Opinion Magazine
Number of visits: 9767459
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નીતીશકુમારે ૨૪ કલાકમાં સેક્યુલરિઝમથી ફાસીઝમની યાત્રા કરીને ઉઘાડા સત્ય પર સીલ મારી આપ્યું છે કે રાજકારણીઓ માત્ર સત્તાનું રાજકારણ કરે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|29 July 2017

એમ કહેવાય છે કે લાલુ યાદવે કેન્દ્ર સરકારના બિહારના બે પ્રધાનોનો સંપર્ક કરીને ઑફર કરી હતી કે જો ચારાકૌભાંડમાં રાંચીની વડી અદાલતના ચુકાદા સામે CBIએ સર્વોચ્ચ અદાલતમાં જે અપીલ કરી છે એને મોળી પાડે તો વળતરમાં તેઓ નીતીશનું માથું વધેરીને તાસક પર આપવા તૈયાર છે, રાષ્ટ્રીય જનતા દલ નીતીશને આપેલો ટેકો પાછો ખેંચશે અને સરકાર તોડી પાડશે. ઑફર રસપ્રદ હતી, પરંતુ BJPએ બીજી ચાલ ચાલી. ઑફરની જાણ નીતીશને કરી દીધી અને વળતી ઑફર કરી કે જો નરેન્દ્ર મોદી સાથે સુવાણ કેળવવા તૈયાર હો તો લાલુને સપડાવીને તેમનાથી છુટકારો કરી આપીએ

નીતીશકુમારને નરેન્દ્ર મોદી અને લાલુ પ્રસાદ યાદવ એમ બન્ને માટે અણગમો છે. લાલુ માટેનો અણગમો એટલો તીવ્ર હતો કે ૧૭ વરસ પહેલાં તેમણે જનતા દલ છોડીને સમતા પાર્ટીની સ્થાપના કરી હતી અને BJP સાથે હાથ મેળવ્યા હતા. અણગમાનું મુખ્ય કારણ મનોવૈજ્ઞાનિક હતું. જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં બિહારમાં થયેલા આંદોલનમાં બન્ને સાથી હતા અને લાલુ યાદવ નેતા હતા. લાલુ-નીતીશનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો, લાલુના ખાસ વિશ્વાસુ પડછાયા જેવો અને કહો કે ખાંધિયા જેવો હતો. લાલુની લોકપ્રિયતા વિદ્યાર્થીઓમાં અને રાજકારણમાં પ્રવેશ્યા પછી લોકોમાં પ્રચંડ હતી. આ ઉપરાંત લાલુ યાદવની બોલવાની અને મજાકમસ્તી કરવાની પોતાની અનોખી શૈલી છે.

આવા લોકો એ ભૂલી જતા હોય છે કે વખત જતાં દરબારીઓ પણ મોટા થવા લાગે છે. તેમની અંદર પણ માન-મરતબાની ઇચ્છા જાગે છે. લાલુ યાદવ નીતીશને એક અનુયાયી, પડછાયો કે દરબારી તરીકે જોતા હતા અને વર્તતા હતા એ હવે બિહારના કૅબિનેટપ્રધાન બનેલા નીતીશને ગમતું નહોતું. આ ઉપરાંત નીતીશકુમાર કુર્મી સમાજમાંથી આવે છે જે બિહારમાં યાદવ પછી સંખ્યાની દૃષ્ટિએ સૌથી મોટી જ્ઞાતિ છે. બિહારમાં જ્ઞાતિનાં સમીકરણોમાં નીતીશકુમાર પણ તાકાત ધરાવતા હતા એ લાલુના ધ્યાનમાં આવ્યું નહોતું અને આવ્યું હતું તો એના તરફ ધ્યાન આપ્યું નહોતું, કારણ કે તેમને મન નીતીશકુમાર એક આંગળિયાત વિશ્વાસુ દરબારી હતા. જ્યૉર્જ ફર્નાન્ડિસ સાથે મળીને નીતીશકુમારે એક દિવસ બળવો કર્યો અને બિહારમાં બે ધ્રુવીય રાજકારણ શરૂ થયું જેમાં નીતીશકુમાર એક ધ્રુવ બની ગયા.

વીતેલી સદીના છેલ્લા દાયકામાં રાષ્ટ્રીય રાજકારણ પણ દ્વિધ્રુવીય બની ગયું, એમાં એક ધ્રુવ BJPના નેતૃત્વમાં NDAનો હતો. અટલ બિહારી વાજપેયી NDAનું નેતૃત્વ કરતા હતા એટલે સમાજવાદી ધારામાંથી આવતા નીતીશકુમારને શરમ અને સંકોચનો અનુભવ નહોતો થતો. નીતીશકુમાર હિન્દુત્વવાદીઓની મહેફિલમાં અટલજીના નેતૃત્વને કારણે કમ્ફર્ટેબલ હતા. આ બાજુ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા પછી રાષ્ટ્રીય નેતૃત્વ માટે નજર દોડાવી હતી. ગુજરાતનો નરસંહાર તેમના કપાળે લાગેલું કલંક હતું જેના તરફ નીતીશકુમારે આંખ આડા કાન કર્યા હતા, પરંતુ નરેન્દ્ર મોદીની ઉઘાડી સત્તાવાસના અને એના માટે શરમ-સંકોચ વિના કોઈ પણ માર્ગ અપનાવવાની નિર્લજ્જતા નીતીશ માટે અકળાવનારી હતી. ૨૦૦૯માં લુધિયાણામાં યોજાયેલી NDAની રૅલીમાં અચાનક નરેન્દ્ર મોદીએ દોડી આવીને નીતીશકુમારનો હાથ પકડીને હવામાં ઉઠાવ્યો હતો અને એવો દેખાવ કર્યો હતો કે નીતીશને પણ મોદીના નેતૃત્વ સામે વાંધો નથી. ૨૦૧૦માં BJPની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બિહારમાં મળી ત્યારે નરેન્દ્ર મોદીએ પેલા લુધિયાણાવાળા ફોટો સાથે બિહારનાં અખબારોમાં જાહેર ખબર આપી હતી. કોસી નદીની હોનારત વખતે ગુજરાત સરકારે બિહારને પાંચ કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો એની પણ ચેકના ફોટો સાથે બિહારનાં અખબારોમાં જાહેરાત છપાવી હતી. આમ પરાણે કોઈના ખોળામાં બેસી જવાની અને પરાણે કોઈને ખોળામાં બેસાડવાની નરેન્દ્ર મોદીની હરકતો નીતીશકુમાર માટે અસહ્ય બનતી જતી હતી.

૨૦૧૩માં નરેન્દ્ર મોદીએ વિધિવત BJPના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે સ્વીકૃતિ મેળવી એ પછી નીતીશકુમારે NDAના ઘટક તરીકે નિર્ણય લેવાનો હતો કે મોદી સાથે જવું કે નહીં. ૨૦૧૪ના અંતમાં નીતીશકુમારે NDA સાથે છેડો ફાડ્યો અને એ પછી જે બન્યું એ નજીકનો ઇતિહાસ છે. એમાં વળી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બિહારમાં BJPને સૌથી વધુ બેઠકો અને મત મળ્યાં હતાં. એનાથી વધુ નહીં તો એટલી જ અકળાવનારી વાત નીતીશ માટે એ હતી કે તેમના પક્ષ કરતાં લાલુ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દલને વધુ બેઠકો અને વધુ મત મળ્યા હતા. BJPનો બિહારમાં પ્રવેશ થઈ રહ્યો છે એ સ્પષ્ટ થઈ ગયું હતું.

હવે નીતીશકુમાર માટે સંકટ પેદા થયું. NDAનો દરવાજો તેણે પોતે બંધ કર્યો હતો અને UPAમાં પ્રવેશ કરવો હોય તો UPAના બિહારના દરવાન લાલુને સલામ ઠોકવી પડે. આગળ કહ્યું એમ લાલુ યાદવ સાથે તેમને જરા ય સુવાણ નહોતી, પણ કરવું શું? લાલુ-નીતીશે કૉન્ગ્રેસ સાથે મળીને ૨૦૧૫ના નવેમ્બર મહિનામાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં BJPનાં સૂપડાં સાફ કરી નાખ્યાં અને નીતીશકુમાર બિહારના મુખ્ય પ્રધાન બન્યા પણ પેલી સુવાણની સમસ્યા એમ ને એમ હતી. ખબર આવતા હતા કે બધું સમુંસૂતરું નથી. એક બાજુ નીતીશની ક્લીન અને એફિશ્યન્ટની ઇમેજ અને બીજી બાજુ લાલુનાં જેટલાં સંતાનો એટલાં કૌભાંડ. એમાં ચારાકૌભાંડમાં સર્વોચ્ચ અદાલતમાં વળાંક આવ્યો કે લવાયો અને BJPને મહાગઠબંધન તોડવાની તક મળી ગઈ.

એમ કહેવાય છે કે લાલુ યાદવે કેન્દ્ર સરકારના બિહારના બે પ્રધાનોનો સંપર્ક કરીને ઑફર કરી હતી કે જો ચારાકૌભાંડમાં રાંચીની વડી અદાલતના ચુકાદા સામે CBIએ સર્વોચ્ચ અદાલતમાં જે અપીલ કરી છે એને મોળી પાડે તો વળતરમાં તેઓ નીતીશનું માથું વધેરીને તાસક પર આપવા તૈયાર છે. રાષ્ટ્રીય જનતા દલ નીતીશને આપેલો ટેકો પાછો ખેંચશે અને સરકાર તોડી પાડશે. ઑફર રસપ્રદ હતી, પરંતુ BJPએ બીજી ચાલ ચાલી. ઑફરની જાણ નીતીશને કરી દીધી અને વળતી ઑફર કરી કે જો નરેન્દ્ર મોદી સાથે સુવાણ કેળવવા તૈયાર હો તો લાલુને સપડાવીને તેનાથી છુટકારો કરી આપીએ.

નીતીશકુમારે બે અણગમતા માણસોમાંથી એકની પસંદગી કરવાની હતી અને એકથી છુટકારો મેળવવાનો હતો. એમાં લાલુની ઑફરની વાત કાને આવી જેમાંથી બુધવારની ઘટના બની. નૈતિકતા અને અંતરાત્માની નીતીશની વાતો બોગસ છે. અંતરાત્માના અવાજથી પ્રેરાઈને નીતીશે રાજીનામું આપ્યું હોત તો BJP સાથે મળીને સરકાર ન રચી હોત. તેઓ મતદાતાઓ સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે એમ તેમનો અંતરાત્મા નથી કહેતો? જાહેર જીવનમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે નીતીશને અભિનંદન આપનારા નરેન્દ્ર મોદીને યાદ અપાવવી જોઈએ કે તેઓ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ભ્રષ્ટાચારના આરોપમાં તકસીરવાર ઠરેલા તેમની કૅબિનેટના પ્રધાન બાબુ બોખીરિયા પાસેથી તેમણે રાજીનામું નહોતું માગ્યું. લાલુના પુત્ર સામે તો માત્ર આરોપનામું દાખલ થયું છે, જ્યારે બોખીરિયા તો ગુનેગાર સાબિત થયા હતા. આમ નૈતિકતા એ ઢોંગ માત્ર છે. હમામમાં બધા જ નાગા છે અને કોઈ પ્રામાણિક નથી.

પણ સેક્યુલરિઝમનું શું? એ પણ ઢોંગ માત્ર છે? જી હા, આ ઉઘાડું સત્ય છે, અનેક વાર સાબિત થઈ ગયું છે અને હવે નીતીશકુમારે ચોવીસ કલાકમાં સેક્યુલરિઝમથી ફાસીઝમની યાત્રા કરીને ઉઘાડા સત્ય પર સીલ મારી આપ્યું છે કે રાજકારણીઓ માત્ર સત્તાનું રાજકારણ કરે છે. સેક્યુલરિઝમની ખેવના કરનારાઓએ હવે અન્યત્ર નજર દોડાવવાની જરૂર છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 જુલાઈ 2017

Loading

જ્યાં સુધી આપણે બધા સુનીલ શિતપ બનવા માગીએ છીએ ત્યાં સુધી શિતપોનો સૂર્યાસ્ત થવાનો નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|29 July 2017

તમે ઘટના ભૂલી જઈને બીજા પ્રતિષ્ઠિત અને વગદાર માણસના દરબારમાં બેસીને ભાટાઈ કરતા હશો કે પછી તેના જેવા બનવાનાં સપનાં જોતા હશો અથવા તમારો પુત્ર તેના જેવો બનવાના પ્રયત્ન કરતો હશે તો તમે પોરસાઈને પ્રોત્સાહન આપતા હશો ત્યારે સુનીલ શિતપ છૂટી જશે. સુનીલ શિતપને છોડાવવામાં માત્ર વ્યવસ્થા જવાબદાર નહીં હોય, તમે પણ જવાબદાર હશો, કારણ કે તમારો રોલ-મૉડલ સુનીલ શિતપ છે. સિસ્ટમના વેઇટિંગ હૉલમાં તમે પણ વારો આવે એની રાહ જોઈને બેઠા છો. છાતી પર હાથ મૂકીને અંતરાત્માને પૂછી જુઓ; આ વાત સાચી છે કે ખોટી?

૧૯૩૧માં બીજી ગોળમેજ પરિષદમાં ભાગ લેવા ગાંધીજી લંડન ગયા ત્યારે બ્રિટનના રાજાએ ગાંધીજીને ચા-પાણી માટે બકિંગહૅમ પૅલેસમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. આમંત્રણના પત્રમાં મહેમાને કેવાં કપડાં પહેરવાં (ડ્રેસ-કોડ) વિશે નિર્દેશો આપવામાં આવ્યા હતા. ગાંધીજીએ આમંત્રણનો સ્વીકાર કરતાં લખ્યું કે તે કપડાં તો એ જ પહેરશે જે ભારતમાં પહેરે છે. ગોઠણ સુધીની ધોતી જે ઉપર છાતી પર વીંટાળેલી હશે અને લંડનમાં ઠંડી છે એટલે શાલ ઓઢી હશે. કહેવાની જરૂર નથી કે પગમાં ચંપલ હશે. બકિંગહૅમ પૅલેસમાં આ પહેલાં કોઈએ આવાં ફટીચર કપડાંમાં રાજાની મુલાકાત લીધી નહોતી અને તેને રાજાનું અપમાન માનવામાં આવતું હતું. અપવાદ કરવા માટે ગાંધીજીને ઘણી વિનંતીઓ કરવામાં આવી, પરંતુ ગાંધીજીએ યજમાને સુચવેલા ડ્રેસ-કોડને અપનાવવાની ના પાડી દીધી. છેવટે રાજાએ ઝૂકવું પડ્યું અને ગાંધીજી જેવાં કપડાંમાં આપણે તસવીરમાં જોઈએ છીએ એવાં કપડાંમાં બકિંગહૅમ પૅલેસમાં રાજાને મળવા ગયા હતા.

આ તો જાણીતી વાત છે, પરંતુ અજાણી વાત એ છે કે વિન્સ્ટન ચર્ચિલે ગાંધીજી સાથે અપવાદ કરવામાં આવે એનો વિરોધ કર્યો હતો. ચર્ચિલે કહ્યું હતું કે એક અર્ધનગ્ન ફકીર એવી તે કઈ તાકાત ધરાવે છે કે બ્રિટિશ સામ્રાજ્યના રાજાએ અપવાદ કરવો પડે. નથી તેની પાસે કોઈ સત્તા, નથી સામ્રાજ્ય કે નથી સંપત્તિ. એક ફટીચર માણસ છે જેને ભાવ આપવાની કોઈ જરૂર નથી. વિન્સ્ટન ચર્ચિલને જવાબ આપતાં કોઈકે કહ્યું હતું (નામ મને મળતું નથી) મિ. ચર્ચિલ, તમે જે કહો છો એ જ ગાંધીની તાકાત છે અને એ એવી તાકાત છે જેને છીનવી શકાતી નથી. ગાંધી એક એવો માણસ છે જેને પૈસાથી ખરીદી શકાતો નથી, સત્તાની લાલચ આપીને મોહિત કરી શકાતો નથી અને કોઈ સ્ત્રી તેને ચલિત કરી શકતી નથી. આ ત્રણ ચીજ એવી છે જેના દ્વારા માણસને ઝુકાવી શકાય છે અને જે માણસ આ ત્રણ ચીજથી મુક્ત છે તેની સમક્ષ દુનિયાની ગમે એવી તાકાત હોય એને ઝૂકવું પડે છે.

આજનો યુગ જુદો છે. આજે તાકાત, ઐશ્વર્ય, પ્રભુત્વ, વગ વગેરેની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. ૧૯૧૬માં બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીજીએ ભારતના ગવર્નરનો સલામતીનો તામજામ જોઈને કહ્યું હતું કે ભારતમાં લોકોની વચ્ચે ફરવામાં જો આટલો બધો ડર લાગતો હોય તો તમારે વતન પાછા જતા રહેવું જોઈએ. ડરીને જિંદગી જીવવી એ અભિશાપ છે અને સહજ મુક્ત જિંદગી વરદાન છે. પાંચ દાયકા પહેલાં કોઈએ કલ્પના નહોતી કરી કે એવા પણ દિવસો આવશે જ્યારે ડરીને જીવવામાં લોકો પ્રતિષ્ઠા સમજશે. આજુબાજુમાં ગનધારી કમાન્ડોઝ હોય તો કેવો વટ પડે. જેટલો વધારે ડર એટલી વધારે પ્રતિષ્ઠા. આપણે પણ એવા લોકોનું ઐશ્વર્ય ફાટી આંખે જોતાં રહીએ છીએ. કેટલાક લોકો તો મનોમન સપનાં પણ જોતા હશે કે આપણા આવા દિવસો ક્યારે આવશે, જ્યારે ડરવા મળશે. ટૂંકમાં ડરપોક લોકો આજે પ્રતિષ્ઠિત છે.

વગદાર કોણ છે? વગદાર એ છે કે જે કાયદો તોડવાની ક્ષમતા ધરાવે છે. કાયદાની મર્યાદામાં રહીને જીવે એ ભીરુ સામાન્ય જણ અને કાયદો તોડી શકે, કાયદાઓની ઐસીતૈસી કરી શકે એ વગદાર. કાયદાનું પાલન કરનારાઓએ દરેક જગ્યાએ લાઇનમાં ઊભા રહેવું પડે છે. કાયદાનું પાલન કરનારા ભીરુ નાગરિકે કાલે આવજો એવો એક-બે વાર નહીં, વારંવાર જવાબ સાંભળવો પડે છે. કાયદાનું પાલન કરનારાઓએ રૂમ-રસોડામાં જિંદગી વિતાવવી પડે છે. લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવો પડે છે. સંતાનના સારી કૉલેજમાં ઍડ્મિશન મેળવવા માટે કોઈ વગદારની ચિઠ્ઠી લેવા તેના દરબારમાં જવું પડે છે અને ખોટી-ખોટી ભાટાઈ કરવી પડે છે. મનમાં તો ગળું ઘોંટી દેવા જેટલો ગુસ્સો આવે છે, પરંતુ પછી સમજાય છે કે વ્યવસ્થા (સિસ્ટમ) તો આ લોકોના હાથમાં છે અને વ્યવસ્થા તેમના માટે જ કામ કરી રહી છે એટલે ગુસ્સો ઠંડો કરીને તેમના જેવા કેમ બનાય અને જો ન બની શકાતું હોય તો કમસે કમ તેમની નજીક કેમ જવાય એના ઓરતા જોવા માંડે છે.

બોલો, તમને આવો અનુભવ થયો છે કે નહીં? તમે જો પ્રતિષ્ઠિત અને વગદાર નહીં હો તો જરૂર તમને આવો અનુભવ થયો હશે. આમ પણ મારી કૉલમ પ્રતિષ્ઠિત અને વગદાર લોકો નહીં વાંચતા હોય અને એવા બનવાના બેત રચનારાઓ પણ નહીં વાંચતા હોય. આ કૉલમ મૂલ્યોની ખેવના કરનારાઓ માટે અને છેલ્લા માણસની ચિંતા કરનારાઓ માટેની છે. પ્રતિષ્ઠિત અને વગદાર લોકોએ વ્યવસ્થા એવી બનાવી છે કે દાયકા પહેલાં પગમાં પહેરવાં સ્લિપર નહોતાં એ આજે અડધો કિલો સોનું પહેરીને ચાર બંગડીની આઉડી કારમાં ફરે છે. કમાન્ડોઝ હોય તો-તો પૂછવું જ શું? ઘાટકોપરમાં ૧૭ જણને ભરખી જનારો સુનીલ શિતપ આવો એક માણસ છે. આજે ધિક્કાર વરસાવવામાં આવી રહ્યો છે, પરંતુ એનો શું ઉપયોગ? લખી રાખજો, તેનો વાળ પણ વાંકો થવાનો નથી. તમે ઘટના ભૂલી જઈને બીજા પ્રતિષ્ઠિત અને વગદાર માણસના દરબારમાં બેસીને ભાટાઈ કરતા હશો કે પછી તેના જેવા બનવાનાં સપનાં જોતા હશો અથવા તમારો પુત્ર તેના જેવો બનવાના પ્રયત્ન કરતો હશે તો તમે પોરસાઈને પ્રોત્સાહન આપતા હશો ત્યારે સુનીલ શિતપ છૂટી જશે. સુનીલ શિતપને છોડાવવામાં માત્ર વ્યવસ્થા જવાબદાર નહીં હોય, તમે પણ જવાબદાર હશો, કારણ કે તમારો રોલ-મૉડલ સુનીલ શિતપ છે. જ્યાં સુધી આપણે બધા સુનીલ શિતપ બનવા માગીએ છીએ ત્યાં સુધી શિતપોનો સૂર્યાસ્ત થવાનો નથી. સિસ્ટમના વેઇટિંગ હૉલમાં તમે પણ વારો આવે એની રાહ જોઈને બેઠા છો. છાતી પર હાથ મૂકીને અંતરાત્માને પૂછી જુઓ; આ વાત સાચી છે કે ખોટી?

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 29 જુલાઈ 2017

Loading

આવાસો

અનુવાદક : જયંત મેઘાણી|Poetry|27 July 2017

નગરની અંદર ઘર બનાવો એ પહેલાં વનાંચલમાં 

તમારી કલ્પનાની એક કુંજ જરૂર રચજો. 

કારણ, જેમ સાંજ ઢળ્યે તમારાં પગલાં ઘર ભણી વળે છે,
તેમ સુદૂરે વસતો તમારો એકાકી રઝળુ આતમ પણ એ જ પંથે પળે છે.
તમારું ઘર એ તમારા આત્માનો આવાસ છે.
એ ઘર સૂરજ–મંડપની છાયામાં વિકસે છે,
અને નીરવ રાત્રિખોળે પોઢી જાય છે.
એ નિદ્રા સ્વપ્નવિહોણી નથી હોતી;
તમારું ઘર પણ સ્વપ્નશૂન્ય થોડું હોય છે?
અને સ્વપ્નમાં એ નગર ત્યજીને વનાંચલે વિહરવા નીકળતું નથી?
ગિરિશિખરનાં આરોહણ કરતું નથી?
ઉમ્મીદ તો એવી ઊગે છે કે હું બધાં ઘરને મુઠ્ઠીમાં ભરી લઉં,
વાવનાર વનમાં ને વાડીમાં બીજ વેરતો જતો હોય છે તેમ
ઘરોની પણ, લાવ ને, વાવણી કરું!
અહો! પહાડોની કંદરાઓ તમારા વસવાટના રસ્તા હોત તો!
હરિયાળી પગદંડીઓ નગરની શેરીઓ હોત તો!
સહુ લોક દ્રાક્ષ–મંડપની છાંયમાં એકબીજાને શોધતા હોત તો!
પછી ઘેર પાછાં ફરતાં તમારાં વસ્ત્રોમાંથી
માટીની સુગંધ ફોરતી હોત તો!
પૂર્વજોએ સલામતી ખાતર તમને સહુને ભેગાં વસાવ્યાં.
ભીતિવિવશ એ રસમ હજુ ચાલવાની.
હજુ પણ તમારાં ઘર વસ્તીમોઝાર રહેવાનાં અને
તમારી વાડીઓ ગામસીમાડે રહેવાની.
અને, કહો, તમારાં ઘરોમાં શું ભંડાર્યું છે,
એવી તે કઇ જણસનું જતન કરવાનું છે કે
ઘરનાં બારણાં તમારે ભીડેલાં રાખવાં પડે છે?

તમારે મનડે શાંતિનો આવાસ છે? 

ચિત્તના ઝળહળ શિખરે પહોંચાડે એવી સ્મરણસંપદા છે? 

કેવળ દુન્યવી વસ્તુઓની સૃષ્ટિમાંથી દેવભવન ભણી લઇ જાય 

એવું હૃદયસૌંદર્ય છે ખરું? 

કહો, આવુંઆવું તમારાં ઘરોમાં છે? 

કે પછી નરી સગવડો જ સગવડોથી ઘર ઊભરાય છે? 

જે અતિથિ બનીને ચાતુરીપૂર્વક ઘરમાં પ્રવેશે છે, 

પછી યજમાન બની જાય છે, 

ને છેવટે ઘરની સ્વામિની બની બેસે છે! – એ સુવિધા તે કેવી? 

અરે, એ તો પછી તમને પાળીતાં પશુ બનાવી દે છે, 

તમારી ઇચ્છાઓને કઠપૂતળી બનાવી દે છે! 

એમના હાથ મુલાયમ હોય છે, પણ હૃદયે લોઢું ધરબેલું હોય છે.

તમને નિદ્રાવશ બનાવી મૂકે છે, 

તમારી હસ્તીની અધિપતિ બની જાય છે. 

તમારી સુબુદ્ધિને હાંસી અપાવે છે. 

સાચે જ, સગવડોની તૃષ્ણા આત્માની ભાવનાઓનો ભક્ષ કરી જાય છે.

પણ, હે વિશાળ વસુધાનાં સંતાનો, 

નૌકાને નાંગરવાના લંગરને નહીં, 

પણ નિત્યપ્રયાણના સઢને તમારું ઘર બનાવજો.

જીવિતો માટે સજાવેલી કબર જેવાં ઘરો માંહી તમારો વસવાટ ન હજો. 

અને ભવ્ય અને રમ્ય હોય એ પણ ઘરમાં ગુપ્ત ન હજો.

કારણ, જે આતમરામ તમારા ઘટડામાં વિલસે છે 

તેના વસવાટ તો આકાશના ભુવનમાં છે; 

પ્રભાતી ઝાકળ તેનું દ્વાર છે, 

અને રાત્રિનાં ગાન અને નીરવતા તેની બારીઓ છે.

 

[ખલિલ જિબ્રાનના કાવ્ય ‘ઑન હાઉસીઝ’ પરથી]

Loading

...102030...3,3923,3933,3943,395...3,4003,4103,420...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved