Opinion Magazine
Number of visits: 9767299
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મધ્ય વર્ગનું લશ્કરીકરણ અને વિકલ્પો જોવાની ઘટતી ક્ષમતા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 June 2017

હાર્યો જુગારી બમણું રમે એ ન્યાયે કૉંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે સૈન્યાધ્યક્ષને ‘ગલીના ગુંડા’ કહ્યા પછી થૂંકેલું ચાટી લેવું પડ્યું, એમાં એ જે મુદ્દો મૂકવા માગતા હતા તે પણ ધોવાઇ (હવાઇ?) ગયો. એ કહેવા એવું જતા કે પાકિસ્તાનની માફિયા સેનાની જેમ આપણી સેનાના અધ્યક્ષે (ગલીના ગુંડાની જેમ) બોલ બોલ કરવું ન જોઇએ. સંદીપને આ બોલતા ન આવડ્યું અને પછી માફી માગી લેવી પડી. ફેર ઇનફ.

રાજનૈતિક અથવા તો ઘરેલુ બાબતોમાં સેનાને ઘસીટવાની રાજકારણીઓની સનક એ હકીકતમાંથી આવે છે કે ભારતનો મધ્ય વર્ગ ઉત્તરોત્તર એ માન્યતાને મજબૂત કરી રહ્યો છે કે દેશને પરેશાન કરી રહેલી સામાજિક-રાજકીય સમસ્યાઓનો ઉકેલ માત્ર સેના પાસે જ છે. સેનાધ્યક્ષ બિપીન રાવતે કંઇક આવા જ ભાવ સાથે કહ્યું હતું કે, ‘જે લોકો અમારી ઉપર પથ્થરો ફેંકે છે તે લોકો હથિયારો ચલાવે તો સારું.  એ પછી જુઓ હું શું કરું છું.’

દેશની ટીવી ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા રોજ આવા ‘યુદ્ધ’ ચલાવતી રહે છે. ઑફિસોમાં, ટ્રેનોમાં, પાર્ટીઓમાં, પાનના ગલ્લાઓ ઉપર એક વાત ઉગ્ર સૂરે સાંભળવા મળતી રહે છે કે દેશને મહાન બનાવવો હોય તો સેનાને છુટ્ટો દોર આપી દેવો જોઇએ. એક બહુ મોટા વર્ગને લોકતાંત્રિક વ્યવસ્થાઓમાં શ્રદ્ધા નથી, અને એને દરેક પ્રશ્નના સમાધાન હિંસામાં દેખાય છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રોફેસર સંજય શ્રીવાસ્તવ આને ‘મધ્ય વર્ગનું લશ્કરીકરણ’ કહે છે. બીજી-ત્રીજી પેઢીના ભારતના મધ્ય વર્ગી લોકોને ‘ફ્રી માર્કેટ ઇકોનોમી’માં સ્વર્ગ જોવાની ટેવ પડી ગઇ છે, (અથવા ટેવ પાડવામાં આવી છે) અને એને લાગે છે કે ભારતે મહાન થવું હોય તો જરી-પુરાણી, દકીયાનુસી સમાજવાદી, ઉદારવાદી અને લોકતાંત્રિક વ્યવસ્થાને તોડી-ફોડીને હથોડાછાપ વ્યવહાર અપનાવવો જોઇએ. યુદ્ધ શું કહેવાય એ લોકોને ખબર નથી. વિશ્વના ઘણા દેશોમાં જે રાજકીય-સામાજિક ચિંતન અને વ્યવસ્થાઓ છે, તે યુદ્ધોની લોહિયાળ વાસ્તવિકતામાંથી ઘડાઇ છે. આપણે ત્યાં યુદ્ધ એ ટેલિવિઝન કે સિનેમાની ફેન્ટસી રહી છે. 

સેનાને પરદા ઉપર કે સોશિયલ મીડિયાના બૉક્સમાં જોવા-ચર્ચવાથી એક પ્રકારનું વીરત્વ તો પેદા થાય, પરંતુ એની વાસ્તવિકતા ખબર ન પડે. કાશ્મીરમાં પથ્થરમારા વચ્ચે ડ્યૂટી કરતા જવાનો કે સિયાચીનમાં હાડ ગાળી રહેલા સૈનિકોની ‘સ્ટોરી’ હોય છે તો દમદાર અને સંમોહક, પરંતુ એ અધૂરી છે. એમાં સરહદ પર દુશ્મનો સામે કે જંગલોમાં વિદ્રોહીઓ સામે લડી રહેલા સૈનિકો ભાવનાત્મક, સામાજિક અને પારિવારિક રીતે કેવા ખુવાર થાય છે, તેની વાત ક્યારે ય નથી આવતી.

ભારતના મધ્ય વર્ગને યુદ્ધની ટ્રેજેડી શું કહેવાય અને સૈનિકોની જિંદગીની વાસ્તવિકતા શું કહેવાય, તે ખબર નથી એટલે બંદૂકો અને બૉમ્બથી બધી સમસ્યાઓના સમાધાન શોધવાનું ફેશનેબલ થઇ ગયું છે. અને એટલે જ કાશ્મીરમાં એક સૈનિક પથ્થરમાર યુવકને જીપ સાથે બાંધે તો મુંબઇમાં એરકન્ડિશન્ડ ફ્લેટમાં બેઠેલા સંસદ સભ્ય પરેશ રાવલને પણ લેખિકા અરુંધતિ રોય સાથે આવો જ વ્યવહાર કરવાની ખૂજલી ઊપડે એ પેલી મધ્ય વર્ગીય લશ્કરીય માનસિકતા છે.

કોઈને જીપથી બાંધી દેવામાં (ફોર ધેટ મેટર, ગોળીએ દેવામાં) આપણને ભલે 56ની છાતીવાળા સની દેઓલનું વીરત્વ દેખાય, હકીકતમાં એક સૈનિક માટે એ સૌથી ટ્રેજિક ઘટના છે. સૈનિકોની પ્રોફેશનલ ટ્રેનિંગમાં શક્ય હોય તેટલા વધુ દુશ્મનોને મારવાનું શિખવાડાય છે પણ જ્યારે એની સામે એના જ દેશના નાગરિકને ‘દુશ્મન’ તરીકે પેશ કરવામાં આવે ત્યારે એની સ્થિતિ મહાભારતના અર્જુન જેવી થાય છે.

ભારતનો મધ્ય વર્ગ આવું વિચારનો નથી, કારણ કે એમાં લોહી કોઇકનું રેડાય છે અને રંગ મધ્ય વર્ગની જિંદગીને ચઢે છે.

વીરત્વનું આ સરળીકરણ એટલા માટે થયું છે કે આપણે જીવનને બ્લેક એન્ડ વ્હાઇટમાં જોતા થયા છીએ. આપણે સામાજિક દ્વંદ્વને ઇતિહાસના સંદર્ભમાં કે શાસનની નિષ્ફળતાના સંદર્ભમાં જોતા નથી. આપણે એને ‘દુશ્મન’ના અપરાધ તરીકે જોઇએ છીએ. જગતને સારા અને ખરાબ એવા સીધા વિભાજનમાં જોવાની આપણી ટેવને કારણે એના સમાધાન પણ સર્જિકલ સ્ટ્રાઇકની જેમ ધમાકેદાર અને ફટાફટ જોઇએ છીએ. આપણે જેને દેશની સમસ્યા કહીએ છીએ, એ પારિવારિક બખેડાથી અલગ નથી. એક જ પિતાનાં સંતાનો એકબીજાને પુણ્યાત્મા અને પાપી ગણે એવો આ ઘાટ છે.

ઘરમાં તો આપણે આવા દ્વંદ્વનો ઉકેલ તડજોડથી લાવીએ છીએ, પરંતુ સામાજિક કે વૈશ્વિક સ્તરે આપણે આવી છૂટ આપતા નથી. ત્યાં આપણા માટે જગત બે ભાગમાં, ઇષ્ટ અને અનિષ્ટમાં વહેંચાયેલું છે અને જગતને શ્રેષ્ઠ બનાવવાનો એક માત્ર રસ્તો અનિષ્ટનો સંહાર છે. આ ખતરનાક ધારણા છે. કેટલાક લોકો પ્રાકૃતિક રીતે જ દુષ્ટ છે અને કેટલાક પ્રકૃતિથી જ કલ્યાણકારી છે એવી બ્લેક એન્ડ વ્હાઇટ ધારણા બહુ પ્રચલિત છે. એમાંથી જ યુદ્ધો અને સંઘર્ષો પેદા  થાય છે.

આમાં મુસીબત એ છે કે એકબીજા સામે લડતા બંને પક્ષને એમ લાગે છે કે તેઓ અનિષ્ટ સામે લડી રહ્યા છે. અમેરિકાએ બિન લાદેનને દુષ્ટ ગણાવ્યો અને લાદેન અમેરિકાની કઠોર તાકાત સામે મરી ગયો, પણ એમ તો લાદેનને ય હતું કે એ અમેરિકન અનિષ્ટ સામે લડી રહ્યો છે અને એના મર્યા પછી બીજા લાદેનો પેદા કરી ગયો. જગતને બ્લેક એન્ડ વ્હાઇટમાં જોવાની ધારણા પશ્ચિમની છે અને એ અબાધિત છે. મતલબ કે પશ્ચિમમાં પુનર્જન્મની માન્યતા નથી, એટલે દુષ્ટ વ્યક્તિ માટે બીજા જન્મમાં જઇને પાપની સજા ભોગવવાનો વિકલ્પ નથી.

એમાંથી જ ‘અમુક માણસોને આ ધરતી પર રહેવાનો અધિકાર નથી’ એવો વ્યવહાર પેદા થયો છે. કમનસીબે, ભારતીય પરંપરામાં ઇષ્ટ-અનિષ્ટની જે ધારણા હતી તે કાયરતામાં ખપી રહી છે. ભારતીય ચિંતનમાં ઇષ્ટ-અનિષ્ટ એ સાપેક્ષ બાબત છે. મતલબ કે કોઇ બાબત ચોક્કસ સંજોગોમાં સારી હોઇ શકે અને ખરાબ પણ. આધુનિક મનોશાસ્ત્ર જેમ માને છે કે ખરાબ વ્યક્તિમાં અચ્છાઇ હોય છે અને સારી વ્યક્તિમાં બુરાઇ, તેમ હિન્દુ શાસ્ત્રોએ પણ કહ્યું છે કે અચ્છાઇ-બુરાઇની ધારણા મનમાં હોય છે અને આપણને જે અનિષ્ટ લાગે એ બીજાને ન પણ લાગે.

ભગવદ્ ગીતામાં કૃષ્ણએ એમ કહ્યું છે કે સમગ્ર અસ્તિત્વ દિવ્યતાનું પ્રત્યક્ષીકરણ છે. એટલે કોઇ અસ્તિત્વ દિવ્યતાનો ભાગ ન હોય એવું ન બને. કૃષ્ણની નજરમાં કશું અબાધિત ખરાબ કે સારું નથી. જગતના જેટલા મહાપુરુષો કે સંતો થઇ ગયા એમણે માણસની આ (ઇષ્ટ-અનિષ્ટ) જટિલતાની વાતો કરી છે. આમાંથી જ કેટલાક યુરોપિયન દેશોમાં ‘રેસ્ટોરેટિવ જસ્ટિસ’ પ્રણાલી છે જેમાં ગુનેગારને સજા કરવાને બદલે જે નુકસાન થયું હોય તેને ભરપાઇ કરવાનો પ્રયાસ થાય છે. તમે જો 1971ની રાજેશ ખન્નાની ‘દુશ્મન’ ફિલ્મ જોઇ હોય તો એમાં આ ‘રેસ્ટોરેટિવ જસ્ટિસ’નો પ્રયોગ થયો હતો.

ભારતનો મધ્ય વર્ગ આવા વૈકલ્પિક ન્યાય વિશે વિચારી શકતો નથી, કારણ કે આપણા દેશના રાજકારણીઓ અને મીડિયા જગતને સારા અને ખરાબ એવા બૉક્સમાં જુએ છે અને એમાં ખરાબ માટે, સંહાર સિવાય કોઇ વિકલ્પ પણ નથી. જો દરેક સ્થિતિને યુદ્ધ તરીકે જ જોવામાં આવે તો આપણી વિકલ્પોને જોવાની ક્ષમતા પણ ઘટી જાય છે, અને એ સ્થિતિ યુદ્ધ કરતાં ય વધુ જોખમી છે.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 25 જૂન 2017

Loading

મારું ગુજરાત

ધનિક ગોહેલ|Opinion - Opinion|25 June 2017

આ મારું ગુજરાત છે, જ્યાં માત્ર ગુજરાતીપણું નહિ પણ ગુજરાતી હૃદય વસે છે.

આ મારું ગુજરાત છે, જ્યાં માત્ર ગુજરાતી ભાષા નહિ પણ ગુજરાતી સાહિત્ય વસે છે.

આ મારું ગુજરાત છે, જ્યાં માત્ર ગુજરાતી માણસ નહિ પણ ગુજરાતી પરિવાર વસે છે.

આ મારું ગુજરાત છે, જ્યાં માત્ર ગુજરાતી ભોજન નહિ પણ ગુજરાતી સ્વાદ વસે છે.

આ મારું ગુજરાત છે, જ્યાં માત્ર ગુજરાતી ઇતિહાસ નહિ પણ ગુજરાતી વર્તમાન વસે છે.

આ મારું ગુજરાત છે, જ્યાં માત્ર ગુજરાતી વગ નહિ પણ ગુજરાતી સંસ્કારો વસે છે.

હા, આ મારું ગુજરાત છે, જ્યાં માત્ર એક ગુજરાતી નહિ પણ સમગ્ર ગુજરાત વસે છે.

જૂનાગઢ

Loading

નેતાઓ સવાલોથી કેમ ભાગે છે ?

રાજદીપ સરદેસાઈ|Opinion - Opinion|24 June 2017

કમનસીબે વાતાવરણ એવું બની રહ્યું છે કે જવાબદાર લોકોને પ્રશ્ન પૂછવાને ‘રાષ્ટૃવિરોધ’ તરીકે જોવામાં આવે છે

મીડિયા અથવા વિરોધપક્ષ અમને ન કહે કે ખેડૂતો માટે અમારે શું કરવાની જરૂર છે. અમે છીંડા શોધનારાઓ, નકારાત્મક વિરોધીઓ અથવા ‘બધું જાણનારાં મીડિયા’ જેમને વાસ્તવિકતાઓનો સહેજ પણ ખ્યાલ નથી, તેમની સાથે વાત કરવાના બદલે ખેડૂતો સાથે વાત કરવાનું પસંદ કરીશું.’ ભાજપના પ્રવક્તા જી.વી.એલ. નરસિંહા રાવે 12મી જૂને ટીવીની ચર્ચામાં કહ્યું. અત્યંત સરળ પ્રશ્ન હતો કે શું નોટબંધીએ ગ્રામ્ય અર્થતંત્રને અસર પહોંચાડી છે? અને શું ખેડૂતોમાં વધતી ચિંતાનું કારણ એ છે? તો સત્તાધારી પક્ષના મીઠાબોલા અને હંમેશાં સરળતાથી ઉપલબ્ધ રહેતા નેતાઓમાંથી એક મીડિયાની વિરુદ્ધનુ઼ વલણ અપનાવી લે, એટલે તમે સરળતાથી સમજી શકો છો કે સત્તા અહંકારી બનાવી દે છે, અસંમતિનો દૃષ્ટિકોણ સાંભળતા રોકે છે.

રાવને દોષ શા માટે આપીએ? તેમનું કામ જ પ્રાઇમ ટાઇમ ટીવી પર સરકારનો બચાવ કરવાનું છે. વડાપ્રધાને તો મુખ્ય પ્રવાહના મીડિયાને કોરાણે મૂકીને ટ્વિટરને, સોશિયલ મીડિયા મેસેજને અને રેડિયોના માસિક વાર્તાલાપ ‘મનકી બાત’ના એકપક્ષીય સંવાદને મહત્ત્વ આપ્યું છે. જાહેર પત્રકાર પરિષદ નહીં, વિદેશયાત્રાઓમાં પત્રકારોને સાથે લઈ જવાના નહીં, જો કંઈ શક્ય છે તો એ માત્ર અપવાદરૂપ કિસ્સામાં, અગાઉથી નક્કી કરેલી પટકથા પ્રમાણેના ઇન્ટરવ્યૂ. એક સમયે અત્યંત લોકપ્રિય અને સંવાદપ્રિય ભાજપી પ્રવક્તા રહી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે પોતાની અને મોટા ભાગના મીડિયા(જેને તેમણે તિરસ્કારથી ‘સમાચારોના વેપારી’ કહ્યાં છે)ની વચ્ચે અંતર વધારવાનું પસંદ કર્યું છે. 

પરિણામે આજ સુધી તેમની સરકાર દ્વારા લેવાયેલાં મહત્ત્વનાં પગલાં પર ક્યારે ય ગંભીર સવાલો નથી ઉઠાવી શકાયા. દેશના નેતૃત્વને નોટબંધીની નકારાત્મક અસરો વિશેના આકરા પ્રશ્નોના જવાબ આપવાની જરૂર ન જણાઈ. જેમ કે, આપણે હજી પણ ખબર નથી કે નોટબંધીવાળાં કેટલાં નાણાં બૅંકના માધ્યમથી પરત આવ્યાં? કાળાં નાણાં અથવા નકલી નોટોની સામેના ‘યુદ્ધ’નું શું થયું? શું નોટબંધી અંગે શ્વેતપત્રની માગણી વ્યાજબી નહોતી? કમનસીબે વાતાવરણ એવું બની રહ્યું છે કે જવાબદાર લોકોને પ્રશ્ન પૂછવાને ‘રાષ્ટ્રવિરોધ’ તરીકે જોવામાં આવે છે. મીડિયાને બચાવનો માર્ગ અપનાવવા માટે મજબૂર કરી દીધું છે. તેને સેલ્ફ-સેન્સરશિપના અથવા શાસકોના ચીઅરલીડર્સની ભૂમિકાની વચ્ચે ઝૂલવા માટે મજબૂર કરી દેવામાં આવ્યું છે.

પરંતુ ફક્ત વડાપ્રધાનને જ શા માટે દોષ દેવો? કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી આશરે બે દાયકાથી જાહેર જીવનમાં છે, પરંતુ તેમણે બોફોર્સ અથવા કૉંગ્રેસને પરેશાન કરનારાં બીજાં અનેક કાંભાંડો પર અકળાવતા પ્રશ્નોના જવાબ આપવાની ઇચ્છા ક્યારે ય દર્શાવી નથી. ગયા નવેમ્બર મહિનામાં મને સોનિયા ગાંધીનો ઇન્ટરવ્યૂ લેવાની દુર્લભ તક મળી. ઇન્ટરવ્યૂ પહેલાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે ઇંદિરા ગાંધીની જન્મશતાબ્દી સમારોહના અનુસંધાને માત્ર તેને લગતા સવાલો જ પૂછવાના છે. તદ્દન સ્પષ્ટ હતું કે, ‘કોઈ રાજકીય પ્રશ્ન નહીં!’ દેશના ટોચના નેતાઓમાંથી એક જ્યારે ‘રાજકીય પ્રશ્ન નહીં’ એમ કહે, તે સાંભળીને શું તેઓ આપણી લોકશાહીના વિકૃત સ્વરૂપને ઉજાગર નથી કરતા?

જાહેર જીવનમાં રહેલા લોકોની જવાબદારી સ્વીકારવા પ્રત્યેની આ અનિચ્છા હવે વાઇરસની જેમ સમગ્ર રાજકીય પ્રણાલીમાં ફેલાઈ ચૂકી છે. 2015માં જ્યારે હું મમતા બેનર્જીનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો, ત્યારે તેઓ વચ્ચેથી જ ઊઠીને ચાલ્યાં ગયાં, કારણ કે મેં શારદા ચિટ ફંડ કૌભાંડ મુદ્દે પ્રશ્ન પૂછી નાખ્યો હતો. પણ મમતા કમ સે કમ ઇન્ટરવ્યૂ માટે તો તૈયાર થયાં. માયાવતીએ તો એક દસકા સુધી એક પણ ઇન્ટરવ્યૂ નહોતો આપ્યો, એટલા માટે તેમની પાસે બેહિસાબી સંપત્તિ હોવાના આરોપોનો કોઈ પણ જવાબ આજ દિન સુધી નથી. મહારાણીની જેવાં અભિમાની જયલલિતાએ પોતાના કિલ્લા પોએસ ગાર્ડનની બહાર આવીને પ્રેસને મળવાનો ઇન્કાર કરી દીધો હતો, નવીન પટનાયક પણ ઓરિસ્સામાં આવી જ પદ્ધતિને અનુસરે છે, જ્યારે કેરળમાં પિનારાયી વિજયને મીડિયા પ્રત્યેનો દ્વેષ ક્યારે ય છુપાવ્યો નથી.

આના પરથી હવે હું મૂળ પ્રશ્ન પર આવું છું: શું આપણે એવા યુગમાં આવી ગયા છીએ, જ્યાં ‘લોકશાહી સત્તાધીશો’એ લોકશાહીના ચોથા સ્તંભને બાજુ પર રાખીને મતદારો સાથે વાત કરવાનું નક્કી કરી લીધું છે? સત્તાધીશોને સાચેસાચું કહી દેવાની પત્રકારની મહત્ત્વની ભૂમિકા માટે કોઈ ગુંજાશ જ ક્યાં રહી છે? એવું જાણીને કે રોજિંદા પત્રકારત્વને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે નેતાઓ સુધી પહોંચી શકવાની નિર્ણયાક ભૂમિકા છે સત્તાના બારણે કડક સુરક્ષાનો ચોકીપહેરો છે. આ માત્ર દિલ્હીની વાત નથી. અનેક રાજ્યોનાં પાટનગરોમાં પણ આ જ હાલત છે.

રાજ્ય સચિવાલય પત્રકારોને પ્રવેશ જ નથી આપતાં. અનેક વખત તો રાજ્યમાન્ય પત્રકારોને પણ હાંકી કાઢવામાં આવતા હતા. દુ:ખની વાત એ છે કે મીડિયાના વ્યાવસાયિક અધિકારોને બચાવવાના બદલે વાચકો અને દર્શકોનો એક મોટો વર્ગ આ અપારદર્શી, એકાધિકારવાદી નેતૃત્વને તાળીઓ પાડીને પ્રોત્સાહન આપી રહ્યો છે. પહેલેથી આવું નહોતું. 1970ના દાયકામાં ઇંદિરા ગાંધીએ માધ્યમો પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે જે લોકો વિરોધમાં ઊભા થયા તેમની પ્રશંસા કરવામાં આવી અને તેમને સન્માનિત કરવામાં આવ્યા. 1980ના દાયકામાં જ્યારે રાજીવ ગાંધી મીડિયાનું મોં બંધ કરવા બદનક્ષીના કાયદાની વાત લાવ્યા ત્યારે મીડિયાએ એક અવાજે તેનો વિરોધ કર્યો હતો.

માધ્યમોની વિરુદ્ધમાં સત્તાના મનસ્વી ઉપયોગની લગભગ દરેક ઘટનામાં આમજનતા અમારી સાથે રહેતી. પણ, હવે એ વાત નથી રહી: હવે જ્યારે કોઈ નેતા મીડિયા પર ગુસ્સે ભરાય છે, તો ખૂબ મોટો શ્રોતાવર્ગ એવો હોય છે, જે રાજી થઈને તાળીઓ પાડે છે. કદાચ મીડિયામાં અમારે લોકોએ પણ આત્મ-પરીક્ષણ કરવાની જરૂર છે કે અમે આવું શા માટે થવા દીધું. જ્યારે ટેલિવિઝનમાં ‘સેન્સ’(સમજ)ની જગ્યા ‘સેન્સેશન’ (સનસનાટી) લઈ લે છે, જ્યારે રાજકારણ અને વિચારધારાકીય જોડાણના આધારે સમાચારોને પ્રાથમિકતા નક્કી કરવામાં આવે છે, માલિકીપણાનો પ્રકાર સ્પષ્ટ નથી હોતો, ત્યારે રાજકીય વર્ગ અને તેમના ભાડૂતી લશ્કરો માટે અમને ‘પેઇડ મીડિયા’ કહીને ધક્કે ચઢાવવાનું સરળ બની જાય છે. હકીકત તો એ છે કે રાવે ભલે કહ્યું, અમે ‘બધું જાણનારા મીડિયા’ નથી, બનવાજોગ છે કે અમે કરોડરજ્જુ ગુમાવી બેઠેલા મીડિયા બનીને રહી ગયાં હોઈએ.

છેલ્લે, આ મહિનાની શરૂઆતમાં બીબીસી પ્રમુખે બ્રિટનના વડાપ્રધાનપદની સામાન્ય ચૂંટણીના બંને ઉમેદવારોને કોઈ પૂર્વનિર્ધારિત પ્રશ્નો વિના લોકોનો સામનો કરવા માટે આમંત્રિત કર્યા. આપણે ત્યાં આવા કેટલા નેતાઓ છે જે આ પ્રકારની સ્વતંત્ર પૂછપરછનો સામનો કરવા તૈયાર હશે?

e.mail : rajdeepsardesai52@gmail.com

સૌજન્ય : ‘સ્તંભમાં તિરાડો’, “દિવ્ય ભાસ્કર”, 24 જૂન 2017

Loading

...102030...3,4193,4203,4213,422...3,4303,4403,450...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved