Opinion Magazine
Number of visits: 9767472
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક ગ્રંથપાલ અને એક અધ્યાપકે રચેલી ‘સંસ્કૃિત’ સૂચિ – ઉમાશંકરના જ્ઞાનપ્રદેશની પથદર્શક

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|27 June 2017

ઉમાશંકરના ‘સંસ્કૃિત’ માસિકના ચારસો પંદર જેટલા અંકોના હજારો લખાણો સૂચિકારોએ સમજપૂર્વક  વાંચ્યાં છે…

ઉમાશંકર જોશીએ મહાન સાહિત્ય તો સર્જ્યું જ, પણ તેની સાથે ‘સંસ્કૃિત’ નામનાં સામયિકનું  પ્રકાશન-સંપાદન પણ ૧૯૪૭થી ૧૯૮૪ સુધી કર્યું. તેના માટે ‘સમયની સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવાની તક મળે તે મુખ્ય પ્રેરણા’ હતી, એમ ઉમાશંકરે નોંધ્યું છે. સાહિત્ય ઉપરાંત અનેક જ્ઞાનશાખાઓને આવરી લેતાં ‘સંસ્કૃિત’ માસિકનો દરેક જ્ઞાનમય અંક ‘જાહેર જીવનના કવિ’ની વૈશ્વિક સંપ્રજ્ઞાનો આવિષ્કાર છે. ‘સંસ્કૃિત’ની આ મહત્તાને છાજે તેવો એક ઉપયોગી, દૃષ્ટિપૂર્ણ અને શ્રમસાધ્ય સંદર્ભગ્રંથ તાજેતરમાં બહાર પડ્યો છે. તેનું નામ છે  ‘સંસ્કૃિત સૂચિ’, પેટાનામ ‘સામયિકની વર્ગીકૃત સૂચિ’. આઠસો જેટલાં પાનાંની આ સૂચિ અમદાવાદની હરિવલ્લભદાસ કાળિદાસ આર્ટસ કૉલેજનાં સમર્પિત ગ્રંથપાલ તોરલ પટેલ અને જાણીતાં સાહિત્યકાર શ્રદ્ધા ત્રિવેદીએ તૈયાર કરી છે. 

સૂચિ એટલે પદ્ધતિસરની યાદી. ગ્રંથકર્તાઓએ ‘સંસ્કૃિત’ના ચારસો પંદર જેટલા અંકોના પાંચ હજારથી વધુ લખાણો ઝીણવટથી વાંચીને તેમની વિભાગવાર યાદી તૈયાર કરી છે. તેમાં ‘સંસ્કૃિત’માં આવેલાં દરેક લખાણના લેખકનું નામ, તે જે અંકમાં છપાયું તે અંકના વર્ષ-મહિના-પૃષ્ઠની માહિતી મળે છે. તદુપરાંત લખાણના સાહિત્યિક કે સાહિત્યેતર પ્રકાર અને તેના વિષયનો નિર્દેશ મળે છે. સૂચિકર્તાઓએ ‘સંસ્કૃિત’ની સામગ્રીને ત્રીસ વિભાગમાં વહેંચી છે. તે આ સામયિકના ફલકની અને સૂચિકર્તાઓની ચીવટની ઝલક આપે છે. સૂચિની યથાર્થતા સમજવા માટે ‘સંસ્કૃિત’ના અંકો સુલભ હોવા જરૂરી છે. પણ તે આપણાં જાહેર ગ્રંથાલયો કે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં બહુ ભાગ્યે જ હોય છે. ઉકેલ તરીકે, સંસ્કૃિત’ના તમામ અંકો ઉમાશંકરે સ્થાપેલાં ગંગોત્રી ટ્રસ્ટ માટે, મુદ્રણ-પ્રકાશનના કિમિયાગર અપૂર્વ આશરે તૈયાર કરેલી ઉમાશંકર જોશીની અધિકૃત વેબસાઇટ www.umashankarjoshi.in પર વાંચી શકાય છે.   

‘સંસ્કૃિત’ સૂચિનો પહેલો જ વિભાગ સૂઝપૂર્ણ છે. આ વિભાગ અંકોનાં ‘આવરણ પૃષ્ઠ’ અંગેનો છે.  તેમાં દરેક અંકના મુખપૃષ્ઠ પરનાં ચિત્ર/રેખાંકન/છબીની માહિતી છે. જેમ કે, ‘ગરબો (રસિકલાલ પરીખ) નવે ૫૧’. ત્રીજા કે ચોથા પૂંઠા પર પર મોટે ભાગે કવિતા કે ફકરો છે. તેની નોંધનો દાખલો – ‘ચીનનાં સુવચનો, માર્ચ ૫૦ / પૂ.પા.૪. સૂચિમાં શુદ્ધ સાહિત્યને લગતા વિભાગો આ મુજબ છે : કવિતા, વાર્તા, નવલકથા : અભ્યાસ/સમીક્ષા/સાર/પ્રસ્તાવના, નાટક, નિબંધ, આત્મકથન, ચરિત્રકથન, સાહિત્ય અભ્યાસ: સિદ્ધાન્ત/ ઇતિહાસ/સ્વરૂપ/વિવેચન, ભાષાવિજ્ઞાન, લોકસાહિત્ય, પ્રવાસ.             

‘સંસ્કૃિત’ની બહુ મોટી સિદ્ધિ તો સાહિત્યેતર વિષયોને તેમાં મળેલું સ્થાન છે. એટલા માટે સૂચિમાં આ મુજબના વિભાગો પણ છે : જાહેરજીવન-રાજકારણ-ઇતિહાસ, સમાજકારણ, અર્થકારણ, શિક્ષણ, ધર્મ-તત્ત્વજ્ઞાન, કળા-સંસ્કૃિત, પત્રકારત્વ; અને પુસ્તકોને લગતો વિભાગ ‘સ્વાધ્યાય અને સમીક્ષા’. સર્જનાત્મક લખાણો સિવાયનાં લખાણોમાંથી દરેકને એક કે તેથી વધુ વિષયમાં વર્ગીકૃત કરવા એ કસોટીરૂપ બાબત છે. ઉમાશંકર એકંદર જાહેર જીવનના સંખ્યાબંધ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પાસાંને લગતી લાંબી-ટૂંકી પ્રાસંગિક નોંધો લખતા. તેનો ‘સમયરંગ’ નામનો વિભાગ સૂચિમાં બીજા ક્રમે છે. તેના પછીના ‘અર્ઘ્ય’ વિભાગમાં એવાં લખાણોની યાદી છે જે તે તંત્રીએ બીજાં પ્રકાશનોમાંથી લીધેલાંહોય. પત્રમ્-પુષ્પમ્, ‘સંસ્કૃિત’ના વિશેષાંકોના વર્ગ પછી લેખકોના નામોની યાદી છેલ્લા ત્રીસમા વિભાગ તરીકે છે.

છેલ્લેથી બીજો વિભાગ, ‘ઉલ્લેખસૂચિ’ એટલે કે ચાવીરૂપ શબ્દોની યાદી એ આ ગ્રંથની અનોખી સિદ્ધિ છે. તેમાં સર્જનાત્મક સાહિત્ય સિવાયનાં લખાણોમાં આવતાં મહત્ત્વનાં વ્યક્તિ/સંસ્થા/કૃતિ/પારિતોષિકો વગેરેનાં નામ તેમ જ નોંધપાત્ર ઘટનાઓને લગતા શબ્દો છે. વધુ પડકારરૂપ છે તે મુખ્ય વિચાર કે વિષય દર્શાવતા શબ્દો. જેમ કે ‘લોકશાહી’, ‘વિજ્ઞાન’, ‘સમાજ’ વગેરે. એટલે જે લેખોમાં ‘લોકશાહી’ને લગતું કંઈ પણ હોય તે દરેકનું ‘સંસ્કૃિત’ના અંકોમાંનું સ્થાન ‘લોકશાહી’ શબ્દની સામે નોંધવામાં આવ્યું છે. ઉલ્લેખસૂચિ ઝડપી વાચન (સ્પીડ રિડીંગ)  અને આકલન પ્રક્રિયાથી તૈયાર થાય છે. દરેક લખાણનું હેતુપૂર્ણ વાચન, તેમાંના કયા શબ્દો ઉલ્લેખ સૂચિમાં આવી શકે તેની તારવણી, અને આવી તારવણી દરમિયાન ઊભો થતો, વધતો  શબ્દરાશિ સતત મનમાં જાગતો રાખવાની સતેજતા અનિવાર્ય હોય છે. પાંચેક હજાર ચાવીરૂપ શબ્દોનો આ  વિભાગ ‘સંસ્કૃિત’ની ઉપયોગિતા ખૂબ વધારી શકે તેવું મૌલિક પ્રદાન છે.

આવી મૌલિકતા કવિતા વિભાગમાં પણ છે. વિશ્વસાહિત્યના આરાધક ઉમાશંકરના ‘સંસ્કૃિત’માં દેશ અને દુનિયાની ભાષાઓની કવિતાઓના સંખ્યાબંધ અનુવાદ વાંચવા મળે છે. તેમાં ભારતનાં રાજ્યો ઉપરાંત અમેરિકા, આફ્રિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા અને યુરોપના દેશોની કવિતાઓના અંગેજીમાંથી થયેલા અનુવાદ પણ છે. સૂચિમાં તેમાંથી મોટા ભાગની કવિતાઓનાં મૂળ શીર્ષક મળે છે. કાવ્યાસ્વાદના વિભાગને પણ બિલકુલ આ જ બાબત લાગુ પડે છે. ‘સંસ્કૃિત’ના પાને ઘણું કરીને અનુવાદનાં અંગ્રેજી શીર્ષકો આપેલાં નથી. દુનિયાભરની આવી સો કરતાં વધુ પદ્યરચનાઓનાં અંગ્રેજી નામ, કોઈ પણ ભાષાના સાહિત્યનો ઔપચારિક અભ્યાસ ન ધરાવનાર, તોરલબહેને શોધ્યાં છે. તેમાં ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનની તેમની તાલીમનો પ્રસ્તુત  ઉપયોગ જોઈ શકાય છે. અભ્યાસીઓ સૂચિની મર્યાદાઓ તરફ આંગળી ચીંધી શકશે. પણ તેનાં ઉજળાં પાસાં અનેક છે : એકંદર રચનામાં ડગલે ને પગલે જોવા મળતી સૂઝ, પૃષ્ઠરચના, વિરામચિહ્નોની  ઝીણવટ, યુઝર-ફ્રેન્ડલી બનવાની તમામ કોશિશ અને અન્ય.  એ પણ નોંધવું જોઈએ કે આ વેબસાઈટનો આ સૂચિની મદદથી કરેલો ઉપયોગ અનેક સંકલનો, સંચયો, સંપાદનો, સંશોધનો અને ઉઠાંતરીઓનો સ્રોત બની શકે એમ છે.

ગુજરાતે ઉમાશંકરને સાહિત્યકાર પૂરતાં જ મર્યાદિત રાખ્યા છે. દુનિયા આખાના જાહેરજીવનના પ્રશ્નો જ નહીં પણ સિવિલાઈઝેશન વિશે નક્કર સંદર્ભમાં સતત વિચારનારા પ્રાજ્ઞજન તરીકે એમની મોટાઈ ચૂકી જવાઈ છે. આ માન્યતા ‘સંસ્કૃિત’ સૂચિમાંથી પસાર થતાં બે રીતે દૃઢ થાય છે. એક, સંસ્કૃિતની પોતાની સામગ્રી; અને બે, સંસ્કૃિત વિષયક લેખોનો અઠ્ઠાવીસમો વિભાગ. તેમાં નોંધવામાં આવેલા મોટા ભાગના અભ્યાસો સાહિત્યકાર ઉમાશંકર વિશે જ લખે છે, સિવિલાઇઝેશનના માનવતાવાદી ચિંતક ઉમાશંકર વિશે નહીં.

ગ્રંથના બહિર-રંગમાં ક્યાં ય નોંધાયું નથી પણ આ વર્ગીકૃત સૂચિ ‘સંસ્કૃિત’ની સૂચિનો બીજો ભાગ છે. પોણા ચારસો પાનાંનો પહેલો ભાગ કાલાનુક્રમિત સૂચિ તરીકે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ૨૦૧૧માં પ્રસિદ્ધ કર્યો હતો (તેના વિશે છ વર્ષમાં એક પણ લેખ લખાયો નથી). સ્વાભાવિક ક્રમમાં આ બીજો ભાગ વિશ્વકોશ ટ્રસ્ટ જેવી માતબર સંસ્થા તરફથી બહાર ન પડે એ વક્રતા છે. ખંતીલા સૂચિકર્તાઓએ તેના પ્રકાશન માટે ગુજરાત સાહિત્ય અકાદમીને દરખાસ્ત કરી, જે અકાદમીએ અલબત્ત સ્વીકારી. રાજ્ય સરકારે જેની સ્વાયત્તતા છિનવી લીધી છે તે અકાદમી જ, સ્વાયત્તત્તા માટે લડનારા ઉમાશંકર પરનાં અત્યંત મહત્ત્વના ગ્રંથનું પ્રકાશન કરે એ વળી વધુ વિષાદજનક વક્રતા ! જો કે તેને કારણે, સૂચિના સત્ત્વ-તત્ત્વને હાનિ પહોંચતી નથી. ગુજરાતના જૂજ સૂચિકારોની જેમ તોરલબહેન અને શ્રદ્ધાબહેને તેમનાં વ્યવસાય અને વિષયને કૃતાર્થ કર્યા છે.

‘સંસ્કૃિત’ની વર્ગીકૃત સૂચિમાંથી પસાર થતાં વચ્ચે વચ્ચે અને વેબસાઈટ પર લખાણોમાંથી વાંચવા એ રોમાંચક અનુભવ છે. ઉમાશંકરની વિશ્વના આકલન માટેની ઝંખના નતમસ્તક બની જવાય છે. ક્યારેક ભૂલી જવાય છે કે એ કવિ છે. સામે આવે છે તે પોતાના લોકોના વિચારવિશ્વને દુનિયાભરની વિચાર સામગ્રીથી ન્યાલ કરી દેવા માગતો એક અસાધારણ સાક્ષર ! 

++++++

૨૦ જૂન ૨૦૧૭

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 23 જૂન 2017

Loading

કહેશો નહીં, કે આ ઉમ્મરે હું કંઈ ન કરી શકું

યશવન્ત મહેતા|Opinion - Opinion|26 June 2017

એક વાર સ્વામી વિવેકાનન્દ(અથવા સ્વામી રામતીર્થ અથવા કોઈ અન્ય સ્વામી : કારણ કે આવી કથાઓ સાથે સૌ કોઈ મનગમતા સ્વામીને જોડી દે છે !) અમેરિકા જઈ રહ્યા હતા. એમના જમાનામાં અમેરિકા જવા માટે ઘણાખરા લોકો પૂર્વ તરફનો દરિયામાર્ગ લેતા. એટલે કે બર્મા, મલાયા, સિંગાપોર, ચીન, જપાન પછી પ્રશાન્ત મહાસાગર વીંધીને અમેરિકા જવાતું. પ્રવાસ આગબોટથી થતો.

સ્વામીજીએ જોયું કે રંગૂનથી એક જપાની વૃદ્ધ આગબોટ પર ચડ્યા છે. દેખીતી જ એમની ઉમ્મર ૮૫–૮૭ વરસ જેટલી હતી. સ્વામીજીએ એ પણ જોયું કે વડીલ દરરોજ સાંજે આગબોટના તૂતક પરની ખુરસીમાં પાટી–પેન લઈને બેસે છે. સાથે નાનકડી પોથી રાખે છે. તે પોથીમાં જોઈને પાટીમાં લખે છે. ઘણા દિવસ આ જ ક્રમ જોવા મળ્યો. એટલે સ્વામીજીને કુતૂહલ થયું કે વડીલ દરરોજ આ શી મહેનત કરતા હશે?

એક દહાડો કુતૂહલ પ્રગટ થઈ જ ગયું. વૃદ્ધ સમક્ષ જઈને તેમને પ્રણામ કર્યાં અને પૂછ્યું : ‘વડીલ, તમે દરરોજ આ પાટી–પેન અને પોથી લઈને બેસો છો; તે શું છે ?’

‘આ ચીની ભાષાની બાળપોથી છે. હું ચીની ભાષા શીખું છું.’

વિવેકાનંદનું કુતૂહલ હવે આશ્ચર્યમાં ફેલાઈ ગયું. આ વડીલ, આ ઉમ્મરે ચીની ભાષા શીખે છે! ચીની ભાષા જગતની અઘરામાં અઘરી ભાષાઓમાંની એક છે. એની ચિત્રલિપિની 50,000 જેટલી અલગ અલગ આકૃિતઓ શક્ય છે. આપણને માત્ર આકૃિત લાગે એવા એક આકારમાં તો આખું વાક્ય સમાઈ ગયું હોય !

‘પણ વડીલ!’ વિવેકાનન્દ પૂછ્યા વિના ન રહી શક્યા, ‘આવી અઘરી ભાષા આ ઉમ્મરે શીખવાની શી જરુર? એથી શું હાંસલ થશે?’

વૃદ્ધે ફરી વાર હૂંફાળું મીઠું સ્મિત કરતાં કહ્યું, ‘ભાઈ, કોઈ પણ ઉમ્મર, કશું નવું શીખવા માટે વધારે પડતી નથી. માનવી જ્યાં સુધી કાંઈક નવું શીખવા માટે ઉત્સાહી છે, ત્યાં સુધી જ જીવન્ત છે. જો એ ઉત્સાહ ન રહ્યો તો તો પછી શ્વાસ–પ્રાણ ભલે ચાલતા હોય, તોયે માનવી મરેલો જ છે.’

તે દિવસે સ્વામીજીને સમજાયું કે કશું ય નવું કામ કરવા માટે માનવી ‘અતિ વૃદ્ધ’ હોતો જ નથી. દરેક દેશનાં આગવાં કેટલાંક મહાકાવ્ય હોય છે. અંગ્રેજી ભાષા અને ગ્રેટ બ્રિટન માટે આવાં બે મહાકાવ્યો ‘પેરેડાઈઝ લોસ્ટ’ (ગુમાવેલું સ્વર્ગ) અને ‘પેરેડાઈઝ રિગેઈન્ડ’(પુન:પ્રાપ્ત સ્વર્ગ) છે. આ બન્નેના રચનાર મહા કવિ જૉન મિલ્ટન છે. એ ૪૮ની વયે પૂરેપૂરા અન્ધ બની ગયા. એ પછી બાર વર્ષ લગી એમની બન્ધ આંખોની પાછળના દિમાગમાં એક કાવ્ય ઘુંટાતું રહ્યું. છેક સાઠની ઉમ્મર પછી એમણે દીકરીઓને એ કાવ્યનું શ્રુતલેખન કરાવવા માંડ્યું. આ વયે મિલ્ટને, નહોતો પોતાની ઉમ્મરનો ખ્યાલ કર્યો કે નહોતા અપંગાવસ્થાથી નિરાશ થયા.

સાહિત્યની દુનિયામાં આવું જ એક ગૌરવશાળી ઉદાહરણ ‘લે મિઝરાબલ’ અને ‘વિક્ટર હ્યુગો’નું છે. અઢાર–ઓગણીસમી સદીના ફ્રાન્સના શ્રેષ્ઠ લેખકોમાં એક વિક્ટર હ્યુગો છે. પોતાના યુગના એ સાહિત્યસમ્રાટ હતા. અસંખ્ય લેખકોના પ્રેરક હતા. પૂરી ફ્રેન્ચ પ્રજાના માનીતા લેખક હતા. એમનાં લોકલક્ષી લખાણોને કારણે સત્તાધારીઓને ખૂંચતા ય ખરા. શાસકો એમની કદર કરે; પણ એ તો શાસકોની ય ધૂળ કાઢતા! જ્યારે ફ્રેન્ચ ક્રાન્તિ પડી ભાંગી અને નેપોલિયન બોનાપાર્ટ ‘શહેનશાહ’ બની ગયો, ત્યારે અમલદારો તરફથી આ ‘નાફરમાન લેખક’ વિક્ટર હ્યુગોની ધરપકડની દરખાસ્ત આવી. નેપોલિયને અમલદારોને ધમકાવી કાઢ્યા હતા. એણે કહેલું કે, ‘હ્યુગો ફ્રાન્સ છે અને ફ્રાન્સ હ્યુગો છે, તમે ફ્રાન્સની ધરપકડ કેવી રીતે કરી શકો?’

આ હ્યુગો પોતે પણ પોતાની લોકપ્રિયતા અને મહત્તા જાણતા હતા. આથી એક વાર તો ગુમાની લાગે તેવું વિધાન તેમણે કરેલું કે : ‘હવે પેરિસ નગરનું નામ બદલીને ‘હ્યુગો’ નગર રાખવું જોઈએ!’ જે વ્યક્તિ પોતાને વિશે આટલું બધું ગૌરવ ધરાવવા અને વ્યક્ત કરવા તૈયાર થાય તે કેટલી બધી માનસિક અને નૈતિક તાકાત ધરાવતી હોય! હ્યુગો એ તાકાત ધરાવતા હતા.

અને એ તાકાત એમણે જિન્દગીની ઉત્તરાવસ્થા સુધી કેવી જાળવી રાખી હતી એનું જીવન્ત ઉદાહરણ ‘લે મીઝરાબલ’ છે. હ્યુગોની ફ્રેન્ચ ભાષાની જ નહીં; સમગ્ર વિશ્વની શ્રેષ્ઠ દસ–વીસ નવલકથાઓમાં સ્થાન પામે એવી આ નવલકથા લખવાનું કાર્ય, હ્યુગોએ ૭૮ વર્ષની વયે શરૂ કર્યું હતું.

કેટલાક લોકો અમુક ઉમ્મર થતાં જ કશાંયે સર્જનાત્મક કે ઉપજાઉ કામ છોડી દે છે. ઘણાખરા તો સમાજ માટે ભારરૂપ બનવા લાગે છે. કેટલાક વળી, અર્થહિન ક્રિયાકાંડો, પોથીપાઠો અને યંત્રવત્ પ્રવૃત્તિઓમાં ખોવાઈ જાય છે. ‘હવે તો મારાથી શું થાય!’ એવા પ્રશ્નો પૂછતા થઈ જાય છે. એવા લોકોએ વિક્ટર હ્યુગોની તસ્વીર ઘરમાં લટકાવી રાખવી જોઈએ. તમને સ્વર્ગની કલ્પિત (માયારૂપ) સીડી બતાવનાર ‘ગુરુ’ની તસ્વીર કરતાં; હ્યુગોની તસ્વીર વધુ સાર્થક બનશે.

અને તમને હ્યુગોની તસ્વીર ન મળે તો ‘મહાભારત’વાળા ‘વેદ વ્યાસજી’ની તસ્વીર રાખજો. પ્રાચીન વિશ્વની એમની સૌથી મોટી એ કૃિત એમણે રચવા માંડી ત્યારે તે એંશી ઉપરની વયના હતા.

કેટલાક લોકો વળી અમુક વય પછી એમ કહીને રચનાત્મક કામોમાંથી ફારેગ થઈ જાય છે કે, ‘હવે કોને માટે કશું ય કરવું?’ એવા લોકોને માટે ચીનના મહાન ફિલસૂફ કન્ફ્યુશિયસની એક પ્રસંગકથા ઉપયોગી બને એમ છે. લો, સાંભળો :

ચીનના એક સમ્રાટ ઘણા ભલા, ઉદાર, દાની અને પરગજુ હતા. એ જરૂરતમંદોને સદા ય ઉદાર હાથે દાન આપતા, વડીલોની ઉત્તરક્રિયા કે સન્તાનોનાં લગ્ન કે જમીન–મકાનની ખરીદી જેવા હેતુ માટે ધન યાચતાં જે કોઈ આવે એને સમ્રાટ કદી નિરાશ ન કરતા.

ઉદાર અને સમજુ હતા એટલે ચિન્તકો, કવિઓ વગેરેના પણ પ્રશંસક હતા. કન્ફ્યુશિયસ જ્યારે એમના રાજ્યમાંથી પસાર થતા હોય ત્યારે એમને, પોતાને મહેલે રહેવાનો અચૂક આગ્રહ કરતા. દિવસો સુધી એમના સત્સંગનો લાભ લેતા. વળી, પોતે કેવાં દાન અને સત્કાર્ય કરે છે એ કન્ફ્યુશિયસ જુએ, એવી ખાસ જોગવાઈ કરતા. સમ્રાટને આશા હતી કે સંતશિરોમણી પોતાના ઉપદેશમાં કે કાવ્યોમાં મારી યશગાથા વણી લે તો હું અમર બની જાઉં.

આવી મનોદશા વચ્ચે એક દિવસે સમ્રાટથી સંતને પૂછાઈ ગયું, ‘પંડિતવર્ય, આ જગતમાં સૌથી મોટો દાની તમને કોણ લાગે છે?’

આવો પ્રશ્ન કરીને સમ્રાટ આતુરતાથી સંતના ચહેરા સામે તાકી રહ્યા. એમને પૂરી આશા હતી કે સંત મને જ મોટામાં મોટો દાની ગણશે. હું એમની પરોણાગત ખૂબ ભાવથી કરું છું. મારાં દાન પણ તેઓ પ્રત્યક્ષપણે જુએ જ છે.

પણ કન્ફ્યુશિયસે તો જવાબ આપવાને બદલે સમ્રાટને સૂચવ્યું કે મારી સાથે મહેલની છત પર ચાલો.

બન્ને ચાલ્યા. રાજમહેલ એક ઊંચી ટેકરી પર હતો એની છત ઉપરથી સમગ્ર નગર જ નહીં; ફરતી ખેતરાઉ અને વાડીમય જમીન અને ગોચર વગેરે પણ દેખાતાં હતાં. એમાં એક બાજુ ખરાબાની વગડાઉ જમીન પણ હતી. કન્ફ્યુશિયસે આ ખરાબા ભણી આગળી ચિંધીને સમ્રાટને પૂછ્યું, ‘આ તરફ જુઓ : તમને શું દેખાય છે? થોડીક વાર જોયા કરો અને પછી મને કહો.’

સમ્રાટે નજર ખેંચી. ‘અં … ખરાબાની જમીન સાવ બંજર છે. ઘાસનું તણખલુંયે ઊગેલું જણાતું નથી … આ જમીન પર કોઈ માણસ કામ કરતો દેખાય છે. એ વાંકો વળીને, કોદાળી વડે જમીન ખોદી રહ્યો જણાય છે … બરાબર, એ કશોક ખાડો કરતો લાગે છે … અં … ઓહો! એણે આવા તો ઘણા બધા મોટામોટા ખાડા કર્યા છે .. ! અચ્છા, એક બીજો ખાડો કરીને એ ટટાર થયો … ચાલ્યો … ખરાબાને છેડે એક મોટો ઢગલો અને એની બાજુમાં એક નાની ઢગલી છે .. એ શું હશે ?’

‘મોટો ઢગલો ખાતરનો છે, સમ્રાટ’, કન્ફ્યુશિયસે જણાવ્યું ‘અને નાની ઢગલી કેરીના ગોટલાની છે. એ માણસ ગોટલા વાવી રહ્યો છે.’

‘ઓ … હો … ભારે રૂડું કામ કહેવાય!’

‘એ માણસ તમને કેવો દેખાય છે ?’

‘ગરીબ લાગે છે … ઘરડો છે … કમરેથી વાંકો વળી ગયો છે …’

‘સમ્રાટ, આટલે દૂરથી એની ઉમ્મર નહીં કળાય; પરન્તુ એ પંચાણું વર્ષનો છે.’

‘પંચાણું ….?’

‘હા, આજે સવારે વગડામાં આંટા મારતો મેં પોતે એને જોયો. મેં એની ઉમ્મર પૂછી. એ પંચાણુંનો છે.’

‘તો તો હવે તે થોડા જ સમયમાં જ મરણ પામશે, ખરું ને ?

‘હા ખરું, મરણ પામશે, અને છતાં એ આંબા વાવી રહ્યો છે ! સેંકડો આંબા વાવી રહ્યો છે ! ‘શું આ આંબાની કેરી તે ખાવા પામશે કે?’

‘ના, બનવાજોગ તો નથી અને છતાં એ આંબા વાવી રહ્યો છે. મારા ભલા સમ્રાટ ! મારે મતે જગતનો શ્રેષ્ઠ દાનવીર આ વૃદ્ધ માણસ છે.’

સર્જક સમ્પર્ક: 47-A, Narayan Nagar, Paladi, Ahemdabad – 380 007

eMail :  yeshwant.mehta.1938@gmail.com

[તારીખ 1-2-2017ના ‘નયા માર્ગ’ પાક્ષીકના પાન 28 ઉપરથી સાભાર]

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંક :  377 – June 25, 2017

Loading

મધ્ય વર્ગનું લશ્કરીકરણ અને વિકલ્પો જોવાની ઘટતી ક્ષમતા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 June 2017

હાર્યો જુગારી બમણું રમે એ ન્યાયે કૉંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે સૈન્યાધ્યક્ષને ‘ગલીના ગુંડા’ કહ્યા પછી થૂંકેલું ચાટી લેવું પડ્યું, એમાં એ જે મુદ્દો મૂકવા માગતા હતા તે પણ ધોવાઇ (હવાઇ?) ગયો. એ કહેવા એવું જતા કે પાકિસ્તાનની માફિયા સેનાની જેમ આપણી સેનાના અધ્યક્ષે (ગલીના ગુંડાની જેમ) બોલ બોલ કરવું ન જોઇએ. સંદીપને આ બોલતા ન આવડ્યું અને પછી માફી માગી લેવી પડી. ફેર ઇનફ.

રાજનૈતિક અથવા તો ઘરેલુ બાબતોમાં સેનાને ઘસીટવાની રાજકારણીઓની સનક એ હકીકતમાંથી આવે છે કે ભારતનો મધ્ય વર્ગ ઉત્તરોત્તર એ માન્યતાને મજબૂત કરી રહ્યો છે કે દેશને પરેશાન કરી રહેલી સામાજિક-રાજકીય સમસ્યાઓનો ઉકેલ માત્ર સેના પાસે જ છે. સેનાધ્યક્ષ બિપીન રાવતે કંઇક આવા જ ભાવ સાથે કહ્યું હતું કે, ‘જે લોકો અમારી ઉપર પથ્થરો ફેંકે છે તે લોકો હથિયારો ચલાવે તો સારું.  એ પછી જુઓ હું શું કરું છું.’

દેશની ટીવી ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા રોજ આવા ‘યુદ્ધ’ ચલાવતી રહે છે. ઑફિસોમાં, ટ્રેનોમાં, પાર્ટીઓમાં, પાનના ગલ્લાઓ ઉપર એક વાત ઉગ્ર સૂરે સાંભળવા મળતી રહે છે કે દેશને મહાન બનાવવો હોય તો સેનાને છુટ્ટો દોર આપી દેવો જોઇએ. એક બહુ મોટા વર્ગને લોકતાંત્રિક વ્યવસ્થાઓમાં શ્રદ્ધા નથી, અને એને દરેક પ્રશ્નના સમાધાન હિંસામાં દેખાય છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રોફેસર સંજય શ્રીવાસ્તવ આને ‘મધ્ય વર્ગનું લશ્કરીકરણ’ કહે છે. બીજી-ત્રીજી પેઢીના ભારતના મધ્ય વર્ગી લોકોને ‘ફ્રી માર્કેટ ઇકોનોમી’માં સ્વર્ગ જોવાની ટેવ પડી ગઇ છે, (અથવા ટેવ પાડવામાં આવી છે) અને એને લાગે છે કે ભારતે મહાન થવું હોય તો જરી-પુરાણી, દકીયાનુસી સમાજવાદી, ઉદારવાદી અને લોકતાંત્રિક વ્યવસ્થાને તોડી-ફોડીને હથોડાછાપ વ્યવહાર અપનાવવો જોઇએ. યુદ્ધ શું કહેવાય એ લોકોને ખબર નથી. વિશ્વના ઘણા દેશોમાં જે રાજકીય-સામાજિક ચિંતન અને વ્યવસ્થાઓ છે, તે યુદ્ધોની લોહિયાળ વાસ્તવિકતામાંથી ઘડાઇ છે. આપણે ત્યાં યુદ્ધ એ ટેલિવિઝન કે સિનેમાની ફેન્ટસી રહી છે. 

સેનાને પરદા ઉપર કે સોશિયલ મીડિયાના બૉક્સમાં જોવા-ચર્ચવાથી એક પ્રકારનું વીરત્વ તો પેદા થાય, પરંતુ એની વાસ્તવિકતા ખબર ન પડે. કાશ્મીરમાં પથ્થરમારા વચ્ચે ડ્યૂટી કરતા જવાનો કે સિયાચીનમાં હાડ ગાળી રહેલા સૈનિકોની ‘સ્ટોરી’ હોય છે તો દમદાર અને સંમોહક, પરંતુ એ અધૂરી છે. એમાં સરહદ પર દુશ્મનો સામે કે જંગલોમાં વિદ્રોહીઓ સામે લડી રહેલા સૈનિકો ભાવનાત્મક, સામાજિક અને પારિવારિક રીતે કેવા ખુવાર થાય છે, તેની વાત ક્યારે ય નથી આવતી.

ભારતના મધ્ય વર્ગને યુદ્ધની ટ્રેજેડી શું કહેવાય અને સૈનિકોની જિંદગીની વાસ્તવિકતા શું કહેવાય, તે ખબર નથી એટલે બંદૂકો અને બૉમ્બથી બધી સમસ્યાઓના સમાધાન શોધવાનું ફેશનેબલ થઇ ગયું છે. અને એટલે જ કાશ્મીરમાં એક સૈનિક પથ્થરમાર યુવકને જીપ સાથે બાંધે તો મુંબઇમાં એરકન્ડિશન્ડ ફ્લેટમાં બેઠેલા સંસદ સભ્ય પરેશ રાવલને પણ લેખિકા અરુંધતિ રોય સાથે આવો જ વ્યવહાર કરવાની ખૂજલી ઊપડે એ પેલી મધ્ય વર્ગીય લશ્કરીય માનસિકતા છે.

કોઈને જીપથી બાંધી દેવામાં (ફોર ધેટ મેટર, ગોળીએ દેવામાં) આપણને ભલે 56ની છાતીવાળા સની દેઓલનું વીરત્વ દેખાય, હકીકતમાં એક સૈનિક માટે એ સૌથી ટ્રેજિક ઘટના છે. સૈનિકોની પ્રોફેશનલ ટ્રેનિંગમાં શક્ય હોય તેટલા વધુ દુશ્મનોને મારવાનું શિખવાડાય છે પણ જ્યારે એની સામે એના જ દેશના નાગરિકને ‘દુશ્મન’ તરીકે પેશ કરવામાં આવે ત્યારે એની સ્થિતિ મહાભારતના અર્જુન જેવી થાય છે.

ભારતનો મધ્ય વર્ગ આવું વિચારનો નથી, કારણ કે એમાં લોહી કોઇકનું રેડાય છે અને રંગ મધ્ય વર્ગની જિંદગીને ચઢે છે.

વીરત્વનું આ સરળીકરણ એટલા માટે થયું છે કે આપણે જીવનને બ્લેક એન્ડ વ્હાઇટમાં જોતા થયા છીએ. આપણે સામાજિક દ્વંદ્વને ઇતિહાસના સંદર્ભમાં કે શાસનની નિષ્ફળતાના સંદર્ભમાં જોતા નથી. આપણે એને ‘દુશ્મન’ના અપરાધ તરીકે જોઇએ છીએ. જગતને સારા અને ખરાબ એવા સીધા વિભાજનમાં જોવાની આપણી ટેવને કારણે એના સમાધાન પણ સર્જિકલ સ્ટ્રાઇકની જેમ ધમાકેદાર અને ફટાફટ જોઇએ છીએ. આપણે જેને દેશની સમસ્યા કહીએ છીએ, એ પારિવારિક બખેડાથી અલગ નથી. એક જ પિતાનાં સંતાનો એકબીજાને પુણ્યાત્મા અને પાપી ગણે એવો આ ઘાટ છે.

ઘરમાં તો આપણે આવા દ્વંદ્વનો ઉકેલ તડજોડથી લાવીએ છીએ, પરંતુ સામાજિક કે વૈશ્વિક સ્તરે આપણે આવી છૂટ આપતા નથી. ત્યાં આપણા માટે જગત બે ભાગમાં, ઇષ્ટ અને અનિષ્ટમાં વહેંચાયેલું છે અને જગતને શ્રેષ્ઠ બનાવવાનો એક માત્ર રસ્તો અનિષ્ટનો સંહાર છે. આ ખતરનાક ધારણા છે. કેટલાક લોકો પ્રાકૃતિક રીતે જ દુષ્ટ છે અને કેટલાક પ્રકૃતિથી જ કલ્યાણકારી છે એવી બ્લેક એન્ડ વ્હાઇટ ધારણા બહુ પ્રચલિત છે. એમાંથી જ યુદ્ધો અને સંઘર્ષો પેદા  થાય છે.

આમાં મુસીબત એ છે કે એકબીજા સામે લડતા બંને પક્ષને એમ લાગે છે કે તેઓ અનિષ્ટ સામે લડી રહ્યા છે. અમેરિકાએ બિન લાદેનને દુષ્ટ ગણાવ્યો અને લાદેન અમેરિકાની કઠોર તાકાત સામે મરી ગયો, પણ એમ તો લાદેનને ય હતું કે એ અમેરિકન અનિષ્ટ સામે લડી રહ્યો છે અને એના મર્યા પછી બીજા લાદેનો પેદા કરી ગયો. જગતને બ્લેક એન્ડ વ્હાઇટમાં જોવાની ધારણા પશ્ચિમની છે અને એ અબાધિત છે. મતલબ કે પશ્ચિમમાં પુનર્જન્મની માન્યતા નથી, એટલે દુષ્ટ વ્યક્તિ માટે બીજા જન્મમાં જઇને પાપની સજા ભોગવવાનો વિકલ્પ નથી.

એમાંથી જ ‘અમુક માણસોને આ ધરતી પર રહેવાનો અધિકાર નથી’ એવો વ્યવહાર પેદા થયો છે. કમનસીબે, ભારતીય પરંપરામાં ઇષ્ટ-અનિષ્ટની જે ધારણા હતી તે કાયરતામાં ખપી રહી છે. ભારતીય ચિંતનમાં ઇષ્ટ-અનિષ્ટ એ સાપેક્ષ બાબત છે. મતલબ કે કોઇ બાબત ચોક્કસ સંજોગોમાં સારી હોઇ શકે અને ખરાબ પણ. આધુનિક મનોશાસ્ત્ર જેમ માને છે કે ખરાબ વ્યક્તિમાં અચ્છાઇ હોય છે અને સારી વ્યક્તિમાં બુરાઇ, તેમ હિન્દુ શાસ્ત્રોએ પણ કહ્યું છે કે અચ્છાઇ-બુરાઇની ધારણા મનમાં હોય છે અને આપણને જે અનિષ્ટ લાગે એ બીજાને ન પણ લાગે.

ભગવદ્ ગીતામાં કૃષ્ણએ એમ કહ્યું છે કે સમગ્ર અસ્તિત્વ દિવ્યતાનું પ્રત્યક્ષીકરણ છે. એટલે કોઇ અસ્તિત્વ દિવ્યતાનો ભાગ ન હોય એવું ન બને. કૃષ્ણની નજરમાં કશું અબાધિત ખરાબ કે સારું નથી. જગતના જેટલા મહાપુરુષો કે સંતો થઇ ગયા એમણે માણસની આ (ઇષ્ટ-અનિષ્ટ) જટિલતાની વાતો કરી છે. આમાંથી જ કેટલાક યુરોપિયન દેશોમાં ‘રેસ્ટોરેટિવ જસ્ટિસ’ પ્રણાલી છે જેમાં ગુનેગારને સજા કરવાને બદલે જે નુકસાન થયું હોય તેને ભરપાઇ કરવાનો પ્રયાસ થાય છે. તમે જો 1971ની રાજેશ ખન્નાની ‘દુશ્મન’ ફિલ્મ જોઇ હોય તો એમાં આ ‘રેસ્ટોરેટિવ જસ્ટિસ’નો પ્રયોગ થયો હતો.

ભારતનો મધ્ય વર્ગ આવા વૈકલ્પિક ન્યાય વિશે વિચારી શકતો નથી, કારણ કે આપણા દેશના રાજકારણીઓ અને મીડિયા જગતને સારા અને ખરાબ એવા બૉક્સમાં જુએ છે અને એમાં ખરાબ માટે, સંહાર સિવાય કોઇ વિકલ્પ પણ નથી. જો દરેક સ્થિતિને યુદ્ધ તરીકે જ જોવામાં આવે તો આપણી વિકલ્પોને જોવાની ક્ષમતા પણ ઘટી જાય છે, અને એ સ્થિતિ યુદ્ધ કરતાં ય વધુ જોખમી છે.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 25 જૂન 2017

Loading

...102030...3,4183,4193,4203,421...3,4303,4403,450...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved