Opinion Magazine
Number of visits: 9767481
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગ્રેટ ઇન્ડિયન ડેમોક્રૅટિક સર્કસ અને કાશ્મીર

રમેશ ઓઝા|Opinion - Opinion|31 October 2017

ભારત સરકારે કાશ્મીરીઓ સાથે વાતચીત કરવા માટે ઇન્ટરલૉક્યુટર(સંવાદસેતુ)ની નિમણૂક કરી છે ત્યારે કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમને જમ્મુ અને કાશ્મીરના ઉકેલ વિશે પ્રશ્ન પુછાવો સ્વાભાવિક છે.

પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે કહેવા માટે ભલે તેઓ આઝાદીની માગણી કરતા, પરંતુ મોટા ભાગના કાશ્મીરીઓ (હું એમ નથી કહેતો કે બધા જ) સ્વાયત્તતા ઇચ્છે છે. એ પછી તેમણે ઉમેર્યું હતું કે કાશ્મીરના લોકો બંધારણના આર્ટિકલ-૩૭૦ માટે આગ્રહ રાખી રહ્યા છે એ જોતાં કાશ્મીરને થોડી વિશેષ છૂટછાટ આપવી જોઈએ. પી. ચિદમ્બરમનો આ જૂનો અભિપ્રાય છે અને તેઓ આ પહેલાં અનેક વખત વ્યક્ત કરી ચૂક્યા છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માંની તેમની કૉલમમાં પણ તેમણે આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

હવે પ્રતિક્રિયાઓ જુઓ : વડા પ્રધાને બૅન્ગલોરમાં આક્રમક ભાષામાં કહ્યું હતું કે કૉન્ગ્રેસ પાકિસ્તાનની અને કાશ્મીરના અલગતાવાદીઓની ભાષા બોલી રહી છે. કૉન્ગ્રેસે પી. ચિદમ્બરમથી દૂર ખસી જતાં કહ્યું હતું કે કાશ્મીર વિશેનો ચિદમ્બરમનો અભિપ્રાય તેમનો અંગત અભિપ્રાય છે, બાકી જમ્મુ અને કાશ્મીર તો ભારતનું અવિભાજ્ય અંગ છે. મુંબઈમાં કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે કાશ્મીર વિશેની કૉન્ગ્રેસની નીતિ બે વિરુદ્ધ દિશાની રહી છે એટલે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ગૂંચવાયો છે. કાશ્મીરનો પ્રશ્ન એ કૉન્ગ્રેસ પાસેથી મળેલો જટિલ વારસો છે. પ્રતિક્રિયારૂપે નહીં, પણ સ્વતંત્ર રીતે કાશ્મીરનો હવાલો સંભાળનારા અને BJPના મહામંત્રી તેમ જ PDP સાથે સમજૂતી કરનારા રામ માધવ કહે છે કે કેન્દ્ર સરકારે નીમેલા ઇન્ટરલૉક્યુટર જમ્મુ અને કાશ્મીરમાં દરેક લોકો સાથે વાતચીત કરશે. ભારત સરકારના પ્રતિનિધિ સાથે વાતચીત કરવી કે નહીં એ હુર્રિયતના નેતાઓએ નક્કી કરવાનું છે, બાકી ભારત સરકારના વાતચીત માટેના દરવાજા દરેક લોકો માટે ખુલ્લા છે.

અટલ બિહારી વાજપેયી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે તેમણે ઇન્સાનિયત, કાશ્મીરિયત ઔર જંબુરિયત કે દાયરે મેં કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવાની હિમાયત કરી હતી. આને વિશે વધુ ફોડ પાડવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આઝાદી કે અલાવા કુછ ભી. ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે ઇન્ટરલૉક્યુટરની નિમણૂક કરી એના બે દિવસ પહેલાં શ્રીનગરમાં BJPનું યુવા સંમેલન યોજાયું હતું. એ સંમેલનનો પ્રારંભ વન્દે માતરમ્ અને ભારત માતા કી જય સાથે નહોતો થયો, પરંતુ અલ્લાહુ અકબર સાથે થયો હતો. એ સંમેલનમાં અટલ બિહારી વાજપેયીને યાદ કરવામાં આવ્યા હતા; તેમના ઇન્સાનિયત, કાશ્મીરિયત અને જંબુરિયતના નારાને યાદ કરવામાં આવ્યો હતો અને આર્ટિકલ-૩૭૦ કાશ્મીરની પ્રજાની સંમતિ વિના હટાવવામાં નહીં આવે એવું વચન પણ આપવામાં આવ્યું હતું. બાય ધ વે, જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા બંધારણના આર્ટિકલ-૩૭૦ને જમ્મુ અને કાશ્મીરના લોકોની સંમતિ વિના હટાવવામાં નહીં આવે એવું વચન ભારતના કયા વડા પ્રધાને નથી આપ્યું? કૉન્ગ્રેસના વડા પ્રધાનોએ સંસદમાં વચન આપ્યાં છે, અન્ય પક્ષોના વડા પ્રધાનોએ વચન આપ્યાં છે, અટલ બિહારી વાજપેયીએ વચન આપ્યું હતું અને જેઓ ૫૬ની છાતી ધરાવનારા આકરા રાષ્ટ્રવાદી હોવાની ખ્યાતિ ધરાવે છે એ નરેન્દ્ર મોદીએ પણ વચન આપ્યું છે.

પ્રારંભમાં કૉન્ગ્રસે ચિદમ્બરમને દૂર હડસેલતું નિવેદન બહાર પાડ્યું એનો ઉલ્લેખ કર્યો છે. એ નિવેદનમાં ચિદમ્બરમનો અભિપ્રાય એ તેમનો અંગત અભિપ્રાય છે અને કૉન્ગ્રેસનો નથી એમ કહ્યા પછી પક્ષપ્રવક્તાએ નિવેદનમાં આગળ કહ્યું છે કે કૉન્ગ્રેસ લોકતાંત્રિક પક્ષ છે એટલે દરેકને પોતાનો અભિપ્રાય ધરાવવાનો અને વ્યક્ત કરવાનો અધિકાર છે. આવા લોકતાંત્રિક અધિકાર આપ્યા પછી દૂર ખસી જનારાં નિવેદનો તમે સેંકડો વાર જોયાં હશે. ભારતીય રાજકારણનું આ અભિન્ન અંગ છે. બીજા અંતિમે દિલ્હીમાં પક્ષના વડામથકે પક્ષના કાર્યકરો સાથે દિવાળી-મિલનમાં બોલતાં વડા પ્રધાને કહ્યું હતું કે પક્ષના નેતાઓ વિરોધાભાસી અભિપ્રાય આપી રહ્યા છે એ બરાબર નથી અને ચેતવણી આપી હતી કે એને ચલાવી લેવામાં નહીં આવે. તેમણે કહ્યું હતું કે જનસંઘના દિવસોમાં ભાષામાં ફરક પડતો હતો, પરંતુ વિસંગત અભિપ્રાયો પક્ષના નેતાઓ વ્યક્ત નહોતા કરતા. હવે પક્ષનો વિસ્તાર થયો છે ત્યારે જુદા-જુદા નેતાઓ જુદી-જુદી ભાષામાં બોલે છે એ યોગ્ય નથી. આવું બધું કહ્યા પછી અને ભિન્ન મત વ્યક્ત કરવા સામે ચેતવણી આપ્યા પછી ખરી મજા હવે આવે છે. તેમણે તેમની અનનુકરણીય શૈલીમાં કહ્યું હતું કે પક્ષઅંતર્ગત લોકતંત્ર કે બિના રાષ્ટ્રીય લોકતંત્ર અધૂરા હૈ. બોલો.

અંગત અભિપ્રાયનો આદર કરવામાં આવે છે એવો અભિપ્રાય વ્યક્ત કરનારને દૂર હડસેલવામાં આવે છે, અંગત અભિપ્રાય વ્યક્ત કરવા સામે ચેતવણી આપવામાં આવે છે અને પાછી પક્ષ અંતર્ગત લોકતંત્રની દુહાઈ આપવામાં આવે છે. કાશ્મીરમાં એક વાત કહેવામાં આવે છે તો કન્યાકુમારીમાં બીજી વાત કહેવામાં આવે છે. લોકસભામાં એક વાત કહેવામાં આવે તો ચૂંટણીપ્રચારમાં જુદી જ વાત કહેવામાં આવે છે. આ રોજનું છે.

એક વાર જવાહરલાલ નેહરુ અને આચાર્ય કૃપલાની જગતમાં લોકતંત્રના સ્વરૂપ અને ગુણવત્તા (ક્વૉલિટી ઑફ ડેમોક્રસી) વિશે ચર્ચા કરતા હતા. આ આઝાદી પછીની વાત છે. વાતવાતમાં નેહરુએ કૃપલાનીને ભારતના લોકતંત્રના સ્વરૂપ અને ગુણવત્તા વિશે પૂછ્યું ત્યારે કૃપલાનીએ કહ્યું હતું કે દુનિયાની દૃષ્ટિએ આપણે સ્વતંત્ર અને પ્રજાસત્તાક છીએ, પરંતુ ઘરઆંગણે આપણે નથી સ્વતંત્ર કે નથી પ્રજાસત્તાક. આપણને ધર્મનો ડર લાગે છે, ધર્મગુરુઓનો ડર લાગે છે, ધર્માનુયાયીઓની સંખ્યાનો ડર લાગે છે, જ્ઞાતિનો ડર લાગે છે, જ્ઞાતિના ઠેકેદારોનો ડર લાગે છે, ચોક્કસ જ્ઞાતિના લોકોની સંખ્યાનો ડર લાગે છે, કેટલાકને હિન્દી ભાષાનો ડર છે તો કેટલાક મુસ્લિમોથી ડરેલા છે. કેન્દ્ર રાજ્યોથી ડરેલું છે અને રાજ્યો કેન્દ્રથી ડરેલાં છે. આપણા રાજકીય પક્ષોને ચૂંટણી હારવાનો ડર લાગે છે. જ્યાં ડર હોય ત્યાં આઝાદી હોય? અને જ્યાં વ્યક્તિની જગ્યાએ સંખ્યા નિર્ણાયક હોય અને શાસકો સંખ્યાથી ડરતા હોય ત્યાં પ્રજાસત્તાક હોય?

ચર્ચા કરનારાઓ મનીષી હતા. ૬ દાયકા પહેલાં આચાર્ય કૃપલાનીએ જે કહ્યું હતું એના પ્રકાશમાં જમ્મુ અને કાશ્મીર વિશે થોડી ચર્ચા … (હવે પછી) કરીશું.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 31 અૉક્ટોબર 2017

Loading

ચાલ્યા જઈશું સાધ્વીજી, પરંતુ અમે કાંઈ છોડીશું નહીં

—, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|31 October 2017

સાધ્વીજી, આપ દેશને મુસલમાન મુક્ત કરવા માગો છો, તો બેશક કરો. અમે પોતે જ એ દેશમાં રહેવા નહીં ઇચ્છીએ કે જ્યાં આપના જેવા લોકો અમારી કોમને રોજ કટઘરામાં ઊભા કરતા હોય, અમારી દેશભક્તિ અને દેશપ્રેમ પર રોજ આંગળી ઉઠાવતા હોય, અમને પાકિસ્તાની અને આતંકવાદી કહેતા હોય; જાણે કે અમે દેશના નાગરિક નહીં પણ બોજો હોઈએ દેશ પર. પણ અમે એમને એમ નહીં જઈએ, સાધ્વીજી, અમે કઈં પણ છોડીને નહીં જઈએ.

અમે જઈશું તો એ બધું જ લઈને જઈશું, જે અમે પેઢી દર પેઢી આ દેશને આપ્યું છે. અમે તો ક્યારે ય યાદ પણ ન રાખ્યું કે અમે દેશને શું શું આપ્યું છે. ખરેખર તો આ દેશ અમારો પણ રહ્યો છે, અને અમારી આન, બાન અને શાન રહ્યો છે આ દેશ. વતનની ઈમાનદારી અમારે માટે ઈમાનનો અતૂટ હિસ્સો છે. પણ આપને તો યાદ પણ નહીં હોય કે અમે દેશને શું શું આપ્યું છે, અને યાદ હોય તો આપને એ સ્વીકારતાં શરમ આવતી હશે. પણ દેશ જાણે છે અને કહે પણ છે, અમે શું આપ્યું છે દેશને. અમે જાણીએ છીએ કે આ દેશની માટીમાં અમારી કેટલી ય પેઢીઓ દફનાવાઇ છે, આ માટીએ અમને જીવન આપ્યું છે, આ માટીએ અમને જીવતાં શીખવાડ્યું છે, આ માટીમાં ઊભેલાં અમારાં પ્રાર્થનાસ્થળોમાં અમે દેશની પ્રગતિ માટે દુવાઓ માગી છે, આ માટીમાં અમે અમારા બાળપણની ધીંગામસ્તી જોઈ છે. અમારી જુવાનીનાં સ્વપ્નાંઓને પાંખો આપી છે આ માટીએ, આ માટીમાં અમારા બુઢાપાનો સહારો ટકેલો છે અને આ માટીની બે ગજ જમીનમાં અમારે દફન થવાનું છે.

આ દેશ માત્ર આપનો નથી, અને અમને કઈં આપનાથી ઓછો પ્રેમ નથી આ દેશ માટે. પણ અમે ચાલ્યા જઈશું, દેશને મુસલમાન મુક્ત કરી દઈશું. પણ અમને થોડા રોકાઈને જરા હિસાબ તો કરી લેવા દો. અમને અમારી ચીજો સમેટી લેવા દો. પછી અમે જતા રહીશું, આપને ખાતર, મુસલમાન મુક્ત ભારત માટે.

અમે અમારી સાથે લઇ જઇશું, સાધ્વીજી, મોહેં-જો-દડો અને હડપ્પાના ઉન્નત સાંસ્કૃિતક વારસાથી લઈને અમીર ખુસરોની રુબાઈઓ. અમે લઈને જશું અમારી સાથે તાજમહેલ, કુતુબમિનાર, લાલ કિલ્લો અને એવા સ્થાપત્યના હજારો બેજોડ નમૂનાઓ. અમે લઇ જઈશું અલબેરુનીનો ઇતિહાસ, જાયસીનું પદ્માવત, મિયાં તાનસેનની રાગદારી, મિર્ઝા ગાલિબની શાયરીઓ, બિસ્મિલ્લાહ ખાનની શાહનાઈની ધૂનો અને ઝાકીર હુસેનના તબલાની થાપીઓ. અમે ન ગઝલ છોડશું, ન કવ્વાલી, આ મુજરો પણ છોડીશું. અમે અજમેર શરીફ પણ લઇ જઈશું, નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પણ લઇ જશું. અરે, ધીરજ રાખો, સાધ્વીજી, હજી તો લિસ્ટ લાંબું છે.

અમે અશફાક ઉલ્લાહની શહાદત કેવી રીતે છોડી શકીએ? ઇકબાલની ધૂનને તો હવે અમે અડવા પણ નહીં દઈએ, અબ્દુલ હમીદની કુરબાનીને યાદ કરવાનો હક્ક પણ અમે છીનવી લઈશું. અમે ગંગા કિનારાના બધા ગાલિચાના વણકરોને અમારી સાથે લઇ જશું અને તમારા ઘરોમાંથી પણ તેમણે બનાવેલ ગાલીચા ઉઠાવીને લઇ જશું. અલીગઢના તાળા તો હવે તમારા ઘરની રક્ષા નહીં જ કરે. અમે તાજિયાના સરઘસને ઉપાડીને અમારી સાથે લઇ જશું. અમે મહાભારતમાંથી માસૂમ રઝાના લખેલા સંવાદો પણ કાઢી લઈશું. અમે શાહરુખ, સલમાન અને આમીરખાનને સાથે લઇ જશું. અમે પાછી લઇ લેશું અમારી બિરિયાની, અમારા કબાબ, અમારી સેવૈયાં. અમારી શેરવાનીને પણ અમે અહીં નહીં છોડીએ, અમારા કુર્તા-પાયજામા અને મહિલાઓના સલવાર-કુર્તા પણ પાછા લઇ જશું. અમે કંઈ જ નહીં છોડીએ. સાધ્વીજી.

અમને પાછું જોઈએ છે એ બધું પાણી જે વજૂ કરતી વખતે અમારી કોમે ગંગા-જમુના સંસ્કૃિતને સમૃદ્ધ કરતાં વહાવ્યું છે. અમને પાછો જોઈએ અમારા બાળકોનો એ સમય જે એમણે રામલીલા જોઈને વિતાવ્યો છે. અમને પાછો આપો એ પ્રેમ અને દુવાઓ જે અમે પ્રભાતની અજાનથી લઈને તે પાંચ વખતની નમાજમાં આ દેશને માટે આપ્યા છે અને માગ્યા છે. અમને પાછો આપો અમારી કોમના લોકોનો એ અભિનય જે તેઓ રામલીલામાં સદીઓથી આજપર્યંત કરતા આવ્યા છે.

બહુ લાંબુ લિસ્ટ છે, સાધ્વીજી।

આ તો માત્ર નમૂના છે. આવો હિસાબ કરીએ. અમે પણ જોઈએ કે આ દેશમાંથી અમારી ચીજોને કાઢીને અમને પાછી આપી દેવાની હેસિયત તમારામાં આવી જાય તે દિવસે અમને કાઢી મુકજો. વિશ્વાસ રાખજો, અમે દેશ છોડી દઈશું. અમે જાણીએ છીએ કે એ આપની હેસિયત કે ઔકાતમાં ક્યારે ય નહોતું, આજે પણ નથી અને ક્યારે ય આવશે પણ નહીં.

આ અમારું વહાલું વતન છે, અને અમે વતનના છીએ. અમે મુસલમાન છીએ. વતન પ્રત્યેની વફાદારીમાં જે દિવસે અમે નીચા પડીશું, ત્યારે અમારા ઇમાનમાંથી પણ હટેલા હોઈશું. એટલે અમને દેશભક્તિ તો ન જ શીખવાડો.

— એક ભારતીય મુસલમાન

(સાધ્વી પ્રજ્ઞાના નિવેદન ઉપરથી લખાયેલ લેખ)

(રાજકોટથી પ્રકાશિત થતા ‘સર્વોદય સમાજ’માં ‘સદભાવના સાધના’માંથી લીધેલ આ લેખ સાભાર પ્રસ્તુત)

Loading

સરદાર-મોદી તથા ઇન્દિરા-રાહુલની કાલ્પનિક મુલાકાતનો અહેવાલ

દીપક સોલિયા|Opinion - Opinion|31 October 2017

માની લો કે આજે ૩૧ ઑક્ટોબરે જન્મદિવસ નિમિત્તે સરદારને અને મૃત્યુિતથિ નિમિત્તે ઇન્દિરાને પૃથ્વીલોક પર કોઈ એક જણ સાથે પાંચ મિનિટ ગાળવાની તક આપવામાં આવે, તો તેઓ અનુક્રમે નરેન્દ્ર મોદી તથા રાહુલ ગાંધીને મળીને કેવી વાત કરે એની એક કલ્પના.

શરૂઆત કરીએ સરદારથી.

સરદાર અચાનક વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પ્રગટ થયા. મોદી ચોંક્યા. સરદારે પોતાના આગમન વિશે ઓછામાં ઓછા શબ્દોમાં સ્પષ્ટતા કરીને મોદીનું આશ્ચર્ય શમાવ્યું અને પછી મુદ્દાની વાત છેડીઃ ‘તમે મારું બાવલું શા માટે બનાવી રહ્યા છો?’

મોદીઃ ‘સરદારસાહેબ, કોંગ્રેસે આજ સુધી તમારી જેટલી પણ અવગણના કરી છે એનું સાટું વાળવા માટે અને જગતને તમારા વિરાટ કદની જાણ કરવા માટે મેં આ યોજના હાથ ધરી છે.’

સરદાર મલક્યાઃ ‘અવગણનાથી હું ટેવાઈ ચૂક્યો છું. અગાઉ કોંગ્રેસે અને નેહરુના વારસદારોએ મને અવગણ્યો અને હવે તમે મારી કામગીરીને અવગણી રહ્યા છો.’

મોદીઃ ‘તમારી અવગણના અમે કરી જ કઈ રીતે શકીએ?’

સરદારઃ ‘કેમ? તમે એવો દાવો કરો છો કે ૨૦૧૪માં તમારું રાજ આવ્યું એ અગાઉ અમે કોંગ્રેસીઓએ દેશને ખાડામાં નાખવા સિવાય જાણે બીજું કશું કર્યું જ નહોતું …’

મોદીઃ ‘ના સાહેબ, તમારું પ્રદાન કઈ રીતે ભૂલાય? તમે તો રજવાડાંનું વિલિનીકરણ કરેલું અને તમારું એ કાર્ય અમે હંમેશાં યાદ કરીએ છીએ.’

સરદારઃ ‘હા, પણ રજવાડાંના વિલિનીકરણનું કાર્ય મને સોંપાયું, કારણ કે હું કોંગ્રેસનો નેતા હતો. પણ છોડો, મને એ કહો કે મારું બાવલું બનાવવાની યોજનાથી હું રાજી થઈશ એવું તમને લાગે છે?’

મોદીઃ ‘ના, હું બરાબર જાણું છું કે તમે આનાથી નારાજ થશો. છતાં, હું આ કરી રહ્યો છું. એમ તો મને એ પણ ખબર છે કે બુલેટ ટ્રેનનો ઝાઝો ઉપયોગ થવાનો નથી. છતાં, હું આપની પ્રતિમા તથા બુલેટ ટ્રેન જેવાં કેટલાંક કામ કરી રહ્યો છું, કારણ કે મારો ઇરાદો નેક છે. હું ભારતવાસીઓમાં એક ગુમાન, આત્મવિશ્વાસ પેદા કરવા માગું છું. અમેરિકા કે યુરોપ કે ચીનથી આપણે સહેજ પણ ઉતરતાં નથી એવું એક ગૌરવ હું દેશવાસીઓના હૃદયમાં પ્રગટાવવા માગું છું. આપની પ્રતિમા અને બુલેટ ટ્રેનનો ઉપયોગ હું પ્રતીકો તરીકે કરવા માગું છું. પ્રતીકોનો પોતાનો આગવો પ્રભાવ હોય છે. એક અન્ય પ્રતીકની વાત કરું તો સોમનાથનું મંદિર પણ એક મોટું પ્રતીક છે …’

આટલું કહીને મોદી અટક્યા. સરદારના ચહેરા પર મંદ સ્મિત રેલાયું. એ ધીમેથી બોલ્યા, ‘અટકો નહીં. હું સાંભળી રહ્યો છું. સોમનાથના મંદિર વિશે તમારે જે કહેવું હોય તે નિઃસંકોચ કહો.’

મોદીઃ ‘હજારો વર્ષથી હિન્દુઓની આસ્થાઓનાં પ્રતીકો પર મુસ્લિમોએ કરેલા પ્રહારોનું સાટું વાળવા માટે સોમનાથ મંદિરનો આપે ભવ્ય ઢબે જીર્ણોદ્ધાર કરાવેલો ત્યારે આપની ગણતરી પણ એ જ હતી કે આ બહાને, આ પ્રતીક દ્વારા હિન્દુઓનું ઘવાયેલું આત્મસન્માન થોડું સાજું થાય.’

સરદારઃ ‘તમે સાચું સમજ્યા છો. સોમનાથના મંદિરના બહાને હું હિન્દુઓના આત્મસન્માનની પુનઃસ્થાપના કરાવવા માગતો હતો, પણ મારા બાવલામાં અને સોમનાથના મંદિરમાં ઘણો મોટો ફરક છે. પહેલો ફરક એ કે સોમનાથનું મંદિર પૂર્ણપણે પ્રજાના પૈસે બંધાવું જોઈએ એ વાતે ગાંધીજી અને હું મક્કમ હતા. પ્રજા પોતાના પૈસે કશુંક ઊભું કરે ત્યારે પ્રજામાં સાચું ગૌરવ પેદા થાય. હું જાણું છું ત્યાં સુધી તમે પણ મારા બાવલા માટે પ્રજા પાસેથી લોખંડ અને પૈસા ઉઘરાવેલા.’

‘જી, હું પણ એ જ ઇચ્છતો હતો કે પ્રજાના પ્રદાનથી તમારી પ્રતિમા રચાય.’

‘પણ છેવટે તમારે આ પ્રતિમા માટે નર્મદા યોજનામાંથી નાણાં લેવા પડ્યા. નર્મદા યોજનાની નહેરોનાં અને બીજાં કેટલાંક કામો બાકી હોય ત્યારે આ રીતે યોજનાના પૈસા બાવલા પાછળ ખર્ચાય એ ઠીક નથી. પહેલી વાત એ કે મારાં બાવલાં બને એ જ મને ગમે એવી વાત નથી. બીજી વાત એ કે મારું બાવલું બનાવવું જ હોય તો પ્રજા જેટલા પૈસા આપે એટલા જ પૈસાથી નાનું તો નાનું બાવલું બનાવો. ત્રીજી વાત એ કે સોમનાથના મંદિરના બાંધકામ માટે ફક્ત સ્થાનિક સોમપુરા સ્થપતિઓનો અને સ્થાનિક, ભારતીય સામગ્રીનો જ ઉપયોગ થયેલો, જ્યારે તમે મારા બાવલા માટે વિદેશી નિષ્ણાતોની અને વિદેશી સામગ્રીની મદદ લઈ રહ્યા છો. મેં સાંભળ્યું છે કે દુબઈમાં પેલો ૮૨૮ મીટર ઊંચો બુર્ઝ ખલીફા ટાવર બાંધનાર ટર્નર કન્સ્ટ્રક્શન કંપનીને પણ આ યોજનામાં સાથે સાંકળવામાં આવી છે. લોખંડની આ પ્રતિમા પર કાંસાનું આવરણ લગાવવાનું કામ ચીન ખાતેની ઝિયાંગશી ટોકિન નામની કંપની કરશે એવી માહિતી મેં વિકિપીડિયા પર વાંચી. શું આ બધી વાત સાચી છે?’

મોદીએ વિગતોમાં ઉતરવાને બદલે પાયારૂપ નીતિ પર ભાર મૂક્યો, ‘સરદારસાહેબ, હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે ભારતને લોકો તાજમહલથી નહીં, સરદારની પ્રતિમાથી ઓળખે.’

સરદારઃ ‘જુઓ નરેન્દ્રભાઈ, તમને ભારતની જનતાએ આદરભેર ચૂંટ્યા છે. તમે ભારતના આદરણીય વડા પ્રધાન છો. એટલે તમારા આદર અને ગરિમાનો સહેજ પણ ભંગ ન થવો જોઈએ એ બાબતે હું સભાન છું. તમારી જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ મારી પાસે મારા બાવલાની યોજના લઈને આવી હોત તો મેં એને કેટલો આકરો ઠપકો આપ્યો હોત એની હું કલ્પના નથી કરવા માગતો. તમને હું ફક્ત એક વડીલ તરીકે એક વાત-સૂચન-વિનંતી કરવા માગું છું.’

મોદીસાહેબે અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું, ‘સાહેબ, તમારે તો આજ્ઞા કરવાની હોય.’

સરદારઃ ‘મારે ફક્ત એટલું જ કહેવું છે કે તમારે, તમારા પક્ષ ભાજપે અને તમારી માતૃસંસ્થા આર.એસ.એસે. મારું તથા ભગત સિંહનું નામ વાપરવાનું બંધ કરવું જોઈએ. ભગત સિંહ મહાન રાષ્ટ્રવાદી હતા અને હું મુસ્લિમોની આળપંપાળ કરવાને બદલે એમને હિન્દુની માફક જ સમાન ગણીને એમની સાથે વહેવાર કરવાનો આગ્રહી હતો, પણ આનાથી ભગત સિંહ કે હું સંઘના પ્રચારક નથી બની જતા. તમારી પાસે સંઘના આદરણીય નેતાઓ છે જ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય તમારી પાસેનું એક અત્યંત આદરણીય નામ છે. તમે એમને હાઈલાઈટ કરો. તમારી જાત પર, તમારી સંસ્થા પર, તમારી મહાનતા પર ભરોસો રાખો, આત્મવિશ્વાસ રાખો, ઉછીનાં પ્રતીકો ન લો. તમે એવી રીતે પ્રચાર કરી રહ્યા છો કે ભાવિ પેઢી તો કદાચ એવું માનશે કે સરદાર અને ભગત સિંહ સંઘના સભ્યો હતા. ના, હું આજીવન કોંગ્રેસી હતો, હાડોહાડ કોંગ્રેસી હતો અને ભગત સિંહ ડાબેરી ક્રાંતિકારી હતા, એ હકીકતને ભૂલવાડીને તમે મારા અને ભગત સિંહના નામનો જે રીતે ઉપયોગ કરો એ યોગ્ય છે ખરું?’

સરદાર અટક્યા. મોદી ધીમેથી બોલ્યા, ‘તમે, હું અને ભગત સિંહ … આપણે ત્રણેય તીવ્ર રાષ્ટ્રભાવનાથી જોડાયેલા નથી શું?’

સરદાર હસ્યા, ‘તમારા રાષ્ટ્રપ્રેમ બાબતે મને કશી શંકા નથી, પણ મારે તમને એક ભળતી જ વાત કહેવી છે. અત્યારે તમારે ત્યાં (પૃથ્વી પર) એકવીસમી સદીનાં કમ્પ્યુટર્સ અને એલ્ગરિધમ્સ જે કામ કરે છે એના કરતાં પણ અમારે ત્યાં ‘ઉપર’ હિસાબ-કિતાબનું મીટર વધુ શાનદાર ઢબે કામ કરે છે. પૃથ્વી પર જીવતી પ્રત્યેક વ્યક્તિ માટે ત્યાં એક મીટર છે. માણસ જ્યારે કશુંક સારું કરે-બોલે-વિચારે ત્યારે એ મીટરમાં લીલા રંગમાં ગુણ ઉમેરાય, પણ જ્યારે વ્યક્તિ કશુંક ખરાબ કરે-બોલે-વિચારે ત્યારે એ મીટરમાં લાલ રંગમાં ગુણ બાદ થાય. પ્રત્યેક પળે એ ખાતામાં જમા-ઉધારી નોંધાતી રહે છે. પછી જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એ પળે એના મીટરમાં જમા ખાતે લીલા ફોન્ટમાં સાવ નાનકડો આંકડો હોય તો પણ એને સ્વર્ગમાં સ્થાન મળે, પરંતુ ઉધાર ખાતે લાલ ફોન્ટમાં સાવ જ નજીવો આંકડો હોય તો એને નર્કમાં સ્થાન મળે. નરેન્દ્રભાઈ, તમે બેઠકનું અંકગણિત બહુ સારી રીતે સમજો છો. તમે વડા પ્રધાનની બેઠક મેળવવા માટે જરૂરી અંક મેળવવા જબરદસ્ત મહેનત કરી ચૂક્યા છે. હવે સ્વર્ગની બેઠક માટેના અંકગણિત વિશે પણ ક્યારેક થોડું વિચારજો. તમારી પાસે હજુ ઘણો સમય છે. તમે તો જાણો જ છો કે વડા પ્રધાનની બેઠક અસ્થાયી છે, જ્યારે સ્વર્ગમાં મળતી બેઠક સ્થાયી છે. તમે સમજદાર છો. તમને વધુ શું કહું?’

આટલું કહીને સરદાર અલોપ થયા અને મોદી વિચારમાં ડૂબ્યા.

***

પોતાના પ્રિય ડોગી ‘પીડી’ને ખોળામાં બેસાડીને પોતાનું ટ્વીટર અકાઉન્ટ ચેક કરી રહેલા રાહુલે નજર ઊંચી કરી તો સામે દાદીમા ઇન્દિરા ગાંધી ઊભાં હતાં. રાહુલ અત્યંત ખુશ થઈ ગયાઃ ‘ગ્રેની (દાદીમા), વ્હોટ અ સરપ્રાઈઝ!’

ઇન્દિરાએ અત્યંત વ્હાલપૂર્વક પૌત્રનું કપાળ ચૂમ્યું. એ બોલ્યાં, ‘અરે વાહ. તું હજુ પણ એવો જ ક્યૂટ લાગે છે.’

રાહુલે હસીને કહ્યું, ‘ગ્રેની, હવે હું મોટો થઈ ગયો છું. આખી કોંગ્રેસનો ભાર હવે મારા ખભે છે.’

ઇન્દિરાએ નિઃસાસો નાખ્યો, ‘આઈ નો … મારી પાસે સમય બહુ ઓછો છે અને હું તને એ જ કહેવા આવી છું કે તું રાજકારણ છોડી દે.’

‘વ્હોટ?’ રાહુલનો અવાજ સહેજ ફાટી ગયો.

‘જો બેટા, તું મારા ખોળામાં રમ્યો છે. હું તને આખેઆખો ઓળખું છું. તું તારા પપ્પા જેવો છે. તમે બન્ને સીધાસાદા છો. રાજકારણમાં તમે ન ચાલો.’

‘પણ ગ્રેની, આઈ હેવ ટુ ફાઈટ. જો હું ખસી જઈશ તો રાઈટ વિંગના (જમણેરી) ફોર્સિસ આ દેશના ટુકડા કરી નાખશે. આ દેશ આપણા મહાન ફેમિલી વિના પડી ભાંગશે.’

‘ના બેટા, એવું નથી. મારા ફાધર જવાહરલાલ આપણા બધા કરતાં ઊંચેરા હતા. એમણે આ દેશને બહુ પ્રેમથી, માવજતથી, સમજદારીથી ઉછેરીને બાળકમાંથી કિશોર બનાવેલો, પણ દેશ હજુ પૂરેપૂરો પુખ્ત થાય એ પહેલાં એ જતા રહ્યા. ત્યારે એમના જવાથી દેશ પડી નહોતો ભાંગ્યો. શાસ્ત્રીજીએ (લાલ બહાદુર શાસ્ત્રીએ) એમનું સ્થાન લઈને દેશને સરસ નેતૃત્વ પૂરું પાડેલું.’

‘પણ ગ્રેની, ત્યારે શાસ્ત્રીજી હતા અને શાસ્ત્રીજી પછી તમે હતાં. અત્યારે એવું કોઈ નથી. આ દેશનું સેક્યુલર ફેબ્રિક જળવાઈ રહે તેનો પૂરો આધાર એ વાત પર છે કે હું એમને કેવી ફાઈટ આપું છું.’

‘એ જ હું તને કહી રહી છું કે તારા વિના દેશ અટકી પડશે એવી તારી આ સમજ તારી નાદાનીની નિશાની છે. અને રાજકારણમાં નાદાનોનું આવી બને છે. તારા પપ્પા, મારો રાજીવ પણ તારા જેવો જ નાદાન માણસ હતો. એ બહુ સારો હતો. એ દેશને ખૂબ આગળ લઈ જવા માગતો હતો. એણે ટેક્નોલોજીના ક્ષેત્રે દેશમાં ક્રાંતિ કરી. એના હૈયે ખરેખર દેશહિત વસ્યું હતું. છતાં, એ ભેરવાઈ ગયો, બોફોર્સમાં વગોવાયો, અકાળે મર્યો … નાદાન હોવા છતાં રાજકારણમાં ઝંપલાવવાને લીધે મારો દીકરો તો મર્યો … હવે મારો પૌત્ર પણ એ માર્ગે આગળ વધે એવું હું નથી ઇચ્છતી.’

‘પણ ગ્રેની, નાઉ આઇ એમ ટૂ ઓલ્ડ ટુ ચેન્જ ધ કરિયર (કારકિર્દી બદલવાની ઉંમર હું વટાવી ચૂક્યો છું).’

‘ડોન્ટ વરી બેટા. ભૂલ સુધારવા માટે કોઈ પણ ઉંમર નાની નથી હોતી.’

‘પણ પછી આ દેશનું શું? કોંગ્રેસનું શું?’

‘કોંગ્રેસને કોઈ ને કોઈ મળી રહેશે. બીજું કોઈ ન મળે તો પ્રિયંકા પણ કદાચ ચાલી શકે.’

‘યુ મીન ટુ સે કે પ્રિયંકા મારા કરતાં વધુ કાબેલ છે?’

‘ના બેટા, નાદાની તો પ્રિયંકામાં પણ છે, અને નાદાની તો મારામાં પણ હતી. મેં અને મારી જેમ પ્રિયંકાએ જીવનસાથી પસંદ કરવામાં નાદાની કરેલી. પણ એ જુદી જ વાત છે. મારું તને એટલું જ કહેવું છે કે તૂ બહોત સીધા-સાદા-ભોલા-ભાલા હૈ. એટલે તું રાજકારણમાં નહીં ચાલે. લોકો તને ફાડી ખાશે.’

‘ગ્રેની, તમે કહો છો કે હું રાજકારણમાં રહીશ તો લોકો મને ફાડી ખાશે, પણ મને લાગે છે કે હું રાજકારણ છોડીશ તો આ લોકો મને ફાડી ખાશે, મારા પર હજાર કેસ કરશે, મને કોઈ પણ રીતે જેલમાં પૂરશે.’

ઇન્દિરાએ સહેજ ઉદાસ સૂરમાં કહ્યું, ‘એ લોકો તને કશાકમાં ભેરવી દે અને જેલમાં પૂરે તો પણ મને દુઃખ તો થશે, પણ તું સત્તાના આ ખેલમાં બહુ આગળ વધીને જીવ ગુમાવશે તો મને વધુ દુઃખ થશે. માટે, પ્લીઝ …’

‘ગ્રેની, રિલેક્સ …’ રાહુલે સ્મિત વેર્યું, ‘ઓલ્ડ એજ(મોટી ઉંમર)ને લીધે આવી બધી ચિંતા થાય. ઇટ્સ ઓકે. પણ ગ્રેની, પ્લીઝ, હવે હું આ ફિલ્ડમાં બહુ આગળ વધી ચૂક્યો છું. આઈ કાન્ટ રિટર્ન (હું પાછો ન ફરી શકું). તમારે મને ગાઈડન્સ આપવું જ હોય તો એ ગાઈડન્સ આપો કે આ જ લાઈનમાં રહીને આગળ વધવા માટે, વધુ સારી રીતે ફાઈટ આપવા માટે, સેલ્ફ પ્રોટેક્શન માટે મારે શું કરવું જોઈએ?’

ઇન્દિરાએ ઊંડો શ્વાસ લીધો. પછી એ ધીમેથી બોલ્યાં, ‘મારી તને ત્રણ સલાહ છે. પહેલી એ કે ક્યારે ય વડા પ્રધાન ન બનતો. ફક્ત પક્ષનું અને સંગઠનનું જ કામ કરજે.’

રાહુલને આ સલાહ ગમી તો નહીં, પણ દાદીમાનું માન રાખવા એણે કશી દલીલ કરી નહીં.

ઇન્દિરાએ વાત આગળ ધપાવીઃ ‘બીજી સલાહ એ કે લગ્ન કરીને બાળકો પેદાં કર.’

દાદીની ભળતી જ સલાહ સાંભળીને રાહુલ ગૂંચવાયા. એમણે પૂછ્યું, ‘લગ્ન કરવાથી શું થશે?’

‘તું વધુ મૅચ્યોર બનશે, પત્ની-બાળકોની જવાબદારી તને વધુ ઠરેલ અને સમજદાર બનાવશે, તું સામાન્ય ભારતીયની વેદના વધુ સારી રીતે સમજી શકીશ. તારી જેમ તારા હરીફ નરેન્દ્ર મોદી પણ લગ્ન બાદ પરિવાર લઈને બેઠા હોત તો એ વધુ સમજદાર અને સંવેદનશીલ નેતા બની શક્યા હોત અને નોટબંધીની યોજના વધુ સારી રીતે લાગુ કરી શક્યા હોત. પણ છોડ, મોદી શું કરે છે એની મને ચિંતા નથી. મને તારી ચિંતા છે. એટલે તને સલાહ આપું છું કે વડા પ્રધાન બનતો નહીં અને કુંવારો રહેતો નહીં …’

‘અને ત્રીજી સલાહ?’ લગ્નના વિષયથી પિંડ છોડાવવા રાહુલે પૂછ્યું.

‘ત્રીજી સલાહ એ કે અડધી બાંયના ઝભ્ભા પહેર.’

‘કેમ?’

‘કારણ કે તું વારેવારે જે રીતે બાંયો ચઢાવે છે એને લીધે તારી ઇમ્મેચ્યોરિટી આખી દુનિયા સામે ખુલ્લી પડી જાય છે.’

આટલું કહેતાં, સમય પૂરો થઈ જવાને લીધે ઇન્દિરાએ અલોપ થઈ જવું પડ્યું અને ગૂંચવાઈ ગયેલા રાહુલે માથું ખંજવાળ્યું.

(આજના [31-10-2017] ગુજરાતી મિડ-ડેમાં આ લેખ છપાયો છે, પરંતુ ગઈ કાલે ઉતાવળે લખી મોકલેલા આ લેખમાં કેટલાક ઉમેરા-સુધારા કરીને લખાણ અહીં મૂક્યું છે. સરવાળે, લેખ ઘણો લાંબો તો બન્યો છે, પરંતુ મારા મોટા ભાગના અન્ય લેખોની માફક અહીં લેખના અંતે મેં ‘ક્રમશઃ’ નથી લખ્યું એ પણ મોટી વાત છે.)

સૌજન્ય : ‘આર્ટ ઓફ થિન્કિંગ’, “ગુજરાતી મિડ-ડે”, 31 ઓક્ટોબર 2017 

Loading

...102030...3,3253,3263,3273,328...3,3403,3503,360...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved