Opinion Magazine
Number of visits: 9766681
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિરોધાભાસોનો મેળાવડો

આશા બૂચ|Opinion - Opinion|19 November 2017

લેરી કોલિન્સ અને ડોમિનિક લૅપિયર લિખિત, અને અિશ્વન ભટ્ટ દ્વારા અનુવાદિત, પુસ્તક ‘અર્ધી રાતે આઝાદી’, તે પ્રકાશિત થયું તે સાલ 1975માં વાંચેલું, ત્યાર બાદ ફરી વાંચવા હાથમાં લીધું તે પૂરું કર્યે જ હાશ થઇ. તેમાં સ્વતંત્રતા પ્રાપ્તિની મંગલ વેળાએ જે દ્રશ્ય અને પરિસ્થિતિનું વર્ણન વાંચ્યું તે નીચે પ્રસ્તુત છે. એ વાંચ્યા બાદ રાજકોટ શહેરમાં હરતાં ફરતાં અને બહારગામ મુસાફરી કરતાં જે જે વિરોધાભાસો વારંવાર નજર સમક્ષ જોવા મળતા રહ્યા તેની ય અભિવ્યક્તિ રજૂ કરી છે.

નહેરુની સામે સાડીઓ, શેરવાણી, અચકન અને ડિનર જેકેટ પહેરીને નવા જન્મ લેતા દેશના પ્રતિનિધિઓ ગોઠવાયા હતા. દુનિયામાં ક્યાં ય જોટો ન મળે તેટલી સંસ્કાર, ધર્મ, ભાષા અને જાતિની વિવિધતા અહીં એકઠી મળી હતી. સાથે સાથે વિશ્વમાં ક્યાં ય જોવા ન મળે તેવા દારિદ્રયની પણ આ ધરતી હતી. આ ધરતીનું મહામૂલું ધન તેમાં દેખાતો વિરોધાભાસ જ હતો. તેના ખેતરો કરતાં તેની પ્રજા વધારે ફળદ્રુપ હતી. ઈશ્વરપરસ્ત અને ક્યાં ય જોવા ન મળે તેવી ભયાનક અને ક્રૂર કુદરતી આફતોથી ઘેરાયેલી એ ધરતી હતી. ભૂતકાળની ભવ્ય સિદ્ધિઓનો એ દેશ હતો અને અત્યારે વિશ્વમાં કોઈ પણ સમુદાય કરતાં કઠિન અને જટિલ પ્રશ્નો ધરાવતી એ ધરતી હતી, જેનું ભાવિ ચિંતાતુર હતું અને છતાં, આ બધાંમાં, આ બધાં દર્દો છતાં માનવકુળના સંસ્કાર-ક્ષિતિજ પર ભારત એક સર્વોચ્ચ અને અનન્ય સહનશીલતાના પ્રતીક સમું  હતું.  

આ ફકરામાં ઉલ્લેખ છે એ વિરોધાભાસો આઝાદીના સિત્તેર વર્ષો બાદ કઇંક વધુ તીવ્રતાથી નજરે પડે છે, અને તેની આખરી લીટીમાં કહ્યું છે તેમ, ‘ભારત માનવકુળના સંસ્કાર-ક્ષિતિજ પર એક સર્વોચ્ચ અને અનન્ય સહનશીલતાના પ્રતીક સમું’ ભાસતું હોય, એ જોવા મન પુરાવા એકઠા કરવા મથતું હતું જાણે. આ રહી દ્રશ્ય વિરોધાભાસોની નાનીશી યાદી :-

જાહેરમાં

મહિલાઓ ઝરી સતારાવાળી સાડી પહેરે જાહેરમાં
વળી શૌચ સારુ ચાલીને જાય પણ જાહેરમાં
અમે પાન અને તમાકુ ખાઈએ જાહેરમાં
પછી લાલચોળ પિચકારી મારીએ જાહેરમાં
સોના-ચાંદીનાં ઘરેણાં પહેરી મા’લીએ જાહેરમાં
શેરી ‘ને રસ્તાઓ પર કૂડો-કચરો ફેંકીએ જાહેરમાં
મસ મોટી મહેલાતો રચીએ જાહેરમાં
એની પછીતે ટીનની ઝૂંપડીમાં રહીએ જાહેરમાં
ગંજાવર શોપિંગ મૉલ બાંધીએ જાહેરમાં
પડખે રસ્તા પર શાક-ભાજી વેંચીએ જાહેરમાં
રોજ રોજ ઈશ્વરને ભજીએ જાહેરમાં
એનાં સંતાનોને પેટ ભરી ભાંડીએ જાહેરમાં
નેતાઓને રોડ શોમાં ફેરવીએ જાહેરમાં
વિરોધીઓને જૂતાના હાર પહેરાવીએ જાહેરમાં
અમે વાઇબ્રન્ટ ગુજરાતના વતની એ કબૂલીએ જાહેરમાં
વિકાસના વાહનો આડેધડ ચલાવીએ જાહેરમાં

e.mail : 71abuch@gmail.com

Loading

‘નાટક ભજવ્યા કરવાની, જુદી જુદી સૃષ્ટિ સર્જ્યા કરવાની તક વારંવાર કેટલાને મળે છે ?’ : નિમેષ દેસાઈ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|19 November 2017

બહુમુખી પ્રતિભા ધરાવતાં રોમે રોમ રંગકર્મી  નિમેષ દેસાઈનું એકસઠ વર્ષની ઉંમરે અવસાન

પૂરાં કદનાં, એટલે કે બે-અઢી કલાક ચાલનારાં એક-બે નહીં, પૂરાં એકસો પાંચ નાટકોનું દિગ્દર્શન કરનારા અલબેલા રંગકર્મી નિમેષ દેસાઈના જીવનનાટક પર ચૌદમી નવેમ્બરે મળસ્કે પડદો પડી ગયો.

નિમેષ તખ્તા ખાતર ખુવાર થઈ જનાર નાટકકાર હતા એમ કહેવાય છે એમાં ભાગ્યે જ અતિશયોક્તિ છે. તખ્તાને પાત્રો, દૃશ્યરચના, નૃત્ય, સન્નિવેશ, રંગરૂપથી; તેમ જ નાટ્યગૃહને સૂરાવલિ, પ્રકાશરચના અને  સૌંદર્યપૂર્ણ આનંદથી છલકાવી દેતાં, નિમેષનાં મોટાં વૃંદ સાથેનાં યાદગાર નાટકોની યાદી બહુ લાંબી છે. તેમાં ઓગણીસમી સદીના ડાહ્યાભાઈ ધોળશાજીથી લઈને સમકાલીન ચીનુ મોદી સુધીના, કે શેક્સપિયરથી અત્યારના ટૉમ ટોપોર સુધીના વિશ્વરંગભૂમિના નાટ્યકારોની કૃતિઓ આવે છે. રવીન્દ્રનાથ, ધર્મવીર ભારતી, મહેશ એલકુંચવાર, મોહન રાકેશ, અસગર વજાહત જેવા નાટ્યકારો પણ ખરા. તદુપરાંત ‘સરસ્વતીચંદ્ર’, ‘ભારેલો અગ્નિ’, ‘મળેલાં જીવ’ જેવી નવલકથાઓ પરનાં નાટકો પણ આપ્યાં છે. ‘ઢોલીડો’, ‘કહો મકનજી ક્યાં ચાલ્યા’ અને ‘સગપણ એક ઉખાણું’ તો નિમેષના નામ સાથે અત્યારે ય જોડાયેલાં છે.

નાટ્યવિવેચનમાં જેને ‘ગુડ થિએટર’ અને ‘ગ્રેટ થિએટર’ કહેવાય છે તેનો નિમેષ એક પર્યાય હતા. મુંબઈમાં આઇ.એન.ટી. અને પૃથ્વી જેવી નાટ્યસંસ્થાઓ દ્વારા તેમનાં નાટકોનાં ઉત્સવો, એન.સી.પી.એ., નહેરુ સેન્ટર અને દિલ્હીની એન.એસ.ડી.માં નાટકો માટે નિમંત્રણ, ગૌરવ પુરસ્કાર જેવાં અનેક સન્માનો તેમને મળ્યાં છે. નિમેષને રંગભૂમિનાં ગીતો ગાતા સાંભળવા-જોવા એક અલગ અનુભવ બની રહેતો. તેઓ મંચ પર બેસીને ગીતોને જાણે પરફૉર્મ  કરતા. તે જ રીતે તેમની નાટ્યતાલીમ શિબિરો ઊગતા કલાકારો માટે સંભારણું બની રહેતી.

‘રંગભૂમિ સાથેનો આડત્રીસ વર્ષનો ઘરોબો-નાતો … સમગ્ર જિંદગી જીવીએ અને જેટલા માણસોને મળી શકીએ તેનાથી કેટલાં ય વધુ પાત્રોનો હું મારી રંગયાત્રા દરમિયાન મળ્યો’, એમ કહેતા નિમેષ ખુદ એક પાત્ર કહેતાં ‘કૅરેક્ટર’ હતા. બીજા કોઈ પણ નાટકવાળા કરતાં વધુ આખ્યાયિકાઓ તેમની સાથે જોડાયેલી છે. જેમ કે ડાયાબિટીસ માટે હૉસ્પિટલમાં સારવાર લઈને બહાર નીકળીને તે સીધા જ લારી પર ફાફડા-જલેબી ખાવા બેઠા હતા. બાય ધ વે,  ડાયબિટીસ માટે પંકાયેલા નિમેષનું અવસાન વિશ્વ ડાયાબિટીસ દિવસની પરોઢે થાય એમાં ય એક નાટ્યાત્મક વક્રતા રહેલી છે. નિમેષ દેવાને કારણે પાગલ થઈ ગયા એવી વાતો ચાલી હતી. એક વખત બે મહિલાઓ તેમના ઘરમાં ડોકિયું કરીને જોતી હતી કેમ કે સવારમાં તેમણે સાંભળ્યું હતું કે નિમેષે પૈસાની ખેંચને કારણે આપઘાત કર્યો !

આવી જનાન્તિકે ઉક્તિઓ સાથેનાં નિમેષનાં જીવનનાટ્યમાં સુંદર દૃશ્યો ભરપૂર છે. જેમ કે, સદાબહાર ગીત ‘સાવરિયો રે મારો સાવરિયો’ રમેશ પારેખ પાસેથી નિમેષે અમદાવાદના એસ.ટી. સ્ટૅન્ડ પર એક મળસ્કે બસની ટિકિટોની પાછળ લખાવ્યું હતું. એ ગીત તેમણે પોતાના દિગ્દર્શન હેઠળની એક માત્ર ગુજરાતી ફીચર ફિલ્મ ‘નસીબની બલિહારી’માં ગૌરાંગ વ્યાસના સંગીતમાં આશા ભોસલેના અવાજમાં મૂક્યું હતું. ત્રેવીસ વર્ષના નિમેષની આ ફિલ્મને  રાજ્યના આઠ પુરસ્કાર મળ્યા હતા. તેમાં ભૂમિકા ભજવનાર નસિરુદ્દિન શાહ અને ઓમ પુરી નિમેષે કરેલાં ‘વેઇટિંગ ફૉર ગોદો’ના ગુજરાતી પ્રયોગ પર એટલા ખુશ હતા કે તેમણે બે દિવસ એક ટંક ભોજનનો ખર્ચો બચાવીને આ કલાકારને મુંબઈની મોંઘી હૉટલમાં જમાડ્યા હતા. એ નાટકે તેમને ‘ઉત્સવ’ ફિલ્મમાં સ્થાન અપાવ્યું હતું. અમદાવાદના ‘ઇસરો’એ 1975માં, નિમેષની ઓછી ઉંમરે પણ પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકેની ભરતી માટે દિલ્હીથી ખાસ મંજૂરી મેળવી હતી. પછી તેમને પ્રોડ્યૂસર તરીકે બઢતી અને પૂનાની એફ.ટી.આઇ.આઇ.માં ફિલ્મકળાની તાલીમ પણ મળી હતી. ‘ઇસરો’માં શૈક્ષણિક અને સામાજિક ઉપયોગિતાવાળા બારસો  કાર્યક્રમો પણ બનાવ્યા. સમાંતરે એચ.કે. આર્ટ્સ કૉલેજમાં શિક્ષણ સાથે ‘કોરસ’ નાટ્યજૂથ શરૂ કરીને અવનવાં નાટકો કર્યાં. પૂરો સમય નાટક કરવા માટે ‘ઇસરો’ની કેન્દ્ર સરકારની સલામત નોકરી છોડી.

આવા મનસ્વી નિમેષને પૈસાની સલામતી પિતા નિરંજનભાઈએ બૅન્કની પોતાની નોકરીનાં પગાર-પેન્શનથી આપી. આમ પણ તેમણે જ એના નાટ્યપ્રેમને, મુંબઈના ગોરેગાંવની ચાલીમાં રહીને પણ, પ્રોત્સાહન આપ્યું હતું. એટલે નિમેષે બાળપણ અને કુમાર વયમાં દસેક વર્ષ મુંબઈમાં અનેક ભાષાઓ અને પ્રકારનાં નાટક તેમ જ ગીતસંગીત માણ્યાં હતાં. સોળ-સત્તરની ઉંમરે નિમેષના પિતાની અમદાવાદ બદલી થતાં, આ રસિયો અમદાવાદના નાટક અને સાહિત્યવાળામાં ભળ્યો. નાટક, સિનેમા અને ટેલિવિઝનને જ વ્યવસાય બનાવ્યો. ચડતી-પડતી હંમેશાં આવતી રહી. એક તબક્કે  નાટક અને  સિરિયલ્સમાં નિમેષના પાસા સાવ અવળા પડતા પિતાએ વારસાગત જમીન અને બંગલો વેચીને એને ટેકો કર્યો. મધ્યમ આર્થિક સ્થિતિમાં પણ પોતાની રસિકતાનો આવિષ્કાર પુત્રના કલાજીવનમાં જોનારા પિતાનો ઉલ્લેખ નિમેષની વાતમાં વારંવાર ન આવે તો જ નવાઈ. એમની સ્મૃિતમાં નિમેષે ૨૦૧૩માં પોતાનાં નાટકો અને ગીતોનાં ઉત્સવો  કર્યા. તે પહેલાં નિમેષે મરાઠી, અંગ્રેજી અને  ભારતીય ભાષાઓનાં નાટકોના અલગ ઉત્સવો, તેમ જ સળંગ પિસ્તાળીસ દિવસની નાટ્યવ્યાખ્યાનમાળા જેવાં ભાગ્યે જ કોઈએ કર્યા હોય તેવાં તોતિંગ કાર્યક્રમો વ્યક્તિગત રીતે ગાંઠને ખર્ચે યોજ્યા. તેનાથી કમાનાર કરતાં ગુમાવનાર તરીકે તેમની નામનામાં ઉમેરો થયો. તેમને વધુ એક સ્થાન મળ્યું તે ન્યુસન્સ વૅલ્યૂ તરીકેનું. તેના મૂળ હતાં કલાજગતમાં સરકાર દ્વારા ચાલતાં અન્યાય, શોષણ અને ભ્રષ્ટાચાર સામે તેમણે અવારનવાર કાનૂની રાહે આપેલી લડતમાં.

બે વર્ષ પહેલાં ફેબ્રુઆરીમાં નિમેષે મેઘાણીએ ‘સોરઠી સંતો’ પુસ્તકમાં આલેખેલા વેલા બાવા પર એકપાત્રી પ્રયોગ કર્યો, જેમાં તેમણે પ્રત્યક્ષ સંગીત સાથે છએક ભજનો પણ ગાયાં. અઠ્ઠાવન વર્ષના નિમેષને  લાકડીના ટેકે સ્ટેજ પર ચાલતાં અને મુશ્કેલીથી અભિનય કરતાં જોયા છે. એ પરિસ્થિતિ કરુણતા સાથે કર્તૃત્વ, મજબૂરી સાથે મનોબળનું પ્રતીક હતી. ‘કાચી નિંદર, કાચાં સપનાં’ નાટક વખતે તેમનો પગ ભાંગ્યો. નાટકની આખી પ્રોસેસ નિમેષે ફ્રૅક્ચરવાળા પગે વૉકરની મદદથી કરી. વળી, પ્રયોગના આગળની રાત્રે પણ તે પડી ગયા અને ભારે મૂઢ માર વાગ્યો, પણ સવારે ઠાકોરભાઈ હૉલના શોમાં હાજર રહ્યા. આ એ નિમેષ છે કે જેણે સાડા આઠ વર્ષ પહેલાં બાયપાસ સર્જરી થયાના વીસમા દિવસે નાટ્યસંગીતનો સોલો કાર્યક્રમ ટાગોર હૉલમાં કર્યો હતો.

નિમેષને કલાસર્જનની તલપ રહેતી, એટલે તે પડકાર-પ્રતિભાવ, નફા-નુકસાનની કે વ્યાધિગ્રસ્ત શરીરની પણ ખાસ પરવા વિના કંઈને કંઈ કરતા રહેતા. ઘણો સમય દસ્તાવેજી ફિલ્મો એ આવકનું સાધન રહ્યું. આનંદનું સાધન પત્રકારત્વ અને નાટ્યવિદ્યાની સંસ્થાઓમાં શીખવવા જવાનું. બરાબર સવા મહિના પહેલાં તેમણે દિગ્દર્શિત કરેલાં ‘પરણું તો એને પરણું’ નાટકનો પહેલો પ્રયોગ થયો હતો, ૨૭ ઑક્ટોબર સુધી તેઓ એક થિયેટર વર્કશૉપમાં વ્યસ્ત હતા. નિમેષનો એક લાંબો જઝબાતી જમાનો હતો. એ જમાનામાં તાળીઓ એમને પ્રેરણા આપતી, પછી એ ઘટતી ગઈ. છતાં નિમેષ નાટકો કરતા રહ્યા. શા માટે? તો તેમણે લખ્યું છે : ‘બે કે અઢી કલાક મારો પ્રેક્ષક કેટલી નિષ્ઠાથી અને કેટલી સરળતાથી હું કહું એ સૃષ્ટિને સ્વીકારી લે છે. મને કેફ જ એ વાતનો છે … નાટક ભજવવાની, ભજવ્યા કરવાની,એમાં રમમાણ રહેવાની, સતત જુદી જુદી સૃષ્ટિ સર્જ્યા કરવાની તક વારંવાર કેટલાને મળે છે ?’

+++++

૧૬ નવેમ્બર ૨૦૧૭

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 17 નવેમ્બર 2017

Loading

બોલિવૂડમાં લેખિકાઓનો ફાળો

નિલય ભાવસાર|Opinion - Opinion|18 November 2017

આજે ૨૧મી સદીમાં ભારતમાં તેમ જ વૈશ્વિક સ્તરે દરેક કાર્ય અને ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે. હવે તેમાં ફિલ્મ નિર્માણ પ્રક્રિયાના વિવિધ ઘટકો જેવા કે ફિલ્મ લેખન, નિર્દેશન, પ્રોડક્શન, આર્ટ ડિરેક્શન, કોસ્ચ્યુમ ડિઝાઈનિંગ અને સંગીતથી માંડીને ફિલ્મ સંપાદન(એડીટિંગ)માં પણ મહિલાઓ ધીરે ધીરે પોતાનું સ્થાન મજબૂત બનાવી ચૂકી છે. પરંતુ આજે આપણે બોલીવુડ ફિલ્મ્સમાં સ્ત્રી લેખિકાઓના નોંધનીય તેમ જ પ્રશંસનીય કાર્ય વિશેની વાત કરીશું.

ગત પાંચ વર્ષમાં ઘણી એવી સફળ બોલીવુડ ફિલ્મ્સ આવી છે કે જેમાં એક લેખક તરીકે મહિલાએ કેન્દ્રમાં રહીને કાર્ય કર્યું છે. જેમાં નિર્દેશક દીબાકર બેનરજીની ફિલ્મ “ઓયે લકી, લકી ઓયે” (૨૦૦૮) અને “શાંઘાઈ”(૨૦૧૨)માં લેખિકા ઊર્મિ જુવેકરનો ખૂબ મહત્ત્વનો ફાળો રહેલો છે. એક લેખિકા તરીકે ઊર્મિ જુવેકરનું કહેવું છે કે, લેખક અને ડિરેક્ટર વચ્ચે કોઈ પણ ફિલ્મના જે-તે વિષય સંદર્ભે ચર્ચા થવી ખૂબ જ જરૂરી છે. આ સાથે કોઈ ચોક્કસ મુદ્દા પર બંનેની સહમતી પણ તેટલી જ આવશ્યક છે. એક લેખિકા તરીકે હું મારી ફિલ્મમાં માત્ર લેખનકાર્ય સુધી સીમિત ન રહેતાં શૂટિંગનાં સ્થળ પર પણ હાજરી આપું છું અને સાથે ફિલ્મ સંપાદનનાં કાર્યમાં પણ રસ દાખવું છું. તેમ જ એક લેખિકા તરીકે મારી સાથે ક્યારે ય કોઈ પ્રકારનો ભેદભાવ થયો નથી. મોટા ભાગના ડિરેક્ટર્સ પોતાની ફિલ્મમાં મહિલા લેખકની એટલા માટે પસંદગી કરતા હોય છે, કારણ કે તેના થકી ફિલ્મની વાર્તામાં એક નવા પ્રકારનો દ્રષ્ટિકોણ જોવા મળતો હોય છે. આર્ટના ક્ષેત્રમાં તમારે હંમેશાં પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરવાની હોય છે પણ જો તમે તેમાં કદાચ નિષ્ફળ નીવડો, તો “કારણ કે હું સ્ત્રી છું માટે મારી સાથે આવું થયું તેવું કહેવુ યોગ્ય નથી.”

જો ગત પાંચ વર્ષમાં આવેલી બોલીવુડ ફિલ્મ્સમાં નોંધનીય સ્ત્રી લેખિકાઓની વાત કરીએ તો ગત વર્ષે આવેલી નિર્દેશક સુજીત સરકારની ફિલ્મ “પીકુ” માટે લેખિકા જુહી ચતુર્વેદીને બેસ્ટ સ્ટોરીનો નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે, અને અગાઉ ફિલ “વીકી ડોનર” (૨૦૧૨) માટે તેઓને બેસ્ટ સ્ટોરીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો અને ફિલ્મ “મદ્રાસ કાફે”(૨૦૧૩)ના સંવાદ પણ તેમણે લખ્યાં છે. આ સિવાય સંજય લીલા ભણસાલીની ફિલ્મ “ગુઝારીશ”(૨૦૧૦)નાં લેખિકા ભવાની ઐયર છે. આ અગાઉ તેઓએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ “બ્લેક”(૨૦૦૫)માં સહ-લેખિકા તરીકેનું કાર્ય કર્યું હતું. ભવાની ઐયરે સાયન્સ વિષયમાં સ્નાતક થયાં બાદ એક એડ એજન્સીમાં કોપી રાઈટર તરીકે કાર્ય કર્યું અને બાદમાં ફિલ્મ પત્રકારત્વ ક્ષેત્રમાં ઝંપલાવ્યું. જ્યાં તેઓની મુલાકાત નિર્દેશક અનુરાગ કશ્યપ સાથે થઈ, જેઓએ તેમને ફિલ્મ લખવા માટેની પ્રેરણા આપી. ભવાની ઐયરનું કહેવું છે કે તેમને ફિલ્મ નિર્માણની પ્રક્રિયામાં લેખન સિવાય સંપાદનનાં કાર્યમાં મજા આવે છે. તેમના મતે ફિલ્મ સંપાદનનું કાર્ય એક પ્રકારની પઝલ છે. આ સિવાય ફિલ્મ “લુટેરા”(૨૦૧૩)માં પણ તેમણે સહ-લેખનનું કામ કર્યું છે.

ભારતીય સિનેમામાં પેરેલલ એટલે કે સમાંતર સિનેમા તરીકે ઓળખાતી ફિલ્મ્સમાં એક લેખિકા તરીકે શમા ઝેઈદીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેલું છે. શમા ઝેઈદીએ નિર્દેશક શ્યામ બેનેગલની ફિલ્મ્સમાં એક લેખિકા, આર્ટ ડિરેક્ટર અને કોસ્ચ્યુમ ડીઝાઈનર તરીકેની સક્રિય ભૂમિકા ભજવી છે. શમા ઝેઈદીએ શ્યામ બેનેગલની “ચરણદાસ ચોર” (૧૯૭૫), “આરોહણ” (૧૯૮૨), “મંડી” (૧૯૮૩), “સુસ્માન” (૧૯૮૬), “ત્રિકાલ” (૧૯૮૬) અને “સૂરજ કા સાંતવા ઘોડા” (૧૯૯૪) જેવી અનેક મહત્ત્વની ફિલ્મ્સમાં એક લેખિકા તરીકેનું કામ કર્યું છે. આ સિવાય પણ અન્ય ન્યુ વેવ તરીકે ઓળખાતી ફિલ્મ્સમાં સહ-લેખનનું કાર્ય કર્યું છે. જેમાં ફિલ્મ “ગરમ હવા”. “ચક્ર” અને “ઉમરાવ જાન” વગેરેનો સમાવેશ થાય છે. ફિલ્મ નિર્દેશિકા મીર નાયરની આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરનાર ફિલ્મ્સમાં લેખિકા સૂની તારાપોરેવાલાનું વિશેષ યોગદાન રહેલું છે. જેમાં “સલામ બોમ્બે” (૧૯૮૮), “મિસિસિપ્પી મસાલા” (૧૯૯૧) અને “ધ નેમસેક” (૨૦૦૬) જેવી ફિલ્મ્સનો સમાવેશ થાય છે.

બોલીવુડના જાણીતા નિર્દેશક મહેશ ભટ્ટની પ્રોડક્શન કંપની વિશેષ ફિલ્મ્સમાં ૧૦ કરતા વધુ ફિલ્મ્સમાં લેખિકા તરીકેનું કાર્ય કરનાર શગુફતા રફીકની પોતાના જીવનની વાર્તા પણ કોઈ ફિલ્મ સ્ટોરી કરતાં ઓછી નથી. શગુફતા રફીકનો ફિલ્મમાં પ્રવેશ થયો તે અગાઉ તેમણે દુબઈમાં એક બાર ડાન્સર તરીકેનું કામ કર્યું છે. તેમણે ફિલ્મ “વો લમ્હે”, “આવારાપન”, “ધોખા’, “મર્ડર ૨”, “જન્નત ૨” અને “આશિકી ૨” વગેરેમાં લેખિકા તરીકે ભૂમિકા ભજવી છે. આ સિવાય અભિનેતા અને નિર્દેશક ફરહાન અખ્તરનાં માતા અને ગીતકાર જાવેદ અખ્તરની પત્ની રહી ચૂકેલાં લેખિકા હની ઈરાનીને ફિલ્મ “કહોના પ્યાર હૈ” માટે બેસ્ટ સ્ક્રીનપ્લે માટેનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. ઉપરાંત તેમણે ફિલ્મ “લમ્હે”, “ક્રિશ”, “ડર” અને “કોઈ મિલ ગયા” જેવી ઘણી હિન્દી ફિલ્મ્સમાં સહ-લેખનનું કાર્ય કર્યું છે.

એક બાજુ કરણ જોહરની ફિલ્મ “માય નેમ ઈઝ ખાન” અને “કભી અલવિદા ના કહેના”માં એક લેખિકા તરીકે શિબાની બથીજા તો બીજી બાજુ બોલીવુડ ફિલ્મ્સ “જબ તક હે જાન”, “બચના એ હસીનો” અને “આયેશા’માં લેખિકા તરીકે દેવિકા ભગતનું વિશેષ યોગદાન રહેલું છે. નિર્દેશિકા મીરાં નાયરની વધુ એક ફિલ્મ “મોન્સૂન વેડિંગ”માં સહ-લેખક તરીકે સબરીના ધવનનો ફાળો રહેલો છે અને તેમણે આ સિવાય ફિલ્મ “કમીને” અને “ઈશ્કિયાં”માં પણ સહ-લેખનનું કાર્ય કર્યું છે. જ્યારે લેખિકા રેણુકા કુન્ઝરુંએ ફિલ્મ “હેય બેબી”, “બ્રેક કે બાદ” અને “દેસી બોયઝ”માં પોતાનો નોંધનીય ફાળો આપ્યો છે.

અહીં એક વાત નોંધવી રહી કે બોલીવુડની જેટલી પણ ફિલ્મ્સમાં મહિલાઓએ લેખક તરીકેનું કાર્ય કર્યું છે તેમાં દરેક વિષયમાં વિવિધતા જોવા મળી છે. એક મહિલા લેખક તરીકે તેમનાં લખાણમાં માત્ર સ્ત્રીઓને સ્પર્શતા મુદ્દાઓ સુધીની વાત મર્યાદિત નહિ રહેતા, જીવનની આસપાસની તમામ ઘટનાઓને તેમાં વણી લેવાનો પ્રયાસ કર્યો છે. “વીકી ડોનર” જેવી ફિલ્મમાં પણ સ્પર્મ ડોનેશન જેવા મુદ્દાને મનોરંજન સાથે લેખિકા જુહી ચતુર્વેદીએ દર્શકો સમક્ષ સુંદર રીતે રજૂ કર્યો છે.

આમ, આપણા દેશમાં ફિલ્મ નિર્માણ પ્રક્રિયામાં પ્રી-પ્રોડક્શનથી માંડીને પોસ્ટ-પ્રોડક્શન સુધીનાં તમામ કાર્યમાં મહિલાઓ ધીરે-ધીરે આગળ આવી રહી છે અને તેઓનું વિશેષ યોગદાન રહેલું છે.

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

...102030...3,3093,3103,3113,312...3,3203,3303,340...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved