Opinion Magazine
Number of visits: 9689071
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહીગત મોકળાશની લડાઈ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|5 October 2017

પક્ષકારોની રીતે જોઈએ તો આ મામલો રાજસૂય એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રજાસૂય અક્ષરકર્મીઓ વચ્ચેનો છે

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા લોકશાહી રાહે ચાલી રહી છે ત્યારે જ સરકારી સાહિત્ય અકાદમીના નિયુક્ત અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ ‘આભાસી સ્વાયત્તતાના નામે શરૂ કરાયેલો વિતંડાવાદ છોડી દેવો જોઈએ’ એવી દેખીતી સદભિલાષી વાત સાથે કહ્યું છે કે ‘પરિષદ-પ્રમુખ સંવાદની નીતિ રાખશે તો અકાદમી સ્વાગત કરશે.’ સરાજાહેર છે તેમ આ નિવેદન પરિષદ પ્રમુખની ચૂંટણી પર સરકારી રાહે પ્રભાવ પાડવાની ચેષ્ટારૂપ છે. એક રીતે, અકાદમી સ્વાયત્ત નથી એનું પ્રત્યક્ષ પ્રમાણ પણ તમે આ ચેષ્ટામાં ચાહો તો વાંચી શકો.

ગમે તેમ પણ, પહેલાં તો એક ટૂંકી તવારીખ ઉતાવળે ઉકેલી લઇએ જેથી સપ્ટેમ્બર 2017ની પૃષ્ઠભૂ પ્રત્યક્ષ થઈ શકે. દેશની કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ચૂંટાયેલા અધ્યક્ષ ઉમાશંકર જોશીએ ગુજરાતની સરકારનીમી અકાદમીનું માન સ્વીકારવાનો ઈન્‌કાર કરી અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ એ લોકશાહી મુદ્દો ગુજરાતના જાહેર વિમર્શમાં રમતો મૂક્યો અને આગળ ચાલતાં એવા જ એક સ્વતંત્રતા સેનાની દર્શકે સરકાર સાથે મૂલ્યનિષ્ઠ ચર્ચાવિચારણાપૂર્વક સ્વાયત્ત અકાદમીનો પથ પ્રશસ્ત કર્યો.

નાનાવિધ સંસ્થાકીય પ્રતિનિધિત્વની શ્રેણી શૃંખલા ઉપરાંત, સવિશેષ તો, લેખકોના મતદાર મંડળમાંથી ચુંટાયેલા પ્રતિનિધિત્વનો પણ નોંધપાત્ર હિસ્સો આ નવરચનામાં હતો. એ રીતે બીજાં રાજ્યોની નકરી સરકાદમી (સરકારી અકાદમી) કરતાં આ અકાદમી ગળથૂથીગત જુદી પડતી હતી. સ્વાયત્ત સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે દર્શકની મુદત પૂરી થતાં ભોળાભાઈ પટેલ ચુંટાયા. એમની મુદત 2003માં પૂરી થઈ તે પછી નવી ચુંટાયેલ રચના કરવાની પ્રક્રિયા પર સરકાર ચપ્પટ બેસી ગઈ તે બેસી જ ગઈ. આજની ઘડી ને કાલનો દા’ડો.

એ પછી અકાદમીની સ્વાયત્તતા પુનઃ સ્થાપિત કરવા રાજમાન્ય કે.કા. શાસ્ત્રી સહિતની રજૂઆતો થતી રહી. નારાયણ દેસાઈના પ્રમુખપદે ગુજરાતી સાહિત્ય પરિષદે સ્વાયત્ત અકાદમીની માંગણીનો ઠરાવ પરિષદના ખુલ્લા, તે પણ ગાંધીનગર અધિવેશનમાં – કેવળ કારોબારી કે મધ્યસ્થ સમિતિને ધોરણે નહીં પણ સમગ્ર ગૃહ તરીકે – કર્યો હતો, પણ જેઓ ‘મિસા’ના ભુક્તભોગી હતા અને તેની સામે કંઈક લડ્યા પણ હશે, તેમની સરકાર સ્વાયત્તતા સારુ ખુલ્લી નહોતી. બને કે એમની સ્પર્ધા ઇંદિરાઈથી ચડિયાતાં થવાની દિશામાં હોય. 2003થી 2014 સુધી વિનયસર રૂબરૂ રજૂઆત, લેખી માંગણી, જાહેર ટીકાટિપ્પણનો દોર ચાલ્યો પણ નમોથી આનંદીબહેન સહિતનાં મુખ્યમંત્રીઓએ ચૂંટણી પ્રક્રિયા ન થવા દીધી તે ન જ થવા દીધી.

આ બધાં વર્ષો એકંદરે પરિષદ અને બીજાઓની નીતિ સંવાદની જ રહી, અને બાર બાર વરસને છેડે રાજ્ય સરકારે પેરેશુટ પ્રમુખ ઉતારીને સંવાદ પર વિધિવત્‌ ચેકો મૂક્યો. હવે બીજા ક્રમે આવેલા પેરેશુટ પ્રમુખે, કશી દુરસ્તી કરવાને બદલે શાસક પક્ષના ‘ખીસાવાસ્યમ્‌’ને ધોરણે ટાઢે કોઠે કહ્યું છે કે ‘પરિષદ-પ્રમુખ સંવાદની નીતિ રાખશે તો અકાદમી સ્વાગત કરશે.’ એમના પુરોગામી અકાદમી અધ્યક્ષના કાળમાં પણ પરિષદ-શ્રેષ્ઠીઓએ સંવાદકોશિશ નથી કીધી એમ નથી. પણ જે સરકારી પ્રક્રિયા હેઠળ એપ્રિલ ’17માં નવા અકાદમી પ્રમુખ આવ્યા છે એ જ માનસિક પ્રક્રિયા હેઠળ સઘળી સંવાદકોશિશ નાકામ રહી છે.

નવા અકાદમી અધ્યક્ષને ઇષ્ટસંવાદ કોશિશ તે શું એ એમણે જ્યારે સાહિત્યરસિકોની ખુલ્લી બેઠક, સહવિચાર ને સલાહસૂચનને વાસ્તે બોલાવી ત્યારે ‘સ્વાયત્તતા’નો મુદ્દો બહાર રાખવાની સ્પષ્ટતા સાથે નિકળેલ નિમંત્રણપત્રથી સમજાઈ રહે છે. સ્વાભાવિક જ સાહિત્ય પરિષદના હોદ્દેદારોથી માંડીને સિતાંશુ યશશ્ચંદ્ર સહિતના અનેકે આ પ્રકારની ફરમાયશી બેઠકથી પરહેજ કરવામાં ધર્મ જોયો હતો. જે પ્રકારનું નિમંત્રણ અકાદમી અધ્યક્ષે સદરહુ બેઠક માટે પાઠવ્યું હતું એને એમને અને સરકારને અભિમત ‘સંવાદની નીતિ’ તે શું એની એક સમજૂતી તરીકે કોઈ વાંચે તો એમાં એનો શો વાંક, કોઈ તો બોલો.

આટલી પ્રાસ્તાવિક ચર્ચા પછી અને છતાં એક વાનું ઉતાવળે પણ આધોરેખિત કરી લેવું જોઈએ. આ પ્રશ્ન, આ ક્ષણે, અકાદમી અને પરિષદ વચ્ચેનો લાગતો હોય કે પછી એક પા વિષ્ણુ પંડ્યા, ભાગ્યેશ ઝા અને બીજા તો બીજી પા નેવું નાબાદ નિરંજન ભગત, ધીરુ પરીખ, ચંદ્રકાન્ત ટોપીવાળા, સિતાંશુ યશશ્ચંદ્ર વગેરે વચ્ચેનો લાગતો હોય તો તે એક અધૂરું ને અદૂકડું આકલન બની રહેશે. જો પક્ષકારોની રીતે જોઈએ તો આ મામલો રાજસૂય એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રજાસૂય અક્ષરકર્મીઓ વચ્ચેનો છે. કેટલાકને મન ઘરગથ્થુ એવી આ નાનકડી લડાઈ, લોકશાહીમાં અભીષ્ટ મોકળાશની રીતે પાયાની લડાઈ પણ હોઈ શકે છે.

ગુજરાતના અક્ષરજીવનમાં ‘સરસ્વતીચંદ્ર’કાર ગોમાત્રિની શતાબ્દીએ મળેલા સાહિત્ય પરિષદના અધિવેશન પછીનોે આ એક નિર્ણાયક તબક્કો છે. નડિયાદ અધિવેશન વખતે ઉમાશંકર જોશી, જયન્તિ દલાલ અન બીજાઓએ દેશને પ્રજાસત્તાક બંધારણ આપનારાઓ પૈકી એક એવા સર્જક ને સ્વતંત્રતા સેનાની મુનશીજીના એકાધિપત્યમાંથી પરિષદમુક્તિનો નેજો સાહ્યો હતો. પરિષદ મુનશીની આજ્ઞાંકિતા મટી ઉમાશંકર આદિના સખીકૃત્ય ભણી ગઈ, એવો એ એક નિર્ણાયક મોડ હતો. સોરાબને પંડે રાજી થવાપણું લાગે એવી સોરાબરુસ્તમીનો – રુસ્તમ પેઢી ભણી ઢળતો એ મોડ હતો. દર્શક હસ્તક નવપ્રારંભિત સાહિત્ય અકાદમી પણ સ્વાયત્તતાને રાહે એ પ્રક્રિયાનું એક અગ્રચરણ હતું.

એક સાથે વિષાદ અને નવસંચાર બેઉ જગવી શકે એવી આ સીમાઘટનાઓ છે. મુનશી, કેમ કે તેઓ મુનશી હતા, ઇતિહાસની પળ પારખી નવાં બળોને સારુ પથ પ્રશસ્ત કરવાની એક સૂઝ, કંઈક અસ્મિતાબોધ એમને હોઈ શકતો હતો. હાલના ધુરીણો અને એમના સાહિત્યસેવી ઉપગ્રહો ઈચ્છે તો આ ઘટનાક્રમમાં રહેલો ઈતિહાસબોધ બેલાશક ગ્રહણ કરી શકે છે.

આ ચર્ચા, જે દિવસો આવી લાગ્યા ન હોય તો પણ આવી રહ્યા છે એના ઉજાસમાં જોતાં વિપળવાર પણ વહેલી નથી. સામ્યવાદી મુલકોમાં જે અનુભવ રહ્યો છે, કૉંગ્રેસહસ્તક કટોકટી શાસનનો જે અનુભવ રહ્યો છે, હવે કથિત રાષ્ટ્રવાદ હસ્તક એ જ તરજ પર, એ જ તરાહ પર એક નવો દોર આવી ગયો છે … યુ હેવ ટુ ફૉલ ઈન લાઈન – સમજાય છે, સાહેબો ? શોલોખોવ જેવા શીર્ષસ્થ સાહિત્યકારે પણ પણ કમ્યુિનસ્ટ વાજું વગાડ્યું હતું કે લશ્કર કૂચ કરતું હોય ત્યારે કતારબંધ જ હોઈ શકે. બીજા શબ્દોમાં, ખબરદાર, જો આઘાપાછા થયા તો! એકતરફી સંવાદહિમાયત વસ્તુતઃ આ જ ફ્રિક્‌વન્સી પર બીના છે. પરિષદ-પ્રમુખની ચૂંટણી બાબતે અકાદમી અધ્યક્ષનાં ‘હિતવચનો’ જોવાં મૂલવવાની દૃષ્ટિએ વ્યાપક સંદર્ભમાં આટલી નુક્તેચીની.

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : ‘ખીસાવાસ્યમ્‌’, “દિવ્ય ભાસ્કર”, 30 સપ્ટેમ્બર 2017

Loading

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી સંદર્ભે પરિષદના સર્વ માનવંતા મતદારોને એક નમ્ર વિનંતી

—, રાજેન્દ્ર શુક્લ|Opinion - Literature|5 October 2017

સ્નેહી સાહિત્યસર્જકો અને સાહિત્યપ્રેમીઓ,

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટેની ચૂંટણી હવે નજીકના દિવસોમાં આવી રહી છે. અત્યાર સુધીના પ્રમુખોની નામાવલિમાંથી પસાર થનાર કોઈ પણ વ્યક્તિને ખ્યાલ આવશે કે પ્રમુખોએ પરિષદનાં ગૌરવ અને પ્રતિષ્ઠા જાળવવાનો, તેને સંવર્ધવાનો પુરુષાર્થ કર્યો છે.

એ તો સૌ કબૂલ કરશે કે સાંપ્રતકાળમાં મૂલ્યોની કટોકટી એકેએક ક્ષેત્રમાં ઊભી થઈ છે. આ કટોકટી સામે ઝઝૂમી શકાય એ માટે આપણે બધાએ શક્ય તેટલા પ્રયત્નો કરવા જોઈએ. આપણી સાહિત્યિક સંસ્થાઓએ પણ આ દિશામાં નક્કર પગલાં ભરવાં જોઈએ. ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થા બીજાં કશાં બાહ્ય પરિબળોથી ઘેરાયા વિના સ્વતંત્ર રીતે કાર્ય કરતી રહે, એ વધુ મહત્ત્વનું છે. આપણે આશા રાખીએ કે આપણા સૌના સહકારથી સાહિત્યિક સમાજને નિરામય બનાવી શકીશું.

પરિષદપ્રમુખની આ વખતની ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારોમાં સિતાંશુ યશશ્ચંદ્રની સર્જકતા અને સજ્જતા સવિશેષ નોંધપાત્ર છે. એકીઅવાજે ગુજરાતી ભાષાના એક સર્જક તરીકે આપણે સૌ એમને સ્વીકાર્યા છે. સિતાંશુ યશશ્ચંદ્રની કવિ, વિવેચક તરીકેની ખ્યાતિ ભારતીય કક્ષાએ તેમ જ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસરેલી છે, એ આપણે માટે ગૌરવની ઘટના છે. સાહિત્યિક સંસ્થાઓમાં આવા એક ઉત્તમ સર્જક પ્રમુખ તરીકે હોય, તો તે ઘટના અત્યંત આવકારદાયક છે. આપણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે એમને વધાવી લઈશું એવી આશા છે, શ્રદ્ધા છે. તેઓ ફાર્બસ સભા, દિલ્હીસ્થિત સાહિત્ય અકાદમી, બળવંત પારેખ સેન્ટર, સ્પાસ્ટિક સોસાયટી વગેરે સંસ્થાઓના સંચાલનમાં મહત્ત્વની કામગીરી બજાવે છે, એ પણ આપણે નજર સમક્ષ રાખવુું જોઈએ.

સાહિત્ય અને સાહિત્યિક પ્રવૃત્તિઓ વિશેષ ઊજળી અને ઉત્કૃષ્ટ બને એ માટે આપ સિતાંશુ યશશ્ચંદ્રને મત આપો એ સર્વથા યોગ્ય હશે.

લિખિતંગ અમે સૌ

ગુલામમોહમ્મદ શેખ, શિરીષ પંચાલ, રમણ સોની, જયદેવ શુક્લ, હિમાંશી શેલત, મધુ રાય હરિકૃષ્ણ પાઠક, રમણીક સોમેશ્વર, પ્રકાશ ન. શાહ, હર્ષદ ત્રિવેદી, બિંદુ ભટ્ટ, નરોત્તમ પલાણ, લાભશંકર પુરોહિત, માય ડિયર જયુ, દિલીપ ઝવેરી, જિતેન્દ્ર શાહ, કાંતિ પટેલ, સતીશ વ્યાસ, ડંકેશ ઓઝા, મણિભાઈ પ્રજાપતિ, પ્રબોધ પરીખ, કમલ વોરા, કાનજી પટેલ, દલપત પઢિયાર, નૌશિલ મહેતા, ઉદયન ઠક્કર, હેમંત ધોરડાં, હેમંત શાહ, ચંદુ મહેરિયા, નીરવ પટેલ, મનીષી જાની, દલપત ચૌહાણ, કિરીટ દૂધાત, બિપીન પટેલ, પરેશ નાયક, યોગેશ જોશી પ્રવીણ પંડ્યા, બારીન મહેતા, મહેન્દ્રસિંહ પરમાર, રાજેશ પંડ્યા, મહેશ ચંપકલાલ, શરીફા વીજળીવાળા, બકુલ ટેલર, મીનળ દવે, પુરુરાજ જોશી, સમીર ભટ્ટ, હસિત મહેતા, કિશોર વ્યાસ, વસંદ જોશી, હેમંત દવે, અજય રાવલ, મનીષા દવે, મૂકેશ વૈદ્ય, સેજલ શાહ, કેતન શેલત, આશા વીરેન્દ્ર, બકુલા ઘાસવાલા, ભીમજી ખાચરિયા, અભિજિત વ્યાસ, કાન્તિ માલસત્તર, આનંદ વસાવા, અશોક ચાવડા, યજ્ઞેશ દવે, ચીમનભાઈ પટેલ, પન્ના નાયક, નટવર ગાંધી, મધુસૂદન કાપડિયા, સૂચિ વ્યાસ, મહેન્દ્ર મહેતા, વિજય ભટ્ટ, ગિરીશ વ્યાસ, સુષમા દોશી, વિજય દોશી, નયના ડેલીવાલા, મુદિતા મહેતા, અખ્તરખાન પઠાણ, નિખિલ મોરી, યુયુત્સુ પંચાલ, પીયૂષ ઠક્કર, વિપુલ કલ્યાણી, ભદ્રા વડગામા, અનિલ વ્યાસ, અદમ ટંકારવી, અતુલ રાવલ.

*

કવિ સિતાંશુ યશશ્ચંદ્ર : સાહિત્યિક અને વિદ્યાકીય સિદ્ધિઓ

સિતાંશુ યશશ્ચંદ્ર એટલે ગુજરાતી ભાષાના એક ઉત્તમ સર્જક અને મીમાંસક. કવિ, નાટ્યકાર, અનુવાદક, સંપાદક તરીકેની એમની ઉજ્જ્વળ કારકિર્દી રહી છે. વિદ્યા અને સાહિત્યનાં ક્ષેત્રોમાં પચાસેક વર્ષથી એ સતત સક્રિય અને પ્રેરક રહ્યા છે.

અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી ભારતીય અને પાશ્ચાત્ય મીમાંસાના તુલનાત્મક સંશોધનમાં પદવી પ્રાપ્ત કરી મુંબઈ યુનિવર્સિટીની કૉલેજોમાં ગુજરાતી અધ્યાપન કર્યું. તેમ જ સાહિત્ય અકાદમી(દિલ્હી)ના એક યશસ્વી પ્રકલ્પ ‘Encyclopedia of Indian Literature’ના સંપાદક (૧૯૭૮-૧૯૮૨) તરીકે મહત્ત્વની કામગીરી બજાવી અને પછી નિવૃત્તિપર્યંત, પચીસેક વર્ષ, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને અધ્યક્ષ રહ્યા. ને એ પછી પણ ‘યુ.જી.સી. અમેરિટ્સ પ્રોફેસર’ તરીકે વિદ્યાપ્રવૃત્ત રહ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે કાર્યરત રહ્યા (૧૯૯૦-૧૯૯૩). ૨૦૦૬માં એમને સાહિત્ય અને વિદ્યાનાં ક્ષેત્રો માટે પદ્મશ્રી-સન્માન મળેલું. એ ઉપરાંત ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, દિલ્હી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાત અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડાની સેનેટ-સિન્ડિકેટના સભ્ય તરીકે કાર્યરત રહ્યા છે.

ગુજરાતીના આ ઉત્તમ સાહિત્યકારની કીર્તિ ભારતીય સ્તરે તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસરેલી છે. એમનાં કાવ્યો અને નાટકોના અનુવાદો  હિંદી, મરાઠી, બંગાળી વગેરે ભારતીય ભાષાઓમાં તેમ જ અંગ્રેજી, ફ્રૅન્ચ, જર્મન, રશિયન, કોરિયન આદિ વિદેશી ભાષાઓમાં થતા રહ્યા છે ને સામયિકો, સંચયો તેમ જ વેબસાઇટ પર પ્રકાશિત થતા રહ્યા છે. ભારતીય સર્જકોના પ્રતિનિધિ તરીકે ફ્રાન્સ, જર્મની, અમેરિકાની યુનિવર્સિટીઓમાં અવારનવાર એમને કાવ્ય-નાટક-વાચન માટે નિમંત્રણો મળતાં રહ્યાં છે.

એ ઉપરાંત, મુલાકાતી અધ્યાપક (Visiting professor) તરીકે તેઓ ભારતની જાદવપુર યુનિવર્સિટી કોલકાતા; ઇન્દિરા ગાંધી નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ વગેરેમાં તેમ જ વિદેશની Sorbonne Uni., Paris, L. M. University, L.A. U.S.A. તથા Uni. of Pernnsylvania, U.S.A.  નિમંત્રણો પામ્યા છે.

સાહિત્ય ક્ષેત્રે બહુવિધ પ્રદાન બદલ એમને અનેકવિધ પારિતોષિકો, ઍવૉર્ડ અને સન્માનો સાંપડ્યાં છે. તે પૈકી કેટલાંક તે સાહિત્ય અકાદૅમી(દિલ્હી)નો ઍવૉર્ડ (‘જટાયુ’ માટે, ૧૯૮૭); કવિતામાં પ્રદાન માટે રાષ્ટ્રીય કબીર-સન્માન (૧૯૯૮); ઓરિસ્સાનું ગંગાધર મહેર સન્માન (નાટક અને કવિતા માટે); મહારાષ્ટ્રનો કવિ કુસુમાગ્રજ નૅશનલ ઍવોર્ડ (૨૦૧૩) તેમ જ પદ્મશ્રી સન્માન – સાહિત્ય અને શિક્ષણમાં પ્રદાન માટે (૨૦૦૬). ઉપરાંત ગુજરાતીનાં પ્રતિષ્ઠિત સન્માનો રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક તેમ જ બીજા અનેક ઍવૉર્ડ એમને મળ્યા છે.

છેલ્લાં પાંચ વર્ષ (૨૦૧૩-૧૭)થી સાહિત્ય અકાદૅમી (દિલ્હી)ની Executive Councilના સભ્ય અને ગુજરાતી સલાહકાર સમિતિના સંયોજક અધ્યક્ષની કામગીરી બજાવતા સિતાંશુ યશશ્ચંદ્ર વિદેશમાં પણ જાણીતા આપણા એક તેજસ્વી અને મેધાવી ભારતીય ગુજરાતી સર્જક-મીમાંસક છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2017; પૃ. 05-06

Loading

સિતાંશુભાઈને શુભેચ્છા પાઠવું છું

હરિકૃષ્ણ પાઠક|Opinion - Literature|5 October 2017

ગુજરાતી સાહિત્ય પરિષદમાં મારી પાંત્રીસેક વરસની સક્રિય કામગીરી ધ્યાનમાં લઈને મારા સ્નેહીમિત્રો-વડીલો-શુભેચ્છકો અને પરિષદના પ્રમુખપદ માટે મારા નામની દરખાસ્ત કરનાર સહુ કોઈનો આભાર માનવા સાથે ક્ષમા યાચું છું. પ્રમુખપદની ચૂંટણીમાં સફળતાની પૂરી શક્યતા હોવા છતાં મારા સ્વાસ્થ્યના પ્રશ્ન ઉપરાંત બીજી કેટલીક બાબતો ધ્યાને લઈ મેં ઉમેદવારી પાછી ખેંચી છે.

જે પ્રમુખ કારણ છે, તે એ કે આજ સુધી પરિષદથી અંતર રાખનાર ને ક્યારેક ટીકાકાર પણ ખરા એવા આપણા પ્રતિષ્ઠિત સર્જક સિતાંશુ યશશ્ચંદ્ર સામે ચાલીને પરિષદમાં સકારાત્મક ભૂમિકાએ આમેજ થવા માગતા હોય, તો એ બાબત આવકાર્ય ગણાય.

વળી, બીજી વધુ મહત્ત્વની બાબત એ કે ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાના પ્રશ્ને તેમણે અપનાવેલ અભિગમ પણ પરિષદ સાથે મેળમાં રહ્યો છે અને તે અંગે જરૂર પડ્યે બોલતા-લખતા રહ્યા છે. આવા સર્જકની શક્તિ, સંપર્કો અને સક્રિયતાનો લાભ પરિષદને પણ મળશે, તેવી સહજ અપેક્ષા રાખી શકાય. સિતાંશુભાઈના પ્રગટ અને પ્રચ્છન્ન સમર્થકો પણ આ બાબતે યથાર્થ રીતે સમજશે, તેવી અપેક્ષા છે.

હું આ સર્જકને શુભેચ્છા પાઠવું છું.

ગાંધીનગર

સૌજન્ય “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2017; પૃ. 04

Loading

...102030...3,3103,3113,3123,313...3,3203,3303,340...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved