Opinion Magazine
Number of visits: 9664629
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અરાજકતાનો અર્થ જાણો છો?

રમેશ ઓઝા|Opinion - Opinion|30 March 2025

રમેશ ઓઝા

અરાજકતાનો અર્થ જાણો છો? મારી વાચકમિત્રોને ભલામણ છે કે આ લેખ આગળ વાંચતા પહેલાં અ-રાજકતાનો અર્થ જાણી લો. આ દેશમાં અને આ ધરતી પર તમે પણ એક ભાગીદાર છો, તમારો પણ ભલે નાનકડો પણ કોઈક સ્વાર્થ છે અને સૌથી વધુ તો તમે તમારાં સંતાનોને ભાગીદારીનો વારસો આપી જવાના છો. માટે પાયાની વાત સમજવા માટે થોડી તસ્દી લેવી જોઈએ. બાકી કોઈના ભજન ગાવા માટે તો આખી જિંદગી પડી છે. દિવસમાં માત્ર પંદર મિનિટ આંખ ખોલવાનું સાહસ કરશો તો તમારું અને તમારા સંતાનોનું કલ્યાણ થશે.

અ-રાજકતા, અંગ્રેજીમાં anarchyનો અર્થ છે : રાજનો અભાવ, શાસનહિનતા, અર્થાત કાયદાના રાજનો અભાવ, અર્થાત ન્યાયનો અભાવ, અર્થાત મારે એની ભેંસ, અર્થાત બળિયાના બે ભાગ, અર્થાત કોઈ પૂછનાર ન હોય, વગેરે. જ્યાં કાયદાપણું ન હોય, પણ માથાભારેપણું હોય. આનાં અનુભવજન્ય લક્ષણો જાણવા હોય તો ૧૯મી સદીમાં રિયાસતોની પ્રજાએ લખેલું સાહિત્ય વાંચવું જોઈએ. મહાત્મા ફૂલે, કવિ દલપતરામ, ભારતેન્દુ હરિશ્ચંદ્ર વગેરેને વાંચવા જોઈએ. તેમણે અરાજકતાનો અનુભવ કર્યો હતો. આ ત્રણમાં એક શુદ્ર હતા, એક બ્રાહ્મણ હતા અને ત્રીજા કાયસ્થ જમીનદાર. અરાજકતાનો તાપ ત્રણેયે અનુભવ્યો હતો. તો આનો અર્થ એ થયો કે અરાજકતાનો અગ્નિ કોઈને ય છોડતો નથી. એની જ્વાળા નીચેથી ઉપર પહોંચે છે અને માટે એ ત્રણેયે અંગ્રેજી રાજનું સ્વાગત કર્યું હતું. એ સ્વાગત ધોળી ચામડીનું નહોતું, કાયદાના રાજનું હતું. હરખ હવે તું હિન્દુસ્તાન. દલપતરામે અંગ્રેજી શાસનનું હરખ પ્રગટ કરીને સ્વાગત કર્યું હતું. કલ્પના કરો કે અરાજકતા કેવી હશે!

સમાજમાં ક્યારે ય સંપૂર્ણ સમાનતા હોતી નથી. એટલે જે ઉપર હોય, વર્ચસ ધરાવતા હોય એ પોતાનું વર્ચસ જાળવી રાખવા માટે ઉધામા કરતા રહે છે. એ સ્થાપિત વ્યવસ્થા ન બદલાય, બીજો કોઈ આગળ ન આવે, આપણને કોઈ નુકસાન ન પહોંચાડે, આપણે કોઈને જવાબ આપવો ન પડે એ માટે આકાશપાતાળ એક કરતા હોય છે. આગળ જતાં જો કોઈ ટોકનાર ન હોય તો તેઓ શાસનવ્યવસ્થાને અને શાસકોને પોતાને અનુકૂળ આવે એ રીતે ખરીદી લેતા હોય છે. એમાંથી ભાગીદારીની ધરી રચાય. એ ધરી પ્રજાને નશામાં રાખવા માટે ધર્મ, દેશપ્રેમ, રાષ્ટ્રવાદ જેવા અસ્મિતાઓનો ઉપયોગ કરે. પણ આવું ત્યારે બને જ્યારે હમણાં કહ્યું એમ કોઈ ટોકનાર કે વારનાર ન હોય. દરેક સમાજમાં અને દરેક યુગમાં આવું બનતું હોય છે. સ્વાર્થ માનવપ્રવૃત્તિના કેન્દ્રમાં હોય છે અને જેનો સ્વાર્થ મોટો હોય એ પોતાનો સ્વાર્થ જળવાઈ રહે એ માટે દરેક પ્રકારના ખેલ ખેલતા રહે છે. રામરાજ્ય ક્યારે ય સાકાર ન થઈ શકે એવો પણ એ સાથે જ ક્યારે ય વિસરી ન શકાય એવો આદર્શ છે.

વ્યવસ્થામાં ક્ષતિ તો હોય અને હોવાની જ. સાચી અરાજકતા ત્યારે પેદા થાય જ્યારે કોઈ પ્રશ્ન પૂછનાર ન હોય. કોઈ ઊહાપોહ કરનાર ન હોય અને જો કોઈ હોય અને એવો પ્રયાસ કરે તો તેવા અવાજોને બંધ કરી દેવામાં આવતા હોય. બીજી બાજુ સાચી વાત લોકોના કાને ન પડે એ માટે ધર્મ જેવી અસ્મિતાઓને અને ઇતિહાસને લઈને ઘોંઘાટ પેદા કરવામાં આવે. બૂમબરાડા અને ચીસો. કાયદાનો અમલ કરતી સંસ્થાઓ પર કબજો કરવામાં આવે. અને એનાથી પણ આગળ? શિરમોરસમાન? ન્યાયતંત્રને ખતમ કરી નાખવામાં આવે અને ન્યાયધીશો ડરીને કે પછી વેચાઈને તેમાં સાથ આપે. આવું જ્યારે બને, અર્થાત અરાજકતાનાં દરેક લક્ષણ કોળાઇને ફૂલેફાલે ત્યારે એવા દેશને આજની રાજ્યશાસ્ત્રની પરિભાષામાં નિષ્ફળ રાજ (ફેઈલ્ડ સ્ટેટ) તરીકે ઓળખાવવામાં આવે છે. આપણી પડોશમાં અને જગત આખામાં આવા સો કરતાં વધુ દેશ છે. આ બધા દેશોની નિષ્ફળતાની યાત્રા પર જો એક નજર કરશો તો તેમાં એકસરખી સમાનતા નજર પડશે, પછી એ પાકિસ્તાન હોય કે ઉત્તર કોરિયા. કોઈ ફરક નહીં, એક જ પેટર્ન.

ભારત અત્યાર સુધી ફેઈલ્ડ સ્ટેટથી બચતું આવ્યું છે. એનાં ઘણાં લક્ષણો વરસોથી નજરે પડી રહ્યાં છે, પણ ચિંતા કરનારાઓ, ઊહાપોહ કરનારાઓ, રસ્તા પર ઉતરનારાઓ મોટી સંખ્યામાં હતા અને તેમના અવાજોને વાચા મળતી હતી. ટોકનારા અને વારનારા હતા. તેમને જેલમાં પૂરવામાં નહોતા આવતા. ઇ.ડી. અને સી.બી.આઈ.નો ઉપયોગ કરીને ત્રાસ આપવામાં નહોતો આવતો. મીડિયા ભ્રષ્ટ હતા એની ના નહીં, પણ સ્થાપિત હિતોનો વિરોધ કરનારાઓના અવાજોને દબાવી દેવાનું અને સ્થાપિત હિતોને અનુકૂળ આવે એવો ઘોંઘાટ પેદા કરવાનું કામ નહોતા કરતા. લોકતાંત્રિક સંસ્થાઓ નિર્બળ હતી, પણ શાસકો અને સ્થાપિત હિતોના ખિસ્સામાં નહોતી. સૌથી વધુ તો ન્યાયતંત્ર હજુ સાબૂત હતું. ઘણા એવા જજો હતા જે બંધારણને, ન્યાયને અને પોતાના અંતરાત્માને વફાદાર હતા. ટૂંકમાં આવી કેટલીક ચીજો હતી જે ભારતને ફેઈલ્ડ સ્ટેટ બનવાથી રોકતી હતી. જ્યારે પારકી છઠ્ઠીના જાગતલો, પ્રમાણિક અધિકારીઓ અને પ્રામાણિક જજો ખતમ થઈ જાય કે ખતમ કરી દેવામાં આવે અથવા તેમને સ્વતંત્રપણે બોલતા કે કામ કરતા રોકવામાં આવે અને પ્રજાનું ધ્યાન અન્યત્ર ભટકાવવા રાષ્ટ્રીય સ્તરે નિરર્થક વિતંડા થાય ત્યારે એ દેશને નિષ્ફળ બનતા કોઈ રોકી ન શકે.

ભક્તોને પાકિસ્તાન બહુ પસંદ છે. પાકિસ્તાનની નિષ્ફળતા જોઇને બહુ રાજી થાય છે. પાકિસ્તાન આ જ માર્ગે નિષ્ફળ ગયું કે તેણે બીજો કોઈ માર્ગ અપનાવ્યો હતો? ભક્તોમાં કોઈ વાંચવા વિચારવાની આવડત ધરાવતું હોય તો મારું માર્ગદર્શન કરે. પાકીસ્તાન આ માર્ગે નહીં પણ કોઈ  બીજો માર્ગ અપનાવ્યો હતો એટલે નિષ્ફળ ગયું એનાં પ્રમાણ આપે. ખાતરી કરી લો. ડીટ્ટો આ જ માર્ગ અપનાવ્યો હતો જે અત્યારે આપણે અનુસરી રહ્યા છીએ. કાનામાત્રનો પણ ફરક નથી.

તો કડવી હકીકત એ છે કે ભારત બહુ ઝડપથી નિષ્ફળ રાજ્ય બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. દિલ્હીની વડી અદાલતના જજના ઘરમાંથી કરોડો રૂપિયા (પંદર દિવસથી કરોડો રૂપિયા કહેવામાં આવે છે, પણ રકમ કોઈ કહેતું નથી એટલે કલ્પના કરો કે એ કરોડો એટલે કેટલા કરોડ હશે!) રોકડા આગ બૂઝાવવા ગયેલા બંબાવાળાઓને મળે ત્યારે દેશને આઘાત લાગવો જોઈતો હતો. ન્યાય અને કાયદાના રાજ્યનું રક્ષણ કરનારાઓની આ અવદશા જોઇને આંચકો લાગવો જોઈતો હતો. પણ ચર્ચા શિવાજી અને ઔરંગઝેબ વિષે થઈ રહી છે. કુણાલ કામરા વિષે થઈ રહી છે. આ નિષ્ફળ નીવડી રહેલ દેશનાં લક્ષણો છે. ફરી એકવાર નિષ્ફળ દેશોની નિષ્ફળતાની યાત્રા પર એક નજર કરી જુઓ. આ જ બધું જોવા મળશે.

થોડીક વાસ્તવિકતા તપાસીએ. એક સમયે ભારતને એશિયન ટાઈગર, ઈમર્જીંગ ઈકોનોમી, ચીનનું હરીફ બનવાની ક્ષમતા ધરાવનારા દેશ, ઝડપથી વિકસી રહેલા લોકતાંત્રિક (અહીં લોકતાંત્રિક શબ્દ મહત્ત્વનો છે) દેશ તરીકે બિરદાવવામાં આવતું હતું. આવું છેલ્લા આઠ દસ વરસમાં કોઈ પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીએ ભારત વિષે કહ્યું હોય એવું તમારા જોવામાં આવ્યું છે? વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી અર્થશાસ્ત્રી જગદીશ ભગવતી પણ નથી બોલતા જે એક સમયે નરેન્દ્ર મોદીના સમર્થક હતા. આપણે ભલે આપણી જાતને વિશ્વગુરુ તરીકે ઓળખાવીએ, જગત અપેક્ષા રાખતું બંધ થઈ ગયું છે. ભારત કઈ દિશામાં જઈ રહ્યું છે એ જગતને સમજાઈ રહ્યું છે એટલે તો વિદેશી રોકાણ આવતું બંધ થઈ ગયું છે અને જે આવ્યું હતું એ પાછું ખેંચાઈ રહ્યું છે. અને આપણા વાણિજ્ય પ્રધાન કહે છે કે વિદેશી રોકાણ પાછું જતું જોઇને હું સુખનો અનુભવ કરી રહ્યો છું. અનેક મર્યાદાઓ પછી પણ ભારતની તાકાત લોકતંત્રની હતી. જો કાયદાનું રાજ ન હોય, મારે એની ભેંસનો ન્યાય હોય અને ન્યાય મળવાનો ન હોય, કોઈ સાંભળનાર ન હોય તો કોણ અબજો રૂપિયા ભારતમાં રોકવા આગળ આવવાનું છે? તો પછી ભારત કરતાં ચીન શું ખોટું? ભારતમાંથી વિદેશી મૂડી ચીન જઈ રહી છે.

તો ભલા ભાઈ, આ દેશમાં તું પણ એક ભાગીદાર છે. તારો નહીં તો તારા સંતાનનાં ભવિષ્યનો તો વિચાર કર!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 માર્ચ 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—282

દીપક મહેતા|Opinion - Opinion|29 March 2025

પાંસઠ હજાર લોકોએ બ્રિટિશ સરકારને લેખિત અરજી શા માટે કરી?            

પ્રજા તણો જોસ્સો બહુ જામ્યો, કોણ પરમ તે પાપી,

જેણે આ બે બાળાઓની જિંદગી નાખી કાપી. 

હા, મુંબઈના લોકોનો જોસ્સો બહુ જામ્યો હતો. એટલે સરકારી જવાબથી તેમને સંતોષ થયો નહિ. એટલે મુંબઈના ગવર્નર લોર્ડ હેરિસને અરજી મોકલવાનું નક્કી થયું. તેના પર માત્ર પારસીઓ જ નહિ, હિંદુ, મુસ્લિમ, યહૂદી, યુરોપિયન નાગરિકોએ પણ સહીઓ કરી. કુલ ૪૫,૦૦૦ સહી એકઠી થઈ! ૧૮૯૧ના જૂનની ૨૭મી તારીખે સરકારને મોકલાયેલી એ અરજીમાં આ ખટલા અંગે નવેસરથી વિચાર કરવા માટે એક કમિશનની નિમણૂક કરવાની માગણી રજૂ કરવામાં આવી હતી. ચોથી જુલાઈએ સરકારે તેનો જવાબ આપતો ઠરાવ બહાર પાડ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે રાજાબાઈ ટાવર કેસમાં (નોંધ્યું? સરકારે ‘ખૂન’ શબ્દ કાઢી નાખ્યો) મુંબઈના પ્રજાજનોના ઘણા મોટા વર્ગની લાગણીઓ સરકાર સમજી શકે છે અને તેની કદર કરે છે. આ બનાવમાં સંડોવાયેલી બે છોકરીઓના કુટુંબીજનો પ્રત્યે સરકાર સહાનુભૂતિ ધરાવે છે. અને એટલે આ અરજીમાં કરેલી રજૂઆત વિષે સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કર્યો છે. પણ આ બાબત અંગે એક કમિશનની નિમણૂક કરવાની માગણી સ્વીકારવાનું સરકારને યોગ્ય લાગતું નથી. કારણ ભવિષ્યમાં આ ખટલો બોમ્બે હાઈ કોર્ટમાં નહિ જ જાય એવી ખાતરી નથી. અને જો તેમ થાય તો એ વખતે કમિશનની કામગીરી બોમ્બે હાઈકોર્ટના કામમાં અડચણરૂપ બને એવો પૂરો સંભવ છે. વળી જો હાઈ કોર્ટ અને કમિશન જુદા જુદા નિષ્કર્ષ પર આવે તો હાઈ કોર્ટના નિર્ણયની અવમાનના કરવાનો ગુનો કમિશન દ્વારા થયો ગણાય. પોલીસના માણસોએ, અને ખાસ કરીને સુપરીન્ટેન્ડન્ટ મેકડેરમોટે તપાસ દરમ્યાન પોતાનું વલણ બદલ્યું હતું એમ નિવેદનમાં કહેવાયું છે. પણ આવા કિસ્સાઓમાં સાધારણ રીતે પોલીસ શરૂઆતમાં એક શક્યતા સ્વીકારીને ચાલે છે, અને પુરાવાઓ ભેગા કરે છે. એ કર્યા પછી જો અગાઉની ધારણા બદલવાની જરૂર જણાય તો તેમ કરે છે. જ્યાં સુધી સજ્જડ પુરાવાને આધારે અનુમાન યોગ્ય ન ઠરે ત્યાં સુધી તે નિર્ણય કે નિષ્કર્ષ બની શકે નહિ. અને તો પોલીસે પોતાનો અભિપ્રાય બદલવાનું જરૂરી બને છે. આવું ઘણા કિસ્સાઓમાં બનતું હોય છે. આ ખટલો તેમાં અપવાદરૂપ નથી. એટલે હાલને તબક્કે કમિશનની નિમણૂક કરવાનું સરકારને જરૂરી કે યોગ્ય  લાગતું નથી.        

પણ મુંબઈના લોકોને મુંબઈ સરકારના આ જવાબથી સંતોષ ન થયો. એટલે આ મામલા અંગે એક અરજી ગ્રેટ બ્રિટન મોકલવાનું નક્કી થયું. આ અરજી પર કેટલા લોકોએ સહી કરી હશે?

હિંદુ : પુરુષ ૧૮,૦૨૭, સ્ત્રી ૩; પારસી: પુરુષ ૧૬,૯૬૫, સ્ત્રી ૪,૪૦૬; મુસ્લિમ: પુરુષ ૫,૦૨૯, સ્ત્રી ૧૮; ખ્રિસ્તી: પુરુષ ૧,૬૬૬, સ્ત્રી ૨૦; યહૂદી: પુરુષ ૩૨. કુલ ૪૬,૧૬૬. ઉપરાંત એ અરજી પર મુંબઈ બહાર વસનારા ૧૯,૬૬૮ લોકોએ સહી કરી હતી. એટલે કે કુલ આંકડો થયો ૬૫,૮૩૪!  હિન્દુસ્તાનના વહીવટ અંગે જેનો નિર્ણય છેવટનો ગણાય તે હિન્દુસ્તાનને લગતી બાબતોના પ્રધાનને આ અરજી મુંબઈ સરકાર મારફત પહોંચાડાઈ. તેનો જવાબ એ પ્રધાને મુંબઈ સરકારને મોકલ્યો જેને આધારે ૧૮૯૩ના જાન્યુઆરીની ત્રીજી તારીખે મુંબઈ સરકારે અરજદારોને જવાબ મોકલ્યો. એમાં જણાવ્યું હતું:

મુંબઈ સરકાર મારફત અમને મુંબઈ ઈલાકાના મોટી સંખ્યાના નાગરિકોની અરજી મળી છે. તે અંગે અમે પૂરતી સહાનુભૂતિપૂર્વક વિચાર કર્યો છે. બંને મરનાર છોકરીઓના કુટુંબને અને મુંબઈ ઇલાકાના લોકોને આ અંગે અમે દિલસોજી પાઠવીએ છીએ. અરજદારોએ જણાવ્યું છે કે આ કેસમાં મુંબઈની પોલીસે જે રીતે કામ ચલાવ્યું છે તેથી તેમને સંતોષ નથી. અને એટલે આ આખા મામલાની ફેરતપાસ કરવા માટે નવેસરથી એક કમિશન નીમવામાં આવે. અરજદારોની અરજી સાથે જ મુંબઈ સરકારે પોતાનો ખુલાસો પણ અમને મોકલ્યો છે. અરજદારોની અરજી અને મુંબઈ સરકારનો ખુલાસો, બંને, અમે ધ્યાને લીધા છે. અને તે અંગે અત્રેની કાઉન્સિલમાં જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મરનાર બંને છોકરીઓ, તેમનાં કુટુંબીજનો અને બોમ્બે પ્રેસિડેન્સીના મોટી સંખ્યાના લોકોની સાથે કાઉન્સિલે પણ પૂરેપૂરી હમદર્દી બતાવી હતી. પણ જ્યાં સુધી અરજદારોની માગણીને લાગેવળગે છે ત્યાં સુધી આ આખા મામલાની ફેરતપાસ કરવા માટે કમિશનની નિમણૂક કરવાનું અમને વાજબી કે જરૂરી લાગતું નથી. મુંબઈ સરકારે પણ અરજી સાથે મોકલેલા પત્રમાં આ પ્રમાણેનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અને કાઉન્સિલના સભ્યો તથા હું પોતે એ અભિપ્રાય સાથે મળતા થઈએ છીએ અને આ મામલાની ફેરતપાસ કરવા માટે કમિશન નીમવાનો નિર્ણય લઇ શકતા નથી. અમારો આ નિર્ણય અરજદારોને જણાવવા માટે અમે મુંબઈ સરકારને આદેશ આપીએ છીએ. 

અરદેશર ગોદરેજ

આ કેસ ચાલતો હતો તે દરમ્યાન બચુબાઈના પતિ અરદેશર ગોદરેજે સતત મૌન ધારણ કરી રાખ્યું હતું. પણ પછી ૧૮૯૧ના ઓગસ્ટની ૨૮મી તારીખે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં પ્રગટ થયેલા એક પત્રમાં તેમણે જણાવ્યું કે બચુબાઈએ આપઘાતનો વિચાર પણ કરવો પડે એવા કોઈ જ સંજોગો નહોતા. તેમનું લગ્નજીવન પૂરેપૂરું સુખી હતું. આ મામલાની જે રીતે તપાસ કરવામાં આવી અને કેસ ચલાવવામાં આવ્યો તે અંગે પણ તેમણે અસંતોષ વ્યક્ત કર્યો. એ વખતે મુંબઈનાં બે અગ્રણી ગુજરાતી અખબાર એકમેકના કટ્ટર વિરોધી, બલકે દુ:શ્મન. એકનું વલણ ગોદરેજ તરફી હતું. એટલે બીજા છાપાએ તેનાથી ઊલટું વલણ અપનાવ્યું. તેણે જણાવ્યું કે મરનાર બંને છોકરીઓ અક્ષતયોનિ હતી એમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. પણ બંને હતી તો પરણેલી. એટલે લગ્નજીવન સંતોષકારક નહોતું અને પોતાને સંતાન નહોતું એટલે બંને છોકરીઓએ આપઘાત કર્યો. કેરાવાલા નામના કોઈ શખ્સનો હવાલો આપીને એમ પણ જણાવાયું કે બીજાં કેટલાંક કારણોસર પણ બંને પતિપત્ની વચ્ચે ખટરાગ હતો. અરદેશરે પોતાના પત્રમાં કહ્યું કે આ કેરાવાલાને અમારા કુટુંબમાંથી કોઈ ઓળખતું પણ નથી. અને તેણે આવી વાહિયાત વાતો શા માટે વહેતી કરી છે તે અમને સમજાતું નથી. આ પત્રમાં અરદેશરે  એમ પણ જણાવ્યું કે આ આખા મામલાની પોલીસે જે રીતે તપાસ કરી અને ખટલો ચલાવ્યો તે રીત અમને સંતોષકારક લાગી નથી. પણ તે અંગે વધુ ટીકાટિપ્પણી કરવાનું મને યોગ્ય લાગતું નથી. 

મુંબઈ પોલીસ, અદાલત, મુંબઈ સરકાર, અને ગ્રેટ બ્રિટનમાં બેઠેલા સર્વોચ્ચ પ્રધાન, બધાએ માની લીધું કે આ મામલો ખૂનનો નહોતો. તો આ મામલો હતો શેનો? એ કોઈએ તો જવાબ આપ્યો નહિ. પણ આપણે જરા વિચારીએ. પહેલી શક્યતા, અકસ્માત. પણ ટાવરના જે માળ પરથી બંને છોકરીઓ નીચે પટકાઈ એ માળના કઠેરા તો સાબૂત હતા. તો છોકરીઓ નીચે પટકાઈ શી રીતે? છતાં માની લઈએ કે આ બનાવ અકસ્માતનો હતો. તો બંને છોકરીઓ એક સાથે નીચે પટકાય. એક પછી એક નહિ. અને જેટલા સાક્ષીઓએ જુબાની આપી તે બધાએ કહ્યું કે પહેલાં બચુબાઈ અને પછી પીરોજબાઈ પટકાઈ હતી. જો આ કિસ્સો અકસ્માતનો હોય તો આમ બનવું મુશ્કેલ. બીજી શક્યતા: આપઘાત. પણ પહેલું તો એ કે બંને છોકરીઓ સુખી ઘરની હતી. તેમનાં લગ્નજીવનમાં પણ કશો ખટરાગ નહોતો. કોઈ એવી આફતમાં પણ ફસાઈ નહોતી કે જેમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો આપઘાત હોય. છતાં, ધારી લઈએ કે આ આપઘાતનો કિસ્સો હતો. પણ જો બંનેએ સાથે મળીને આપઘાતનો નિર્ણય લીધો હોય તો બંને ટાવર પરથી એક સાથે કૂદી પડે, કદાચ એકબીજાનો હાથ પકડીને. પણ અહીં તો બંને છોકરીઓ એક પછી એક પટકાઈ છે. અને આ બનાવ બન્યો ત્યારે બે કે ત્રણ પુરુષો ટાવરના એ જ માળ પર હાજર હતા. તો તેમણે છોકરીઓને આપઘાત કરતાં વારી નહિ હોય?

કદાચ આમ બન્યું હોય: બંને છોકરીઓ ટાવર પર પહોંચી તે પછી તરત માણેકજી અસલાજી અને તેનો સાથીદાર પણ ત્યાં પહોચ્યા હોય. છોકરીઓને એકલી જોઈને બંને પુરુષોએ પહેલાં ઠઠ્ઠા મશ્કરી કરી હોય. પછી અડપલાં કર્યા હોય. બંને છોકરીઓએ તેમનો સામનો કરવાનો પ્રયત્ન કરવાથી તેમના શરીરના જુદા જુદા ભાગો પર ઈજા થઇ હોય. (પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આવી ઈજાઓનો ઉલ્લેખ છે.) બંને અથવા એક પુરુષે પહેલાં બચુબાઈ પર બળાત્કારનો પ્રયત્ન કર્યો હોય. એ પ્રયત્નને નિષ્ફળ બનાવવા બચુબાઈએ ટાવર પરથી નીચે ઝંપલાવ્યું હોય. એટલે ટેકનિકલી એને ખૂન ગણાવી ન શકાય. આ બધું બન્યું ત્યારે પીરોજબાઈ હાજર હતી. જે કાંઈ અણધાર્યું બન્યું તેના આઘાતની કળ વળે તે પહેલાં બંને પુરુષોએ ભેગા મળીને તેને ટાવર પરથી નીચે ફેંકી હોય. પણ કેમ? કારણ ટાવર પર જે કાંઈ બન્યું તેની એકમાત્ર ચશ્મદીદ ગવાહ હતી પીરોજબાઈ. એટલે બંને હુમલાખોરોએ બળજબરીથી તેને ટાવર પરથી નીચે ફેંકી હોય. 

અલબત્ત, આ માત્ર અનુમાનો છે. સાચી હકીકત તો હવે ક્યારે ય બહાર આવશે નહિ. એટલે પેલા ‘દિલજાન’ કવિના શબ્દો સાથે આ ગમખ્વાર ઘટનાની વાત પૂરી કરીએ :

ધન્ય વનીતા! વફાદાર રહી નામ અમર બસ કીધું,

જગથી ગઈ, પણ જિંદગીમાં તમ નામ મહત્તમ કીધું. 

અરદેશર અને પીરોજશાહ ગોદરેજનાં માનમાં બહાર પડેલી ટપાલ ટિકિટ

ફૂટ નોટ : બચુબાઈના પતિ અરદેશર ગોદરેજ તે આજના ગોદરેજ ઉદ્યોગ સમૂહના સ્થાપક. બચુબાઈ સાથેનું લગ્નજીવન માંડ એકાદ વરસનું. પણ પછી અરદેશરે ક્યારે ય બીજાં લગ્ન કર્યાં નહિ. સંતાન નહિ, એટલે ગોદરેજ કંપનીઓનો ભાર પોતાની હયાતીમાં જ ભાઈ પીરોજશાહ ગોદરેજને સોંપી દીધો. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 29 માર્ચ 2025

Loading

સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

ભરત ભગત|Profile|29 March 2025

કૃષ્ણવદન જોષી

જે અંદર હોય તે જ બહાર દેખાય છે. અંદર સુખ છે તો બહાર સુખ છે અને અંદર દુ:ખ છે તો બહાર પણ દુ:ખ છે. અંદર સત્ય છે તો બહાર પણ સત્ય જ હોય છે. અંદર અસત્ય છે તો બહાર પણ અસત્ય જ હોય છે. બાહ્ય એ તો અંદરનું પ્રતિબિંબ છે. બહારનું બદલવા અંદરનું બદલવું પડે છે. પરંતુ બહાર બદલવાથી અંદરનું બદલાતું નથી. અંદર અને બહાર જુદા હોવાનું સર્વત્ર દેખાઈ રહ્યું છે. બહારથી સજ્જન, સુખી કે સ્વસ્થ દેખાતા માનવી અંદરથી એવા હોય જ એવું માનવા જેવું નથી. દંભથી જાતને અને બીજાને છેતરવાની આવડત આપણે બધાએ હસ્તગત કરી લીધી છે, પરંતુ ક્યારેક તો દંભનો પર્દાફાશ થયા વિના રહેતો જ નથી.

કૃષ્ણવદન જોષીએ પોતાની જાતને અંદરથી બદલી એટલે બહાર આપોઆપ બદલાઈ ગયું. કોઈ શિલ્પકાર જ્યારે શિલ્પ બનાવતો હોય ત્યારે પોતાની અંદર મનોમંથન કરી એક ચિત્ર વિકસાવે અને પછી પથ્થર ઉપર કોતરકામ કરી શિલ્પને મૂર્તિમંત કરે. બસ, એમ જ કૃષ્ણવદને પોતાની જાતનું ચિત્ર તૈયાર કરી વધારાનું, ન કામનું કે આડે આવતું તમામ ખેરવી દીધું. દંભને દૂર મૂકી અંદર અને બહારનું એકત્વ સાધી લીધું. આ એકત્વને કારણે જ પોતે ઘડેલા વિચારોને આચારમાં મૂકી શક્યા. અંદરની સ્પષ્ટતાએ બહાર જે દેખાયું, જે જિવાયું એને ગૌરવ આપી દીધું.

જેલવાસ દરમ્યાન કૃષ્ણવદનને મળેલા મહાપુરુષોના સત્સંગ અને વાંચનનો સદુપયોગ પોતાને સાચી અને સારી દિશામાં વાળવામાં કર્યો. સ્વામી વિવેકાનંદે અમેરિકાના ધનાઢ્ય વ્યક્તિ રોકફેલરને કહેલું : તમે ભેગું કરેલું ધન એ તમારું નથી, તમે તો માત્ર એના વાહક છો અને તમારો ધર્મ જગતનું કલ્યાણ કરવાનો છે. ઈશ્વરે તમને જે સંપત્તિ આપી છે, તે લોકકલ્યાણનું કાર્ય કરવા અર્થે આપી છે. આટલી જ વાતે રોકફેલરમાં બદલાવ આવ્યો અને એ જમાનાના તે સૌથી મોટા દાતા બન્યા.

આવું કંઈક વાંચી, કૃષ્ણવદનને વિચાર આવ્યો કે મારી પાસે ધન તો નથી, પણ મારી જાતને જ સમાજ માટે કેમ સમર્પિત ના કરી દઉં? ધનનું દાન જ શું દાન ગણાય? એવો પ્રશ્ન પોતાની જાતને પૂછીને નિર્ણય કરી લીધો કે હું મારી જાત સમાજને સમર્પિત કરી દઈશ. સાથેસાથે ધનની તૃષ્ણા પણ છોડી દઈશ. ધન કમાવવા કોઈ પ્રવૃત્તિ હું કરીશ જ નહીં. અહીંથી જન્મ થયો એક એવી વ્યક્તિનો કે જેણે આજીવન સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી, જેની શરૂઆત થઈ સાદગી અને સરળતાથી જીવન જીવવાની પ્રતિજ્ઞાથી. જેલમાં જ નક્કી કર્યું કે ખાદી પહેરીશ, જાતે કાંતીને જ પહેરીશ, જે જીવનના અંત સુધી તેમણે નિભાવ્યું. કમાઈ શકવા સક્ષમ હતા, પરંતુ હવે કમાવાની જ ઇચ્છા ન હતી.

કૃષ્ણવદન પોતાને સોંપાયેલું કામ અત્યંત ચીવટતાથી અને સાવધાનીથી કરે. આ જ સ્વભાવ છેક સુધી રહ્યો. મારા લાંબા સમયના સંબંધોમાં મેં ખૂબ નજદીકથી એમને નિહાળ્યા છે અને હું બધાને કહેતો ‘ભાઈ’ને કામ સોંપો એટલે તમે સૂઈ જાવ અને એ જાગે. એ મેયર હતા ત્યારે પણ નાનામાં નાની વ્યક્તિનું નાનામાં નાનું કામ પણ ભૂલે નહીં. એમને કહેવું નહોતું પડતું કે તમે સૂઈ જાવ, પણ તમે સૂઈ જ જાવ એટલો ભરોસો તમે એમના ઉપર મૂકી શકો.

જ્યારે સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે એ માટેની પહેલી જરૂર હશે સાદગીની. એક પૈસાનો ખોટો ખર્ચ ન થાય એ માટે પોતાને તથા પરિવારના સહુને તૈયાર કર્યા હતા. કોઈ નોકરી નહીં, કોઈ ધંધો નહીં, માત્ર સમાજસેવા એ જીવનમંત્ર હતો. પણ સમસ્યા ઘર અને પરિવારને પોષવાની હતી. કોઈ પણ સંસ્થામાંથી એમને એક રૂપિયો પણ પગાર ન હતો કે ન કોઈ વ્યક્તિગત ખર્ચ. સ્વયંસેવકોના ધ્યાનમાં આ વાત આવી ત્યારે એમને મહાદેવભાઈ દેસાઈ ટ્રસ્ટમાંથી મહિને દોઢસો રૂપિયા મળવા શરૂ થયા. બીજા માળે ભાડાનું બે રૂમનું ઘર, બે બાળકો અને પતિપત્ની એમ ચાર જણ સાથે રહે. આજે પણ કલ્પનાની બહાર છે કે જીવન કેવી રીતે વીતતું હશે! એટલું ચોક્કસ યાદ છે કે એમણે ક્યારે ય કોઈની પાસે ગરીબીનો વસવસો વ્યક્ત કર્યો હોય કે કોઈની પાસે હાથ લાંબો કર્યો હોય એવું બન્યું નથી.

ઘરવખરી નામે સૂવાનો એક ખાટલો, કપડાંમાં જાતે કાંતેલી ખાદીના ઝભ્ભા-લેંઘાની ત્રણ જોડ. એકેય કપડાએ ક્યારે ય ઇસ્ત્રીનો સ્પર્શ કર્યો હોય એવું બન્યું નથી. જાતે જ પોતાનાં કપડાં ધોવાનાં, એ પણ એટલી ચોક્કસાઈથી કે એમાં એક ડાઘ ના દેખાય! ઝભ્ભો-લેંઘો જ એમનો પર્યાય બની ગયો. પગમાં ગ્રામોદ્યોગના ચંપલ જેની એક જોડ ચાર-પાંચ વર્ષ ચાલે. જમવાનું બે ટંક, સાવ સાદું ભોજન, ચા-કોફીની જરૂરિયાત જ નહીં. આ તો વ્રતધારી એટલે એવું નહીં કે ઘરે તંગી હોય તો બીજાને ત્યાં જમી લેવું.

કૃષ્ણવદન જોષી ૧૯૭૨થી ૧૯૮૦ સુધીમાં ત્રણ વાર અમદાવાદના મેયર બન્યા. ભલે ટર્મ નાની-મોટી હતી, પણ સરળતાનો એ પર્યાય. એ જ સાદી ભાષા, હુંકાર ક્યારે ય નહીં, હુકમ તો કર્યો જ ન હોય એવું મેં અનુભવ્યું છે. વાદ-વિવાદ-ચર્ચાથી દૂર. પોતાની વાતનો આગ્રહ ક્યારે ય નહીં. સત્યની જ ભાષા. દંભ-આડંબર કે મોટાઈનો અભાવ! કોઈને ઉતારી પાડ્યાનું મને સ્મરણ નથી. કાર્યકર્તા હોય કે કર્મચારી, નાનો માણસ હોય કે મોટો, વ્યવહાર એકસરખો. જાણે બધું, સમજે બધું, પરંતુ સરળતાથી મૂક બની જાય. મેયર હતા ત્યારનો એક પ્રસંગ યાદ આવે છે : એક વાર રાતના આઠનવ વાગ્યે ઓચિંતા મારા ઘેર આવી ગયા. ચાલો ડોક્ટર, આપણે વી.એસ. હૉસ્પિટલ જવાનું છે. મેં કહ્યું, શું છે એવી ઇમર્જન્સી? એમનો ઉત્તર હતો, આપણી પોળની કોઈ દીકરી દાઝી ગઈ છે અને ગંભીર છે. આપણે જવું પડશે. તમે સાથે હશો તો સારું પડશે. અમે બંને સ્કૂટર ઉપર હૉસ્પિટલના વોર્ડમાં પહોંચ્યા. હું બહાર દર્દીનાં સગાં સાથે વાત કરવા રોકાયો અને મુરબ્બી ભાઈ અંદર ગયા. તરત જ બહાર પાછા આવ્યા. હું કંઈ કહું એ પહેલાં કહે, ડૉક્ટર અંદર જવા નથી દેતા. એમની સાથે ગયેલાં અન્ય સગાંએ કહ્યું કે ડૉક્ટરે એમને હડધૂત કરીને બહાર કાઢ્યા છે. ઘાંટો પાડીને કહે છે, સમજ નથી પડતી કાકા, તે અત્યારે દોડ્યા આવો છો? આ મળવાનો સમય નથી, બહાર નીકળી જાવ. અને ભાઈ અંદરથી બહાર આવી ગયા.

હું અંદર ગયો અને મને ડૉક્ટર ધમકાવે એ પહેલાં જ મેં કહ્યું, ભાઈ હું સર્જન છું, એટલે નમ્રતાથી એણે મારી સાથે વાત કરી. મેં એને હળવાશથી પૂછ્યું, ભાઈ તેં હમણાં જે કાકાને હડધૂત કરીને બહાર કાઢ્યા, એ કોણ છે તું જાણે છે? પેલાનો જવાબ નકારાત્મક જ હોય એ સ્વાભાવિક હતું. મેં એને સમજાવ્યો કે આ ‘કાકા’ અમદાવાદ શહેર, મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર છે. સાથેસાથે વાડીલાલ હૉસ્પિટલ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન છે! પેલાના હોશકોશ ઊડી ગયા. ધ્રૂજી ઊઠ્યો! હવે શું થશે, એની ચિંતામાં શિયાવિયા થઈ ગયો. ભાઈને બોલાવી માફી માગી. કરગર્યો. ભાઈ એટલા જ સ્વસ્થ અને જરા ય ખોટું લગાડ્યા વિના કહ્યું : ડૉક્ટર સાહેબ, તમે તો તમારી ફરજ બજાવી છે. જાણે બુદ્ધનો બીજો અવતાર! મેયર હોવા છતાં યે કોઈ ફરિયાદ નહીં, માન-અપમાનની પરવા નહીં. દર્દીને મળીને ઘરે.

લાંબો સમય મેયર હોવા છતાં ક્યારે ય એમણે મેયરની ગાડીમાં પગ મૂક્યો નહોતો. ઑફિસે ચાલતા જ જાય. સાઇકલ પણ વાપરે અને ઉતાવળ કે દૂર જવાનું હોય તો કોઈકના સ્કૂટર ઉપર. મેયર થતાંની સાથે જ પોતાની મેયરની ઑફિસમાંથી ઍરકન્ડિશનર દૂર કરાવી પંખા મુકાવ્યા. દરેક માટે દરવાજા ખુલ્લા. કોઈ પણ મુલાકાતી આવે એને રોકવો નહીં એવી સૂચના, બધાની સાથે પ્રેમથી વાતો કરવાની, શક્ય હોય એટલા પ્રશ્નો દૂર કરવાના. સામેથી લોકો ગમે તેટલો આક્રોશ વ્યક્ત કરીને બોલી જાય, પણ એમની સ્વસ્થતા એની એ જ! એમની બધી જ કાર્યપદ્ધતિ સાથે આપણે સહમત ન પણ થઈએ, પરંતુ આ આદર્શ વ્યક્તિની સાદગી, સરળતા અને નિરભિમાનતાનો ઉચ્ચ આદર્શ એમણે સહજ રીતે મને શીખવાડી દીધો.

બીજો એક પ્રસંગ યાદ આવે છે :

કોર્પોરેશનની મિટિંગમાં એક કોર્પોરેટરે ખૂબ બૂમાબૂમ કરી કે મારા વિસ્તારમાં પાણીનું ટીપુંયે આવતું નથી. લોકો તરસે મરે છે. ખૂબ ધમાલ થઈ. વિરોધ પક્ષના કોર્પોરેટર એમની ફરજ બજાવે એ સ્વાભાવિક છે. એમના અવાજની નોંધ લેવાઈ ગઈ પછી સાહેબ મિટિંગમાંથી ચાલી ગયા. સામાન્ય રીતે મિટિંગ પછી મીડિયા નોંધ લે, જે લેવાઈ ગઈ.

પરંતુ આ તો માનવતાવાદી મેયર! પક્ષાપક્ષી હોય, પરંતુ લોકો ખરેખર પાણી માટે ટળવળતા હોય ત્યારે મેયરે કંઈક કરવું જ પડે. બીજા જ દિવસે વહેલી સવારે મિટિંગમાં બૂમો પાડનાર કોર્પોરેટરના વિસ્તારમાં તેઓ પહોંચી ગયા. અંદાજે સવારના છ-સાડાછ વાગ્યા હશે. સાહેબ અવાચક થઈ ગયા. જોયું તો સામે શ્રી કૃષ્ણવદન જોષી! સાહેબે કહ્યું કે મેયરશ્રી આપ, અત્યારે?

મેયરશ્રીએ કહ્યું કે આપ ગઈ કાલે પાણી માટે ફરિયાદો કરતા હતા એટલે મને થયું કે ચાલો જાતે જઈને જ જોઈ આવું અને શક્ય હોય તો એનો રસ્તો આપણે સાથે મળી કાઢીએ. ‘સાહેબ’ ઢીલા પડી ગયા. પાણી બધે જ આવતું હતું અને પૂરતું પણ!

ત્રીજો પ્રસંગ વિશેષરૂપે જાણવા જેવો લાગ્યો છે :

એક વાર બપોરે ફોન આવ્યો. ડૉક્ટર સાહેબ ઘરે આવશો? મારી પત્નીને ઠીક નથી લાગતું. હું ગયો. એમનું ભાડાનું ઘર, બીજો માળ, સીડીનું પગથિયું ન સંભાળીએ તો કાં તો નીચે પડાય કાં તો માથું ઉપર ટકરાય! જોયું અને ખબર પડી કે એમને લકવાનો હળવો હુમલો છે. મેં સૂચવ્યું કે આપણે એમને દાખલ કરવાં પડશે એટલે સહજતાથી કહ્યું કે તમારી જ હૉસ્પિટલમાં લઈ જઈએ. એમના માટે હું જ ડૉક્ટર તરીકે બધું, સર્જન અને ફિઝિશિયનનો ભેદ નહીં.

મેં સમજાવ્યા અને સૂચવ્યું કે વી.એસ. હૉસ્પિટલમાં દાખલ કરવાં જોઈએ. તેઓ ભડક્યા! સાહેબ, ત્યાં તો નહીં જ! હવે ચમકવાનો વારો મારો હતો. પોતે શહેરના મેયર, વી.એસ. હૉસ્પિટલ બોર્ડના ચેરમેન.

મેં દબાણ કર્યું કે ત્યાં જવાનું છે, તો કહે સાચું કારણ એ છે કે મેં તો સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી છે અને મને એનો કોઈ વસવસો નથી. ખેદ નથી, દુ:ખ નથી, પરંતુ મારા પરિવારજનો આ સ્થિતિ ન સમજી શકે અને એ લોકો ન સ્વીકારી શકે. પત્નીની અપેક્ષાઓ હોય અને વી.એસ.માં જાઉં તો આખું ગામ ઊમટી પડે. અંગત માંદગીને પ્રસંગ નથી બનાવવો. ડૉક્ટરો દોડશે, વહીવટદારો દોડશે અને સાથીઓ પણ. આપણને એ ના શોભે.

છેવટે મેં હાર સ્વીકારી. સિવિલ હૉસ્પિટલના સ્ત્રીઓ માટેના જનરલ વોર્ડમાં ભરતી કરાવ્યાં. પરંતુ મેયરની પત્નીના સમાચાર થોડા ઢાંક્યા રહે! સુપરિટેન્ડેન્ટ ડૉ. ગુપ્તા સાહેબ દોડી આવ્યા. સ્પેશિયલ રૂમમાં દાખલ કરાવવા આગ્રહ કર્યો. ખૂબ દબાણ કર્યું. ‘મહાત્મા’ તો ટસના મસ ના થયા. છેવટે જનરલ વોર્ડમાં જ એમણે પડદા લગાવી, થોડાં જુદાં પાડ્યાં, ભાઈની મંજૂરી વિના જ. પોતે મેયર, પણ ખબર કાઢવા કોઈકના સ્કૂટર ઉપર આવે. મુલાકાતીઓના સમયમાં જ આવે. સારું થયું એટલે ઘેર લાવવાનાં હતાં. બિલ હતું રૂપિયા ૫૭.૫૦. મહાત્મા પાસે તો એટલાયે ક્યાં હતા? વ્યવસ્થા થઈ, બિલ ચૂકવાઈ ગયું પછી જ ઘરે લઈ જવાયા.

આ બધું કરવા છતાંયે એ માટેની પ્રસિદ્ધિથી દૂર, વાજાં વગાડવાની આદત જ નહીં. એમની સાદગી એટલી કે એ ગમે ત્યાં જાય ખાદીના ઝભ્ભા-લેંઘા સિવાય બીજો કોઈ પોશાક નહીં. લગ્ન હોય કે મરણ, જાહેર સભા હોય કે અતિથિ વિશેષશ્રીઓ સાથેની મિટિંગ, એમનો પહેરવેશ એક જ! એક સમયે ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુને અમદાવાદમાં મળવા જવાનું થયું. ઝભ્ભો ક્યાંકથી થોડો ફાટેલો તો ક્યાંકથી થોડો થીગડાંવાળો. સાથીઓએ સમજાવ્યા કે આજે આ ઝભ્ભો બદલી નાખો, ત્યારે ખૂબ હળવાશથી એમનો જવાબ હતો : “નહેરુજીને મળવા હું જાઉં છું, મારો ઝભ્ભો નહીં.” આટલું કહી સસ્મિત વદને નહેરુજીને મળવા પહોંચી ગયા.

દેશ હોય કે પરદેશ, તેમનો પહેરવેશ એનો એ જ! સને ઓગણીસો ઈઠ્ઠોતેરમાં યુરોપ જવાનું થયું, પણ આ ફકીર પાસે તો એ જ ઝભ્ભા-લેંઘાની ત્રણ જોડ, વધારામાં એક શાલ અને એક સ્વેટર, પગમાં માત્ર ચંપલ. યુરોપની ઠંડી પણ એમને પોતાની સાદગીથી ચળાવી શકી નહીં. યુરોપના દેશોની અસંખ્ય મહત્ત્વની વ્યક્તિઓ વચ્ચે પણ અમદાવાદના મેયરને પોતાના પહેરવેશથી જરાયે ઊણપ નહોતી અનુભવાતી. મેયર તરીકે પહેલી વાર પરદેશ જવું પડ્યું ત્યારે એમની પાસે ના મળે બેગ કે ના મળે મોટો થેલો. જે થોડો સામાન હતો તે ઓશિકાના કવરમાં ભરીને લઈ ગયા. આ હતા અમદાવાદના મેયર!

કૃષ્ણવદન માનતા કે જો માણસ જાણે કે પોતે ક્યાં જઈ રહ્યો છે અને એ વિશે સ્પષ્ટ હોય તો જગત આખું એને માર્ગ કરી આપે છે. સાદગી અંગેની પોતાની માન્યતા અને એ અંગેની સ્પષ્ટતાથી કૃષ્ણવદનમાં ક્યારે ય લઘુતાગ્રંથિ નથી આવી કે ક્યારે ય ક્યાં ય નીચાપણું નથી અનુભવ્યું. થોડા જ વખતમાં સમાજના તમામ સ્તરના લોકોએ આ માનવતાવાદી માનવીને ‘મહાત્મા’ બનાવી દીધો. ગૌરવ પણ વધારી દીધું.

એમની સાદગી માટે ભૂતપૂર્વ સાંસદ જયાબહેન શાહે શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે એમના ઘરની જીર્ણશીર્ણ દીવાલો જોઈને હું આભી જ બની ગઈ હતી. દીવાલોમાં ક્યાંક-ક્યાંક જ પ્લાસ્ટર દેખાય અને રંગરોગાન તો મુદ્દલ નહીં.

અંદર-બહાર એકત્વ અનુભવતા આવા માનવીઓ જ જગતને સાચી દિશા ચીંધી શકે છે, જે સ્વ૦ કૃષ્ણવદને પોતાના વ્યક્તિત્વથી સિદ્ધ કરી બતાવ્યું હતું.

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 માર્ચ, 2025; પૃ. 20-21 તેમ જ 14 

Loading

...102030...336337338339...350360370...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved