Opinion Magazine
Number of visits: 9689103
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતને ગણિત શીખવનાર અને દુનિયાને વૈદ્ય મેટ્રિક સિદ્ધાન્ત આપનાર મૂલ્યનિષ્ઠ અધ્યાપક

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|22 May 2017

પ્ર.ચુ. વૈદ્યસાહેબના જીવનની કેટલીક રસપ્રદ બાબતો  ઓછી જાણીતી છે…

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ગુજરાતી ગણિતજ્ઞ પ્ર.ચુ. વૈદ્યનું જન્મશતાબ્દી વર્ષ 23 મેના, મંગળવારથી શરૂ થાય છે.

વૈદ્યસાહેબનું નામ આઇન્સ્ટાઈનના સાપેક્ષતાવાદના અભ્યાસીઓમાં જાણીતું છે તે તેમણે આપેલા એક સિદ્ધાન્તને કારણે. જે રીતે ભૌતિક શાસ્ત્રમાં સી.વી. રામનના નામે રામન ઇફેક્ટ તેમ ખગોળ ભૌતિકમાં પી.સી. વૈદ્યના નામે ‘વૈદ્ય મેટ્રિક’ એટલે કે વૈદ્યમાન. ‘ગૂગલના માહિતીસંગ્રહ મુજબ જગતમાં ખભૌતિકનાં જે સંશોધનપત્રો લખાયાં તેમાં વૈદ્ય મેટ્રિકનો ઉલ્લેખ એક લાખ વીસ હજારથી પણ વધુ વાર થયો છે’ – આ વિગત વૈદ્યસાહેબના સુવાંગ જીવનચરિત્ર ‘આપણી મોંઘી ધરોહર’માં મળે છે. સાહેબના ભત્રીજા અને ગણિતના વરિષ્ઠ અધ્યાપક અરુણ મ. વૈદ્યએ લખેલું આ પુસ્તક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે છએક મહિના પહેલાં બહાર પાડ્યું છે.

તેમાં લેખક એ પણ માહિતી આપે છે કે આ સિદ્ધાન્ત તો વૈદ્ય સાહેબે પચીસ વર્ષની ઉંમરે આપ્યો. તે પછી પણ તે સિદ્ધિવંત જીવન જીવ્યા. દેશવિદેશની યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં અધ્યાપન કર્યું તેમ જ વ્યાખ્યાનો આપ્યાં. ગુજરાત યુનિવર્સિટી તેમ જ વેડછીની ગાંધી વિદ્યાપીઠના વાઇસ-ચાન્સલર પદે રહ્યા. રાજ્યના તેમ જ દેશના જાહેર સેવા આયોગના અનુક્રમે અધ્યક્ષ અને સભ્ય નિમાયા. આ બધા વચ્ચે ગુજરાતનું શિક્ષણ જગત તેમનું ઋણી રહેશે તે ગણિતના સ્તરને ઊંચે લઈ જવાના તેમના પ્રદાન બદલ. ‘ગુજરાત ગણિત મંડળ’ થકી તેમણે શિક્ષકો તેમ જ  વિદ્યાર્થીઓ માટે કાર્યશાળાઓ, તાલીમ વર્ગો અને  ગણિત સ્પર્ધાઓ જેવા ઉપક્રમો હાથ ધર્યા. તેમણે વર્ષો લગી સંપાદિત કરેલું ‘સુગણિતમ્‌’ સામયિક આજે 286મા અંક સાથે ‌‌‌‌પંચાવનમાં વર્ષમાં છે. એક પ્રકાંડ વિદ્વાન પોતાના વિષયને કેન્દ્રમાં રાખીને લોકોના સ્તરે આવીને સમાજને કેવું નક્કર પ્રદાન કરી શકે છે તેનો દાખલો વૈદ્યસાહેબના ગણિતશિક્ષક-પ્રચારક તરીકેના કામમાંથી મળે છે.

જૂનાગઢ પાસેના શાપુર ગામમાં 1918માં જન્મેલા વૈદ્યસાહેબની સત્તાવાર જન્મતારીખ 23 માર્ચ ‘ભૂલમાં’ નોંધાઈ છે એવી સ્પષ્ટતા અરુણ વૈદ્યે ‘જન્મ અને શૈશવ’ નામના ત્રીજા પ્રકરણમાં કરી છે. સાહેબના જીવનની કેટલીક બાબતો ખૂબ રસપ્રદ હોવા છતાં તેમની સંશોધક તરીકેની કીર્તિ હેઠળ ઢંકાઈ ગઈ છે. જેમ કે, વૈદ્ય મેટ્રિક માટેના પહેલા અભ્યાસ પત્રના લેખક તરીકે તેમણે પોતાના નામની સાથે સંશોધન માર્ગદર્શક પ્રોફેસર વામન વિષ્ણુ નારળીકર(વિખ્યાત વૈજ્ઞાનિક જયંત નારળીકરના પિતા)નું નામ પણ મૂક્યું હતું, જે અલબત ગુરુએ સ્વીકાર્યું ન હતું. આંકડા, સમીકરણો અને ગ્રંથોમાં રત રહેનાર વૈદ્ય સાહેબ એક તબક્કે લાલ માટીના અખાડામાં દંડ-બેઠક અને લાઠીના દાવ માટે લગાવ ધરાવતા હતા. એપ્રિલ 1941 થી જૂન 1942 દરમિયાન તેમણે મુંબઈના માલાડમાં એક અખાડનું સંચાલન કર્યું હતું. આ અખાડો, બહુ રોમાંચક જીવન જીવેલા દેશભક્ત અને પ્રહ્લાદના એક આદર્શ સરદાર પૃથ્વીસિંહ રાણાએ અહિંસક વ્યાયામ સંઘ તરીકે શરૂ કર્યો હતો. તે અંગે સામ્યવાદી પૃથ્વીસિંહે ગાંધીજી સાથે ચર્ચા પણ કરી હતી. વૈદ્ય સાહેબની દેશભક્તિ એવી તીવ્ર હતી કે તેમણે સોએક યુવાનોના ઘડતરનું આ કામ રાજકોટની ધર્મેન્દ્રસિંહ કૉલેજમાં  અધ્યાપક તરીકેની નોકરી પડતી મૂકીને કર્યું હતું. તેમણે લખ્યું છે ‘ચૉક અને ડસ્ટર છોડીને લાઠી અને લેજીમનો સાથ લીધો હતો.’ વિશ્વયુદ્ધ સહિતની ઉથલપાથલો તેમ જ પૃથ્વીસિંહ અને ગાંધીજી વચ્ચેના રાજકીય મતભેદોને કારણે સંઘ બંધ થતાં વૈદ્ય પાછા કામની શોધમાં લાગ્યા હતા. પૃથ્વીસિંહનું જે એક સંભારણું વૈદ્યસાહેબે આજીવન સક્રિય રાખ્યું હતું તે તેમની પાસેથી ભેટ મળેલી ડેટન કંપનીની સાયકલ. અમદાવાદના જાણીતા સાયકલિસ્ટોમાંના એક એવા વૈદ્ય સાહેબ પંચોતેરના થયા ત્યાં સુધી ગુજરાત યુનિવર્સિટીના ગણિત વિભાગમાં સાયકલ ચલાવીને જતા !

હંમેશાં ખાદી પહેરનાર વૈદ્યસાહેબ પર ગાંધીજીનો નોંધપાત્ર પ્રભાવ હતો. તેમણે 'ચૉક અને ડસ્ટર' નામે લખેલાં સંસ્મરણોમાં 1943ના ફેબ્રુઆરીનો પ્રસંગ આલેખ્યો છે : 'ગાંધીજીના અપવાસ અંગેના સમાચાર જાણવાની ઇંતેજારીમાં ઝાડ નીચે આંટા મારતાં મારતાં મને ખ્યાલ આવ્યો કે સાદા પ્રવાહી માટે તો ગતિમાર્ગ ઘનરેખા હોય. પણ પ્રકાશની ગતિ તો સઘળા પદાર્થની ગતિ કરતાં વધુ છે. આઇન્સ્ટાઈનના 1905ના સાપેક્ષતાના પહેલા સિદ્ધાન્ત મુજબ તો પ્રકાશનો ગતિમાર્ગ શૂન્ય-રેખા લેવો જોઈએ ! અને એક વાર દિશા સૂઝી એટલે ઝપાટાબંધ  કામ ચાલ્યું. એક તરફથી ગાંધીજીની તબિયત સુધરી ગઈ, અપવાસ સુખરૂપ પૂરા થઈ ગયા. બીજી તરફથી અમે સૂર્યપ્રકાશ ગણતરીમાં લઈ આઇન્સ્ટઈન-સમીકરણોનો એક સુંદર ઉકેલ મેળવી લીધો.

એક મનીષી વિશે ચિંતા કરતા બીજા મનીષી અંગે દર્શન લાધે એ અદ્દભુત યોગાયોગ છે. વૈદ્યસાહેબે 'ગાંધી અને આઇન્સ્ટાઈન' પર માનવતાવાદ અને વિશ્વશાંતિના સંદર્ભમાં વ્યાખ્યાન આપ્યું હતું. વળી ગાંધીવાદ અને સામ્યવાદ એ બંનેને તેઓ આદર આપતા, 'પરંતુ એ બંને વચ્ચેની કશ્મકશ પણ કાયમ ચાલતી' ,એમ અરુણ વૈદ્યે નોંધ્યું છે. વૈદ્યસાહેબના સાદગીભર્યા છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સ્વમાનીપણાના પ્રસંગો લખનાર અરુણભાઈ એમ પણ નોંધે છે : 'પોતાના ઓરડામાં તે કાકીને વાંસળીની ધૂનો અચૂક સંભળાવે'. લેખનકલા પણ એમને અવગત હતી એનો ઉત્તમ પૂરાવો 'પસ્તીનાં પાનાં' પુસ્તકની 150 'નિબંધિકાઓ'. તેમાં તેમનું સંવેદન તણખલાંથી તારમંડળ લગી, પગરિક્ષા ચલાવનાર મજૂરથી ભારતના પહેલા પરમાણુ વિસ્ફોટ સુધી, કવિ કાલિદાસથી રશિયન ગણિતી કોવાલેવ્સ્કાયા સુધી વિસ્તરે છે.

વૈદ્ય સાહેબનું વિરલ સન્માન એટલે તેમની પરનો એક અંગ્રેજી અભિવાદન-ગ્રંથ. તેનું નામ છે 'એ રૅ ન્ડ મ વૉક ઇન રિલેટિવિટી અ‍ૅ ન્ડ કૉસ્મૉલૉજિ : એસેઝ ઇન ઑનર ઑફ પી.સી. વૈદ્ય અ‍ૅન્ડ એ.કે. રૉયચૌધુરી'. અમલકુમાર રૉયચૌધુરી કોલકાતાની પ્રેસિડેન્સિ કૉલેજના અધ્યાપક હતા. આ અ‍ૅકેડેમિક અભિવાદનગ્રંથમાં એક પણ પ્રશસ્તીલેખ નથી, પણ સાપેક્ષતા અને બ્રહ્માંડવિદ્યા વિષયો પર દુનિયાભરના એકવીસ વિજ્ઞાનીઓના સંશોધનલેખો છે. તેમાં ચાર ફ્રાન્સના, ઈટાલી, જાપાન અને દક્ષિણ આફ્રિકામાંથી દરેકના બે લેખકો છે. ઇંગ્લે ન્ડ, અમેરિકા, બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયાના એક-એક અને ભાવનગરના બે વિજ્ઞાનીઓ છે. ગ્રંથની પ્રસ્તાવનામાં સંપાદકો કહે છે : ' ભારતમાં ત્રીજી પેઢીના સાપેક્ષતા-અભ્યાસકો માટે વૈદ્ય અને રૉયચૌધુરી આદરણીય અને પ્રેરણાદાયી શિક્ષકો છે … દુનિયાના જુદા જુદા દેશોના વિજ્ઞાનીઓએ આ ગ્રંથમાં લેખન કર્યું છે. આ ઘટના વૈદ્ય અને રૉયચૌધુરીએ સાપેક્ષતા અને બ્રહ્માંડવિદ્યાના સંશોધનમાં કરેલા આંતરરષ્ટ્રીય મહત્ત્વનું ઉચિત ગૌરવ છે.' વિશ્વના વિદ્યાજગતે પ્ર.ચુ. વૈદ્યસાહેબને આપેલી આ કેટલી ભવ્ય માનવંદના છે તે ભાગ્યે સમજાવવાને જરૂર છે.

વૈદ્યસાહેબ તેમના વિશેના દસ્તાવેજી ચિત્રપટમાં કહે છે : 'ગણિત શીખવવાનું અઘરું હોઈ શકે, પણ શીખવું અઘરું નથી … દુનિયાના કોઈ દેશની નથી તેવી ગણિત પરંપરા આપણા દેશના લોકોને મળી છે. અલબત્ત આ વાંચીને આપણો રાષ્ટ્રપ્રેમ ઊભરાઈ જાય તે પહેલાં 'પસ્તીનાં પાનાં'ના દસમાં પાને વૈદ્યસાહેબને વાંચીએ : 'મને આ ગુરુ-શિષ્ય પરંપરામાં શ્રદ્ધા નથી … મારો ગુરુ હું પોતે, મારે વળી બીજા ગુરુની શી જરૂર ? … અને જો હું એવી આત્મશ્રદ્ધા ધરાવતો હોઉં તો પછી મારે ગુરુની જરૂરત શી રહી?

3 મે 2017

+++++

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક “નવગુજરાત સમય” માંહેની લેખકની સાપ્તાહિક કટાર, 19 મે 2017 

Loading

શબ્દો : સાવચેતી અને સમજથી વાપરવા જેવા, બદલવા જેવા કે પછી સાવ છોડી દેવા જેવા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|22 May 2017

શબ્દોના ઐતિહાસિક, રાજકીય, સામાજિક પાસાં રસપ્રદ હોય છે …

હમણાં શાળા-કૉલેજોમાં ઉનાળાની રજાઓ પડી. નિવૃત્ત થઈ રહેલાં શિક્ષકો-અધ્યાપકોના વિદાય સમારંભ થયા. અધ્યાપકોના વિદાય સમારંભમાં કહેવામાં આવતું હોય છે કે તેમણે સંસ્થાને ‘દીર્ઘકાળ સેવા આપી છે’. આ ‘સેવા’ તેમણે દર વર્ષે આઠેક અઠવાડિયાનાં વેકેશન, રવિવાર અને અન્ય રજાઓ ભોગવીને કરી હોય છે. તેમાં દરેક વર્ષે અને દર દસ વર્ષે તેમને પગાર વધારો મળ્યો છે. છતાં તેમણે કરેલી નોકરીને ‘સેવા’ ગણીને બિરદાવવામાં આવે છે. સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓએ પણ વર્ષો સુધી પૂરા પગાર અને તમામ લાભ સાથે કરેલી નોકરીની બાબતે પણ ‘સેવા’ શબ્દ વપરાય છે. આ બધાએ કરેલી નોકરીની નિષ્ઠાની સામે સવાલ કર્યા વિના પણ એમ પૂછવાનું થાય કે એને ‘સેવા’ કહેવાય ખરી ?

જો એ સેવા હોય તો વધારે જોખમ-જવાબદારી-જિગર અને ઓછાં પગાર-સગવડ-રજાઓ સાથે ફરજ બજાવનારા લશ્કરના સૈનિકો જે કરે છે એને શું કહેવાય ? એને આપણે ફરજ કહીએ છીએ. ખરેખર તો આપણા જવાનોને અને મોટાભાગના શ્રમજીવીઓને તેમના કામના પ્રમાણમાં જે નજીવું વળતર મળે છે તેને જોતાં તેઓ ‘સેવા’ આપી રહ્યા છે એમ જ કહેવું પડે. વળી સમાજ પાસેથી વ્યાજબી વેતન લઈને કરવામાં આવતું કામ એ સેવા હોય તો રવિશંકર મહારાજે જે કર્યું તેને શું કહેવાય ? અરે હા, પોતાના નામ પહેલાં એક નહીં, બે વખત શ્રી લગાડતા  તેમ જ યમુનાનો પટ ગંદો કરતા ધનાઢ્ય ગૉડમૅનના જમાનામાં આ રવિશંકર શબ્દ પણ ગુજરાતમાં સાચવીને વાપરવો પડે એમ છે.

બીજો એક ધ્યાનથી વાપરવા જેવો, ખરેખર તો ટાળવા જેવો શબ્દ છે ‘પ્રજા’. દુનિયામાંથી રાજાશાહી શાસનવ્યવસ્થાનો એકંદરે અંત થયો છે. પ્રજા શબ્દ રાજાશાહી સૂચવે છે. લોકશાહી અર્થાત્‌ ‘ડેમૉક્રસી’ શબ્દમાં ‘ડેમોસ’ એવા ગ્રીક શબ્દનો અર્થ સર્વસામાન્ય લોકો એવો થાય છે. ભારતના બંધારણના આમુખમાં લોકતંત્ર શબ્દ છે. આ ‘લોક’ મહત્ત્વનું છે. તે અ-લૌકિક કે દૈવીની વિરુદ્ધનું એટલે કે માનવીય છે. લોકવિદ્યા, લોકકલા, લોકસાહિત્ય, લોકસંગીત જેવા શબ્દોમાં ‘લોક’ છે, પ્રજા નહીં. જનતા શબ્દમાં પણ જન સમાયેલાં છે. એટલે ભારતના એક સમર્પિત  સંગઠનનું નામ ‘જનઆંદોલનોં કા રાષ્ટ્રીય સમન્વય’ એવું છે. જયપ્રકાશ નારાયણની ચળવળ પ્રજાઆંદોલન નહીં પણ જનઆંદોલન કે લોકઆંદોલન કહેવાય છે. આ ‘લોક’નો એકડો આપણા શાસનતંત્ર તેમ જ જાહેરજીવનમાંથી ભૂંસાતો જાય છે.

ખરેખર તો આપણે ભૂંસવાની જરૂર છે સ્ત્રીઓ વિશે આપણે ત્યાં વપરાતાં શબ્દો, રૂઢ પ્રયોગો અને કહેવતો. ‘સતી’ શબ્દ સ્ત્રીની મહત્તા માટે વપરાય છે. પણ તે આપણા દેશમાં લોકજીભે ચઢ્યો છે તે પતિ પાછળ પત્ની ચિતા પર ચઢે તે બદીને કારણે. આ જોરજુલમથી જ થતું અને પછી તેને મહાનતાનાં લોહિયાળ વાઘાં પહેરાવવામાં આવતાં. ક્યાંક સ્ત્રી સ્વેચ્છાએ સતી થયાની વિવાદાસ્પદ આધાર સાથેની નોંધ હોય તેમાં પણ સ્ત્રીના મનનું સામાજિક અભિસંધાન (સોશ્યલ કન્ડિશનિન્ગ) હોય. ‘સતો’ શબ્દ કે વિભાવના નથી એ જ હકીકત સતીના રિવાજની ક્રૂર પુરુષકેન્દ્રિતા બતાવે છે. સતી શબ્દ ભાષામાંથી નીકળી જાય તે બેહતર છે.

વૈધવ્ય અને તેની સાથે સંકળાયેલા શબ્દો આપણે ત્યાં ઘણી વખત વપરાય છે. ‘બોડી બામણીનું ખેતર’, ‘રાંડ્યા પછીનું ડહાપણ’, ‘બોડીને ત્યાં વળી કાંસકી કેવી?’, ‘છાતી પીટતી વિધવાઓ જેવો કકળાટ’ જેવાં રૂઢ પ્રયોગો સમાજના એક હિસ્સાએ વિધવા સ્ત્રીની જિંદગી દોજખ બનાવી હતી તે જમાનાના છે. હવે આપણે ખુદને સુધરેલા સમાજના ગણાવતા હોઈએ તો એ સ્ત્રીઓ માટેનાં અપમાનજનક એક્સપ્રેશન્સને વિદાય આપવી જોઈએ. બાઈઓ, બૈરું, બૈરાં, બાયડી, બૈરાંની-બુદ્ધિ-પગની-પાનીએ, દીકરી-ને-ગાય-દોરે-ત્યાં-જાય એવી  તુચ્છકારવાળી ભાષા આપણે જ્યારે વાપરીએ છીએ, ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી માતા કે બહેનો પણ સ્ત્રી જ છે. તદુપરાંત ‘અબળા’ અને ‘પુરુષ સમોવડી’ પ્રયોગો બિલકુલ છોડી ન દઈ શકાય ? ‘ભગીરથ પ્રયાસ’, ’પ્રથમ પુરુષ એકવચન’ અને ‘પુરુષાર્થ’ જેવા પ્રયોગોના વિકલ્પો વિચારી શકાય ?  વળી ‘વેશ્યા’ અને ‘કુંટણખાના’ને બદલે સેક્સ વર્કર અને બ્રૉદેલ કેમ ન વાપરી શકીએ ? અંગ્રેજી કે સંસ્કૃત ભાષા શબ્દોથી સૂચવાતી અણગમતી બાબતોને સોજ્જી અથવા સોફિસ્ટિકેટેડ રૂપે રજૂ કરે છે એવું આપણે માનીએ છીએ. જાજરુ-મૂતરડી-સંડાસના શબ્દોને બદલે ટૉયલેટ કે વૉશરૂમ, શૌચાલય કે સ્વચ્છતાગૃહ શબ્દો વાપરીએ છીએ. સંસ્કૃત અને અંગ્રેજી બંને સત્તાધારીઓની ભાષા રહી હતી. એક બ્રાહ્મણોની અને બીજી બ્રિટિશરોની. આ બંને વર્ગોની આપણા સમાજમાનસ પરનાં સીધાં કે આડકતરાં, સભાન કે અભાન આધિપત્યને પરિણામે જે તે ભાષાના રોજબરોજ બોલાતા શબ્દોની જગ્યાએ સંસ્કૃત કે અંગ્રેજી શબ્દોનો સહારો લઈએ છીએ. અહીં મૂળ ધારણા એવી છે કે આ બંને ભાષા સંસ્કારિતાની નિર્દેશક છે.

શબ્દોને તથાકથિત સંસ્કારિતાનો રંગ આપવા આપણે ક્યારેક પ્રશિષ્ટ ભાષા સંસ્કૃતનો સહારો લઈએ છીએ. જેમ કે, અંધ માટે પ્રજ્ઞાચક્ષુ, કે શરીર વેચીને જીવનારી સ્ત્રી માટે રૂપજીવિની, અને બહુ જ વિવાદાસ્પદ રીતે અપંગ માટે દિવ્યાંગ. અંગ્રેજી ભાષા યુરોપની પ્રશિષ્ટ ભાષા લૅટિનનો સહારો નથી લેતી, પણ તે આવકાર્ય  વિકલ્પો અંગ્રેજીમાં જ આપે છે. જેમ કે, કોઈ પણ પ્રકારની વિકલાંગતા ધરાવતા માણસ માટે અર્થપૂર્ણ શબ્દ છે ‘ચૅલેન્જ્ડ’. એમાં ભાવ એ છે કે વિકલાંગતાને કારણે જિંદગી એક પડકાર હોવાનો, તેમાં દિવ્યતા-ફિવ્યતા જેવું અષ્ટમ-પષ્ટમ કશું નથી. એટલે ‘બ્લાઇન્ડ’ ને બદલે ‘વિઝ્યુઅલિ ચૅલેન્જ્ડ’, રિટાર્ડેડને બદલે ‘મેન્ટલિ ચૅલેન્જ્ડ’ શબ્દો વાપરવા જેવા છે. એકંદર અપંગ માટે અંગ્રેજીમાં બીજા બે હકારાત્મક શબ્દો છે ‘ડિફરન્ટલિ એબલ્ડ’ અથવા ‘સ્પેશ્યલી એબલ્ડ’ ! ‘ત્રીજા/ચોથા વર્ગના કર્મચારી’, ‘પટાવાળા’, ‘નોકર’, ‘રામા’ જેવા શબ્દોને બદલે ‘સેવકો’, ‘મદદ કરનાર’ જેવા શબ્દો ન આવે ?

‘સપોર્ટ સ્ટાફ’ એવો શબ્દ છે. કચરો વાળનારા માટે સફાઈ કર્મચારીથી લઈને સફાઈકર્મી, સ્વચ્છતાસેવક કે આરોગ્યદૂત ચલણમાં ન મૂકી શકીએ ? પત્ની કે ઘર સંભાળનાર સ્ત્રી માટે આપણે ત્યાં ગૃહિણી અને અંગ્રેજીમાં ‘હોમમેકર’ શબ્દ છે. અંગ્રેજી ભાષામાં જેન્ડર-ન્યુટ્રલ એટલે કે લિંગ નિરપેક્ષ શબ્દોના ઉપયોગનો પ્રયત્ન કરવામાં આવે છે.  એની પાછળ ખ્યાલ એમ છે કે એવા શબ્દો ટાળવા જોઈએ કે જે જરૂર ન હોય ત્યાં પણ સ્ત્રી-પુરુષોનો ભેદ પાડે, સ્ત્રીને બીબાંઢાળ બંધનકર્તા ભૂમિકામાં બતાવે કે કોઈ પ્રવૃત્તિ/હોદ્દો માત્ર પુરુષને જે સિદ્ધ હોય એવા માનસ પર આધારિત હોય. એટલે ‘પોએટેસ’ને બદલે પોએટ છે, અને ઍક્ટ્રેસને બદલે ઍક્ટર. ચેરમાં હંમેશાં મૅન જ શા માટે હોય ?  એટલા માટે  ચેરપર્સન , અને રમતગમત  કંઈ પુરુષોનો ઇજારો નથી એટલે સ્પોર્ટસપર્સન. જો કે આપણે ત્યાં પ્રતિભા પાટીલ દેશના સર્વોચ્ચ સ્થાને હતાં ત્યારે ય તેમના માટે લગભગ બધે રાષ્ટ્રપતિ શબ્દ જ ચાલુ રહ્યો હતો. રાષ્ટ્રપ્રમુખ  શબ્દ હોવા છતાં !

03 મે 2017

+++++++

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની “નવગુજરાત સમય” માંહેની સાપ્તાહિક કટાર, 12 મે 2017

Loading

જે શહીદ થાય તે જ દેશભક્ત કહેવાય?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 May 2017

ગુજરાતીઓ સૈન્યમાં જોડાતા નથી એવું મહેણું બહુ જૂનું છે, એટલે ‘કેટલા ગુજરાતી શહીદ થયા?’ એવો ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીનો કટાક્ષ ઘા ઉપર મીઠું ભભરાવવા જેવો છે, પરંતુ ગુજરાતીઓએ એનાથી નારાજ થવાની કે શરમ અનુભવવાની જરૂર નથી. યાદવનું નિશાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રવાદના નામ ઉપર ચાલતી રાજનીતિ હતી અને એની સામે સવાલ કરતા કહ્યું, ‘યુપી, મધ્યપ્રદેશ, દક્ષિણ ભારત હર જગહ સે શહીદ હુએ હૈ, ગુજરાત કા કોઇ જવાન શહીદ હુઆ હો તો બતાઓ.’

તથ્યોના આધાર પર અખિલેશનું વિધાન ગલત છે. ‘દિવ્ય ભાસ્કર’ની ઓનલાઇન આવૃત્તિમાં ગુજરાત સરકારની સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ કચેરીના પ્રગટ થયેલા આંકડા પ્રમાણે 1965થી અત્યારે સુધીમાં 86 ગુજરાતી સૈનિકો શહીદ થયા છે. આમાં કારગિલ યુદ્ધ (1999) પછી શહીદ થયેલા ગુજરાતીઓની સંખ્યા 50 છે.  જો કે, અખિલેશે જે ‘સળી’ કરી છે તે પેલી પ્રચલિત માન્યતા પર આધારિત છે કે ગુજરાતીઓ ‘મની માઇન્ડેડ’ છે અને ‘દાળ-ભાતિયા’ છે.

એને સૈન્યમાં બીજા પ્રદેશના લોકોના પ્રતિનિધિત્વ સાથે જોડો એટલે દાખલો એવો બેસે કે અન્ય રાજ્યોના સૈનિકો દેશની રખેવાળી કરતાં કરતાં શહીદી વહોરે છે ત્યારે ગુજરાતીઓ એમનું બેન્ક બેલેન્સ તગડું કરવામાં વ્યસ્ત હોય છે. આમાંથી જ એ માન્યતાએ જન્મ લીધો છે કે ગુજરાતીઓ સૈન્યની આકરી કારકિર્દીને બદલે ધંધા-વેપારનો સુંવાળો વ્યવસાય પસંદ કરે છે. આમાં ભાવ એવો અભિપ્રેત છે કે પૈસા બનાવવા એ સ્વાર્થી પ્રવૃત્તિ (અને એટલે ક્રાઇમ) છે અને સરહદ પર લડવું એ સેવા છે (અને દરેકની ફરજ છે).

આવા કુતર્કના આધારે એવી ‘ગાળ’ આપવામાં આવે છે કે ગુજરાતી મા-બાપો એમના દીકરાને સરહદ ઉપર મોકલવાને બદલે ગલ્લા પર બેસાડે છે. રાહુલ ધોળકિયાએ શાહરુખ ખાનની (અમદાવાદના ડોન લતીફ આધારિત) ફિલ્મ ‘રઇસ’માં આ જ માન્યતા આગળ ધપાવી હતી, જેમાં ‘લતીફ’ એક જગ્યાએ કહે છે, ‘અમ્મીજાન કહેતી થી, કોઇ ધંધા છોટા નહીં હોતા, ઔર ધંધે સે બડા કોઇ ધર્મ નહીં હોતા.’ પહેલા તો ગુજરાતીઓએ આ મહેણાથી નારાજ થવાની જરૂર નથી, કારણ કે દેશપ્રેમ બતાવવાની એક માત્ર સાબિતી સૈન્યની નોકરી કે શહીદી નથી.

બીજું, સૈન્યમાં ગુજરાતીઓ ઓછા છે તે વાત સાચી છે, અને તેનાં ઠોસ કારણો છે. બીજી વાત પહેલા. સૈન્યમાં કેટલા ગુજરાતી છે તેના અધિકૃત આંકડા ઉપલબ્ધ નથી, કારણ કે સરકાર (કે સૈન્ય) પ્રાદેશિક જાતિ પ્રમાણે આંકડા રાખતી નથી. જેનો રેકોર્ડ મળે છે તે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ અને આંધ્રપ્રદેશ બ્રિટિશરાજ સમયની ‘માર્શલ રેસ’ (લડાયક જાતિ) પરંપરામાં આવે છે.

2004માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ડેપ્યુટી પ્રધાનમંત્રી એલ. કે. અડવાણીએ ભારતીય સેનામાં ગુજરાત રેજીમેન્ટ ઊભી કરવાની માગણી કરી હતી, તેને ફગાવી દેતાં તત્કાલિક રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝે કહ્યું હતું કે સ્વતંત્રતા પછી સેનાએ કોઇ જાતિ, સમુદાય કે બીજી કોઇ ઓળખના આધારે રેજીમેન્ટ બનાવવાનું બંધ કર્યું છે અને શીખ, ગોરખા કે ડોગરા જેવી ‘સિંગલ ક્લાસ’ રેજીમેન્ટ બ્રિટિશ પરંપરાના ભાગરૂપે જ રાખવામાં આવી છે. એટલે ગુજરાતીઓ એ જ કારણથી ઓછા છે, જે કારણથી તમિલિયનો કે કન્નડો ઓછા છે: રેજીમેન્ટનો અભાવ.

બીજું, કાળજીપૂર્વકનું આયોજન કહો કે અકસ્માત, આઝાદી પછી આર્થિક સત્તા પશ્ચિમ ભારત તરફ ખસી, રાજકીય ગઢ મધ્યપૂર્વ ભારતમાં મજબૂત થયો, વહીવટી ક્ષમતા દક્ષિણના નિયંત્રણમાં આવી અને સૈનિક તાકાત ઉત્તરમાં કેન્દ્રિત થઇ. એટલે દેશને ચલાવવા માટે એક રાજકારણીને કેરળના કુશળ વહીવટદારની, પંજાબના જાબાંઝ સૈનિકની અને ગુજરાતના ધંધાદારીની આવશ્યકતા રહે છે, અને આ ચારેય ‘ભારત’ નામની ઓળખ બતાવે છે.

એટલે, મહેણાની વાત કરીએ તો, ગુજરાતનો વેપારી દેશની તરક્કી અને ઇજ્જતમાં એટલો જ સહયોગ આપે છે, જેટલો ભોગ મરાઠા લાઇટ ઇન્ફંટ્રી કે રાજપૂતાના રાઇફલ્સ આપે છે. ભારતીય સૈન્ય જેવી સેક્યુલર ફોર્સ બીજી કોઇ નથી, અને એનો જશ બ્રિટિશરોને જાય છે જેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આવતા પહેલાં અંદરો-અંદર લડતા ભારતના વિભાજિત લશ્કરોને પ્રોફેશનલ આર્મીની છત્રી નીચે એકઠા કરીને એમને ‘ખાધે-પીધે’ એટલા સુખી અને સમૃદ્ધ બનાવી દીધા કે એમને દેશમાં ચાલતી વહીવટી કે રાજકીય માથાકૂટમાં રસ લેવાની જરૂર ન રહી.

હકીકત એ છે કે એક સામાન્ય માણસ સૈન્યમાં જોડાય છે તેની પાછળ માત્ર ને માત્ર કોઇ કટ્ટર રાષ્ટ્રભક્તિ કે દેશસેવા નહીં પરંતુ સામાજિક ઇજ્જત, ઉચિત આમદની અને જીવનભરના પેન્શનની સુવિધાની ભાવના પણ હોય છે. એમાં જીવનું જોખમ છે તે સાચું, પરંતુ એને દેશભક્તિ સાથે જોડવા કરતાં વ્યાવસાયિક જોખમ ગણવું વધારે ઉચિત છે. જે લોકો એને દેશભક્તિની સાબિતી ગણે છે તે લોકો સૈન્યને રાજકીય રંગ ચઢાવીને એની વ્યાવસાયિક કુશળતાને હાનિ પહોંચાડી રહ્યા છે.

રાષ્ટ્રભક્તિની પહેચાન શૂરવીરતા કે શહીદીમાં જ નથી, પણ પોતાના પરિવાર, પ્રદેશ અને સરકાર પ્રત્યેની પ્રામાણિક જવાબદારીમાં છે. એ રીતે એક વિજ્ઞાની, રમતનો ખેલાડી, શિક્ષક કે એક વેપારી એટલો જ રાષ્ટ્રભક્ત છે, જેટલો એક વફાદાર અને ઇમાનદાર સૈનિક હોય છે. એમ તો મહાત્મા ગાંધી સરહદ પર જઇને લડ્યા ન હતા, અને છતાં એમને રાષ્ટ્રભક્તોમાં ઊંચા રાષ્ટ્રભક્ત ગણવામાં આવે છે. એ રાષ્ટ્રભક્તિ એમના ડહાપણ, પ્રામાણિકતા અને જવાબદેહીમાંથી આવતી હતી. એટલા માટે જ એમને ‘અહિંસાના સૈનિક’ એવું નામ પણ મળ્યું હતું. આ ‘સૈનિક’ ગુજરાતી જ હતા, એ ઓછું છે?

જેસી કૃષ્ણ.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 21 મે 2017

Loading

...102030...3,4143,4153,4163,417...3,4203,4303,440...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved