Opinion Magazine
Number of visits: 9584341
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઍર-કન્ડિશન્ડ હિન્દુત્વ અને ઉછીના આઇકન

રમેશ ઓઝા|Opinion - Opinion|17 May 2017

દેવરિયા નજીક અમર શહીદ પ્રેમસાગરના ગામે જઈને મેક શિફ્ટ ઍર-કન્ડિશન્ડ રૂમમાં ખરખરો કરી લીધા પછી મુખ્ય પ્રધાને અહીં બીજો ખરખરો કર્યો હતો કે સેક્યુલર ઇતિહાસકારો જાણીબૂજીને હિન્દુ હીરોને અન્યાય કરી રહ્યા છે અને તેમને ઉઘાડા પાડવા જરૂરી છે. યોગી આદિત્યનાથે આવા ઇતિહાસલેખનને કાવતરા તરીકે ઓળખાવ્યું હતું. બહુ મહત્વનો મુદ્દો તેમણે ઉપસ્થિત કર્યો છે. થોડા દિવસ પહેલાં વડા પ્રધાને પણ થોડા અલગ સંદર્ભમાં ઇતિહાસલેખનનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ સિવાય બીજા ઘણા હિન્દુત્વવાદીઓને લાગે છે કે ભારતીય ઇતિહાસલેખનમાં તેમને અન્યાય થઈ રહ્યો છે

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના દેશપ્રેમ વિશે શંકા જ ન કરાય. તેઓ જે વિચારક પરિવારમાંથી આવે છે એની રગરગમાં દેશપ્રેમ છલકાય છે. ક્યારે ઉત્તર પ્રદેશની ગાદી ત્યજીને તેઓ સરહદે જતા રહેશે એની તેઓ પોતે પણ ખાતરી આપી શકે એમ નથી. દેશના અને ધર્મના દુશ્મનોની રણભેરી સાંભળીને યુયુત્સ્વોના પગમાં સંચાર થવા લાગે છે અને હાથ ગાંડિવને શોધવા લાગે છે.

રવિવારે એવું બન્યું કે કાશ્મીરની સરહદે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના શહીદ થયેલા જવાન પ્રેમસાગરના ઘરે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન ખરખરો કરવા ગયા હતા. પ્રેમસાગરનું ગામ ઉત્તર પ્રદેશના દેવરિયા શહેરની નજીક છે. શહીદ જવાનના પરિવારને દિલસોજી આપવા જવું એ મુખ્ય પ્રધાનની ફરજ છે અને એમાં આ તો પાછા દેશપ્રેમી મુખ્ય પ્રધાન. લખનઉથી આદેશો છૂટ્યા કે મુખ્ય પ્રધાન અમર જવાનના ગામે તેના ઘરે જવાના છે. જોતજોતાંમાં પ્રેમસાગરના ઘરે સોફાસેટ આવી ગયા,  ઍર-કન્ડિશનર ઇન્સ્ટૉલ થઈ ગયું, એક ખૂણામાં ફ્રિજ મૂકી દેવામાં આવ્યું, આખા રૂમમાં કાર્પેટ પાથરી દેવામાં આવી અને વિદ્યુતખાતાને તાકીદ કરવામાં આવી કે કોઈ પણ સંજોગોમાં શહીદ પ્રેમસાગરના ગામમાં વીજપુરવઠો ન ખોરવાવો જોઈએ. પુત્ર અને પતિ ગુમાવનાર ગમગીન પરિવારને પણ લાગ્યું કે રાષ્ટ્રવાદીઓની સરકારે અમારા પનોતા પુત્રની આટલી તો કદર કરી! નફ્ફટ સેક્યુલરિયા તો આટલું પણ નહોતા કરતા.

થોડી વારે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આવે છે. પ્રેમસાગરનો પરિવાર દીકરો ગુમાવવાની ગમગીની વચ્ચે મુખ્ય પ્રધાનની મમતા અને તેમના ઋણ તળે ગદ્ગદ હતો. તેમણે ઋણના ભાવ સાથે જ મુખ્ય પ્રધાનનું સ્વાગત કર્યું હતું અને અનેક રીતે મુખ્ય પ્રધાને બતાવેલી સંવેદના માટે આભાર માન્યો હતો. ખાસ લાવવામાં આવેલા ફ્રિજમાંથી મુખ્ય પ્રધાનને ઠંડું પાણી આપવામાં આવે છે. ફળ કે નાસ્તો તો અપાય નહીં અને મુખ્ય પ્રધાન લે નહીં, કારણ કે મુખ્ય પ્રધાન દુખ પ્રગટ કરવા આવ્યા હતા. અડધો કલાકના રોકાણ દરમ્યાન મુખ્ય પ્રધાને પાકિસ્તાનને ખોખરું કરી નાખવાના અને શહીદ જવાનનાં બાળકોનું અને વિધવાનું સરકાર ધ્યાન રાખશે એવાં અનેક વચનો આપ્યાં હતાં. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, શાસન તમારી સાથે છે એમ કહીને મુખ્ય પ્રધાન પરિવારની રજા લઈને રવાના થયા હતા. 

મોટરકારોની કતાર ચાલી ગઈ. પ્રેમસાગરનો પરિવાર હજી પણ મુખ્ય પ્રધાનની લાગણી જોઈને ગદ્ગદ હતો ત્યાં ઘરના આંગણામાં એક ટ્રક આવે છે. પરિવારને પૂછ્યા પણ વિના તેઓ ઍર-કન્ડિશનર, ફ્રિજ, સોફાસેટ, કાર્પેટ બધું લઈ જાય છે. વિદ્યુત પુરવઠા અધિકારીને પણ કદાચ કહેવામાં આવ્યું હશે કે હવે પ્રેમસાગરના ગામમાં વીજળી પુરવઠો કાપવો હોય તો કાપી શકો છો. ધગધગતો દેશપ્રેમ અને શહીદ જવાન માટેની લાગણીનું નાટક પૂરું થયું.

આ દેશમાં યોગી (નામ કે વિશેષણના અર્થમાં યોગી નહીં, યોગી એટલે કે તપસ્વી) સુધ્ધાં કોઈના ખરખરે જતી વખતે થોડો વખત ગરમી સહન નથી કરી શકતા. આખો દિવસ ગુટકા ખાનારાઓ પણ કોઈને ત્યાં ખરખરે જતી વખતે સંયમ પાળે છે અને ચોખ્ખા મોઢે જાય છે. બાબા રામદેવે પતંજલિ બ્રેન્ડની કોઈ દવા શોધી કાઢવી જોઈએ કે જેથી યોગી (યોગી-તપસ્વી)ઓ ટાઢ-તડકો વેઠી શકે. જમાનો બદલાયો છે એટલે આકરા તપની જગ્યા ઔષધે લઈ લીધી છે. આવતી કાલે બાબા રામદેવ સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ïત કરવાની દવા બજારમાં મૂકે તો પણ આર્ય નહીં. યોગી એને કહેવાય જે ટાઢ-તડાકા અને સુખ-દુખથી પર હોય એ ઋષિ પતંજલિનો ભ્રમ હતો.

આ દેશમાં ધર્મસંસ્થા અને સંન્યાસસંસ્થા ભ્રક્ટ અને ખોખલી થઈ ગઈ છે. આ બન્ને સંસ્થાઓ સત્તાની અને લક્ષ્મીની ગુલામ છે.

હવે યોગી આદિત્યનાથ દેવરિયાથી નીકળીને સીધા લખનઉ જાય છે. લખનઉમાં વિશ્વ હિન્દુ પરિષદે હિન્દુ વિજયોત્સવનું આયોજન કર્યું હતું. અહેવાલ વાંચીને પ્રશ્ન થયો કે શેનો વિજયોત્સવ હશે? ૧૮૫૭થી આજ સુધીમાં હિન્દુત્વવાદીઓએ કોઈ જગ્યાએ લડત લડીને વિજય મેળવ્યો હોય એ જાણમાં નથી. લડત જ નથી આપી ત્યાં વિજય તો બહુ દૂરની વાત છે. મનમાં પ્રશ્ન થવો સ્વાભાવિક હતો કે વિશ્વ હિન્દુ પરિષદ કોના વિજયનો ઉત્સવ મનાવી રહી છે? જરૂર કોઈ પૌરાણિક વિજય હોવો જોઈએ અને અહેવાલ આગળ વાંચતાં એ જ વાત સિદ્ધ થઈ. અગિાયરમી સદીમાં શ્રાવાસ્તી રાજ્યના મહારાજા સુહેલદેવે મહમ્મદ ગઝનીના જનરલ ગાઝી સૈયદ સલાર મસૂદનો વધ કર્યો હતો. મહારાજા સુહેલદેવ વિશે અનેક કથાનકો ફરે છે. તેમના નામ અને તેમની જ્ઞાતિ વિશે પણ મતભેદ છે. કોઈ કહે છે કે તેઓ પાસી દલિત હતા. કોઈ કહે છે તેઓ રાજભર હતા. રાજભર અધર બૅકવર્ડ ક્લાસ છે અને પાસીની માફક દલિત બનવા માગે છે. રાજભર સમાજ મહારાજા સુહેલદેવને સમાજરત્ન તરીકે રજૂ કરી રહ્યો છે અને જ્ઞાતિની અસ્મિતાનું રાજકારણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ૧૯૪૦ના દાયકામાં આર્ય સમાજે, રામરાજ્ય પરિષદે, હિન્દુ મહાસભાએ અને ગોરખપીઠે મહારાજા સુહેલદેવના પરાક્રમનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. અત્યારે હવે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા છે એટલે મહારાજા સુહેલદેવને પાછા યાદ કરવામાં આવી રહ્યા છે.

દેવરિયા નજીક અમર શહીદ પ્રેમસાગરના ગામે જઈને ઍર-કન્ડિશન્ડ રૂમમાં ખરખરો કરી લીધા પછી મુખ્ય પ્રધાને અહીં બીજો ખરખરો કર્યો હતો કે સેક્યુલર ઇતિહાસકારો જાણીબૂજીને હિન્દુ હીરોને અન્યાય કરી રહ્યા છે અને તેમને ઉઘાડા પાડવા જરૂરી છે. યોગી આદિત્યનાથે આવા ઇતિહાસલેખનને કાવતરા તરીકે ઓળખાવ્યું હતું. બહુ મહત્વનો મુદ્દો તેમણે ઉપસ્થિત કર્યો છે. થોડા દિવસ પહેલાં વડા પ્રધાને પણ થોડા અલગ સંદર્ભમાં ઇતિહાસલેખનનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ સિવાય બીજા ઘણા હિન્દુત્વવાદીઓને લાગે છે કે ભારતીય ઇતિહાસલેખનમાં તેમને અન્યાય થઈ રહ્યો છે.

જ્યારે આવી લાગણી વ્યાપક છે એટલે એની વિગતે વાત થવી જરૂરી છે.

– 2 –

ઇતિહાસલેખન માટે સત્તાની જરૂર પડે છે કે સ્કૉલરશિપની?

લાખ રૂપિયાનો સવાલ એ છે કે વિત્ત ક્યાંથી લાવવું? એટલે સેક્યુલર ઇતિહાસકારો પાસેથી તેઓ હિન્દુ રાષ્ટ્રવાદી ઇતિહાસ લખી આપે એવી બેહૂદી અપેક્ષા રાખે છે. તેઓ પક્ષપાતી છે એવી કાગારોળ કરે છે. આવી બેહૂદી દલીલ કોઈ નવી વાત પણ નથી. અખંડ હિન્દુસ્તાન ગાંધીજીએ અમને આપવું જોઈતું હતું; પરંતુ ગાંધીજી આપી ન શક્યા એટલે તેઓ પક્ષપાતી હતા, મુસ્લિમતરફી હતા અને વધને લાયક હતા એમ તેઓ કહે છે. એલા ભાઈ, તમે ક્યાં સંતાઈ ગયા હતા એ સમયે! અખંડ હિન્દુસ્તાન ગાંધીજી આપે. હિન્દુઓનો, તેમને ગમે એવો ભવ્ય ઇતિહાસ સેક્યુલર ઇતિહાસકારો લખી આપે. વાહ રે વાહ!

ઇતિહાસલેખન વિશે જે વાત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કરી હતી એ જ વાત જરા સભ્ય ભાષામાં મહિના પહેલાં વડા પ્રધાને કરી હતી. ઓડિશાના રાજભવનમાં ૧૮૧૭ના અંગ્રેજો સામેના પૈકા વિદ્રોહના શહીદોના પરિવારજનોનું અભિવાદન કરતાં કહ્યું હતું કે દેશના સ્વતંત્રસંગ્રામમાં પૈકા જેવા અનેક પરિવારોએ અને સમાજે ભાગ લીધો હતો, પરંતુ આપણા ઇતિહાસમાં ગણતરીના પરિવારોના યોગદાનની જ નોંધ લેવામાં આવી છે. તેઓ જ્યારે પરિવાર કહે છે ત્યારે એક નામ તેમના મનમાં નેહરુપરિવારનું હશે અને બીજું નામ કદાચ બીજુ પટનાઈકના પરિવારનું હશે. ઓડિશાની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એટલે તેમણે નેહરુ-પટનાઈક પરિવારને ટોણો માર્યો હતો અને પૈકાઓને યાદ કર્યા હતા.

અહીં નરેન્દ્ર મોદીની અને યોગી આદિત્યનાથની રાજકીય ગણતરીઓને જવા દઈએ, તેમણે ઇતિહાસલેખન વિશે જે મુદ્દો ઉઠાવ્યો છે એ મહત્ત્વનો છે. વડા પ્રધાને કહ્યું હતું કે આદિવાસીઓએ મોટા પ્રમાણમાં અંગ્રેજો સામે વિદ્રોહ કર્યા હતા જેની વાત ઇતિહાસમાં કોઈ જગ્યાએ આવતી જ નથી. એ પછી તેમણે વાતવાતમાં કહ્યું હતું કે છેલ્લાં ૮૦૦ વર્ષ દરમ્યાન કેટલા બધા લોકોએ આઝાદી માટે સંઘર્ષ કર્યો છે. આમ કહીને તેઓ એમ કહેવા માગે છે કે ભારતમાં ગુલામીની શરૂઆત અંગ્રેજ શાસનથી નહીં, મુસ્લિમ શાસનથી થઈ હતી. આ હિન્દુત્વવાદીઓની જૂની થિયરી છે અને તેમનો એ અધિકાર છે. અહીં એની વાત પણ જવા દઈએ. સવાલ આવે છે ઇતિહાસલેખનનો. ઇતિહાસલેખનમાં પક્ષપાત કેમ ચલાવી લેવાય? બાય ધ વે, ૧૯૯૭માં સુભાષચંદ્ર બોઝની જન્મશતાબ્દી વખતે અટલ બિહારી વાજપેયીએ પણ ઇતિહાસમાં દરેકને ન્યાય મળવો જોઈએ એમ સુભાષબાબુની ઓથે રહીને કહ્યું હતું.

પહેલો સવાલ. ઇતિહાસલેખન માટે સત્તાની જરૂર પડે છે કે સ્કૉલરશિપની? હવે તો સત્તા પણ તેમની પાસે છે એટલે મનગમતો ઇતિહાસ સ્કૂલોમાં વિદ્યાર્થીઓના માથે તેઓ મારી શકે છે, પરંતુ મૂળભૂત સવાલ એ છે કે ઇતિહાસલેખન માટે સત્તા અનિવાર્ય છે કે સ્કૉલરશિપ? ભારતને આઝાદી પણ નહોતી મળી એ પહેલાં મહારાષ્ટ્રમાં ઇતિહાસાચાર્ય વી. કા. રજવાડેએ, અંગ્રેજીમાં જદુનાથ સરકારે, હિન્દીમાં પંડિત સુંદરલાલે અને બીજા પ્રાંતોમાં બીજા અનેક લોકોએ આધુનિક ભારતના ઇતિહાસનો અભ્યાસ કરીને ઇતિહાસલેખન કર્યું હતું એ શું વિદેશી સરકારના આશ્રયે કર્યું હતું? તેમને એમ લાગ્યું હતું કે અંગ્રેજો દ્વારા લખવામાં આવેલો ઇતિહાસ તટસ્થ નથી એટલે આપણે આપણો ઇતિહાસ લખવો જોઈએ. તેમણે લખેલો ઇતિહાસ અંગ્રેજોની ટીકા કરનારો હતો એટલે અંગ્રેજોએ તેમને ફાંસીએ નહોતા ચડાવ્યા. તો સવાલ છે અભ્યાસ કરવાની આવડત. સંશોધન કરવાની આવડત. રાતે દીવા બાળવાની અને કલાકોના કલાકો આંખો ફોડવાની તૈયારી. આ આવડત અને ખંત સંઘની શાખાઓમાં જવાથી અને અડધી (હવે આખી) ચડ્ડી પહેરી લેવાથી નથી આવતાં. આ અંદરનું વિત્ત છે અને જેમની પાસે અંદરનું વિત્ત હોય એ શાખામાં નથી જતા.

કૉન્ગ્રેસીઓ, ડાબેરીઓ, સેક્યુલરિસ્ટો કે જે કોઈ સ્કૂલના ઇતિહાસકારોના ઇતિહાસલેખન સામે તેમને વાંધો હોય તો તેમને તેમની રીતે ઇતિહાસ લખતાં કોણે રોક્યા છે? આ દેશમાં હિન્દુ કોમવાદી પ્રવૃત્તિની શરૂઆત થઈ એને સવાસો વરસ વીતી ચૂક્યાં છે અને એમાં ૯૨ વરસ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને થયાં છે. ૯૦ વરસમાં એક ચોપાનિયું સંઘે પ્રકાશિત નથી કર્યું કે જે વાંચીને સહમત ભલે ન થઈએ, પણ સ્કૉલરશિપ માટે આદર થાય. નવ દાયકા એ કોઈ ટૂંકો સમયગાળો નથી. તો પહેલી વાત એ કે ઇતિહાસલેખન માટે સત્તાની જરૂર નથી, સ્કૉલરશિપની છે.

બીજો સવાલ. કોણે કહ્યું કે આદિવાસીઓના અને બીજા દૂરદરાજ પ્રદેશોમાં વસતા લોકોના સંઘર્ષની નોંધ નથી લેવાઈ? વડા પ્રધાનને જાણ નથી લાગતી કે ૧૯૮૦ના દાયકામાં જાણીતા ઇતિહાસકાર રણજિત ગુહાના નેતૃત્વમાં ભારતના ઇતિહાસકારોએ એક જૂથ રચીને હાંસિયામાં રહેલી પ્રજાના આઝાદી પહેલાંના સંઘર્ષનો ઇતિહાસ લખવાનું શરૂ કર્યું હતું. હાંસિયામાં રહેલી પ્રજા અને તેમના વિદ્રોહમાં સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે, પછી ભલે એ સવર્ણ હોય. જે સંઘર્ષ સ્થાપિત હિતોની સામે હોય, જે સંઘર્ષનો સ્થાપિત હિતોએ વિરોધ કર્યો હોય કે જે સંઘર્ષ ન થાય એ માટે સ્થાપિત હિતોએ પોતાની વગ વાપરી હોય એ તમામ સંઘર્ષની નોંધ લેવામાં આવી છે. સ્થાપિત હિતોમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમાવેશ થાય છે, એમાં અંગ્રેજોનો સમાવેશ થાય છે, સવર્ણોનો સમાવેશ થાય છે, ધર્માધિકારીઓનો સમાવેશ થાય છે, શાહુકારોનો સમાવેશ થાય છે અને ભલે સ્થાપિત હિત તરીકે નહીં; પરંતુ સંઘર્ષને રોકનાર તરીકે મહાત્મા ગાંધીનો પણ એકાદબે જગ્યાએ સમાવેશ થાય છે.

કોઈક જગ્યાએ એ સંઘર્ષ રાજકીય આઝાદી માટેનો હતો, કોઈક સ્થળે સાંસ્કૃિતક આઝાદી માટેનો હતો તો કોઈક જગ્યાએ શોષણમુક્તિ સામેનો હતો. એ તમામ સંઘર્ષોનો ઇતિહાસ સબાલટર્ન સ્ટડીઝ ના નામે ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ પ્રકાશિત કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં ૧૨ ખંડ પ્રકાશિત થઈ ચૂક્યા છે. કેવા-કેવા મેધાવી ઇતિહાસકારો સબાલટર્ન સ્ટડીઝ પ્રોજેક્ટમાં જોડાયેલા છે એના પર એક નજર કરવી જોઈએ. રણજિત ગુહા, જ્ઞાનેન્દ્ર પાંડે, પાર્થ ચૅટરજી, સુદીપ્ત કવિરાજ, એરિક સ્ટોક્સ, ડેવિડ આર્નોલ્ડ, ડેવિડ હાર્ડીમૅન જેવા ૧૫ કરતાં વધુ ઇતિહાસકારો હાંસિયામાં રહેલી પ્રજાના સંઘર્ષની દાસ્તાન રજૂ કરવાનું કામ કરી રહ્યા છે. આમાં ડેવિડ હાર્ડીમૅન ગુજરાત અને પશ્ચિમ ભારત પર કામ કરી રહ્યા છે એટલે જે કોઈને ગુજરાતના શોષિતોના સંઘર્ષની દાસ્તાનમાં રસ હોય તેમણે હાર્ડીમૅનને વાંચવા જોઈએ.

એની ના નહીં કે સબાલટર્ન સ્ટડીઝ જૂથના બધા જ ઇતિહાસકારો સેક્યુલરિસ્ટો છે. એનો અર્થ એવો નથી કે તેમણે ધાર્મિક વિદ્રોહની નોંધ નથી લીધી, પરંતુ મોટા ભાગે હાંસિયામાં રહેલી પ્રજાના સાંસ્કૃિતક આઝાદીના ભાગરૂપે ધાર્મિક વિદ્રોહની નોંધ લીધી છે. કેટલીક વાર ધર્મના નામે કરવામાં આવતા શોષણ સામે થયેલા વિદ્રોહની પણ વાત નોંધવામાં આવી છે, જે હિન્દુત્વવાદીઓને માફક ન આવે. તેમનો એ અધિકાર છે. આપણને પણ ક્યાં બધાની બધી જ વાત માફક આવે છે? સવાલ એ છે કે આપણને બીજાની કહેલી વાત માફક ન આવતી હોય, અધૂરી લાગતી હોય, એમાં અસત્ય કે પક્ષપાત નજરે પડતો હોય તો આપણે આપણી વાત કહેવી જોઈએ. જેમ કે મુખ્ય ધારાના ઇતિહાસકારોના ઇતિહાસમાં શોષિતોના સંઘર્ષની વાત જેવી રીતે આવવી જોઈતી હતી એમ નહોતી આવતી તો તેમણે અલગ જૂથ રચીને અલગ ઇતિહાસગ્રંથ લખ્યા છે અને હજી લખી રહ્યા છે.

હિન્દુત્વવાદી કે હિન્દુ રાષ્ટ્રવાદી ઇતિહાસકારોને ભારતનો ઇતિહાસ તેમને માફક આવે એમ લખવો હોય તો કોણ રોકે છે? હવે તો સત્તા પણ તેમની પાસે છે એટલે જે સવલત જોઈએ એ મળી શકે એમ છે. લાખ રૂપિયાનો સવાલ એ છે કે વિત્ત ક્યાંથી લાવવું? એટલે સેક્યુલર ઇતિહાસકારો પાસેથી તેઓ હિન્દુ રાષ્ટ્રવાદી ઇતિહાસ લખી આપે એવી બેહૂદી અપેક્ષા રાખે છે. તેઓ પક્ષપાતી છે એવી કાગારોળ કરે છે. આવી બેહૂદી દલીલ કોઈ નવી વાત પણ નથી. અખંડ હિન્દુસ્તાન ગાંધીજીએ અમને આપવું જોઈતું હતું; પરંતુ ગાંધીજી આપી ન શક્યા એટલે તેઓ પક્ષપાતી હતા, મુસ્લિમતરફી હતા અને વધને લાયક હતા એમ તેઓ કહે છે. એલા ભાઈ, તમે ક્યાં સંતાઈ ગયા હતા એ સમયે! તમારે ભારતના વિભાજનની વચ્ચે હિમાલયની માફક ઊભા રહી જવું હતું. તમે તો બહુમતીમાં હતા અને શૌર્ય તો તમારી નસનસમાં વહે છે.

હા. એ જ વાત. વિત્ત નહોતું. ત્યારે પણ નહોતું અને આજે પણ નથી. અખંડ હિન્દુસ્તાન ગાંધીજી આપે. હિન્દુઓનો, તેમને ગમે એવો ભવ્ય ઇતિહાસ સેક્યુલર ઇતિહાસકારો લખી આપે. વાહ રે વાહ!

સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 16 – 17 મે 2017

Loading

ते हि नो दिवसा गता:॥

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|17 May 2017

આદરણીય ગણેશ દેવી, મહેન્દ્રભાઈ, વિમલભાઈ, કુન્તેશભાઈ, અશોકભાઈ, ઉત્તમભાઈ, મૈત્રીબહેન તેમ જ ઉપસ્થિત સૌ મિત્રો,

મનસુખભાઈ શાહ તથા બળવંતભાઈ પટેલની અનુપસ્થિતિ આજે સવિશેષ સાલે છે.

કપૂરચંદભાઈ ચંદરયાના નિધનના સમાચાર આઘાતકારી છે. એમનું અવસાન એટલે ગુજરાતી ડાયસ્પોરે ભાષાસંવર્ધનનાં કામને ફટકો. અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ તેમ જ વિચારપત્ર “ઓપિનિયન” પણ આ અવસાનથી ખેદ અનુભવે છે.

થોડીક ક્ષણો પહેલાં જાણ્યું કે ગુજરાતના એક બહુ મોટા માણસ, હમીદભાઈ કુરેશીનું આજે દુ:ખદ અવસાન થયું છે. મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાના સમયગાળાથી, ઈમામ સાહેબ અબ્દેલ કાદર બાવઝીર અત્યંત નજીકના સાથીદાર. એમનાં દીકરી અમીનાબહેન ગુલામ રસૂલકુરેશીને પરણેલાં. એમનું સંતાન તે આપણા આ હમીદભાઈ. આ ત્રણ ત્રણ પેઢીની પોરસાવતી દાસ્તાઁ છે. ગુજરાતે એક બહુ મોટા ખાનદાન શહેરીને આજે ખોયા છે. આ દુ:ખમાં હું અને અમારો પરિવાર પણ સામેલ.  

વારુ, આ અવસરનું નામ પડ્યું છે તે દહાડાથી ચકરાવે ચડેલો છું. મહિનાઓ ઠેલાતા ગયા, અઠવાડિયા આવ્યા ને ગયા, દિવસો ય વહ્યા કર્યા. પરંતુ ટાંચણ કરવાની આજ દિવસ લગી ફાવટ ન જ આવી તે ન જ આવી. રતિલાલ ચંદરયાએ અને ગુજરાતીલેક્સિકોને મારાપણાંને ઘેરો ઘાલી લીધેલો; અને આમને આમ તે દુનિયામાં સતત પરિભ્રમણ કરતો રહ્યો.

ते हि नो दिवसा गता:॥ ભવભૂતિના રામને મોઢે આ શબ્દો છે ને ? એ તે કેવા કેવા દિવસો હતા ? ચંદરયા પરિવાર સાથેના સંબંધને હવે ચાર દાયકા થયા. ભાષા-સાહિત્ય તથા વિલાયતની અકાદમીના કામને સારુ ચાર દાયકાઓ પૂર્વે દેવચંદભાઈથી તેનો સંબંધ બંધાયેલો. કપૂરચંદભાઈએ તેને મજબૂત કર્યો; અને પછી રતિલાલભાઈએ આ ડિજિટલ કોશ શાં આદરેલાં કામને સારુ હળવા મળવાનું થયાં કર્યું, અને પરિણામે અમારી મૈત્રી ફાલતી ચાલી, ફૂલતી ચાલી. સાથે રહી આ ગુજરાતીલેક્સિકન આંદોલનને મૂર્ત સ્વરૂપ દીધાંનું સાંભરે છે. મુંબઈ માંહેના લોકાર્પણના એ દિવસો; પ્રસંગો; ધીરુબહેન પટેલ સાથેની મુલાકાત ગોઠવણ; ગુજરાતી સાહિત્ય પરિષદ જોડેની એ સોહરાબી-રુસ્તમી; લંડન મધ્યે વિસ્તરતું લોકાર્પણ; ગૂજરાત વિદ્યાપીઠ જોડેની લાંબી પેરેની વાટાઘાટ અને સાર્થ ગૂજરાતી જોડણીકોશને ડિજિટલ વિશ્વમાં સામેલ કરવાની પહેલ; યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ જોડેના અમદાવાદ ને બ્રિટન ખાતેના જોડિયા પ્રકલ્પો; યુનિકોડ ગુજરાતી ફૉન્ટનો સુપેરે આદર; સમસામયિકો તથા પ્રકાશકો યુનિકોડ ગુજરાતી ફૉન્ટમાં પ્રવેશ મેળવે તેવો પ્રયાસ; ભગવદ્ગોમંડળ કોશની સામેલગીરી; “નિરીક્ષક”, “ઓપિનિયન”, “મિલાપ” તથા “વિશ્વમાનવ”ને ‘ડિજિટલ વરસેટાઇલ ડિસ્ક’નું સ્વરૂપ મળવું; અને હવે, ઑક્સફર્ડ ડિક્શનેરી જૂથ સાથેનો આ પ્રકલ્પ. બહુ મોટી હરણફાળ આ માણસે લીધી; અને તેનાથી, ગુજરાતી સતત ન્યાલ થતી રહી.

ટાંકણે મહેન્દ્રભાઈ મેઘાણી સંપાદિત "મિલાપ"ની ડિવીડી લોકાર્પિત થઈ તે ઘટનાની આ બે છબિ. અહીં (ડાબેથી) મહેન્દ્રભાઈ મેઘાણી, વિપુલ કલ્યાણી, ગણેશભાઈ દેવી તથા વિમલભાઈ ચંદરયા દૃશ્યમાન છે.

રતિકાકાના આ કામને કારણે અંગત અંગત હું ય ખૂબ લાભ્યો છું. અશોક કરણિયા જેવા બડભાગી, દૂરંદેશ અને કાર્યનિપુણ યુવાન મિત્રનો સંગ મળ્યો છે. એમના સંગમાં સતત રાજી રાજી રહ્યો છું. “ઓપિનિયન”ની કૂચ હળવાશે આગળ વધી શકી છે. મુદ્રિત યુગ, ડિજિટલ અવતાર અને હવે વેબસાઇટનું ય ફલક. આ બધામાં રતિલાલ ચંદરયા મૂળગત મશાલચી પૂરવાર થયા છે.

રતિકાકા તરીકે પંકાયેલા આ નબીરાનું શિક્ષણ તો માંડ બેચાર ચોપડીનું, પણ એમની સમજણ, એમની કામગીરીનો વ્યાપ ઝાઝેરો, જાણે કે ખુદ જંગમ વિદ્યાપીઠ. સન 1922માં 23 ઑક્ટોબરે પૂંજીબાઈ ને પ્રેમચંદભાઈને ત્યાં જન્મેલા રતિભાઈને બહોળો અનુભવ. ચંદરયા પરિવારના વેપારવણજમાં અગ્રેસર. બીજી-ત્રીજી હરોળ તૈયાર થઈ, ત્યાં લગી ધંધાધાપાના વિસ્તાર સારુ પૂરેપૂરા ખૂંપેલા રહ્યા; અને પછી, હળુહળુ આ ડિજિટલ કોશના કામમાં ઊતરતા ગયા તેને સારુ ખૂબ ભમ્યા, ઘણાનો સાથ સહકાર મેળવ્યો. અને પોતાના મનોરથો પાર કર્યા. સન 2013ની 13 ઑક્ટોબરે વિદાય લીધી ત્યાં સુધી ગુજરાતીલેક્સિકનને માટે સતત માર્ગદર્શક રહ્યા અને સવાલો જાગ્યા ત્યારે મારા જેવા સહોદરો અને સાથીદારોને પોતાને અડખેપડખે રાખી કામને આટોપતાં રહ્યા.

ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સંસ્કૃિત, અરે, તેનું પોત પણ, આજકાલ એક એવા ચોખંભે છે, જ્યાંથી જો દશા અને દિશા ન જડે તો વેરવિખેર થવાની વિશેષ દહેશત છે. તો રતિલાલ ચંદરયા વિનાના આ આંદોલનને, આપણા આ ગુજરાતીલેક્સિકનના આ સમૂળગા પ્રકલ્પને, સભાન અને કાર્યશીલ રહેવા સિવાય કોઈ જ ચારો નથી. અને જો ન જ રહેવાય, તો ખુદકુશીનું પાપ માથે ભમતું રહેવાનું, તે ચોક્કસ. આપણી સમક્ષ અધૂરાં કામો ખડકાયાં છે : માવજીભાઈ મુંબઈવાળાએ યુનિકોડમાં બેસે તેવા એક નહીં દશદશ ફોન્ટ્સ હાલ આપ્યા છે. તેને જોઈ તપાસી, સમારી આપવાનું કામ આપણું જ હોય. તેમ સોશિયલ મીડિયા સમેત આજકાલ રૉમન લિપિમાં ગુજરાતી લખવાનો ચાલ ફાટીને ધૂમાડે ગયો છે અને તેમાં ભારોભાર અરાજકતા છે. તેને ઠેકાણે લાવવાનું કામ પણ આપણા ક્ષેત્રનું બનવું જોઈએ. ઇન્ટરનેટે ગુજરાતી માહિતીઓ, વગેરેની વિગતોમાં ભારોભાર ગાબડાં છે. તે ક્ષેત્રને તરબતર કરવાની ગુંજાઈશ આપણી રાહ જુએ છે. એક વેળા, સમસામયિકોના તંત્રીસંપાદકોનો સંપર્ક સાધતા, ભાષાસાહિત્યના સવાલો અને કોયડાઓ બાબત સુપેરે નીવેડો લાવી શકાતો. હવે સોશિયલ મીડિયાને કારણે, દરેક લહિયો માને છે કે તે ખુદ તંત્રીસંપાદકલેખક છે ! − આ ઘટનાક્રમની રૂપરેખાનું શું કરવું ?

વારુ, આપણે જ્યારે ગુજરાતી ભાષા-સાહિત્યની આતુરતા સહ વાત કરીએ છીએ, ત્યારે આ સ્વાયત્તતાને મુદ્દે ગુજરાતી સાહિત્ય પરિષદ તેમ જ ગુજરાત સાહિત્ય અકાદમીની બાથંબાથી અમને વિચારપ્રદેશમાં ધકેલી મૂકે છે. સ્વાયત્તતાનો અદ્દલ અગત્યનો મુદ્દો છે; પણ સાથે ગુજરાતી સાહિત્યનો, ગુજરાતી ભાષાનો દાયરો ટૂંકાતો જાય છે, તેની પ્રસ્તુતા, ભલા, ક્યારે કેન્દ્રસ્થ રાખતા થઈશું ? ભાષાસાહિત્યના મોટેરાંઓ, અધ્યાપકો, એમનાં મંડળો, સંસ્થાઓ, ગુજરાતીલેક્સિકન આંદોલન ડાયસ્પોરા સમેતની ગુજરાતી આમ જનતાની ય થોડીઘણી ચિંતા સેવે તો કામ બને !

દરમિયાન, દાયકાઓ પહેલાં, લંડનસ્થિત ‘નેહરુ સેન્ટર’માં ડૉ. ગણેશ દેવીને પહેલવહેલા જોયા, સાંભળ્યા. અલપઝલપ મળવાનું ય થયેલું. તે પછી, મુંબઈ ખાતે દિવંગત હિમ્મત ઝવેરીની સ્મૃિતસભામાં અમે એક જ મંચ પરે વક્તાઓ હતા. અને હવે છેક આજે, અહીં ફરીવાર; જાણે કે આ મારું સૌભાગ્ય જ હોય.

’મારો ભાષાપ્રવેશ’ નામક લેખમાં ગણેશ દેવી કહે છે :

“આ મારું ગામ, મારું રાજ્ય એ પ્રકારના સીમાડા તૂટી ગયા. ઇંગ્લેન્ડથી ગુજરાત આવ્યો ત્યારે એવું નથી લાગ્યું કે હું મહારાષ્ટ્રનો. મહારાષ્ટ્રમાં હતો અને ફરી પાછો ગુજરાત આવ્યો તે સારું થયું. સિટિઝન ઓફ ધ વર્લ્ડ ગાંધીએ કહ્યું જ છે : બધાં બારીબારણાં ખુલ્લાં રાખવાં. જો મૂળિયાં મજબૂત હોય તો તે વિચારોમાં હોવાં જોઈએ, સ્થળમાં નહિ. એટલે કોઈ પૂછે તમે ક્યાંના, તો કહેવું જોઈએ હું ફલાણા વિચારનો છું, નહિં કે ફલાણા ગામનો. આ રીત સારી રહેશે.”

ભાષા જ એવી વસ્તુ છે જે પ્રાણીઓને માનવ બનાવે છે.

સન 1950ના ઑગસ્ટની પહેલીએ મહારાષ્ટ્રમાં જન્મેલા આપણા આ કર્મઠ, વિદ્વાન ને કર્મશીલ મુખ્ય વક્તાને નામ, વળી, એક બીજું અવતરણ બોલે છે, “આપણે વર્નાક્યુલર નામનો શબ્દ વાપરવાનો ચાલુ રાખ્યો છે. આ શબ્દનો અર્થ તે ભારતીય ભાષાઓ. ભાષા તો આપણો પ્રાચીન શબ્દ છે. પાણિનિથી એ ભાષા છે. ભાષા શબ્દનો અર્થ અવાજ (અથવા લેંગ્વેજ) થાય છે. આઈડેન્ટિટી, વોઇસ અને લેંગ્વેજ – આ ત્રણે અર્થમાં ‘ભાષા’ શબ્દનો વપરાશ કરવાનું મેં નક્કી કર્યું. ભારતીય ભાષાઓ સાથે એક સંબંધ તો હતો જ, ‘સેતુ’ દ્વારા ભારતીય ભાષાથી એની શરૂઆત થયેલી.”

અને પછી એ ઉમેરે છે, “ગુજરાતી મહાન ભાષા છે અને ગુજરાતી ભાષાનું મરણ શક્ય નથી. કારણ કે પાંચ કરોડ ગુજરાતીના ગુજરાતનો આર્થિક વિકાસ છેલ્લાં 150 વર્ષથી થયો છે. ગુજરાતી આફ્રિકા ગયા, ઇંગ્લેન્ડ ગયા, ઓસ્ટ્રેલિયા ગયા. કામ કરવાની ટેવ પાછલાં 150 વર્ષોમાં ગુજરાતીની બદલાઈ ગઈ છે અને ખૂબ દિલ દઈ લોકો કામ કરે છે. તે રીતે અંગ્રેજ કામ નથી કરતા. તો આપણે ત્યાં જે સંપત્તિ નિર્માણ થઈ એને લીધે આપણી ગુજરાતી ભાષાને ભય નથી. છતાં આ ગુજરાતી ભાષા માટે પણ એક ભયસ્થાન છે : આપણા ડોમેઇન ઑફ લેંગ્વેજ ઓછા થતા જાય છે. ખાસ કરીને બોલી સાથેનો સંબંધ ઓછો થતો જાય છે. માતૃભાષામાં ભણાવતી એવી નિશાળની સંખ્યા ઓછી થતી ગઈ. કોઈ ઉત્તમ પ્રકારની હાઈસ્કૂલ ગુજરાતીમાં નથી. ગુજરાતી ભાષા માટે જે વિવિધ ડોમેઈન હોવો જોઈએ એમાં અત્યારે ઓટ આવવાથી ગુજરાતીને પણ ભયસ્થાન છે. એક સરસ ગુજરાતી વાક્ય, અંગ્રેજી શબ્દના વપરાશ વગર બોલી શકે એવા યુવાનોની સંખ્યા ઓછી થતી જાય છે.”

વળી, ખુદ સવાલે છે : “નિરક્ષરતા કે ભાષા એટલે શું?” અને પછી પોતે જ ઉત્તર વાળે છે : “ભાષા સ્વયં મરતી નથી : જૂના ઘણા પ્રાચીન શબ્દો અત્યાર સુધી આપણે ત્યાં હજી વપરાય છે – પણ કોઈ કાનૂન અથવા કોઈ ખામીભરી પૉલિસી દ્વારા ભાષા પર બંધન લાદવામાં આવે છે અને ત્યારે ભાષાઓને મારવામાં આવે છે. ટૂંકમાં ભાષા મૃત્યુથી પર છે પણ એના પર મૃત્યુદંડ ઠોકવામાં આવે છે. ગ્રીક ભાષામાં એક શબ્દ છે અફેસિયા. અફેસિયા એક બીમારીનું નામ છે. એનો અર્થ છે વાચાહીનતા, વાચાભ્રંશ, વાચાભ્રમ. અત્યારે દુનિયામાં ઘણી ભાષા સામે અફેસિયાની સજાનું ફરમાન જારી થઈ રહ્યું છે. યુનેસ્કોના અંદાજ પ્રમાણે વીસમી સદીની શરૂઆતમાં, દુનિયામાં લગભગ 7,000 ભાષાઓ હતી, તેમાંથી એકવીસમી સદીના અંત સુધી માત્ર 300 ભાષા જીવતી રહેશે.”

દેવી કહે છે : “એક માન્યતા એવી છે કે માતૃભાષામાં સાતમા ધોરણ સુધી ભણતર મળી રહે તો બાળક એ ભાષા ટકાવી રાખે છે. આપણે ત્યાં સાતમા ધોરણની તો વાત દૂર, કે.જી.થી જ અંગ્રેજીમાં ભણાવવાની શરૂઆત થઈ છે. આપણે ત્યાં અંગ્રેજીમાં સારું લખતા સર્જકો કોણ? હું કહીશ સૌથી પહેલા મહાત્મા ગાંધી. એમનું ભણતર ગુજરાતીમાં થયું હતું. આર.કે. નારાયણનું ભણતર તમિળમાં હતું. હું પોતે મરાઠીમાં ભણ્યો. અંગ્રેજીમાં લખાણ કરું છું છતાં લઘુતાગ્રંથિ આવી નથી. મારાં અંગ્રેજીમાં લખાયેલાં પુસ્તકો દુનિયામાં ઘણી જગ્યાએ લોકો વાંચે છે. આ અંગ્રેજી કોઈ અન્ય અંગ્રેજી ભાષાથી ખરાબ છે એવું નથી. માતૃભાષામાં ભણતર એ બાળકનો મૂળભૂત અધિકાર છે અને હોવો જોઈએ.”

ડો. ગણેશ દેવીએ અન્યત્ર નોંધ્યું છે તેમ, સમય એટલે જ એ જતો રહેવાનો. એટલે આપણે એવા અન્ય સમયમાં, જે વીતી ચૂક્યો છે એવા સમયમાં સમાઈ જવાનું છે. આપણી દોડ સમય સાથે છે. સમય આપણાથી બળવત્તર છે. એની સામે એક ક્ષણ એવી આવશે કે આપણી દોડવાની તાકાત પૂરી થશે ત્યારે આપણે ત્યાં ઊભા રહેવાનું. એટલે જ્યાં સુધી ચલાય, ચાલવાનું. ન ચલાય ત્યારે ઊભા રહેવાનું. સમય તો આગળ ચાલતો રહેશે. દુનિયા ચલતી રહેગી.

હમણાં હમણાં બ્રાઝિલના રિયો ‘દ જાનેરો ખાતે ઑલમ્પિક રમતો આટોપાઈ. પારિસમાં 1924 વેળાની ઑલમ્પિકમાં, આવી વિશ્વ રમતસ્પર્ધા યોજાયેલી. તેમાં, સ્કૉટલૅન્ડના એરિક લીડલ તથા ઇંગ્લૅન્ડના હેરલ્ડ અબ્રાહ્મસે કમાલનો ઇતિહાસ સર્જી બતાવેલો. 1981માં પ્રદર્શિત થયેલી ‘ચેરિયટ્સ ઑવ્ ફાયર’માં તેની જબ્બર સાખ જડે છે. એક લાંબા અરસાથી ડૉ. ગણેશ દેવીની દોડ, તેનું કામ પોરસાઈને જાણ્યું છે, માણ્યું છે. ભાષા સારુ, મારે મન, ગણેશ દેવી આપણા ‘ચેરિયટ ઑવ્ ફાયર’ જ છે. … તો સમય વીતી જાય એ પહેલાં, ચાલો, તેની ક્ષણને પામી લઈએ; ડો. ગણેશ દેવીની આ ‘નિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર’માં સામેલ થઈ જઈએ.

અમદાવાદ, 8 ઑક્ટોબર 2016

Loading

નિ:શબ્દતા

ગણેશ દેવી|Opinion - Literature|17 May 2017

‘ગુજરાતીલેક્સિકૉન’ને ઉપક્રમે, તા. 08 ઑક્ટોબર 2016ના રોજ, અમદાવાદ ખાતે, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના ગોવર્ધનરામ ત્રિપાઠી સભાગૃહમાં, આયોજિત ‘તૃતીય રતિલાલ ચંદરયા સ્મૃિત સભા’ દરમ્યાન, નિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર ઉપર ડૉ. ગણેશ દેવીએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. આ વક્તવ્ય અહીં આપીએ છીએ.

અમદાવાદના સાહિત્ય જગતના રસિકજન અને અમદાવાદના સાર્વજનિક જીવનમાં સક્રિય રહેતી ઉપસ્થિ વ્યક્તિ, હું સૌને નમસ્કાર કરું છું. આજે શ્રી રતિલાલ ચંદરયા તૃતિય સ્મૃિત વ્યાખ્યાન આપવાની મને જે તક મળે છે એ તક આપવા માટે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. ‘ગુજરાતી લેક્સિકન’ – આ કલ્પના મને રોમહર્ષક લાગે છે. ગુજરાતીનું ખોટું અભિમાન મારા દિલમાં નથી, પરંતુ ગુજરાતી માટે તો ખૂબ લાગણી છે. કારણ કે મારા માતા અને પિતા બંને ગુજરાતી બોલતાં જન્મ્યાં, તેઓ મારો જન્મ થયો ત્યાં સુધી ગુજરાતી બોલતાં હતાં માટે આ મારી માતૃભાષા, અને પિતૃભાષા પણ છે.

‘ગુજરાતી લેક્સિકન’ આ શબ્દથી હું પુલકિત થાઉ છું. ‘લેક્સિકન’ શબ્દ ગુજરાતી શબ્દ નથી but that is not an issue. ગુજરાતી શબ્દ સૃષ્ટિ કહીએ, શબ્દ વિશ્વ કહીએ ,શબ્દ સંપત્તિ કહીએ, શબ્દ પ્રવૃત્તિ કહીએ, શબ્દ સંરચના કહીએ, લેક્સિકનનો જે પણ અનુવાદ ગુજરાતીમાં કરવો હોય તે હું સ્વીકારું છું. આ લેક્સિકન સંકલ્પના આટલી અદ્ભુત છે એનું સૌથી મહત્ત્વનું કારણ, કે માનવી ચિત્ત (કોન્સ્યસ્નેસ) અને વિશ્વ, આ બે વચ્ચે બંનેને ભેગું લાવવા માટે, એકઠાં લાવવા માટે માત્ર એક સેતુ છે અને એ સેતુનું નામ છે શબ્દ. શબ્દ ના હોત તો ચિત્ત માટે વિશ્વ પ્રકટ ના હોત. As simple as that.

મરલો-પૉન્ટી (Merleau-Ponty) જેવાએ આટલી હદ સુધી વિધાન કર્યા છે કે શબ્દ ના હોત અને ચિત્ત માટે, જીવવા માટે, અનુભવ ગ્રહણ કરવા માટે, ચિત્તને ગ્રાસવા માટે, ચિત્તને ક્ષોભ આપવા માટે, વિશ્વ ના હોત. મરલો-પૉન્ટી કહે છે કે શબ્દ ના હોત તો ચિત્ત પણ ના હોત. Without the word consciousness doesn’t exist. આપણે ત્યાં ઋગ્વેદથી માંડીને શબ્દમાંથી વિશ્વ નિર્માણ થયું, આ તો સ્વીકારેલ છે. બાઈબલમાં આવે છે કે ‘સૌથી પહેલો શબ્દ’ અને ‘જે પણ છે એ સંગઠન શબ્દમાંથી શબ્દએ શબ્દ રૂપે નિર્માણ કર્યું.’ But it is quite a jinx. શબ્દ અને ચિત્ત આ બે ભેગા થાય તો જે જન્મે છે તેથી વધારે અને તેથી ઓછું વિશ્વ નથી.

જ્યારથી અવાજના માધ્યમથી અભિવ્યક્તિની શરૂઆત થઈ (કારણ કે તે પહેલાં અભિવ્યક્તિના વપરાશ માટે સંગીત અથવા તો ટોનાલિટી (tonality) અને આર્વિભાવ અથવા થિયેટરનો વપરાશ થયેલો છે, 5 લાખ વર્ષના ઇતિહાસમાં. પણ અવાજના માધ્યમથી – સાંકેતિક અવાજના માધ્યમથી – જ્યારે અભિવ્યક્તિની શરૂઆત થઈ, એનો સમય છે આશરે 70,000 વર્ષ પહેલાંનો. માનવીના ઇતિહાસમાં 70,000 વર્ષ પહેલાં આ શરૂઆત થઈ, ત્યારે જે વિવિધ અવાજ હતા તે બધાને એકઠાં લાવવાની એક પ્રક્રિયા હજારો વર્ષો સુધી ચાલી. એક સ્વર અને સાથે સંલગ્ન થતાં અન્ય સ્વર ભેગા કરી, તેમાંથી વધારે સંકલુપ્ત (કોમ્પલેક્સ) સાંકેતિક દુનિયા નિર્માણ થતી રહી.

જે રીતે ખેતીના કામ માટે આશરે દસ હજાર વર્ષ પહેલાંથી આશરે 6/7 હજાર વર્ષ પૂર્વે સુધી, ચારેક હજાર વર્ષ મહેનત કરી કરી ખેતીની પદ્ધતિ વિકસાવવામાં આવી – જેથી માનવી ખેતી કરી શકે છે, ખેતીના આધારે જીવી શકે છે – એ જ રીતે શબ્દની ખેતી કરવા માટે આશરે 40 હજાર વર્ષ આપવા પડ્યા. 70 હજાર સાલ પહેલાં અવાજમાંથી, ધ્વનિમાંથી અર્થ પ્રતીતિ કરવાનું કામ શરૂ થયું અને એ બધું વર્તમાન કાળની મર્યાદામાં ચાળીસ હજાર વર્ષ સુધી શરૂ રહ્યું. આશરે 30 હજાર વર્ષ પહેલાં ભૂતકાળવાચક વાક્યની રચના શરૂ થઈ.

ભૂતકાળ એટલે ‘ન-સત્ય, ન પ્રત્યર્થ’ બોલવું. લઘુકથા, કથાનક, નેરેટિવ, નવલ આ જે બધું ભૂતકાળમાં લખાય છે. એક નવી દુનિયાનો વિકાસ, સાંકેતિક દુનિયાનો વિકાસ એમાં કરવામાં આવે છે. જે આંખ સમક્ષ છે, ચક્ષુઓ એવમ્ સત્ય છે, તેથી એ અલગ હોય છે. Any Order Of Reality is Different. ‘ન-સત્ય’ હું ખરાબ અર્થમાં નથી કહેતો, એક નવા પ્રકારનું વાસ્તવ ભૂતકાળ નિર્મિત દ્વારા થાય છે. તે પહેલાં સંપૂર્ણ ભાષાનો વપરાશ માત્ર વર્તમાનકાળવાચક વાક્ય અને અલગ અલગ છૂટાછવાયા સ્વરો દ્વારા થતું હતું, તેની જગ્યાએ શબ્દોનું ઘટન થયું, શબ્દનું બંધન. શબ્દો બંધનમાં આવ્યા, શબ્દની સંરચના થઈ.

આ શબ્દોમાંથી ઘણા બધા શબ્દો જે છે એ કેવળ દાર્શનિક રીતે only for the sake of appearance શબ્દ હોય છે. તે ખરેખરના શબ્દો નથી હોતા. વ્યાકરણની ભાષામાં કહું તો જે વ્યક્તિનાં નામ હોય છે એ ખરેખર શબ્દો નથી હોતા. દાખલા તરીકે મારી દીકરી હોય અને હું એનું નામ ‘કૃત્રિમા’ એવું રાખું. તો આપણા માટે લાગે કે તે શબ્દ છે. It’s not a word as such કારણ કે એનું સરક્યુલેશન માત્ર નાના પરિવારમાં હોય છે, સમાજમાં નથી. પણ જે સામાન્ય નામ છે તે સૌથી પહેલાંના શબ્દો. કારણ કે નામ અપાયા વગર દુનિયાનો ખ્યાલ આપણને આવતો નથી. વિશ્વનો ખ્યાલ, સંબોધન વિશ્વ આપણે સંબોધન નથી કરી શકતા જ્યાં સુધી વિશ્વના દરેક ખૂણાને, દરેક વસ્તુને દરેક ફેઇઝ માટે કોઈક કે બીજું નામ આપણે નથી આપતા. હવે ધીમેધીમે આ જે નામ છે, નામ વાચક શબ્દ છે, સામાન્ય નામ છે. (આ શબ્દોની એક ટેવ હોય છે, તે they are colonizers, they are great colonizers) આ શબ્દો અર્થની વધારે અને વધારે દુનિયા વ્યાપ્ત કરવાનો પ્રયત્ન કરતાં રહે છે. એટલે નામવાચક શબ્દ ધીમેધીમે ક્રિયા તરફનું વલણ લે છે, ક્રિયાવાચક રૂપમાં સામે આવે છે. એટલે ઘણાં બધાં નામ ‘વર્ડસ’ બની જાય છે. આ પ્રકારે એક શબ્દના અનેક અર્થ તૈયાર થવા, અથવા માનવી ચિત્ત ને દુનિયાને આવરી લેવા માટે જે થોડી ઘણી અનકારા છે તેમાં, એક સામ્ય, અને સામ્ય ન હોવું, આ બંને વસ્તુ ધ્યાનમાં આવવાની એક કળા છે. લાઇકનેસ અને ઓપોઝિટસ જેથી સમાન અર્થના શબ્દો અને વિરુદ્ધાર્થ શબ્દો નિર્માણ કરવાની કસબ, કળા આપણા પાસે રહેલી છે.

એક એક શબ્દ આખી ડિક્શનરી હોય છે. એક એક શબ્દ આખો દુનિયાનો ઇતિહાસ પણ હોય છે. એક એક શબ્દ એક સંપૂર્ણ નવલકથા હોય છે. સંપૂર્ણ કવિતા હોય છે. (જો હું થોડી મેટાફિજિકલ ભાષા વાપરું અને તે માટે માફી હશે તો) દરેક શબ્દનો એક શરીર અને આત્મા; અને શરીર પરકાયા પ્રવેશ કરી શકે છે અને આત્મા પણ પરકાયા પ્રવેશ કરી શકે છે. બંને સાથે પણ જીવે છે અને અલગ અલગ પણ જીવે છે. આ પ્રકારની તાકાત એક એક શબ્દમાં હોય છે. શબ્દના સૌંદર્યની ઉજવણી કરવા માટે એકથી એક મહાન કવિઓએ આખી એમની જિંદગી વીતાવેલી છે. અને ખરેખર જો શબ્દ ના હોય તો માનવી અને અન્ય પ્રાણી, આ બે વચ્ચે જરા પણ ફેર નથી. We are just the same, except that we are not one species.

આ બધું હોવા છતાં ય પણ આપણા સમયમાં એવું લાગે છે કે આપણી આંખ સામે, આપણી સમક્ષ – જે રીતે કોઈ એક મહાન મોટા વૃક્ષ પરથી પંખીઓ ઊડી જાય છે – એવી રીતે આપણા ભાષાઓના શબ્દ ઊડીને ક્યાં દૂર જઈ રહ્યા છે. જે પાછા ક્યારે ય એ વૃક્ષ ઉપર વિસામો લેવા માટે આવશે કે નહીં એનો વિશ્વાસ આપી નથી શકતા.

થોડાં વર્ષો પહેલાં મારાં પત્નીએ અને મેં એક ઘર બનાવ્યું, વડોદરામાં. એનું નામ આપવા માંગતા હતાં. વરસાદનું આકર્ષણ છે તો અમે વિચાર્યું ‘પરજન્ય’ નામ રાખીશું. પરજન્ય. અમારા પડોશી હતા, એક લેફટીસ્ટ અને એક રાઈટીસ્ટ. બન્ને પડોશીએ પૂછ્યું કે પરજન્ય એટલે શું ? એક બંગાળના છે, બીજા ગુજરાતના છે. પરજન્ય એટલે શું? એટલે મને લાગ્યું કે પડોશીને જો ખબર ના હોય તો પોસ્ટમેનને કઈ રીતે ખબર પડશે, અને દૂધવાળાને ને શાકભાજીવાળાને. એટલે અમે પરજન્ય શબ્દ ડેસ્કની અંદર ખૂણામાં મૂકી દીધો અને મકાનને નામ આપ્યું નહીં.

હું તેજગઢમાં એકવાર – તેજગઢ વડોદરાથી 10 કિલોમીટર દૂરી પરનું ગામ – ત્યાં યુવાનો સાથે વાત કરો હતો. અહીં આદિવાસી વસે છે, અને મારે કહેવું હતું કે “આપણી ક્ષિતિજો વિકસાવવાની જવાબદારી આપણી પોતાની છે.” હું વાક્ય તો બોલ્યો, પછી મને થયું કે આ ભાઈઓને સમજણ પડે છે કે નહીં? એટલે મેં પૂછ્યું કે ‘ક્ષિતિજ એટલે શું ?’ તો બધા આમતેમ જોવા લાગ્યા, તો ‘ક્ષિતિજ’ જતું રહ્યું. સંવાદમાંથી ક્ષિતિજ શબ્દ જતો રહ્યો, પરજન્ય જતો રહ્યો. લગભગ ભૂલાઈ ગયેલા ગુજરાતીના શબ્દોની યાદી કરવી હોય, વીથ રેફરન્સ ટુ ગોવર્ધનરામ, આજ સુધી અથવા ઝવેરચંદ મેઘાણીથી આજ સુધી તો આશરે વીસેક હજાર શબ્દો તો મળતા રહેશે. The lexicon of the forgotten. And when we write that, it has to be written with our tears and our pain.

આ સ્થિતિ માત્ર ગુજરાતીની નથી, મરાઠીની સ્થિતિ ગુજરાતીથી વધારે ખરાબ છે. વધારે શબ્દો ત્યાં ઘાયલ થયેલા છે. વધારે શબ્દો ગુમનામ થયેલા છે, ખોવાઈ ગયેલા છે. બાળપણમાં ત્યાં ખેતીમાં જ્યારે મારો સંબંધ હતો, એ ખેતીના શબ્દો આજના ત્યાંના શેતકરી મંડળી માટે બિલકુલ અજાણ્યા બન્યા છે. આ સ્થિતિ માત્ર મરાઠી કે ગુજરાતીની નથી, હિન્દીની, અંગ્રેજીની પણ સ્થિતિ આ જ છે.

અંગ્રેજીમાં શેક્સપિયર આજે વાંચવો એટલે સૌથી મોટી punishment [સજા] બની છે આજની પેઢી માટે. They don’t follow what Shakespeare was writing. કથાનકની વાત નથી કરતો, નાટ્યત્મકતાની પણ નહીં, શબ્દોની વાત કરું છું. એટલે સુધી કે 19મી સદીના અંત સુધીની જે અંગ્રેજી હતી, વિક્ટોરિયન અંગ્રેજી. એ આજે ભાગ્યે જ કોઈ સો ટકા પૂરેપૂરી સમજે છે. પોર્ટુગીઝ અને ફ્રેન્ચ ભાષાની પણ આવી હાલત છે. ફ્રેન્ચ લોકોએ તો એક ખાસ કમિટી નિમેલી છે, અને ભૂલાયેલા શબ્દોની યાદી કરવાનું કામ ત્યાં શરૂ છે.

આ શું થયું? કેમ થયું? આપણા સમયમાં કેમ થયું? આ માટે જવાબદાર કોણ છે? આ બધા પ્રશ્નો યુનેસ્કોએ પહેલીવાર ઉપસ્થિત કર્યા 1990માં. હવે આ વર્ષ પણ બહુ ઇન્ટરેસ્ટીંગ છે, કારણ કે લગભગ તે સમયમાં મિસીસ થાચર ઇંગ્લેન્ડમાં એક નવા અર્થશાસ્ત્ર (એ અર્થશાસ્ત્ર જ કહેતાં એટલે હું ય અર્થશાસ્ત્ર કહું છું.) સાથે નેતૃત્વ કરતાં થયાં; અને લગભગ ગણતરીનાં વર્ષોમાં બર્લિનની દિવાલ જતી રહી અને મિસીસ થાચર અથવા રોનાલ્ડ રેગનની ઈકોનોમિક બુદ્ધિમતા દુનિયા ઉપર રાજ્ય કરવા લાગી. ત્યારે યુનેસ્કોએ આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે શબ્દલોપ આપણા સમયમાં કેમ? જવાબદાર કોણ છે? અને ઘણી બધી જવાબદાર એજન્સી અથવા પ્રવૃત્તિઓનાં નામ તૈયાર કરવામાં આવ્યાં. એમાં એક એજન્સીએ નોંધ્યું કે ભાષાઓ જાય છે એનું એક કારણ કે નિશાળમાં ભણાવતા નથી, માતૃભાષાનું શિક્ષણ નથી. બીજું કારણ કે સરકાર અમુક ભાષાને ટેકો આપતી નથી, રક્ષણ આપતી નથી. ત્રીજું કારણ હતું કે અંગ્રેજી જેવી ભાષાઓનો દુનિયા ભરમાં ફેલાવો થાય છે, જેથી દેશી ભાષાઓને નુકશાન થાય છે, વગેરે.

આ ત્રણેય કારણો યોગ્ય તો છે પણ અંતિમ કારણો નથી. છેવટે આ એક ફાઈનલ રિઝન નથી, આ માત્ર આંખ સામે જોવા મળે છે, એ કારણો છે. સૌથી અંતિમ, સૌથી મૂળનો, સૌથી ઊંડાણમાં જે કારણ છે તે એ કે દુનિયામાં ભાષાઓનો ખતમો થાય છે, કત્લેઆમ થાય છે, ભાષાઓનું નિકંદન થઈ રહ્યું છે, જેમાં બધી ભાષા આવી. જેમાં અંગ્રેજીથી લઈને દિલની ભાષા સુધી, તમામ ભાષાઓનું નિકનંદન આજના સમયમાં થઈ રહ્યું છે. અને આપણા ઉપર એક નિ:શબ્દતા થોપવામાં આવી રહી છે. એનાં સૌથી મહત્ત્વનાં કારણ વિશે થોડું હું વર્ણન કરવા માંગું છું, આજના વ્યાખ્યાનના વિષયને ધ્યાનમાં લઈને.

આપણા સમયના દસ હજાર વર્ષ પહેલાં, એકવાર આવું જ થયું હતું એવું લિંગવિષ્ટ – ભાષા તજજ્ઞ કહે છે. અને તે સમયે આર્થિક કારણો માટે જેને પેસ્ટોરલ અથવા હન્ટિગ ગેધરીંગ, શિકાર કરવાવાળા સમાજની જગ્યા ખેતી કરવાવાળો સમાજ ઉત્પન્ન થતો હતો, વધતો હતો તે સમયમાં પહેલાંની બધી ભાષાઓ જતી રહી અને તેની જગ્યાએ નવી ભાષાઓ આવી તેવું સ્વીકારવામાં આવે છે. આપણા સમયમાં બે મહત્ત્વના બદલાવ ધ્યાનમાં લેવા જરૂરી છે. થોડું વિસ્તારમાં કહીશ જેથી મારા કહેવાનો કોઈ ભૂલભર્યો  અર્થ ન થાય. સ્મૃિત આ આપણા દિમાગની મૂળ પ્રવૃત્તિ નથી. It is not an impulse, strength or capacity of the human brain.

ભાષાનું નિર્માણ થયું, ત્યારપછી જે પ્રકારની સ્મૃિત માનવી પાસે છે એ પ્રકારની સ્મૃિતનો વિકાસ થયો. ઇન્દ્રિયોના અનુભવથી જે સ્મૃિત આવેલી હોય છે, બાયોલોજિકલ મેમરી બધા જ પ્રાણીઓમાં હોય છે; પણ માનવીમાં એથી વધારે પડતી અલગ પ્રકારની સ્મૃિતની ક્ષમતા છે. ભાષા આવ્યા પછી અને ભૂતકાળવાચક વાક્યરચનાની શરૂઆત થયા પછી જ્યારે માનવી એ અત્યારનો સમય અને આ પછીનો સમય આ પ્રકારે વર્ગીકરણ શરૂ કર્યા. ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળવાચક વાક્ય ના હોય તો આ પ્રકારે ભૂતકાળ અને ભવિષ્યકાળ અને અત્યારનો કાળ આ બધી સંકલ્પના પણ ગ્રહણ કરવી શક્ય ન થાત. જે પ્રકારની સ્મૃિત માનવીએ મેળવી તે સ્મૃિત ઇન્દ્રિયો દ્વારા. ઇન્દ્રિયો ગોચર સ્મૃિતથી જો અતિરિક્ત સ્મૃિત હતી એ બધી એકઠી કરી એ સ્મૃિતને સામાજિક રૂપ આપવામાં આવ્યું, જે અન્ય પ્રાણીઓએ કર્યું નથી. આ સામાજિક સ્મૃિત(કલેકટીવ મેમરી)નાં જે દૃશ્ય સ્વરૂપ છે એ છે નિશાળ, મ્યુિઝયમ અને લાયબ્રેરી. લાયબ્રેરીમાં શું હોય છે, દરેકે મેળવેલા અણમોલ અનુભવે પુસ્તક ગ્રંથોમાં ગ્રંથિત કરેલ હોય છે. અક્ષરોમાં લેખિત કર્યા હોય છે એ લાયબ્રેરી એ સ્મૃિત સ્થળ છે. મ્યુિઝયમ સ્મૃિત સ્થળ છે. આ (કલેકટીવ મેમરી) સંગ્રહ કરેલી સ્મૃિત માનવીની વિદ્યાશાખાઓનું સ્વરૂપ નક્કી કરે છે. યુરોપમાં એ પ્રકારે 17મી સદીમાં વિદ્યાશાખાઓનું વર્ગીકરણ થયું, આપણા સમયમાં માનવીએ એવું નક્કી કર્યું એવું લાગે છે, કહેવું જરૂરી છે કે માનવીએ હવે પછી સ્મૃિત જતન કરવાનું કાર્ય છોડી દીધું છે અને જાણે કે કોઈ એક બાહ્ય એજન્સીને આઉટસોર્સ કર્યું છે. જેવી રીતે સિક્યુરિટી એજન્સી હોય છે, એમ.

દરેક પાસે મોબાઇલ હોય છે, આ મોબાઇલની અંદર એક મેમરી ચીપ છે. એક સમય હતો કે મને મારા વડોદરાના લગભગ દોઢસો બસો ટેલિફોન નંબર મોઢે હતા. અત્યારે તો મારા પત્નીનો અને દીકરીનો નંબર મને યાદ નથી, મારો પોતાનો નંબર પણ યાદ રાખવું મુશ્કેલ થયું છે, કારણ કે મારો ટેલિફોન મારા માટે સ્મૃિત શરવવાનું કામ કરી રહ્યો છે. Humans are moving out of the phase of memory અને જગત ભરની ભાષાઓમાં ભૂતકાળવાચક વાક્યો ક્ષીણ બની રહ્યા છે. Time is going out of human languages. Tense is going out of human languages.

હવે આ પ્રકારની નવી ભાષા કમ્પ્યૂટર દ્વારા શક્ય થાય છે. ત્યાં તમે સર્ફિંગ કરી શકશો. હું કમ્પ્યૂટરને અભિનંદન આપવા માટે નથી કહેતો, ભાષાઓની સ્થિતિનું વર્ણન કરવા માટે કહી રહ્યો છું. આજે સાઇબરનેટિક્સ (Cybernetics) નામનું જે શાસ્ત્ર છે, જે વ્યક્તિનાં નામ પરથી એ શાસ્ત્ર આવ્યું છે એ ગ્રીક ખલાસી હતા અને દરિયામાં બિલકુલ સાવચેતીથી ગમે તેટલાં વાદળો હોય, તોફાન હોય તો ત્યાં તે સારી રીતે પોતાની નાવ સ્થિર રાખી શકતા હતા. તેમનું નામ કાઇબેરનિટ્સ હતું. અત્યારે ચિત્ત અને વિશ્વનો સંબંધ છે તે ઘણા બધા પરિબળોથી ઘેરાયેલ છે અને એમાં સ્થિરતા રાખવા માટે ચિત્ત બ્રાઉઝિંગ કરી રહ્યું છે, સર્ફિંગ કરી રહ્યું છે અને નવા વિશ્વ સાથે સંબંધ બાંધી રહ્યું છે.

અનેક દિશાઓથી અનેક પ્રકારથી, આપણી સામે આ નવા વિશ્વની વસ્તુ સ્થિતિ મૂકવામાં આવે છે. આ વર્ષનું ફિજીક્સ નોબલ પ્રાઈસ જેને આપવામાં આવ્યું, એ ફિજીક્સમાં એક ન્યુમેટર, નવો પ્રદાર્થ કે જેનાથી નવું વિશ્વ બની શકશે. ડાયસન સેલ (Dyson shell) નામથી જે સંકલ્પમાં છે. જેથી અમર્યાદ એનર્જી / ઉર્જાનો વપરાશ આપણે કરી શકીશું આટલી મર્યાદા વગરના ઉર્જાના વપરાશથી અહીંથી મંગળ ઉપર જવું અને પાછું આવવું એક ક્ષણાર્ધમાં શક્ય બનશે, કદાચ એથી ય વધારે ઝડપથી. કદાચ ભવિષ્યમાં માનવી માટે બહુ-સ્થલ અને બહુ-કાલત્વ જરૂરી બનશે.

અરવિંદ ઘોષ એવું કહેતાં હતાં કે, one new consciousness will arise which will allow us to belong to many planets, many stars at the same time. આજે કોઈ નક્ષત્ર તરફ તમે જુઓ અને એનો પ્રકાશ જ્યારે તમારી આંખને ભીડશે, તે નક્ષત્ર 450 લાઈટ વર્ષ આપણાથી દૂર છે, એ જાણ્યા પછી તમે શું કહેશો કે તમે 450 વર્ષ પહેલાંના છો ? કે નક્ષત્ર તમારા સમયનું છે? આ બંને પ્રશ્નો નિરર્થક છે, ખરેખર They make no sense. કારણ કે આપણા સમયનો અનુભવ, આપણી સમયની સંકલ્પના તે માનવીએ બનાવેલી આપણા ભાષાના ફ્રેમવર્કમાં બનાવેલી સંકલ્પના છે, સમયની અને સ્થળની પણ. અને બહુસ્થલપણું અને બહુકાલપણું સ્વીકારેલું નવું કોન્સશ્યસનેસ, નવું ચિત્ત નવી ભાષામાં કામ કરશે. હવે નવી ભાષા એટલે ગુજરાતીથી અંગ્રેજી કે અંગ્રેજીથી ફ્રેન્ચ જેવી નવી નથી.

આ નવી ભાષા વિશે વૈજ્ઞાનિકો કશુંક કહી રહ્યા છે. તે એવું કહી રહ્યા છે કે માનવી મગજ human brain recursive, જે પોતાના ચિંતન વિશે ચિંતન કરી શકે છે એને recursive કહેવામાં આવે. અન્ય પ્રાણી માત્ર દુનિયા વિશે વાત કરી શકે છે, વિચારી શકે છે, અનુભવી શકશે, પણ માનવી પોતાના અનુભવનો પણ અનુભવ કરી શકે છે, પોતાની વાત વિશે વાત કરી શકે છે, પોતાના ચિંતન વિશે ચિંતન કરી શકે છે. એને રિર્કસિવ બ્રેન કહેવામાં આવે છે. રિર્કસિવ બ્રેનમાં, લગભગ સામાન્ય શબ્દોમાં કહું તો મગજ ઉપર લીટીઓ આવતી રહે છે અનુભવની. મગજ ઉપર જે લીટીઓ આવે છે એ બધાના ભારથી આજે મગજનો જે ડાબી બાજુનો હિસ્સો છે, બ્રોકાસ સ્ફીયર (Broca’s sphere), એ બ્રોકાસ સ્ફીયર હિસ્સામાંથી દુનિયાનું આકલન ભાષા દ્વારા કરવાની આપણને તક મળી હતી. એ બ્રોકાસ સ્ફીયરથી હવે પછી દર્શન, એબ્સ્ટ્રેકશન, ફિલોસોફી તૈયાર કરવા, અને યોગ્ય નિર્ણય લેવા, યોગ્ય સૂક્ષ્મતાથી દુનિયાનો અનુભવ લેવો અને તે વિશેની તાત્ત્વિક સમજણ વધારવી આ કામ pre frontal vortex દ્વારા થવાની શરૂઆત થઈ છે, ઉત્ક્રાન્તિની પ્રક્રિયામાં, એવું સાયન્ટીસ્ટ માનવા લાગ્યા છે અને ખાસ કરીને ડિસલેક્ટીક, (ડિસલેક્ટીક એટલે જે બાળકો સારી રીતે ભાષા વાપરી નથી શકતાં) એવાં બાળકો આપણા બધાના સો વર્ષ આગળનાં છે, ના કે આપણા પાછળનાં, એવું માનવા લાગ્યા છે. There is a beautiful book called ‘Proust and Squid’. એક નિષ્ણાત પ્રાધ્યાપિકા જે ઇંગ્લેન્ડમાં ભણાવે છે, એમનું આ પુસ્તક છે. તે માને છે ઉત્ક્રાંતિની પ્રક્રિયા પર આપણો કોઈ અધિકાર નથી. આપણો કંટ્રોલ નથી. જેમ કે કોઈ ગાલિબ કહે કે પ્યાર પર જોર નહીં હૈ, એવી જ ઉત્ક્રાંતિ છે, શરૂ છે અને શરૂ રહેવાની. અને એ પ્રક્રિયામાં માનવી માટે એક નવું આહ્વાન સામે આવી રહ્યું છે. એ આહ્વાન છે નિ:શબ્દતાની દુનિયામાં પહોંચવું અને દૃશ્યતાની દુનિયામાં જીવવાનું શીખવું, જેમાં અનેક કાળપણું અને અનેક સ્થળપણું ભોગવવું, એ આપણા આગળના ભવિષ્યમાં નક્કી થયેલું છે. એ ઉત્ક્રાંતિ આપણે સાથે લઈ જવી રહી. આ આખી વાત શાસ્ત્રજ્ઞ પણ કરી રહ્યા છે. ટેક્નોલોજીનો જે વિકાસ થઈ રહ્યો છે તે આ દિશામાં છે, એમાં કમ્પ્યૂટર તો આજનું રહ્યું. (આજ કા ખિલોના હૈ વો, ચલા જાયેગા.) પણ એક નવા પ્રકારની સ્મૃિત જે અનેક સ્થળપણું અને અનેક કાળપણું આપણને આત્મસાત કરાવશે, એ પ્રકારે વિકસાવવાની જરૂર છે. હવે આ બધાથી એક નિ:શબ્દતા આપણા પર આવવાની છે. Aphasia અથવા Loss of Speech, પણ આ સંપૂર્ણ Loss of Speech હશે નહીં કારણકે જે રીતે હું હાથ હલાવું છું, (જે આ પાંચ લાખ વર્ષ પહેલાંની ભાષા હતી.) જે રીતે અત્યારે હું, હસું છું (આ ત્રણ લાખ વર્ષ પહેલાંની ભાષા હતી) એ રીતે શબ્દોની ભાષા અમુક શબ્દો રહેશે, લાક્ષણિક રૂપમાં રહેશે, કદાચ રિચ્યુઅલના રૂપમાં રહેશે. અત્યારે પણ ઘણા બધા મંત્રો વગેરે સાંભળીએ છીએ, બોલીએ છીએ જે રિચ્યુઅલના રૂપમાં હોય છે. Neither I understand them, not you understand them, I suppose તો this is one kind of Nishabdata, હવે બીજી નિ:શબ્દતા આપણી સામે જ છે, પડકાર તરીકે.

બીજા પ્રકારની નિ:શબ્દતા એ છે કે સમાજમાં આજે  ભાષાનો સંવાદ માટેનો વપરાશ કરવાની ઇચ્છા ઓછી થતી જાય છે. અમુક ફલેટસમાં કે પછી જે પહેલાં મુંબઈમાં ચાલ હતી, એ ચાલમાં આજે બે બાળકો સામસામે અથવા એકબીજાની નજદીક ઊભા રહીને ટેક્સટીંગ કરે છે. ટ્રેનમાં પહેલાં અલગ અલગ પ્રકારની ભાષા સાંભળવા મળતી હતી, એટલે તો રેલવેનો પ્રવાસ આપણા માટે મોટું શિક્ષણ હતું, પણ હવે માત્ર રીંગટોન અલગ અલગ સાંભળવામાં મળે છે. We are becoming a silenced society. કારણ કે દરેક વ્યક્તિને એ વ્યક્તિનું વ્યક્તિપણું individualism, individuality થ્રેટંડ લાગે છે, આજે. અને એક કે બીજા નેટર્વકમાં ગુંચવાઈ, એક કે બીજા નેટર્વકના આધારે આપણે જીવી રહ્યા છીએ. સ્વના આધારે નહિ, સંભાષણના આધારે નહિ અને સંવાદના આધારે નહીં. આ એક સાયલેન્ટ સોસાયટીનો શ્રાપ આપણા સમય માટે માનવીને – અને તેથી એક બીજી નિ:શબ્દતા.

અને ત્રીજી નિ:શબ્દતા : માત્ર એક જ પ્રકારની અર્થનીતિ અપનાવવાવાળા જો બધા જ દેશ હશે, અને એને વૈકલ્પિક અન્ય કોઈ પણ અર્થનીતિ ના હોય તો એવા દેશોમાં આ અર્થનીતિના તર્કશાસ્ત્રથી, લોજિકથી પ્રજાતંત્ર હોવા છતાં ય પણ એક પ્રકારના જ મુખત્યાર તંત્રનો ફેલાવો થાય છે. આ ફ્રાન્સમાં પણ થયું છે. Democracy all over the world are becoming dictatorial. ગ્રેનોબલ જ્યાં ફેન્ચ રાજ્યક્રાંતિની શરૂઆત થઈ ત્યાં હું જોઉં કે ડેમોન્સ્ટ્રેસન્સ સામે પોલીસે કોર્ડન કરીને સર્જકોનાં એક જૂથને ચૂપ બેસાડેલ, મેં આંખથી આ જોયું છે, આ ઘટના 2016ની છે. આવું જ ઈજિપ્તમાં થયું છે, આ અમેરિકામાં થઈ રહ્યું છે અને આપણે ત્યાં પણ થયું છે. આ કોઈ પક્ષની વાત નથી, હું ભા.જ.પ.ની સામે કે કોંગ્રેસની સામે કે કોમ્યુિનસ્ટની સામે કે એમની તરફેણમાં વાત નથી કરતો. કારણ કે આ પક્ષોથી વધારે મહત્ત્વની વાત ક્યારેક કરવાની હોય છે. આ સમય વાત કરવાનો તથ્યોની, તત્ત્વોની, સત્યની. લોકતાંત્રિકતા જ્યારે અધિકારશાહી સામે નમે છે કારણ કે અન્ય કોઈ અર્થનીતિ ઉપલ્બધ નથી ત્યારે અભિવ્યક્તિ પર બંધન આવે છે. આ તામિલનાડમાં છે, આ કર્ણાટકમાં પણ છે અને મહારાષ્ટ્રમાં પણ. આ ત્રણ રાજ્યોના ફંકશનમાં અલગ અલગ પક્ષો છે એટલે કોઈ વ્યક્તિ કે પક્ષ સામે વાત નથી. એક વધારે મહત્ત્વની વાત, એક વ્યક્તિથી અને એક પક્ષથી હજારગણી વધારે મહત્ત્વની વાત કરી રહ્યો છું.

આમ ત્રણ પ્રકારની નિ:શબ્દતા : એક રાજ્યકીય અને આર્થિક પરિસ્થિતિથી સર્વત્ર દુનિયામાં; બીજી નિ:શબ્દતા સામાજિક જે ટેક્નોલોજી ડ્રીવન. આજે માબાપને ફોન નથી કરતાં બાળકો, અને બાળકોને ફોન નથી કરતાં માબાપ; માત્ર ઈમેલ જે અવાજ વગરનો શબ્દ છે, ધ્વનિહીન શબ્દ છે, અડધો શબ્દ છે, છાયા છે શબ્દની, શબ્દોનો અંગ નથી, વસ્તુ નથી, shadow છે, શેડો દ્વારા શેડો-સંવાદ શરૂ છે. અને ત્રીજી નિ:શબ્દતા : જે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં બધી ભાષા જવાની તૈયારી શરૂ થયેલી છે.

નિ:શબ્દતા આપણા સમયનો કેન્દ્ર સ્વભાવ, કેન્દ્રબિંદુ. એક કેન્દ્રમાં આવેલું અંદરથી જે રીતે સો વર્ષ પહેલાં વિલ્યમ બટલર ચેટ્સ, ટી. એસ. એલિયટ, એઝરા પાઉન્ડ અથવા તો આપણાં મરાઠી, ગુજરાતી, હિન્દી, બંગાળી કવિઓ માટે એકલાપણું, એલિનિયેશન (alienation), અર્થહીનતા વગેરે અંગો હતા, એ રીતે આપણા સમય માટે – માત્ર લેખકો, સર્જકો, કવિઓ માટે જ નહીં, માત્ર ચિંતકો, તાત્ત્વિક ચર્ચા કરવાવાળા, શિક્ષકો માટે જ નહીં, માત્ર વેપારીઓ કે ખેડૂતો માટે જ નહીં – પણ સંપૂર્ણ દુનિયા, એટલે ઘરડાંથી બાળકો સુધી, શબ્દહીનતા આપણાં જીવનનાં કેન્દ્ર સ્થાને રહેતો એક અનુભવ બનતો રહે છે. આ સમયમાં નવા ચિહ્નો પ્રગટ કરવા, નવા પ્રકારે હુકમશાહી સામે એક લોકતાંત્રિક અથવા અભિવ્યક્તિનું કામ કરવું રહ્યું, દરેકની પદ્ધતિ અલગ અલગ હોય છે; કોણ કયા પ્રકારે કરશે એ વાત અલગ છે. It can be done in one million different ways. અભિવ્યક્તિ આપણને માનવીના રૂપમાં જીવતી રાખશે, અને શબ્દહીનતા આપણને માનવીથી અન્ય કોઈ જાનવર, પ્રાણીની સ્થિતિ સુધી લઈ જશે.

આપણી સામે બે રસ્તા છે, માત્ર બે જ. એક શબ્દહીનતા સ્વીકારવી અને પ્રવાહપતિત બનવું અને બીજો માર્ગ, અભિવ્યક્તિ જીવતી રાખવી. જે સાહિત્ય દ્વારા હશે, નાટક દ્વારા હશે, સિનેમા દ્વારા હશે, ન બોલવા દ્વારા પણ અભિવ્યક્તિ હોઈ શકશે. Not speaking can also be speech. મૌન – વિરોધ દ્વારા થઈ શકશે, વિક્ષોભ દ્વારા થઈ શકશે. ઉદ્રેક, પ્રક્ષોપ દ્વારા હોઈ શકશે, પણ we must live on the side of અભિવ્યક્તિ. અભિવ્યક્તિની સાથે રહીને અને નિ:શબ્દતાથી પસાર થતી નવી દુનિયાના, નવા ચિત્તવૃત્તિના ઘડતર દરમ્યાન, આ પહેલાંનું 70 હજાર સાલથી આવ્યું તે છોડી નહીં જવાનું, પણ આ બધું સંચિત સાથે લઈને આગળ નીકળવું છે, આપણા સામે એક નવું આહ્વાન છે. એ માત્ર આપણા સમયનું છે, એ આપણાં પહેલાંના સમય, આ સમયના પહેલાં કોઈએ આ આહ્વાન જોયું નથી, ને સમજી નથી શકવાના કારણ કે એમના માટે ન હતું. આપણા માટે આહ્વાન છે. We must face it. અને આહ્વાન આજે લેક્સિકન અર્થાત શબ્દ જીવતાં રાખીને કરવું હોય તો it’s a great way. લેક્સિકન ગુજરાતી છે, એટલે બે ભાષાના શબ્દ ભેગા લઈને પણ બંને ભાષા જીવતી રહેતી હશે, તો પછી બે કુટુંબોમાંથી વ્યક્તિ આવીને લગ્ન થાય છે અને બે કુટુંબોની વૃદ્ધિ થાય છે, તે પ્રકારની વૃદ્ધિ થાય તો પણ ચિંતા નથી. Purity is not the ultimate condition of language. Pollution is the ultimate rule of continued existence of language. જે ભાષા pollute નથી, એ ભાષા જીવતી નથી રહેતી અને એની વૃદ્ધિ નથી થતી. એટલે વધુમાં વધુ ભાષાને pollute કરવી, જેથી એ સમૃદ્ધ થશે. કાલપરત્વે ન બદલતાં શબ્દોમાંથી ભાષાનું બ્રાહ્મણપણું વધશે. જે પગથી ભાષાની જમીન તૈયાર થાય છે, એ જમીન જતી રહેશે, કામ જતું રહેશે, અને માત્ર શબ્દ – અર્થ વિનાના શબ્દ – આપણી પાસે રહેશે.

શબ્દોની હાલની સ્થિતિ જોઈને ગભરાવવાની કોઈ જરૂર નથી. પરંતુ આપણી જે ચાલચલગત છે એને સુધારવા માટે આ સમજવું જરૂરી છે. જ્યાં સુધી આપણે તે નથી સમજતા ત્યાં સુધી ખોટા વિવાદોમાં અને વાદોમાં આપણે ઊલઝાયેલા રહીશું, સંડોવાયા જ રહીશું. શબ્દ પણ સમજીએ અને શબ્દ હીનતા પણ સમજીએ. આટલી વિનંતી સાથે, અને મને બોલવાની તક આપી અને ખૂબ શાંતિથી મારે જે બે-ચાર વાત કહેવાની હતી સાંભળી લીધી, તે માટે ફરી એકવાર બધાને ધન્યવાદ આપું છું.

અમદાવાદ, 08 ઑક્ટોબર 2016

Loading

...102030...3,3783,3793,3803,381...3,3903,4003,410...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved