Opinion Magazine
Number of visits: 9664534
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંગાથનું સુખ !

રમજાન હસણિયા|Opinion - Opinion|3 April 2025

કુદરતને આપણી ઉપર વ્હાલ વરસાવવાનું મન થાય તો શું કરે ? એ સ્વજનોનું રૂપ લઈને ઘરે આવી જાય ! હેત વરસાવે, સાથે જમે, ઊઠે , બેસે ને વાતાવરણ ભર્યું ભર્યું કરી દે ! 

મારા પ્રિય કવિ વંચિત કુકમાવાલાની મારી અત્યંત પ્રિય કવિતા આ વાતની હામી ભરે છે. ‘મારી હરિ ખોલશે ડેલી’ કવિતામાં તેઓ લખે છે કે : 

હરિ હાથ પકડીને અમને ઘર વચ્ચે લઈ જાશે,

રાંધણિયામાં મારી સાથે મારા જેવું ખાશે,

આડા પડશે ખેંચી લેશે મારી ચાદર મેલી …

મારી હરિ ખોલશે ડેલી ..

સમી સાંજના આંગણ વચ્ચે આટા પાટા રમશે,

મને જીતાડી દેશે પોતે હાર બધીયે ખમશે,

સ્હેજ મલકશે ને ઘર થાશે આપોઆપ હવેલી …

મારી હરિ ખોલશે ડેલી ..

આપણા ઘરે પણ હરિ આવું જ કંઈક કરવા થોડા સ્વજનોનું રૂપ લઈને આવી ગયા ! ૨૩મી તારીખની સવારે સૂર્ય મહારાજના સોનેરી કિરણો સાથે ધીમે ધીમે આવતી એક ટ્રેન આ દેવદૂતોને મુંબઈથી સામખિયારી લઈ આવી. સ્ટેશન પર જ મિલનનાં દૃશ્યો આસપાસના લોકો માટે કૌતુકનું કારણ બની રહ્યાં. એક એક જણ પ્રેમના છલકાતાં સાગર લઈને ઊમટી પડ્યા હતા. પ્રથમ સ્પર્શે જ એમની ભીતરની ભીનાશ મને ભીંજવી ગઈ. નિયામત અઠવાડિયા અગાઉથી તૈયારીમાં ઘર સરખું કરી રહી હતી. આગલી સાંજે એણે આખ્ખું આંગણું વાળીને સજ્જ કરી દીધેલું. ઘરમાં હાજર હોય એવાં ધૂળેટીનાં વધેલાં રંગોથી બાળકોએ મનમાં આવી એવી નાની નાની રંગોળીઓ કરી દીધેલી. સવારના પહોરની ઠંડકમાં સ્વજનોના પ્રેમની ભીનાશ અનુભવતાં અનુભવતાં વાતોના વડા ઉતારતા ઉતારતા ક્યારે નીલપરનું આંગણું આવી ગયું એની ખબર જ ન રહી.

બધા આવીને ઘરની નાનકડી વ્યવસ્થાઓમાં ગોઠવાયા. મુકતાબહેન અને નકુલભાઈએ  બીજા પણ બે ઘરની વ્યવસ્થા કરી આપેલી, એટલે કેટલાંક સ્વજનોની અનુકૂળતા ત્યાં સરસ સચવાઈ. પણ એ ઓરડા તો ન્હાવા ધોવા કે સૂવા પૂરતા જ. બાકી તો આપણું ઘર જ મુખ્ય થાણું બની રહ્યું. 

સંગાથનું સુખ બહુ મોટું સુખ છે. ગત નવ દિવસ આ સુખ પેટ ભરીને મેળવ્યું. બે સાંજ થોડું આસપાસની જગ્યાઓએ ભ્રમણ કર્યું. એક દિવસ બાદરગઢના મીની ગિરનારની પરકમ્મા કરી તો બીજા દિવસે દેવલમાની નિશ્રામાં અલખ ઘણી આશ્રમે ટીન્ડલવા જઈ આવ્યાં. બંને દિવસે સંધ્યાના રંગો ને અસ્ત થતાં સૂરજનું સૌંદર્ય સૌએ માણ્યું, પણ અમને તો એની સાથે પ્રેમના સૂર્યનો ઉદય પણ અનુભવાયો. સંધ્યા આરતીનો સહજ લાભ સૌને મળ્યો ને સાથોસાથ ભજનનું ભોજન પણ લીધું. ઉડતાં પોપટને જોવાની મજા, ટેકરીએ ચડવાની મજા, ગુફામાં ઉતરવાની મજા, ખુલ્લી ગાડીમાં ગીતો ગાવાની મજા ને આસપાસ આવતાં ઝાંખરાથી બચવા એકબીજાના ખોળામાં પડી જવાની મજા સૌએ લીધી. જગ્યાઓ તો સરસ હતી જ પણ એને વધુ સુંદર બનાવી રહ્યો હતો સૌનો પ્રેમલ સંગાથ !

રોજ સવારે આંખ ખૂલે ત્યારે લીમડાની મઘમઘતી સુગંધને નાકમાં ભરવા ને સવારની તાજપને ભીતર ભરી લેવા બધાં નીકળી પડતાં. સાંજ થાય એટલે ફરી એ જ ભ્રમણ ! નિયામત ને હું  અમારા નિત્યક્રમમાં હોઈએ પણ આ તો ઘરનાં જ સ્વજનો એટલે મન પડે ત્યાં ફરવા જાય. ક્યારેક કોઈની વાડીએ જતા રહે તો ક્યારેક સેતુર ખાવા જતા રહે. ક્યારેક તળાવ તો ક્યારેક અમસ્તા પરિસરમાં ભ્રમણ કરી આનંદ લૂંટી લે એવા આ ચતુર લૂંટારા ! એકાદ દિવસ દેરાસર જઈ આવ્યા, બાકી કોઈપણ પ્રકારની આમતેમ દોડાદોડ વગર બસ નિરાંતે રહ્યાં સૌ સંગાથે. 

ઘરનો હોલ સતત ધબકતો રહ્યો. વાહ  ! વાહ ! ના નાદથી. આનંદની છોળો સતત ઉછળતી રહી. પરીક્ષાના દિવસો હતા એટલે હું થોડો રોકાયેલો રહ્યો, પણ એમાંયે મારા કોલેજના સૌ સાથી મિત્રો ને આચાર્યશ્રીએ બને તેટલી અનુકૂળતા કરી આપી. વહેલી સવારથી મોડી રાત સુધી બસ, ચોતરફ પ્રેમની વર્ષામાં ન્હાવાની મજા પડી. કુદરત પણ એટલી રાજી કે એણે વાતાવરણમાં ઠંડક વધારી દીધી. બધું અનુકૂળ અનુકૂળ જ થતું ગયું. ટેટી ને કલિંગર ખાવાની મજા પડી. ગરબા રમવાની મજા. બધા બોક્સ ને થેલા ભરીને લાવેલા તે મુંબઈ, પુનાનો નાસ્તો ઝાપટવાની પણ મજા પડી. 

બસ લીલા લ્હેર જ સમજોને !

આવેલાં વડીલોમાં એક સરોજબહેન નામે ૮૬ વર્ષના દાદી હતાં, એકટાણું જ કરે. બપોરે જ જમે, બાકી અમને જમાડે. ૮૬ વર્ષે એટલી સ્ફૂર્તિ કે જુવાનને પણ શરમાવે. પણ ક્યાં ય ધર્મ કરતાં હોવાની સભાનતા નહિ. અમે ઊઠીએ એ પહેલા ઊઠી પોતાનું પ્રતિક્રમણ, સામાયિક કરવા બેસી જાય. સરસ વાંચે ને રાતે બધા થાકી જાય ત્યારે અજબ ગજબની શબ્દ રમતો રમાડી બધાને ફરી તાજા માજા કરી દે. કોઈ આગ્રહ નહિ, કોઈ ડિમાન્ડ નહિ. એમનું હોવું અનુભવાય જ નહીં એટલા હળવા. તો જયંતભાઈ અને જ્યોતિબહેન જેવા પ્રેમાળ દંપતીની તો શી વાત કરવી ! જ્યોતિબહેન સવારે વહેલા ઊઠીને ધ્યાન કરવા બેસે ને ઓરડો સાધનાખંડમાં ફેરવાઈ જાય. એમને ધ્યાનમાં બેઠેલા જોવાનું સુખ આંખોને મળ્યું એ પણ એક ધન્યતા જ. રસોડાનાં કામમાં ચુપચાપ ગોઠવાઈ જાય. ઓછું જમે ને વધુ જમીએ એવી રસોઈ બનાવે. ખાસ તો રોટલી એવી સરસ કે જાણે ખાધા જ કરીએ. તો જયંતભાઈનું હોવું જ સાધુતાનું હોવું લાગે. એમનું ભીતરનું ઊંડાણ તાગ ન મળી શકે એવું. બધી વસ્તુને વિધાયક નજરથી જોતા આ સ્વજનને અમે બધા ગાંધીજી કહીને બોલાવીએ. કિરણભાઈ, ભુવનચંદ્રજી મહારાજ આદિ પાસે એમની ચેતના ઘડાઈ છે, ખૂબ ભીતરી ઉઘાડ એટલે હાથ વારંવાર એમના ચરણ ભણી લંબાઈ જાય. જે હોય એમાં રાજી રહેનારા, ચુપચાપ સેવાનાં મોટાંમોટાં કામ કરનારા ને અહીં આવીને દૂધ લેવા પણ જાય ને અમને ઠંડુ પાણી હાથમાં આપે એવા આ સ્વજન ! ખબર ન પડે તેમ દૂધના કૂપન લઈ આવે ને સંસ્થાને પણ માતબર દાન આપી મોટો ટેકો કરી જાય. ચહેરા પર સ્મિત પણ ખરું ને ભીતર ગંભીરતા પણ ખરી. હસે, હસાવે ને જલસા કરાવે. 

કીર્તિદાબહેન સાવ બાળક જેવાં, ભોળાં, નિર્દોષ. એમના તો કુંજબાળા, કુંદનબાળા જેવા કેટલાં ય નામો પાડ્યાં ને આનંદ કર્યો. ભારતીબહેન પણ એવા જ ભાવથી ભર્યાં ભર્યાં. એમણે બાળકોને કુલ્ફી ખવડાવીને જલસો કરાવ્યો. ત્રણેક વખત કુલ્ફીની મજા બાળકો સાથે સૌએ લીધી. ભાઈ ગૌરવે મોકલેલી નવી કુર્તીઓ સંસ્થાની બધી દીકરીઓએ ઈદના દિવસે જ પહેરી ને રાજી રાજી થઈ ગઈ. બધાં સ્વજનોને સંસ્થા માટે ભાવ એટલે ચુપચાપ દાનની રકમ નકુલભાઈના હાથમાં પહોંચાડી આવે. દીકરી કિંજલ અને મિહિરના નાનકડા રાજકુમાર નિરાગના જન્મની ખુશીમાં તેઓ ગાયોને લાડુ ખવડાવે, પક્ષીઓને ચણ નખાવે, કૂતરાને રોટલાં અપાવે ને આ બધા એ કામ સ્વહાથે કરી એનો આનંદ લે. મનસુખદાદાને લોનાવાલા બેઠે બેઠે પાનુમાની સ્મૃતિમાં કુલ્ફી ખવડાવવાનું મન થાય ને બાળકોને જલસા થઈ પડે. 

આ આનંદમંડળીમાં સાથે એક તેંત્રીસેક વર્ષનું બાળક પણ આવેલું. કેવલ એનું નામ. બહુ મજાનો. ગોલુ મોલુ. બરાબર ખાવા મળે એટલે રાજી. બસ ખાવું, પીવું, હમ સાથ સાથ હૈ ફિલ્મ જોવી ને સુઈ રહેવું એ એના ગમતાં કામ. પણ મારા પર એને બહુ ભાવ. મને સગો ભાઈ માને. ને ‘બોલ ભાઈ બોલ’, ‘બિન્દાસ બિન્દાસ’ જેવા શબ્દો બોલી મજા કરાવે. એના મોટા પેટ સાથે રમવાની, એની સાથે વાતો કરવાની બહુ મજા પડે. એની સાથે ડાન્સ કરવાની પણ એક અનોખી મજા. આવા વિશિષ્ટ બાળકના ઉત્તમોત્તમ મા-બાપ એટલે ભાવનાબહેન અને મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ તારક મહેતાના ચંપકચાચા જેવા લાગે એટલે એમને અમે પહેલેથી બાપુજી જ કહીએ. બાપુજી ને ભાવનાબહેન દેખાવે સાવ સાદા સીધા લાગે. પગમાં ચંપલ પણ જરૂર ન હોય તો ન પહેરે એવા. ટ્રેનમાં સ્લીપર કોચમાં મુસાફરી કરે, ઘરમાં પણ ખપ પૂરતું જ રાચરચીલું. પણ બીજાનું દુઃખ સ્હેજે ન જોઈ શકે એવા. મેં કોઈની પણ મદદ માટે ટહેલ નાખી હોય તો એમનો મદદની રકમનો આંકડો કાયમ મોટો હોય. ક્યારેક તો મારે રોકવા પડે એટલા ભાવવિભોર થઈ જાય. પોતે બહુ જ સાદગીથી રહે ને બીજા માટે ખરચતા સ્હેજ પણ ન અચકાય. મોટી મોટી મદદ કોઈને ખબર ન પડે તેમ કરે. ભાવનાબહેન પણ અંદરથી એકદમ સુલઝેલ વ્યક્તિ. તરત આંખ ભીંની થઈ જાય એવા ભર્યાં ભર્યાં. કેવલની વિશેષતાઓનો સ્વીકાર ને એની વિશેષ કાળજી જ આ બંનેની મોટી સાધના. બંનેને  બાળકો બહુ ગમે. બાપુજી મીઠી આંબલી ઉતારવા મથતા કોઈ બાળકની મદદે દોડી જાય તો ભાવનાબહેન પણ છોકરીઓના ચોટલા વાળવા લાગી જાય ને નિયામતને કમ્પની આપવા પગપાળા પ્રવાસમાં પણ જાય. 

બધાં એવાં કે એક એક વ્યક્તિ નોખું વ્યક્તિચિત્ર માંગી લે; પણ આ તો એક આછી પીંછીએ કરેલું લસરકું જ ગણજો.

આવા સ્વજનો નવ દિવસ અકારણ સાથે રહેવા આવે, સાવ સહજ સાથે રહે, સતત પ્રેમ વરસાવે ને રમઝાન મહિનામાં અલ્લાહ પાકની રહેમત ઉતરી આવ્યાનો અનુભવ કરાવી ઈદની સાંજે ભેટી ભેટીને ભીતર ભરી દઈ વિદાય લે, એ પહેલાં દીકરીઓને ક્યારે ય ન મળી હોય એટલી મોટી ઈદી આપી જાય અને અમને એથીયે મોટી પ્રેમની ઈદી આપી ધન્ય કરી જાય.

કહે છે કે રમઝાન મહિનામાં અલ્લાહના ફરિસ્તા ઘરે આવે છે ને ઘરને ખુશીઓથી  ભરી દે છે. અમને તો આ રમઝાન મહિનામાં અલ્લાહે એનો પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો. બસ, પરસ્પરનો આ પ્રેમ ચોતરફ વિસ્તરો, નફરતોની દીવાલો ઓગળી જાઓ ને પ્રેમનો સાગર છલકાઈ જાઓ. 

આમીન … આમીન .. આમીન.

સાધુ … સાધુ …. સાધુ …

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શું સરકાર જેલના વડાને જેલમાં પૂરશે?

રમેશ સવાણી|Opinion - Opinion|2 April 2025

રમેશ સવાણી

‘સ્વમાન’ યૂટ્યુબ ચેનલે, 31 માર્ચ 2025ના રોજ, ગોંડલની ગુંડાગીરી અંગે રાજુ સખિયાનો ઈન્ટરવ્યૂ લીધો છે; તે સરકાર અને નાગરિકો માટે આંખ ખોલનારો છે. તેમાં જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાના ગુનાહિત ઇતિહાસનો પર્દાફાશ કર્યો છે. પોલીસ કઈ હદે ગુલામ બની ગઈ છે તેનો ચિતાર મળે છે. ગુંડાઓનો જન્મ કઈ રીતે થાય છે? ગુંડાઓને પોલીસ અધિકારીઓ / મામલતદા ર/ SDM – સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ / જેલના વડા કઈ રીતે મોટા બનાવે છે તે જોઈએ :

15 ઓગષ્ટ 1988ના રોજ, ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કૂલ ખાતે ગોંડલના ડેપ્યુટી કલેક્ટર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જે.પી. દવે દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજેલ. તેમાં તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા દેવની બાજુમાં બેઠા હતા. તે સમયે અનિરુદ્ધસિંહ જાડેજાએ પોપટભાઈની ગોળી મારી હત્યા કરી. SRPFના મદદનીશ સેનાપતિ ઝાલા; પોપટભાઈ સોરઠિયાની ડાબી બાજુ બેઠા હતા, તેમણે અનિરુદ્ધસિંહને ભાગતો જોયો. તેણે તરત જ અનિરુદ્ધસિંહને પકડી લીધો. અનિરુદ્ધસિંહે પોતાની પિસ્તોલ ફેંકી તે SRPના અધિકારી આઈ.બી. શેખાવતે સુરક્ષિત કરી. TADA – Terrorist and Disruptive Activities (Prevention) Act, 1987ની કલમ-3/ 5, આર્મ્સ એક્ટની કલમ 25(1)(a), IPC કલમ-302/ 114 હેઠળ અનિરુદ્ધસિંહ તથા નિલેશકુમાર મનસુખલાલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. 

જેમ ગુંડાઓ સામેના કેસમાં સાક્ષીઓ ફરી જાય છે તેમ આ હત્યા કેસમાં પણ થયું. હત્યાને નજરે જોનાર પણ hostile થઈ ગયા ! ટ્રાયલ દરમિયાન, 45 સાક્ષીઓ ફરી ગયા. ડેપ્યુટી કલેક્ટર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જે.પી. દવે ફરી ગયા ! નગરપાલિકાના ચીફ ઓફિસર ડી.પી. તરૈયા ફરી ગયા ! સ્થાનિક ડોક્ટર વી.પી. સોજીત્રા અને મામલતદાર ફરી ગયા ! તેથી ટ્રાયલ કોર્ટે ઠરાવેલ કે “[1] ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે કે આરોપી અનિરુદ્ધસિંહ  ઘટના સ્થળે પિસ્તોલ સાથે હાજર હતો ! [2] ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે કે અનિરુદ્ધસિંહે એ ઘટના પછી તરત જ ત્યાં બેઠેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ડાબી બાજુએથી હત્યા માટે વપરાયેલ પિસ્તોલ અને રૂમાલ ફેંક્યા હતા ! [3] ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે કે અનિરુદ્ધસિંહ મૃતકની ખુરશીથી કેટલા અંતરે ઊભો હતો ! [4] ફરિયાદ પક્ષ અનિરુદ્ધસિંહે મૃતક પર ગોળીબાર કર્યો તે અંગે કોઈ પણ સાંયોગિક પુરાવા રજૂ કરવામાં પણ નિષ્ફળ ગયો છે !” તેથી આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂક્યા. 

સરકારે TADA એક્ટની કલમ-19 હેઠળ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. 10 જુલાઈ 1997ના રોજ  અનિરુદ્ધસિંહને IPC કલમ-302, TADA કલમ – 5 હેઠળ આજીવન  કેદની સજા કરી. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે “સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જેવી જવાબદાર વ્યક્તિઓએ ફરિયાદને સમર્થન કરેલ નથી. આઝાદી દિવસ પર ધ્વજવંદન સમારોહ સમયે હાજર રહેલા અને જેમની હાજરીમાં વર્તમાન ધારાસભ્યની હત્યાનો ભયંકર ગુનો આચરવામાં આવ્યો હતો, તેમણે ફરિયાદ પક્ષને મદદ કરવામાં અને સત્ય બોલવામાં પોતાની ફરજ ભૂલ્યા છે. જો કે, અમે આ ભયાનક ગુનાની વાસ્તવિકતાઓ પ્રત્યે આંખો બંધ કરી શકતા નથી. સંજોગોને ધ્યાનમાં લેતા, અમને એવું કહેવામાં કોઈ ખચકાટ નથી કે મૃતક પોપટભાઈની હત્યા અનિરુદ્ધસિંહે કરી છે, અન્ય કોઈએ નહીં. ટ્રાયલ કોર્ટે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પુરાવાઓનું મૂલ્યાંકન કરેલ નથી. અમે માનીએ છીએ કે ફરિયાદ પક્ષે શંકાની બહાર પોતાનો કેસ સાબિત કર્યો છે કે અનિરુદ્ધસિંહ પાસે લાઇસન્સ વગરનું હથિયાર હતું. તે એક અનધિકૃત હથિયાર હતું. અનિરુદ્ધસિંહે ટાડા કાયદાની કલમ 5 હેઠળ ગુનો કર્યો છે અને કલમ 302 IPC હેઠળ સજાપાત્ર હત્યાનો ગુનો પણ કર્યો છે. ટ્રાયલ કોર્ટનો નિર્દોષ છૂટકારાનો ચુકાદો રદ્દ કરવામાં આવે છે. અનિરુદ્ધસિંહને કલમ 302 IPC હેઠળ દોષિત ઠેરવવામાં આવે છે અને તેને ‘આજીવન કેદ’ની સજા ફટકારવામાં આવે છે. ગુનાની તારીખથી નવ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવાથી, અમને ફાંસીની સજા ફટકારવી યોગ્ય લાગતી નથી, જો કે તેણે સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન સમારોહમાં હાજરી આપી રહેલા એક જવાબદાર ધારાસભ્યની હત્યા કરવાનો જઘન્ય અને ભયાનક ગુનો કર્યો છે. તેને ટાડા કાયદાની કલમ 5 હેઠળ ‘3 વર્ષની કેદ’ની સજા પણ ફટકારવામાં આવે છે.”

સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ 1997ના રોજ સજા કર્યા પછી અનિરુદ્ધસિંહ લગભગ 3 વરસ સુધી 28 એપ્રિલ 2000 સુધી નાસતોફરતો રહ્યો ! પછી પકડાયો. ગુજરાત સરકારને લાગતું હતું કે અનિરુદ્ધસિંહ ફરી નાસી જશે, એટલે 25 ઓક્ટોબર 2000ના રોજ, CrPC કલમ-268(1) A હેઠળ અનિરુદ્ધસિંહને જેલ બહાર નહીં કાઢવા હુકમ કર્યો. અનિરુદ્ધસિંહે પેરોલ પર મુક્ત થવાની અરજી કરી હતી તે સરકારે નામંજૂર કરી હતી. અનિરુદ્ધસિંહે હાઇકોર્ટમાં અપીલ કરી તેને 5 દિવસની પેરોલ મંજૂર કરી હતી પણ હાઇકોર્ટની ડિવિઝન બેંચ દ્વારા પેરોલનો આદેશ રદ્દ કરવામાં આવ્યો હતો. 

અનિરુદ્ધસિંહ સજા ભોગવી રહ્યો હતો તે દરમિયાન 25 જાન્યુઆરી 2017ના રોજ, પ્રજાસત્તાક દિવસના અવસરે આજીવન કેદની સજા ભોગવી રહેલા ગુનેગારોના એક વર્ગને વહેલી સજામુક્તિની મંજૂરી આપવા આદેશ થયો હતો. જેલ સલાહકાર સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં અનિરુદ્ધસિંહનો સમાવેશ થતો ન હતો. બીજા વર્ષે 29 જાન્યુઆરી 2018ના રોજ, જેલના વડા ટી.એસ. બિસ્ટે, સરકારની લેખિત સૂચના વિના, જાતે મનસ્વી નિર્ણય લઈ; જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષકને, અનિરુદ્ધસિંહને જેલમુક્ત કરવા લેખિત સૂચના આપી. બીજે દિવસે અનિરુદ્ધસિંહને જેલમાંથી છોડી મૂક્યો. 

થોડાં સવાલ : 

[1] દલિત એક્ટિવિસ્ટ વાલજીભાઈ પટેલે જેલના વડા ટી.એસ. બિસ્ટે અનિરુદ્ધસિંહને જેલમુકત કરવા 29 જાન્યુઆરી 2018ના રોજ જે આદેશ કર્યો હતો તેની નકલ RTI હેઠળ માંગી હતી; જે આપવામાં ન આવી. માહિતી આયોગમાં અપીલ કરી તો પણ આદેશની નકલ આપવામાં ન આવી. આ આદેશ છૂપાવવાની સરકારને કેમ જરૂર પડી હશે? 

[2] 29 જાન્યુઆરી 2018નો આદેશ બરાબર જૂઓ. અનિરુદ્ધસિંહના પુત્ર શક્તિસિંહે 29 જાન્યુઆરી 2018ના રોજ પોતાના પિતાને જેલમુક્ત કરવા અરજી કરી. તે જ દિવસે, તરત જ ટી.એસ. બિસ્ટે જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષકને પત્ર લખી સૂચના આપી કે અનિરુદ્ધસિંહને છોડી દો ! બીજા દિવસે અનિરુદ્ધસિંહને જેલમુક્ત કરી દેવામાં આવે છે. એક હત્યારા માટે ટી.એસ. બિસ્ટની આ કેવી તાલાવેલી? 

[3] ટી.એસ. બિસ્ટના 29 જાન્યુઆરી 2018ના પત્રમાં ગૃહવિભાગના 25 જાન્યુઆરી 2017ના ઠરાવને ટાંકેલો છે. પરંતુ તે ઠરાવ મુજબ તો અનિરુદ્ધસિંહ વહેલી જેલમુક્તિ માટે પાત્રતા ધરાવતો ન હતો. વળી આ ઠરાવ તો એક વર્ષ જૂનો છે; તે મુજબ અનિરુદ્ધસિંહને કઈ રીતે જેલમુક્ત કરી શકાય? 

[4] આજીવન કેદની સજા પામેલ ગુનેગારની સજામાફી માટે ‘જેલ સલાહકાર સમિતિ’ની ભલામણ પણ ન હતી કે સરકારની લેખિત સૂચના પણ ન હતી છતાં બિસ્ટે પોતાની સત્તા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે અનિરુદ્ધસિંહને જેલ મુક્ત કર્યો. આમ બિસ્ટે સુપ્રીમ કોર્ટથી / રાજ્ય સરકારની ઉપરવટ જઈને એવું ગેરકાયદેસર કૃત્ય કરેલ કે જે સબબ તેમની સામે ગુનો નોંધી તેમને જેલમાં પૂરવા પડે. સવાલ એ છે કે શું હાલના જેલના વડાને / રાજ્યના ગૃહ સચિવને / ગૃહ મંત્રીને / મુખ્ય મંત્રીને / ગુજરાત હાઇકોર્ટને આની જાણ નથી? 

[5] બિસ્ટને ગુજરાત સરકારને પૂછવાનું પણ જરૂરી લાગ્યું નહીં ! સુપ્રીમ કોર્ટે સજા કર્યા બાદ 3 વરસ સુધી હત્યારો નાસતો ફરે; ગુજરાત સરકારને લાગતું હતું કે અનિરુદ્ધસિંહ ફરી નાસી જશે, એટલે CrPC કલમ-268(1) A હેઠળ અનિરુદ્ધસિંહને જેલ બહાર નહીં કાઢવાનો હુકમ કર્યો હતો. ટૂંકમાં અનિરુદ્ધસિંહ ખતરનાક કેદી હતો તે બિસ્ટ જાણતા હતા છતાં બિસ્ટ અને અનિરુદ્ધસિંહ એક ટેબલ પર જમવા બેસે તે શું સૂચવે છે? શું આ શરમજનક ઘટના નથી? હાઇકોર્ટની ડિવિઝન બેંચે પણ અનિરુદ્ધસિંહને પેરોલ પર છોડવાનો ઈન્કાર કરેલ તે બિસ્ટ જાણતા ન હતા? શું બિસ્ટે કોઈ ગરીબ / દલિત / આદિવાસી કેદી સાથે ક્યારે ય સહભોજન કરેલ છે? 

[6] જૂનાગઢ જેલમાંથી અનિરુદ્ધસિંહ લોકોને ધમકીઓ આપવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો; એની જાણ જેલના વડા બિસ્ટને નહીં હોય? 

[7] ખોટી રીતે / ગુનાહિત જેલમુક્તિ પછી અનિરુદ્ધસિંહ સામે ગુના દાખલ થયા તેની જાણ બિસ્ટને નહીં હોય? શું અનિરુદ્ધસિંહે જેલમુક્તિની શરતોનો ભંગ કરેલ ન હતો? શું સરકારને આની જાણ ન હતી? 

[8] 25 જાન્યુઆરી 2017ના ગૃહવિભાગેથી ઠરાવનો લાભ એટલે કે કેદીને જેલમુક્ત કરવો કે કેમ? તે રાજ્ય સરકાર નક્કી કરી શકે? શું બિસ્ટ ‘રાજ્ય સરકાર’ હતા? જેલ સલાહકાર સમિતિને પણ પૂછવાનું નહીં? શું બિસ્ટે કોઈ બીજા હેતુથી પ્રેરાઈને અનિરુદ્ધસિંહને તાત્કાલિક જેલમુક્ત કરાવેલ? શું બિસ્ટે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરેલ નથી? શું બિસ્ટે એક હત્યારાને ગેરકાયદેસર છોડી મૂકેલ નથી? શું બિસ્ટે; બંધારણના આર્ટિકલ-161 અથવા CrPC કલમ 432 હેઠળ સક્ષમ સત્તાધિકારી દ્વારા કોઈપણ આદેશ વિના ભયંકર ગુનેગારને જેલમુક્ત કરેલ નથી? કોઈપણ સત્તા વિના જેલમુક્તિનો આદેશ / સૂચના ગેરકાયદેસર નથી? શું બિસ્ટના આ તરંગી / મનસ્વી / ભ્રષ્ટાચારી કૃત્ય સબબ ગુજરાત હાઈકોર્ટ CBIને તપાસ સોંપી ન શકે? શું લોકોએ આવા ભ્રષ્ટાચારી / અન્યાયી કરતૂતો સહન કરવા તેવું હાઈકોર્ટ તથા સરકાર માનતી હશે? 

[9] આજીવન કેદની સજાના ગુનેગારોને ચાર સેન્ટ્રલ જેલ-રાજકોટ / અમદાવાદ / વડોદરા / સુરતમાં રાખવામાં આવે છે. તો અનિરુદ્ધસિંહને સેન્ટ્રલ જેલમાં રાખવાને બદલે જૂનાગઢ જિલ્લા જેલમાં કોની સૂચનાથી રાખવામાં આવેલ? આવી સગવડતા કેમ અપાઈ હતી? શું આવી સૂચના ગૃહ મંત્રી / મુખ્ય મંત્રીએ આપેલ હતી? 

[10] અનિરુદ્ધસિંહની વહેલી જેલમુક્તિ માટે બિસ્ટને સૂચના અમિત શાહે આપી હોય તેવું અનુમાન થઈ શકે તેમ છે; કેમ કે મે-2024માં, લોકસભાની ચૂંટણી વેળાએ અનિરુદ્ધસિંહ જુહાપુરામાં અમિત શાહની વિરુદ્ધમાં મુસ્લિમોના મત ન પડે તે માટે ‘મતદાનનો બહિષ્કાર’ કરાવી રહ્યો હતો ! શક્ય છે કે અનિરુદ્ધસિંહને જેલમુક્ત કરવા અમિત શાહે જ ટી.એસ. બિસ્ટને ગેરકાયદેસર સૂચના આપી હોય ! કદાચ એટલે જ રાજ્યના ગૃહ સચિવ / ગૃહ મંત્રી / મુખ્ય મંત્રી ચૂપ હશે? 

[11] ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અનિરુદ્ધસિંહની ગેરકાયદેસર જેલમુક્તિને પડકારતી હરેશભાઈ રમેશભાઇ સોરઠિયાની પીટિશન પેન્ડિંગ છે; છતાં આવા જાહેર મુદ્દાને સ્પર્શતી બાબતે હાઈકોર્ટ આળસ કેમ કરતી હશે? શું હાઈકોર્ટ આ પીટિશન પાછી ખેંચે તેની પ્રતીક્ષા કરતી હશે? કોઈ ગરીબ / લાચાર / દલિત / આદિવાસી / મધ્યમવર્ગે હાઈકોર્ટ સામે જોવાનું જ નહીં ને? શું હાઈકોર્ટ ધનવાન ગુંડાઓના રક્ષણ માટે છે? 

[12] અનિરુદ્ધસિંહને જેલમાંથી બિલકુલ ખોટી રીતે છોડી મૂકવામાં આવેલ છે; અને તે માટે તત્કાલીન જેલના વડા ટી.એસ. બિસ્ટ જવાબદાર છે; છતાં આ કૌભાંડ બાબતે ગુજરાતના મીડિયા ચૂપ કેમ છે? ગુજરાતના ચૂંટાયેલા ધારાસભ્યો / સંસદસભ્યો મૌન કેમ છે? શું સરકાર તત્કાલિન જેલના વડા બિસ્ટને જેલમાં પૂરશે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ન્યાયિક અસંમતિ ન્યાય પ્રણાલીને મજબૂતી બક્ષે છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 April 2025

ચંદુ મહેરિયા

સુપ્રીમ કોર્ટની એક કરતાં વધુ જજીસની બેન્ચ હંમેશાં સર્વસંમત ચુકાદા આપતી નથી. ખંડપીઠના ન્યાયાધીશોની બહુમતીથી પણ કેટલાક ચુકાદા અપાય છે. ખંડપીઠના બહુમતી ન્યાયાધીશોના મત સાથે કોઈ એક કે વધુ જજ સંમત ન હોય તેવું બને છે. તેઓ પોતાની ન્યાયિક અસંમતિ તેમના મત સાથે વ્યક્ત કરે છે. જો અસંમતિ લોકતંત્રની આધારશિલા છે તો ન્યાયિક  અસંમતિ ન્યાયતંત્રનો મહત્ત્વનો હિસ્સો છે. ન્યાયિક અસંમતિ (Judicial Dissent) ન્યાય પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. કાયદો, સમાજ અને રાજનીતિ વચ્ચેના ગતિશીલ સંબંધોની તે દ્યોતક છે. ન્યાયિક અસંમતિ દ્વારા ભિન્ન મત, ભિન્ન તર્ક અને ભિન્ન દૃષ્ટિકોણ વ્યક્ત થાય છે. 

મૂળે સંસ્કૃત શબ્દ અસંમતનો અર્થ સંમત નહિ એવું થાય. સંમત એટલે સરખો, અનુરૂપ, માન્ય કે પસંદ મત ધરાવવો. તો તેનો વિરોધી શબ્દ અસંમત કે અસંમતિ અર્થાત જુદો કે બીજાના જેવો મત ન ધરાવવો. ‘નો, સર’ કહેવું, અસંમત થવું તે ભારતના બંધારણે ‘વી ધ પીપલ ઓફ ઇન્ડિયા’ને આપેલ મૂળભૂત અધિકાર છે. સંવિધાનના અનુચ્છેદ ૧૯થી તે સંરક્ષિત છે. બંધારણ દીધા વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મૌલિક અધિકારમાં અસંમતિનો અધિકાર પણ સામેલ છે. સવાલ કરવો, પડકાર આપવો, ટીકા કરવી તે માત્ર હક નથી, નાગરિક જીવનનું અગત્યનું આવશ્યક ઘટક છે. જેમ નાગરિકને તેમ ન્યાયાધીશને પણ ન્યાયિક અસંમતિનો હક છે. અસંમતિના પાયા પર જીવંત લોકશાહીનું નિર્માણ થાય છે. 

ન્યાયિક અસંમતિ અનેક દૃષ્ટિએ મહત્ત્વની છે. એ ખરું કે સાથી ન્યાયાધીશો કરતાં જે ભિન્ન મત અદાલતના ચુકાદા કે નિર્ણયમાં વ્યક્ત થાય છે તે કાનૂની રીતે જરા ય બાધ્યકારી નથી. પરંતુ ભવિષ્યમાં થનારા કાયદાકીય ફેરફારોની બ્લૂપ્રિન્ટ તેમાં રહેલી હોય છે. ભારતમાં કેટલાક કાયદાકીય ફેરફારો ન્યાયિક અસંમતિને કારણે શક્ય બન્યા છે. ન્યાયિક અસંમતિ એ દૃષ્ટિએ પણ મહત્ત્વની છે કે તે વૈકલ્પિક દૃષ્ટિકોણ ઉજાગર કરે છે, ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા આણે છે અને ન્યાયિક સ્વતંત્રતામાં વૃદ્ધિ કરે છે. ન્યાયિક અસંમતિ ભારતીય ન્યાય પ્રણાલીની સમૃદ્ધિ અને જટિલતા દર્શાવે છે. ઘણી ન્યાયિક અસંમતિ તે પછીના કાયદાકીય પરિવર્તન અને ન્યાયિક નિર્ણયમાં ખપ લાગે છે અને આજનો લઘુમતી મત ભવિષ્યનો બહુમતી મત બની શકે છે. જો કે મોટા પ્રમાણમાં અને વારંવારની ન્યાયિક અસંમતિ ન્યાયતંત્રની વિશ્વસનીયતા, તટસ્થતા અને ખૂદ ન્યાય સામે જ સવાલો ખડા કરે છે. ન્યાયાધીશો વચ્ચેની એકતા અને ન્યાય પ્રણાલીની નિષ્પક્ષતા અંગેની લોકમાનસમાં જે છાપ છે તેને ખરડે છે.

ભારતમાં અસ્તિત્વમાં આવેલ સ્વતંત્ર ન્યાયતંત્રના  આરંભકાળથી જ ન્યાયિક અસંમતિ જોવા મળે છે. છેક ૧૯૬૨માં પ્રાઈવસીનો અધિકાર મૌલિક અધિકાર ના ગણય તેવા બહુમતી ચુકાદા સામે જસ્ટિસ કે. સુબ્બા રાવે અસંમતિ દર્શાવતો ચુકાદો આપ્યો હતો. ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી વખતે મૌલિક અધિકારોને પણ સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. એ સમયે ભારતની સુપ્રીમ કોર્ટ પણ કહ્યાગરાની જેમ વર્તી હતી. ૧૯૭૬માં સર્વોચ્ચ અદાલતની પાંચ જજીસની બેન્ચે બંધારણના અનુચ્છેદ ૩૫૯ અન્વયે અનુચ્છેદ ૨૧ સહિતના તમામ મૌલિક અધિકારો સ્થગિત રહે છે તેવો બહુમતી ચુકાદો આપ્યો હતો. સત્તાપક્ષની વિરુદ્ધમાં બોલવું એટલે બહુ મોટું જોખમ વહોરવા બરાબર હતું. પરંતુ જસ્ટિસ એચ.આર. ખન્નાએ બહુમતી જજીસથી જુદો મત વ્યક્ત કર્યો હતો. તેમણે ઈન્ટરનલ ઈમરજન્સીમાં અનુચ્છેદ ૨૧ સ્થગિત રહે તો પણ જીવન અને સ્વતંત્રતાના  અધિકારથી નાગરિક વંચિત ના રહે અને આવી વંચિતતાને બંધારણ માન્ય રાખતું નથી તેમ જણાવ્યું હતું. આ ન્યાયિક અસંમતિ દર્શાવવાનું પરિણામ તેમણે ભોગવવું પડ્યું હતું. તેમની સિનિયોરિટીની અવગણના કરીને સરકારે તેમનાથી જુનિયર ન્યાયાધીશને મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા હતા અને જસ્ટિસ ખન્નાએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે રાજીનામુ આપવું પસંદ કર્યું હતું. જસ્ટિસ ખન્નાની આ ન્યાયિક અસંમતિ ન્યાયિક અસંમતિના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક છે. 

રાજકીય, સામાજિક અને ધાર્મિક બાબતોમાં સરકાર, સમાજ અને ધર્મની ખફગી વહોરીને કે તેની ‘હા’માં હા મિલાવીને પણ ન્યાયાધીશો બહુમતી નિર્ણય કે ચુકાદા સામે અસંમતિ દર્શાવતા હોય છે. ૧૯૯૧માં દસમી લોકસભામાં કાઁગ્રેસના પી.વી. નરસિંહ રાવની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવના મતદાન વખતે સરકારની તરફેણમાં મતો ખરીદવામાં આવ્યા હતા. જે.એમ.એમ. (ઝારખંડ મુક્તિ મોરચો) લાંચ કાંડ તરીકે જાણીતા આ કેસમાં સુપ્રીમ કોર્ટે વિચારવાનું હતું કે સંસદ સભ્યોને અપાતી આ પ્રકારની લાંચનો મુદ્દો સંસદીય વિશેષાધિકારથી સુરક્ષિત છે? જ્યારે બહુમતી જજોએ તત્કાલીન રાજકીય વલણોને ધ્યાનમાં રાખીને સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારે બે જજો(જસ્ટિસ એ.એસ. આનંદ અને જસ્ટિસ એસ.સી. અગ્રવાલ)એ બહુમતીની સાથે રહેવાને બદલે અલગ ચુકાદો આપ્યો હતો. 

૨૦૧૮માં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને બહુમતી જજોએ ગેરબંધારણીય ઠેરવ્યો હતો અને મહિલાઓના પ્રવેશને માન્ય રાખ્યો હતો ત્યારે સુપ્રીમના મહિલા જજ ઇન્દુ મલ્હોત્રાએ અલગ મત વ્યક્ત કર્યો હતો. તેમણે અસંમતિ દર્શાવતાં કહ્યું હતું કે ધાર્મિક પ્રથાઓને તર્કસંગતતાના ત્રાજવે તોલી ન શકાય. નિવૃત્ત સી.જે.આઈ. ડી.વાય. ચન્દ્રચૂડે સુપ્રીમ કોર્ટના જજ તરીકે બહુમતી ન્યાયાધીશોના આધાર અધિનિયમને બંધારણીય ઠેરવતા ચુકાદા કરતાં જુદો રાહ અપનાવ્યો હતો અને તેમણે આધાર અધિનિયમને ગેરબંધારણીય ગણ્યો હતો. 

રાજ્ય શાળાઓમાં જાહેર ડ્રેસ કોડ લાગુ પાડી હિજાબ પહેરતા અટકાવી શકે?  તે બાબતના ચુકાદામાં જસ્ટિસ હેમંત ગુપ્તાએ ધર્મ નિરપેક્ષ રાજ્યને આવું કરવાની બંધારણ અનુમતી આપે છે, તેવો મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે ધર્મ વ્યક્તિગત બાબત છે એટલે સરકારી શાળાઓમાં હિજાબનું સ્થાન નથી. જ્યારે જસ્ટિસ ધૂલિયાએ વિવિધતા, સહિષ્ણુતા અને બહુલતા બંધારણનાં આધારભૂત મૂલ્યો છે, એટલે હિજાબ પહેરતાં અટકાવી ન શકાય તેવો મત વ્યક્ત કર્યો હતો. તીન તલાકના કેસમાં જસ્ટિસ અબ્દુલ નજીર અને જસ્ટિસ જે.એસ. ખેહરે તીન તલાકની બંધારણીયતા નક્કી કરવી તે ન્યાયાલયના અધિકાર ક્ષેત્રની બહારની બાબત છે, તેવો અલગ મત વ્યક્ત કરી બહુમતી ચુકાદાથી પોતાને અળગા રાખ્યા હતા.

ભારતની જેમ દુનિયાના અન્ય લોકતાંત્રિક દેશોની ન્યાય પ્રણાલીમાં પણ ન્યાયિક અસંમતિ જોવા મળે છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટ તેનું ઉદાહરણ છે. પરંતુ અમેરિકી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની ન્યાયિક અસંમતિ તેમના રાજકીય વિચારો પર નિર્ભર છે. કેમ કે અમેરિકામાં ન્યાયાધીશોની નિમણૂક અમેરિકાના પ્રમુખ કરે છે અને સેનેટ તેને મંજૂર રાખે છે. જ્યારે ભારતમાં ન્યાયાધીશોની નિમણૂક સીધી સરકાર કે વડા પ્રધાન કરતા નથી એટલે ન્યાયિક અસંમતિમાં રાજકીય વિચારોનો જ પડઘો હોય તેવું બનતું નથી. એ અર્થમાં ભારતમાં ન્યાયિક અસંમતિ રાજકીય વિચારોથી પૂર્ણપણે દૂષિત નથી.

જસ્ટિસ ખન્ના અને અન્યના અસંમતિના ન્યાયિક અવાજને પારખીને બંધારણમાં અને કાયદામાં સુધારા થયા છે, તે બાબત જ ભારતીય ન્યાયતંત્રમાં તેની અનિવાર્યતા, પ્રાસંગિકતા અને મહત્ત્વ દર્શાવે છે.  

લોંગ લીવ ‘નો, સર’. 

E.mail :  maheriyachandu@gmail.com 

Loading

...102030...331332333334...340350360...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved