Opinion Magazine
Number of visits: 9688057
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખરીદેલા અવાજો જ્યારે પ્રતિષ્ઠા ગુમાવી દે છે ત્યારે સમર્થકો શરમાવા લાગે છે અને સત્યનો અવાજ બુલંદ થઈ જાય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|18 September 2017

જે લોકો સરકારનું સમર્થન કરતા હતા એવા પ્રતિષ્ઠિત રાજકીય સમીક્ષકો અને કટારલેખકો બચાવ કરવા હવે આગળ આવતા નથી, કારણ કે તેમને ડર છે કે તેમની ગણના બિકાઉ પત્રકારોમાં કરવામાં આવશે. સોશ્યલ મીડિયા પર સમર્થકો હવે સમર્થન કરવા પહેલાં જેટલા આગળ આવતા નથી, કારણ કે તેમને ડર છે કે તેમની ગણના ઓછી સમજ ધરાવનારા ભોળા ભક્ત તરીકે કરવામાં આવશે એટલે તેઓ શરમાય છે

BJPના અધ્યક્ષ અમિત શાહે દેશના યુવાનોને સલાહ આપી છે કે તેમણે આંખ ખુલ્લી રાખીને અને બુદ્ધિ વાપરીને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. કેટલાક લોકો સોશ્યલ મીડિયા પર સરકારની બદનામી કરી રહ્યા છે અને તેમના કુપ્રચારથી સાવધાન રહેવું જોઈએ. તેમણે વિચારવું જોઈએ કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા એ પહેલાં ગુજરાત કેવું હતું. તેમણે ખાસ્સો સમય કૉન્ગ્રેસ અને રાહુલ ગાંધીને આપ્યો હતો એ આશ્ચર્યજનક ઘટના છે. જેમના અસ્તિત્વને ગણકારવામાં આવતું નહોતું એની નોંધ લઈને તેમનાથી સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું હતું. જેમની (રાહુલ ગાંધીની બૌદ્ધિક ક્ષમતા વિશે) ઠેકડી ઉડાડવામાં આવતી હતી તેમના પર ઠંડે કલેજે BJP વિરુદ્ધ કાવતરાં કરવાનો આરોપ કરવામાં આવ્યો છે. કાવતરાં કરવાં હોય તો ચતુરાઈની જરૂર પડે. રાહુલ ગાંધી કાવતરાં કરવાં જેટલા ચતુર છે એનો હવે અમિત શાહ સ્વીકાર કરવા લાગ્યા છે. આ પહેલાં વડા પ્રધાને યુવાનોને રાજકારણથી દૂર રહેવાની સલાહ આપી હતી.

આ બદલાયેલા સૂર આશ્ચર્યજનક નથી?

શરૂઆત જુલાઈ મહિનામાં થઈ હતી. દેશભરમાં ગૌરક્ષકોના દલિતો અને મુસલમાનો સામે જુલમ વધી રહ્યા હતા અને દેશભક્તિના નામે આતંક ફેલાવવામાં આવતો હતો ત્યારે વૉટ્સઍપ પર મેસેજ વહેતો થયો હતો કે અમે ‘નૉટ ઇન માય નેમ’નાં બૅનરો સાથે શહેરમાં ફલાણી જગ્યાએ દેખાવો કરવાના છીએ, એમાં જો તમે સંમત થતા હો તો જોડાવા વિનંતી. મેસેજ વહેતો થયો અને ભારતનાં અનેક શહેરોમાં પહોંચ્યો. મોદી-શાહના આશ્ચર્ય વચ્ચે ભારતનાં પચાસ કરતાં વધુ શહેરોમાં ‘નૉટ ઇન માય નેમ’નાં પ્લૅકાર્ડ્સ સાથે દેખાવો થયા જેમાં સેંકડોની સંખ્યામાં છોકરા-છોકરીઓએ ભાગ લીધો હતો. મુંબઈમાં તો ત્રણ સ્થળે આવા દેખાવો થયા હતા. એ દેખાવમાં ભાગ લેનારાઓ કોઈ સંસ્થાના સભ્યો નહોતા, કોઈ સંગઠનના કાર્યકરો નહોતા, કોઈ એક જ કૉલેજના વિદ્યાર્થીઓ નહોતા, કોઈ વિદ્યાર્થી સંઘના સભ્યો નહોતા. મોટા ભાગનાં યુવા-યુવતીઓ તો એકબીજાને ઓળખતાં પણ નહોતાં. તેમની સહિયારી નિસબત એટલી જ હતી કે ગાંધીજીની કલ્પનાના દેશ પર ફાસીવાદનું સંકટ ઘેરાઈ રહ્યું છે ત્યારે અવાજ ઉઠાવવો જોઈએ અને દેશ બચાવવો જોઈએ.

અવાજ ઊઠ્યો અને સરકારના બહેરા કાન સુધી પહોંચી ગયો. ૧૫ ઑગસ્ટે વડા પ્રધાને લાલ કિલ્લા પરથી કહેવું પડ્યું હતું કે શ્રદ્ધાના નામે થતી હિંસાને ચલાવી લેવામાં નહીં આવે. આ ઈમાનદારી વિનાની ચેતવણી ‘નૉટ ઇન માય નેમ’ના નામે યુવાનોએ દેશભરમાં કરેલા દેખાવોનું પરિણામ હતું. ઈમાનદારી વિનાની એટલા માટે કે આવી ચેતવણી આપવામાં આવી એના અઠવાડિયા પછી પંચકુલામાં શ્રદ્ધાના નામે હિંસાનું તાંડવ જોવા મળ્યું હતું જેમાં ૩૯ જણે જાન ગુમાવ્યા હતા. આવી હિંસાની શરમજનક ઘટના હરિયાણા સરકારના ગુરમીત સાથેના સોદાનું પરિણામ હતું એ હકીકત પણ સોશ્યલ મીડિયાના કારણે દેશના પ્રત્યેક નાગરિક સુધી પહોંચી ગઈ હતી.

અધૂરામાં પૂરું, યુવાનોના બદલાતા મિજાજને પ્રગટ કરતી બીજી બે ઘટના ગયા અઠવાડિયે બની. દેશની કેટલીક યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી સંઘો વચ્ચે ચૂંટણી યોજાઈ જેમાં દરેક જગ્યાએ BJPની સ્ટુડન્ટ વિંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)નો પરાજય થયો. જ્યાં ગયા અઠવાડિયે ચૂંટણી યોજાઈ અને ABVPનો પરાજય થયો એ યુનિવર્સિટીઓમાં દિલ્હી યુનિવર્સિટી, દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, જયપુરની રાજસ્થાન યુનિવર્સિટી, ચંડીગઢની પંજાબ યુનિવર્સિટી અને ગુવાહાટીની આસામ યુનિવર્સિટીનો સમાવેશ છે. આમાં દિલ્હી યુનિવર્સિટી તો ABVPનો ગઢ ગણાતો હતો અને એમાં ABVPનો થયેલો પરાજય BJPના નેતાઓ માટે ચોંકાવનારો છે. બીજી ઘટના મંગળવારે બૅન્ગલોરમાં બની હતી. ગૌરી લંકેશની હત્યા પછી યોજાયેલા દેખાવોમાં ૪૦,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો જેમાં ૮૦ ટકા વિદ્યાર્થીઓ હતા. એ દેખાવો અનોખા હતા અને એમાં અદ્ભુત શાલીનતા હતી. એ પહેલાં ગૌરી લંકેશની હત્યા પછી બીજા દિવસે દેશભરમાં વિવિધ શહેરોમાં દેખાવો યોજાયા હતા જેમાં સેંકડોની સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.

હવે એમ લાગે છે કે વિરોધનો સૂર સમર્થનના સૂર કરતાં બુલંદ થઈ રહ્યો છે. BJPના સાઇબર સેલમાંથી જનરેટ કરવામાં આવતા મેસેજીઝ જેટલે દૂર પહોંચે છે એના કરતાં શંકા કરનારા લોકોના અને પ્રશ્નો પૂછનારા લોકોના મેસેજીઝ ઘણે દૂર સુધી પહોંચતા થયા હોવા જોઈએ. એમાં ગૌરી લંકેશને કુતિયા કહેનારા નિખિલ દધીચ નામમાં ટ્રોલના ટ્વિટર અકાઉન્ટને વડા પ્રધાન ફૉલો કરે છે એ બહાર આવ્યા પછી નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા વધારે ઝાંખી પડી છે.

આમ તો આ કોઈ નવી વાત નથી. સ્વાતિ ચતુર્વેદીએ લખેલું ‘I Am a Troll : Inside the Secret World of the BJP's Digital Army’ નામનું પુસ્તક ગયા વરસે પ્રકાશિત થયું હતું. બિકાઉ મીડિયાએ અને બિકાઉ રાજકીય સમીક્ષકોએ એ પુસ્તક વિશે વાત ન કરીને સરકારને મદદ કરી હતી. નક્કર પુરાવાઓ સાથેની એ પુસ્તકમાંની વિગતો વાંચશો તો તમારા મનમાં વડા પ્રધાન માટે ધિક્કાર કરતાં દયાની લાગણી પેદા થશે. આપણા વડા પ્રધાન આવા લોકોની કંપની ધરાવે છે અને આવા લોકોની મદદ લે છે! મામલો રેકૉર્ડ પર છે એટલે ઇનકાર પણ થઈ શકે એમ નથી. ડિજિટલ મીડિયાની સમસ્યા એ છે કે એ સગડ છોડી જાય છે અને એને ભૂંસી શકાતા નથી અને સ્માર્ટ લોકો એ સગડ પકડીને ગંગોત્રી સુધી પહોંચી જાય છે.

તો નિખિલ દધીચને સોંપવામાં આવેલા મિશનમાં કારણે જે પુસ્તકની યોજનાબદ્ધ રીતે અવગણના કરવામાં આવી હતી એ લોકો સુધી પહોંચી રહ્યું છે. ત્રીસ-ત્રીસ રૂપિયામાં એ પુસ્તક ચણામમરાની જેમ વેચાઈ રહ્યું છે. એ પુસ્તકની પાછળ-પાછળ રાણા અયુબનું બીજું એક આવું જ પુસ્તક ‘Gujarat Files : Anatomy of a cover up’ પણ ચર્ચામાં આવ્યું છે જેની પણ યોજનાબદ્ધ અવગણના કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયા દ્વારા આ બન્ને પુસ્તકો વંચાય છે અને વેચાય છે. આ બાજુ રવીશ કુમારના પ્રાઇમ ટાઇમના દર્શકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. હવે એવું નજરે પડી રહ્યું છે કે વાહ-વાહ કરનારા લોકો કરતાં પ્રશ્નો કરનારા લોકોની સંખ્યા વધી રહી છે અને એ વાતે વડા પ્રધાન અને BJPના અધ્યક્ષ અમિત શાહ પરેશાન છે.

સ્વાભાવિકપણે વાહ-વાહ કરનારાઓ કરતાં શંકા કરનારા અને પ્રશ્નો કરનારા વધારે બુદ્ધિશાળી અને હિંમતવાન હોવાના. એક સમય હતો જ્યારે તેઓ નરેન્દ્ર મોદીના પ્રભાવમાં હતા. તેમને એમ લાગતું હતું કે ગુજરાતમાં રામરાજ્ય છે અને નરેન્દ્ર મોદી ભારતમાં રામરાજ્ય લઈ આવવાના છે. નરેન્દ્ર મોદીનો એજન્ડા વિકાસ છે અને તેમની પાસે ડેવલપમેન્ટનું એક વિઝન પણ છે. કારણ વિના સેક્યુલરિસ્ટો નરેન્દ્ર મોદીને ગુજરાતનાં કોમી તોફાનોને કારણે બદનામ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી ૨૦૦૨ની સાલ કરતાં ક્યાં ય આગળ નીકળી ગયા છે, પરંતુ સેક્યુલરિસ્ટો ૨૦૦૨ ભૂલી શકતા નથી અને આગળ જોતા નથી. તેમણે વિકાસલક્ષી નરેન્દ્ર મોદીને એક ચાન્સ આપ્યો હતો.

યાદ રહે કે એ લોકોએ ચાન્સ આપ્યો હતો, બુદ્ધિ ગિરવી નહોતી મૂકી. ઝીણી આંખે દેશમાં શું બની રહ્યું છે અને વડા પ્રધાન ક્યાં કઈ રીતે વર્તે છે અને બોલે છે એના પર નજર રાખી રહ્યા છે. હવે તેમને સમજાઈ ગયું છે કે વડા પ્રધાન પાસે વિકાસનો કોઈ નક્કર એજન્ડા નથી. જો વિકાસની કોઈ દૃષ્ટિ અને સ્પષ્ટ રૂપરેખા હોત તો તેમણે નોટબંધી કરીને આ બૈલ મુઝે માર જેવું ન કર્યું હોત. તેમને એ પણ સમજાવા લાગ્યું છે કે દેશની સુરક્ષાની બાબતે પણ વડા પ્રધાન પાસે આગલી સરકારો કરતાં કોઈ અનોખી યોજના નથી. પાકિસ્તાન સરહદે અને ચીન સરહદે આ વારંવાર સાબિત થઈ રહ્યું છે. આમ ધીરે-ધીરે પ્રજાનો, ખાસ કરીને યુવાનોનો ભ્રમ ભાંગી રહ્યો છે અને આજે નરેન્દ્ર મોદીનો બચાવ કરનારા ઝાંખા પડી રહ્યા છે. એ લોકો ભોળા ભક્ત નહોતા, પણ નરેન્દ્ર મોદીના વિકાસના અને પરિવર્તનના એજન્ડાના સમર્થકો હતા. ભક્ત બુદ્ધિ ગિરવી મૂકી દેતો હોય છે, સમર્થક નહીં.

જે લોકો સમર્થન કરતા હતા એવા રાજકીય સમીક્ષકો અને કટારલેખકો બચાવ કરવા હવે આગળ આવતા નથી, કારણ કે તેમને ડર છે કે તેમની ગણના બિકાઉ પત્રકારોમાં કરવામાં આવશે. સોશ્યલ મીડિયા પર સમર્થકો હવે સમર્થન કરવા પહેલાં જેટલા આગળ આવતા નથી. તેમને ડર છે કે તેમની ગણના ઓછી સમજ ધરાવનારા ભોળા ભક્ત તરીકે કરવામાં આવશે અને એટલે તેઓ શરમાય છે. મારો પોતાનો અનુભવ એવો છે કે પહેલાં આઠ-દસ જણ મારા વિચારોની ટીકા કરતા હતા જે સંખ્યા ઘટીને હવે બે પર આવી ગઈ છે. એવું પણ હોય કે ભલે મોડે મોડે પણ તેમને સત્ય સમજાયું હોય. આમ સમર્થકો નિષ્ક્રિય થઈ રહ્યા છે અને બિકાઉ પત્રકારો અને આર્મી ઑફ ટ્રોલે પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે. આવી કફોડી સ્થિતિ સરકારે, ખાસ કરીને નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે પોતે પેદા કરી છે. ખરીદેલા અવાજો જ્યારે પ્રતિષ્ઠા ગુમાવી દે છે ત્યારે સમર્થકો શરમાવા લાગે છે અને સત્યનો અવાજ બુલંદ થઈ જાય છે. એટલે તો અમિત શાહે યુવાનોએ સલાહ આપવી પડી છે કે તેમણે નીરક્ષીર વિવેક કરવો જોઈએ.

સૌજન્ય : ‘નો નૉન્સેન’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 17 સપ્ટેમ્બર 2017

Loading

નિવેદન :

સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા|Opinion - Literature|18 September 2017

[ગુજરાતી સાહિત્ય પરિષદના વર્ષ ૨૦૧૮-૨૦ના સમયગાળા માટેના પ્રમુખપદ માટેની તેમ જ મધ્યસ્થ સમિતિ અંગેની ચૂંટણી યોજાઈ રહી છે. પ્રમુખપદ માટે મારું નામ પરિષદના આજીવન સભ્યો દ્વારા સૂચવાયું હતું અને એ અંગેની મારી અનુમતિ મેં ચૂંટણી અધિકારીને પહોંચાડી છે. આ બન્ને ચૂંટણીઓના સંદર્ભે કરેલું મારું આ નિવેદન વાંચવા આપને વિનંતી.]

***

— એક —

ગોવર્ધનરામ ત્રિપાઠી, મહાત્મા ગાંધી અને ઉમાશંકર જોશી જેવા પ્રમુખોએ જેનું જતન કર્યું છે, એ આપણી ગુજરાતી સહિત્ય પરિષદ માટે આજે મુખ્ય બે ધ્યેય, અપેક્ષા, શુભેચ્છા (અંદેશો પણ) મનમાં રહે છે. અપેક્ષા એ છે કે —

(૧) પરિષદ પૂરેપૂરી પરિષદની જ બની રહે.

(૨) પરિષદ સહુની (‘વિવિધ પ્રકારના સહુ’ની) બનતી આવે,

અરસપરસ જોડાયેલાં એ બે ધ્યેયો, આજે આપણી આગળ છે. એ બન્ને સામેનાં ભારે ભયસ્થાનો પણ સામે છે. તે છતાં આપણાં એ બે કામ પાર પાડવામાં સહુ સાથે જોડાવાની લગની છે, એટલે આ ચૂંટણીમાં આપ સહુ, પરિષદના સભ્યો પાસે તમારો સહકાર માગવા આવ્યો છું.

***

(૧) પરિષદ પૂરેપૂરી પરિષદની જ બની રહે, એટલે મારે મન શું છે, એ તમારી સામે મૂકુંઃ

પરિષદનું સંચાલન મુક્ત-નિસ્વાર્થ ચર્ચાઓ વડે, પરિષદના સભ્યો અને એમણે ચૂંટેલાં મધ્યસ્થ અને કાર્યવાહક મંડળોમાં લેવાયેલા નિર્ણયો મુજબ થાય; ન કે આંતર્બાહ્ય કોઈના યે ઇશારે કે દોરીસંચારે, એ મુખ્ય વાત છે. એમાં જ પરિષદનું અને આપણા સહુનું ગૌરવ રહ્યું છે.

કોઈ એક વ્યક્તિ કે જૂથ કે સત્તાની સાગમટે વિરુદ્ધમાં રહી (આની કે તેની) સામે ઊભા રહેવાની કે કામ કરતા રહેવાને મારી નેમ નથી. તેમ કોઈ અન્ય વ્યક્તિ, જૂથ કે અન્ય સત્તાની સાગમટે તરફેણમાં રહી, એના વતી કામ કરવાની યે નેમ નથી. મારી લગની પૂરી પરિષદ તરફી છે, એટલે કે નિરીક્ષાશીલ અને અનન્યપરતંત્ર એવી સર્જકતા-ભાવકતાનું જતન કરતી, ઉપર (૧) અને (૨) મુદ્દે નોંધેલાં ધ્યેય મુજબ કામ કરતી સંસ્થા તરફી છે.

એવી સંસ્થા કઈ રીતે મજબૂત બને? એ તરુવરનાં મૂળિયાંને સામાજની અને વ્યક્તિની ચેતનાની માટી પોષણ આપે છે. એવી ચેતના જે ન તો જોહુકમી કરનારી હોય અને ન કોઈથી દબાયેલી રહે. એવી વ્યક્તિગત અને સામાજિક ચેતના કેળવાતી-ટકતી-વધતી રહે, એ માટે મથવું, એમાં આપણું કામ છે. એવી સાહિત્યિક સાંસ્કૃિતક આબોહવાનું, ‘માનવોની’ એવી ‘મનોમ્રુત્તિકા’નું, જતન જે લેખક-વાચક-વિવેચક-અધ્યાપકો કરવા હંમેશ ચાહે છે, એવા અનેક ગુજરાતીઓમાંનો હું એક છું.

ગુજરાતી સહિત્યની એવી ગરિમા માટે ગમે તે કરી છૂટવાના નિશ્ચયને કારણે આ ચૂંટણીમાં મેં ભાગ લીધો છે. પ્રમુખપદની ચૂંટણીમાં આપનો મત મને મળે, એ વિનન્તી સાથે મધ્યસ્થ સમિતિમાં સાહિત્ય અને સંસ્કૃિત અંગે વિવિધ અભિગમો અને સમજણો ધરાવતા, પણ પોતાના વ્યક્તિગત સ્વાર્થ અને કોઈ પણ જૂથના હિતની ગણતરીઓમાં ન સપડાયેલા, વિવિધ સાહિત્યકારોને આપનો મત મળે, એ પણ વિનન્તી.

(૨) પરિષદ સહુની (‘વિવિધ પ્રકારના સહુ’ની) બનતી આવે, એટલે શું?

સાહિત્ય અને સંસ્કૃિત અંગે જુદા જુદા અભિગમો, સમજણો ધરાવતા અને વિવિધ લોકેશનોથી આવતા અનેક સર્જકો, સહૃદયો, સામાજિકો સહુ સાથે પરિષદ વધારે ને વઘારે જોડાતી, અનુબંધો બાંધતી આવે.

અનેક કાર્યકરોની મહેનતથી પરિષદ સંસ્થા લેખે પ્રજા સાથેના સંબંધને વિકસાવતી રહી છે. પણ એ અનુબંધો સતત, નવા નવા, અંદરથી બંધાતા આવે, એ પરિષદની ગતિશીલતા માટે જરૂરી છે.

નિસ્વાર્થ-કર્મઠ સાથીઓ માટે પરિષદમાં કરવાનાં કામનો પાર નથીઃ આજની યુવાન પેઢીના સર્જકોને એમની સર્જકતા માટે પુરસ્કાર જ નહીં, એમની કૃતિઓનું ઉત્તેજક અને બિનંગત પરીક્ષણ પણ જ્યાં મળે એવી જગ્યા પરિષદ કઈ રીતે બને? ગામેગામ વસતા સામાન્ય વાચકોને નવા નવા ઉત્તમ સાહિત્ય (અને બીજી કલાઓ) તરફ અભિમુખ કરી, એ માટેનો રસ પરિષદે કઈ રીતે જગાડતા જવો? ગુજરાતના શક્તિભર્યા દલિત સાહિત્યકારોને પરિષદ પોતીકી કઈ રીતે લાગે? જ્યાં નારીચેતનાનાં નવા નવા આયામો પ્રગટે, એવી જગ્યા પરિષદ કઈ રીતે રચી શકે? ફીઝીકલી ચેલેન્જ્ડ સર્જકો-ભાવકો, ‘દિવ્યાંગ’ બલકે ‘અન્યથા સમર્થ’ સર્જકો-ભાવકોનું ઘર બહારનું ઘર પરિષદ કઈ રીતે બની શકે? ગ્લોબલ ગુજરાતીને પરિષદ માટે આત્મીયતા (ન કે ઉપયોગીતા)-નો ભાવ કઈ રીતે જાગે? ગુજરાતમાં અને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં ગુજરાતી ભાષા માધ્યમ તરીકે અથવા મુખ્ય ભાષા તરીકે અથવા, ગુજરાત બહાર એક વિકલ્પ રૂપે શાળા-કોલેજોમાં ગુજરાતી ભાષા સામેલ હોય, એ માટેના પરિષદના પ્રયત્નોને કઈ રીતે વેગ આપવો? ગુજરાતી ભાષાન પ્રાદેશિક વિવર્તો, બોલીઓનું, તેમ જ સંસકૃત-પ્રાકૃત-અપભ્રંશના અભ્યાસનું, જતન કરતાં આયોજનોમાં કોના કોના સાથ મેળવવા? અનુવાદો, પ્રકાશનો, સંભાષાઓ, ઈ-માધ્યમનો સર્જનાત્મક ઉપયોગ, શાળા-કોલેજમાં થતા કામમાં સહાય — આ બધું કોઈ એક સી.ઈ.ઓ.-નું, સુપર મેનેજરનું પ્રોજેક્ટ વર્ક નથી. સહુનું સહિયારું, દિલ દઈને કરવાનું કામ છે.

— બે —

આમ, પરિષદના પ્રમુખ કોણ હોવા જોઈએ, એ મુદ્દો એના એનાથી વધારે મહત્ત્વના એક મુદ્દાનો ભાગ છેઃ ગુજરાતી સાહિત્ય પરિષદની ગરિમા, ગતિશીલતા અને અનુબંધરચનાશક્તિની જાળવણી કઈ રીતે કરી શકાય અને એમાં આજે જરૂરી વધારો કઈ કઈ રીતે થઈ શકે? એમાં સહુની સાથે રહી, સહુને સાથે રાખી નિસ્વાર્થ લગનીથી મથવું, એ પ્રમુખનું કામ. એ કામ મને સમજાય છે, ગમે છે, મારી લગનીનું છે.

***

ગરિમા, ગતિશીલતા અને અનુબંધો કઈ રીતે સચવાય અને વધે?

એ માટે પરિષદમાં ખુલ્લાપણું જરૂરી છે. જે નિસ્વાર્થ હોય તે સહુને માટે આવકારનો ભાવ, એ જ ખુલ્લાપણું. એ ખુલ્લાપણામાં, જે ડાયનામિઝમ સંસ્થાની અંદરથી, જુદા જુદા મંતવ્યો અને અભિગમો ધરાવતા એના સભ્યોની મુક્ત, પુખ્ત, નિર્ભય અને નિસ્વાર્થ ચર્ચાઓના પરિણામે પેદા થતું હોય, તે જ પરિષદનું સાચું અને ટકાઉ ડાયનામિઝમ. વિવેકાનંદ કહેતા કે ‘ડેવલપમેન્ટ’ (બહારથી આયાત કરેલો બઢાવો) નહીં પણ ‘ગ્રોથ’ (અંદરથી, પોતાની ગરજે, શરતે, રીતે અને તાકાતે થતો વિકાસ),એ ભારતની સંસ્કૃિતની રીત છે. પરિષદની આવી ગતિશીલતા આવી ચર્ચાઓ, આવા નિર્ણયો અને એમાંથી નીપજતા અનેકાનેક કાર્યક્રમો, કાર્યશાળાઓ, પ્રકલ્પો, પ્રકાશનોમાં પેદા થાય અને વ્યક્ત થાય.

ગરિમા, ગતિશીલતા અને ‘ગ્રોથ’ કહેતાં જાતે વિચારીને, આપમહેનતે કરેલો વિકાસ, એ ત્રણનું જતન કરવાનું કામ પરિષદનાં ચૂંટાયેલાં સત્તામંડળો, બલકે વ્યવસ્થામંડળો કરે. પરિષદના પ્રમુખ એ સર્વમાં સક્રિય રહે, પરિષદના બંધારણ પ્રમાણે ગુજરાતી સાહિત્ય-સંસ્કૃિતની ગરિમા, ગતિશીલતા અને આવી કાર્યશીલતાની જાળવણી કરતા રહે — સક્રિય, સચેત, દ્રઢ-કોમળ રીતે, એવી મારી પરિષદ-પ્રમુખ અંગેની સમજણ છે.

***

વ્યાપક ભારતીય સાહિત્ય સાથેનો ગુજરાતી સાહિત્યનો અનુબંધ આગળ વધારવાનું કામ પરિષદ સામે છે. ગુજરાતી સાહિત્યની સીમાચિહ્ન રૂપ કૃતિઓ અને આજે રચાતા ગુજરાતી સહિત્યમાંથી બિનંગત રીતે ચયન કરેલી કૃતિઓના સંચયો-સંપાદનોના હિંદી અને અંગ્રેજી કરાવવા-પ્રકાશિત કરવા-કરાવવાનું કામ આપણી સામે છે.

એ જ રીતે, વિશ્વસાહિત્ય અને ભારતીય સાહિત્યની ઉત્તમ કૃતિઓના અને એનાં નવ-પ્રસ્થાનોના ગુજરાતી અનુવાદો કરાવવાનું કામ પણ સામે છે.

બીજી કલાઓ, ચિત્ર, સંગીત, શિલ્પ, સ્થાપત્ય, ન્રુત્ય, સિનેમા અંગેનાં વ્યાખ્યાનો, સ્લાઇડ-શો વગેરે આપણી સાહિત્યિક ક્ષિતિજોનો વિસ્તાર કરવામાં ઉત્તેજક બને. મોટાં શહેરોમાં જ નહીં, મધ્ય ગુજરાતમાં જ નહીં, અનેક કેન્દ્રોમાં આ કામ ઉપાડી લે એવા સહૃદયો ઉપલબ્ધ છે.

વીજાણુ માધ્યમોનો ઉપયોગ આ કામો માટે ગુજરાતમાં સચેત સાહસિકોએ કરવા માંડ્યો છે. પરિષદનો એ સહુ પ્રયોગશીલો સાથેનો અનુબંધ બાંધવાનો સમય આવી ગયો છે.

લોકવિદ્યા સાથેનો સંબંધ જે શક્તિ આપે, એ મેળવવાનાં આયોજન અનેક-કેન્દ્રી રીતે, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને બીજે કરવાં રહ્યાં. આદિવાસી સમાજો સાથેની આપલે એ અનેક-કેન્દ્રી રીતે કરવાથી ‘મ્યુિઝયમ મેન્ટાલિટી’ અને ‘મૉલ-મેન્ટાલિટી’-થી અલગ એવું સર્જનાત્મક કામ થાય.

— ત્રણ —

પરિષદનાં આવતા ગાળાનાં આ અને આવાં કે અલગ બીજાં કામ પાર પાડવાનાં છે. એ માટે એ જરૂરી છે કે એની પરિકલ્પના, આયોજન અને કાર્યાન્વય, પરિષદના પોતાનાં મંડળોમાં થતી ચર્ચાઓ વડે નક્કી થાય, ન કે એક વ્યક્તિ કે વૃંદ દ્વારા. જુદી જુદી દ્રષ્ટિ, અલગ અલગ અભિગમો ધરાવતા સભ્યો વચ્ચે વિચારપૂર્વકના (સ્વાર્થજન્ય વિતંડા વગરના) સંવાદો, ચર્ચાઓ થાય, બીજાના કે પોતાના મંતવ્યમાં બદલાવ લાવવાની ક્ષમતા અને ઉદારદિલી હોય, અને દરેક મુદ્દે એ મુદ્દાસર થતી સ્વ-શિસ્ત-ભરી ચર્ચા પછી સંમતિથી નિર્ણય લેવાય, આયોજન થાય, દિલ દઈને કામ કરાય, તો જ ખરી ગતિશીલતા આવે.

પ્રમુખ એટલે આ સર્વ જેમાં વિકસે એવું વાતાવરણ.

*********

આ પ્રકારે કામ કરવાનો અવસર તમારો મત મને આપશે, એ વિશ્વાસ.

Loading

અંગત એજન્ડા માટે વિદેશી મહેમાનોનો રાજકીય ઉપયોગ કરવામાં જોખમ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|17 September 2017

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉથ ચાઈના સીના કિનારે આવેલા લગભગ બધા જ દેશોની મુલાકાત લીધી છે અને જે દેશોની મુલાકાત નથી લીધી ત્યાં હવે પછી જવાના છે. આવતા નવેમ્બર મહિનામાં તેઓ ફિલિપીન્સ જવાના છે. ચીનને ભારત સાઉથ ચાઇના સીમાં રસ લઈ રહ્યું છે એ પસંદ નથી અને એટલે કદાચ ચીને ૧૧૦ દિવસ માટે ડોકલામ પર કબજો જમાવ્યો હતો અને અત્યારે પણ ચીન ત્યાંથી સાવ હટી ગયું છે એવું નથી. આ બાજુ ઈશાન ભારતમાંની વિકાસ યોજનાઓમાં જપાન મદદ કરવાનું છે એની ચીને ટીકા કરી છે

જપાનનો બે રીતનો ખપ છે. ભારત સરકારને જપાનનો ખપ છે ચીન સામે દીવાલ રચવા અને નરેન્દ્ર મોદીને જપાનનો વધારાનો ખપ છે જંગી ખર્ચવાળી મહત્ત્વાકાંક્ષી યોજનાઓ દ્વારા પ્રજાને આંજીને ચૂંટણી જીતવા. જપાનના વડા પ્રધાન શિન્ઝો આબેની ભારત મુલાકાત દરમ્યાન ભારતની અને વડા પ્રધાનની મહેચ્છાઓ કંઈક અંશે પૂરી થઈ છે. પહેલા ભારતની વાત.

ભારત અને જપાન બન્ને ચીનના વિસ્તારવાદથી પરેશાન છે અને બન્ને વિકલ્પની શોધમાં છે. આ ઉપરાંત ઉત્તર કોરિયા પણ છે જે જપાનને વધારે પરેશાન કરી રહ્યું છે. ભારતની સમસ્યા એ છે કે ભુતાન સહિતના દક્ષિણ એશિયાના દેશો કેટલો સમય ચીનનું દબાણ ખાળી શકશે એ કહેવું મુશ્કેલ છે. આવતા વર્ષે ભુતાનમાં સામાન્ય ચૂંટણી છે (ભુતાનમાં રાજાશાહી હોવા છતાં મર્યાદિત પણ નક્કર લોકતંત્ર પણ છે) અને અત્યારથી જ કહેવાનું શરૂ થઈ ગયું છે કે શા માટે ડોકલામમાંના ભારતના હિત માટે ચીન સાથે સંબંધ બગાડવા? ડોકલામનો લશ્કરી ખપ ભુતાન કરતાં ભારતને વધારે છે, કારણ કે એ તળ ભારત સાથે ઈશાન ભારતને જોડનારા બગલાની ડોક જેવા કૉરિડોરની નજીક છે. ટૂંકમાં ડોકલામનો ખપ જેટલો ભારતને છે એટલો ભુતાનને નથી અને ભારત આ જાણે છે. ભારત ખાતર ચીન સાથે સંબંધો નહીં બગાડવા માટે ભુતાનની સરકાર પર દબાણ આવી રહ્યું છે એ પણ ભારત જાણે છે.

જપાનની ચિંતા સાઉથ ચાઇના સીમાં ચીનના વિસ્તારની અને કબજો કરવાની યોજનાની છે. અહીં પણ ચીન સમુદ્રને કિનારે આવેલા નાના દેશોને આર્થિક સહાય અને વિકાસની લાલચ આપીને પટાવે છે અને જે દેશો ચીનની છત્રીમાં નથી આવતા એની સાથે ચીન દાદાગીરી કરે છે. આ સમુદ્રના પેટમાં ૧૧ અબજ બૅરલ ક્રૂડ ઑઇલ અને એક લાખ ૯૦ હજાર અબજ ઘનફૂટ જેટલો ગૅસ છે. ફિલિપીન્સ, બ્રુનેઈ, સિંગાપોર, મલેશિયા, વિયેટનામ, ઇન્ડોનેશિયા, તાઇવાન વગેરે દેશો આ સમુદ્રના કાંઠે આવેલા છે. વાસ્તવમાં ભૌગોલિક રીતે જોઈએ તો સાઉથ ચાઇના સી પર આ બધા નાના દેશોનો હક વધારે છે, પરંતુ ચીન એના વિરોધને ગણકારતું નથી. ગયા વરસના જુલાઈ મહિનામાં હેગની વિશ્વ અદાલતે સાઉથ ચાઇના સીમાં થાણા સ્થાપવાની બાબતે ફિલિપીન્સની તરફેણમાં અને ચીનની વિરુદ્ધ ચુકાદો આપ્યો હોવા છતાં ચીન એને ગણકાર્યા વિના આગળ વધી રહ્યું છે. આમ જેવી સ્થિતિ ભારતની ડોકલામમાં છે એવી સ્થિતિ જપાનની સાઉથ ચાઇના સીમાં છે. જેમ ભારત અને ચીન વચ્ચે ડોકલામના પ્રશ્ને સીધો ઝઘડો નથી એમ સાઉથ ચાઇના સીમાં ચીનનો સીધો ઝઘડો જપાન સાથે નથી. આમ છતાં ભારતની જેમ જ સાઉથ ચાઇના સીમાં નિશાન જપાન છે. એટલે તો જપાનને ચીનનો વિસ્તાર નડે છે.

ભારત સાઉથ ચાઇના સીના પ્રશ્નમાં રસ લઈ રહ્યું છે એની સામે ચીનને વાંધો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉથ ચાઇના સીના કિનારે આવેલા લગભગ બધા જ દેશોની મુલાકાત લીધી છે અને જે દેશોની મુલાકાત નથી લીધી ત્યાં હવે પછી જવાના છે.

આવતા નવેમ્બર મહિનામાં તેઓ ફિલિપીન્સ જવાના છે. ચીનને ભારત સાઉથ ચાઇના સીમાં રસ લઈ રહ્યું છે એ પસંદ નથી અને એટલે કદાચ ચીને ૧૧૦ દિવસ માટે ડોકલામ પર કબજો જમાવ્યો હતો અને અત્યારે પણ ચીન ત્યાંથી સાવ હટી ગયું છે એવું નથી. આ બાજુ ઈશાન ભારતમાંની વિકાસ યોજનાઓમાં જપાન મદદ કરવાનું છે એની ચીને ટીકા કરી છે.

જપાન અને ભારતને અકળાવનારી હજી એક બાબત અમેરિકાની ઉદાસીનતા છે. ડોનલ્ડ ટ્રમ્પને સાઉથ ચાઇના સીમાં કે ભુતાનમાં ચીન શું કરે છે એની સાથે નિસબત નથી. બન્ને દિશાના ચીનના વિસ્તારવાદ સામે અમેરિકાએ સરખું નિવેદન સુધ્ધાં બહાર પાડ્યું નથી. ડોનલ્ડ ટ્રમ્પ કોઈ ધોરણસરના પ્રમુખ નથી એટલે અમેરિકા પાસેથી ચોક્કસ ધોરણની અપેક્ષા રાખી શકાય એમ નથી. તમને જાણ હશે કે સાઉથ ચાઇના સીના લગભગ બધા જ દેશો અમેરિકાની પાંખમાં છે અને છતાં અમેરિકા એની મદદે નથી આવતું. દક્ષિણ એશિયામાં અને દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકા મોટી વગ ધરાવે છે, પરંતુ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાને મળેલા બિનભરોસાપાત્ર કહો કે મૂરખ પ્રમુખ છે એટલે ભારત અને જપાન માટે અત્યારે તો અમેરિકાનો કોઈ ખાસ ખપ નથી.

આમ ભારત અને જપાનની હાલત આવ ભાઈ હરખા આપણે બે સરખા જેવી છે એટલે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ભારત અને જપાનના વડા પ્રધાનો વચ્ચે ત્રણ વરસમાં ત્રણ દ્વિપક્ષી બેઠકો યોજાઈ છે. પહેલી વાર નરેન્દ્ર મોદી જપાન ગયા હતા જ્યાં તેમણે કારણ વિના ચીનને અસભ્ય દેશ હોવાનો વાગે એવો ટોણો માર્યો હતો. બે વખત જપાનના વડા પ્રધાન ભારત આવ્યા છે જેમાં આ વખતની મુલાકાત વધારે મહત્ત્વની છે. એક કારણ હેગની અદાલતના ચુકાદાની ચીને કરેલી અવગણના છે અને બીજું કારણ ડોકલામ છે. બન્ને દેશોના વડા પ્રધાને સંયુક્ત નિવેદનમાં સાફ શબ્દોમાં ત્રાસવાદી સંગઠનોના નામ લઈને ત્રાસવાદની નિંદા કરી છે. એ પછી સવાલ આવે છે ચીનના વિસ્તારવાદનો તો એ વિશે ચીનનું નામ આપ્યા વિના ચીનની સાઉથ ચાઇના સીમાંની અને વન બેલ્ટ વન રોડની નીતિની ટીકા કરી છે. નામ લેવામાં નથી આવ્યું, કારણ કે ચીનના વિસ્તારવાદને ખાળવા ભારત અને જપાનને અમેરિકાની જરૂર છે અને અમેરિકન પ્રમુખ ગાંડી માથે બેડું લઈને ફરે છે.

આ થઈ ભારતની જરૂરિયાતની વાત. જપાનની એક જરૂરિયાત નરેન્દ્ર મોદીને પણ છે. એ જરૂરિયાત છે દેશને આંજી દેનારી મોટા કદની યોજનાઓ લઈ આવવાની. એટલે તો લોકો મજાકમાં કહે છે કે જપાનના વડા પ્રધાનને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. ઍરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીનો રોડ-શો કરવામાં આવ્યો હતો. એ પછી ૧.૦૮ લાખ કરોડ રૂપિયાના ખર્ચે બંધાનારી બુલેટ ટ્રેનની સમજૂતી થઈ હતી. નોટબંધી દ્વારા કુલ મળીને જેટલું કાળું નાણું હાથ લાગ્યું એનો સાત ગણો ખર્ચ બુલેટ ટ્રેન પાછળ થવાનો છે. જે દેશમાં સરેરાશ અઠવાડિયામાં બે રેલવે-અકસ્માત થતા હોય, જે દેશમાં લોકોને પીવાનું પાણી ન મળતું હોય, જે દેશમાં કુપોષણને કારણે બાળમરણ થતાં હોય એ દેશના વડા પ્રધાનને બુલેટ ટ્રેનનાં સપનાં જોવામાં શરમ નથી આવતી. જપાનના વડા પ્રધાન પણ મનોમન હસતા હશે આ પણ દેશની એક કમનસીબી છે.

દરમ્યાન બનારસને ક્યોટો બનાવવાની યોજના હવે ભૂલી જવામાં આવી હોય એમ લાગે છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક હતી ત્યારે ગયા વરસે જપાનના વડા પ્રધાનને બનારસ બોલાવવામાં આવ્યા હતા અને ગંગાઆરતી બતાવ્યા પછી બનારસને ક્યોટો જેવું પ્રાચીન પણ અત્યાધુનિક શહેર બનાવવાની સમજૂતી થઈ હતી. એ યોજનાનું શું થયું યાદ છે?

અંગત એજન્ડા માટે વિદેશી મહેમાનોના રાજકીય ઉપયોગ કરવામાં જોખમ છે એ સાહેબને કોણ સમજાવે?

સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 16 સપ્ટેમ્બર 2017

Loading

...102030...3,3233,3243,3253,326...3,3303,3403,350...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved