Opinion Magazine
Number of visits: 9766871
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અખાડા અને ક્રોસફિટ: ફિટનેસનું ક્રોસ કનેક્શન

વિશાલ શાહ|Opinion - Opinion|21 November 2017

તમે અનેકવાર 'તારક મહેતાના ઉલટા ચશ્માં'ના આત્મારામ તુકારામ ભીડેની અદામાં સાંભળ્યું હશે કે, 'અમારા જમાનામાં તો લોકો જિમમાં નહીં, અખાડામાં જતા હતા અને દેશી કસરત કરતા હતા.'' આવું બોલનારા મોટા ભાગના લોકોનો ગર્ભિત ઈશારો એવો હોય છે કે, જિમ કરતાં અખાડા સારા. અખાડામાં બનાવેલી બોડી સારી અને અખાડિયન વધુ શક્તિશાળી હોય, વગેરે. આ પ્રકારના લોકો બીજી પણ એક બચકાની દલીલ કરતા હોય છે કે, આઝાદીકાળ વખતે અખાડા પ્રવૃત્તિએ યુવાનોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવાનું કામ કર્યું હતું. હા, કર્યું હતું, તો શું? હવે અખાડા છે જ નહીં. તો યંગસ્ટર્સ કસરત કરવા જાય ક્યાં? અખાડા શારીરિક અને માનસિક ઘડતર માટેના ઉત્તમ સ્થળ હતા, તો ભૂલાઈ કેમ ગયા? એક જ વાક્યમાં જવાબ આપવો હોય તો કહી શકાય કે, આપણી સંકુચિત માનસિકતા, વૈજ્ઞાનિક અભિગમનો અભાવ અને આઉટ ઓફ બોક્સ વિચારવાની અસમર્થતાના કારણે અખાડા સમય સાથે કદમ મિલાવી ના શક્યા અને ભૂલાઈ ગયા.

આજે અખાડાની વાત કરવાનું કારણ છે, ક્રોસફિટ. ક્રોસફિટ એક ફિટનેસ રેજિમન એટલે કે પ્રિસ્ક્રાઈબ્ડ એક્સરસાઈઝ અને ડાયેટ છે, પરંતુ ક્રોસફિટ એક્સરસાઇઝ ફોલો કરતા લોકો ચર્ચમાં જતા હોય એવી ઊંડી શ્રદ્ધા, એકાગ્રતા અને શાંત ચિત્તે ક્રોસફિટ જિમમાં જાય છે. એટલે જ એવું કહેવાય છે કે, ક્રોસફિટ એ અમેરિકાનો બીજો ધર્મ છે અને તેમનો 'પોપ' ગ્રેગ ગ્લાસમેન છે. પોપ જેવું કલ્ટ સ્ટેટસ મેળવનારા ગ્રેગ ગ્લાસમેન કોઈ સાધુ નથી. તેઓ પહેલાં જિમ્નાસ્ટ હતા અને હવે અમેરિકા, યુરોપની ફિટનેસ ઈન્ડસ્ટ્રીની હસ્તી ગણાય છે. તેમના દિમાગમાં ૧૯૯૬થી ફિઝિકલ એક્સરસાઈઝની સાયન્ટિફિક તાલીમ આપે એવું જિમ શરૂ કરવાના વિચારો ઘુમતા હતા. છેવટે ૨૦૦૦ની સાલમાં તેણે પત્ની (પૂર્વ) લોરેન જેનાઇ સાથે મળીને 'ક્રોસફિટ' નામની એક કંપનીની સ્થાપના કરી અને એ જ નામનો ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવ્યો. ગ્લાસમેને કેલિફોર્નિયાના સાન્તા ક્રૂઝમાં પહેલું જિમ શરૂ કર્યું અને થોડા સમયમાં જ વૉશિંગ્ટનના સિએટલમાં પહેલું ક્રોસફિટ એફિલિયેટ જિમ પણ ખૂલી ગયું. એ પછી ૨૦૦૫ સુધી અમેરિકામાં માંડ ૧૩ ક્રોસફિટ જિમ ખૂલ્યા.

ગ્રેસ ગ્લાસમેન

અને અત્યારે? અત્યારે દુનિયાના ૧૨૦ દેશમાં ૧૩ હજારથી વધુ ક્રોસફિટ જિમ છે. અમેરિકામાં પહેલું સ્ટારબક્સ કાફે ૧૯૭૧માં ખૂલ્યું હતું અને હાલ તેની સંખ્યા ૧૨,૫૦૦ છે. આ આંકડા પરથી સમજી શકાય છે કે, ક્રોસફિટનો વિકાસ કેટલો ઝડપથી થઈ રહ્યો છે! ભારતમાં પણ મુંબઈ, દિલ્હી, નોઇડા, ગુરગાંવ, ચંદીગઢ, બેંગલુરુ અને પૂણે સહિતના શહેરોમાં કુલ ૧૫ ક્રોસફિટ જિમ છે. ક્રોસફિટ જિમમાં ટીપિકલ જિમ જેવી કસરત નથી કરાવાતી, પરંતુ સ્ટેિમના વધે એવી હાઇ ઇન્ટેિન્સટી ઇન્ટવરલ ટ્રેઇનિંગ અપાય છે. ક્રોસફિટમાં રનિંગ, એરોબિક્સ, પુશ અપ્સ, પુલ અપ્સ, ચિન અપ્સ, રોપ ક્લાઇમ્બિંગ, સ્કીપિંગ (દોરડા કૂદવા), જમ્પિંગ અને સ્ક્વૉટ જેવી સેલ્ફ બોડી વેઇટ (કેલિસ્થેિનક્સ) એક્સરસાઈઝ મુખ્ય છે.

રસપ્રદ વાત એ છે કે, આ બધી એક્સરસાઈઝ બિલકુલ અખાડામાં કરાવાતી કસરતો જેવી જ છે. અખાડામાં પણ ખાડો ખોદવો અને પૂરવો, દોડવું, દંડ મારવા (પુશ અપ્સ), પુલ અપ્સ, દોરડા કૂદવા, સ્ક્વૉટ (ઊઠકબેઠક) અને ફ્રોગ જમ્પ (જાંઘ અને પેટના સ્નાયુઓ માટે) જેવી કસરત મુખ્ય છે. ક્રોસફિટ જિમમાં મોડર્ન જિમ જેવા ઇક્વિપમેન્ટ પણ નથી હોતા. તેઓ  કસરત કરવા ફક્ત ડમ્બેલ્સ, બાર બેલ (વેઇટ લિફ્ટિંગ માટેનું સાધન), કેટલ બેલ્સ (નાનકડા પર્સ જેવા આકારનું સાધન), વજનદાર ટાયર, સ્ટોન બૉલ (પથ્થરના ગોળા) અને યોગા બોલ પર આધાર રાખે છે. એવી જ રીતે, અખાડામાં પણ મગદળ, લાકડાના બ્લોક, મહાકાય ટાયર અને દોરડાની મદદથી જ જુદી જુદી કસરત કરાય છે. પ્રાચીન અખાડામાં ટાયરો ન હતા, પરંતુ આજકાલ અખાડામાં ટાયરની જેમ બીજા પણ કેટલાક મોડર્ન ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરાય છે.

ક્રોસફિટર્સ બાર બેલની વજનદાર પ્લેટને દોરડાથી બાંધીને કમરે ભરાવે છે અને જિમમાં રાઉન્ડ મારે છે. આ કસરત તેઓ પગના સ્નાયુઓની તાકાત વધારવા, કાફ મસલ્સ મજૂબત કરવા કરે છે. અખાડામાં આ જ કસરત જુદા સાધનોથી કરાય છે. અખાડિયનો લાકડાના વજનદાર બ્લોકને દોરડાથી બાંધે છે, દોરડું કમરમાં કે છાતી પર રાખે છે અને માટીથી ભરેલા અખાડામાં ચક્કરો મારે છે. આજકાલ પંજાબ-હરિયાણાના કેટલાક અખાડામાં આ કસરત માટે ટાયરોનો પણ ઉપયોગ થાય છે. ક્રોસફિટ જિમમાં આવી અનેક કસરત વારાફરથી કરાવાય છે. આ બધી જ કસરત પૂરી થાય ત્યારે ‘સર્કિટ’ પૂરી થઈ એમ કહેવાય. મોર્ડન ફિટનેસ રેજિમનની ભાષામાં તેને 'હાઇ ઇન્ટેિન્સટી ઇન્ટરવલ ટ્રેઇનિંગ' કહેવાય. અખાડામાં પણ સ્ટેિમના વધારવા બિલકુલ આવી જ રીતે ઉપરાછાપરી બધી કસરત કરાવાય છે.

આ પ્રકારની હાઇ સ્ટેિમના તાલીમમાં બર્પીઝ નામની કસરત અચૂક કરાવાય છે. બર્પીઝ એટલે દંડ મારીને તરત જ ઊભા થઈને કૂદકો મારવાનો અને કૂદકો માર્યા પછી નીચે જઈને ફરી દંડ મારવાનો. આવી જ કસરત અખાડામાં પણ કરાય છે, જેને ઊભા દંડ કહેવાય છે. અખાડિયન દંડ મારીને ઊભો થઈ જાય છે અને ફરી પાછો નીચે જઈને દંડ મારે છે. બર્પીઝમાં કૂદકો મારવામાં આવે છે, જ્યારે ઊભા દંડમાં કૂદકો નથી મારવામાં આવતો. આ કસરતમાં જબરદસ્ત કેલરી ખર્ચાય છે. પેટના મસલ્સ મજબૂત કરવા, સ્ટેિમના વધારવા અને ઈવન સિક્સ પેક બનાવવામાં પણ આ કસરત અસરકારક છે. બર્પીઝ દેખાવમાં જેટલી સરળ છે એટલી જ અઘરી છે. અખાડા અને ક્રોસફિટમાં બીજી પણ કેટલીક સમ્યતાઓ છે. અખાડિયન માટે અખાડો મંદિરથી કમ નથી. અખાડિયનો અખાડામાં જ હનુમાનજીની ભક્તિ કરે છે અને અખાડો શરૂ કરતા પહેલાં દીવા-અગરબત્તી પણ કરે છે. એવી જ રીતે, ક્રોસફિટર્સ માટે તેમનું જિમ ચર્ચ છે.

ક્રોસફિટમાં પણ અખાડા જેવી ગુરુશિષ્ય પરંપરા અસ્તિત્વમાં આવી રહી છે. અમેરિકા અને યુરોપના ક્રોસફિટ જિમમાં તાલીમ આપતા કોચને ‘ગુરુજી’ જેવો માન-મરતબો મળે છે. આ બધા કોચને ગ્રેસ ગ્લાસમેનની સાયન્ટિફિક એક્સરસાઇઝ અને ડાયેટનો ફેલાવો કરીને લોકોને હેલ્થી લાઇફસ્ટાઇલ આપવાની ફિલોસોફીમાં વિશ્વાસ છે. ગ્લાસમેનનો જન્મ ૨૨મી જુલાઈ, ૧૯૫૮ના રોજ થયો હતો. તેઓ અત્યારે ૬૧ વર્ષની આસપાસની ઉંમરના વૃદ્ધ છે, તેમની પાસે હોલિવૂડ સ્ટાર જેવું કરિશ્માઇ વ્યક્તિત્વ નથી અને સિક્સ પેક બોડી પણ નથી અને છતાં ક્રોસફિટ ફોલો કરતા કોલેજિયનો તેમના ઓટોગ્રાફ લે છે. વળી, ગ્લાસમેન કોલેજ ડ્રોપ આઉટ છે, નાસ્તિક છે અને બિલિયોનેર બિઝનેસમેન પણ નથી, પરંતુ ક્રોસફિટની સફળતા પછી તેઓ હાવર્ડ બિઝનેસ સ્કૂલ અને હાવર્ડ રિલિજિયન સ્કૂલમાં ભાષણો આપી ચૂક્યા છે. આ રમૂજ ગણાય કે વિધિની વક્રતા?

હાવર્ડ બિઝનેસ સ્કૂલે વિદ્યાર્થીઓને કંઈક શીખવવા માટે ગ્લાસમેનને ભાષણ કરવાનું આમંત્રણ આપ્યું હતું. બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને ક્રોસફિટનું બિઝનેસ મોડેલ ઘણું રસપ્રદ લાગે છે કારણ કે, કોઈ પણ વ્યક્તિ ક્રોસફિટનું સર્ટિફિકેટ લઈને ક્રોસફિટ એફિલિયેડ જિમ શરૂ કરી શકે છે. એ માટે એફિલિયેટેડ જિમના માલિકે ક્રોસફિટ કંપનીને વર્ષે ફક્ત ત્રણ હજાર ડૉલર ચૂકવવાના હોય છે. ક્રોસફિટના બિઝનેસ મોડેલ પરથી એવું લાગે છે કે, ગ્રેસ ગ્લાસમેનને અત્યારે ફક્ત ક્રોસફિટનો વધુને વધુ ફેલાવો કરવામાં જ રસ છે. કદાચ ક્રોસફિટના ઝળહળતી સફળતા પાછળ આ સીધુ સાદું બિઝનેસ મોડેલ પણ ઘણું મહત્ત્વનું છે. ગ્લાસમેન જે કંઈ કમાય છે તેનો મોટા ભાગનો હિસ્સો ક્રોસફિટનો ફેલાવો કરવામાં ખર્ચી કાઢે છે. આ બધું સમજવા માટે જ તેમને હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં આમંત્રણ અપાયું હતું. એવી જ રીતે, ક્રોસફિટને એક ધર્મની જેમ ફોલો કરાતું હોવાથી ગ્લાસમેનને ધર્મનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણ આપવા બોલાવાયા હતા.

અમેરિકામાં એવું કહેવાય છે કે, ક્રોસફિટ 'બાઇકર ગેંગ દ્વારા ચલાવાતો સંપ્રદાય' છે કારણ કે, ક્રોસફિટ જિમની દુનિયા જ કંઈક ખાસ હોય છે. ત્યાં આવતા બધા જ લોકો પાસે જીવનમાં કંઈક લક્ષ્ય હોય છે, જે તેઓ મેડિટેશન જેટલી ગંભીરતાથી કસરત કરીને સિદ્ધ કરે છે. આ લક્ષ્ય પાર પાડવા કોચ (ગુરુ) અને બીજા લોકોની (અનુયાયીઓ) પણ મદદ મળે છે. વળી, ક્રોસફિટમાં જુદી જુદી સ્પોર્ટ્સના એથ્લેટની જેમ ગર્ભવતીઓ, ફિઝિકલી ચેલેન્જડ અને બાળકો માટે પણ સ્પેિશયલાઇઝ એક્સરસાઈઝ હોય છે. કોઈ ટીપિકલ જિમમાં ભાખોડિયા ભરતાં બાળકો જોવા નહીં મળે, પરંતુ ક્રોસફિટમાં એ સામાન્ય બાબત છે. ત્યાં બધા જ લોકો બીજાને પણ પોતાના જેવું કરવાની પ્રેરણા આપે છે. એટલે ક્રોસફિટ જિમમાં એક પરિવાર જેવો માહોલ સર્જાય છે. ત્યાં બધા જ સરખા છે. કોઈ જ ભેદભાવ નથી. ક્રોસફિટ જિમમાં દરેક ચેમ્પિયન એથ્લેટ્સ નવાસવા યુવાનોને કે જુનિયર્સને પોતાના જેવા બનવામાં પૂરેપૂરી મદદ કરે છે. ધર્મ કે સંપ્રદાય એટલે એકસરખી શ્રદ્ધામાં વિશ્વાસ કરતા લોકોનું જૂથ કે નેટવર્ક. એટલે જ કહી શકાય કે, ધર્મો-પરંપરાઓ ક્યારે ય મૃત્યુ નથી પામતા, પરંતુ ફક્ત પરિવર્તન પામે છે. ક્રોસફિટ આધુનિક ધર્મનું જ એક સ્વરૂપ છે.

ક્રોસફિટના વિકાસ અને સફળતા પાછળ સોશિયલ મીડિયાએ પણ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી છે. દુનિયાભરમાં ખૂલેલા ક્રોસફિટ જિમ ફ્રેન્ચાઇઝી નથી, પરંતુ સર્ટિફાઇડ ટ્રેઇનરોનું કન્ફેડરેશન (સંઘ) છે. તેઓ યુ ટ્યૂબ, ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ક્રોસફિટના ઓથેન્ટિક સોર્સ પરથી સતત ક્રોસફિટર્સ સાથે સંપર્કમાં રહે છે, નવું શીખે છે અને બીજાને શીખવાડે છે. કોઈ પણ વ્યક્તિ ક્રોસફિટની ઓનલાઈન ટ્રેઇનિંગ લઈને સર્ટિફાઇડ ક્રોસફિટ ટ્રેઇનર બની શકે છે. દુનિયામાં હાર્ડકોર ક્રોસફિટરની સંખ્યા માંડ ૪૦ લાખ છે, પરંતુ દુનિયાભરના ફિટનેસ ફ્રેક યુવાનો સોશિયલ મીડિયામાં સતત ક્રોસફિટના વીડિયો અને ઈમેજીસ અપલોડ કરતા હોવાથી પણ ક્રોસફિટને લાભ મળી રહ્યો છે. જેમ કે, અમદાવાદ, સુરત કે રાજકોટમાં ક્રોસફિટ જિમ નથી, પરંતુ ક્રોસફિટની વિવિધ કસરતોનું અનુકરણ કરનારા યુવાનો છે. આવા લોકો જિમમાં કે મ્યુિનસિપલ ગાર્ડનમાં ક્રોસફિટ જેવી કસરતો કરીને સંતોષ માને છે.

ટૂંકમાં, ક્રોસફિટ જેવા જ વિકાસની સંભાવના અખાડામાં પણ છે. અખાડિયન માટે અખાડો ધર્મસ્થળ છે. અખાડિયન ખૂબ જ શ્રદ્ધાથી અખાડામાં આવે છે, સાફસફાઈ કરે છે, કુશ્તી માટે માટી પાથરીને રિંગ તૈયાર કરે છે, ગુરુ પાસે તાલીમ લે છે, જુનિયર્સને તૈયાર કરે છે અને મંદિરની જેમ દીવો-અગરબત્તી પણ કરે છે. એટલે જ આપણે અખાડાને સંપૂર્ણ સાયન્ટિફિક એપ્રોચ સાથે સજીવન કરવાની જરૂર છે. આ સાયન્ટિફિક એપ્રોચના અભાવના કારણે જ અખાડિયનની બોડીમાં ક્રોસફિટર જેવું ફિનિશિંગ કે સ્ટેિમના નથી હોતો. પંજાબ અને હરિયાણામાં એવા અનેક અખાડા છે જ, જ્યાં મેડિકલ સાયન્સ અને ટેક્નોલોજીનો સ્વીકાર કરીને ઓલિમ્પિક કક્ષાના રેસલર તૈયાર કરાઈ રહ્યા છે. ક્રોસફિટ જિમની જેમ અખાડામાં પણ પુરુષ-સ્ત્રી વચ્ચે કોઈ ભેદભાવ ના હોવા જોઈએ. દાયકાઓ સુધી અખાડામાં પુરુષોનું આધિપત્ય રહ્યું. અખાડો એટલે પુરુષો જ જઈ શકે એ જૂનવાણી અને સંકુચિત માન્યતા છે. થેંક્સ ટુ 'દંગલ' અને ‘સુલતાન’ ટીમ. જૂનું એટલું સારું એવું માનનારા લોકો ચોક્કસ કુંડાળામાંથી બહાર આવીને કશું વિચારતા નથી, પરિવર્તનો સ્વીકારતા નથી અને આવા લોકોના કારણે જ સમૃદ્ધ પરંપરાઓ પણ નેસ્તનાબૂદ થઈ જાય છે. અખાડા તેનું જ એક ઉદાહરણ છે.

આઝાદી પછી અનેક ક્ષેત્રોમાં આધુનિકતાનો વાયરો ફૂંકાયો. એ વાવાઝોડામાં આપણે અનેક બાબતોમાં પરંપરા સાથે આધુનિકતાનો સમન્વય કરીને આપણી સંસ્કૃિત જીવંત રાખવામાં નિષ્ફળ રહ્યા. અખાડા સાથે પણ એવું જ થયું પણ હવે આપણે ક્રોસફિટમાંથી બોધપાઠ લઈને દેશભરમાં અખાડા સજીવન કરી નવી શરૂઆત કરવી જોઈએ.

e.mail : vishnubharatiya@gmail.com

http://vishnubharatiya.blogspot.co.uk/2017/11/blog-post_21.html

Loading

નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું એ જ સાચા શાસકનો રાજધર્મ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|20 November 2017

૧૯૮૭માં સલમાન રશ્દીની નવલકથા ‘ધ સેતાનિક વર્સિસ’ હજી તો પ્રકાશિત થઈ ન થઈ અને જગતભરમાં મુસ્લિમ દેશોમાં વિવાદ જાગ્યો હતો.

ઈરાનના મૌલવી આયાતોલ્લા ખોમૈનીએ રશ્દી સામે મોતનો ફતવો બહાર પાડ્યો હતો અને એક પછી એક મુસ્લિમ દેશો પુસ્તક પર પ્રતિબંધ મૂકતા હતા. એ સમયે ભારતમાં રાજીવ ગાંધીની સરકાર હતી અને રાજીવ ગાંધીએ જાતે રસ લઈને ભારતમાં ‘ધ સેતાનિક વર્સિસ’ પુસ્તક પર પ્રતિબંધ મૂકી દીધો હતો. રાજીવ ગાંધીની સરકારે પ્રતિબંધ મૂક્યો ત્યારે એ પુસ્તકની નકલ હજી ભારતની બજારમાં આવી નહોતી અને એ કોઈએ એ પુસ્તક જોયું પણ નહોતું. સરકારે ત્યારે કારણ આપ્યું હતું કે દેશમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ન સર્જા‍ય અને અશાંતિ પેદા ન થાય એ માટે આગોતરો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વાંચવાનું તો બાજુએ રહ્યું, જોયા પણ વિના પુસ્તક પર પ્રતિબંધ કઈ રીતે મૂકી શકાય? કૃતિને અને વ્યક્તિને જોયા પણ વિના અભિપ્રાય આપવાની આપણે ત્યાં લાંબી પરંપરા છે. ૨૦૦૯માં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જ પક્ષના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંત સિંહના ભારતના વિભાજન વિશેના પુસ્તક પર ગુજરાતમાં પ્રતિબંધ મૂકી દીધો હતો. એ પુસ્તક હજી માર્કેટમાં આવ્યું નહોતું, નરેન્દ્ર મોદીએ કાગળની સુગંધ લીધી પણ નહોતી એ પહેલાં જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. કારણ એ હતું કે એ પુસ્તકમાં કૉન્ગ્રેસના બીજા નેતાઓ સાથે સરદાર પટેલને ભારતના વિભાજન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. એમ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ-સરસંઘચાલક એચ.વી. શેષાદ્રિએ પણ ભારતના વિભાજન માટે સરદારને દોષી ઠેરવનારું ‘ધ ટ્રેજિક સ્ટોરી ઑફ ઇન્ડિયાઝ પાર્ટિશન’ નામનું પુસ્તક લખ્યું છે અને એ ગુજરાતમાં ઠેર-ઠેર સંઘની ઑફિસોમાં અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ઉપલબ્ધ છે. એ સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પાટીદારોની ભાવના ન દુભાય એ માટે આગોતરો પ્રતિબંધ મૂક્યો હતો.

હજી ત્રણ દિવસ પહેલાંના સમારંભમાં બોલતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘અભિવ્યક્તિસ્વાતંત્ર્ય વિશે બેમત હોઈ જ ન શકે, કારણ કે ભારત એ લોકશાહી દેશ છે અને એ માટે ભારત ગર્વ અનુભવે છે. ભારતની આ ધરોહર છે અને એને કોઈ પણ ભોગે જાળવી રાખવામાં આવશે.’ કોની અભિવ્યક્તિ? તો કહે ભારતના અદના નાગરિકની અને કઈ રીતની અભિવ્યક્તિ ? તો કહે દરેક સ્વરૂપની? ઇન એની ફૉર્મ એમ વડા પ્રધાને કહ્યું છે અને અહીં હું તેમના પોતાના શબ્દો ટાંકું છું ઍની ફૉર્મ ઑફ એક્સપ્રેશન. તો પછી જસવંત સિંહને અભિવ્યક્તિનો અધિકાર નહોતો મળવો જોઈતો? અભિવ્યક્તિ પુસ્તકના રૂપમાં છે એટલે વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાનો? આ જ રાહે સંજય લીલા ભણસાલીના અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનું શું? શા માટે ‘પદ્માવતી’ ફિલ્મના પ્રદર્શન માટે સરકાર મદદ નથી કરતી? વાચકોને યાદ હશે કે માહિતી અને પ્રસારણ મંત્રાલયે ‘ન્યુડ’ અને ‘એસ. દુર્ગા’ નામની બે ફિલ્મોને ગોવા વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલમાંથી હટાવી દીધી છે. શું એના નિર્માતા અને દિગ્દર્શકો ભારતના નાગરિકો નથી? શું તેમને અભિવ્યક્તિનો અધિકાર નથી. ઇન ઍની ફૉર્મ ઑફ એક્સપ્રેશનમાં ફિલ્મોનો સમાવેશ નથી થતો? હદ તો એ વાતની છે કે સિલેક્શન કમિટીએ આ બે ફિલ્મોને ફેસ્ટિવલ માટે પસંદ કરી હતી. સિલેક્શન કમિટીની રચના ભારત સરકારે કરી હતી અને હવે એ જ સરકારે કમિટીની ઉપરવટ જઈને ફિલ્મને ન મોકલવાનો નિર્ણય લીધો છે. આ બધાં વાતોનાં વડાં છે. સાચો લોકશાહીપ્રેમ ધરાવનારા પહેલા અને છેલ્લા વડા પ્રધાન આ દેશમાં જવાહરલાલ નેહરુ હતા.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને કહ્યું છે કે ‘પદ્માવતી’ના વિવાદનો અંત લાવવામાં આવે અન્યથા રાજ્યમાં અશાંતિ સર્જા‍શે અને ઉત્તર પ્રદેશ સરકારને ગરબડ જોઈતી નથી. લોકતાંત્રિક દેશના લોકતાંત્રિક માર્ગે ચૂંટાયેલા મુખ્ય પ્રધાન એમ નથી કહેતા કે ‘સંજય લીલા ભણસાલીને ફિલ્મ બનાવવાનો અધિકાર છે અને લોકોને એ જોવાનો અધિકાર છે. સરકાર તેમના અધિકારોનું રક્ષણ કરશે અને એ સરકારનો ધર્મ છે. જેને ફિલ્મ સામે વાંધો હોય એ ન જુએ. તેમના ફિલ્મ ન જોવાના કે ફિલ્મનો બહિષ્કાર કરવાના અધિકારનું પણ સરકાર રક્ષણ કરશે.’ આની જગ્યાએ યોગીબાબા કહે છે કે ઝંઝટ નહીં જોઈએ. અરે ભાઈ, ઝંઝટથી બચવું હતું તો ગોરખપુરના અખાડામાંથી બહાર આવવાના કોણે સોગંદ દીધા હતા?

હવે રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ કેન્દ્રના માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાનને લખ્યું છે કે ‘ફિલ્મ ‘બાબા’ રિલીઝ કરતાં પહેલાં ખાતરી કરી લો કે કોઈને કાંઈ વાંધો તો નથીને? જો વાંધો હોય તો સંબંધિત કોમ કે ઇતિહાસકારો સાથે વાતચીત કરવામાં આવે અને તેઓ કહે એ મુજબ ફેરફાર કરવામાં આવે. પાછળથી ઝંઝટ નહીં જોઈએ.’ વસુંધરા રાજેને કોઈ ડાહ્યા માણસે કહેવું જોઈએ કે આ ફીચર ફિલ્મ છે, પદ્માવતીના જીવન પરની ડૉક્યુમેન્ટરી નથી. ફીચર ફિલ્મ અને ડૉક્યુમેન્ટરીમાં ફરક હોય છે અને એ સાધારણ નાગરિક પણ જાણે છે. હજી જોઈએ તો આ કાલ્પનિક ફિલ્મ છે અને એને જે કોઈ ઇતિહાસ હોય એની સાથે સંબંધ નથી એવો ખુલાસો કરનારું ડિસ્ક્લેમર મૂકવામાં આવે. જે કોઈ ઇતિહાસ એટલા માટે કે ‘પદ્માવતી’ની ઐતિહાસિકતા હજી સુધી સાબિત નથી થઈ. પદ્માવતી હતી એનાં જ જ્યારે ઇતિહાસકારો પ્રમાણ નથી આપી શક્યાં તો એ કેવી હતી અને ફિલ્મમાં એ કેવી નથી એ ઇતિહાસકારો કઈ રીતે કહી શકે? આમ વસુંધરા રાજેનો ધર્મ જો તેમનામાં રસિકતા કેળવાયેલી હોય તો સર્જકને અનુકૂળ વાતાવરણ પેદા કરવાનો છે અને સૌથી વધુ તો જે લોકો કૃતિ માણવા કે વાંચવા માગે છે તેમના અધિકારોનું રક્ષણ કરવાનો છે.

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમનો ધર્મ જસવંત સિંહના પુસ્તકને વાંચવાના ગુજરાતમાં વસતા ભારતના નાગરિકના અધિકારનું રક્ષણ કરવાનો હતો. ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં સર્જકો પોતાની રચના કોઈ પણ પ્રકારના અવરોધ વિના રજૂ કરી શકે એની અનુકૂળતા પેદા કરી આપવાનો છે. યુવક-યુવતી પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવા માગતાં હોય, તેમને ગમે એવાં કપડાં પહેરવા માગતાં હોય કે પોતાની પસંદગીનું ભોજન કરવા માગતાં હોય તો તેમનો એ અધિકાર છે અને વડા પ્રધાન તરીકે તેમના અધિકારનું રક્ષણ થાય એ જોવાનો તેમનો ધર્મ છે. બાકી પ્રસંગ જોઈને ડાહી-ડાહી વાતો કરવાની અને મૂલ્યોનું હનન થાય ત્યારે ચૂપ રહેવાનું એ ઢોંગ છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 20 નવેમ્બર 2017

Loading

હવે આશા કેવી

જયન્ત મ. પંડ્યા|Poetry|20 November 2017


દયાળુ લોકોના દિવસ સઘળા છેક જ ગયા.
ગઈ આંખોમાંની મીઠપ મનને 'હાશ !" કરતી;
નર્યા ઉલ્લાસોનું મધુવન અરણ્યે જઈ ભળ્યું,
ગયા નાનામોટા દીપ, હૃદયઅંધાર હરતા.
અરે, આ તે કેવી પ્રગતિ? ગતિ દુ:શાસન ભણી !
ઉસેટે જે વસ્ત્રો, લઘુ વસનથી માંડ જીવતા
જનોનાં – જે ભૂખ્યા, ઘરવિહીન ને સાવ દૂબળાં;
બધે કાપાલિકો ભ્રમણ કરીને લોહી ચૂસતા.
પ્રજા આખી જાણે નીકળી પડી સંપત્તિ લણવા,
બધું આખેઆખું હડપ કરવાની રઢ લઈ;
કદી મૂલ્યો કેરી જિકર કરતાં, મોં ફરી જતું !
અને આખોમાંથી અચરજ ફૂટે હાસ કરતું !
દિવાળીના દીવા તમસ હરવા સાવ વિફલ,
તહીં આશા કેવી તમસ થકી જ્યોતિર્ગમયની !

('અખંડ આનંદ', નવેમ્બર ૨૦૦૫)

Loading

...102030...3,3083,3093,3103,311...3,3203,3303,340...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved