અંદરના વૈકુંઠની પેઠે જ બહારની દુનિયાને સમીનમી કરવાની મથામણ સ્તો સંતથી સત્યાગ્રહીને જુદા તારવી આપે છે

ગાંધી એકસો પચાસનાં ઉંબરવરસોમાં જે પણ મંથનસામગ્રી અને વિચારજામગરી મળી રહે તે મુબારક જ મુબારક છે. એ ન્યાયે ગુરુવારના સાબરમતી આશ્રમ સમારોહ સબબ વાંચતાં ને વાગોળતાં જે બે’ક મુદ્દા સામે આવ્યા એને નિમિત્તે જરૂર ઊહ અને અપોહને અવકાશ છે.
આશ્રમના સો વરસને સાંકળીને શ્રીમદ્ રાજચંદ્રની સાર્ધ શતાબ્દીનો અવસર રાજચંદ્ર મિશનના ગુરુદેવ રાકેશ ઝવેરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં અગર તો સહોપસ્થિતિમાં ઊજવવાનું એ આયોજન હતું. ‘મહાત્માના મહાત્મા’ એ પ્રાયોજિત નાટકથી હમણેના મહિનાઓમાં ભોંય પણ ખાસી કેળવવાયેલી હોઈ બંને માટે પોતપોતાની રીતે દાવ લેવાનો અવકાશ પણ અચ્છો હતો. મહાત્મા ગાંધીના મહાત્મા રાજચંદ્ર થકી જો રાકેશભાઈને માટે એમનો મોટા અનુયાયીવર્ગ ઉપરાંત પણ સમર્થનની શકયતા હશે તો સ્વચ્છતા અભિયાન જેવા ઉપક્રમો વાટે નરેન્દ્રભાઈને પણ પક્ષપરિવારને ઓળાંડી જતા સમર્થનની શક્યતા નહીં વરતાતી હોય એવું માનવોને કારણ નથી. ગમે તેમ પણ, લગારે સિનિક થયા વિના એવું ચોક્કસ જ કહી શકાય કે આ દેશના જાહેર જીવનમાં, રાજકારણમાં અને સત્તાકારણમાં વૈતરણી પાર કરવા સારુ ગાંધીના નામનું ગોપુચ્છ સૌ પોતપોતાની રીતેભાતે પકડતા રહ્યા છે, અને ગુરુવારની ઉપરનોંધી સહોપસ્થિતિ પણ એક અર્થમાં એનો જ દાખલો પૂરો પાડે છે.
નહીં કે ગાંધીજીવનમાં કવિ રાયચંદભાઈનો પ્રભાવ નહોતો; નહીં કે ગાંધીને સ્વચ્છતા સારુ ખેંચાણ નહોતું. પણ જે તત્ત્વે ગાંધીને ગાંધી બનાવ્યા એ તત્ત્વ પ્રધાનપણે ન તો ગાંધીના અધ્યાત્મપાસામાં સીમિત હતું, ન તો સ્વચ્છતા ઝુંબેશમાં સમેટાયેલું હતું.
એક મુમુક્ષુ જીવ એ ચોક્કસ હતો. સાચા ધર્મની લહેમાં, પ્રતીતિ પુરસ્સર ખ્રિસ્તમતને અંગીકારવાની હદે અેને ખેંચાણ પણ માનો કે હોઈ શકતું હતું. તેઓ જેમને કવિ કે રાયચંદભાઈ તરીકે ઓળખતા હતા તે શ્રીમદ રાજચંદ્રનો સંપર્ક, સત્સંગ, એમની સાથેનો પત્રવ્યવહાર ગાંધીને જીવનની નાજુકનિર્ણાયક પળોમાં આ સંદર્ભમાં ખસૂસ ઉપયોગી અને માર્ગદર્શક થઈ પડ્યો હતો. અહીં બીજી બધી ગલીકૂંચીમાં નહીં જતાં એ એક જ વાનું નોંધવું બસ થઈ પડશે કે પોતાના જ ધર્મમાં રહીને બીજા કોઈ ધર્મનું ઉત્તમ લેવાપાળવાનું જે માર્ગદર્શન એમને કવિ રાયચંદભાઈ આપ્યું એ પરિણામકારી નીવડ્યું હતું.
જૈન રાજચંદ્રે ગાંધીને જે ગ્રંથો સેવવાની ભલામણ કરી એમાં ‘યોગવાસિષ્ઠ’નોયે સમાવેશ થતો હતો જે દેખીતી રીતે જે કોઈ જૈન ગ્રંથ નથી. એટલે ન તો કોઈ ખ્રિસ્તીએ હિંદુ થવાની કે મુસ્લિમે ખ્રિસ્તી થવાની જરૂરત છે, ન તો ખ્રિસ્તીમતનું ઉત્તમ ગ્રહણ કરવાથી તમે જૈન કે વૈષ્ણવ મટી જાઓ છો. આવનારા સમયની રીતે આ એક વ્યાપક દર્શન હતું – જેમાં ન તો પોતે ધર્મપરિવર્તન કરવાની જરૂર છે, ન તો બીજા કોઈનું ધર્મપરિવર્તન કરાવવાની જરૂર છે.
પણ ગુરુદેવ રાકેશ ઝવેરીનાં ઉપદેશવચનો ઘૂંટડે ઘૂંટડે પીતા સૌ ધર્મપ્રેમી જણને જે ખ્યાલ હોવો ઘટે છે તે તો અલબત્ત એ છે કે મુમુક્ષુ મો.ક. ગાંધીની ધર્મખોજ માત્ર ધર્મપરિવર્તનના મુદ્દા સાથે ગંઠાયેલી નહોતી. એ તો એક મોટી ખોજ હતી, સમગ્ર ખોજ હતી, અને એનો જે જવાબ એમને જડ્યો તે રાયચંદભાઈ પાસેથી નહીં એટલો તોલ્સ્તોય પાસેથી જડ્યો હતો.
ભાઈ, શું હતી બારિસ્ટર મોહનદાસ ગાંધીની ખોજ ને મથામણ? એમને શી વાતે ધર્મબોધ મળ્યો હતો? આયુષ્યની પહેલી પચીસીએ પહોંચતા એ દક્ષિણ આફ્રિકાના હિંદી ભાઈબહેનોને તેઓ ઇંગ્લંડ હસ્તકના હિંદના નાગરિકો છે એ નાતે, ધોરણસરની સારસંભાળ મળે એની જદ્દોજહદમાં પડેલા હતા. ત્યારે એમનો ભેટો તોલ્સ્તોય સાથે, ‘કિંગ્ડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યુ’ એ કિતાબ વાટે થયો. એક સાચા ખ્રિસ્તી તરીકે તોલ્સ્તોય ખ્રિસ્તમતને પ્રેમધર્મના પર્યાયરૂપે જોતા હતા. જ્યારે રશિયામાં દુકાળ પડ્યો ત્યારે એમણે એનો ભોગ બનેલાઓની સેવા બજાવવામાં પ્રેમધર્મની એટલે કે ખ્રિસ્તી હોવાની સાર્થકતા જોઈ.
દુકાળમાં રાહત કામગીરી દરમ્યાન એમણે જોયું કે દુષ્કાળગ્રસ્ત ખેડૂતો ખ્રિસ્તી છે તો એમનું શોષણ કરતા શાહુકારો પણ ખ્રિસ્તી છે … આ શોષકોને ઓથ આપતા શાસક (ઝાર) પણ ખ્રિસ્તી છે! એટલે તોલ્સ્તોયના ધર્મમંથને રાજ્યસંસ્થા પરત્વે આલોચનાવિવેક (critique – ક્રિટિક) કેળવવાપણું જોયું. હિંદી ભાઈબહેનો સાથે ધોરણસરના જાહેર વર્તાવ માટે મથતા ગાંધીની ધર્મખોજમાં આ આલોચનાવિવેકનું રસાયણ થયું. અને આપણને મળ્યા સત્યાગ્રહી ગાંધી. દેખીતી રીતે જ, ધર્મખોજનો આ નવ્ય આયામ રાજચંદ્રવશ નથી.
જોગાનુજોગ, ‘કિંગ્ડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યુ’ આ દિવસોમાં પહેલપ્રથમ વાર ગુજરાતીમાં સુલભ થયું છે. (‘વૈકુંઠ તારા હૃદયમાં છે’, અનુ. ચિત્તરંજન વોરા, નવજીવન) ‘મહાત્માના મહાત્મા’ જોયાના સહજ આનંદ પછી જરી કળ વળે ત્યારે સમગ્ર ગાંધીની શોધમાં સેવવા જેવો આ એક વિચારવિસામો (બલકે, વારણ) છે એમ જ કહેવું જોઈશે. સંસારને સત્યગ્રાહી જણની નવાઈ નથી. એવી સંત પરંપરા અનંત જેવી છે. ગાંધીઘટનાનો વિશ્વવિશેષ સત્યાગ્રહી હોવામાં છે: અંદરના વૈકુંઠની પેઠે જ બહારની દુનિયાને સમીનમી કરવાની એ મથામણ સ્તો સંતથી સત્યાગ્રહીને જુદા તારવી આપે છે.
પણ આપણે તો મર્ત્ય માણસો. ઇવેન્ટ મેનેજમેન્ટ એ સ્તો આપણો ઇલાકો રાજચંદ્રના સિક્કા સૂઝે કે પછી યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ અહીં જાતરાએ આવે એવો સોલો ઉપડે. છોડો એ બધી વાત. પણ આ અવસરે શું કરવું, તો વડાપ્રધાને ‘મૌન કી બાત’ છોડી ખરેખર મૌનભંગ કરવાની તક ઝડપી. ગાંધીવિનોબાનું નામ લઈ એમણે કથિત ગોરક્ષકો દ્વારા લિંચિંગની હદે થતા દુર્વર્તાવને વખોડી કાઢ્યો. ‘ક્યા યે મેરા દેશ હૈ?’ એવો વાગ્મિતાભર્યો ઊનો ઊનો નિસાસો નાખ્યો. કાયદો કાયદાનું કામ કરશે તેવી સૂફિયાણી હાંકી. વિનોબાએ ક્યારેક પોતાને (મોદીને) ગાય માતા સારુ મરી મીટવા કહ્યું હતું એમ પણ સાંભર્યું. માત્ર, કોર્પોરેટગ્રસ્ત થઈ અગોચર થતા ગોચર બાબતે સરકારની કોઈ જવાબદારી બનતી હોય તે વાસ્તે હાથ ખંખેરવાનું ચાલુ રાખ્યું અને પૂછ્યું: ‘ક્યા યે મેરા દેશ હૈ?’
દેશનો તે જેનો હોય એનો. પણ પ્રશ્ન એ છે કે આજકાલ કેન્દ્રમાં અને સંખ્યાબંધ રાજ્યોમાં જેનું રાજ છે તે ગોરક્ષાને નામે કાયદો હાથ લઈ લોકોને ખતમ કરી નાખનારાઓ સાથે નસિયતની રીતે શું કરવા માગે છે. વાત તો, આખરે ત્યાં જ આવીને ઊભી રહે છે ને જ્યારે 2002માં વડાપ્રધાન વાજપેયીએ મુખ્યમંત્રી નમોને રાજધર્મ નભાવવા કહ્યું હતું. આજના વડાપ્રધાને તે પોતાના ઉપરાંત કોને કહેવાનું છે?
વસંત રજબની શહાદતના એકોતેરમે વરસે આજે એમના સ્મારકે લોક ‘નોટ ઇન માય નેઇમ’ના બેનર સાથે અંજલિ માટે મળવાનું હોય તે શું સૂચવે છે, કહો જોઉં.અવસર આવ્યો ને ગયો, પણ પ્રશ્નો જગવતો ગયો … એવા પ્રશ્નો જે ઝટ કેડો નહીં મેલે.
રે, ગાંધી!
સૌજન્ય : ‘તારવણી’, “દિવ્ય ભાસ્કર”, 01 જુલાઈ 2017
![]()


ભારતને ક્રિકેટઘેલો દેશ કહી શકાય, પણ આઈ.સી.સી. વર્લ્ડ કપ ચેમ્પિયનશીપમાં મહિલાઓની ટૂર્નામેન્ટ પણ હોય છે અને અત્યારે ઇંગ્લેન્ડમાં રમાઈ રહી છે એ વાતની કેટલાં લોકોને ખબર હશે? ક્રિકેટને પોતાની સૌથી મનપસંદ રમત ગણાવનારને, મિતાલી રાજ ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે એ ખબર પણ નહિ હોય. એમાં કોઈનો વાંક ક્યાં કાઢવો? ખેલકૂદ એટલે જાણે પુરુષોનો વિષય, એવી જ પ્રચલિત સમજ સમાજમાં છે. એટલે મહિલાઓની રમત પ્રત્યેની ગંભીરતા ઓછી જ છે. એને માટેનું બજેટ ઓછું હોય, જરૂરી વ્યવસ્થાનો અભાવ હોય, મીડિયા પણ એને જરૂરી કવરેજ ના આપે તેમ જ કોર્પોરેટ સ્પોન્સરશિપ પણ માંડ મળે.
શ્રીનગરમાં ગયા ગુરુવારે મધ્યરાત્રી પછી ટોળાએ એક પોલીસ અધિકારીની જામિયા મસ્જિદ ખાતે હત્યા કરી. શનિવારની સાંજે શહેરના પાન્થા ચોક વિસ્તારમાં લશ્કરે તોઈબાના આતંકવાદીઓના હુમલામાં સી.આર.પી.એફ.ના બે જવાન શહીદ થયા. બંને બનાવો બન્યા ત્યારે આ લખનાર, ઘટનાસ્થળોથી પંદરેક કિલોમીટર પર દલ સરોવરને કાંઠે એક વિશ્રામ ગૃહમાં મરાઠી-ગુજરાતી પત્રકારો-લેખકોના જૂથમાં હતો. ગુજરાતી ભાષામાં લખતા અમે પાંચ ત્યાં હતા. અમે જમ્મુ અૅન્ડ કાશ્મીર ટુરિઝમ ડિપાર્ટમેન્ટના મહેમાન તરીકે કાશ્મીરનાં પર્યટન સ્થળોની કુદરતી શોભા માણી. ઉપરાંત વિદ્યાર્થીઓ અને નિસબત ધરાવતા નાગરિકોને મળ્યાં.