતો ફના થવા વચનબદ્ધ છે. પરંતુ ઘણા નેતાઓ અને કાર્યકરો એવા બળ છે, જે લોભી, સ્વાર્થી, લાલસુ, દંભી, અંધશ્રદ્ધાળુ, મૂર્ખશિરોમણિ છે, તેઓનો ઉપયોગ રાજકીય પક્ષો ઊંટિયા તરીકે કરી રહ્યા છે, એ પણ ભાન નથી. આ કાર્યકરો દલિતો માટે દગાખોર છે, ઈર્ષ્યાખોર છે, દલિતો પ્રત્યે વેરભાવનાવાળા શત્રુઓ જેવા છે. દલિતોના ઉત્કર્ષમાં આડખીલી જેવા છે. દલિત સશક્તિકરણની પ્રવૃત્તિમાં ભયંકર જોખમી છે. શોષણમૂલક વ્યવસ્થાને જડમૂળમાંથી ઉખેડી નાખવાની પ્રવૃત્તિઓમાં મુશ્કેલી ઊભી કરનારા છે. આ નેતાઓ દલિત જાતિઓમાં તિરાડો પેદા કરી દલિત એકતાને તોડે છે, દલિતોમાં સંઘર્ષ પેદા કરે છે, દલિત કલ્યાણની પ્રવૃત્તિઓમાં મોટાપાયે ભ્રષ્ટાચારો આચરે છે, આ વિકૃત સ્વભાવવાળા નેતાઓ દલિતોના શત્રુ છે, તેના આચાર વિચાર અને ચરિત્રમાં ઝેરીલી માનસિકતા છે, તેઓથી વહેલાસર છૂટકારો મળે એવા કાર્યો કાર્યકરોએ કરવા જોઈએ.

સંસદ અને વિધાનસભાઓમાં દલિત જાતિના ઘણા નેતાઓ એવા પણ સાથે કાર્ય કરી રહ્યા છે કે જ્યાં સુધી મારા બંધુઓને સુવિધાયુક્ત ઘર નહીં મળે ત્યાં સુધી પોતે સરકારી બંગલાઓનો ઉપયોગ નહીં કરે, પોતાના બંધુઓને માત્ર લંગોટી પહેરણ મળતી રહેશે ત્યાં સુધી પોતે પણ લંગોટી પહેરીને ધારાસભા કે સંસદમાં બેસશે. પોતાના બંધુઓને શૌચાલયની સગવડો નહીં મળે ત્યાં સુધી પોતે પણ ખુલ્લા વગડામાં શૌચક્રિયા કરશે. પરંતુ અપવાદરૂપ નેતાઓ જ પ્રવૃત્તિઓ કરે છે. મોટાભાગના વિલાસમય જીવનના ભોગ બની ગયા છે.

દલિતોધ્ધારનો ઉત્તમમાર્ગ શિક્ષણ છે. આજે દલિતોમાં માત્ર ગણ્યાંગાંઠ્યા લોકોને જ શિક્ષણનો લાભ મળે છે, મોટાભાગનો વર્ગ શિક્ષણથી વંચિત રહે છે. લાખો યુવાનો શિક્ષણ વિનાના છે રોજગારી માટેના હુન્નરથી વંચિત છે, પરંપરાગત ધંધાઓમાં આધુનિક ટેક્‌નોલૉજીના જ્ઞાનથી વંચિત છે, જે યુવાનોએ શિક્ષણ મેળવ્યું છે, તો તેઓને તંત્રમાં પેસી ગયેલા ભ્રષ્ટાચારે બેકાર બનાવી દીધા છે. સુવિધાયુક્ત લોકો દ્વારા ગરીબ શિક્ષિતોના હકોને ઝૂંટવી લેવામાં આવે છે. હજારો બાળકો અને યુવાનો સુધી શિક્ષણ પહોંચ્યું નથી, ત્યાં ભ્રષ્ટાચારને કારણે આ બાળકો અને યુવાનો શિક્ષણથી મોં ફેરવી રહ્યા છે. ખેતરો અને કારખાનાંઓમાં લાખો દલિત બાળમજૂરો પરસેવાથી ન્હાય છે, પૂરતા ખોરાકના અભાવે તેઓનું શરીર ઘસાતું જાય છે, અતિશય શ્રમને લીધે તેના જીવનનાં દુઃખ અંત આવે છે. તેઓને શિક્ષણનો અધિકાર મળે બાળમજૂરીમાંથી મુક્તિ મળે, આ બાળકો અને યુવાનોમાં તર્કશક્તિ, સમજશક્તિ, મૌલિક વિચારશક્તિ, સર્જનાત્મક શક્તિની ખીલવીણી થાય એવી સુવિધાઓ પ્રાપ્ત થાય એવા કાર્યક્રમો ચરિત્રવાન કાર્યકરો કરે અને તેવું માળખું બનવું જરૂરી છે. આ સતર્કતા અને સેવાકાર્યની જાગૃતિ દલિત કાર્યકરો થકી આવી શકે છે.

શિક્ષણને લીધે દલિત યુવાનો સુંદર વિચારો, ઉત્તમ આચારો, સુંદર વસ્ત્રો, શુદ્ધ વિશ્વ પ્રસિદ્ધ ભાષામાં બોલતા થાય. વિદ્વાનોની સભાઓમાં પોતાની પ્રતિભાનો પ્રકાશ પાથરે વ્યવસ્થાતંત્ર અને ઉદ્યોગગૃહમાં સંચાલનની જવાબદારીઓમાં સફળતાઓ મેળવે, ત્યારે જ દલિતોધ્ધાર થયો છે એમ સમજવું.

વૈશ્વિકરણ અને ખાનગીકરણમાં મૂળભૂત હકોનું રક્ષણ થાય, નુકસાન કરનારા પરિબળોનો વિરોધ કરવાની જવાબદારી દલિત કાર્યકરોની છે. સામાજિક અને આર્થિક વિષમતાના પ્રલયમાં ડૂબી રહેલા લોકોને બચાવવાનું સાહસિક અને પવિત્ર કાર્ય દલિત કાર્યકરોએ કરવાનું છે, ‘દલિત ઉત્કર્ષ અભિયાન’ અને ‘દલિત અધિકાર નિર્માણ આંદોલન’ કરવું આજના સમયે અનિવાર્ય છે.

વર્તમાન અને ભવિષ્યમાં દલિતોની પ્રતિભાશાળી તસ્વીરની સ્થાપના કરવા માટે જનવાદી વિચારધારાઓ પ્રચાર કરવો અનિવાર્ય છે, દલિત એકતાના કાર્યક્રમો યોજવા સામાજિક ન્યાય માટે દલિતોના મત જનવાદી પક્ષમાં જ પ્રાપ્ત થાય, તો જ દલિતોના વિકાસની નીતિમાં સફળતા મળશે. ઐતિહાસિક કારણોને લીધે દલિતો બેહાલ થતા રહ્યા છે, પરંતુ હવે દલિતોમાં જાગૃતિના અભાવે રાજકીય અધિકારોથી વંચિત ન રહેવું, રાજકીય પક્ષોમાં પણ જે પક્ષ દલિતો માટે આવક, રોજગાર, શિક્ષણ આરોગ્ય, સામાજિકન્યાયને માટે ચિંતા કરે છે, એ જ પક્ષ દલિતોના પક્ષ હોવો જોઈએ. દલિતોમાં મતદાનનું મહત્ત્વ સમજાય, પોતાનો મત કોને, કેવી રીતે, શા માટે આપે છે, એ સમજણનું માર્ગદર્શન દલિત કાર્યકરો આપી શકે છે. દલિતો સામેની હવે પછી મુશ્કેલીઓના ઉપાય તરીકે દલિત રાજનીતિનું સશક્તિકરણ કરવું પડશે.

ગ્રામ્યકક્ષાએથી શરૂ કરી મેટ્રોપોલિટન શહેરો સુધી દલિત કાર્યકરો દ્વારા રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક મંડળો, સંગઠનોની સ્થાપના કરી, દલિત ઉત્કર્ષની યોજનાઓ બનાવવી, દલિતોના સર્વાંગી વિકાસના ઉદ્દેશ્ય સાથે સહકારભાવ પેદા કરવો, દલિતોમાં આનંદના પ્રસંગો નિર્માણ થાય એવી સ્થિતિનું સર્જન કરવાનું છે.

દેશની સમાજ વ્યવસ્થામાં, અર્થવ્યવસ્થામાં, ધર્મવ્યવસ્થામાં દલિતોની સ્થિતિ અસંતોષજનક છે. રાજનીતિમાં તો દલિતોનો પ્રયોગ માત્ર ‘મત’ મેળવવા માટે જ કરવામાં આવે છે. દલિતોની પ્રગતિ માટેના જે માર્ગો મહાન દલિત નેતાઓએ કર્યા છે, તેને અવરોધવા માટેના કાર્યક્રમો, ગુપ્ત બેઠકો રાજકીય પક્ષના અભિજનો કરી રહ્યા છે. દલિતોને અધોગતિમાં જ નાશ કરી દેવાના ષડયંત્રો અભિજાત નેતૃત્વ દ્વારા કરવામાં આવે છે. દલિતોને દિશાહિન નેતૃત્વ મળે એવા પ્રયત્નો કરવામાં આવે છે. આ સામે દલિતોની પ્રગતિ માટે સમર્થ અને દલિતો પ્રત્યે લાગણીશીલ નેતૃત્વની જરૂર છે. આ નેતૃત્વ થકી એક શક્તિશાળી દલિત રાજકીય મોરચો રચી, રાજનીતિમાં દલિત અધિકાર નિર્માણની પ્રવૃત્તિઓમાં થઈ શકે છે.

સદીઓથી દલિતો અપમાન, તિરસ્કાર, અછૂત અને નીચતાના બોજથી પીડાતા રહ્યા છે. તેઓ વિદ્વાન, બુદ્ધિમાન, ચિંતક કે સદચરિત્ર, માનવજાતિના કલ્યાણ અંગેના ચિંતનમાં સર્વોતમ હોવા છતાંય જાતિના નામે તેઓની અવગણના થતી રહી છે. આ ધૃણાજનક વ્યવસ્થાને મૂળમાંથી નષ્ટ કરવા માટે કાયદાઓ, દંડ, સજાની વ્યવસ્થા થવી જોઈએ, દલિત કાર્યકરોની સંગઠિત બુલંદ અવાજ, સંગઠિત આંદોલનથી દલિત વિરોધી સરકારીતંત્રએ પણ દલિતોના હિતોના રક્ષણ માટે પ્રવૃત્ત થવું પડશે.

અભણ અને શિક્ષિત દલિતોમાં હજુ સુધી દલિત સંગઠનના ફાયદાઓની કોઈ જાણકારી નથી. જે લોકોમાં થોડી ઘણી સમજ છે, એવા લોકો હજુ સક્રિય થયા નથી. આ માટે દલિત કાર્યકરોએ દલિત ચેતના, દલિત વિચાર ક્રાંતિનું કાર્ય કરવાનું છે. આ કાર્ય પત્રિકાઓ, સામયિકો, વ્યાખ્યાનો, કાર્યશિબિરો, સેવાશિબિરો, દલિતસંતો અને નેતાઓના જીવન પ્રસંગોની ઉજવણી, શિક્ષણને પ્રોત્સાહક ઉત્સવો, દલિત સ્નેહ સંમેલનો, દલિત યુવાનોને પ્રેરણા મળે એવા પ્રદર્શનો, પુસ્તકાલયો અને પુસ્તકમેળાઓ શારીરિક કૌશલ્યોની તાલિમ અને સ્પર્ધાઓ, દલિત ઉત્કર્ષ માટેના આર્થિક ભંડોળ, વગેરે દ્વારા દલિત સશક્તિકરણ થઈ શકે છે.

દલિતોમાં સહકારભાવના વિના દલિતો દ્વારા નથી. અભિજન વર્ગનું નેતૃત્વ દલિતોના ઉદ્ધાર કરશે એમ માનવું અતિશ્યોક્તિ છે, દલિત કાર્યકરો જ દલિતોના મુક્તિદાતા માર્ગદર્શક બની શકે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર દલિત નેતૃત્વ પ્રત્યે શ્રદ્ધાવાન રહ્યા છે. દલિત કાર્યકરોને માટે સેવાની તક લોકશાહીમાં નિર્મિત કરવામાં આવી છે. કરોડો પીડિતોની ભલાઈ માટે સંઘર્ષ કરવો પડે તો પણ એ પુણ્યકાર્ય છે. ઉમદા ચરિત્રવાળા કાર્યકરો દેશમાં સમાનતા, સ્વતંત્રતા અને બુધતાના ઉદ્દેશ્યને જરૂર સિદ્ધ કરી શકે છે.

જે વ્યવસ્થામાં માણસને માણસ તરીકે સ્વીકારવાનો ઈન્કાર થતો હોય, અજ્ઞાનીને અજ્ઞાની રાખવાના ષડયંત્રો થતા હોય, ગરીબને ગરીબ રહેવા માટે મજબૂર કરવામાં આવતો હોય, એવી વ્યવસ્થાને મૂળમાંથી ખેંચી કાઢવી એ દલિત કાર્યકરોની ભૂમિકા છે.

દલિત કાર્યકરોની કેટલીક નબળાઈઓ છે, ઘણી વખત તેઓ દલિત નિષ્ઠાના અભાવે દંભથી ભરેલી લાગણીઓનું પ્રદર્શન કરે છે. આ કાર્યકરોમાં ખોટાપણાનું તત્ત્વ વધારે છે. આ લોકો દંભ પ્રત્યે નિષ્ઠાવાન છે. દલિતોનું શોષણ કરતા લોકો સાથે સમાધાન કરે છે, નજીવા સ્વાર્થને સંતોષવા દલિત અસ્મિતાને નુકસાન કરે છે. અંગત સ્વાર્થ માટે દલિતોના મોટ સમૂહને ગેરફાયદો થતો હોય તો પણ સમાધાન માટે તલપાપડ રહે છે. તેઓ કશું પણ કર્યા વિના વધુ મેળવી લેવાની વૃત્તિવાળા છે. આ કાર્યકરો દલિતો પ્રત્યે ઊંડી લાગણીનો ડોળ કરી દલિત સમાજને છેતરે છે. તેઓને દલિતોના દુઃખની કશી જ ચિંતા નથી, તેના થકી દલિતોના કષ્ટ દૂર થવાના પણ નથી. આ લોકોને વહેલાસર ઓળખવા જરૂરી છે. છળકપટ અને સ્વાર્થી વૃતિવાળા કાર્યકરો દલિતોના જ દુશ્મનો છે. તેનો સ્વભાવ જ બૂરાઈનો છે. આ દંભી નેતાઓની જાળમાં લોકો ફસાઈ ન જાય એ જોવાની જવાબદારી સાચા દલિત કાર્યકરોની છે.

દલિતોનાં હિત, સુખ અને કલ્યાણ માટે વિચારવું, દલિતોમાં જાગૃતિ આવે એવો ઉપદેશ કે માર્ગદર્શન આપવું, શિક્ષણનો માર્ગ દલિતો માટે કલ્યાણપ્રદ માર્ગ છે એ સમજ આપવી, સૌને આ તક પ્રાપ્ત થાય એવી પ્રવૃત્તિ કરવી. આ કાર્ય ખૂબ જ ચીવટપૂર્વક કરવાનું છે. દલિતોમાં પ્રવેશેલી અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાના રાફડાને તર્કબુદ્ધિથી સાફ કરવાનો છે. શિક્ષણ જ તેનો ઉપાય છે. દલિતોની સફળતાનો પંથ કેળવણી છે. પ્રગતિ માટે આધુનિક શિક્ષણ મેળવવું અનિવાર્ય છે. આ સાચી સમજ કાર્યકરોએ કેળવવી અને દલિતો માટે પ્રચાર-પ્રસાર કરવો.

ઘણી વખત પીડિત દલિતો પોતાની પીડાની દાઝ સાચા દલિત કાર્યકરો પર કાઢે છે. આ પ્રસંગે કાર્યકરે ગુસ્સે થવાનું નથી. તેમના માટે ખરાબ શબ્દો બોલવાના નથી પરંતુ તેમના પ્રત્યે દયા અને મૈત્રી ભાવના પ્રગટ કરવાની છે. તેઓ દલિત કાર્યકરોના શત્રુ નથી. તેમના અંતઃકરણમાં કાર્યકરો પ્રત્યે લાગણી છે. પરંતુ સ્થિતિ અને સંજોગોને લીધે કાર્યકરોને ભાંડે છે. દલિત કાર્યકરે આ લોકોને ‘દલિત’ તરીકે સ્વીકારવાના જ છે, તેના સહયોગ થકી ‘દલિતસંઘ’ની સ્થાપના કરવી. આ લોકો દુઃખ અને અજ્ઞાનમાં ડૂબેલા છે. ત્યારે તેઓના સુખ અને જ્ઞાનના પ્રકાશ માટે કાર્યકરોએ ગામડાંઓ અને શહેરોમાં જવાનું છે. ઘણા બધા લોકો શિક્ષણ અને સંગઠનના લાભોને સમજનારા મળશે, તેઓને દલિત સશક્તિકરણની પ્રવૃતિમાં જોડવાના છે.

મોટા ભાગે પોતાના વિચારો જ માણસને દુઃખી કરે છે, પરંતુ ભારતમાં પારકા વિચારોએ દલિતોના દુઃખી કર્યા છે. પારકાઓના વિચારોના ગાડાંઓ દલિતો ખેંચતા રહ્યા છે. પોતાની પાછળ જ દુઃખનું પૈડું ફેરવતા રહ્યા છે. આ પારકા વિચારોથી જ દલિતોની અધોગતિ થઈ છે. પરંતુ હવે બાબાસાહેબ આંબેડકર પ્રેરિત વિચાર અને શિક્ષણના મારગે દલિતોએ પોતાનું ઘડતર કરી શકે એમ છે, દલિત કાર્યકરોની સતત જાગૃતિને લીધે આ તકો પ્રાપ્ત થઈ શકે છે. ઘણા ઈર્ષ્યાખોર લોકો કાર્યકરોની સદ્દપ્રવૃત્તિઓથી રઘવાયા થઈ જશે, પરંતુ તેની પરવા કરવાની નથી, સમાજદ્રોહી લોકો આ કાર્યકરોના ચરિત્ર પર કીચડ ફેંકશે, કાર્યકરોની પ્રવૃતિને ‘નકામું વૈતરુ’ કે ‘મૂર્ખનાં કામો’ કહીને નિંદા કરશે. પોતાના જ સગાંસંબંધીઓ પણ આ નિષ્કામ પ્રવૃત્તિની નિંદા કરશે, પરંતુ કાર્યકરનો આત્મસંયમ આ નિંદાખોર લોકોને જરૂર મૂંગા કરી દેશે. કાર્યકરના સદ્‌ગુણો અને સત્કૃત્યોની પ્રશંસા થશે જ. શીલવાન દલિત કાર્યકરો દલિત યુવાનોના નેતા બને છે. તેઓએ સ્થાપેલા ‘દલિત યુવા મંડળો’ દલિત વિકાસના સ્તંભો છે. દલિત કાર્યકરની એકનિષ્ઠા અને દલિત વૃત્તિથી દલિતોના કલ્યાણનો યશ આ કાર્યકરોને મળશે. શોષિત-પીડિત દલિતોના જીવનના ઘડવૈયા દલિત કાર્યકરો છે, દલિતોની ઉન્નતિના યોગ્ય સાધન, માર્ગ અને તકની વ્યવસ્થાના તેઓ મશાલચી છે. દલિતો માટે સુખની કેડીઓના તેઓ પથદર્શકો છે. આ કાર્યકરો દલિતોના મહાન નાયકો છે.

જો કે રાજકીય પક્ષો પ્રેરિત દલિત કાર્યકરોમાં દલિત કલ્યાણનો દૃઢ સંકલ્પનો અભાવ જોવા મળે છે. આ કાર્યકરો પદની અપેક્ષાઓ દલિતો પરના અત્યાચારો સમયે છૂપાઈ જાય છે કે પછી સાયલન્ટ રહે છે. વર્ણવાદીઓ આ કાર્યકરોને એવા દંભ સાથે સમજાવે છે કે, દલિતો એ તો પોતાના અંગ સમાન છે. દલિતોને ભાવનાત્મક એકતાની દુહાઈ આપે છે. આ વર્ણવાદી લોકોનો મુખ્ય ઇરાદો તો દલિતોને જે કોઈ બંધારણીય મારગે અધિકારો પ્રાપ્ત થયા છે, તેને અટકાવવાનો છે. દલિતોના બંધારણીય અધિકારો નાબૂદ કરવાનો છે. દલિતો પ્રત્યેની તેઓની સહાનુભૂતિ દલિતોને લૂંટી લેવાની છે. ઘણી વખત આ લોકો દલિતો પરના અત્યાચારોની ગુપ્ત ઠરાવો દ્વારા અનુમતિ આપે છે. દલિતોની સલામતિ અંગેના કાયદાઓનું તંત્ર વ્યવસ્થા સાથે ભળી જઈને પાલન થવા દેતા નથી. તેઓનો હેતુ માત્ર વર્ણવાદનો વિસ્તાર કરવાનો છે. દલિતોને સંપત્તિ અને જ્ઞાન પ્રાપ્ત કરતા અટકાવવાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. વરસોથી દલિતોની સસ્તી અને મફત સેવાનો લાભ લેનાર વર્ણવાદીઓ બાબાસાહેબ આંબેડકરનાં કાર્યોથી ભડકી ગયા છે. પરંતુ દલિતોના નવોત્થાન કે ક્રાંતિકારી પરિવર્તન માટે કટિબદ્ધ દલિત કાર્યકરોએ બાબાસાહેબ આંબેડકરનાં કાર્યોનો પ્રચાર-પ્રસાર માટે ઉત્સાહિત થવું જરૂરી છે.

આ કાર્યકરોએ તકવાદી બનવાનું નથી, તર્કદૃષ્ટિ કેળવવાની છે. જે તર્ક નથી કરતા તે ધર્માંધ કે પછી અંધશ્રદ્ધાળુ છે, તર્ક નથી કરી શકતા તે મૂર્ખ છે, જે તર્ક કરવાની હિંમત કરતા નથી તે ગુલામ છે. દેશમાં વર્ણહીન, વર્ગવિહીન, જાતિ વિહીન અને લિંગભેદ રહિત સમતામૂલક સમાજ રચના અને રાષ્ટ્ર નિર્માણનો જે ઉદ્દેશ બાબા સાહેબ આંબેડકરનો હતો તેને ચરિતાર્થ કરવાનો અવકાશ દલિત કાર્યકરોને પ્રાપ્ત થયો છે. જ્ઞાન અને ચારિત્ર્યના ઊંચા આદર્શોને સિદ્ધ કરવા માટે સંગઠિત થાઓ, દલિતોની પ્રગતિને અવરોધક વિઘ્નોને છિન્ન ભિન્ન કરી નાખો, આ કાર્યમાં નિર્ભયતાપૂર્વક આગળ વધો, દલિતો સામે જે મોટા સંકટો હતા તે આંબેડકરે દૂર કરી દીધા છે, હવે માત્ર નાના નાના સંકટોમાંથી મુક્ત કરવાનું કાર્ય દલિત કાર્યકરોએ કરવાનું છે. જે કાર્યકરો માનપાનની અપેક્ષા વિના, સ્વાર્થ ત્યાગનો પાઠ શીખ્યા છે. સ્વામી થવાની વૃત્તિ નથી, તેઓ જરૂર દલિત ઉત્કર્ષમાં ઉચ્ચ ભૂમિકા ભજવી શકે છે.

ઘણાં ચરિત્રહીન કાર્યકરો બની બેઠા છે, તેઓ અપ્રમાણિકતાથી પૈસા મેળવે છે, સરકારી સહાય જે ગરીબ દલિતોને મળે છે, વિધવા, અનાથ, મજૂરો, રંક, અપંગ, બીમાર, લોકોની સહાયમાંથી અધિકારી સાથે મીલી ભગત કરીને નાણાં ઓળવે છે. તેઓ પોતાને માટે તો નર્કાગારની સ્થાપના કરે જ છે, પરંતુ દલિત સમાજને પણ કલંકિત કરે છે. બીજાના દુઃખ દૂર કરવા માટેની સહાયમાંથી સુખોભોગ ઇચ્છનારા ધુતારાઓ સજાને પાત્ર છે, આ કિસ્સાકાતરુઓ ત્યારે જ સક્રિય બને છે, જ્યારે ચરિત્રવાન દલિત કાર્યકરો નિષ્ક્રિય હોય છે. જે ધૂતારાઓ ગરીબ દલિતોને છેતરવાનું પાપ કર્મ કરે છે, તેઓ પોતે તો પાયમાલ થઈ રહ્યા છે, ગરીબોને પણ નુકસાન કરી રહ્યા છે. ગરીબોને છેતરનારાઓનો પર્દાફાશ સાચા દલિત કાર્યકરોએ કરવાનો છે, આ એક નૈતિક કર્તવ્ય પણ છે. અર્થધન કાર્ય છે.

ઉમદા વૃતિવાળા દલિત કાર્યકરોનાં નાનાં નાનાં કાર્યો પણ મહાન કાર્યો તરીકે પ્રતિષ્ઠિત થશે, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં આ કાર્યકરોની ભૂમિકા શાશ્વત ગણાશે. દલિતો માટે જે સેવા કરી છે, તેના બદલામાં તેણે ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. આ ઔદાર્યથી કરેલી સેવા જ શાશ્વત છે.

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, મે-જૂન 2017; પૃ. 04-11 

Loading

હસમુખ બારાડી-સ્મરણાંજલિ

કૃષ્ણકાંત કડકિયા|Opinion - Literature|15 May 2017

હસમુખભાઈ સાથેની મારી ઓળખાણ ભરત નાટ્યપીઠમાં જ.ઠા.ને કારણે થયેલી. ભરત નાટ્યપીઠ સંસ્થા ત્યારે પૂરબહારમાં હતી. ત્યાં હું જતો આવતો હતો. એક મિટિંગમાં જ.ઠા.એ હસમુખભાઈનો મને પરિચય કરાવ્યો. ત્યારે હું એમનાથી ખાસ પ્રભાવતિ થયો ન હતો. પણ એ મિટિંગમાં મેં એમની દલીલો સાંભળી. તે વેળાએ ચોક્કસ જ પ્રભાવિત થયો હતો. ગુજરાતમાં નાટક છે એવો એમનો વિશ્વાસ, એ સામેની ખોટી કાગારોળો, નટ અને પ્રેક્ષકો વચ્ચે દેખાતો દંભી સંબંધ, કુશળ ડાયરેક્ટર એટલે શું વગેરે અંગેની એમની દલીલો, આક્રોશો ઇત્યાદિ કોઈને પણ પ્રભાવિત કરે એવા હતા. પછી તો પરિચય ઉત્તરોત્તર વધતો ગયો. એક દિવસ મેં જ.ઠા. સમક્ષ હસમુખભાઈનાં વખાણ કર્યા. એમની દલીલોને બિરદાવી. ત્યારે જ.ઠા.એ હસતાં હસતાં કહ્યું : બારાડીને પાછા રશિયા મોકલી દેવાના છે.

જ.ઠા.એ ભલે મજાકમાં ઉપરનું વિધાન કર્યું હતું પણ એમાં જે ગંભીરતા હતી તે મને સમજાવા લાગી. ગંભીરતા એ હતી કે અહીં જે ખ્યાલોથી નાટકનું વાતાવરણ બનેલું છે તે કરતાં હસમુખભાઈના વિચારો જુદા હતા.

માટે ટૂંકમાં કહેવું હોય તો એમ કહું કે એ એક ‘સત્યનિષ્ઠ નાટ્યકર્મી’ હતા. તેઓ માનતા કે નટને પૂરતી સ્વતંત્રતા મળવી જોઈએ – એને રિહર્સલ કે થિયટર હૉલ માટે લાચાર થઈને ઊભા રહેવું ન પડે. નટનું પોતાનું થિયેટર હોય, કોઈ પણ જાતની રોકટોક વગર એ નાટક લખી-ભજવી શકે. એવું એમનાં મનમાં એટલી હદે હતું કે એ માટે જરૂર પડે એમણે લડતો પણ આપી છે. સેન્સર-બોર્ડ સામેની એમની લડતો, ‘બુડ્રેટી’ની સ્થાપના કે ‘નાટક’ નામના સામયિકનું આવવું એ એમના વિચારો તથા એમની લડતો ઇત્યાદિને સાચવવા માટેનાં સ્મારકો છે.

ઉપર કહ્યું ત્યાં સુધી પહોંચતા એમને અપ્રિય પણ થવું પડતું હતું. કદાચ તેથી જ તો તેઓ સંસ્કૃત રંગભૂમિ ઊભી કરવાનું એમનું સ્વપ્ન પૂરું કરી શક્યા ન હતા.

નાટક પ્રત્યેનો એમનો પ્રેમ છૂપો રહી શકે એવો  હતો. તક મળે તે ખુલ્લો થયા કરતો. નાટક અંગે કામ કરનારા દરેકે દરેકની સ્વતંત્રતાના એ ચાહક હતા. આ અંગે તેઓ કહે છેઃ “… કામ કરે છે એને કામ કરવા દઈએ, એને કોઈ સાધનસંપત્તિની ખોટ ન પડે એ જોઈએ. એનું કામ અધૂરું કે એના તારતમ્યો ફક્ત સામાયિક હશે તોપણ એણે સાચવ્યું છે અને વાત કરવાની હિંમત દાખવી છે એટલા પૂરતી પણ અમે એની પીઠ થાબડીશું અને ઝઘડો કરવો હશે ત્યારે એને જ સામે બેસાડીને કરી લઈશું, પરંતુ સાહિત્યેતર કે નાટ્યેતર રસહિત ધરાવનારાઓએ આમાં માથું મારીને કામ કરતાં કોઈને રોકવા ન જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે.”૧

૧૯૮૨માં મારું પુસ્તક ‘રૂપિત’ પ્રગટ થયું ત્યારે, પુસ્તકના વેસ્ટની પાંખ પર વિશિષ્ટ પ્રકારના આ નાટક વિવેચનની, બારાડીએ ખૂબ પ્રશંસા કરેલી. પણ એ પ્રસંશા કરતાં એમને પોતે જ સ્વીકારતા નથી તેને સહૃદય મિત્રભાવે છુપાવ્યું છે એમ કોઈ ન માને; દા.ત. ‘જસમા : લોકનાટ્ય પ્રયોગ-શિલ્પની દૃષ્ટિએ’ વિશે લખતાં ‘એબ્સર્ડ’ વિશે શોધવું વગેરે વાતો એમને વિચાર કરવા પ્રેરે છે.૨ મારા અભ્યાસની પ્રામાણિકતા તેઓ સ્વીકારે છે.૩ અને મેં વિસ્તૃત નોંધો, તારતમ્યો વગેરે શાત્રીય રીતે પેશ કર્યા છે.’ એમ પણ કહે છે૪ ‘છતાં “બુદ્ધિપ્રકાશ” ૧૯૯૦, મે માં ‘જસમા : લોકનાટ્ય-પ્રયોગો-શિલ્પની દૃષ્ટિએ’ વિશે લખે છે : જે તે શું છે. કેવું છે – એનો દસ્તાવેજ અને એને શાત્ર બનાવી શકાય એવો મસાલો કડકિયાએ આપ્યો છે.૫ એટલું કહે છે. તેઓ એને શાસ્ત્ર તો કહેતા નથી. આ તટસ્થતા એમના અન્ય લેખોમાં પણ વરતાય છે.

એમના ગ્રંથો અંગે હું વિવેચન કે સંશોધન કરું એવો આગ્રહ સતત એઓ રાખતા. અને એ રીતે મેં એમનાં નાટકો અને બીજા ગ્રંથો અંગે ‘સ્વાધ્યાય’ તથા બીજે પણ વખતોવખત લખ્યું હતું. વ્યાખ્યાનો દ્વારા પણ કહેવાનું બન્યું હતું; ‘શકાર મહાઅવતાર : એક સમીક્ષા૬’ એ લેખ મેં “સામીપ્ય” ઑક્ટોબર ’૯૪ – માર્ચ, ‘૯૫માં લખ્યો હતો. ‘રૂપકિત’માં નાટક સરીખો નાદર હુન્નર’ જે ગ્રંથસ્થ છે તે વસ્તુતઃ તો આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી ‘ગ્રંથનો પંથ’માં પ્રસારિત કરેલ વ્યાખ્યાન પરથી સુધારા વધારા સાથે લખેલ છે૭. મને સમય ન હોય તો તેઓ રાહ પણ જોતા; એક વાર મધુસૂદન પારેખનો મારા પર ફોન આવ્યો : ‘બુડ્રેટી’ના પ્રકાશનો અંગે તમે લેખ કરી આપો. હું એવા કામોમાં અટવાયો હતો કે મેં ના પાડી. મધુસૂદનભાઈએ કહ્યું કે ‘બારાડીનો એવો આગ્રહ છે કે તમે જ લખો.’ મેં કહ્યુંઃ હું છ-એક માસ સુધી તો લખી શકું એમ નથી. મધુસૂદનભાઈઃ અમે લેખની રાહ જોઈશું. છ માસ પછી, આ સંદર્ભે, બારાડીનો ફોન આવ્યો. મને એમ કે બારાડીએ આ વાત છોડી દીધી હશે. પણ એમણે ધીરજ રાખી હતી અને મેં લેખ લખ્યો. ધીરજ અંગેની એમની આવી અસાધારણ શક્તિનો મને વારંવાર અનુભવ થયો છે છતાં આ, ઉપર જે ટાંક્યો છે તે, પૂરતો ગણીને, બાકીના પડતા મૂકું છું.

હસમુખભાઈ પાસેથી સતત નવું શીખવાનું મળતું. ‘નાટક સરીખો નાટક હુન્નર’ તપાસો. જે આ બાબતની નોંધ માગી લે એવો, પુરાવો છે. ‘સીનરી’ વગેરે બાહ્ય પડો વીંધી નાખવા, નટ અને પ્રેક્ષકોની જીવંત ભાગીદારી, નવી દિશા, નવા ઉન્મેષો, તેમ કેટલીક સૈદ્ધાંતિક વાતો એમણે કરી છે. વ્યાખ્યાનો દરમિયાન પણ એમણે ઘણી વાર એ કહ્યું છે. પ્રોસિનિયમ આર્ક સામે તો ઠીક ઠીક આક્રોશ ઠાલવ્યો છે અને આર્ત ચીસો પાડી છે – એમ લાગે કે એ સંદર્ભમાં તેઓ પોતાના વિચારો છોડી શકે એમ નથી. પણ એમ ન હતું. યથાસમયે તેઓ પોતાના વિચારો છોડતા. એમના એવા એક વ્યાખ્યાનમાં પ્રશ્નોત્તરી દરમિયાન મેં કહેલુંઃ પ્રોસિનિયમ આર્ક સામે ગમે તેટલો ઊહાપોહ થાય તો પણ એમાં દૃષ્ટિ ફ્રેમની બહાર ન નીકળે એ લાભ ઓછો નથી. માટે એ ટકશે. ત્યારે તેઓ મારી વાત સાથે સહમત થયા હતા અને કહેલું કે ‘તેથી જ તો બધે, પ્રોસિનિયમ આર્ક ફરી ફરીને આવ્યા કરે છે અને વળી રિયાલિસ્ટિક નાટકો માટે તો એ બહુ અનુકૂળ પણ છે. આમ છતાં એમનો વિરોધ એટલા માટે હતો કે પ્રેક્ષકો માટે તેઓ આંશિક નહીં સર્વાંગી દર્શન માગતા. એમનો પ્રયત્ન નટ દંભ તોડે, જીવતી કલા બચે, લોકકલાઓ ઈજા ન પામે એ તરફનો હતો. એ ત્યારે જ શક્ય બને કે પ્રોસિનિયમ આર્ક તૂટે. માટે જ તો એ આર્ત ચીસ વિસ્તરી હતી એક માર્ગી દૂરનિયંત્રિત સમૂહમાધ્યમો સુધી-ટી.વી. જેવાં માસ મીડિયા સુધી આ એમનો સમાંતરોનો આલેખ આપણને થિયેટર તેમ નાટકને એકાંગી ઘટના તરીકે જોવામાંથી બહાર કાઢે છે. ગુજરાતી નાટ્યક્ષેત્રે બારાડીનું આ એક મહત્ત્વનું પ્રદાન છે.

આમ છતાં કોઈ એમ ન માને કે સમગ્ર ભૂતકાળને તેઓ ઉસેટી દેવા માગતા હતા. એમ ન હતું. વસ્તુતઃ તો એ, ઇતિહાસ માટેની સામગ્રી માટે, સતત સચવાય એવી એમની પ્રવૃત્તિ રહી હતી. તે કારણે જ તો તેઓએ ‘બુડ્રેટી’ Preservation, Reprint, Record of history, preservation and Conservation of archival Photographs etc. સચવાઈ રહે અને ઉપલબ્ધ રહે એ માટેની વ્યવસ્થા ઊભી કરી છે. જેમાં નાટ્ય મહોત્સવો, સમારોહો, નટોના અવાજો, ઇન્ટરવ્યૂ તસ્વીરો, રંગભૂમિનાં ગીતો વગેરે સાચવવાની મથામણ સતત છે.

એક વાર બન્યું એમ કે ‘ગ્રંથગોષ્ઠિ-વડોદરામાં, તા. ૨૬-૧૧-૮૮ના રોજ વ્યાખ્યાન આપવા મારે જવાનું થયું. શ્રીમદ્‌ ઉપેન્દ્રાચાર્યજી રચિત ‘શ્રીકૃષ્ણ કુંતી સંવાદ’ એ કૃતિના નાટ્ય-સંવાદથી માંડીને સંસ્કૃિત સુધીના વ્યાપારમાં સંરચનાવાદ એ મારા વ્યાખ્યાનનો વિષય હતો. શ્રીમદ્‌ ઉપેન્દ્રાચાર્યજીનો ત્રિદૃશ્યાત્મક ખુલ્લો મંચ મેં જોયો હતો. તેમાં ભજવતાં નાટકો પણ જોયા હતા. પણ મારી પાસે એ રંગમંચ પર ભજવાતા કોઈ નાટકની એક પણ છબી ન હતી. મારે એની જરૂર હતી. મેં લવકુમાર દેસાઈને વાત કરી. એમણે શ્રીમદ્‌ ઉપેન્દ્રાચાર્યજી સંદર્ભે મહાપ્રબંધ લખ્યો છે. પણ લવકુમારભાઈ પાસે સુધ્ધાં આવું કોઈ ચિત્ર ન હતું. પછી મેં બારાડીને વાત કરી. ક્ષણેક તો થયુંઃ બારાડી પાસે ક્યાંથી હોય ? ત્યાં જે નાટકો થાય છે એ તો પ્રચાર દૃષ્ટિએ થાય છે. ધર્મ વિવરણ કે ધર્મને નિત્ય વ્યવહારમાં ઉતારાની અગત્ય અથવા ધર્મ અને જીવનનો સમન્વય, આવું કોઈ કાર્ય, ઉપેન્દ્રાચાર્યજી – સંવાદો દ્વારા રજૂ કરવા માટેનું આ થિયેટર છે. બારાડીને એમાં શો રસ હોય ? એની જાણે કે કોઈ કિંમત જ ન હોય તેમ તેઓએ તો એ તરફ કંઈ ધ્યાન ન આપ્યું નહિ હોય એમ મને લાગ્યું. પણ મારા વિચારાયેલા મત ખોટા હતા. અચંબા વચ્ચે એમણે મને એક આલ્બમ આપ્યું. જેમાં શ્રીમદ્ ‌ઉપેન્દ્રાચાર્યજીનો ત્રિદૃશ્યાત્મક ખુલ્લો મંચ અને એમાં ભજવાતાં નાટકોના ફોટા હતા જે તેમને જુદી જુદી વ્યક્તિઓ પાસેથી ઉપલબ્ધ થયા હતા. મારા લેખમાં જે ચિત્ર મેં મૂક્યું છે તે પણ મને ત્યાંથી જ ઉપલબ્ધ થયું. વસ્તુતઃ આ ચિત્ર ઉત્પલ ત્રિવેદીનું હતું અને તેઓએ તે બારાડીને આપ્યું હતું. બારાડીના આ વ્યવહારથી જાણે કે મને એમ સમજાતું હતું કે આવા ઉમદા દૃષ્ટિબિંદુ આગળ, આ તપસ્યા આગળ, સિદ્ધાંતો વિરોધો કે અંગત માન્યતાઓ કંઈ વિસાતમાં નથી.’

બારાડીની સર્જનશક્તિનો લાભ ગુજરાતી સાહિત્ય બહુ ઓછો લીધો છે; જો કે એમની એવી શક્તિ માટે મારો એવો અભિપ્રાય છે કે, જેઓએ એ લાભ લીધો છે એમને પોતાનું લખાણ સરળ, પ્રામાણિક અને શુદ્ધ કર્યું છે. અંગ્રેજી નાટક જ્યારે એ વાંચતા, અનુવાદ કરતા ત્યારે એમ લાગતું કે આપણે ઘણી ભૂલો કરી હોત. ૧૯૮૭નો ડિસેમ્બર માસ મારે યુ.જી.સી. સ્પૉન્સર સેમિનારમાં વડોદરા જવાનું થયું. ‘બ્રેશ્ટ અને ભારતીય નાટ્ય’ એ વિષય સંદર્ભે મારે કહેવાનું હતું. ત્યાં નાટકના અનેક તજ્‌જ્ઞો પણ આવ્યા હતા. બારાડી પણ હતા. બારાડીએ ત્યાં કહેવાયેલા તમામ ઉચ્ચારો સુધારી પ્રામાણિક કરી આપ્યા હતા. આ એમનું મહત્ત્વનું પ્રદાન હતું. ‘બેટ્રય’ને બદલે આપણે ‘બ્રેશ્ટ’ ઉચ્ચારતા તથા લખતા થયા તે બારાડીને કારણે ચં.ચી. મહેતા ‘બ્રેટ્‌ચ’ એમ લખતા. નંદકુમાર પાઠક ‘બ્રેટ’ એમ લખતા. ‘બ્રેશ્ટ’ના નાટકોનો આધાર લઈ ‘કાનન’ (પન્નાલાલ પટેલ) અને ‘સગપણ એક ઉખાણું’ (રમેશ પારેખ), એ બે ગ્રંથો જે લખાયા, તેમાં પણ ઉચ્ચારોનું વૈવિધ્ય દેખાય છે. બારાડી દ્વારા આ ઉચ્ચારોમાં એકવાક્યતા આવી છે. આ જર્મન નાટ્યકાર બર્ટોલ્ડ બ્રેશ્ટના થિયેટર બર્લિન એન્સેબલના ઉદ્દેશો માટે બારાડીએ ૧૯૯૪માં એક પરિચય પુસ્તિકા લખી છે. એ પુસ્તિકાએ આ ઉચ્ચારો અને તેની એકવાક્યતા માટે ગતિ પૂરી પાડી છે. વળી તેઓ બ્રેશ્ટનાં નાટકો ‘થ્રી પેની ઑપેરા’ ‘સૅન્ટ જોઆન ઑફ સ્ટૉકયાર યાર્ડ’ ‘ધ મેઝર’ એક્સેપ્સન એન્ડ ધ રૂલ’ ‘ગેલેલિયો ગેલિલે’ તથા બીજા નાટકો પ્રત્યે ઠીક ઠીક આકર્ષાયા હતા. ‘એક્સેપ્સન એક વણઝારની વાત’ એક ત્રાજવું પલ્લાં બે’ ‘ગેલિલિયો ગેલિલે’ એવા નામે એમના દ્વારા ગુજરાતીમાં એ અનુવાદ પણ પામ્યા. જેને મેં પેલી ચાલની વાત કરી તેને ગતિમાન થવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.૧૧

બારાડી સેન્સરની સામે પડ્યા હતા. એનો અર્થ એ નથી કે નાટક ઊહાપોહ જગાવે એવું લાગે તો પણ એ ભજવવું. ૧૯૭૦માં મારી ‘સ્વરૂપ’૧૨ નવલકથા બહાર પડી હતી. મહિલા મુદ્રણ, ખાનપુરમાં એ છપાતી હતી. કંપોઝ કરેલી આખી ચોપડી ‘આ અસ્લીલ છે.’ એવી દલીલ કરી પ્રેસના સંચાલકોએ અને પ્રકાશકે પણ મને પરત કરી. ત્યારે કે.સી. પરીખ, ઉમાશંકર જોશી, યશોધર મહેતા અને રમણલાલ જોશીના ‘આ અસ્લીલ નથી’ એવા પ્રકારના બચાવ તથા પ્રયત્નોથી કેટલીક શરતો સાથે, એ પ્રગટ થઈ. એક વાર બારાડીએ મને કહ્યું તારી ‘સ્વરૂપ’ નવલકથા મેં વાંચી. ત્યારે મેં એમના ચહેરા પર આનંદ જોયો. એ પળ હું કશું કહી શકું એ માટેની પ્રેરણા આપે તેવી હતી. હું લોભાયો. મને થયું ‘બારાડી અત્યારે નવું નાટક શોધવાના મૂડમાં છે.’ એટલે મેં કહ્યું : તમે આ નવલકથા પરથી નાટક કરો. એ હસ્યા. મને થયું. બારાડી મારી વાત સાથે સહમત થયા છે. પણ એમ ન હતું. એ તો મને તડૂક્યા ‘તારે મને લોકોના માર ખવડાવવો છે?’ મેં જોયું, એમાંથી સેન્સર બોર્ડ કશું કટ કરે તે પહેલાં બારાડીએ પૂરું નાટક જ કટ કરી દીધું.

જ.ઠા. ઘણી વાર કહેતા કે ‘જેને રંગભૂમિ પર પગ મૂકતાં આવડે છે તેને જીવનમાં પણ પગ મૂકતાં આવડે છે.’ આ વાત બારાડીમાં મેં બરાબર સાર્થક થતાં જોઈ છે. આમ કહેવા માટે મારી પાસે એક કરતાં વધારે પ્રમાણો છે જે અત્યારે તો કહી શકાય એમ નથી, પણ હું એક પસંદ કરું છું અને અહીં લખું છું અને તે કારણે જ હું પોતે તો બારાડીને એ રીતથી જ ઓળખું છું. બન્યું એમ કે ૧૯૯૪માં ભારતીય લોક-કલા મંડલે (ઉદયપુર) લોકરંગમંચ ભવાઈ પર કેન્દ્રિય સંગોષ્ઠિનું આયોજન કર્યું હતું. એમાં મુખ્ય તેઓએ મને આમંત્રણ આપ્યું હતું. ત્યાંના સ્થાનિક અખબારો અને રંગાયને પણ વિસ્તૃતરૂપમાં તેની વિગતો પ્રકાશિત કરી હતી. આમંત્રણનો સ્વીકાર કરતાં પહેલાં મારે ભાનુ ભારતી સાથે વાત થઈ હતી. બારાડી, જનકભાઈ અને બીજા પણ વક્તાઓ ત્યાં આવવાના હતા. આ તમામ મારા કરતાં સિનિયર હતા અને નાટ્ય ક્ષેત્રે મારા કરતાં અનુભવી હતા. મેં કહ્યું : ‘આ બધાની સાથે મુખ્ય વક્તા તરીકે હું કઈ રીતે હોઈ શકું ?’ એમની સિનિયોરીટી અને અનુભવને અવગણી શકાય નહિ. માટે બારાડી કે બીજા સિનિયરને એ માટે નિમંત્રણ મોકલો. ભાનુ ભારતીએ કહ્યું : તમને જે નિમંત્રણ આપવામાં આવ્યું છે તે બારાડી અને બીજા સિનિયરોના આગ્રહથી જ આપવામાં આવ્યું છે. મેં બારાડીને ફોન કર્યો. બારાડીએ કહ્યું : નાટકના માણસ તરીકે ‘સ્ટેજ ચોરી’ન થાય તે પણ આપણે જોવું જોઈએ ને ? તમે જે કામ કર્યું છે તે જોતાં, કોઈ પણ નટ દ્વારા, એ સિનિયર હોય તોપણ, ‘સ્ટેજ ચોરી’ તો ન જ થવી જોઈએ ને ? મેં કહ્યું : આ ક્યાં નાટ્યપ્રયોગ છે ? બારાડી : સ્ટેજ હોય કે જીવનનો કોઈ પણ પ્રસંગ હોય, નિયમોને કઈ રીતે અવગણી શકાય ? હું એમની વાત સમજ્યો. કોઈ દિગ્દર્શક આજ્ઞા કરતો હોય એમ મને લાગ્યું અને તેથી હું તે અવગણી ન શક્યો. આ છે હસમુખ બારાડી. મનમાં છાપ પડી ગઈ છે કે ફક્ત રંગભૂમિ પૂરતા જ એ નટ કે દિગ્દર્શક ન હતા, પણ રંગભૂમિ બહાર, જીવન અને જીવનના પ્રસંગોમાં, સુધ્ધાં એ સાચા નટ અને દિગ્દર્શક હતા. જીવનશિક્ષક જેવા – હૃદયસંસ્કાર નટદિગ્દર્શક.

કે.કા. શાસ્ત્રીજીના આદેશથી મારા નામના ટ્રસ્ટ દ્વારા અમે એક અધ્યયન – સંશોધન ગ્રંથાલય ઊભું કર્યું છે.  KKTSRLIB — અમારી અપેક્ષા હતી સરકાર અને સમાજ તરફ શાસ્ત્રીજીના અવસાન પછી પણ એ અપેક્ષા ચાલુ રહી હતી. સત્તાધારીઓની, એટલે કે સરકારની રીત પોતાની હતી. થોડું નુકસાન કે ગેરલાભ વેઠીએ તોપણ સરકાર તરફથી અપેક્ષા સંતોષાય એમ ન હતી. રહ્યો સમાજ. અનેક લોકોને, ટ્રસ્ટોને, એ વાતની ખબર પડી કે અમારી પાસે અનેક મૂલ્યવાન ગ્રંથો છે તેમની પાસે મોટા મોટા કૉલ હતા. એઓ એમ કહેતા હતા કે ‘પુસ્તકો અમને આપી દો અમે ચલાવીશું અને તમારી તકતી પણ મૂકીશું.’ અમે પૂછ્યું : તમે કેટલી વખત આવ્યા અધ્યયન – સંશોધન ગ્રંથાલયમાં ગયા છો ? જવાબ હતો : ગયા તો નથી, પણ હવે જઈશું. શું ભણ્યા છો ? જવાબ હતોઃ લખતાં વાંચતાં આવડે છે. વાત રહી તકતીની. તકતી — મને કે અમારા કોઈ ટ્રસ્ટીને એમાં રસ ન હતો. ચાર ખૂણા વાળી તકતી માટે કે વિદ્યાનિષ્ઠ કે ધન-નિસ્પૃહી ન દેખાતા, દુર્ભાગ્યે અમને મળવા આવેલા, અધિકારીઓ માટે તો અમે આ કર્યું ન હતું. અમારે માટે એ, લોકના બધા જીવનને સ્ફૂિર્ત આવી નવું રાખતી. સાહિત્ય અને સંસ્કૃિતની સ્થાપના કરનાર-શક્તિ હતી. એટલું જ નહિ, જીવનને કઠોર કે લૂખું કર્યા વિના ઊંચી ગતિ આપનાર તાકાત હતી – અમારી આ વાતને સમજવા કુદરતે જ જાણે એક વાર બારાડીને મારે ત્યાં મોકલ્યા. ત્રણ માળનું મારું મકાન પુસ્તકોથી ભરેલું જોઈ એ તો છક જ થઈ ગયા પૂછ્યું : કેટલા છે આ ? મેં કહ્યું : સિત્તેર હજાર. બારાડી કોઈ વ્યવસ્થા થઈ ? મેં કહ્યું : ના, અત્યારે તો મારા મકાનમાં એ ચાલી છે. બારાડી : TMCમાં આવી જાવ. નાટ્યગૃહ તો છે જ. છત પણ મોટું છે. એના પર ગ્રંથાલય કરો. એક રૂપિયો ટોકન માત્ર આપજો. આમ તો મેં એ નાટ્યગૃહ અનેક વાર જોયું હતું પણ આ હેતુએ સ્ટ્રક્ચરચ એન્જિનિયર સાથે ગયો. નવની દીવાલ હતી અને છત આટલાં બધાં પુસ્તકો સહી શકે એવું ન હતું. અમે જઈ ન શક્યા. પણ બારાડી આવા અસાધારણ કાર્યની મૂલવણી કરી શકે એવી સહૃદયી અને નવરત્ન વ્યક્તિ છે એવી ઘેરી છાપ મારા પર પડી જે પછી પણ કાયમ રહી છે અથવા જે ગ્રંથાલય કે જ્ઞાન-કેન્દ્રની પાસે આવીને સરકાર, સમાજ કિંવા વિદ્યાની અધિકારી વ્યક્તિ આવીને, કહે કે ‘હેં ગ્રંથાલય, હે જ્ઞાન કેન્દ્ર, હું તારું રક્ષણ કરીશ, તું મારા સુખના સ્થાનરૂપ છે. મારી સાથે ચાલ !’ – એવા કેટલા તમારા પરિચયમાં છે ? તો હું કહીશ કે એવો એક વિદ્યાનિષ્ટ, નટ-કર્મી, નિસ્પૃહી,  વિદ્યાનો અધિકારી-બ્રાહ્મણ-મેં જોયો છે : હસમુખ બારાડી

૧. એ માટે ‘જસમાઃલોકનાટક – પ્રયોગો-શિલ્પની દૃષ્ટિએ’ દ્વિ.આ.પ્રકા. ડૉ. કૃષ્ણકાંત કડકિયા ટ્રસ્ટ, ૨૦૧૦, પૃ. ૭૭

૨. એજન પૃ. ૭૬

૩-૪. એજન પૃ. ૭૭

૫. “બુદ્ધિપ્રકાશ” – મે, ૧૯૯૦

૬. (એ) ‘શકાર મહાઅવતાર, બારાડી હસમુખ, ઉપલબ્ધ-સ્ક્રિપ્ટ બેન્ક, બુડ્રેટી’ (બી) ‘ભાવાનુભૂતિ’ ડૉ. કૃષ્ણકાંત કડકિયા ટ્રસ્ટ, અમદાવાદ-૧૫, દ્વિ.આ. ૨૦૦૪

૭. (એ) ‘નાટક સરીખો નાદર હુન્નર’ બારાડી હસમુખ, અક્ષરી, હરિહર સોસાયટી-૧૪ ૧૯૮૩, પ્ર.આ. (બી) ‘રૂપકિત’ ડૉ. કૃષ્ણકાંત કડકિયા ટ્રસ્ટ, અમદાવાદ-૧૫, દ્વિ.આ.૨૦૦૪

૮-૯. (એ) નાટ્ય લેખ માટે – રસદર્શન, દ્વિતીય ગુચ્છ, ગદ્ય પ્ર.આ. ૧૯૮૬, પ્રકા. શ્રેયસાદક અધિકારી વર્ગ, વડોદરા (બી) વ્યાખ્યાન માટે ‘સ્વાધ્યાય’ પૃ. ૨૮, અંક ૧-૨, ૧૯૯૦

૧૦. ચિત્ર માટે ભાવિત, ડૉ. કૃષ્ણકાન્ત કડકિયા ટ્રસ્ટ, અમદાવાદ-૧૯૯૬ પૃ. ૧૩૨ની સામે ૭ (અ) ‘નાટક સરીખો નાદર હુન્નર’ બારાડી હસમુખ, અક્ષરી, હરિહર સોસાયટી-૧૪ ૧૯૮૩ પ્ર.આ. (બી) ‘રૂપકિત’ ડૉ. કૃષ્ણકાંત કડકિયા ટ્રસ્ટ, અમદાવાદ-૧૫, દ્વિ.આ. ૨૦૦૪

૧૧. (એ) આ અનુવાદો છપાયા નથી (એના પ્રયોગો થયા છે.) ટાઈપ કોપી સ્ક્રિપ્ટ બેન્ક, બુડ્રેટીમાં ઉપલબ્ધ છે. (બી) પછીથી પાછલા બે અનુવાદો ‘એક ત્રાજવું પલ્લાં બે’ અને ‘ગેલેલિયો ગેલિલે’ ્‌સ્ઝ્ર એ પ્રગટ કરેલ છે. એ માટે ્ TMC-GSTChenpur Road, New Ranip, Ahmedabad – 382 470‌

૧૨. ‘સ્વરૂપ’, કૃષ્ણકાંત કડકિયા, પ્રકા. વાય.પી.શાહ. ૧૯૭૦, પ્ર.આ.

[સહ-સંપાદક, ગુજરાત સંશોધન મંડળનું ત્રૈમાસિક]

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, મે-જૂન 2017; પૃ. 11-15 

Loading

‘આખરે …. આઝાદ’ પુસ્તક પરિચય

રમેશ મહેતા|Opinion - Opinion|15 May 2017

‘આખરે …. આઝાદ’ મૂળ લેખક : ડેનિયલ ગ્રીનબર્ગ, અનુવાદ : ક્ષમા કટારિયા, પ્રકાશન : ઓએસીસ પ્રકાશન, વડોદરા. પ્રથમ આવૃત્તિ સપ્ટેમ્બર ૨૦૧૪, પૃષ્ઠ : ૨૦૮, કિંમત : ૨૦૦

એક બાજુ ગુજરાતના કેળવણીકારો, ચિંતકો અને તેજસ્વી અધ્યાપકોથી માંડી તમામ મનીષીઓ ગુજરાતમાં શિક્ષણમાં અંગ્રેજી માધ્યમ વિશે બળાપો વ્યક્ત કરતા રહ્યા છે. ‘માતૃભાષામાં શિક્ષણ’ની ઝૂંબેશ ચલાવી રહ્યા છે. આમ છતાં પ્રજાજનમાં તેનો કોઈ પ્રતિસાદ કે પડઘો પડતો હોય એવું અનુભવાતું નથી. અંગ્રેજી ભાષાની સજ્જતા માટે અંગ્રેજી શિક્ષણ (ખાસ કરીને પ્રાથમિક કક્ષા) મહત્ત્વનું નથી. બલકે બાળકના વિકાસને અવરોધે છે, તેવી સ્વયંસ્પષ્ટ સમજ વાલીઓને ગળે ઊતરતી નથી તેવા આ સમયમાં આ પુસ્તક શિક્ષણની નવી દિશા ચીંધનારું બની રહે છે.

આ પુસ્તક ‘સડબરી વેલી શાળા’ની શિક્ષક પ્રક્રિયા-અનુભવો વિશે વાત માંડે છે. ઈ.સ. ૧૯૬૦ના પાછલા દાયકામાં ડેનિયલ ગ્રીનબર્ગ નામના અમેરિકન ભૌતિકશાસ્ત્રી તેમનાં પોતાનાં બાળકો માટે બોસ્ટનની નજીક બાળકોની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને ચાલતી હોય એવી શાળાની શોધમાં હતા. તેઓે તે ન શોધી શક્યા તેથી કેટલાક સમાન માનસિકતા ધરાવતા વાલીઓ ભેગા મળ્યા અને તેમણે મેસેચ્યુએટ્‌સમાં ઈ.સ. ૧૯૬૮માં સડબરી વેલી સ્કૂલની સ્થાપના કરી. બાળકોને જવાબદાર નાગરિક તરીકે નિર્માણ કરતી આ સ્કૂલના રોમાંચક અનુભવો આ પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

આ એક એવી શાળા છે જ્યાં કોઈ અભ્યાસક્રમ નથી, કોઈ વર્ગો નથી. કોઈ ગ્રેડ નથી, કોઈ ગણવેશ નથી, કોઈ ઘંટ વાગતો નથી. ટૂંકમાં કહીએ તો ચીલાચાલુ શાળાની વ્યાખ્યામાં આવતા કોઈ દૈનિક કાર્યો જ નથી. ત્યાં બાળકો બંધનમુક્ત રીતે ખીલે છે. આ શાળાનું દૃષ્ટિબિંદુ એ છે કે શીખવાની પ્રક્રિયા સ્વ-પ્રેરણા, સ્વ-નિયમન અને સ્વ-વિવેચનથી જ શ્રેષ્ઠ રીતે વિકસી શકે.

આ શાળામાં બાળકોને એક જવાબદાર નાગરિક તરીકે જોવામાં આવે છે. બાળક કશુંક શીખવા માટે ઉત્સુક થાય તેની પ્રતીક્ષા કરવામાં આવે છે. બાળકો પોતે ગમતા વિષયો શોધી કાઢે છે અને સહજ રીતે જ શિક્ષકો તેની સાથે અનુસંધિત થાય છે. સમયનો કોઈ વિચાર કર્યા વિના એ પ્રક્રિયા સહજ રીતે ચાલતી રહે છે. મનુષ્ય માત્ર જીવનના પ્રાકૃતિક, સહજ ભાગરૂપે સતત શીખતા જ હોય છે. શીખવાની આ કુદરતી પ્રક્રિયાને અહીં સાકાર કરવામાં આવી છે.

અહીં બાળકો પ્રવેશે છે ત્યાર પછી પોતા પર નિર્ભર હોય છે. પોતે જ પોતાના નિર્ણયો લેવાના હોય છે. શાળા, સ્ટાફ, મકાનો, સાધન-સામગ્રી, પુસ્તકાલય વગેરે બધાં જ સ્રોત મોજુદ હોય છે. બાળકો પોતાના રસ મુજબ આસપાસના વિશ્વને સંવેદે છે. તેમાંથી શીખવું શોધી કાઢે છે અને એને હાંસલ કરવા પ્રયાસો કરે છે. વાતો કરતા, રમતા, વિકસતા જોવા મળે છે. બાળકો પોતાની આગવી ઓળખ માટે તીવ્ર ભાવના વિકસાવે છે અને ભવિષ્યનાં ધ્યેયો નક્કી કરે છે. કોઈપણ જાતની બળજબરી, લાલચ, દબાણ વિના બાળક પોતાની જાતને વિષયની અંદર નાંખે છે. શાળાની ભૂમિકા માત્ર વિદ્યાર્થીઓના પ્રયત્નોને પ્રતિભાવ આપવા પૂરતી હોય છે. શાળાનું વાતાવરણ ખુલ્લું, પ્રામાણિક, વિશ્વાસપાત્ર અને ભયમુક્ત રાખવામાં આવ્યું છે.

ભાગ-૧માં એકવીસ પ્રકરણમાં બાળકો જુદા જુદા વિષયો કેવી રીતે પસંદ કરે છે, શીખવાનું કેવી રીતે શરૂ કરે છે, શિક્ષકો અને શાળાની ભૂમિકા કેવી રહે છે અને બાળકો એ વિષયમાં આગળ જતાં કેવી સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેના અનુભવો વ્યક્ત કર્યા છે. વિષયો જુઓ : અંકગણિત, જાદુગરનો ખેલ, રસોઈ, રમત, રસાયણશાસ્ત્ર, માછલી પકડવી વગેરે વગેરે … બાળકોનાં અનેક કૌશલ્યોનો સહજ વિકાસ કેવી રીતે થાય તે પણ બતાવ્યું છે.

બીજા ભાગમાં ‘શાળા જીવન’ના કેટલાક મુદ્દાઓ સંદર્ભે આ શાળા કેવી રીતે કામ કરે છે તેનો ચિતાર અપાયો છે. શાળા-સભા, જોખમો, ખેલદિલીભર્યું દૃશ્ય, પ્રવાસ, કમિટીઓ અને કલાર્કો, સાફસફાઈ, સ્ટાફ, બજેટ, વાલીઓ, મુલાકાતીઓ, સમસ્યા પેદા કરનારાં બાળકો વગેરે શીર્ષકથી શાળાની અનોખી કાર્યપ્રણાલિનો ખ્યાલ આવે છે.

આ પુસ્તકમાંથી પસાર થયા પછી આપણી આજની હાટડી બની ગયેલી શિક્ષણ સંસ્થાઓનો વિચાર આવે છે. સંચાલકો માત્ર આર્થિક ઉપાર્જનને કેન્દ્રમાં રાખી બાળકોના ભવિષ્ય સાથે જે રીતે ચેડાં કરે છે તે વિશે ચિંતા થાય. નિસર્ગ, સહજતા, માનવમૂલ્યો, વગેરેનો સમૂળગો છેદ ઉડાડી માત્ર ટકા લઈ આપવાની ગેરંટી સાથે સંકડાશમાં ફૂટી નીકળેલી શિક્ષણની દુકાનો આપણને ક્યાં લઈ જશે ?

માત્ર શિક્ષણનો જ નહીં પરંતુ સંતાનનો વિચાર કરનાર, ચિંતા અને ચિંતન કરનારે આ પુસ્તકમાંથી પસાર થવું રહ્યું.

ગુજરાતીના અધ્યાપક, માંગરોળ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, મે-જૂન 2017; પૃ. 17-18

Loading

...102030...3,4203,4213,4223,423...3,4303,4403,450...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved