‘નેશન ફર્સ્ટ’ની કથિત રાજનીતિના દાયરામાં બંધાઈ મરે એવા રાષ્ટૃપિતા મહાત્મા ગાંધી નહોતા
સાબરમતી આશ્રમ, કોચરબથી વાડજ આવ્યો, દધીચિની સ્મૃિતએ સજીવ પરિસરની પડોશમાં, એને આજે શનિવારે બરાબર સો વરસ થશે: ગોપાલકૃષ્ણ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ અને ગુજરાતને સારુ પોતાનો ઇતિહાસ-પરવાનો જરી તાજો કરવાનો આ મળતાં મળે એવો અવસર છે, એમ જ કહેવું જોઈશે.

આ સ્થાનક, શું કહીશું એને – અડ્ડો, સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ એવી ચલણી ઓળખ પામ્યું હશે, પણ ગાંધીએ એનું પાડેલું નામ જો 1915ના દિવસોથી તો સત્યાગ્રહ આશ્રમ હતું. આશ્રમ કહેતાં કોઈ નિવૃત્તિનિવાસની છાપ ઊઠતી હોય તો એમાં એનો એક અર્થમાં સીધો નિષેધ હતો. એમાં સક્રિયતા, સાર્વજનિક જીવનમાં સક્રિય સંડોવણી ઇષ્ટ હતી. નામ પાડવાના વિકલ્પો તો હતા – દેશસેવાશ્રમ અને સેવામંદિર જેવાં નામોયે સૂચવાયાં હતાં. પણ ગાંધી અને સાથીઓ છેવટે જ્યાં આવી ઠર્યા એ નામ તો સત્યાગ્રહ આશ્રમ હતું. જે પણ સત્ય સમજાણું – અને સત્ય જેનું નામ એ દેશમાંયે સમાય શાનું – એને સારુ આગ્રહપૂર્વક જીવવું ને મરવું, ખરું જોતાં મથવું!
આ દિવસોમાં સ્વાભાવિક જ ‘અક્ષરદેહ’માંથી પસાર થવાનું બનતંુ રહ્યું છે. 17 જૂન, 1917નું પાનું ખોલીને જોઉં છું તો એ દિવસે ગાંધી પંડે ગુજરાત બહાર છે. મોતીહારીમાં બેઠા એ ચંપારણ વિશેની છઠ્ઠી નોંધ લખવામાં રોકાયેલા છે. કહ્યું ને, મહાત્મા તો એ હતા કે હશે, પણ સત્યાગ્રહી ખસૂસ છે. હમણાં ‘અક્ષરદેહ’(‘કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી’)ની જિકર કરી ત્યારે એ એક સોજ્જો જોગાનુજોગ પણ સાંભરણમાં સરી આવ્યો કે ચાલુ અઠવાડિયે જ સી.ડબલ્યુ.એમ.જી.ના સો ગ્રંથો ભારત સરકારના સૂચના અને પ્રસાર મંત્રી વેંકય્યા નાયડુએ લોકસભાની લાઇબ્રેરી માટે સ્પીકર સુમિત્રા મહાજનને અર્પણ કર્યાં … કેટલું મોટું કામ થયું એ!
આડત્રીસ આડત્રીસ વરસની અખંડ તપસ્યાપૂર્વક કે. સ્વામીનાથને (આપણા ચી.ના. પટેલ સરખાના મનોયોગથી) દુનિયાને ખૂણેખૂણેથી ગાંધીએ લખી એકેએક એકેએક ચીઠ્ઠીચબરખીથી માંડીને તંત્રીનોંધો, લેખ, હેવાલ એમ ગંજાવર સામગ્રી એકાએક અક્ષરના પાવિત્ર્યપૂર્વક સંપાદિત સ્વરૂપ સુલભ કરી છે. પંચાવન હજારથી વધુ પાનાંમાં પથરાયેલી આ ઇતિહાસસામગ્રી, મનુષ્યજાતિનો મહામૂલો વારસો છે. વચલાં વરસોમાં કે. સ્વામીનાથન આવૃત્તિ કથિત પુનર્મુદ્રણ અને નવસંપાદનમાં અવદશાને પામી હતી. મનમોહન કાર્યકાળમાં, મૂળ આવૃત્તિ યથાતથ પુન:સુલભ કરવાનું બહુધા થયેલું કામ હવે પૂર્ણ થયું છે, અને સૂચના ને પ્રસાર મંત્રીએ પોતાને હસ્તક કાર્યરત પ્રકાશન વિભાગ (પબ્લિકેશન ડિવિઝન) વતી સ્પીકરને ભેટ ધરતાં કહ્યું છે તેમ એનું એક ‘હેરિટેજ’ મૂલ્ય છે.
સાબરમતી આશ્રમની શતવર્ષી પ્રસંગે સ્વામીનાથન આવૃત્તિનું સુલભ થવું કેમ જાણે એક નાન્દી ઘટનારૂપે આપણી સામે આવે છે. સરસ ટાંક્યા વેંકય્યાએ ગાંધીને કે ‘આપણા જીવન સૌને વાસ્તે ખુલ્લી કિતાબ જેવાં બની રહો.’ આ લખતાં સાંભરે છે તો એની વાત કરી જ લઉં. નાયડુએ ગાંધીનો ઉલ્લેખ ‘ફાધર ઑફ અવર નેશન’ (‘આપણા રાષ્ટ્રપિતા’) તરીકે કર્યો. સંઘ પરંપરામાં, આ પ્રકારનો ઉલ્લેખ (જો સભાનતાપૂર્વક કર્યો હોય તો) ખરે જ એક કાઠું કામ છે. રસમી ઔપચારિકતાથી હટીને કોઈ પુનર્વિચાર થઈ રહ્યો હશે? ન જાને.
સ્પીકર મહાજને દાંડીકૂચની જિકર કરી: મીઠાનો સત્યાગ્રહ, એમણે કહ્યું, આઝાદીની ખોજમાં જનતાની ભાગીદારીનો એક ક્લાસિક દાખલો છે. દાંડીકૂચનો આ પેરેલલ ‘રાષ્ટ્રપિતા’ના નાયડુ પ્રયોગની જેમ જ એક પ્રકારે નવઉઘાડ(બ્રેક થ્રૂ)ની શક્યતા લઈને આવે છે. અત્યારના સત્તાપક્ષને માટે અડવાણીની અયોધ્યા કૂચે પથ પ્રશસ્ત કર્યો ગણાય છે. કોમી વિભાજનની સ્થિતિ જગવતી અયોધ્યા યાત્રા અને નાતજાતકોમલિંગ સઘળું ઓળંગી જતી મીઠાની કૂચ, શું પસંદ કરશો તમે.
જેમ હાલના સત્તા-પ્રતિષ્ઠાને તેમ એના વિશાળ નવા ટેકેદારોએ, કંઈક અભીપ્સુ તો કંઈક ખુદગર્જ હોઈ શકતા ઉભરતા નવ્ય મધ્યમવર્ગે – ખાસ કરીને નવશ્રીમંતોએ, પણ વિચારવા જોગ ખાસી સામગ્રી (બલકે જામગરી) જેમાં સંભરેલી છે એવાં બે ઈંગિતો અહીં એટલા માટે કર્યાં કે ગાંધીના જાહેર જીવન અને એમની આશ્રમચર્યામાં આપણા સમયને માટે પડેલો સારગર્ભ સંદેશ સામે આવે.
સુભાષબાબુએ દરિયાપારથી એમને રાષ્ટ્રપિતા તરીકે પહેલપ્રથમ સંબોધ્યા એમાં એક માયનો જરૂર પડેલો હતો કે નાતજાતકોમના ભેદ વગર દેશસમાજ સમસ્તને પોતાનાં ગણતો આ એક માણસ છે. પણ ગાંધી અને રવીન્દ્રનાથની રાષ્ટ્રપ્રીતિ (બંને સાથે હોય ત્યારે અને સાથે ન હોય ત્યારે પણ) કદી સત્ય ઉપર સવાર થઈ શકે એવી અંધ ન હોય. ‘નેશન ફર્સ્ટ’ની કથિત રાજનીતિના દાયરામાં બંધાઈ મરે એવા રાષ્ટ્રપિતા એ નહોતા. આશ્રમને એમણે સ્વદેશીપ્રીતિના એક ઉન્મેષરૂપે જરૂર જોયો હશે, પણ તે સાથે વિશ્વહિતને અવિરોધી એ મતલબની એક કેવિયટનુમા ભૂમિકા પણ એમની બધો વખત રહી. એવું જ મીઠાના મુદ્દાનું પણ કે દેશ કોઈ અમૂર્ત ખયાલાત નથી પણ એમાં જીવતો જન જન, જનસાધારણ અને સાધારણ જન સમસ્ત છે. માટે સ્તો એને અમદાવાદનું થાણું સૂઝ્યું કે ગુજરાતી મારફતે (અંગ્રેજીમાં બધ્ધ નહીં પણ ગુજરાતી આદિ ભારતીય ભાષાઓ મારફતે) સેવા કરી શકું – અને હા, અહીં હાથસાળની જે એક પૃષ્ઠભૂ છે તે ચરખાને માટે ઉપયોગી થઈ પડશે.
વિશ્વહિતને અવિરોધી (બલકે વૈશ્વિક થવા કરતી) રાષ્ટ્રપ્રીતિની અભિવ્યક્તિ મહાત્મા સાધારણ જન સાથે તાદાત્મ્ય સાધતી જે સહજ પોષાક પસંદગી પર ઠર્યા તેમાં પણ જોવા મળે છે. અમદાવાદના આશ્રમ દિવસોમાં સ્તો એમણે પોતાના કામધંધા બાબતે એ આબાદ ખુલાસો કર્યો હતો, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(હાલની વિદ્યાસભા)માં પ્રવેશપત્ર ભરતાં કે હું પેટવડિયે કામ કરતો શિક્ષક છું. બ્રૂમફિલ્ડની કોર્ટમાં (સરકિટ હાઉસમાં) 1922માં રાજદ્રોહનો મુકદમો ચાલ્યો ત્યારે કામધંધા તરીકે એણે ખેડૂત અને વણકર હોવાની જિકર કરી હતી. અને આ જિકર લુખ્ખી નહોતી: કોચરબ આશ્રમ માટે જરૂરી સામગ્રીની યાદી તમે ‘અક્ષરદેહ’માં જોશો તો 11મે 1915ની નોંધ બોલે છે કે ઓછામાં ઓછા ત્રીસ માણસ કામ કરી શકે એટલાં હથિયાર ખેતીનાં જોઈએ. તેમાં કોદાળી, પાવડા ને તીકમની જરૂર પડશે. વળી સુથારનાં સાધનો પણ જોઈશે – હથોડા, વાંસલા, એરણ, સાઇડી, કાનસ વગેરે. પાછાં મોચીનાં હથિયાર પણ ખરાં … અને હા, ગાંધીને ઍન્ટિ-ઇન્ટેલેક્ચ્યુઅલ કે નોન – ઇન્ટેલેક્ચ્યુઅલ લેખે ખતવી નાખતા લોક વાસ્તે, એક ઓર વિગત: આશ્રમમાં ત્રણ હજાર પુસ્તકો સંઘરાય એવી સોઈ જોઈશે.
એક એવો સમગ્ર અભિગમ અને અિભક્રમ અહીં જાણે કે જોવા મળે છે જેમાં બુિદ્ધ અને શ્રમના જુવારાં નથી. કાળા કાંઠલા, ભૂરા કાંઠલા, સફેદ કાંઠલા નોખાનિરાળા નહીં પણ એક અનેરા છે. દેખીતી રીતે સ્વદેશપ્રીતિ, દેશભક્તિ વગેરે તરેહવાર સીમાડા લાંધીને કશીક એવી વિશ્વમાનવતામાં ઠરવા કરે છે.
પ્રકાશ ન. શાહ, લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘િનરીક્ષક’ના તંત્રી છે
સૌજન્ય : ‘રાષ્ટૃપિતાનું ખમીર’, “દિવ્ય ભાસ્કર”, 17 જૂન 2017
![]()


I am told your boys from Ahmedabad are now branding me as a chatur Bania. Jamnalal [Bajaj] is quite indignant about it; he says if anything I was a foolish Bania, always maintaining the accounts.


