Opinion Magazine
Number of visits: 9584350
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમદાવાદનો આ પણ એક વારસો

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|27 July 2017

નહાવાની તકલીફો વેઠતી કામદાર સ્ત્રીઓ માટે શહેરના પ્રમુખ સરદાર પટેલે એક હજાર નાવણિયાં કરાવ્યાં હતાં

યુનેસ્કોએ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં દાખલ કર્યું છે. ભારતના એક માત્ર હેરિટેજ સિટીનું માન અમદાવાદને મળ્યું તેથી ન માત્ર અમદાવાદી કે ગુજરાતી, ભારતવાસી પણ હરખાશે.

પંદરમી સદીમાં અમદાવાદ સ્થપાયું તે પૂર્વે આશા ભીલનું આશાપલ્લી કે સાબરમતીની પેલે પાર કર્ણદેવનું કર્ણાવતી હોવાના પુરાવા મળે છે. મુસ્લિમ સલ્તનત, મુગલ સામ્રાજ્ય, મરાઠાયુગ, બ્રિટિશ શાસન અને આઝાદી પછીનું અમદાવાદ – એવા પાંચ ભાગમાં અમદાવાદનો ઇતિહાસ-વારસો વહેંચાયેલો છે. હિંદુ, જૈન અને ઈસ્લામિક સ્થાપત્યો સાથે ગાંધીજીનો વારસો અમદાવાદને વૈશ્વિક વારસાનું શહેર ઠરાવે છે. આ શહેર છ સદી કરતાં વધુ વરસોથી જીવંત રહ્યું છે અને એની ધર્મ-જાતિ-કોમની વિવિધતા ટકી રહી છે.

ઈ.સ.1850માં મગનલાલ વખતચંદે અમદાવાદનો ઇતિહાસ લખ્યો હતો. તેમાં અમદાવાદની વસ્તીની જાતિ-કોમ-ધંધાવાર તપસીલ કંઈક આમ વાંચવા મળે છે, ‘હીંદુમાંની ઉચ વરણના લોકો માણેકચોકની આસપાસ અથવા શહેરની મધ્યભાગમાં રહે છે. દક્ષિણ ભાગમાં બાંધણીગરા, ભાઉસાર તથા કણબી રહે છે. પૂર્વ ભાગમાં વાંણઈઆ, કણબી તથા મુશલમાંનની વસ્તી છે. ઉત્તરભાગમાં કાલુપુરમાં મુશલમાંન તથા ખાતરી વણનાર રહે છે, ને ઉત્તર ઈંદૂડીઆમાં તથા શાહાપુરમાં હિંદુ તથા મુશલમાંન, કાગદી તથા સપેતી વણનાર રહે છે. પસ્ચિમ ભાગમાં ભદર તથા ગાયકવાડ હવેલી છે, ત્યાં મુશલમાંન ને પારશી રહે છે.’ (જોડણી અસલ પ્રમાણે)

આ વર્ણન પરથી સમજાય છે કે એ જમાનાના અમદાવાદમાં કહેવાતા અસ્પૃશ્ય એવા દલિતોનું સ્થાન કશા દરજ્જા વગરના નાગરિકનું હશે. ગાંધીજીના આગમન પૂર્વે 1861માં શેઠ રણછોડલાલે અમદાવાદમાં કાપડની મિલ શરૂ કરી અને ઔદ્યોગિક અમદાવાદનો જન્મ થયો. પોળોનું અમદાવાદ ચાલીઓનું પણ બન્યું. એકએક મિલના ભૂંગળે ચાલીઓની વણજાર ફાટી નીકળી હશે. વર્લ્ડ હેરિટેજ અમદાવાદની આ ચાલીઓ કેવી હતી? ગઈ કાલના વૈશ્વિક વારસાના અમદાવાદની ચાલીનું વર્ણન દાદાસાહેબ માવળંકરના શબ્દોમાં: ‘ચાલ એવા પ્રકારની હતી કે એને ઓટલો નહોતો. એટલું જ નહીં પરંતુ ઓરડીની ભોંય, આજુબાજુની જમીન કરતાં દોઢ ફૂટ નીચી હતી. એટલે એમાં જવું એ એક ભોંયરામાં પેસવા જેવું હતું. એની બાંધણીમાં પાકી ઈંટો વપરાયેલી નહોતી પણ લોખંડનાં પતરાં વપરાયેલાં હતાં. સાડા પાંચ ફૂટનો માણસ ટટ્ટાર ઊભો પણ ન રહી શકે એટલી ઓરડીની ઊંચાઈ હતી અને પગ લાંબા કરીને સૂઈ ન શકાય એટલી એની પહોળાઈ હતી.’

આજે તો ચાલીઓ સુવિધાની રીતે થોડી બદલાઈ છે, પણ એનાં નામો અકબંધ છે: કસાઈની ચાલી છે, તો કડિયાની ચાલી છે. મોદીની ચાલી છે, તો ધોબીની ચાલી છે. જેઠીની ચાલી છે ને રામીની ચાલી છે. નગરશેઠની ચાલી છે, તો નાણાવટીની ચાલી છે. દેવાજીની ચાલી છે, તો દોસ્ત મહંમદની ચાલી છે. મેજિસ્ટ્રેટની ચાલી છે, તો જજસાહેબની ચાલી છે. સોસાયટીની ચાલી છે, તો રાજધાનીની ચાલી છે.

આવી ચાલીઓમાં ગરીબો, દલિતો, પછાતો દોજખની જિંદગી જીવતાં હતાં અને જીવે છે. આજે દલિતોનો સાક્ષરતાદર ગુજરાતના સાક્ષરતાદર કરતાં લગીર વધારે છે. પણ જૂના અમદાવાદમાં દલિત માટે શિક્ષણ દોહ્યલું હતું.

ડૉ. આંબેડકરે તુલસીદાસ આચાર્યના ગૃહપતિપદે ચાલતી ડિપ્રેસ્ડ ક્લાસીઝ હોસ્ટેલ વિશે ચર્ચા કરવા, શાયદ પ્રથમ વાર, 28મી જૂન 1931ના રોજ અમદાવાદની મુલાકાત લીધેલી. પણ એની એકાદ સદી પહેલાં અમદાવાદમાં પહેલી સરકારી અંગ્રેજી નિશાળની શરૂઆત દલિત બાળકોના શાળાપ્રવેશને અટકાવવા, તેમના શાળાપ્રવેશના વિરોધમાં કે તેમનાથી અલગ બેસવામાંથી થઈ હતી. 1896માં અમદાવાદની વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલમાં એક દલિત સ્ત્રીને પ્રસૂતિ માટે દાખલ કરાતાં બાકીની સ્ત્રીઓએ હોસ્પિટલ છોડી દીધી હોવાનું પણ નોંધાયું છે.

એટલે નગર અમદાવાદમાં આભડછેટ અને ભેદભાવે દલિતોનો પીછો છોડ્યો નથી. ‘રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ મ્યુિનસિપાલિટીનો ફાળો’ ગ્રંથમાં દાદાસાહેબ માવળંકર અને ચંદુલાલ ભગુલાલ દલાલના જણાવ્યા પ્રમાણે, માંડવીની પોળના રહીશોએ મ્યુિનસિપાલિટીને અરજી આપી હતી કે પોળ પાસેની ટાંકીમાંથી પહેલાં શ્રાવકો અને વાણિયા જ પાણી ભરતા હતા. પરંતુ હવે તો બધી જ જ્ઞાતિના પાણી ભરે છે. એટલે પાણી દૂષિત થાય છે. તેથી ઉચ્ચ વર્ણની બે જ કોમો પાણી ભરે તેવો બંદોબસ્ત કરવો.

હા, 1915માં અમદાવાદમાં ગાંધીજીનું આગમન થાય છે. કોચરબમાં તે આશ્રમ સ્થાપે છે. આરંભે જ એક ‘હરિજન’ કુટુંબને ખાસી ઝીંક ઝીલીને વસાવે છે. તે પછી સાબરતટે બીજો આશ્રમ સ્થાપે છે. એ વખતનો આ હરિજન આશ્રમ હવે આજે તો ગાંધીઆશ્રમ કે ગાંધી સ્મૃિત સંગ્રહાલય બની ગયો છે. હવે ‘જાહેર શૌચમુક્ત’ બની રહેલા અમદાવાદમાં એ દિવસોમાં જાહેર જાજરૂનો દલિતો વપરાશ કરી શકતા નહોતા. ન્હાવા માટેના બાથરૂમની સાહ્યબી તેમના નસીબમાં નહોતી. સરદાર પટેલે અમદાવાદ મ્યુિનસિપાલિટીના પ્રમુખ તરીકે કામદાર વિસ્તારોમાં નહાવાની તકલીફો વેઠતી સ્ત્રીઓ માટે 1000 નાવણિયાં બનાવડાવ્યાં હતાં. આ જ અમદાવાદમાં બરાબરીના હક માટે દલિતોના બસપ્રવેશ, હોટલપ્રવેશ અને મંદિરપ્રવેશના સત્યાગ્રહો થયા હતા. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં ને દેશની આઝાદી માટે ત્રણ મહિના મિલો બંધ રાખી ભાગ લેનારા દલિતોને માત્રને માત્ર આભડછેટને લીધે જ મિલોના સાળખાતામાં કદી રાખવામાં આવતા નહોતા.

1934માં વડી ધારાસભાના આભડછેટ નાબૂદીના ઠરાવનું સમર્થન કરવાનું આવ્યું, તો અમદાવાદ મ્યુિનસિપાલિટીના બે હિંદુ સભ્યો તેના વિરોધમાં આવ્યા. એ તો જાણે સમજ્યા. પણ છ મુસલમાન અને બે પારસી સભ્યો તટસ્થ રહ્યા હતા. 1942માં બરતરફ મ્યુિનસિપાલિટીના સ્થાને રચાયેલી મેનેજમેન્ટ કમિટીએ મ્યુિનસિપાલિટીના નોકરવર્ગમાં સહુના પ્રતિનિધિત્વના ખ્યાલે 50% મુસ્લિમ, 25% દલિત અને 25% સામાન્ય અનામતનું ધોરણ ઠરાવેલું. આઝાદી પછીના બીજા જ મહિને, મ્યુિનસિપલ બોર્ડે આ ઠરાવ રદ કરી નાખેલો. એટલે 1981 અને 1985માં, આખા ભારતમાં ક્યાં ય નહીં ને અમદાવાદ અને ગુજરાતમાં જ પહેલવહેલા અનામત વિરોધી રમખાણો થયાની નવાઈ શાની? કોમી એકતા માટે શહાદત વહોરનાર ગાંધીના જન્મ શતાબ્દી વરસે (1969-70માં), સૌથી ભૂંડા કોમી રમખાણોનો બદતર ઇતિહાસ પણ અમદાવાદનો જ વારસો છે.

વિકાસ માટે વિલોપન એ તો જાણે આ નગરના હાંસિયામાં જીવતા લોકોની નિયતિ છે. વૈશ્વિક વારસાને યોગ્ય ઠરવા તો આશાભીલ, કર્ણદેવ અને અહમદશાહના વારસદાર અમદાવાદીઓએ,‘નહીં વરણ નહીં વેશ’ ધરી, મનના મેળાપીપણાથી તન હેળવાય તેમ કશા ભેદભાવ વિના જોડાજોડ રહેવાનો પડકાર ઉઠાવવો પડશે. કર્ણાવતીના વર્તમાન ખેલંદાઓનું એ ગજું નથી એ બરાબર સમજી લેવું પડશે.

સૌજન્ય ‘ફરજ’, “દિવ્ય ભાસ્કર”, 27 જુલાઈ 2017

Loading

આવાસો

અનુવાદક : જયંત મેઘાણી|Poetry|27 July 2017

નગરની અંદર ઘર બનાવો એ પહેલાં વનાંચલમાં 

તમારી કલ્પનાની એક કુંજ જરૂર રચજો. 

કારણ, જેમ સાંજ ઢળ્યે તમારાં પગલાં ઘર ભણી વળે છે,
તેમ સુદૂરે વસતો તમારો એકાકી રઝળુ આતમ પણ એ જ પંથે પળે છે.
તમારું ઘર એ તમારા આત્માનો આવાસ છે.
એ ઘર સૂરજ–મંડપની છાયામાં વિકસે છે,
અને નીરવ રાત્રિખોળે પોઢી જાય છે.
એ નિદ્રા સ્વપ્નવિહોણી નથી હોતી;
તમારું ઘર પણ સ્વપ્નશૂન્ય થોડું હોય છે?
અને સ્વપ્નમાં એ નગર ત્યજીને વનાંચલે વિહરવા નીકળતું નથી?
ગિરિશિખરનાં આરોહણ કરતું નથી?
ઉમ્મીદ તો એવી ઊગે છે કે હું બધાં ઘરને મુઠ્ઠીમાં ભરી લઉં,
વાવનાર વનમાં ને વાડીમાં બીજ વેરતો જતો હોય છે તેમ
ઘરોની પણ, લાવ ને, વાવણી કરું!
અહો! પહાડોની કંદરાઓ તમારા વસવાટના રસ્તા હોત તો!
હરિયાળી પગદંડીઓ નગરની શેરીઓ હોત તો!
સહુ લોક દ્રાક્ષ–મંડપની છાંયમાં એકબીજાને શોધતા હોત તો!
પછી ઘેર પાછાં ફરતાં તમારાં વસ્ત્રોમાંથી
માટીની સુગંધ ફોરતી હોત તો!
પૂર્વજોએ સલામતી ખાતર તમને સહુને ભેગાં વસાવ્યાં.
ભીતિવિવશ એ રસમ હજુ ચાલવાની.
હજુ પણ તમારાં ઘર વસ્તીમોઝાર રહેવાનાં અને
તમારી વાડીઓ ગામસીમાડે રહેવાની.
અને, કહો, તમારાં ઘરોમાં શું ભંડાર્યું છે,
એવી તે કઇ જણસનું જતન કરવાનું છે કે
ઘરનાં બારણાં તમારે ભીડેલાં રાખવાં પડે છે?

તમારે મનડે શાંતિનો આવાસ છે? 

ચિત્તના ઝળહળ શિખરે પહોંચાડે એવી સ્મરણસંપદા છે? 

કેવળ દુન્યવી વસ્તુઓની સૃષ્ટિમાંથી દેવભવન ભણી લઇ જાય 

એવું હૃદયસૌંદર્ય છે ખરું? 

કહો, આવુંઆવું તમારાં ઘરોમાં છે? 

કે પછી નરી સગવડો જ સગવડોથી ઘર ઊભરાય છે? 

જે અતિથિ બનીને ચાતુરીપૂર્વક ઘરમાં પ્રવેશે છે, 

પછી યજમાન બની જાય છે, 

ને છેવટે ઘરની સ્વામિની બની બેસે છે! – એ સુવિધા તે કેવી? 

અરે, એ તો પછી તમને પાળીતાં પશુ બનાવી દે છે, 

તમારી ઇચ્છાઓને કઠપૂતળી બનાવી દે છે! 

એમના હાથ મુલાયમ હોય છે, પણ હૃદયે લોઢું ધરબેલું હોય છે.

તમને નિદ્રાવશ બનાવી મૂકે છે, 

તમારી હસ્તીની અધિપતિ બની જાય છે. 

તમારી સુબુદ્ધિને હાંસી અપાવે છે. 

સાચે જ, સગવડોની તૃષ્ણા આત્માની ભાવનાઓનો ભક્ષ કરી જાય છે.

પણ, હે વિશાળ વસુધાનાં સંતાનો, 

નૌકાને નાંગરવાના લંગરને નહીં, 

પણ નિત્યપ્રયાણના સઢને તમારું ઘર બનાવજો.

જીવિતો માટે સજાવેલી કબર જેવાં ઘરો માંહી તમારો વસવાટ ન હજો. 

અને ભવ્ય અને રમ્ય હોય એ પણ ઘરમાં ગુપ્ત ન હજો.

કારણ, જે આતમરામ તમારા ઘટડામાં વિલસે છે 

તેના વસવાટ તો આકાશના ભુવનમાં છે; 

પ્રભાતી ઝાકળ તેનું દ્વાર છે, 

અને રાત્રિનાં ગાન અને નીરવતા તેની બારીઓ છે.

 

[ખલિલ જિબ્રાનના કાવ્ય ‘ઑન હાઉસીઝ’ પરથી]

Loading

શાસક અને રખેવાળ એક જ વિચારધારાના છે અને એ ભારતીય રાજ્ય માટે નિર્ણાયક ઘડી છે. આઇ ઍમ કીપિંગ માય ફિંગર ક્રૉસ્ડ

રમેશ ઓઝા|Opinion - Opinion|27 July 2017

રામનાથ કોવિંદે પણ નરેન્દ્ર મોદીની માફક ગાંધીજીને અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયને યાદ કર્યા છે, પણ સ્પષ્ટ કાને પડે એ રીતે નેહરુને અને સાવરકરને યાદ નથી કર્યા. તેમણે એક ડગલું આગળ વધીને ગાંધીજીની કલ્પનાના ભારત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની કલ્પનાના ભારત વચ્ચે સમન્વય સાધવાનું સૂચન કર્યું છે

૨૦૧૪ની ૨૬ મેના દિવસે ભારતના ઇતિહાસમાં પહેલી વાર હિન્દુ બહુમતીવાદમાં માનનારા પક્ષની સરકાર સંપૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં આવી હતી. આ પહેલાં આવ્યું બન્યું નહોતું અને એવું બનશે એની કલ્પના BJPને લોકસભામાં બે બેઠકેથી ૧૮૨ બેઠકે પહોંચાડનારા લાલ કૃષ્ણ અડવાણીએ પણ નહોતી કરી. સ્વાભાવિકપણે હિન્દુ બહુમતીવાદમાં માનનારા પક્ષની સરકારના વડા પ્રધાનનું શું વિઝન છે, શું એજન્ડા છે, કેવો અભિગમ હશે એ જાણવામાં માત્ર ભારતની પ્રજાને જ નહીં, જગત આખાને રસ હોય. સોગંદવિધિ પછીનું નરેન્દ્ર મોદીનું વડા પ્રધાન તરીકેનું પહેલું પ્રવચન અને લોકસભામાં તેમણે કરેલું પહેલું પ્રવચન કેટલાક લોકો માટે ઉત્તેજનાના અને બીજા કેટલાક લોકો માટે ઊંડી કાળજીના વિષય હતા.

એ બે પ્રવચનોમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારી સરકાર BJPની સરકાર નથી, ભારતની સરકાર છે અને એ પછી વિરોધ પક્ષો તરફ ફરીને તેમને સંબોધતાં કહ્યું હતું કે આપણા બધાની સરકાર છે. તેમણે દેશના નાગરિકોને ઉદ્દેશીને કહ્યું હતું કે મારી સરકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ વગરની ભારતના પ્રત્યેક નાગરિકની સરકાર હશે. સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર તેમણે દોહરાવ્યું હતું. તેમણે મહાત્મા ગાંધીને, ડૉ. રામ મનોહર લોહિયાને અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયને યાદ કર્યા હતા; પરંતુ ધ્યાન ખેંચે એવી વાત એ હતી કે તેમણે જવાહરલાલ નેહરુને અને વિનાયક દામોદર સાવરકરને યાદ નહોતા કર્યા. એ સ્વાભાવિક હતું. નેહરુને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભસ્માસુર લાગતો હતો અને સાવરકરને સંઘ હોવો જોઈએ એના કરતાં ઘણો ઓછો ભસ્માસુર લાગતો હતો અથવા નિર્બળોની જમાત લાગતી હતી. વાસ્તવમાં ગાંધીજીની આઇડિયા ઑફ ઇન્ડિયાની લેગસીમાં નેહરુ આવી જાય છે એટલે તેમને અલગથી યાદ કરવાની જરૂર નથી, સાવરકરની આઇડિયા ઑફ ઇન્ડિયાની લેગસીમાં સંઘને ક્યાં બેસાડવો એ સંઘના નેતાઓનો પ્રશ્ન છે. સંઘના નેતાઓ આજ સુધી આ વિશે સ્પષ્ટ અભિપ્રાય બનાવી શક્યા નથી અને જો બનાવ્યો હોય તો વ્યક્ત કરતા નથી.

દેશમાં પહેલી વાર હિન્દુ બહુમતીવાદમાં માનનારા લોકોની સરકાર સ્પષ્ટ બહુમતી સાથે આવી ત્યારે સ્વાભાવિકપણે ગાંધીજીના આઇડિયા ઑફ ઇન્ડિયા અને સાવરકરના આઇડિયા ઑફ ઇન્ડિયામાંથી કોનો આઇડિયા સ્વીકારવામાં આવશે અથવા બે આઇડિયા વચ્ચે કેવો સમન્વય કરવામાં આવશે એ જાણવાની મારા જેવા ગાંધીજીની કલ્પનાના ભારતમાં માનનારાઓને ભય સાથે ઇન્તેજારી હતી. નરેન્દ્ર મોદીએ ઉપર કહી એવી વાતો કરીને એ દિવસ તો બચાવી લીધો હતો, પરંતુ એ પછીથી દેશમાં જે બની રહ્યું છે એ ગાંધીજીના આઇડિયા ઑફ ઇન્ડિયાથી વિરુદ્ધ છે. દેશમાં કોમવાદી વિભાજન-રેખાઓ ખેંચવામાં આવી રહી છે અને કોમી ધ્રુવીકરણ થઈ રહ્યું છે.

૨૦૧૭ની ૨૫ જુલાઈના દિવસે ભારતના ઇતિહાસમાં પહેલી વાર એ એવું બન્યું કે હિન્દુ બહુમતીવાદમાં માનનારા પક્ષની વ્યક્તિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રપતિભવનમાં પહોંચી છે. રાષ્ટ્રપતિ શાસકીય અધિકારો નથી ધરાવતા, પરંતુ બે દિવસ પહેલા પ્રણવ મુખરજી વિશે લખતાં મેં કહ્યું હતું એમ રાષ્ટ્રપતિ રખેવાળની ફરજ અને મર્યાદિત અધિકારો ધરાવે છે. રખેવાળી દેશના અંતરાત્માની અને બંધારણનાં મૂલ્યોની કરવાની છે. સ્વાભાવિકપણે આઇડિયા ઑફ ઇન્ડિયા વિશે નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શું કહેવાનું છે એ જાણવામાં આખા દેશને રસ હતો. રામનાથ કોવિંદે પણ નરેન્દ્ર મોદીની માફક ગાંધીજીને અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયને યાદ કર્યા છે, પણ સ્પષ્ટ કાને પડે એ રીતે નેહરુને અને સાવરકરને યાદ નથી કર્યા. તેમણે એક ડગલું આગળ વધીને ગાંધીજીની કલ્પનાના ભારત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની કલ્પનાના ભારત વચ્ચે સમન્વય સાધવાનું સૂચન કર્યું છે. તેમની દૃષ્ટિએ કદાચ સાવરકરની કલ્પનાના ભારતમાં અને દીનદયાળ ઉપાધ્યાયની કલ્પનાના ભારતમાં ફરક હોવો જોઈએ. તેમની દૃષ્ટિએ દીનદયાળ ઉપાધ્યાયની કલ્પનાનું ભારત ગાંધીજીની કલ્પનાના ભારતની નજીક હોવું જોઈએ.

તેમણે આધુનિકતા અને પૌરાણિકતા (મૉડર્ન વૅલ્યુઝ અને ઓરિયેન્ટલ વૅલ્યુઝ અથવા મૉડર્ન અપ્રોચ અને ઓરિયેન્ટલ એપ્રોચ) વચ્ચે સમન્વય સાધવાની હિમાયત કરી છે. જો કે તેમણે ટ્રેડિશન ઍન્ડ ટેક્નૉલૉજી એવો શબ્દપ્રયોગ કર્યો છે અને કહ્યું છે કે આ બે વચ્ચે વિરોધાભાસ ન હોઈ શકે. એમ લાગે છે કે તેમણે ટકારના ધ્વનીરવથી આકર્ષાઈને આવો ખોટો શબ્દપ્રયોગ કર્યો હોવો જોઈએ. તેમણે ભારતની વિવિધતાઓનો કોઈ પણ પ્રકારની પૂર્વશરત વિના સ્વીકાર કર્યો છે એ આનંદની વાત છે, પરંતુ તેમણે (અખબારોમાં છપાયેલું પ્રવચન જોતાં) કોઈ જગ્યાએ બંધારણીય મૂલ્યોનું જતન કરવાની વાત નથી કરી એ ચિંતાનો વિષય છે.

આમ છતાં તેમણે જે બે સમન્વયની વાત કરી છે એ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનવો જોઈએ. આખરે ભારત ત્રણ-સાડાત્રણ હજાર વર્ષ જૂની સંસ્કૃિત ધરાવે છે એટલે કોઈનો ખો કાઢવાનો તો સવાલ જ પેદા નથી થતો. સમન્વય થયો છે કે નહીં, નથી થયો તો ક્યાં નથી થયો, એને માટે શું કરવું જોઈએ, દીનદયાળ ઉપાધ્યાયે શું રસ્તાઓ સૂચવ્યા છે વગેરે વિશે ચર્ચા થવી જોઈએ. સવાલ એ છે કે સામેના પક્ષેથી માંડણી કરશે કોણ? દીનાનાથ બાત્રાઓ? છેલ્લા ત્રણ દાયકાથી હું એવા માણસની શોધ કરી રહ્યો છું જેણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે પ્રકારના સમન્વયની વાત કરે છે એની માંડણી કરી હોય. એક માણસ નથી મળ્યો. દીનાનાથ બાત્રા સાથે ચર્ચા ન થઈ શકે એટલું તો તમે પણ સ્વીકારશો.

ખેર, રાષ્ટ્રપતિભવનમાં પ્રવેશતા નવા રાષ્ટ્રપતિ શું કહે છે એની ખાસ નોંધ લેવામાં આવતી નથી કે એના પર નુક્તેચીની પણ કરવામાં નથી આવતી. આનું કારણ એ છે કે રાષ્ટ્રપતિ પ્રત્યક્ષ શાસક નથી, માત્ર અંતરાત્મા અને બંધારણીય મૂલ્યોના રખેવાળ છે. આ વખતે ખાસ નોંધ લેવાઈ છે, કારણ કે રખેવાળ હિન્દુ બહુમતીવાદમાં માનનારા પક્ષનો છે. શાસક અને રખેવાળ બન્ને એક જ વિચારધારાના છે અને એ ભારતીય રાજ્ય માટે નિર્ણાયક ઘડી છે. આઇ ઍમ કીપિંગ માય ફિંગર ક્રૉસ્ડ.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 27 જુલાઈ 2017

Loading

...102030...3,3243,3253,3263,327...3,3303,3403,350...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved